- ઈરાનમાં સત્તા પલટાથી માંડીને પાંચ મોટા કામ કરવાની પેન્ટાગોનની રણનીતિઓ ઉપર પાણી ફરી વળ્યંદ છે અને દુનિયા તેની કિંમત ચુકવી રહી છે
- એક અહેવાલ એવો આવ્યો છે કે, અમેરિકા મોટાપાયે હુમલા કરવાની તૈયારીઓ કરી રહ્યું છે. પેન્ટાગોને હવે જમીની યુદ્ધ લડવાની તૈયારી કરી લીધી છે. તેણે 10,000થી વધારે સૈનિકો મોકલવાનો વિચાર કર્યો છે : કેટલાક જાણકારો માને છે કે, અમેરિકા પાસે થાડ અને પ્રિસિઝન મિસાઈલનો સ્ટોક ખુટી રહ્યો છે. 12 એપ્રિલ સુધી ચાલે તેટલો જ સ્ટોક છે. તેના કારણે અમેરિકાએ યુદ્ધકલા પણ બદલવી પડી છે. આ મિસાઈલો ખુટી પડે તો ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં અમેરિકાનો પ્રભાવ નબળો પડી જાય : આ યુદ્ધ એક એવી સ્થિતિમાં આવીને અટકી ગયું છે કે, અમેરિકા દ્વારા ઈરાનને નુકસાન કરવા માટે થનારા હુમલા ઈરાન કરતા દુનિયાને વધારે નુકસાન કરી રહ્યા છે. આ યુદ્ધ અને હુમલાના કારણે અમેરિકાને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે અને દુનિયાભરના લોકો ક્રૂડન અછત અને ભાવવધારાનું પરિણામ ભોગવી રહ્યા છે
ઈરાન સામે અમેરિકા અને ઈઝરાયેલે શરૂ કરેલા યુદ્ધનો એક મહિનો પૂરો થઈ ગયો છે. ૨૮ ફેબ્રુઆરીએ ઈઝરાયેલ અને અમેરિકાએ ઈરાન ઉપર હવાઈ હુમલા કર્યા હતા. તેમાં યુદ્ધના પહેલાં જ દિવસે ઈરાનના સુપ્રીમ કમાન્ડર આયાતુલ્લા અલી ખામેનેઈનું મોત થયું હતું. તેમની સાથે ઈરાનના ઘણા ટોચના નેતાઓ અને કમાન્ડર મૃત્યુ પામ્યા હતા. ઈરાને તેના જવાબમાં ઈઝરાયેલ અને મિડલ ઈસ્ટમાં અમેરિકન સાથીઓ ઉપર હુમલા કર્યા હતા. તે ઉપરાંત અમેરિકન સંપત્તીઓને તોડી પાડવા હુમલા કર્યા હતા. બીજી તરફ સામરિક રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ હોર્મુઝ ખાડી બંધ કરી દીધી હતી.
તાજેતરમાં આ યુદ્ધને એક મહિનો થયો છે છતાં તેનો કોઈ ઉકેલ આવે તેમ દેખાતો નથી.
અમેરિકાએ તાજેતરમાં એવું જણાવ્યું છે કે, તે આગામી દસ દિવસ સુધી ઈરાનના કોઈ પાવરપ્લાન્ટ કે અન્ય એનર્જી સેન્ટરો ઉપર હુમલા નહીં કરે. ઈરાન માટે ટ્રમ્પની આ જાહેરાતથી દુનિયાભરમાં આશ્ચર્ય ફેલાયું છે. બીજી તરફ જાણકારો માને છે કે, ઈરાન ઉપર હુમલા કરવાની પેન્ટાગોનનો યોજના ઉપર ખારું પાણી ફરી વળ્યું છે.
ઈરાને જે રીતે અમેરિકન સાથી દેશોના ડિસેલિનેશન પ્લાન્ટ ઉપર હુમલા કરીને તેમને પાણી માટે તરસાવ્યા હતા તેમાં જ અમેરિકાની હવા નીકળી ગઈ હતી.
