Get The App

સ્વામીનાથને બોર્લોગના 100 કિલો બિયારણથી હરિત ક્રાંતિ કરેલી

Updated: Sep 29th, 2023

GS TEAM

Google News
Google News
સ્વામીનાથને બોર્લોગના 100 કિલો બિયારણથી હરિત ક્રાંતિ કરેલી 1 - image


- ભારતમાં હરિત ક્રાંતિના પ્રણેતા મનાતા એમ.એસ. સ્વામીનાથનના નિધન સાથે ભારતના ઈતિહાસના એક સુવર્ણયુગનો અંત આવી ગયો

- સ્વામીનાથન અને બોરલોગ માટે એ સમય કપરો હતો કેમ કે કોઈ ખેડૂત નવા બિયારણને અપનાવવા તૈયાર નહોતો. માંડ માંડ સમજાવીને નવા બિયારણના પ્રયોગો થયો ને તેને એવી જોરદાર સફળતા મળી કે દેશની બહુ મોટી  સમસ્યા હલ થઈ ગઈ. ૧૯૭૦નો દાયકો શરૂ થયો ત્યાં સુધીમાં તો ભારતમા હરિત ક્રાંતિ શરૂ થઈ ચૂકી હતી. ઘઉંના નવા બિયારણથી સૌથી વધારે પાક પંજાબ-હરિયાણામાં થયો હતો તેથી બોર્લોગે આ બે રાજ્યોમાં ઘઉંની ખેતી જ કરાવવા સૂચન કર્યું. તેનું પરિણામ નજર સામે છે. આજે હરિયાણા અને પંજાબ દેશમાં સૌથી સમૃધ્ધ રાજ્યો છે તેનો યશ આ હરિત ક્રાંતિને જાય છે. હરિત ક્રાંતિના કારણે ભારતમાં ખેતી ફાયદાકારક છે એ સાબિત થયું ને દેશના અર્થતંત્રને બહુ મોટો ફાયદો થયો.

ભારતમાં હરિત ક્રાંતિના પ્રણેતા મનાતા એમ.એસ. સ્વામીનાથનના નિધન સાથે ભારતના ઈતિહાસના એક સુવર્ણયુગનો અંત આવી ગયો. નવી પેઢી માટે સ્વામીનાથનનું નામ અજાણ્યું છે તેથી તેમના યોગદાન વિશે યુવા પેઢીને બહુ ખબર નથી પણ ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય કે, આઝાદી પછી ભારતને એક મહાન રાષ્ટ્ર બનાવવાની દિશામાં બહુ મોટું યોગદાન આપનારા મહાનતમ લોકોમાં સ્વામીનાથન એક હતા. 

ભારત આજે અનાજના ઉત્પાદનમાં આત્મનિર્ભર છે. દુનિયામાં સૌથી વધારે વસતી ધરાવતો દેશ હોવા છતાં ભારતે અનાજ માટે દુનિયાન કોઈ દેશ પાસે ભીખ માગવી પડતી નથી. બલ્કે ભારત બીજા દેશોમાં નિકાસ કરી શકે એટલું અનાજ પાકે છે. આ બધું ૧૯૬૦ના દાયકામાં થયેલી હરિત ક્રાંતિના કારણે શક્ય બન્યું અને તેનું શ્રેય માનકોમ્બુ સંબાશિવન સ્વામીનાથનને જાય છે. સ્વામીનાથને અમેરિકન કૃષિશાસ્ત્રી નોર્મન બોર્લોગ સાથે મળીને ઘઉં અને ચોખાની મબલક પાક થાય એવી જાતો વિકસાવીને માત્ર ભારતની અનાજની સમસ્યા જ હલ  ના કરી પણ દેશનાં તૂટી રહેલાં ગામડાંને પણ ફરી બેઠાં કરી દીધાં. સ્વામીનાથન અને બોર્લોગની હરિત ક્રાંતિ ભારતના અર્થતંત્રની સૌથી મોટી ક્રાંતિ છે. 

