- જાન્યુઆરીથી નવેમ્બર દરમિયાન 334માંથી 331 દિવસ ક્લાઈમેટ ચેન્જને કારણે ઋતુઓમાં પરિવર્તન થતું રહ્યું
- જાન્યુઆરી 2025થી નવેમ્બર 2025 સુધીમાં વર્ષના મોટાભાગના દિવસોમાં દેશના કોઈને કોઈ ભાગમાં લોકોને કુદરતના રૌદ્ર સ્વરૂપની અનુભુતી કરવાનો વારો આવ્યો હતો. ભારત માટે 2025નું વર્ષ 99 ટકા જેટલું ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોમગની આકરી અસરવાળું વર્ષ રહ્યું છે : વર્ષ દરમિયાન વિવિધ કુદરતી આપત્તીઓમાં 4400થી વધારે લોકોનાં મોત થયા હતા. ઉત્તર-પશ્ચિમ ભારત સૌથી વધારે અસરગ્રસ્ત રહ્યું હતું જ્યાં 311 દિવસ અત્યંત ખરાબ વાતાવરણની અસર જોવા મળી હતી. હિમાચલ પ્રદેશમાં 80 ટકા દિવસોમાં કોઈને કોઈ આપત્તી આવી હતી : આ વખતે ચોમાસામાં પૂરા કારણે જ ૨૭૦૭ લોકોનાં મોત થયા હતા. પ્રિ-મોનસુન એક્ટિવિટી દરમિયાન જ 900 લોકોએ વીજળી પડવા અને પૂરને કારણે જીવ ગુમાવ્યા હતા. બીજી તરફ 1.74 કરોડ હેક્ટર ખેતીને નુકસાન થયું હતું. જેમાં ગુજરાતમાં 44 લાખ હેક્ટર પાકને નુકસાન ગયું છે. મહારાષ્ટ્રમાં 84 લાખ હેક્ટર ખેતીને નુકસાન થયું છે
નવું વર્ષ આવવાને માત્ર બે જ દિવસ બાકી છે અને સમગ્ર દુનિયા ૨૦૨૬માં પ્રવેશ કરવાના અને નવા આશાવાદ સાથે જીવવના સપના જોઈ રહી છે ત્યારે વર્ષ ૨૦૨૫ના પણ લેખાજોખાં ઉપર નજર કરવી રહી. ખાસ કરીને ભારતની વાત કરીએ તો ભારત માટે ૨૦૨૫નું વર્ષ કુદરતી રીતે ખૂબ જ કપરું રહ્યું છે. હાલમાં ડિસેમ્બર મહિનો પૂરો થવા આવ્યો છે અને જાન્યુઆરીની શરૂઆત થઈ રહી છે ત્યારે હજી શિયાળાની અસર શરૂ થઈ હોય તેમ લાગી રહ્યું છે. ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં પણ ડિસેમ્બર દરમિયાન જે હાડ થિજાવતી ઠંડી પડે છે તે જોવા મળી નથી. વર્ષના અંતિમ દિવસોમાં આ ઠંડીની શરૂઆત થઈ હોય તેમ લાગી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર ભારતના મેદાની રાજ્યોમાં એકાએક કડકડતી ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે. ખાસ કરીને સવારના સમયમાં કાતિલ ઠંડી શરૂ થઈ છે. બીજી તરફ પ્રદુષણની ભયાનક સ્થિતિને પગલે ચારેતરફ સ્મોગનું વાતાવરણ હોય છે. આ સ્મોગ અને ઠંડીના કારણે દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહારમાં સરકારી સ્કુલોમાં મોટીભાગે રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. જે સ્કુલોમાં રજાઓ આપવી શક્ય નથી ત્યાં સમયમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યો છે. અનેક વિસ્તારોમાં અને જિલ્લાઓમાં સવારે ગાઢ ધુમ્મસ અને સ્મોગ તથા કડકડતી ઠંડી હોવાથી ઝીરો વિઝિબિલિટી આવી જાય છે. તેના કારણે કોઈ મોટો અકસ્માત સર્જાય નહીં તેની તકેદારી રાખવા અને બાળકોને અચાનક જ શરૂ થઈ ગયેલી ઠંડીના મારથી બચાવવા આ નિર્ણય લેવાયો છે. તેમાંય દિલ્હી અને હરિયાણામાં તો તમામ બોર્ડમાં આ સ્થિતિ લાગુ કરીને ૧૫ જાન્યુઆરી સુધી રજાઓ જાહેર કરી દેવાઈ છે. બિહાર અને ઉત્તરાખંડમાં પણ આ પ્રમાણે સ્કુલ અને તંત્રને અનુરૂપ જાન્યુઆરીના પહેલા અઠવાડિયા સુધી રજાઓ અપાઈ છે. રાજસ્થાનમાં પણ ૨૫ ડિસેમ્બરથી પાંચ જાન્યુઆરી સુધી રજાઓ આપી દેવાઈ છે.