કરોડો લોકો ચોખ્ખા પાણી અને ભોજન માટે વલખાં મારે તેના ડરથી અમેરિકાએ કદાચ પીછેહઠ કરવી પડી હોય તેવી વૈશ્વિક ચર્ચા જોર પકડી રહી છે. સરેરાશ એવું માનવામાં આવી રહ્યું છે કે, અમેરિકા અને ઈઝરાયેલે જે ઉન્માદ અને ઉત્સાહ સાથે યુદ્ધ શરૂ કર્યું હતું તે હવે વધ્યું નથી. તેમાંય ઈરાનમાં જે એજન્ડા સાથે પેન્ટાગોને યુદ્ધ કરાવ્યું હતું તેમાંથી એકપણ એજન્ડા હજી સુધી પાર પડયો નથી. તેના બદલે દુનિયાભરમાં ક્રૂડની અને ગેસની અછત સર્જાવા લાગી. આ ઉપરાંત હવે મિડલ ઈસ્ટમાં ખાદ્ય પદાર્થો અને યુરોપમાં પણ અન્ય વસ્તુઓની અછત સર્જાવા લાગી છે. તેના કારણે આ યુદ્ધ કઈ દિશામાં જઈ રહ્યું છે તે સમજાતું જ નથી. ઈરાનનો પરાજય થયો નથી, અમેરિકા જીત્યું નથી અને દુનિયા હેરાન થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે દાવો કર્યો છે કે, યુદ્ધ અટકાવવા માટે ઈરાન સાથે વાટાઘાટો કરવામાં આવી રહી છે.
ઈરાનને ૧૫ મુદ્દાનો એક પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હોવાનો પણ ટ્રમ્પે દાવો કર્યો છે. બીજી તરફ ઈરાની અધિકારીઓ જણાવે છે કે, અમેરિકા સાથે કોઈ વાતચીત થઈ રહી નથી. બીજી તરફ મિસર, પાકિસતાન, તુર્કી આ વાતચીતમાં મધ્યસ્થી કરી રહ્યા હોવાના પણ દાવા છે.
આ દાવા વચ્ચે એક અહેવાલ એવો આવ્યો છે કે, અમેરિકા મોટાપાયે હુમલા કરવાની તૈયારીઓ કરી રહ્યું છે. પેન્ટાગોને હવે જમીની યુદ્ધ લડવાની તૈયારી કરી લીધી છે. તેણે ૧૦,૦૦૦થી વધારે સૈનિકો મોકલવાનો વિચાર કર્યો છે. અત્યાર સુધીમાં ૮૨મી એરબોર્ન ડિવિઝન અને હજારો સૈનિકો પહેલેથી જ આ વિસ્તારમાં છે અને હવે બીજા મોટી સંખ્યામાં સૈનિકો મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે.
જાણકારોનું માનવું છે કે, એક મહિનાથી ઈરાન કાબુમાં આવ્યું નથી અને હવે પેન્ટાગોન એક અંતિમ અને મોટો પ્રહાર કરે તેવું દેખાઈ રહ્યું છે. તેની પાસે હવે જમીની યુદ્ધ સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો હોય તેમ લાગતું નથી.
નવાઈની વાત એ છે કે, આ યુદ્ધ લાંબું ચાલશે તેવો અમેરિકાને પણ અંદાજ હતો. ટ્રમ્પે યુદ્ધ સમયે જણાવ્યું હતું કે, આ યુદ્ધ બે-ત્રણ અઠવાડિયા ચાલશે પણ હવે તો એક મહિનો પૂરો થઈ ગયો છે. ઈરાને પણ સંકેત આપ્યા હતા કે, અમે યુદ્ધ લડીશું. છેલ્લી ક્ષણ સુધી લડીશું. તેના કારણે હવે આ યુદ્ધ લાંબું ખેંચાય તેવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. અમેરિકા પણ હવે માને છે કે, આ યુદ્ધ લાંબું ચાલશે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં કેટલાક યુદ્ધ ખૂબ જ નાના ચાલ્યા હતા તો કેટલાક દાયકાઓ સુધી ચાલ્યા હતા. આ પહેલાં જૂનમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ થયું હતું તો ૧૨ દિવસમાં પૂરું થઈ ગયું હતું.
સામાન્ય રીતે મોટાભાગના દેશો વધુમાં વધુ ચાર-પાંચ મહિના સુધી યુદ્ધ લડતા હોય છે. એક રશિયા અને યુક્રેનનું યુદ્ધ હજી ચાલી રહ્યું છે. આ પહેલાં ઈરાન-ઈરાકનું યુદ્ધ એક દાયકા સુધી ચાલ્યું હતું. તેમાં ૧૦ લાખ કરતા વધારે સૈનિકોનાં મોત થયા હતા અને કરોડો રૂપિયાની સંપત્તિ અને જાનમાલનું નુકસાન થયું હતું.
