ભૂતાનનો જાદુ : લોકો સ્માર્ટફોનનું વળગણ છોડી રહ્યા છે
- ભૂતાનના લોકો મોબાઈલ અને સોશિયલ મીડિયાથી દૂર વાસ્તવિક જીવનનો આનંદ લેવામાં વધુ વ્યસ્ત
- 21મી સદીમાં ટેક્નોલોજી, સ્માર્ટફોન, સ્માર્ટ ગેજેટ્સ અને એઆઈની બોલબાલા છે ત્યાં ભારતના પાડોશી દેશ દ્વારા ટેક્નોલોજીથનો મર્યાદિત ઉપયોગ કરવાની જીવન પદ્ધતિ અપનાવાઈ રહી છે : 1972માં રાજા દ્વારા દેશના વિકાસ અને લોકોની સમૃદ્ધિ માટે જીડીપી નહીં પણ ગ્રોસ નેશનલ હેપ્પીનેસ એટલે કે જીએનએચનો વિચાર આપવામાં આવ્યો. તેમાં જણાવાયું કે, માત્ર વસ્તુઓના હોવાથી લોકો ખુશ નથી તેમની આંતરિક ખુશીનું પણ માપ થવું જોઈએ : ભૂતાન સરકાર જ ડિજિટલ ડિટોક્સ વીકની ઉજવણી કરતી હોય છે. આ દરમિયાન નાગરિકોને મોબાઈલ, ટીવી, સોશિયલ મીડિયા વગેરેથી દૂર રહેવા માટે પ્રેરણા આપવામાં આવે છે, પ્રોત્સાહન આપવામાં આવે છે : ભૂતાનમાં 1999 સુધી ટીવી પણ નહોતા. અહીંયા 2000ની સાલમાં પહેલી વખત ઈન્ટરનેટ પહોંચ્યું. આજે પણ દેશના મોટાભાગના વિસ્તારોમાં મોબાઈલ કે ઈન્ટરનેટની પૂરતી સેવાઓ નથી
આધુનિક સમય ટેક્નોલોજીનો સમય છે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો સમય છે અને લોકો સતત આધુનિક સાધનો અને સંસાધનોથી ઘેરાતા જાય છે. તે ઉપરાંત લોકો સ્માર્ટફોનથી તો એવા એડિક્ટ થયા છે કે, તેનાથી દૂર થઈ શકતા જ નથી. આજે કોઈને મોબાઈલથી દૂર રહેવાનું કહી તો તે રહી શકે તેમ જ નથી. દરેકને મેસેજ જોવા છે, ફોન ઉપર વાતો કરવી છે, સોશિયલ મીડિયાનું વળગણ છે. દુનિયાના મોટાભાગના લોકોની આ જ સ્થિતિ છે. આપણે દર ચાર-પાંચ મિનિટે મોબાઈલ સ્ક્રીન ચેક કરીએ છીએ. રિંગ વાગે એટલે તરત જ ઉપાડી લઈએ છીએ, મેસેજનો જવાબ તો આપવો જ પડે છે. આ બધું જ આજના ડિજિટલ વ્યસનનું ચિત્ર છે. દુનિયાના મોટાભાગના દેશો મોબાઈલના વ્યસન અને વળગણથી ચિંતાગ્રસ્ત છે ત્યાં એક દેશ એવો છે જ્યાં લોકો ડિજિટલ ડિટોક્સિંગ તરફ આગળ વધી રહ્યા છે. ભારતના પડોશમાં આવેલા ભૂતાનના લોકો શાંતિથી જીવવા માટે માનસિક શાંતિ માટે અને સંતુલન બનાવવા માટે મોબાઈલથી દૂર થઈ રહ્યા છે. લોકોનું આ વલણ જોઈને દુનિયાભરના લોકો દંગ છે.
