Get The App

આતંકી હુમલા સામે દેશભરમાં એકતા પણ હવે જોરદાર એક્શનની જરૂર

Updated: Apr 30th, 2025

GS TEAM


Google News
Google News
આતંકી હુમલા સામે દેશભરમાં એકતા પણ હવે જોરદાર એક્શનની જરૂર 1 - image


- બરેલીના મૌલાના શાહબુદ્દીન રઝવીએ તો ત્યાં સુધી કહ્યું કે, લશ્કરે તઈબા, અલ કાયદા, ઈસ્લામિક સ્ટેટ સહિતનાં તમામ કહેવાતાં જિહાદી સંગઠનો દુનિયાભરમાં ઈસ્લામની ઈમેજ ખરાબ કરી રહ્યાં છે, ઈસ્લામને બદનામ કરી રહ્યાં છે. હાફિદ સઈદ જેવા લોકોને પોષનારા પાકિસ્તાનને પાઠ ભણાવો. પાકિસ્તાન એક વાત સમજી લે કે પીઓકેમાં એક દિવસ તિરંગો ઝંડો ફરકશે.  

બીજા સંખ્યાબંધ મુસ્લિમ મૌલવીઓએ પાકિસ્તાન સામે ખુલ્લેઆમ આક્રોશ ઠાલવ્યો છે. હૈદરાબાદથી હાવડા સુધી ઠેર ઠેર પહલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા હિંદુઓને શ્રધ્દાંજલિ આપવા માટે અને આતંકવાદ સામે વિરોધ દર્શાવવા મુસ્લિમોએ કેન્ડલ માર્ચ પણ કાઢી. આ કેન્ડલ માર્ચમાં હિંદુએ પણ જોડાતાં આખો દેશ આતંકવાદ સામેની લડાઈમાં એક હોવાનો સ્પષ્ટ સંદેશ આખી દુનિયા સામે ગયો છે. 

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને એક અઠવાડિયું પૂરું થઈ ગયું પણ આ ઘૃણાસ્પદ કૃત્ય સામે દેશભરનાં લોકોમાં હજુય આક્રોશ છે. નિર્દોષ લોકોની હત્યા કરનારા આતંકવાદીઓને તેમનાં કુકર્મોની આકરામાં આકરી સજા મળવી જોઈએ અને આ આતંકવાદીઓને પોષનારા પાકિસ્તાનને પણ કદી ના ભૂલાય એવો પાઠ ભણાવવો જોઈએ એવી લોકોની લાગણી છે. આ આક્રોશની સાથે સાથે દેશનાં લોકોમાં અભૂતપૂર્વ એકતા પણ જોવા મળી રહી છે. 

પહેલાં આતંકવાદી હુમલા પછી દેશ બે છાવણીમાં વહેંચાઈ ગયો હોય એવો માહોલ થઈ જતો હતો. આ વખતે પણ દેશને બે છાવણીમાં વહેંચીને પોતાની સરકારની નિષ્ફળતા છૂપાવવા માટે ભાજપે આ મુદ્દાને હિંદુ-મુસ્લિમ બનાવવાનો પ્રયત્ન કરી જોયો પણ દેશનાં લોકોએ બતાવેલી એકતાના કારણે આ પ્રયત્નો સફળ ના થયા. મુસ્લિમોનો આર્થિક  બહિષ્કાર કરવા સહિતના મેસેજ વાયરલ કરાયા. મુસ્લિમો દ્વારા ચલાવાતી રેસ્ટોરન્ટ્સ અને બીજા ધંધાની વિગતો વાયરલ કરીને તેમનો વિરોધ કરવાના મેસેજ વાયરલ કરાયા.  

મુસ્લિમોના આર્થિક બહિષ્કારની વાતોમાં કેટલાક કહેવાતા સાધુ-સંતો અને હિંદુવાદી આગેવાનો પણ જોડાયા. કાશ્મીરમાં સ્થાનિક લોકો કાવતરામાં સામેલ હોવાની વાતો પણ વહેતી કરાઈ પણ બહુમતી હિંદુઓએ આ વાતોને પ્રતિસાદ નથી આપ્યો.

