- ડિજિટલ એડિક્શનને પગલે ટીનએજર્સ અને યુવાનો ભયાનક રીતે ડિપ્રેશન, એન્ગ્ઝાઈટી, વાયોલન્સ અને સાઈબર ક્રાઈમનો ભોગ બની રહ્યા છે
- ભારતમાં કરાયેલા અને વૈશ્વિક સ્તરે થયેલા અનેક સર્વે જણાવે છે કે, 12 થી 24 વર્ષના કિશોરો અને યુવાનોમાં ડિજિટલ માધ્યમોનું વળગણ સતત વધી રહ્યું છે. તેના પગલે ઉશ્કેરાટ, ગુસ્સો, ડિપ્રેશન, આત્મવિશ્વાસનો અભાવ, સાઈબર બુલિંગ અને સાઈબર ક્રાઈમ જેવી બાબતો વધી રહી છે : યુવાનોમાં કમ્પલ્સિવ સ્ક્રોલિંગ, સોશિયલ મીડિયા કમ્પેરિઝન અને ગેમિંગ ડિસઓર્ડર જેવી માનસિક બિમારીઓ પણ વધી રહી છે. તેના પગલે કિશોરો અને યુવાનોમાં ઉંઘ ઓછી થઈ ગઈ છે, ગુસ્સો અને ઉશ્કેરાટ વધી ગયા છે, સામાજિક જોડાણનો અભાવ જણાય છે, ડિપ્રેશન આવતું જાય છે: ઓસ્ટ્રેલિયામાં સોશિયલ મીડિયા કંપનીઓને બાળકોને રોકવા માટે 'યોગ્ય પગલાં' લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જો 16 વર્ષથી નીચેના બાળકો સોશિયલ મીડિયા માધ્યમોનો ઉપયોગ કરતા જણાશે તો કંપનીઓને 49.5 મિલિયન ડોલર (આશરે રૂ. 270 કરોડ) સુધીનો દંડ કરવાની જોગવાઈ કરાઈ છે
સંસદમાં સરકાર દ્વારા વાર્ષિક આર્થિક સર્વેક્ષણનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. મહત્ત્વની વાત એ છે કે, આ અહેવાલમાં સરકાર દ્વારા દેશની આર્થિક બાબતો ઉપરાંત સામાજિક બાબતોને પણ ઉજાગર કરવામાં આવી હતી. આ સર્વેમાં જણાવવામાં આવ્યું હતું કે, દેશોના યુવાનો, ટીનએજર્સ અને બાળકોમાં ડિજિટલ એડિક્શન સતત વધી રહ્યું છે અને તે ભારત માટે ચિંતાનો વિષય છે. સોશિયલ મીડિયાની લતથી શરૂ કરીને ઓનલાઈન સટ્ટાબાજીની એપ્સના વળગણ સુધી વિવિધ વયના બાળકો, કિશોરો અને યુવાનો પોતાની જિંદગી ખરાબ કરી રહ્યા છે. તેમાં જણાવાયું હતું કે, જે રીતે બાળકો અને કિશોરોમાં સોશિયલ મીડિયાનો અને ઈન્ટરનેટ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તેના કારણે તેઓ ડિપ્રેશન, એન્ગ્ઝાઈટી, હિંસા અને સાઈબર ક્રાઈમ વગેરેનો ભોગ બની રહ્યા છે. તેના કારણે તેમના પરિવાર પણ પીડમાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સર્વેમાં જણાવાયું છે કે, આ ડિજિટલ એડિક્શનને પગલે બાળકોમાં ઉંઘની સમસ્યા સૌથી મોટો પડકાર બની રહી છે. તેના કારણે તેમની રોજિંદી કામગીરી અને અભ્યાસને નકારાત્મક અસર પડી રહી છે. તેઓ ધ્યાન રાખીને અભ્યાસ કરી શકતા નથી અને તેના કારણે તેમના પરિણામે નબળા આવે છે, ઉંઘ પૂરી ન થવાથી શરીરમાં થાક અને સુસ્તી રહ્યા કરે છે. તેના કારણે સામાજિક પ્રવૃત્તિઓમાં પણ ઉશ્કેરાટ વધતો જાય છે. આ અંગે સરકારી અહેવાલમાં અને અન્ય સરકારી તથા બિનસરકારી સંસ્થાઓ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તે ઉપરાંત વિવિધ ગાઈડલાઈન્સ પણ જારી કરવામાં આવી છે. ખાસ કરીને નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ચાઈલ્ડ રાઈટ્સ દ્વારા બાળકોના સ્ક્રીન ટાઈમને નક્કી કરવાનું સુચન કરવામાં આવ્યું હતું.