સ્વામીનાથનનું યોગદાન ભારતને અનાજ ઉત્પાદનમાં આત્મનિર્ભર કરવા પૂરતું મર્યાદિત નથી. સ્વામીનાથને બટાટાની નવી નવી જાતો વિકસાવવા માટે કરેલા સંશોધને આ દેશના કરોડો ખેડૂતોને તો ફાયદો કરાવ્યો જ પણ ભારતમાં ફૂડ પ્રોસેસિંગમાં પણ એક નવી દિશા ખોલી દીધી. આ તો બે મોટાં ક્ષેત્રોમાં તેમણે કરેલી કામગીરીની વાત કરી. બાકી સ્વામીનાથનના સંશોધનનો વ્યાપ એટલો મોટો છે કે, તેનો લાભ ભારતમાં ઘણાં બધાં કૃષિ ઉત્પાદનોને મળ્યો. 

સ્વામીનાથને નોર્મન બોર્લોગ સાથે મળીને કરેલી હરિત ક્રાંતિ ભારતના ઈતિહાસનું સુવર્ણ પ્રકરણ છે. ભારત મૂળ ખેતીપ્રધાન દેશ હતો પણ અંગ્રેજોએ પોતાના ફાયદા માટે ગળી, કપાસ વગેરની ખેતી કરાવી તેમાં અનાજનું ઉત્પાદન ઘટયું. બીજી તરફ વસતી વધવા માંડી હતી તેથી આઝાદીનાં વરસો પછી ભારતમાં લોકોને બે ટંક ખાવાનું આપી શકાય એટલું અનાજ નહોતું પાકતું.

ભારતે વિદેશથી ઘઉં, ચોખા વગેરે અનાજ મંગાવવું પડતું. તેના કારણે અપમાનજનક સ્થિતીમાં પણ મૂકાવું પડતું હતું. અમેરિકા સહિતના દેશો ભારત પર અહેસાન કરતા હોય એમ વધ્યુંઘટયું અનાજ આપી દેતા હતા. જવાહરલાલ નહેરૂએ આ સ્થિતી બદલવા ઈન્ડિયન એગ્રીકલ્ચરલ રીસર્ચ ઈન્સ્ટિટયુટ સ્થાપીને રીસર્ચ શરૂ કરાવ્યું પણ ભારતમાં કૃષિ સંશોધન વિશે કોઈને ખબર જ નહોતી તેથી શરૂઆતનાં વરસોમાં કશું ના થયું. 

સ્વામીનાથન ૧૯૫૦ના દાયકામાં જ કૃષિશાસ્ત્રી તરીકે નામના મેળવી ચૂક્યા હતા. ૧૯૫૦માં યુનેસ્કોની ફેલોશિપ મેળવ્યા પછી વિદેશમાં સંશોધન કરીને પાછા ફરેલા સ્વામીનાથન ૧૯૫૪ના ઓક્ટોબરમાં ઈન્ડિયન એગ્રીકલ્ચરલ રીસર્ચ ઈન્સ્ટિટયુટમા જોડાયા પછી તેમણે ભારતને અનાજ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા કમર કસી. સ્વામીનાથન પોતાના સંશોધન કાળમાં વિશ્વવિખ્યાત અમેરિકન કૃષિશાસ્ત્રી નોર્મન બોર્લોગના સંશોધનથી બહુ પ્રભાવિત થયા હતા. બોર્લોગે પોતે વિકસાવેલી ઘઉંની નવી જાતોના આધારે મેક્સિકોને ઘઉંના ઉત્પાદનમાં આત્મનિર્ભર કરી દીધું હતું. 

બોર્લોગે મેક્સિકો સિવાય પણ દુનિયાના ઘણા દેશોમાં ઘઉ, ચોખા સહિતના અનાજનું ઉત્પાદન વધારવામાં મહત્વની ભૂમિકા ભજવેલી. બોર્લોગ પાસે પોતાના ઉપયોગ કરીને અબજોપતિ બની શક્યા હોત પણ તેના બદલે માનવજાતની સેવા કરવાનોં ઉદ્દેશ અપનાવીને દુનિયાના ગરીબ દેશોને મદદ કરતા હતા. સ્વામીનાથનને લાગ્યું કે, ભારતની સમસ્યાનો ઉકેલ બોર્લોગ લાવી શકે તેમ છે તેથી સ્વામીનાથને બોર્લોગ ભારતમાં આવે એ માટે પ્રયત્ન શરૂ કર્યા. ૧૯૫૦ના દાયકાના અંતમાં બોર્લોગને ભારત બોલાવીને પહેલાં તેમને ભારત માટે કામ કરવા  સંમત કર્યા. એ પછી જવાહરલાલ નહેરૂને સમજાવીને નોર્મન બોર્લોગને ભારત બોલાવ્યા.  