જાણકારોના મતે આ અચાનક આવેલી ઠંડી અને સ્મોગ બીજું કશું જ નહીં પણ ગ્લોબલ વોર્મિંગનું પરિણામ છે. ક્લાઈમેટ ચેન્જના કારણે શિયાળાની શરૂઆત તો થઈ હતી પણ ઠંડી જામતી નહોતી. અચાનક જ ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં બે દિવસમાં જ કડકડતી ઠંડી આવી ગઈ છે. આ ઉપરાંત મધ્ય ભારતના રાજ્યોમાં પણ હજી સુધી ઠંડીનો પ્રકોપ જોવા મળ્યો નથી. બે-ચાર દિવસ ઠંડી પડે અને ગરમી લાગવા માંડે છે. ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં પણ માત્ર મોડી રાતથી વહેલી સવાર સુધી ઠંડી વર્તાય છે જ્યારે બાકીના સમયે ગરમી લાગે છે. આ બધું જ ક્લાઈમેટ ચેન્જનું પરિણામ હોવાનું જણાવાયું છે.
ભારતમાં આ વર્ષે કોઈપણ ઋતુ તેના ક્રમ પ્રમાણે આગળ ચાલી નથી અને લંબાતી ગઈ છે અથવા તો ખોટકાતી ગઈ છે. દરરોજ કોઈને કોઈ ફેરફાર જોવા કે અનુભવવા મળતા જ હોય છે. ક્યારેક અચાનક ગરમી પડે તો ક્યાંક વાવાઝોડું આવી જાય તો અચાનક વરસાદ પડે તો ક્યાંક ભુસ્ખલન થઈ જાય. ભારતનું ૨૦૨૫નું વર્ષ કુદરતી આપત્તીઓ અને ગ્લોબલ વોર્મિંગની માઠી અસરનું વર્ષ રહ્યું છે. સેન્ટર ફોર એન્વાર્યનમેન્ટની ડાઉન ટુ અર્થ નામની જર્નલમાં એક લેખ પ્રકાશિત થયો હતો તેમાં આ વિગતો જણાવાઈ હતી. તેમાં આપેલા અહેવાલ પ્રમાણે જાન્યુઆરી ૨૦૨૫થી નવેમ્બર ૨૦૨૫ સુધીમાં વર્ષના કુલ ૩૩૪ દિવસમાંથી ૩૩૧ દિવસ એવા હતા જ્યારે દેશના કોઈને કોઈ ભાગમાં લોકોને એક્સ્ટ્રીમ વેધર ઈવેન્ટ એટલે કે કુદરતના રૌદ્ર સ્વરૂપની અનુભુતી કરવાનો વારો આવ્યો હતો. સંશોધકો માને છે કે, ભારત માટે ૨૦૨૫નું વર્ષ ૯૯ ટકા જેટલું ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની આકરી અસરવાળું વર્ષ રહ્યું છે.
જાણકારો માને છે કે, ૨૦૨૫નો ખરાબ વર્ષ રહ્યું જ છે પણ તેની પહેલાંનું વર્ષ પણ ખાસ સારું નહોતું. ૨૦૨૪માં પણ સમગ્ર વર્ષમાંથી ૨૯૫ દિવસો ક્લાઈમેટ ચેન્જની અસર હેઠળના જ રહ્યા હતા. તેમ છતાં ૨૦૨૫નું વર્ષ વધારે આકરું રહ્યું હતું. વર્ષ દરમિયાન વિવિધ કુદરતી આપત્તીઓમાં ૪૪૦૦થી વધારે લોકોનાં મોત થયા હતા. તે ઉપરાંત ૧.૭૪ કરોડ હેક્ટર ખેતીને નુકસાન થયું હતું. સંશોધકોના મતે ભારત માટે ગ્લોબલ વાર્મિંગની આ ભયાનક અસર છે. ૨૦૨૫ના વર્ષમાં ભારતના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો ક્યારેક ને ક્યારેક કુદરતની કોઈને કોઈ ભયાનક આપત્તીની ઝપટે આવ્યા હતા. આ વખતે ફેબ્રુઆરીથી જ ગરમીની શરૂઆત થઈ ગઈ હતી. તો બીજી તરફ નવેમ્બર સુધી તો ઘણા વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડા ચાલતા હતા. આ તમામ કુદરતી આપત્તીઓમાં ઉત્તર-પશ્ચિમ ભારત સૌથી વધારે અસરગ્રસ્ત રહ્યું હતું જ્યાં ૩૧૧ દિવસ અત્યંત ખરાબ વાતાવરણની અસર જોવા મળી હતી. હિમાચલ પ્રદેશ સૌથી વધારે અસરગ્રસ્ત રાજ્ય રહ્યું હતું જ્યાં ૮૦ ટકા દિવસોમાં કોઈને કોઈ આપત્તી આવી હતી.
