mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

કવિતા પછી હવે વીણાનો વારો : ઇડીનો સપાટો

Updated: Mar 29th, 2024

કવિતા પછી હવે વીણાનો વારો : ઇડીનો સપાટો 1 - image


- કોચીન મિનરલ્સ દર મહિને વીણાની કંપનીને પાંચ લાખ રૂપિયા ચૂકવતી હતી તેના બદલે તે કોઈ સર્વિસ નહોતી આપતી કેમ કે તેના પિતા માજી મુખ્યપ્રધાન છે

- કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયનની દીકરી ટી. વીણા સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ મની લોન્ડરિંગનો કેસ કર્યો છે. વીણાની આઈટી કંપનીએ કોઈ સેવા નહીં આપી હોવા છતાં તેને નાણાં ચૂકવાયાં તેથી વીણા ઈડીની ઝપટે ચડી ગઈ છે, મોરનાં ઈડાંને ચિતરવાં ના પડે એ હિસાબે વીણા  પહોંચેલી માયા છે. વીણાનો પગ પણ પહેલી વાર કુંડાળામાં નથી પડયો. કોરોના કાળ વખતે વિજયનની સરકારે  સ્પ્રિંંકલર નામની અમેરિકન કંપનીને કોરોનાનો ડેટા મેન્ટેઈન કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ કંપની વીણાની જ હોવાના આક્ષેપો થયા હતા

તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવનાં પુત્રી કે. કવિતા દિલ્હી લિકર સ્કેમમાં જેલની હવા ખાઈ રહ્યાં છે ત્યાં વધુ એક મુખ્યમંત્રીની દીકરીના જેલવાસના યોગ દેખાઈ રહ્યા છે. 

કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયનની દીકરી ટી. વીણા સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ મની લોન્ડરિંગનો કેસ કર્યો છે. વીણા  એક્ઝાલોજિક સોલ્યુશન્સ નામે આઈટી કંપની ચલાવે છે. ૨૦૧૭, ૨૦૧૮ અને ૨૦૧૯માં કોઈ પણ સેવા નહીં આપી હોવા છતાં કોચીની કોચીન મિનરલ્સ એન્ડ રૂટાઈલ લિમિટેડે વીણાની કંપનીને ૧.૭૨ કરોડ રૂપિયાની ચૂકવણી કરેલી. 

પિનારાયી વિજયન એ વખતે કેરળના મુખ્યમંત્રી હતા તેથી આ રકમ વીણાએ કોચીન મિનરલ્સનાં સરકારમાં કામ કઢાવી આપ્યાં તેના બદલામાં લાંચ પેટે ચૂકવાઈ હોવાની ઈડીને શંકા છે. વીણાની કંપનીએ ભરેલા ઈન્કમટેક્સ રીટર્નમાં નાણાંકીય વ્યવહારો શંકાસ્પદ લાગતાં એકાદ વરસ પહેલાં ઈન્કમટેક્સ ડીપાર્ટમેન્ટની ભલામણના આધારે કેન્દ્ર સરકારે સીરિયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસ (એસએફઆઈઓ)ને તપાસ સોપેલી. 

આ તપાસમાં બહાર આવ્યું કે, કોચીન મિનરલ્સ દર મહિને વીણાની કંપનીને ૩ લાખથી ૫ લાખ રૂપિયા ચૂકવતી હતી પણ તેના બદલામાં કોઈ સર્વિસ નહોતી અપાતી. વીણાના 'વગદાર વ્યક્તિ' સાથેના સંબંધોના કારણે આ રકમ ચૂકવાતી હતી. આ 'વગદાર વ્યક્તિ' વીણાના પિતા વિજયન છે એ કહેવાની જરૂર છે ? 

વીણાની કંપનીની હેડ ઓફિસ આઈટી હલ બેંગલુરૂમાં છે તેથી એસએફઆઈઓની તપાસને રોકવા કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરાયેલી. હાઈકોર્ટે ગયા મહિને આ અરજી ફગાવી દીધી તેથી ગમે ત્યારે વીણા ફરતે ગાળિયો કસાશે એ નક્કી જ હતું. ઈડીએ કેસ નોંધીને તેની શરૂઆત કરી છે. કેરળમાં ૨૦ લોકસભા બેઠકો માટે ૨૬ એપ્રિલે મતદાન થવાનું છે. ઈડીએ વીણા સામે તાત્કાલિક કેસ નોંધતાં મતદાન પહેલાં વીણાને પણ ઉઠાવીને અંદર કરી દેવાય એવી પૂરી શક્યતા છે. 

