- માઉન્ટ એવરેસ્ટના ડેડઝોનમાં ફસાવાથી દર વર્ષે 8-10 લોકોનાં મોત થાય છે, મૃતકોની બોડી નીચે લાવવા કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોવાથી તેને ત્યાં જ છોડી દેવાય છે
- દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો માઉન્ટ એવરેસ્ટ સર કરવા આવે છે. માઉન્ટ એવરેસ્ટ ઉપર આવવં હવે લોકોમાં ફેશન થતી જાય છે. તેના કારણે એવરેસ્ટ તરફ ધસારો વધ્યો છે. અહીંયાના ડેથ ઝોનનું તાપમાન કાયમ શૂન્ય કરતા નીચું જ હોય છે. અહીંયા ૨૦૦ કરતા વધારે શબ પડયા છે. અહીંયા અતિશય ઠંડી હોવાના કારણે શબ સડતા નથી પણ લોકો તેને લઈ પણ જતા નથી ઃ એવરેસ્ટથી શબ નીચે લાવવાનો અધધ ખર્ચ હોય છે. એક શબ નીચે લાવવા માટે ખાસ તાલિમ ધરાવતા શેરપાઓને મોકલવામાં આવે છે. તેનો ખર્ચ અંદાજે ૧.૧૫ લાખ ડોલર એટલે કે અંદાજે ૧.૧૫ કરોડ રૂપિયા જેટલો થાય છે. તે એવરેસ્ટ ચડવાના ખર્ચ કરતા અનેકગણો વધારે છે. તેના કારણે જ મોટાભાગના લોકોનો શબ આ સ્થળે મજબૂરીમાં છોડવામાં આવે છે ઃ અહીંયા આવનારા પર્વતારોહકોમાં બે જોખમ રહેલા હોય છે. એક હાઈ અલ્ટિટયૂડ પલ્મોનરી એડીમા. આ કિસ્સામાં ફેફસાંમાં પાણી ભરાઈ જાય છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે. બીજી સમસ્યા છે હાઈ એલ્ટિલ્યૂડ સેરેબ્રલ એડીમા. તેમાં મગજમાં સોજો આવે છે અને ચેતાતંત્ર કામ કરતું અટકી જાય છે. તેમાં ધબકારા ૧૬૦ સુધી પહોંચી જાય છે. માંસપેશયો જકડાઈ જાય છે. આવા કિસ્સામાં ખાસ કરીને ડેથ ઝોનમાં પર્વતારોહક ફસાય તો ૧૬થી ૨૦ કલાક જ જીવતો રહે છે
દુનિયાના સૌથી ઉંચા શિખર ગણાતા માઉન્ટ એવરેસ્ટ ઉપર જવું તે દરેક પર્વતારોહકનું સપનું હોય છે અને તેને પૂરું કરવા માટે દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો ત્યાં આવતા હોય છે. અહીંયા તાજેતરમાં ૫૩ વર્ષના અરુણ કુમાર તિવારી અને ૪૭ વર્ષના સંદીપ અરે દ્વારા અનુક્રમે ૨૦ અને ૨૧ મેના રોજ એવરેસ્ટ શિખર સર કરવામાં આવ્યું હતું. તેઓ ત્યારબાદ નીચે આવતા હતા ત્યારે તેમની તબિયત લથડી અને તેમના મોત થયા. અહેવાલો પ્રમાણે અરુણ તિવારી જ્યેર ૮૭૯૦ મીટરની ઉંચાઈએ હિલેરી સ્ટેપ ઉપર પહોંચ્યા ત્યારે તેમની તબિયત લથડી હતી. શેરપાએ તેમને મદદ કરવાનો પ્રયાસ કર્યો પણ તે નિરર્થક સાબિત થયો. તેમનું મોત થઈ ગયું. જાણકારોના મતે તેમને હાઈ અલ્ટિટયૂડ પ્લોમનરી એડીમા થયો હતો. તેના કારણે તેમના ફેફસાંમાં પાણી ભરાઈ ગયું હશે અને તેમનું મોત થયું હશે.