આ અહેવાલમાં જણાવાયું હતું કે, ભારતમાં કરાયેલા અને વૈશ્વિક સ્તરે થયેલા અનેક સર્વે જણાવે છે કે, ૧૨ થી ૨૪ વર્ષના કિશોરો અને યુવાનોમાં ડિજિટલ માધ્યમોનું વળગણ સતત વધી રહ્યું છે. લોકોમાં હવે મોબાઈલ અને સોશિયલ મીડિયાના માધ્યમો હવે લત અને કુટેવ બની રહ્યા છે. તેના પગલે ઉશ્કેરાટ, ગુસ્સો, ડિપ્રેશન, આત્મવિશ્વાસનો અભાવ, સાઈબર બુલિંગ અને સાઈબર ક્રાઈમ જેવી બાબતો વધી રહી છે. તે ઉપરાંત યુવાનોમાં કમ્પલ્સિવ સ્ક્રોલિંગ, સોશિયલ મીડિયા કમ્પેરિઝન અને ગેમિંગ ડિસઓર્ડર જેવી માનસિક બિમારીઓ પણ વધી રહી છે. તેના પગલે કિશોરો અને યુવાનોમાં ઉંઘ ઓછી થઈ ગઈ છે, ગુસ્સો અને ઉશ્કેરાટ વધી ગયા છે, સામાજિક જોડાણનો અભાવ જણાય છે, ડિપ્રેશન આવતું જાય છે.
સરકાર દ્વારા આ સ્થિતિને કાબુ કરવા માટે ઘણા પગલા લેવામાં આવી રહ્યા હોવાનો પણ દાવો કરાયો છે. ટેલિ માનસ નામની એક ટિલફોન હેલ્પલાઈન ચલાવવામાં આવી રહી છે. તે ૨૪ કલાક અને ૭ દિવસ કાયમ ઉપલબ્ધ કરાવાઈ છે. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી કોઈપણ આ હેલ્પલાઈન દ્વારા સોશિયલ મીડિયાના વગળણથી કે ડિજિટલ ડિટોક્સ માટે કામગીરી કરી શકે છે. આ ઉપરાંત ૨૦૨૪માં ટેલિ માનસ એપ પણ લોન્ચ કરવામાં આવી હતી. આ એપ લોન્ચ થઈ ત્યારથી અત્યાર સુધીમાં ૩૨ લાખ લોકોએ તેનો લાભ લીધો છે.
જાણકારો માને છે કે, સરકાર દ્વારા ૧૬ વર્ષથી નીચેની ઉંમરના યુઝર્સ ઉપર સોશિયલ મીડિયાના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકવા અંગે વિચાર થવો જોઈએ. આ અંગે અન્ય દેશોની જેમ ભારતમાં પણ આકરા નિયમો બનવા જોઈએ. બીજી તરફ ઓફલાઈન યુથ હબ્સ બનાવવા જોઈએ. ખાસ કરીને અર્બન વિસ્તારોમાં, સ્લમ્સમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ શારીરિક રીતે કરી શકાય તેવી કામગીરી અને અન્ય એક્ટિવિટીના સેન્ટરો શરૂ કરવા જોઈએ જેથી યુવાનો મોબાઈલ છોડીને તેમાં વ્યસ્ત રહી શકે અને આનંદ મેળવી શકે. સ્કૂલ, કોલેજોમાં પણ વિવિધ સ્તરે સેમિનાર થવા જોઈએ જે ડિજિટલ એડિક્શનથી બાળકોને દૂર લઈ જાય અને તેમના આત્મવિશ્વાસમાં વધારો કરીને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં તેમને જોડી શકે. ડિજિટલ વેલનેસ કરિક્યુલમ પણ ઉમેરવો જોઈએ જેથી તેમનામાં સાઈબર લિટરસી, સાઈબર સેફ્ટી અને મેન્ટલ હેલ્થ અંગે જાગ્રતી આવે.