ખરાબ વાતાવરણની અને બદલાતા ઋતુચક્રની વાત કરીએ તો આ વખતે ચોમાસું વહેલું શરૂ થયું, વચ્ચે અટકી ગયું ત્યારબાદ લાંબું ખેંચાયું જેવી વિવિધ સ્થિતિ જોવા અને અનુભવવા મળી હતી. આ વખતે ચોમાસામાં પૂરના કારણે જ ૨૭૦૭ લોકોનાં મોત થયા હતા. તેમાં સૌથી વધારે આંધ્ર પ્રદેશમાં ૬૦૮ લોકોનાં મોત થયા હતા. બીજી તરફ મધ્ય પ્રદેશમાં ૫૩૭ લોકોની જીવ ગયા હતા. પ્રિ-મોનસુન એક્ટિવિટી દરમિયાન જ ૯૦૦ લોકોએ વીજળી પડવા અને પૂરને કારણે જીવ ગુમાવ્યા હતા. ૨૦૨૨ની સરખામણીએ ચોમાસાની આ ભયાવહ તસવીરો ત્રણ ગણી વધારે આકરી હતી. ઓગસ્ટમાં આવેલા પૂરના કારણે પંજાબના ઘણા જિલ્લાઓમાં ખેતી સંપૂર્ણ નષ્ટ થઈ ગઈ હતી.
ક્લાઈમેટ ચેન્જની જે અસર સમગ્ર દેશ ઉપર રહી છે તેણે જાનમાલનું મોટાપાયે નુકસાન કરેલું છે. ઝારખંડમાં ભુસ્ખલનની જે ઘટનાઓ બની તેમાં ઘણા પરિવારો નષ્ટ થઈ ગયા છે. બીજી તરફ ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરને કારણે ૪૪ લાખ હેક્ટર પાકને નુકસાન ગયું છે. મહારાષ્ટ્રમાં ૮૪ લાખ હેક્ટર ખેતીને નુકસાન થયું છે. ૨૦૨૨માં આવેલી કુદરતી આપત્તીઓ કરતા આ ૯ ગણું વધારે નુકસાન છે. આટલા મોટાપાયે નુકસાન થવાના કારણે આ ખેડૂતોની હાલત વધારે કફોડી થઈ ગઈ છે. તેમની પાસે ખેતી વધી નથી, પૈસા કમાયા નથી, ઘરમાં ખાવાનું અન્ન નથી, બીજો કોઈ રોજગાર નથી. આ તમામ લોકોએ નવેસરથી નવી શરૂઆત કરવી પડશે. જાણકારોના મતે કુદરતી આપત્તીઓની સૌથી વધારે અસર ગ્રામ્ય વિસ્તારો અને તેમાંય ગ્રામીણ વિસ્તારોમાં પડી છે. તેમની પાસે પૂરતી બચત પણ નહોતી અને અને આવી કુદરતી આપત્તીઓમાંથી બચવાના કે સુરક્ષિત રહેવાના પર્યાપ્ત સંસાધનો પણ હોતા નથી. તેના કારણે આ વિસ્તારોમાં જાનમાલનું વધારે નુકસાન જાય છે. જાણકારો માને છે કે, ક્લાઈમેટ ચેન્જની સ્થિતિ દિવસે ને દિવસે વધારે ગંભીર થતી જાય છે.
૨૦૨૫ની ઘટનાઓને સ્પષ્ટ કરી દીધું છે કે, ભારત દ્વારા પ્રકૃતિ બચાવવા માટે જો નક્કર પગલા નહીં ભરવામાં આવ્યા તો આગામી સમય વધારે કપરો અને આકરો આવશે. હવે કુદરતી આપત્તીઓ અટકાવી શકાય તેવી કોઈ સ્થિતિ નથી.