બીજી તરફ સંદીપ અરે પણ ૨૦મેના રોજ એવરેસ્ટ પહોંચી ગયા હતા. ત્યાં પહોંચ્યા બાદ તેમને સ્નો બ્લાઈન્ડનેસ થઈ ગઈ હતી. તેમને કશું જ દેખાતું નહતું. તે વખત પાંચ શેરપા તેમને બચાવીને સાઉથ સમીટથી નીચે લઈ આવ્યા. થોડા જ સમયમાં તેમણે કેમ્પ-૨માં સારવાર દરમિયાન જીવ ગુમવ્યો હતો. આ પહેલાં ૧૧મેના રોજ ૨૦ વર્ષના ફુરા ગ્યાલ્જેન શેરપાએ જીવ ગુમાવ્યો હતો. પર્વતારોહણ દરમિયાન પગ લપસ્યો અને તેનું મોત થયું હતું. તેની પહેલાં ૧૦મી મેના રોજ બિજયા ઘિમિરે ખુંભુ પણ આઈસફોલમાં પડી ગયો અને તેનું મોત થયું. તે પહેલાં ૩ મેના રોજ કોલ્પા ડેંડે શેરપાનું પણ બેઝ કેમ્પ ઉપર પાછા ફરવા દરમિયાન મોત થયું હતું.
હકિકત એ છે કે, દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો માઉન્ટ એવરેસ્ટ સર કરવા આવે છે અને અનેક મુશ્કેલીઓ ભોગવે છે. કેટલાક લોકો માને છે કે, માઉન્ટ એવરેસ્ટ ઉપર આવવું હવે લોકોમાં ફેશન થતી જાય છે. તેના કારણે એવરેસ્ટ તરફ ધસારો વધ્યો છે. અહીંયાના ડેથ ઝોનનું તાપમાન કાયમ શૂન્ય કરતા નીચું જ હોય છે. અહીંયા ૨૦૦ કરતા વધારે શબ પડયા છે. અહીંયા અતિશય ઠંડી હોવાના કારણે શબ સડતા નથી પણ લોકો તેને લઈ પણ જતા નથી. અહીંયા ગ્રૂન બૂટ્સ અને સ્લીપિંગ બ્યૂટી શબ પણ પડેલા છે. એક અહેવાલ પ્રમાણે અહીંયા કર્મચારીઓ હોય છે અને તેઓ દરેક મોતની નોંધ કરે છે પણ શબ નીચે લાવવાની તસદી લેતા નથી. લોકોને તેનું સૌથી મોટું આશ્ચર્ય થાય છે. અહીંયા કચરાની સાથે સાથે ડેડબોડીની પણ ભરમાર થઈ ગઈ છે.
એવરેસ્ટના શિખર ઉપર જવું જેટલું ખર્ચાળ છે તેટલું જ જોખમી પણ છે. તેમાંય અહીંયા દર વર્ષે પાંચથી દસ લોકોના મોત થતા જ હોય છે. આ તમામ ડેડ બોડી નીચે લાવવાનો ખર્ચ એવરેસ્ટ સર કરવાના ખર્ચ કરતા બમણાથી ત્રણ ગણો હોય છે. અરુણ કુમાર તિવારી જેમનું તાજેતરમાં જ એવરેસ્ટના ડેથ ઝોનમાં મોત થયું હતું તેમના પરિવારે શબ નીચે લાવવાની મનાઈ કરી દીધી હતી. શબ નીચે લાવવામાં પડતી મુશ્કેલીઓ અને તેના અધધ ખર્ચને કારણે તેમણે આવું કર્યું હોય તેમ લાગી રહ્યું છે. અરુણકુમાર તિવારીના શબને નીચે લાવવા મથેલી કંપનીએ જણાવ્યું કે, એવરેસ્ટથી શબ નીચે લાવવાનો અધધ ખર્ચ હોય છે. એક શબ નીચે લાવવા માટે ખાસ તાલિમ ધરાવતા શેરપાઓને મોકલવામાં આવે છે. તેનો ખર્ચ અંદાજે ૧.૧૫ લાખ ડોલર એટલે કે અંદાજે ૧.૧૫ કરોડ રૂપિયા જેટલો થાય છે. તે એવરેસ્ટ ચડવાના ખર્ચ કરતા અનેકગણો વધારે છે. તેના કારણે જ મોટાભાગના લોકો શબ આ સ્થળે મજબૂરીમાં છોડવામાં આવે છે.