૨૧મી સદીમાં દુનિયા ડિજિટલી મજબૂત થઈ રહી છે, ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે ત્યાં ભૂતાનના લોકો સ્માર્ટ ફોન અને મોબાઈલથી દૂર થઈ રહ્યા છે. લોકોએ હવે મોબાઈલ ફોન, સ્માર્ટ ફોન અને સ્માર્ટ ગેજેટ્સનો ઉપયોગ મર્યાદિત કરી દીધો છે. ભૂતાને આધુનિક ટેક્નોલોજીને સંપૂર્ણ સ્વીકારી પણ નથી અને સંપૂર્ણ નકારી પણ નથી. આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ સંયમ સાથે, સમજદારી સાથે, માનવીય જીવનને સાનુકુળ બનાવે તે રીતે અને સભાનતા સાથે કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભૂતાનનું જે દર્શન શાસ્ત્ર છે તેમાં આ ટેક્નોલોજીનો સંયમિત ઉપયોગ કરવાનું રહસ્ય રહેલું છે. ભૂતાનમાં રાજા જિગ્મે સિંગ્યે વાંગચુક દ્વારા લોકોની સમૃદ્ધિ અને ખુશી માટે વિશેષ વિચાર આપવામાં આવ્યો હતો. ૧૯૭૨માં રાજા દ્વારા દેશના વિકાસ અને લોકોની સમૃદ્ધિ માટે જીડીપી નહીં પણ ગ્રોસ નેશનલ હેપ્પીનેસ એટલે કે જીએનએચનો વિચાર આપવામાં આવ્યો. તેમાં જણાવાયું કે, માત્ર વસ્તુઓના હોવાથી લોકો ખુશ નથી તેમની આંતરિક ખુશીનું પણ માપ થવું જોઈએ અને તેનું પ્રમાણ હોવું જોઈએ. તેના કારણે જ સમાન આર્થિક વિકાસની સાથે સાથે સમાન સામાજિક વિકાસ, સમાન બૌદ્ધિક વિકાસ અને માનસિક શાંતિને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
અહીંયા એવું માનવામાં આવે છે કે, પ્રકૃતિને સાથે રાખવાથી જ સંસ્કૃતિની જાળવણી થશે અને તેનો વિકાસ થશે. એવો પ્રયાસ કરવામાં આવે લોકોને સારું સાશન મળે, તેઓ માનસિક રીતે પણ તણાવથી દૂર રહે અને ભૌતિક રીતે પણ સંપૂર્ણ રહે. અહીંયા દરેક લોકોને જીવન જીવવાનો આનંદ આવે. લોકો પ્રકૃતિની નજીક રહે અને પૈસા પાછળની આંધળી દોડ છોડીને મૂળભૂત જીવન જરૂરિયાતની વસ્તુઓ મળે છે તે મેળવી લે. તેઓ ભૌતિકતા ભોગવવા સખત મહેનત કરવાના બદલે જે જરૂરી છે તે મેળવીને બાકીનો સમય પોતાના પરિવાર, સમાજ સાથે જે મેળવ્યું છે તેને ભોગવવામાં સમય પસાર કરે.
ભૂતાનની બીજી ખાસીયત એવી છે કે, અહીંયા સરકાર દ્વારા જ સમયાંતરે લોકોને ડિજિટલી ડિટોક્સ કરવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અહીંયા ભૂતાન સરકાર જ ડિજિટલ ડિટોક્સ વીકની ઉજવણી કરતી હોય છે. આ દરમિયાન નાગરિકોને મોબાઈલ, ટીવી, સોશિયલ મીડિયા વગેરેથી દૂર રહેવા માટે પ્રેરણા આપવામાં આવે છે, પ્રોત્સાહન આપવામાં આવે છે. બીજી મહત્ત્વની બાબત એ છે કે, અહીંયા શાળા કોલેજોમાં જ બાળકોને અને યુવાનોને સ્માર્ટફોનના વળગણ અને સોશિયલ મીડિયાથી દૂર રહેવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. મોટાભાગની સ્કૂલોમાં મોબાઈલ લઈ જવા ઉપર જ પ્રતિબંધ મુકાયેલો છે. આ ઉપરાંત શિક્ષકો અને સરકારી કર્મચારીઓ કામના સ્થળે મોબાઈલનો ઉપયોગ ન કરીને તથા ઘણી જગ્યાએ મોબાઈલ જ ન લઈ જઈને પોતે જ ઉદાહરણરૂપ બને છે. દુનિયાના વિવિધ દેશોની જેમ અહીંયા ઓફિસનું, કર્મચારીનું, કર્મચારી યુનિયનનું, શિક્ષકોનું કે સ્કૂલનું વગેરે કોઈ વોટ્સએપ ગ્રૂપ જોવા મળતા નથી.