 હિંદુઓએ આ મેસેજીઝની ધરાર અવગણના કરી તેમાં બે દિવસમાં તો હિંદુ વર્સીસ મુસ્લિમ માહોલ જમાવવાનાં ફાંફાંની હવા નિકળી ગઈ. 

પહલગામ હુમલા પછી કાશ્મીરમાં સ્થાનિક લોકોમાં અને દેશભરના મુસ્લિમોમાં પણ  ભૂતકાળ કરતાં અલગ માહોલ જોવા મળ્યો છે.  જમ્મુ અને કાશ્મીરનાં લોકો અને ભારતના મુસ્લિમો બંનેએ આ હુમલા સામે જોરદાર પ્રતિક્રિયા આપીને આ મુદ્દાને હિંદુ વર્સીસ મુસ્લિમનો મુદ્દો ના નવા દીધો. પહેલાં એવું બનતું કે, આતંકવાદી હુમલા સામે જમ્મુ અને કાશ્મીરમાંથી અને ખાસ તો કાશ્મીર ખીણમાંથી કોઈ પ્રતિક્રિયા નહોતી આવતી. તેના કારણે એવી છાપ પડતી કે, કાશ્મીરનાં લોકોનું આતંકવાદને સમર્થન છે. તેના કારણે કાશ્મીરનાં મુસ્લિમોની માનસિકતા ભારત વિરોધી છે એવો પ્રચાર શરૂ કરી દેવાતો.  

આ વખતે કાશ્મીર ખીણના મુસ્લિમોએ એવી તક જ ના આપી. આતંકવાદી હુમલા સામે કાશ્મીરમાં જ આક્રોશ વ્યક્ત કરાયો અને પહલગામમાં તો બંધ પણ પળાયો. સોશિયલ મીડિયા પર કાશ્મીરમાં આતંકવાદ આચરીને નફરત ફેલાવવા મથનારાં સામે આક્રોશ વ્યક્ત કરાયો. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આતંકવાદની ટીકા કરવાની તો આગેવાની લીધી જ પણ લોકોની વચ્ચે જઈને હુંફ પણ આપી. સજ્જાદ ગની લોન અને મહેબૂબા મુફતી સહિતનાં પાકિસ્તાન માટે સોફ્ટ કોર્નર ધરાવતાં લોકોએ પણ પાકિસ્તાનને ઝાટકી નાંખ્યું. 

જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં પણ આતંકવાદી હુમલાની ટીકા કરતાં ભાષણ થયાં. ઓમર અબ્દુલ્લાના પ્રવચન પર તો સૌ વારી ગયા છે. વિધાનસભાએ આ જંગલી અને અમાનવીય હુમલાની ઝાટકણી કાઢતો ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો અને હિંદુઓની સુરક્ષા માટે પોતાનો જીવ આ દેનારા કાશ્મીરના સૈયદ આદિલ હુસૈન શાહના સર્વોચ્ચ બલિદાનને સલામ કરી.  

ભારતના બીજા ભાગોમાં પણ મુસ્લિમોએ પહલગામ હુમલાની ટીકા કરીને પાકિસ્તાન સામે આક્રોશ ઠાલવ્યો. ૨૨ એપ્રિલ ને મંગળવારે આ હુમલો થયો હતો. એ પછી આવતા પહેલા શુક્રવારની બપોરની નમાઝ દેશભરની મસ્જિદોમાં મુસ્લિમોએ કાળી પટ્ટી પહેરીને પઢી. ભારતના ઈતિહાસમાં પહેલી વાર મુસ્લિમોએ ખુલ્લેઆમ આતંકવાદ સામે આવો વિરોધ વ્યક્ત કર્યો. મુસ્લિમ ધર્મગુરૂઓએ પણ ઈસ્લામના નામે આતંકવાદ ફેલાવવાના કૃત્યની બરાબરની ઝાટકણી કાઢી. 

