- હોર્મુઝની ખાડીમાં બ્લોકેજ સર્જાતા ઈરાનના જહાજો અટવાયા છે અને તેનું રોજિંદુ ક્રૂડ ઉત્પાદન વધી રહ્યંં છે અને સ્ટોરેજ ઘટી રહ્યું છે
- ઈરાન પાસે પોતાનું ક્રૂડ રાખવાની જગ્યા નથી. તેની ક્રૂડ સ્ટોરેજ ક્ષમતા સતત ઘટી રહી છે અને સપ્લાય ઠપ્પ થઈ ગયેલો છે તેના પગલે હવે તે ક્રૂડ સ્ટોરેજ કરવામાં ફસાઈ ગયું છે. ઈરાનની ક્રૂડ સ્ટોરેજ ક્ષમતા 1.3 કરોડ બેરલ જેટલી છે. તેની સામે દરરોજ 11થી 12 લાખ બેરલ જેટલું ઉત્પાદન થાય છે. તેની પાસે દસથી બાર દિવસ જેટલો જ સમય છે : હોર્મુઝમાં અમેરિકાની નાકાબંદી છે અને ત્યાંથી ઈરાનના જહાજો જઈ શકે તેવી સ્થિતિ નથી. હોર્મુઝની ખાડીની હાલત એવી છે કે, ત્યાં યુદ્ધ પહેલાં દરરોજ ૧૪૦થી વધારે જહાજો પસાર થતા હતા. હાલમાં રોજના પાંચ જહાજ પણ પરાણે પસાર થઈ રહ્યા છે. તેમાંય ઈરાનના પોતાના જહાજો તો નિકળી શકે તેવી સ્થિતિ જ નથી : ખર્ગ આઈલેન્ડમાં તેના ક્રૂડ ઉત્પાદનનું 90 ટકા જેટલું ઉત્પાદન થાય છે. અહીંયા તમામ રિફાઈનરીઓ અને તેની મશીનરીઓ કામ કરતી રહે છે. તેઓ દરરોજ 10 થી 12 લાખ બેરલ ક્રૂડ તૈયાર કરે છે. આ સંજોગોમાં જો કામ બંધ કરવામાં આવે તો તેલના કુવાઓ ખરાબ થઈ જાય. મશિનરી એક વખત બંધ કરવામાં આવે તો તેને ફરી શરૂ કરવાનું મુશ્કેલ થઈ જાય અને મોટું નુકસાન સહન કરવું પડે
અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે કોલ્ડ વોરમાં પરિણમ્યો છે. તેમની વચ્ચે કૂટનીતિક વાતચીત થઈ રહી નથી. સમાધાન અને શાંતિ માટેના પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યા છે. પહેલી શાંતિવાર્તા નિષ્ફળ ગયા બાદ બીજી વખત શાંતિવાર્તા થઈ નથી. આ ઉપરાંત ફરીથી યુદ્ધ વિરામનો સમય લંબાવાયો છે. ઈરાન હજી પણ પોતાની શરતો મુક્યા કરે છે અને અમેરિકા પોતાની શરતો મુક્યા કરે છે. તેના કારણે આ સ્થિતિનો ઉકેલ આવતો નથી. બીજી તરફ હોર્મુઝની ખાડીમાં પણ બંનેએ શિંગડા ભરાવ્યા છે જેના પગલે સ્થિતિ વધારે વણસેલી છે. દુનિયાભરના દેશોને ક્રૂડ મળતું નથી અને હાલત ખરાબ થઈ રહી છે.
મહત્ત્વની વાત એ છે કે, હોર્મુઝની ખાડીમાં જે રીતે અમેરિકાએ ઈરાનનું નાક દબાવ્યું છે તેના કારણે તેની સ્થિતિ વધારે ખરાબ થઈ રહી છે. એક બાજું તે જહાજો ઉપર ટોલ ટેક્સ વસુલવાની ફિરાકમાં હતું ત્યાં અમેરિકાએ તેના જ જહાજોનો બહાર જવાનો રસ્તો બંધ કરી દીધો છે. આ સંજોગોમાં ઈરાનમાં મોટું ક્રૂડ સંકટ સર્જાયેલું છે. મૂળ વાત એવી છે કે, ઈરાન પાસે પોતાનું ક્રૂડ રાખવાની જગ્યા નથી. તેની ક્રૂડ સ્ટોરેજ ક્ષમતા સતત ઘટી રહી છે અને સપ્લાય ઠપ્પ થઈ ગયેલો છે તેના પગલે હવે તે ક્રૂડ સ્ટોરેજ કરવામાં ફસાઈ ગયું છે. હવે આગામી દસ દિવસથી વધારે તે ક્રૂડ સ્ટોરેજ કરી શકે તેમ નથી. દરરોજ લાખો બેરલનું ઉત્પાદન થઈ રહ્યું છે અને તેની સામે સપ્લાય થતો નથી તેથી ક્રૂડ સ્ટોર કરવું પડે છે અને હવે તેના સ્ટોરેજ ફુલ થઈ રહ્યા છે. તેની પાસે જમીનમાં સ્ટોર કરવાની ક્ષમતા ઓછી થવા લાગી છે.
