વિવાદ, વિનાશ, વિરામ : દાયકાઓથી મધ્યપૂર્વની શાંતિ ડહોળાયેલી જ છે
- ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે 12 દિવસ યુદ્ધ ચાલ્યું, અમેરિકા પણ તેમાં કૂદ્યું અને હવે યુદ્ધ વિરામ થયો પણ ભવિષ્ય વિશે અસમંજસ અકબંધ
- ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ન્યૂક્લિયર પાવર અને હથિયારો મુદ્દે થયેલા સંઘર્ષ બાદ પણ ઈરાનના ન્યૂક્લિયર પાવર બનવાની મહેચ્છાઓ અંગે અસ્પષ્ટતા, મધ્યપૂર્વની શાંતિ હજી પણ જ્વાળામુખી જેવી સ્થિતિમાં : સૌથી પહેલો સવાલ છે કે, આ યુદ્ધ વિરામ ક્યાં સુધી ચાલશે. બીજી બાબત એવી છએ કે, આ જે શાંતિ સ્થપાઈ છે તેના થકી ઈરાનના ન્યૂક્લિયર પ્રયોગો ઉપર લગામ લાગશે કે નહીં. તે કાર્ય કોણ કરશે : ઈરાન દ્વારા ન્યૂક્લિયર કામગીરી અટકાવી દેવાશે તેવું લાગતું નથી. તે પોતાના દેશમાં બોમ્બ નહીં બનાવે તો કોઈ સાથી દેશની મદદથી કે તેની ધરતી ઉપર આ કામગીરી ચાલુ રાખશે અને યુરેનિયમ એનરિચમેન્ટ કરશે તો શું થશે
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં એકાએક ટ્રમ્પની એન્ટ્રી થઈ ગઈ. ટ્રમ્પે એન્ટ્રી મારી, ઈરાનના ન્યૂક્લિયર પ્લાન્ટ ઉપર બોમ્બમારો કરાવ્યો અને પછી યુદ્ધ વિરામની જાહેરાત કરાવી દીધા. આ એક એવી ઘટના છે જે સમજાવવા અને લોકોને સત્ય માનવા માટે ટ્રમ્પ પ્રયાસ કરી રહ્યા છે.
ઈરાનના ત્રણ ન્યૂક્લિયર પાવર સેન્ટર ઉપર બોમ્બમારો કર્યા બાદ ટ્રમ્પે એકાએક જાહેરાત કરી દીધી કે બધું પૂરું થઈ ગયું અને યુદ્ધ વિરામ થઈ ગયો. બંને દેશો શાંત પણ થઈ ગયા. આ કોઈપણ રીતે સમજાય કે ગળે ઉતરે તેવી સ્થિતિ જ નથી. ટ્રમ્પે પહેલાં રશિયા અને યૂક્રેનનું યુદ્ધ અટકાવવાનો જશ ખાટયો. ત્યારબાદ ભારત અને પાકિસ્તાનના યુદ્ધને વિરામ અપાવવાની યશગાથાના ગાણા ગાયા અને હવે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ અટકાવ્યાની વાતો ફેલાવી છે.
અહેવાલો પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયેલને સીઝફાયર માટે મનાવ્યું હતું. ત્યારબાદ કતારની મદદથી ઈરાનને શાંતિ જાળવવા સંદેશ આપ્યો હતો. ટ્રમ્પે ઈરાનને તાકીદ કરી હતી કે, યુદ્ધ અટકાવવાની શરૂઆત ઈરાન કરશે અને તેના ૧૨ કલાક પછી ઈઝરાયેલ યુદ્ધ અટકાવી દેશે. બંને દેશો તેના માટે તૈયાર થઈ ગયા હતા. ટ્રમ્પે એવું પણ જાહેર કર્યું હતું કે, આ યુદ્ધવિરામ કાયમી રહેવાનો છે.