વિજયને રાબેતા મુજબ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર રાજકીય કિન્નાખોરીના ભાગરૂપે પોતાની દીકરીને પરેશાન કરી રહી હોવાન આક્ષેપ કર્યો છે. વિજયનનાં પત્ની કમલા શિક્ષિકા હતાં. વિજયનનો દાવો છે કે, વીણાએ પોતાની માતાના  રીટાયરમેન્ટ ફંડમાંથી કંપની શરૂ કરેલી. પોતે કે પોતાના પરિવારે કદી સત્તાનો દુરૂપયોગ કરીને પૈસા બનાવ્યા નથી પણ ખોટી રીતે તેમને ફસાવાઈ રહ્યા છે. 

વિજયન બચાવ કરે તેમાં કશું ખોટું નથી પણ વિજયનો બચાવ ગળે ઉતરે એવો નથી. તેનું કારણ એ કે, વિજયન પોતે જ મહાકૌભાંડી છે. ભ્રષ્ટાચાર કરીને કરોડો રૂપિયા ઘરભેગા કરવાના આક્ષેપો તો તેમની સામે થયેલા જ છે પણ વિજયન લુંગીના ઢીલા હોવાના આક્ષેપો પણ થયા છે. 

વિજયન પોતે પણ ભ્રષ્ટાચારના આક્ષેપોમાં ખૂંપેલા છે. વિજયન સામે કેરળના વીજળી મંત્રી હતા ત્યારે ૧૯૯૮માં કેનેડાની કંપની લવલીનને ત્રણ જનરેટર રીપેર કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં તેમણે ૩૭૫ કરોડ રૂપિયાની કટકી કરી હોવાનો કેસ ચાલે જ છે.

કેરળ હાઈકોર્ટે ૨૦૦૭માં તપાસનો આદેશ આપ્યો પછી સીબીઆઈના આરોપનામામાં વિજયન પણ આરોપી હતા. આ કોન્ટ્રાક્ટ રદ કરી દેવાયો તેથી વિજયન બચી ગયા પણ એ શંકાના દાયરામાં આવી જ ગયેલા. 

આ સિવાય કેરળ પબ્લિક સર્વિસ કમિશન દ્વારા કરાતી નિમણૂકોમાં ભ્રષ્ટાચાર અને ડીપ સી ફિશિંગના કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપો પણ વિજયન સામે થયા છે. કેરળમાં બહુ ગાજેલા ગોલ્ડ સ્મગલિંગ કેસમાં મુખ્ય આરોપી સ્વપ્ના સુરેશે તો વિજયન સાથે સંબંધો હોવાના આક્ષેપ પણ કર્યા છે. સ્વપ્ના સુરેશે વિજયની ગોલ્ડ સ્મગલિંગમાં સંડોવણી અને વીણા પણ તેમાં સંડોવાયેલી હોવાનો દાવો કરેલો. સ્વપ્નાના દાવા પ્રમાણે, વિજયન કેરળમાં વિકાસના નામે જે પણ પ્રોજેક્ટ કરે છે એ બધા વાસ્તવમાં તો તેના પરિવારના ફાયદા માટે છે, વિજયનના પરિવારનાં લોકો સાથે સંકળાયેલી કંપનીઓને આ પ્રોજેક્ટ્સના કોન્ટ્રાક્ટ આપીને સરકારી નાણાં ઘરભેગાં કરાય છે. 

મોરનાં ઈડાંને ચિતરવાં ના પડે એ હિસાબે વીણા પણ પહોંચેલી માયા છે અને વીણાનો પગ પણ પહેલી વાર કુંડાળામાં નથી પડયો. કોરોના કાળ વખતે વિજયનની સરકારે  સ્પ્રિંકલર નામની અમેરિકન કંપનીને કોરોનાનો ડેટા મેન્ટેઈન કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ કંપની વીણાની જ હોવાના આક્ષેપો થયા હતા. 