જાણકારોના મતે ઈરાને હોર્મુઝની ખાડીમાં સર્જાયેલા કપરા સંકટનો ઉકેલ લાવવા માટે કામચલાઉ ઉપાય કર્યો છે પણ તેનાથી ખાસ લાભ થાય તેમ નથી. ઈરાને હવે મજબુરીમાં પોતાના જૂના ક્રૂડ ટેન્કરોનો ઉપયોગ કરવાની શરૂઆત કરી છે. તેણે હવે જૂના ક્રૂડ ટેન્કરોનો ઉપયોગ ફ્લોટિંગ સ્ટોરેજ તરીકે કરવાની શરૂઆત કરી છે. તેણે તાજેતરમાં પોતાનું એક નાશા નામના એક જહાજને હોર્મુઝની ખાડીમાં ઉતાર્યું છે. તેણે ૩૦ વર્ષ જૂના જહાજનો ઉપયોગ હવે ક્રૂડ સ્ટોર કરવા માટે શરૂ કર્યો છે. ખાસ કરીને ખર્ગ આઈલેન્ડ પાસે જ્યાં ક્રૂડનું સૌથી વધુ ઉત્પાદન થાય છે ત્યાં આ જહાજ ઉતાર્યું છે જેથી ક્રૂડ સ્ટોર કરી શકાય. ખર્ગ આઈલેન્ડમાં ઉત્પાદિત થતું ક્રૂડ ૯૦ ટકા નિકાસ થતું હોય છે પણ વર્તમાન સમયમાં ત્યાં ઉત્પાદન ચાલુ છે પણ નિકાસ થતી નથી. તેના કારણે ક્રૂડનો ભરાવો થઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં ઈરાનની ક્રૂડ સ્ટોરેજ ક્ષમતા ૧.૩ કરોડ બેરલ જેટલી છે. તેની સામે દરરોજ ૧૧થી ૧૨ લાખ બેરલ જેટલું ઉત્પાદન થાય છે. તેની પાસે દસથી બાર દિવસ જેટલો જ સમય છે અને ત્યારબાદ તેની સ્ટોરેજ ક્ષમતા પૂરી થઈ જાય તેમ છે. હોર્મુઝમાં અમેરિકાની નાકાબંદી છે અને ત્યાંથી ઈરાનના જહાજો જઈ શકે તેવી સ્થિતિ નથી. હોર્મુઝની ખાડીની હાલત એવી છે કે, ત્યાં યુદ્ધ પહેલાં દરરોજ ૧૪૦થી વધારે જહાજો પસાર થતા હતા. હાલમાં રોજના પાંચ જહાજ પણ પરાણે પસાર થઈ રહ્યા છે. તેમાંય ઈરાનના પોતાના જહાજો તો નિકળી શકે તેવી સ્થિતિ જ નથી. બીજી તરફ એવું પણ છે કે, ઈરાને પોતાનો રસ્તો ખોલવા માટે કેટલાક જહાજો જપ્ત કર્યા છે અને અમેરિકા ઉપર દબાણ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. જાણકારોના મતે તેનાથી ખાસ અસર પડે તેમ દેખાતું નથી. અમેરિકા હવે કોઈપણ ભોગે ઈરાનને ફસાવવા માગે છે.