ટ્રમ્પની આ શોબાજી વચ્ચે ઈરાનના વિદેશ મંત્રીએ જે નિવેદન આપ્યું તે ખૂબ જ સુચક હતું. તેમણે કહ્યું કે, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે કોઈ ઓફિશિયલ એગ્રિમેન્ટ થયા નથી. ઈઝરાયેલ જ્યાં સુધી શાંતિ જાળવશે ત્યાં સુધી ઈરાન પણ કશું કરશે નહીં. ઈઝરાયેલ આડોડાઈ કરશે તો ઈરાન પણ જવાબ આપશે.
ટ્રમ્પ અને અમેરિકી વાઈસ પ્રેસિડેન્ટ વાન્સની જાહેરાતો વચ્ચે પ્રજાના મનમાં ઘણા સવાલો ઊભા થયા છે. સૌથી પહેલાં તો લોકો એમ જાણવા માગે છે કે, ઈરાન પાસે ૪૦૬ કિલો એનરિચ ન્યૂક્લિયર હતું તેનું શું થયું. તેના વિશે કોઈ ખુલાસો નથી. હવે આ યુદ્ધ માટે થઈને પ્રજાના મનમાં ત્રણ મોટા સવાલ છે પણ છે જેના જવાબ જાણવા ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલો સવાલ છે કે, આ યુદ્ધ વિરામ ક્યાં સુધી ચાલશે. બીજી બાબત એવી છે કે, આ જે શાંતિ સ્થપાઈ છે તેના થકી ઈરાનના ન્યૂક્લિયર પ્રયોગો ઉપર લગામ લાગશે કે નહીં. તે કાર્ય કોણ કરશે. ત્રીજી બાબત એ છે કે, મધ્ય પૂર્વમાં આ યુદ્ધ પછી ખરેખર શાંતિ સ્થપાઈ જશે કે નહીં.
સૌથી પહેલાં સમજીએ કે સીઝફાયરની સ્થિતિનું શું થવાનું છે. ઈરાન અથવા તો ઈઝરાયેલ દ્વારા અધિકારીક રીતે કોઈ જાહેરાત કરાઈ નથી કે તેમણે યુદ્ધ વિરામ કરી દીધો છે અને તેઓ ફરી હુમલા નહીં કરે.
હાલમાં તેમની પાસે માત્ર કામચલાઉ કારણ છે અને તેના લીધે તેમણે હુમલા અટકાવ્યા છે. ઈરાનમાં જે ઈસ્લામિક સરકારે છે તેના દ્વારા દાયકાઓથી સમયાંતરે ડેથ ટુ અમેરિકા જેવા નિવેદનો કરાતા આવ્યા છે. તેમ છતાં તેણે અમેરિકા સાથે સીધું યુદ્ધ ટાળ્યું છે. તેના બદલે તેણે લેબનોન, સીરિયા, ઈરાક અને યેમેન જેવા દેશોમાં આતંકીઓને મદદ કરીને અમેરિકા સાથે પ્રોક્સિવોર ચાલુ રાખ્યું છે. હાલમાં ઈરાનની સ્થિતિ નબળી છે અને ઘરમાં પણ ઘણી મુશ્કેલીઓ સર્જાયેલી છે. આ ઉપરાંત તેના સાથી દેશો પણ નબળી સ્થિતિમાં છે. આ વખતે અમેરિકા સીધું જ યુદ્ધમાં ઉતરી આવ્યું હતું. ઈરાન કોઈપણ રીતે આ ખાનાખરાબી સહન કરી શકે તેમ નહોતું અને કદાચ તેમાંથી બહાર આવવામાં પણ મુશ્કેલી થાય તેમ હતી. તેના કારણે તેણે નમતુ જોખ્યું.
બીજી તરફ ઈઝરાયેલ અને અમેરિકાના પણ પોતપોતાના ગણિત છે. ઈઝરાયેલની વાત કરીએ તો બેન્જામિન નેતન્યાહુ ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધ જઈ શકે તેમ નથી.
