Get The App

વિશ્વમાં વાયુ પ્રદુષણથી વર્ષે 57 લાખ લોકોનાં મોત થાય છે

Updated: Feb 3rd, 2026

GS TEAM

Google News
Google News
વિશ્વમાં વાયુ પ્રદુષણથી વર્ષે 57 લાખ લોકોનાં મોત થાય છે 1 - image

- સતત વધી રહેલું પ્રદુષણ અને વૈશ્વિક ધોરણે પ્રદુષણ રોકવા કામ કરતી સંસ્થાઓની આર્થિક મદદમાં કરાતો ઘટાડો મોટી જાનહાની નોંતરશે તેવા સંકેત

- આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા ક્ડ અને જીવાશ્મ આધારિત ઈંધણ મેળવતી યોજનાઓની મદદમાં 80 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તેના કારણે આ રકમ 9.5 અબજ ડોલર પહોંચી ગઈ છે. બીજી તરફ સ્વચ્છ હવા, સ્વચ્છ પાણી માટે આપવામાં આવતી સહાયમાં મોટાપાયે ઘટાડાતા આ રકમ માત્ર 3.7 અબજ ડોલર વધી છે : 2023માં બાંગ્લાદેશ, ફિલિપાઈન્સ અને ચીનને પ્રદુષણ સામે લડવા માટે અને વાયુ ગુણવત્તા સુધારવા માટે 65 ટકા મદદ બહારથી મળી હતી. બીજી તરફ સબ સહારન સેક્ટર અને સબ સહારન આફ્રિકાના વિસ્તારોને બહારથી મળતી મદદ આશ્ચર્ર્યજનક રીતે 91 ટકા ઘટી ગઈ હતી : 2040 સુધીમાં લોકોનાં મોતનો આ આંકડો 62 લાખને પાર કરી જશે. જાણકારો માને છે કે, આ કોઈ ભયસ્થાન કે ચેતવણી નથી પણ હવે પ્રદુષણ અને તેના કારણે થતાં મોત મહામારીની જેમ વધી રહ્યા છે. વિશ્વના નબળા અને ગરીબ વર્ગો તથા છેવાડાના વર્ગો તેના કારણે ઘણી પીડા ભોગવી રહ્યા છે

દુનિયામાં એક તરફ પ્રદુષણ વધી રહ્યું છે, લોકો માટે જીવવું મુશ્કેલ બની રહ્યું છે. હવા, પાણી, જમીન, ભોજન બધે જ પ્રદુષણ સતત વધી રહ્યું છે. હવે સ્થિતિ એવી બની રહી છે કે, વધતા પ્રદુષણને રોકવા માટે વાતો થાય છે, મિટિંગો થાય છે પણ તેના ઉપર કામ થઈ રહ્યું નથી. તેના માટે જે ભંડોળ ફાળવવામાં આવી રહ્યું છે તેમાં વ્યાપક ઘટાડો થઈ ગયો છે. કેટલાક જાણકારોનો આક્ષેપ છે કે, વિવિધ મોટા દેશ અને એજન્સીઓ દ્વારા એવી યોજનાઓમાં રોકાણ કરવામાં આવી રહ્યું છે અથવા તો ભંડોળ આપવામાં આવી રહ્યું છે જેના દ્વારા પ્રદુષણ વધારે ફેલાય છે. હાલમાં મોટા દેશોનું જે રીતે વલણ બદલાયું છે અને વૈશ્વિક સંસ્થાઓ દ્વારા નીતિગત નિર્ણયો લઈને જે રીતે કામ કરવામાં આવી રહ્યું છે તેના પગલે વિકાસશિલ દેશોને નુકસાન થઈ રહ્યું છે. આ સ્થિતિમાં સુધારો નહીં કરવામાં આવ્યો તો આગામી વર્ષોમાં લાખો લોકોનાં મોત વાયુ પ્રદુષણના કારણે થશે. 