બરેલીના મૌલાના શાહબુદ્દીન રઝવીએ તો ત્યાં સુધી કહ્યું કે, લશ્કરે તઈબા, અલ કાયદા, ઈસ્લામિક સ્ટેટ સહિતનાં તમામ કહેવાતાં જિહાદી સંગઠનો દુનિયાભરમાં ઈસ્લામની ઈમેજ ખરાબ કરી રહ્યાં છે અને ઈસ્લામને બદનામ કરી રહ્યાં છે. હાફિદ સઈદ જેવા લોકોને પોષનારા પાકિસ્તાનને પાઠ ભણાવે. પાકિસ્તાન એક વાત સમજી લે કે પીઓકેમાં એક દિવસ તિરંગો ઝંડો ફરકશે.  બીજા સંખ્યાબંધ મુસ્લિમ મૌલવીઓએ પાકિસ્તાન સામે ખુલ્લેઆમ આક્રોશ ઠાલવ્યો છે. હૈદરાબાદથી હાવડા સુધી ઠેર ઠેર પહલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા હિંદુઓને શ્રદ્ધાંજલિ આપવા માટે અને આતંકવાદ સામે વિરોધ દર્શાવવા મુસ્લિમોએ કેન્ડલ માર્ચ પણ કાઢી. આ કેન્ડલ માર્ચમાં હિંદુએ પણ જોડાતાં આખો દેશ આતંકવાદ સામેની લડાઈમાં એક હોવાનો સ્પષ્ટ સંદેશ આખી દુનિયા સામે ગયો છે. 

જો કે દેશનાં લોકોએ સંયમ અને એકતા બતાવ્યાં તેથી સરકારની જવાબદારી પૂરી થઈ જતી નથી. દેશનાં લોકો ઈચ્છે છે કે, આતંકવાદીઓ સામે સરકાર એક્શન લે અને એવાં એક્શન લે કે આતંકવાદીઓ ફરી ભારત તરફ જોવાની હિંમત જ ના કરે. લોકોના સંયમનો બંધ તૂટી ગયો છે. લોકો હવે દર બે-ચાર મહિને થતા આતંકવાદી હુમલાઓથી થાક્યાં છે અને આ કંકાસનો કાયમ માટે અંત આવે એવું ઈચ્છે છે. આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવાની વાતો નહીં પણ જોરદાર એક્શન લેવાય એવી લોકોની લાગણી છે. આ એક્શનની જે કિંમત ચૂકવવી પડે એ ચૂકવવા માટે પણ લોકો માનસિક રીતે તૈયાર છે. 

મોદી સરકારે અત્યાર સુધી રાજદ્વારી પગલાં ભરીને અને નિવેદનબાજી કરીને સંતોષ માન્યો છે પણ હવે એવું નહીં ચાલે. આતંકવાદીઓને અને પાકિસ્તાનને જોરદાર જવાબ મળવો જોઈએ. 

ઓવૈસી અને ઓમરઃ બે મુસ્લિમે નેતા દેશપ્રેમ બતાવીને છવાઈ ગયા

પહલગામ હુમલા પછી આશ્ચર્યજનક રીતે બે મુસ્લિમ નેતા અસદુદ્દીન ઓવૈસી અને ઓમર અબ્દુલ્લા છવાઈ ગયા છે. ઓવૈસીએ પાકિસ્તાનને તેની ઔકાત બતાવતું ભાષણ કર્યું તેનો વીડિયો વાયરલ થયો છે. ઓવૈસીએ કહેલું કે, પાકિસ્તાન ભારત કરતાં સમયમાં અડધો કલાક પાછળ જ નથી પણ અડધી સદી પાછળ છે. પાકિસ્તાનના બજેટ કરતાં વધારે તો ભારતનું સંરક્ષણ બજેટ છે એ જોતાં પાકિસ્તાન ભારત સામે લડવાની કે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની ડંફાશો મારવાનું બંધ કરે. પાકિસ્તાન નિર્દોષ લોકોની હત્યા કરીને આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટની જેમ વર્તી રહ્યું છે. 

ઓવૈસીની અપીલના પગલે શુક્રવારની નમાઝ વખતે મુસ્લિમોએ કાળી પટ્ટી પહેરીને પાકિસ્તાન સામે વિરોધ વ્યક્ત કર્યો. ઓવૈસીએ પોતે મસ્જિદની બહાર ઉભા રહીને મુસ્લિમોને કાળી પટ્ટીઓ વહેંચીને દિલ જીતી લીધા. 

જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ હોવાથી સુરક્ષાની જવાબદારી કેન્દ્ર સરકારની છે છતાં ઓમરે આતંકી હુમલામાં મોત માટે પોતે જવાબદાર હોવાનું નિવેદન વિધાનસભામાં આપ્યું. ઓમરે કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો ફરી આપવાની માગ ઉઠાવવાનો અત્યારે સમય નથી એવું કહીને પ્રશંસનિય મેચ્યોરિટી બતાવી છે. 

અબ્દુલ્લાએ કહ્યું કે, મેં પ્રવાસીઓને કાશ્મીરમાં વેકેશન માણવ આવવાની અપીલ કરેલી. યજમાન તરીકે પ્રવાસીઓ સલામત પાછા જાય એ જોવાની મારી ફરજ હતી પણ હું એ ના કરી શક્યો. મારી પાસે માફી માગવા શબ્દો નથી. જેમના પિતા લોહીથી લથબથ છે એવાં બાળકોને કે થોડા દિવસ પહેલાં જ લગ્ન કરનારી નેવી ઓફિસરની પત્નીને હું શું જવાબ આપીશ? પહેલી વાર કાશ્મીર આવેલા લોકો આ ઘટનાની ખરાબ યાદોનો બોજ આ જીંદગી વેંઢારશે. 

મોદી વિરોધી 'જિમ્મેદારી કે સમય-ગાયબ' કાર્ટૂનના કારણે ભાજપ-કોંગ્રેસ વચ્ચે જંગ

વિપક્ષોએ પહલગામ હુમલાના મુદ્દે રાજકારણ રમવાના બદલે મોદી સરકાર જે પણ પગલાં લે તેને ટેકો આપવાનું વલણ અપનાવ્યું છે. કેન્દ્ર સરકારે બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં પણ વિપક્ષોએ ઈન્ટેલિજન્સ નિષ્ફળતાના મુદ્દે આક્રમક બનવાના બદલે સરકારને સંપૂર્ણ સમરઅતન આપવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસે તો કર્ણાટકના મુખ્યમંત્રી સિધ્ધરામૈયા સહિતના સીનિયર નેતાઓને  પક્ષની લાઈન વિરૂધ્ધ નિવેદનો નહીં આપવાની સ્પષ્ટ સૂચના પણ આપી. વિપક્ષોના સમજદારીભર્યા વલણના કારણે પહલગામ મુદ્દે અઠવાડિયા સુધી શાંતિ રહી પણ છેલ્લે છેલ્લે આ મુદ્દે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે યુધ્ધ છેડાઈ ગયું છે. 

કોંગ્રેસે 'જિમ્મેદારી કે સમય-ગાયબ' કાર્ટૂન દ્વારા કરેલા કટાક્ષના કારણે ભાજપ છંછેડાઈ ગયો છે. ભાજપે કોંગ્રેસ પોતાની મુસ્લિમ મતબેંકને સાચવવા માટે મોદીને નિશાન બનાવી રહી હોવાનો વળતો આક્ષેપ કરીન કાંેગ્રેેસને પાકિસ્તાનની પીઆર એજન્ટ ગણાવી છે. કોંગ્રેસે કાર્ટૂનમાં કોઈનું નામ નથી લખ્યું પણ કાર્ટૂન નરેન્દ્ર મોદી સર્વપક્ષીય બેઠકમાં ગેરહાજર રહ્યા એ સંદર્ભમાં છે એ સ્પષ્ટ છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ સર્વપક્ષીય બેઠક પછી તરત આ મુદ્દો ઉઠાવ્યો હતો. 

દેશની સુરક્ષાના મુદ્દે ચર્ચા માટે બોલાવેલી બેઠકના બદલે મોદી બિહારમાં ચૂંટણી સભા કરવા જતા રહ્યા તેની ટીકા સોશિયલ મીડિયા પર પણ થઈ હતી. મોદીએ મધુબનીની સભામાં પહલગામ હુમલા માટે જવાબદારોને છોડવામાં નહીં આવે એવો હુંકાર કર્યો હતો. મોદી આ વાત સર્વપક્ષીય બેઠકમાં પણ કહી શક્યા હોત એવી ટીકા પણ થઈ.

Tags :