નહેરૂના આદેશથી કૃષિ મંત્રી સી. સુબ્રમણ્યમે ભારતમાં કૃષિ સંશોધન માટેની તમામ વ્યવસ્થા કરાવી. એ પછી બોરલોગ ૧૯૬૪માં ૧૦૦ કિલો બિયારણ સાથે ભારત આવ્યા અને સંશોધન શરૂ કર્યું. ૧૯૬૫માં ભારત-પાકિસ્તાન યુધ્ધ વખતે આ સંશોધન પૂરજોશમાં ચાલતું હતું. બોર્લોગે આખા ભારતમાંથી માટીના નમૂના મંગાવીને ક્યા વિસ્તારમાં વધારે ઘઉં પાકી શકે એ નક્કી કર્યું. તેના આધારે ઘણાં રાજ્યોમાં વાવેતર કરાયું. 

સ્વામીનાથન અને બોરલોગ માટે એ સમય કપરો હતો કેમ કે કોઈ ખેડૂત નવા બિયારણને અપનાવવા તૈયાર નહોતો. માંડ માંડ સમજાવીને નવા બિયારણના પ્રયોગો થયો ને તેને એવી જોરદાર સફળતા મળી કે દેશની બહુ મોટી  સમસ્યા હલ થઈ ગઈ. ૧૯૭૦નો દાયકો શરૂ થયો ત્યાં સુધીમાં તો ભારતમા હરિત ક્રાંતિ શરૂ થઈ ચૂકી હતી. ઘઉંના નવા બિયારણથી સૌથી વધારે પાક પંજાબ-હરિયાણામાં થયો હતો તેથી બોર્લોગે આ બે રાજ્યોમાં ઘઉંની ખેતી જ કરાવવા સૂચન કર્યું. તેનું પરિણામ નજર સામે છે. આજે હરિયાણા અને પંજાબ દેશમાં સૌથી સમૃધ્ધ રાજ્યો છે તેનો યશ આ હરિત ક્રાંતિને જાય છે. હરિત ક્રાંતિના કારણે ભારતમાં ખેતી ફાયદાકારક છે એ સાબિત થયું ને દેશના અર્થતંત્રને બહુ મોટો ફાયદો થયો. 

સ્વામીનાથને એ પછી સંશોધન તો ચાલુ જ રાખ્યું પણ કૃષિ અને ખેડૂતોની સ્થિતી સુધારવા પણ સતત પ્રયત્નશીલ રહ્યા. મનમોહનસિંહ સરકારે ૨૦૦૪માં બનાવેલા નેશનલ કમિશન ઓન ફાર્મિંગના અધ્યક્ષ તરીકે સ્વામીનાથન હતા તેમણે ઓક્ટોબર ૨૦૦૬માં રિપોર્ટ આપ્યો તેમાં ભલામણ હતી કે, ખેડૂતને પાકની ઉત્પાદન કિંમતથી ૫૦ ટકા વધારે રકમ મળવી જોઈએ. 

ખેડૂતોને સારી ગુણવત્તાનું બિયારણ ઓછા ભાવે મળે, ગામડાંમાં ખેડૂતોની મદદ માટે વિલેજ નોલેજ સેન્ટર બનાવાય, મહિલા ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ બહાર પડાય, ખેડૂતો માટે કૃષિ જોખમ ફંડ ઉભું કરાય કે જેથી કુદરતી આફતના સમયે ખેડૂતોની મદદ કરી શકાય એવી ભલામણો પણ તેમણે કરી હતી. આ બધી ભલામણો ખેડૂતોને આધુનિક બનાવવા માટેની છે પણ તેનો અમલ ના થયો.

હવે સ્વામીનાથ આપણી વચ્ચે નથી ત્યારે આ ભલામણોનો અમલ થશે તો એ તેમને અપાયેલી સાચી શ્રધ્ધાંજલિ હશે.