અહેવાલો જણાવે છે કે, જ્યાં સુધી સ્થિતિનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી કોઈને પણ ક્રૂડ મળશે નહીં અને કોઈ ક્રૂડ વેચી શકશે નહીં. આ સંજોગોમાં ઈરાને કોઈક ઉકેલ લાવવો પડશે. હાલમાં તો તે માત્ર પોતાના ઉત્પાદન ઉપર જ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. ઈરાન માટે તો કોઈપણ સંજોગોમાં ક્રૂડનું ઉત્પાદન ચાલુ રાખવું મજબૂરી છે. ખર્ગ આઈલેન્ડમાં તેના ક્રૂડ ઉત્પાદનનું ૯૦ ટકા જેટલું ઉત્પાદન થાય છે. અહીંયા તમામ રિફાઈનરીઓ અને તેની મશીનરીઓ કામ કરતી રહે છે. તેઓ દરરોજ ૧૦થી ૧૨ લાખ બેરલ ક્રૂડ તૈયાર કરે છે. આ સંજોગોમાં જો કામ બંધ કરવામાં આવે તો તેલના કુવાઓ ખરાબ થઈ જાય. મશિનરી એક વખત બંધ કરવામાં આવે તો તેને ફરી શરૂ કરવાનું મુશ્કેલ થઈ જાય. તે ઉપરાંત લાંબો સમય જો મશિનરી બંધ રહે તો ખરાબ થવાની પૂરતી શક્યતાઓ છે. આ કારણે તેની પાસે કોઈ વિકલ્પ જ નથી. તે પ્રોડક્શન ઘટાડશે તો પણ તેને સ્ટોર કરવાનું જોખમ તો મોટું છે જ. તેના કારણે તે હાલમાં તો ફ્લોટિંગ સ્ટોરેજનો વિકલ્પ પસંદ કર્યો છે પણ લાંબો સમય તેના ઉપર ટકી શકે તેમ નથી.
અન્ય એક અહેવાલ જણાવે છે કે, ઈરાન પાસે કુલ જમીન ઉપર ૯.૫ કરોડ બેરલ સ્ટોર કરવાની કેપેસિટી છે. તેમાંથી ૫ કરોડ બેરલ ક્રૂડ તો તેણે પહેલેથી જ સ્ટોર કરેલું છે. યુદ્ધ દરમિયાન પણ સતત તેનું ઉત્પાદન ચાલુ છે અને તેણે ઉત્પાદિત કરેલો સ્ટોક એક્સપોર્ટ કરી શક્યું નથી. આ સંજોગોમાં તેના પાસે મોટા પ્રમાણમાં ભરાવો થયો છે. તેની પાંચ કરોડ બેરલની સ્ટોરેજ કેપેસિટી પૂરી થઈ ગયાનો આંકડો પણ એપ્રિલની શરૂઆતનો હતો. હાલમાં તો મે મહિનો આવી ગયો. હવે તેની પાસે વધારે જગ્યા વધી નથી.
આ ઉપરાંત તે સિરી અને લવાન ખાતે કિનારાઓ ઉપર ક્રૂડ સાચવી શકે તેમ નથી. આ સિવાય સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ ખાતે પણ અબ્બાસ બંદરે વધારે ક્રૂડ સ્ટોર કરી શકે તેમ નથી. આ સંજોગોમાં તેની પાસે ૧.૫ કરોડ બેરલની સ્ટોરેજ કેપેસિટી ઓછી થઈ ગઈ છે અને ઓનશોર કેપેસિટી કુલ તો ૨.૫ કરોડ બેરલ જેટલી ઓછી થઈ ગઈ છે. તેણે દરિયામાં પર્સિયનની ખાડી પાસે અને અન્ય કેટલાક સ્થળે વેરી લાર્જ ક્ડ કેરિયર્સ એટલે કે મોટા ક્રૂડ જહાજોમાં ક્રૂડ સ્ટોર કર્યું છે પણ તેનો આંકડો માત્ર ૧.૫ કરોડ બેરલ છે. હાલમાં તે ફ્લોટિંગ સ્ટોરેજ બન્યું છે પણ લાંબો સમય તેનો ઉપયોગ થાય તેમ નથી. ઓનશોર અને ઓફશોર કેપેસિટી ગણીએ તો તે ૨૨ દિવસથી વધારે ક્રૂડ સ્ટોર કરી શકે તેમ નથી.