થોડા સમય પહેલાં આવેલા એક અહેવાલમાં જણાવાયું છે કે, વાયુ પ્રદુષણને કારણે વિશ્વમાં વર્ષે ૫૭ લાખ લોકોનાં મોત થાય છે. અહેવાલો જણાવે છે કે, ૨૦૨૩-૨૪માં ઘણા દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તથા એજન્સીઓ દ્વારા ક્રૂડ અને જીવાશ્મ આધારિત ઈંધણ મેળવતી યોજનાઓ પાછળ રોકાણ અને મદદમાં ૮૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તેના કારણે આ રકમ ૯.૫ અબજ ડોલર પહોંચી ગઈ છે. બીજી તરફ એજન્સીઓ દ્વારા સ્વચ્છ હવા, સ્વચ્છ પાણી અને ગુણવત્તાસભર વાતાવરણ માટે આપવામાં આવતી સહાયમાં મોટાપાયે ઘટાડો કરવામાં આવ્યો છે. તેના કારણે આ રકમ માત્ર ૩.૭ અબજ ડોલર વધી છે. જાણકારો કહે છે કે, વૈશ્વિક ધોરણે વિવિધ દેશો અને એજન્સીઓ દ્વારા માનવતા માટે જે સહાય કરવામાં આવે છે તેની માત્ર ૧ ટકા રકમ વાયુ ગુણવત્તા માટે આપવામાં આવી છે. તેના કારણે આ કાર્યોના વિકાસમાં મોટાપાયે બ્રેક લાગી છે અને માણસોના સ્વાસ્થ્ય ઉપર ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે. 

પ્રદુષણને અટકાવવા માટેની આર્થિક સહાય ઓછી થઈ રહી છે. ચિંતાજનક વાત એ છે કે, દર વર્ષે યોજાતા શિખર સંમેલનમાં પણ જળવાયુ પરિવર્તન અને પલટાતા હવામાન વિશે વાતો કરવામાં આવે છે, સ્વચ્છ હવા,પાણીની વાત કરવામાં આવે છે પણ તેના ઉપર કામ કરવામાં આવતું નથી. તેના વિશે ભંડોળ આપવાનું આવે ત્યારે સરકારો અને એજન્સીઓ હાથ પાછા ખેંચી લેતી હોય છે. 

જાણકારો માને છે કે, વૈશ્વિક સ્વાસ્થ્ય અને વૈશ્વિક કલ્યાણ અંગે કામ કરતી સંસ્થાઓ દ્વારા પ્રદુષણથી થતાં વૈશ્વિક મોત અંગે ફેરવિચાર કરવો જોઈએ. માત્ર આર્થિક અને જિયોપોલિટિક્સના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય કરીને લોકોને મરવા માટે ન છોડી શકાય.

 ઘણા દેશોમાં પ્રદુષણનું સ્તર સખત વધી રહ્યું છે અને તેની નકારાત્મક અસરો પણ જોઈ શકાય છે. વિશ્વની સૌથી મોટી વિકાસ એજન્સી યુએસએડ બંધ થવાના કારણ વર્લ્ડ બેન્ક જેવી સંસ્થાઓ ઉપર દબાણ વધ્યું છે. આ સ્થિતિનો ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી સમયમાં કરોડો લોકો પ્રદુષણના કારણે જીવ ગુમાવશે. અહેવાલ પ્રમાણે હાલમાં દર વર્ષે ૫૭ લાખ લોકો પ્રદુષણના કારણે જીવ ગુમાવે છે. ૨૦૪૦ સુધીમાં લોકોનાં મોતનો આ આંકડો ૬૨ લાખને પાર કરી જશે. જાણકારો માને છે કે, આ કોઈ ભયસ્થાન કે ચેતવણી નથી પણ હવે પ્રદુષણ અને તેના કારણે થતાં મોત મહામારીની જેમ વધી રહ્યા છે. વિશ્વના નબળા અને ગરીબ વર્ગો તથા છેવાડાના વર્ગો તેના કારણે ઘણી પીડા ભોગવી રહ્યા છે. આગામી સમયમાં પણ તેમને જ ભોગવવાનું આવશે.