ઉલ્લેખનીય છે કે, વિશ્વના વિવિધ દેશોમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે વય મર્યાદાના કાયદા બનાવવામાં આવેલા છે અને કડકાઈથી લાગુ પણ કરવામાં આવેલા છે. વિશ્વના દેશો ઉપર નજર કરીએ તો, સૌથી કડક કાયદો ઓસ્ટ્રેલિયાએ ડિસેમ્બર ૨૦૨૫માં લાગુ કર્યો હતો. જાણકારોના મતે તેણે વિશ્વનો સૌથી કડક કાયદો અમલી બનાવ્યો છે. અહીં ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ કાયદો લાગુ થઈ ગયો છે. સોશિયલ મીડિયા કંપનીઓને બાળકોને રોકવા માટે 'યોગ્ય પગલાં' લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જો ૧૬ વર્ષથી નીચેના બાળકો સોશિયલ મીડિયા માધ્યમોનો ઉપયોગ કરતા જણાશે તો કંપનીઓને ૪૯.૫ મિલિયન છેંઘ (આશરે રૂ. ૨૭૦ કરોડ) સુધીનો દંડ કરવાની જોગવાઈ કરાઈ છે. હવે માતા-પિતાની સંમતી પણ માન્ય રાખવામાં આવી નથી. ૧૬ વર્ષથી નીચે કોઈને સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરવા દેવાય.
તેવી જ રીતે ફ્રાન્સ પણ આ દિશામાં ખૂબ જ સક્રિય છે. ત્યાંના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન આ મુદ્દે સતત અવાજ ઉઠાવી રહ્યા છે. ત્યાં ૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવા પર પ્રતિબંધની તૈયારી ચાલી રહી છે. તાજેતરમાં (જાન્યુઆરી ૨૦૨૬) નેશનલ એસેમ્બલીએ આ અંગેના એક બિલને મંજૂરી આપી છે, જેને સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં સંપૂર્ણપણે અમલી બનાવવાનું લક્ષ્ય છે. હાલમાં, ૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને એકાઉન્ટ બનાવવા માટે માતા-પિતાની પરવાનગીની જરૂર પડે છે. આ સિવાય અમેરિકામાં પણ કેટલાક કાયદા છે. અમેરિકામાં હાલમાં કોઈ સમાન રાષ્ટ્રીય કાયદો નથી, પરંતુ રાજ્ય સ્તરે ઘણા કડક નિયમો છે. ર્ભંઁઁછ કાયદા હેઠળ ફેડરલ સ્તરે ૧૩ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો ડેટા માતા-પિતાની પરવાનગી વિના લઈ શકાતો નથી. ફ્લોરિડા, ઉટાહ અને વર્જિનિયા જેવા રાજ્યોએ ૧૪થી ૧૬ વર્ષના બાળકો માટે સોશિયલ મીડિયા પર કડક પ્રતિબંધો લાદ્યા છે.