જાણકારોના મતે ઈરાને જે ફ્લોટિંગ સ્ટોરેજની ચાલાકી વાપરી છે તે પણ લાંબો સમય ચાલે તેમ નથી. તેની પાસે પહેલેથી જ જહાજોમાં મોટા પ્રમાણમાં ક્રૂડ તૈયાર છે. એક અહેવાલ પ્રમાણે હાલમાં તેનું ૧૯.૫ કરોડ બેરલ ક્રૂડ દરિયામાં જહાજોમાં સચવાયેલું છે. તેમાંથી ૬ કરોડ બેરલ તો હાલમાં પર્સિયનની ખાડી અને ઓમાનની ખાડીમાં અટવાયેલા છે. તે ઉપરાંત ૧૨ કરોડ બેરલ એશિયાના બજારમાં જવા માટે તૈયાર છે પણ યુદ્ધ અને હોર્મુઝની સમસ્યાના કારણે અટવાયેલા પડયા છે.
રિફાઈનરી બંધ થાય તો તમામ પાઈપલાઈન્સનું પ્રેશર ઘટી જાય અને તે ખરાબ થઈ જાય
ગંભીર બાબત એ છે કે, ઈરાન જે વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં ક્રૂડ ખેંચી કાઢે છે તે વિસ્તારોમાં કામગીરી ચાલુ રાખવી જરૂરી છે. ખાસ કરીને ખુઝેસ્તાનમાં આવેલા મોટા મોટા તેલના કુવાઓમાંથી ક્રૂડ ખેંચવામાં આવે છે તેમાં પ્રેશર જાળવી રાખવા માટે સતત ક્રૂડ ખેંચતા રહેવું પડે છે. આ કુવાઓ દાયકાઓથી કામ કરે છે અને તેમાં ચોક્કસ લેવલે પ્રેશર જાળવી રાખવું પડે છે નહીંતર જોઈએ તેટલું પ્રોડક્શન થતું નથી. હવે જો સ્ટોરેજના અભાવે ઈરાન દ્વારા આ પ્રોડક્શન બંધ કરી દેવામાં આવે તો મોટી સમસ્યા સર્જાય તેમ છે. આ તમામ કુવાઓમાં કામગીરી બંધ થતાં જ અત્યાર સુધી ઊભું કરેલું પ્રેશર નીચે જતું રહેશે અથવા તો સાવ બંધ થઈ જશે. આ સંજોગોમાં આ પાઈપલાઈનમાં પાણી ભરાવાનો, માટી ભરાવાનો કે પછી પાઈપલાઈન ખરાબ થવાનો ભય શરૂ થશે. જો આ પાઈપલાઈન ખરાબ થઈ જાય તો દરરોજ હજારો બેરલ ક્રૂડ ઓછું નીકળે તેમ છે. આ પાઈપલાઈન એક્ટિવ રાખવા માટે બહારથી ગેસ થકી ગરમ કરવી પડે છે.
અહેવાલો પ્રમાણે ઈરાનના ઘણા કુવાઓમાં આ રીતે પાઈપલાઈન બહારથી ગરમ કરવામાં આવી રહી છે જેથી પ્રોડક્શન ઓછું થવાથી પ્રેશર ઘટી ન જાય. આ કામચલાઉ ઉકેલ છે, તેનાથી લાંબાગાળાના ફાયદા થતા નથી. તેનાથી ક્રૂડના કુવાઓ અને પાઈપલાઈનને નુકસાન થાય છે અને કુદરતી પ્રક્રિયા ઉપર પણ અસર પડે છે. જાણકારોના મતે ક્રૂડના ઉત્પાદન અને સ્ટોરેજમાં જે મુશ્કેલી થઈ છે તેની સાથે સાથે સપ્લાય ઉપર પણ વ્યાપક અસર પડી છે. સામાન્ય રીતે ઈરાનના જહાજો ચીનમાં સપ્લાય માટે જાય છે તે બે મહિને પહોંચે છે. ત્યારબાદ બીજા બે મહિના સુધીમાં ચીન પેમેન્ટ કરે છે. આવું મોટાભાગના દેશો સાથે ચાલતું હોય છે.
તાજેતરમાં જે બ્લોકેજ સર્જાયું છે તેના કારણે ક્રૂડના વર્તમાન ભાવ પ્રમાણે ઈરાનને દરરોજ ૨૦૦ મિલિયન ડોલરનો ફટકો પડી રહ્યો છે. જાણકારો માને છે કે, જો સપ્લાય શરૂ ન થયો, સ્ટોરેજની વ્યવસ્થા ન થઈ શકી કે પછી પ્રોડક્શન ઘટાડવાના દિવસો આવ્યા તો પેમેન્ટ ચેનલ પણ ખોરવાઈ સકે છે. આ સંજોગોમાં ઈરાનને મોટું આર્થિક નુકસાન પણ વેઠવું પડી શકે તેમ છે.