ચિંતાજનક બાબત એવી છે કે, વૈશ્વિક સ્તરે પ્રદુષણ સામે લડવા માટે ફળવાતા ભંડોળમાં પણ ભયાનક સ્તરે અસમાનતા જોવા મળી રહી છે. ૨૦૨૩માં બાંગ્લાદેશ, ફિલિપાઈન્સ અને ચીનને પ્રદુષણ સામે લડવા માટે અને વાયુ ગુણવત્તા સુધારવા માટે ૬૫ ટકા મદદ બહારથી મળી હતી. બીજી તરફ સબ સહારન સેક્ટર અને સબ સહારન આફ્રિકાના વિસ્તારોને બહારથી મળતી મદદ આશ્ચર્યજનક રીતે ૯૧ ટકા ઘટી ગઈ હતી. તેના કારણે તેમને માત્ર ૧.૧૮ કરોડ ડોલર જ મળ્યા હતા. વિચારવા જેવી બાબત એ છે કે, જે વિસ્તારમાં સ્થિતિ સુધારવાની વધારે જરૂર છે, જ્યાં સ્વાસ્થ્ય માળખું સૌથી નબળું છે ત્યાં મદદ ઓછી પહોંચી છે. મોટા દેશ અને વૈશ્વિક એજન્સીઓ દ્વારા કેવી રીતે બેદરકારી દાખવવામાં આવે છે તેનું આ ઉદાહરણ છે. 

આશ્ચર્યજનક બાબત એ છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ૨૦૪૦ સુધીમાં પ્રદુષણના કારણે થતાં માનવ મોતનો આંકડો અડધો કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. બીજી તરફ વૈશ્વિક સંસ્થાઓ અને એજન્સીઓ દ્વારા જે રીતે ફંડ આપવામાં આવે છે અને કામગીરી થઈ રહી છે તે જોતાં મોતનો આંકડો ઘટશે નહીં પણ વધશે તેવી ભીતિ સેવાઈ રહી છે. 

જી-૨૦ દ્વારા પ્રદુષણ ઘટાડવાના મુદ્દાને પોતાના સૌથી મોટા એજન્ડામાં સ્થાન આપવામાં આવ્યું છે. બીજી તરફ વૈશ્વિક રાજકારણને પગલે અને બદલાતી રાજકીય સ્થિતિ અને અમેરિકાની આડોડાઈને કારણે હાલમાં વૈશ્વિક સંસ્થાઓ અટવાઈ ગઈ છે.

 બજેટ અને નીતિઓ વચ્ચે વિશાળ અંતર છે અને બધું જ માત્ર કાગળ ઉપર જ રહ્યું છે. તેને વાસ્તવિકતા તરફ નહીં લઈ જવામાં આવે તો કોઈ ફાયદો થવાનો નથી.

જાણકારો માને છે કે, આર્થિક સહાયની જે વ્યવસ્થા કરવામાં આવી છે તે ઉદ્યોગો, ઈંધણ અને પુન:અપ્રાપ્ય સ્રોત માટે ખર્ચવાના બદલે થોડા વધારે પ્રમાણમાં સ્વચ્છ હવા, પ્રદુષણમુક્તિ, સ્વચ્છ પાણી માટે પણ ખર્ચાવા જોઈએ. તે ઉપરાંત વૈશ્વિક સંસ્થાઓના નીતિગત મૂલ્યોમાં પણ પરિવર્તન આવવું જોઈએ. વાયુ પ્રદુષણ કોઈ કુદરતી આપત્તી નથી આ એક માનવ સર્જીત સમસ્યા છે જેનો ઉકેલ માણસોએ જ પોતાની રીતે લાવવો પડશે. 

રાજકીય અસમાનતાઓ, રાજકીય નીતિઓ, આર્થિક પ્રાથમિકતાઓનો અભાવ, ઈચ્છાશક્તિનો અભાવ અને વૈશ્વિક અસમાનતાના કારણે માણસોએ જ કરેલા કર્મોનું ફળ મળી રહ્યું છે. વિશ્વ બેન્ક અને વૈશ્વિક સંસ્થાઓ પોતાના વલણમાં ફેરફાર નહીં કરે, વિશ્વ આરોગ્ય સંસ્થા અને જી-૨૦ જેવા સંગઠનો દ્વારા પોતાની કામગીરીની દિશામાં અને નીતિઓમાં સુધારો નહીં કરવામાં આવે તો સમયાંતરે થતી જાહેરાતો માત્ર કાગળ ઉપર જ રહી જશે. હવે ધીમે ધીમે આ લડાઈ માત્ર પ્રદુષણની વિરુદ્ધ નથી રહી. હવે આ લડાઈ ન્યાય, સમાનતા, દરેક વ્યક્તિને સ્વચ્છ હવામાં શ્વાસ લેવાના અધિકાર અને સ્વચ્છ વાતારવણમાં જીવન જીવવાના અધિકાર સુધી પહોંચી ગઈ છે. આપણા કરેલા પાપને કારણે ભાવી પેઢીની જિંદગી જોખમમાં મુકી શકાય નહીં. 