આ આક્ષેપોની તપાસ થાય એ પહેલાં સ્પ્રિંંકલર ગાયબ થઈ ગઈ હતી. એ પહેલાં વીણા આર.ટીય ટેકનોસોફ્ટ કંપનીની સીઈઓ હતી. 

એનઆઈઆઈ ઉદ્યોગપતિ રવિ પિલ્લાઈ કંપનીના માલિક હતા. પિલ્લાઈને આઈટી સેક્ટર સાથે નાહવા નિચોવવાનો સંબંધ નહોતો પણ વિજયનને લાંચની રકમ કાયદેસર રીતે આપી શકાય એ માટે આ કંપની ઉભી કરાયેલી એવું કહેવાય છે. 

વીણા કેરળમાં સુપર સી.એમ. ગણાય છે. વીણાનો પતિ મોહમ્મદ રિયાઝ વિજયન સરકારમાં મંત્રી છે.

 વીણા અને રિયાઝ ભેગાં મળીને વિજયન વતી નિર્ણયો લે છે અને નોટો છાપ્યા કરે છે એવું કહેવાય છે. વિજયનનો દીકરો વિવેક કિરણ અબુ ધાબીમાં પત્ની દીપા એમ. સાથે રહે છે. વિવેક યુનિવર્સિટી ઓફ બર્મિંગહામમાં ગ્રેજ્યુએશન કર્યા પછી એચએસબીસીમાં ટોચના હોદ્દા પર છે. તેને રાજકારણમાં રસ નથી તેથી વિજયન જમાઈ રિયાઝને રાજકીય વારસ તરીકે તૈયાર કરી રહ્યા છે. રિયાઝ સંપૂર્ણપણે વીણાનો કહ્યાગરો છે તેથી ભવિષ્યમાં રિયાઝ મુખ્યમંત્રી બને તો પણ એ વીણાના કહ્યામાં જ રહેશે એવી વિજયનની ગણતરી છે.  

વીણાનું વર્ચસ્વ ડાબેરીઓના દંભનો નાદાર નમૂનો છે. ડાબેરીઓ કેડર બેઝ્ડ રાજકારણમાં માનતા હોવાનો દાવો કરે છે અને પરિવારવાદની ટીકા કરે છે પણ વિજયનના પરિવારવાદ સામે ચૂપ છે. વિજયન સામેના ભ્રષ્ટાચારના આક્ષેપો અંગે પણ ડાબેરીઓ આંખ આડા કાન કરે છે. 

વીણાનાં મુસ્લિમ રાજકારણી સાથેનાં બીજાં લગ્નથી વિવાદ

વીણાનાં ૨૦૨૦માં પી.એ. મોહમ્મદ રિયાઝ સાથેના લગ્ને પણ ભારે ચર્ચા જગાવી હતી. હિંદુવાદી સંગઠનોએ લગ્નને લવ જિહાદ ગણાવેલાં તો મુસ્લિમ લીગે વ્યભિચાર અને વેશ્યાવૃત્તિ (પ્રોસ્ટિટયુશન) ગણાવેલાં. વીણા સાથે લગ્ન પછી રિયાઝને કેરળ વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ મળી અને વિજયન સરકારમાં મંત્રીપદ પણ મળ્યું તેથી વિજયન સામે પરિવારવાદના આક્ષેપ પણ થાય છે. 

રિયાઝ ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી અબ્દુલ ખાદીરનો દીકરો છે. રિયાઝે ૨૦૦૩માં કાલિકટ યુનિવર્સિટીનાં સેનેટ મેમ્બર ડો. સમીહા સૈથાલવી સાથે લગ્ન કરેલાં. 

આ લગ્નથી બંનેને બે સંતાન થયાં પછી ૨૦૧૫માં ડિવોર્સ થયા. ડો.. સમીહાએ રિયાઝ સામે ડોમેસ્ટિક વાયોલંસનો કેસ પણ કરેલો. વીણાનાં પહેલાં લગ્ન ૨૦૦૮માં કોચીના એડવોકેટ સુનીથ સાથે થયેલાં. આ લગ્નથી તેને ૧૪ વર્ષનો દીકરો ઈશાન છે. તેના પણ ૨૦૧૫મા ડિવોર્સ થયેલા. 