અહીંયા ઈન્ટરનેટની સ્પીડ જાણી જોઈને ધીમી રાખવામાં આવે છે. ભૂતાનમાં ૮૦ ટકાથી વધારે વિસ્તાર પર્વતિય અને ગ્રામ્ય છે. અહીંયા મોબાઈલના પૂરતા નેટવર્ક પણ નથી અને ઈન્ટરનેટની ઝડપ પણ ઓછી છે. અહીંયા માત્ર ભૌગોલિક કારણોસર આવી અગવડ પડી રહી છે તેવું નથી પણ સરકારે જાણી જોઈને ટેક્નોલોજીનો વિકાસ ધીમો રાખ્યો છે. તેના પ્રત્યે સતર્કતા દાખવવામાં આવી છે. નવાઈની વાત એવી છે કે, ભૂતાનમાં ૧૯૯૯ સુધી ટીવી પણ નહોતા. અહીંયા ૨૦૦૦ની સાલમાં પહેલી વખત ઈન્ટરનેટ પહોંચ્યું. આજે પણ દેશના મોટાભાગના વિસ્તારોમાં મોબાઈલ કે ઈન્ટરનેટની પૂરતી સેવાઓ નથી. અહીંયા સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવામાં આવી છે જેથી ફેક ન્યૂઝ અને નેગેટિવ ન્યૂઝ ઉપર નજર રાખી શકાય અને સમાજને તેના ખરાબ પરિમાણો અને અસરોથી બચાવી શકાય. અહીંયા ડિજિટલ વસ્તુઓનો ઓછો ઉપયોગ તે માત્ર ટ્રેન્ડ નથી પણ નીતિ અને સંસ્કૃતિ બની રહ્યા છે.
નોંધનિય બાબત એવી પણ છે કે, ભૂતાનના શિક્ષણ મંત્રાલય દ્વારા પણ ડિજિટલ જાગ્રતી આવે તે માટે સ્કુલમાં અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યા છે. તે અંગેના માર્ગદર્શક કાર્યક્રમો અને અભ્યાસેત્તર પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. બાળકો અને વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે કે, મોબાઈલ અને ઈન્ટરનેટનો કેવી રીતે મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ, માત્ર ઉદ્દેશપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. સોશિયલ મીડિયાની આદત ન પડી જાય તેના વિશે પણ સમજ આપવામાં આવે છે. યૂથ સેન્ટર્સમાં નિયમિત રીતે ટેક્નોલોજી ફાસ્ટિંગ કાર્યક્રમ પણ રાખવામાં આવે છે. યુવાનો મોટી સંખ્યામાં ડિજિટલી ડિટોક્સ થવા માટ અહીંયા આવતા હોય છે અને કાર્યક્રમમાં ભાગ લેતા હોય છે.
ઉલ્લેખનીય છે કે, ભૂતાનની સંસ્કૃતિ બૌદ્ધ પરંપરા ઉપર આધારિત છે. તેના મૂળમાં ધ્યાન, મૌન, આત્મનિરિક્ષણ અને સાદગીનો ભાવ રહેલો છે. અહીંયાના બૌદ્ધ મઠોમાં મોબાઈલના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલો છે. આ ઉપરાંત અહીંયા લગ્નો, અંતિમ સંસ્કાર, તહેવારો અને સાર્વજનિક ઉત્સવોમાં લોકો ફોનના ઉપયોગ કરતા વ્યક્તિગત રીતે વાતો કરવાને પ્રાધાન્ય આપે છે. શરૂઆતમાં લોકોને સાચા રસ્તે લઈ જવા આવા નિયમ બનાવાયા હતા પણ હવે તો જાહેર સ્થળોએ, તહેવારોમાં કે સારા-ખોટા પ્રસંગોમાં લોકો મોબાઈલનો નજીવો ઉપયોગ કરવા લાગ્યા છે. આ માત્ર નિયમ નહીં પણ સામાજિક આદત બની ગઈ છે.