ખાસ વાત એ છે કે, હાલના સંજોગોમાં પણ ઈરાનનું ક્યાંય પતન થઈ રહ્યું હોય તેમ દેખાતું નથી. આયાતુલ્લા ખામેનેઈના મોત બાદ ઈરાનના બાકીના સત્તાધિશોએ તરત જ ખામેનેઈના પુત્ર મોજતબાને ઉત્તરાધિકારી બનાવીને સત્તા સોંપી દીધી. તેમના નેતૃત્વમાં ઈરાનની સેના અને આઈઆરજીસીના લડવૈયાઓ યુદ્ધ કરી રહ્યા છે.
અહીંયા એક વાત ચિંતાજનક છે કે, અહીંયા વિદ્રોહીઓનું પ્રમાણ પણ વધારે છે અને તેઓ આયાતુલ્લાની ગેરહાજરીમાં ઈરાનમાં ગૃહયુદ્ધ શરૂ કરે તો ઈરાનની સ્થિતિ બગડે તેમ છે. તે ઉપરાંત નવું નેતૃત્ત્વ અમેરિકા સામે વધુ આક્રમકતાથી લડે તેવા પણ સંકેત મળી રહ્યા છે.
ઈરાને તો આસપાસના દેશોને પણ યુદ્ધમાં ઢસડી લીધા છે. હવે જો અમેરિકા કોઈ મોટું પગલું ભરશે અથવા તો ખર્ગ આઈલેન્ડ ઉપર હુમલા કરશે તો ઈરાન વધુ આક્રમક થઈને તેનો જવાબ આપશે તેવા એંધાણ છે.
આ બધા વચ્ચે ટ્રમ્પ ટાકો પણ ચર્ચામાં આવ્યું છે. આ એક એવી મોમેન્ટ છે જેના ઉપરથી જાણકારો અંદાજ લગાવી રહ્યા છે કે, અમેરિકા પીછે હેઠ કરી શકે તેમ છે.
૨૦૨૫માં પહેલી વખત આ શબ્દ ચર્ચામાં આવ્યો હતો. તેનો અર્થ એવો થતો હતો કે, ટ્રમ્પ ઉતાવળ કરે છે અને ફસાઈ જાય છે પછી પીછેહઠ કરે છે. તે ડરી જાય છે અને પીછેહઠ કરે છે.
આ વખતે પણ તાજેતરમાં અમેરિકા તરફથી જે અધિકારીઓના નિવેદન આવી રહ્યા છે કે, પછી ટ્રમ્પના પોતાના જે નિવેદનો છે તે સંકેત આપે છે કે, ટ્રમ્પ અહીંયાથી પીઠેહઠ કરી શકે છે. અર્થશાસ્ત્રીઓ પણ માની રહ્યા છે કે, ટ્રમ્પનું જે અપ્રુવલ રેટિંગ છે તે નીચે આવી ગયું છે, ફગાવો અને મોંઘવારી ડામાડોળ છે, એસએન્ડપી ૫૦૦ની સ્થિતિ ઉથલપાથલ દર્શાવે છે અને અમેરિકી બજાર તો પહેલેથી જ ખરાબ સ્થિતિમાં છે. આ સંજોગોમાં આર્થિક સ્થિતિ વધારે કફોડી ન થાય તે માટે ટ્રમ્પ પીછેહઠ કરી શકે છે.
બીજી તરફ કેટલાક જાણકારો માને છે કે, ટ્રમ્પ દ્વારા કે અમેરિકી અધિકારીઓ દ્વારા જે નિવેદન કરવામાં આવી રહ્યા છે તે બનાવટી છે. પેન્ટાગોન દ્વારા ઊભી કરાયેલી એક માયાજાળ છે. બજારો શાંત કરવા અને મોંઘવારી કાબુમાં લાવવા માટે હાલમાં હુમલો નહીં કરવાની એક વાત વહેતી કરવામાં આવી છે.