મુસ્લિમ લીગના નેતા અબ્દુરહીમન કલ્લાઈએ આક્ષેપ કરેલો કે, વીણા અને રિયાઝ વચ્ચે પહેલેથી સંબંધો હતા તેથી બંનેએ ૨૦૧૫માં ડિવોર્સ લીધા. ૨૦૦૯માં આ કારણે રિયાઝને કોઝીકોડ લોકસભા બેઠકની ટિકિટ મળેલી પણ રિયાઝ હારી ગયેલો. વીણા અને રિયાઝ બંનેએ પરણેલાં હોવા છતાં સંબંધો રાખીને વ્યભિચાર કર્યો છે. રિયાઝને ૨૦૧૭માં સીપીએમની યુવા પાંખ ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડીવાયએફઆઈ)નો પ્રમુખ બનાવાયેલો તેનું કારણ વીણા સાથેના તેના સંબંધો હતા. રિયાઝ અને વીણાએ સંબંધોનો ઉપયોગ પોતપોતાના ફાયદા માટે કર્યો હોવાથી તેને પ્રોસ્ટિટયુશન કહેવાય એવો દાવો પણ કલ્લાઈએ કરેલો.

સંઘના સ્વયંસેવકની હત્યામાં સંડોવણી પછી વિજયનનો  ઉદય થયો

પિનારાયી વિજયન કેરળના સૌથી વિવાદાસ્પદ રાજકારણી મનાય છે. કેરળમાં રાજકીય વર્ચસ્વ માટે રાષ્ટ્રીય સ્વયસંસેવક સંઘ (આરએસએસ) અને ડાબેરી સંગઠનો વચ્ચે વરસોથી જંગ ચાલે છે. કન્નુર જિલ્લો આ સંધર્ષનું કેન્દ્ર છે કે જ્યાં અત્યાર સુધીમાં ૨૦૦ કરતાં વધારે રાજકીય હત્યાઓ થઈ ચૂકી છે. ૧૯૬૯માં સંઘના સ્વયંસેવક વડિક્કલ રામકૃષ્ણનની હત્યા સાથે આ સિલસિલો શરૂ થયેલો. 

રામકૃષ્ણનની હત્યા કેરળનો પહેલો પોલિટિકલ મર્ડર કેસ મનાય છે. રામકૃષ્ણનને ૨૮ એપ્રિલ, ૧૯૬૯ના રોજ ડાબેરી કાર્યકરોએ કુહાડીથી ગળું કાપીને અત્યંત નિર્દયતાપૂર્વક મારી નાંખેલો. વિજયન એ વખતે માત્ર ૨૪ વર્ષના હતા.  આ કેસમાં વિજયન સહિત છ ડાબેરી કાર્યકરો સામે હત્યાનો ગુનો નોંધાયેલો. વિજયન સહિતના બધા આરોપી પુરાવાના અભાવે નિર્દોષ છૂટી ગયેલા પણ આ કેસના કારણે વિજયનનો રાજકીય ઉદય થયો. રામકૃષ્ણનની હત્યાના એક વર્ષ પછી ૧૯૭૦માં યોજાયેલી કેરળ વિધાનસભાની ચૂંટણીમાં વિજયન માત્ર ૨૫ વર્ષની ઉંમરે કુથુપરમ્બા બેઠક પરથી જીત્યા પછી પાછું વળીને જોયું નથી. 

સીપીએમમાં સળંગ બે ટર્મ સુધી ચૂંટણી જીતનારને પછી સંગઠનમાં કામ કરવા મોકલાય છે તેથી વિજયને બે વાર એક-એક દાયકા સુધી સંગઠનમાં કામ કરવું પડયું પણ તેના કારણે તેમની તાકાત વધી.  પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં ડાબેરીઓના પતન વખતે પણ કેરળમાં ડાબેરી મોરચો અડીખમ રહ્યો તેનો યશ વિજયનને અપાય છે.

Gujarat