1990થી ભારતનું સરેરાશ તાપમાન 1 ડિગ્રીની આસપાસ વધી ગયું છે
ઉલ્લેખનીય છે કે, ક્લાઈમેટ ચેન્જની સ્થિતિ ઊભી થઈ છે તે માત્ર કુદરતી નથી. તેમાં માણસોની કામગીરીનો મોટો હાથ છે. તેઓ માને છે કે, આ ગ્લોબલ વોર્મિંગ માણસો દ્વારા જ કરવામાં આવેલા પાપનું પરિણામ છે. તે માનવસર્જિત આપત્તી છે. ભારતની વાત કરીએ તો ૧૯૯૦થી ભારતનું તાપમાન સરેરાશ ૦.૮૯ ડિગ્રી સેલ્સિયસ વધી ગયું છે. તેનો અર્થ એ થયો કે, છેલ્લાં અઢી દાયકામાં ભારતમાં સરેરાશ ૧ ડિગ્રીની આસપાસ ગરમી વધી ગઈ છે. બીજી તરફ નૈઋત્યના ચોમાસાને પણ અસર થઈ છે. ભારતની ૭૦ ટકા ખેતી તેના ઉપર આધારિત છે અને આ વિસ્તારોમાં ચોમાસું પ્રતિ દિવસ, પ્રતિ દાયકાના દરથી ૧.૫ મીમી ઘટી રહ્યું છે. ખાસ કરીને ગંગા-સિંધુ-બ્રહ્મપુત્રાના મેદાની વિસ્તારોમાં વરસાદ ઓછો પડી રહ્યો છે. બીજી તરફ ચોમાસું એવું પણ વકરેલું છે કે ગમે ત્યારે ગમે ત્યાં ભયાનક પૂર પણ આવી જાય છે. ગુજરાતની જ વાત કરીએ તો ત્યાં છેલ્લાં એક દાયકામાં સરેરાશ વધારે વરસાદ પડી રહ્યો છે અને અપ્રમાણસર વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત મહાસાગરોનું સરેરાશ તાપમાન પણ ૦.૧૨ ડિગ્રી પ્રતિ એક દાયકાના દરથી વધી રહ્યું છે. તેના કારણે અરબ સાગરમાં ૧૯૮૦ના દાયકાની સરખામણીએ ૪૦ ટકા વધારે શક્તિશાળી વાવાઝોડા ભારત ઉપર ત્રાટકી રહ્યા છે. તેવી જ રીતે સમુદ્રનું સ્તર પણ ૩.૩ મીમીના દરે વધી રહ્યું છે. જ્યાં દુકાળ પડે છે ત્યાં દુકાળ ખૂબ જ લંબાય છે. ઋતુચક્ર ખોરવાઈ રહ્યું છે. શિયાળામાં ગરમી લાગે છે અને ક્યાંક ચોમાસું નવેમ્બર સુધી ખેંચાઈ રહ્યું છે. જાણકારો સ્પષ્ટ માને છે કે, જો કાર્બન ઉત્સર્જનમાં ઝડપથી ઘટાડો ન કરવામાં આવ્યો તો સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. ક્લાઈમેટ ચેન્જની અસર અને ગ્લોબલ વોર્મિંગની સ્થિતિ જણાવે છે કે, હવે જો સ્થિતિ કાબુ નહીં કરવામાં આવે તો ૨૦૫૦ સુધીમાં સરેરાશ વૈશ્વિક તાપમાનમાં ૧.૩ ડિગ્રી સુધીનો વધારો થઈ જશે. તેવી જ રીતે ચોમાસનો કુલ વરસાદ ૬-૮ ટકા જેટલો વધારે પડવાની અને તેમાંય ઉતાર-ચડાવ સાથે પડવાની શક્યતાઓ છે. તેવી જ રીતે હિટવેવ પણ એકાદ-બે મહિના સુધી લંબાવાની શક્યતાઓ જોવાઈ રહી છે. સામુદ્રીક હિટવેવ વર્ષમાં ૨૦૦ દિવસ સુધી પહોંચી જાય તેમ છે. કિનારાના વિસ્તારોમાં સમુદ્રનું સ્તર વધતું હોવાના અનુભવ પણ થશે. તે ઉપરાંત ૨૧૦૦ની સાલ સુધીમાં હિમાલયના ગ્લેશિય ૩૦ થી ૫૦ ટકા જેટલા ઓગળી જવાની શક્યતાઓ દેખાઈ રહી છે. તેના કારણે કરોડો લોકોના જળસ્ત્રોતમાં જોખમ ઊભું થાય તેમ છે. જાણકારો સ્પષ્ટ માને છે કે, નક્કર પગલાં લઈને તેનું કડક અમલીકરણ નહીં કરવામાં આવે તો આ સદીના અંત સુધીમાં માનવ સર્જિત કુદરતી આપત્તિઓ કેર વર્તાવશે.