વોલ સ્ટ્રીટમાં ઉથલ પાથલ અને સ્થાનિક બજારોમાં વધી રહેલી મોંઘવારીને કાબુ કરવા મથામણ ચાલી રહી છે. ક્રૂડ યુદ્ધના કારણે ૭૦ ડોલરથી ઉચકાઈને ૧૧૨ ડોલર સુધી પહોંચી ગયું છે. હવે યુદ્ધ વધારે ચાલે તો ક્રૂડ હજી આગળ વધી જાય અને દુનિયાભરમાં અછત વચ્ચે મોંઘવારી આસમાને પહોંચવા લાગે. તેના પગલે જ આવા નિવેદનો કરીને સ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
ઈઝરાયેલ-અમેરિકાના ઉદ્દેશોમાં વિસંગતતા યુદ્ધ નબળું પાડી રહી હોવાની ચર્ચા
ઈરાન યુદ્ધને એક મહિનો થઈ ગયો છે અને ઉકેલની સ્થિતિ દેખાતી નથી ત્યાં નવો તર્ક સામે આવ્યો છે. થોડા દિવસ પહેલાં ઈઝરાયેલે જે રીતે ઈરાનની સૌથી મોટી રિફાઈનરી ઉપર હુમલો કર્યો હતો અને સ્થિતિ વણસી હતી ત્યારથી અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે તડાં પડયાના અહેવાલો છે. જાણકારો માને છે કે, ઈરાન દ્વારા સત્તા ચલાવવા માટે જે રીતે આયોજન કરાયું હતું તેના કારણે ખામેનેઈની ગેરહાજરીની કોઈ જ અસર થઈ નથી. તેના બદલે નવી પેઢીના જોડાવાથી ઈરાની સેના અને ઈરાની નેતાઓએ વધુ આક્રમકતાથી ઈઝરાયેલ અને અમેરિકાને જવાબ આપ્યો છે. ઈઝરાયેલ અને અમેરિકા કોઈપણ ભોગે ઈરાનમાં સત્તા પલટો ઈચ્છતા હતા પણ તે થઈ શક્યો નહીં. અમેરિકા ઈચ્છતું હતું કે, ઈરાનના હથિયારો નાશ પામે, તેના પરમાણુ ઠેકાણા નષ્ટ થઈ જાય અને તે પાયમાલ થઈ જાય. ઈરાનના લોકોને નવી સત્તા મળે અને ત્યાં ક્રાંતિ આવે જેથી લોકો નવી દુનિયા સાથે જોડાઈ શકે.
આમાંથી એકપણ ઉદ્દેશમાં અમેરિકા કે ઈઝરાયેલ સફળ થયા નથી. તેના કારણે તેઓ એકબીજા ઉપર દોષારોપણ કરતા હોય તેવી પણ ચર્ચાએ વેગ પકડયો છે. અમેરિકાએ આ વાતોને ફગાવી છે અને ઈઝરાયેલ સાથે મિત્રતા હોવાના દાવા કર્યા છે પણ તેમને ધાર્યું પરિણામ મળ્યું નથી તે સ્પષ્ટ છે.
કેટલાક જાણકારો માને છે કે, ઈરાન હજી સુધી હાર્યું નથી તેમાં જ તેનો વિજય છે અને ટ્રમ્પ હજી સુધી જીતી શક્યા નથી તેમાં જ તેમનો પરાજય છે. કેટલાક જાણકારો માને છે કે, અમેરિકા પાસે થાડ અને પ્રિસિઝન મિસાઈળનો સ્ટોક ખુટી રહ્યો છે. ૧૨ એપ્રિલ સુધી ચાલે તેટલો જ સ્ટોક છે. તેના કારણે અમેરિકાએ યુદ્ધકલા પણ બદલવી પડી છે. આ મિસાઈલો ખુટી પડે તો ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં અમેરિકાનો પ્રભાવ નબળો પડી જાય. હકિકતે આ યુદ્ધ એક એવી સ્થિતિમાં આવીને અટકી ગયું છે કે, અમેરિકા દ્વારા ઈરાનને નુકસાન કરવા માટે થનારા હુમલા ઈરાન કરતા દુનિયાને વધારે નુકસાન કરી રહ્યા છે. આ યુદ્ધ અને હુમલાના કારણે અમેરિકાને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે અને દુનિયાભરના લોકો ક્રૂડન અછત અને ભાવવધારાનું પરિણામ ભોગવી રહ્યા છે.