જાણકારોના મતે એવરેસ્ટમાં ૮ હજાર મીટરની ઉપરના વિસ્તારને ડેથ ઝોન કહેવાય છે. સમુદ્રતળે જે હવાનું દબાણ ૧ હોય છે એવરેસ્ટના શિખર ઉપર માત્ર ૦.૩૩ હોય છે. ડેથ ઝોનમાં ઓક્સિજનનું સ્તર પણ ૫૦થી ૬૦ ટકાની વચ્ચે હોય છે. મોટાભાગે અહીંયા આવનારા પર્વતારોહકોમાં બે જોખમ રહેલા હોય છે. એક હાઈ અલ્ટિટયૂડ પલ્મોનરી એડીમા. આ કિસ્સામાં ફેફસાંમાં પાણી ભરાઈ જાય છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે. બીજી સમસ્યા છે હાઈ એલ્ટિલ્યૂડ સેરેબ્રલ એડીમા. તેમાં મગજમાં સોજો આવે છે અને ચેતાતંત્ર કામ કરતું અટકી જાય છે. તેમાં ધબકારા ૧૬૦ સુધી પહોંચી જાય છે. પાચન બંધ થઈ જાય છે, ઉંઘ આવતી નથી, માંસપેશયો જકડાઈ જાય છે. આવા કિસ્સામાં ખાસ કરીને ડેથ ઝોનમાં પર્વતારોહક ફસાય તો ૧૬ થી ૨૦ કલાક જ જીવતો રહે છે.
ઉલ્લેખનીય છે કે, નેપાળ આર્મીમાં રહેલા શેરપાઓના અનુભવોના આધારે થોડા સમય પહેલાં એક અહેવાલ આવ્યો હતો. તેમાં જણાવાયું હતું કે, ધરતીથી ૮૦૦૦થી ૯૦૦૦ મીટર ઉંચાઈ પણ ભયભીત કરનારી હોય છે. આ ઉંચાઈ ઉપર બે લોકો માત્ર ૮ કિલો ઓક્સિજનનું સિલિન્ડર લઈ જાય તો પણ તેમની સ્થિતિ ખરાબ થઈ જાય છે. તેમના માટે આ પણ મુશ્કેલ કામ હોય છે ત્યાં ૭૦ કે ૮૦ કિલો વજન ધરાવતું શબ નીચે લઈને આવવું લગભગ અશક્ય જેવું કામ છે. બીજી તરફ બરફ જામતો જાય છે તેથી જોતજોતામાં ૮૦નું ૧૦૦ કિલો વજન ક્યારે થઈ જાય છે તે સમજી શકાતું નથી. આ સંજોગોમાં તેને ત્યાં જ છોડી દેવામાં આવે છે.
બીજી તરફ આ ઉંચાઈએ ડેથ ઝોનમાં હવા એટલી પાતળી હોય છે કે, હેલિકોપ્ટરના રોટર બ્લેડ યોગ્ય રીતે ચાલતા નથી. હેલિકોપ્ટર દ્વાર એવરેસ્ટના બેઝ-૨ કેમ્પ સુધી જ જઈ શકાય છે. તેનાથી આગળ જવામાં હેલિકોપ્ટર માટે જ ખતરો છે. બીજી વાત એવી છે કે, એવરેસ્ટ ઉપરથી શબ નીચે લાવવા માટે અંદાજે ૫૦૦૦૦ ડોલરથી બે લાખ ડોલર સુધીનો ખર્ચ થતો હોય છે. તેથી ભારતીય ચલણમાં જોઈએ તો અંદાજે ૫૦ લાખથી બે કરોડ સુધીનો ખર્ચ આવે છે. ઉલ્લેખનીય છે કે, કોલોરાડોના એક પર્વતારોહકે થોડા સમય પહેલાં સીબીસીને અહેવાલ આપતા જણાવ્યું હતું કે, અહીંયાથી જીવતા નીચે આવવું સદભાગ્ય છે. તેમાંય શબને નીચે ઉતારવું ખતરનાક અને ખર્ચાળ કામ છે.
જો કે, ૨૦૧૭માં બંગાળ સરકાર દ્વારા એક વ્યક્તિનું શબ નીચે લાવવામાં આવ્યું હતું. તેની પાછળ અભિયાન પૂરું કરવામાં અંદાજે ૭૫ લાખ રૂપિયા ખર્ચ્યા હતા.