ભારતમાં કિશોરોને સોશિયલ મીડિયાના ઉપયોગ માટે કોઈ કડક નિયમો નથી
ભારતમાં હાલમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ડેટા પ્રોટેક્શન કાયદા હેઠળ 'કિશોર' માનવામાં આવે છે અને તેમના માટે માતાપિતાની સંમતિ જરૂરી છે. ચિંતાજનક બાબત એ છે કે, સોશિયલ મીડિયા એક્સેસ માટે કોઈ કડક વય પ્રતિબંધ નથી. તાજેતરના અહેવાલો અનુસાર, ગોવા અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યો ઓસ્ટ્રેલિયાના મોડલ પર વિચાર કરી રહ્યા છે. બીજી તરફ આ આર્થિક સર્વેક્ષણમાં ડિજિટલ પ્લેટફોર્મની નકારાત્મક અસરોને ઘટાડવા માટે કેટલાક કડક પગલાં ભરવાનું સૂચન કરવામાં આવ્યું છે. તેમાં સૌથી પહેલાં તો ઓસ્ટ્રેલિયાની જેમ પ્લેટફોર્મની જવાબદારી નક્કી કરવા ભલામણ કરાઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા અને ગેમ્બલિંગ એપ્સને વય ચકાસણી લાગુ કરવા માટે જવાબદાર ઠેરવવી જોઈએ. તેમાં તેઓ નિષ્ફળ જાય તો પ્લેટફોર્મ સામે જ પગલાં લેવા જોઈએ. આ ઉપરાંત ફીચર્સ પર પણ નિયંત્રણ લાવવાની તાકીદ કરાઈ છે. બાળકો અને યુવાનો માટે 'ઓટો-પ્લે' વીડિયો ફીચર્સ અને 'ટાર્ગેટેડ જાહેરાતો' પર નિયંત્રણ લાવવાની ટકોર કરવામાં આવી છે. આ ફીચર્સ સ્ક્ીન ટાઇમ વધારવા અને લત લગાવવામાં મોટી ભૂમિકા ભજવતી હોવાનું તારણ છે. તે ઉપરાંત પારિવારિક ભૂમિકા ઉપર પણ ભાર મુકવામાં આવ્યો છે. સર્વેક્ષણમાં માત્ર કાયદાકીય ઉપાયો પર જ નહીં, પરંતુ સામાજિક પરિવર્તન પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
પરિવારોને સ્ક્રીન-ટાઇમ લિમિટ, ડિવાઇસ-ફ્રી સમય અને ઓફલાઇન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાની સલાહ આપવામાં આવી છે. આ રીતે જ બાળકો, કિશોરો અને યુવાનોને ડિજિટલ એડિક્શનથી દૂર લઈ જઈ શકાશે.
યુરોપિયન યુનિયન પણ આ વર્ષે બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકવા વિચારી રહ્યું છે
જાણકારોના મતે ફ્રાન્સની સંસદ દ્વારા ૧૫ વર્ષથી નીચેના બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકવાની તરફેણમાં સહમતી સાધવામાં આવી હતી. તેના પગલે જ યુરોપિયન યુનિયન દ્વારા પણ સમાન રીતે બાળકો માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મુકવા વિચારણા કરવામાં આવી રહી છે. જાણકારો માને છે કે, જે રીતે ઓસ્ટ્રેલિયામાં ૧૬ વર્ષથી નીચે પ્રતિબંધ મુકી દેવાયો તે જોતાં યુરોપિયન યુનિયન ઉપર દબાણ અને ભારણ વધ્યું હોય તેમ લાગી રહ્યું છે.
બ્રસેલ્સ દ્વારા હવે આ મુદ્દા ઉપર ગંભીરતાથી વિચાર કરીને પગલા લેવાનું આયોજન છે. હાલમાં તમામ સોશિયલ મીડિયા માધ્યમોને બાળકો ઉપર થતી અસરોની તપાસ કરવામાં આવી રહી છે. ચર્ચા એવી છે કે, યુરોપિયન યુનિયનના ૨૭ સભ્ય દેશોમાં સમાન રીતે બાળકો અને કિશોરોમાં સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે કાયદા બનાવવામાં આવે અને લાગુ કરવામાં આવે.
યુરોપિયન યુનિયને જણાવ્યું કે, હાલમાં દરેક સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ આ અંગે નિર્ણય લેવામાં આવશે.
બીજી તરફ મલેશિયા, નોર્વે અને ન્યૂઝીલેન્ડ દ્વારા પણ ૧૬ વર્ષથી નીચેની ઉંમરના કિશોરો અને બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ ઉપર પ્રતિબંધનો વિચાર કરવામાં આવી રહ્યો છે.