ભૂતાન સરકારે સોશિયલ મીડિયામાં કોઈપણ મુદ્દાને સરળતાથી છુટો મુક્યો નથી. અહીંયા તમામ બાબતે વોચ રાખવામાં આવે છે. સરકારી ઓફિસરો માટે સ્પેશિયલ મીડિયા આચરણ પોલિસી બનાવવામાં આવી છે. અહીંયા કોઈપણ અફવા, ટ્રોલિંગ કે પછી નાકારાત્મક પોસ્ટિંગ વિરુદ્ધ તરત જ કામગીરી કરવામાં આવે છે. અહીંયા ડિજિટલ સાક્ષરતા દ્વારા લોકોને સમજ આપવામાં આવે છે કે, તેમની સોશિયલ મીડિયામાં બતાવવાં આવતી તમામ બાબતો ઉપર વિશ્વાસ ન કરવાનું શિખવવામાં આવે છે. તેમાં જણાવાય છે કે, સોશિયલ મીડિયામાં બધું જ દેખાય છે તેવું હોતું નથી. આ રીતે ડિજિટલી એક સ્વસ્થ માહોલ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેનાથી લોકો સમજાય છે કે, ઓનલાઈન હોવાનો અર્થ માત્ર સોશિયલ મીડિયા ઉપર ટાઈમપાસ કરવાનો થતો નથી. તેનાથી વિશેષ ઘણા કામ છે.
અહીંયા સરકારી કચેરીઓમાં બે કલાકનો ટેક્નોલોજી બ્રેક પડે છે
ઉલ્લેખનીય છે કે, ભૂતાનમાં સરકારી કર્મચારીઓને અને અન્ય ખાનગી કચેરીઓમાં પણ કર્મચારીઓને મોબાઈલ અને આધુનિક ટેક્નોલોજીના ગેજેટ્સનો વધુ પડતો ઉપયોગ ન કરવા જણાવાય છે. અહીંયા કર્મચારીઓ જાતે જ કચેરીઓમાં મોબાઈલનો ખાસ ઉપયોગ કરતા નથી.
અહીંયા સરકારી કચેરીઓમાં કામગીરીના કલાકો દરમિયાન મોબાઈલનો નહીવત ઉપયોગ કરવાના આદેશ અપાયેલા છે. અહીંયા વર્ક અને લાઈફ બેલેન્સ જળવાઈ રહે તેના ઉપર ભાર મુકવામાં આવે છે. અહીંયા સરકાર દ્વારા અને ખાનગી કચેરીઓ દ્વારા પણ નવતર પ્રયોગો કરાયા છે. આ કચેરીઓ દ્વારા કર્મચારીઓને એકાદ-બે કલાકના ટેક્નોલોજી બ્રેક આપવામાં આવે છે. આ દરમિયાન તમામ કર્ચમારીઓ કોઈપણ પ્રકારની સ્ક્રીનના ઉપયોગ વગર મેન્યુઅલ કામગીરી કરે છે. આ રીતે તેમનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. બીજી તરફ વાત એવી છે કે, ભૂતાનનું મોડલ એક તરફ પસંદ પડે તેવું છે અને બીજી તરફ તેમાં પડકારો પણ રહેલા છે. ટેક્નોલોજીનો ઓછો ઉપયોગ એકંદરે સંપૂર્ણ વિકાસમાં અવરોધરૂપ બને છે. ટેક્નોલોજીના ઉપયોગ અને સ્વીકારની વાત આવે ત્યારે ભૂતાન તેના બે મોટા પાડોશી ચીન અને ભારત કરતા ઘણું પાછળ પડી ગયું હોય તેમ લાગે છે. જાણકારો માને છે કે, ભૂતાને દુનિયાને સાબિત કરી બતાવ્યું છે, જીવનમાં મોબાઈલનો ઉપયોગ ઓછો કરી શકાય છે અને તેનાથી નુકસાન થતું નથી.