આ સિવાય શેરપાઓને પણ જીવનું જોખમ રહે છે. આજથી ચાલીસ વર્ષ પહેલાની પણ એક ઘટના અત્યારે પણ ચર્ચાય છે. તે સમયે જર્મનીના એક પર્વતારોહકને શારીરિક અને માનસિક પડકારનો સામનો કરવો પડે છે. તેવી જ રીતે શેરપાઓની પણ સ્થિતિ થતી હોય છે. ૧૯૮૪માં સ્થિતિ વધારે ખરાબ હતી. તે વખતે જર્મન પર્વતારોહીના શબને નીચે લાવવા અને સાચવવાના કામમાં બે શેરપાઓનાં મોત થયા હતા. તે ઉપરાંત ૨૦૧૯માં મેકાલુ પર્વત ઉપરથી શબને નીચે લાવવાના મિશન દરમિયાન એક નેપાળી સૈનિકને અલ્ટિટયૂડ સિકનેસ થઈ ગઈ હતી જેના કારણે અભિયાન અધુરું છોડવું પડયું હતું. બીજી મોટી અને ગંભીર બાબત એ છે કે, એવરેસ્ટમાં ચડાણ દરમિયાન સાનુકુળ વાતાવરણ થોડા સમય માટે જ મળે છે. મે મહિનામાં પરાણે બે અઠવાડિયા સીધું અને સારું હોય છે. ત્યારબાદ ૧૬૦ કિ.મી પ્રતિ કલાકની ઝડપે વધારેમાં વધારે પવન ફુંકાય છે. તે ઉપરાંત માઈનસ ૪૦ ડિગ્રીથી નીચે તાપમાન જતું રહે છે.
- અંધાધૂંધ કમાણી, મોટા કમિશન અને ઉંઘાડી લૂંટથી લોકોના જીવ જોખમાય છે
સૂત્રોના મતે એવરેસ્ટ ઉપર જવા માટે ઘણા સમયથી ધસારો વધ્યો છે. તેમાંય નેપાળ પર્યટન વિભાગ દ્વારા ૨૦૨૬માં ૫૦૦ લોકોને પરવાનગી આપવામાં આવી હતી. તે અત્યાર સુધીની સૌથી વધારે પરવાનગી હતી. અહીંયા એક પરિમિટની કિંમત અંદાજે ૧૫,૦૦૦ ડોલરથી ૨૦,૦૦૦ ડોલર હોય છે. બીજી તરફ તેની કિંમત ભારતીય ચલણમાં અંદાજે બારથી ૧૩ લાખ રૂપિયા થતી હોય છે. તેના દ્વારા નેપાળ સરકારને વર્ષે ૭.૨૦ મિલિયન ડોલરની કમાણી થતી હોય છે.
વર્ષ ૨૦૨૬માં એક જ દિવસમાં ૨૭૪ પર્વતારોહકોને એવરેસ્ટ શિખર ઉપર જવાની પરવાનગી આપવામાં આવી. આ એક દિવસનો અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે. એક્સપિડિશન ઓપરેટર્સ એસોસિએશન ઓફ નેપાળના જણાવ્યા પ્રમાણે આ પહેલાં એક જ દિવસમાં ૨૨૩ લોકોને પરવાનગી આપવામાં આવી હતી. તેના કરતા આ આંકડો ઘણો મોટો છે. ૨૨ મે ૨૦૧૯ના રોજ એક જ દિવસમાં ૨૨૩ લોકોને પરવાનગી આપવામાં આવી હતી. જાણકારો માને છે કે, હાલમાં વધારેમાં વધારે લોકોને એવરેસ્ટ ઉપર જવાની પરવાનગી આપવામાં આવી રહી છે તેના ઘણા માઠા પરિણામો આવી રહ્યા છે. ખાસ કરીને ડેથ ઝોનમાં કલાકો સુધી પર્વતારોહકોની લાઈનો લાગે છે અથવા તો ભીડ થઈ જાય છે. ઘણી વખત પર્વતારોહકો અથવા તો શેરપાઓ પાસે રહેલો ઓક્સિજન ખુટવાની શક્યતાઓ ઊભી થઈ જાય છે. થોડા સમય પહેલાં જ કામી રીતા શેરપાએ પોતાનો અનુભવ જણાવ્યો હતો. તેણે અત્યાર સુધીમાં ૩૨ વખત એવરેસ્ટ આરોહણ કરેલું છે. તેમના મતે સ્થાનિક સરકાર કમાવા પરવાનગીઓ આપે છે અને લોકો પણ પોતાના સ્વાસ્થ્યની ગુણવત્તા ચકાસ્યા વગર એવરેસ્ટ ચડવા માટે આવી જાય છે અને જીવ ગુમાવે છે.