વૈશ્વિક ધોરણે સહાય મુદ્દે ભારત અસમાનતાનો સૌથી વધારે ભોગ બન્યું છે 

પ્રદુષણ અને વૈશ્વિક સમસ્યાઓના નિવારણની કામગીરીની વાત આવે ત્યારે અનેક દેશો અને એજન્સીઓ દ્વારા ભારતને કાયમ અન્યાય કરવામાં આવ્યો છે.

 એશિયામાં જ અન્ય દેશોને મદદ વધારે મળે છે પણ ભારતની તરફ યોગ્ય સમર્થનનો હાથ લંબાવાતો નથી. દુનિયાના સૌથી વધારે પ્રદુષિત શહેરો પણ ભારતમાં વધી રહ્યા છે. દિલ્હી, પટના, લખનઉ, કાનપુર, ધનબાદ, ગાઝિયાબાદ જેવા શહેરોમાં પ્રદુષણ ભયાનક સ્તરે વધી રહ્યું છે.

 શિયાળા દરમિયાન મોટાભાગનું ઉત્તર ભારત ગેસ ચેમ્બરમાં ફેરવાઈ જાય છે અને લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી સર્જાય છે છતાં પ્રદુષણને ડામવા માટે યોગ્ય પગલાં લેવામાં આવતા નથી. અહેવાલો જણાવે છે કે, ભારતને ક્યારેય આ દિશામાં પ્રાથમિકતા આપવામાં આવતી નથી. તેને વાયુ પ્રદુષણ અટકાવવા માટે ભંડોળમાં અન્યાય કરવામાં આવે છે અને બીજી તરફ પ્રદુષણ રોકવા માટે થતા સંશોધનો કરવા માટે પણ ભારતને યોગ્ય સહાય કરવામાં આવતી નથી. ભારતમાં પ્રદુષણનો સ્થાનિક અને દિર્ઘકાલીન ઉકેલ લાવવા માટે યોગ્ય રોકાણ થતું નથી. એક અહેવાલ પ્રમાણે ભારતને વાયુ પ્રદુષણને કારણે ૯૫ અબજ ડોલરનું વાર્ષિક નુકસાન થાય છે. લોકોના કામકાજના દિવસોમાં ઘટાડો થાય છે, બાળકો સ્કુલે જઈ શકતા નથી, લોકોની ઉત્પાદકતા ઘટી જાય છે, હોસ્પિટલના ખર્ચ થઈ શકતા નથી, જીવનની ગુણવત્તામાં ઘટાડો થાય છે. આ સમસ્યા ધીમે ધીમે એટલી મોટી થઈ રહી છે કે આગામી પેઢીને તેનું ભયાનક પરિણામ ભોગવવાનું આવશે. ગરીબી, અસમાનતા, જાહેર સ્વાસ્થ્ય જોખમ સાથે જોડાયેલો આ સૌથી મોટો મુદ્દો છે. 

ભારતમાં ગરીબ વસતી, અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરો, ફૂટપાથ ઉપર અને જાહેર રસ્તાની સાઈડમાં રહેતા લોકો આ બધા જ પ્રદુષણનો સૌથી વધારે ભોગ બની રહ્યા છે. ચિંતાજનક બાબત એ છે કે, જ્યારે નીતિગત નિર્ણયો લેવામાં આવે છે ત્યારે આ તમામ લોકોની ઉપેક્ષા કરવામાં આવે છે. 

સાઉથ એશિયામાં માત્ર ભારતને જ અન્યાય કરવામાં આવે છે જે અયોગ્ય છે. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ એક જ વાયુક્ષેત્ર હેઠળ આવે છે. તેની અસર દરેક દેશ ઉપર સમાન પડવાની છે. તેથી પ્રદુષણ મુદ્દે એક દેશને મદદ અને બીજાને અન્યાય કરવાથી દેખીતો કોઈ લાભ થવાનો નથી.