- સ્વામીનાથને આઈપીએસને લાત મારી, વિદેશનો મોહ છોડીને દેશસેવા પસંદ કરી

સ્વામીનાથને ધાર્યું હોત તો ઉચ્ચ સરકારી અધિકારી બનીને જલસાની જીંદગી જીવી શક્યા હોત કેમ કે મૂળ તો એ આઈપીએસ તરીકે સીલેક્ટ થયા હતા. સ્વામીનાથને ઈન્ડિયન એગ્રીકલ્ચરલ રીસર્ચ ઈન્સ્ટિટયુટમાં કામ કરતાં કરતાં ૧૯૫૦માં યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી અને આઈપીએસ ઓફિસર તરીકે તેમની પસંદગી થયેલી. એ જ વખતે તેમને નેધરલેન્ડ્સમાં કૃષિ સંશોધનમાં જીનેટિક્સ પર કામ કરવા માટે યુનેસ્કોની ફેલોશિપ મળી. સ્વામીનાથને પોલીસ અધિકારી કે પછી સંશોધન એ બેમાંથી એક કારકિર્દી પસંદ કરવાની હતી. તેમણે કૃષિમાં સંસોધનને મહત્વ આપ્યું ને પોલીસ અધિકારી બનવાનું માંડી વાળીન નેધરલેન્ડ્સ ઉપડી ગયા. 

સ્વામીનાથે કૃષિશાસ્ત્રી તરીકે નામના મેળવી પછી પણ તેમની પાસે  વિદેશમાં કામ કરીને અબજો ડોલર કમાવવાનો વિકલ્પ હતો. સ્વામીનાથને નેધરલેન્ડ્સમાં રીસર્ચ પછી યુરોપ, યુકે અને અમેરિકામાં કામ કર્યું. ભારતમાં એ વખતે કૃષિ સંશોધન માટે સરખી લેબ પણ નહોતી તેથી સ્વામીનાથન માટે અહીં કરવા જેવું કશું નહોતું છતાં સ્વામીનાથન ૧૯૫૪માં ભારત પાછા આવ્યા. ભારત આવીને તેમણે શરૂઆતમાં એગ્રીકલ્ચરલ કોલેજમાં ભણાવવા જેવી સામાન્ય નોકરીઓ કરી. એ સમય સંઘર્ષનો હતો પણ સ્વામીનાથને હાર્યા વિના કામ કર્યા કર્યું અને સંશોધન ચાલુ રાખીને પોતાની એક જગા બનાવી. 

સ્વામીનાથને વિદેશનો મોહ અને નાણાંની લાલચ છોડીને પોતાના વતનની સેવા કરવાનું નક્કી કર્યું એ જોતાં સ્વામીનાથન દેશના યુવાનો માટે રોલ મોડલ છે.

- પાક નહીં પણ તેની બાય-પ્રોડક્ટનો પણ ઉપયોગ

સ્વામીનાથને ખેડૂતોને માત્ર પાકના જ નહીં પણ પાકની બીજી બાય પ્રોડક્ટ્સથી પણ આર્થિક ફાયદો થાય એવો બાયોપાર્ક કન્સેપ્ટ આપીને મ્યાનમારની રાજધાની નાય પ્યી તોમાં આ મોડલ અમલી બનાવ્યું. ભારત સરકારના સહયોગથી બનેલા આ બાયોપાર્ક બન્યો છે.

સ્વામીનાથનની ફોર્મ્યુલા અત્યંત સરળ છે. ખેડૂત અનાજ પકવે પછી તેની મુખ્ય કમાણી અનાજની જ હોય પણ એ સિવાય પાકને સંલગ્ન દરેક ચીજના ખેડૂતને પૈસા મળવા જોઈએ. ડૂંડાં, સાંઠા કે છેલ્લે નિકળતા કચરાના પણ પૈસા મળે તો ખેડૂતોને બમણો ફાયદો થાય.  મ્યાનમારમાં ચોખા પુષ્કળ પ્રમાણમા પાકે છે. 

 આ બાયોપાર્કમાં ચોખા પકવતા ખેડૂતોની આવક એક વર્ષમાં જ દોઢ ગણી થઈ ગઈ છે. ભારતમાં પણ આ મોડલ અપનાવાય તો  ખેડૂતોની હાલત સુધરે.


Tags :