ઈઝરાયેલના અધિકારીઓ દ્વારા ઈરાનના મોટા સૈન્ય ઠેકાણા અને મહત્ત્વના સ્થાનો તોડી પડાયા છે. એક તબક્કે ઈઝરાયેલ એવા મદમાં છે કે તેણે વિજય મેળવી લીધો છે અને હવે વધાર હુમલાની જરૂર નથી. તેથી સીઝ ફાયરની પણ અધિકારિક જાહેરાત કરવાની કોઈ જરૂર નથી. નેતન્યાહુને પણ આ યુદ્ધ થકી અને સેનાએ કરેલા સંહારનો ફાયદો થયો છે. તેની કારકિર્દીમાં ઈરાનને દબાવી દેવાનું એક છોગુ ઉમેરાયું છે જે તેની રાજકીય શાખને કદાચ વધારશે. બીજી તરફ ટ્રમ્પને પણ યુદ્ધ લાંબુ ચાલે તેમાં રસ નહોતો. તેણે અમેરિકનોને વાયદો કર્યો હતો કે, તે અમેરિકાને ફરીથી લાંબા યુદ્ધમાં ઢસડશે નહીં. ઈરાક અથવા અફઘાનિસ્તાન જેવી સ્થિતિ ફરીથી અમેરિકા માટે નહીં લાવે. બંને નેતાઓ પાસે પોતાના સ્વાર્થ હતા જે આંશિક સફળ દેખાય છે.
હવે જો ઈરાનના ન્યૂક્લિયર પ્રોગ્રામની વાત કરીએ તો તે આજેપણ ચિંતાનો વિષય છે. ઈરાન પાસે કદાચ પુરવઠો ન હોય તો પણ તેની પાસે પરમાણુ હથિયારો બનાવવાની આવડત અને આયોજન તો છે જ. ઈરાનના પ્રમુખ ખોમૈની પણ એ વાત જણાવતા જ આવ્યા છે કે, ઈરાનને મજબૂત બનાવવું હશે તો ન્યૂક્લિયર હથિયારો બનાવવા જ પડશે. ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીનું કહેવું છે કે, તેમને ખ્યાલ જ નથી કે, ઈન દ્વારા તૈયાર કરાયેલા સમૃદ્ધ પરમાણુનો ૪૦૦ કિલો જથ્થો ક્યાં રાખવામાં આવ્યો છે.
ચર્ચા એવી છે કે, ઈરાન દ્વારા તેને ખૂબ જ સુરક્ષિત રાખવામાં આવ્યો છે. હાલમાં તે ૬૦ ટકા સમૃદ્ધ થઈ ગયો છે. તેને ગમે ત્યારે ૯૦ ટકા સુધી સમૃદ્ધ કરી શકાય તેમ છે. તેના પગલે ઈરાન ૧૦ જેટલા પરમાણુ હથિયારો બનાવવા સક્ષમ થઈ જાય. આ સંજોગોમાં ઈરાનની સ્થિતિ વિશે આજે પણ અવઢવ જ ચાલે છે.
અહીંયા યાદ કરવું પડે કે, ૨૦૧૫માં અમેરિકી પ્રમુખ બરાક ઓબામા દ્વારા જ ઈરાન સાથે ન્યૂક્લિયર ડીલ કરવામાં આવી હતી. તેમાં નક્કી થયું હતું કે, ઈરાનને યુરેનિયમ એનરિચમેનટ્ કરવા દેવામાં આવશે. તે આંતરરાષ્ટ્રીય મર્યાદાઓમાં રહીને આ કામગીરી કરશે. તેનો એકમાત્ર ઉદ્દેશ હતો કે, ઈરાન ન્યૂક્લિયર હથિયારો બનાવી શકે નહીં.
ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે પહેલા કાર્યકાળમાં પ્રમુખ થયા ત્યારે તેમણે આ કરાર રદ કરી દીધા હતા. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે એક ગુપ્તચર અહેવાલ એવો ફરતો થયો કે, ઈરાન દ્વારા ન્યૂક્લિયર મિસાઈલ બનાવવાની કામગીરી હાથ ધરી દેવાઈ છે. તેના કારણે વૈશ્વિક ચિંતા વધવા લાગી. તાજેતરમાં ટ્રમ્પે ઈરાનને કહ્યું હતું કે, ન્યૂક્લિયર એનરિચમેન્ટ એક હદથી વધારે ન થવું જોઈએ અથવા તો ઈરાને હવે બધું બંધ કરી દેવું જોઈએ.
જાણકારોના મતે હાલમાં યુદ્ધનો માર સહન કરનાર ઈરાન દ્વારા ન્યૂક્લિયર કામગીરી અટકાવી દેવાશે તેવું લાગતું નથી. તે પોતાના દેશમાં બોમ્બ નહીં બનાવે તો કોઈ સાથી દેશની મદદથી કે તેની ધરતી ઉપર આ કામગીરી ચાલુ રાખશે અને યુરેનિયમ એનરિચમેન્ટ કરશે. હાલમાં એ સ્પષ્ટ નથી કે ઈરાન આવું કશું કરી શકે કે નહીં પણ આ શક્યતાને નકારી શકાય તેમ નથી.
ઈરાન અથવા ઈઝરાયેલ દ્વારા આવી કોઈ ડીલની ચર્ચા થાય તો નક્કી નહીં. તેના કારણે જ જાણકારો માને છે કે, ઈરાનના કટ્ટરવાદી પ્રમુખના નિવેદનો શાંત થઈ જશે કે પછી તેઓ ખરેખર મધ્યપૂર્વનાં શાંતિ આવે તે માટે પગલાં ભરશે.
ખામેનેઈને પદભ્રષ્ટ કરાય તો જ શાંતિ સ્થપાય તેવું લાગે છે
મધ્યપૂર્વ વિશે એક પક્ષ તદ્દન જૂદો જ મત ધરાવે છે. જાણકારો માને છે કે, ઈઝરાયેલને જો લાગશે કે ઈરાન દ્વારા ન્યૂક્લિયર પાવર ઉપર કામ કરવામાં આવી રહ્યું છે તો તે અમેરિકાને જાણ કર્યા વગર કે તેની મદદ લીધા વગર પણ ઈરાન ઉપર હુમલા ચાલુ કરી દેશે. આ ઉપરાંત ઈરાન દ્વારા આતંકી સંગઠનોને જે મદદ કરવામાં આવે છે તેને પણ અટકાવવાની ઈઝરાયેલની માગણી પૂરી થઈ નથી. ઈરાન આ દિશામાં આડોડાઈ કરશે તો પણ ફરી યુદ્ધ થવાના અણસાર છે. આ બધા વચ્ચે જાણકારોનું માનવું છે કે, મધ્યપૂર્વમાં શાંતિ સ્થાપવી હોય અને ઈરાનને કાબુમાં કરવું હોય તો તેનો એક જ રસ્તો છે. આ માટે ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લાહ ખામેનેઈની પદભ્રષ્ટ કરવા પડે. ઉલ્લેખનીય છે કે, ૨૩ જૂને ઈઝારેયેલે બાસિજ મિલિટિયાના હેડક્વાર્ટર અને કુખ્યાત એવિવ પ્રિઝન ઉપર હુમલા કર્યા હતા. આ બંને સ્થાને ઈરાનમાં હિંસક આંદોલનો માટે જાણીતા છે. ઈઝરાયેલને આશા છે કે, આ પગલાં દ્વારા સામાન્ય ઈરાનિયનો જાગશે અને ઈરાનની વર્તમાન સત્તાના કેન્દ્ર સામે બંડ પોકરાશે.
ઈઝરાયેલે આ હુમલા બાદ અન્ય સ્થળોને ટાર્ગેટ કરવાના છોડી દીધા અને હવે યુદ્ધ શાંત થયું છે ત્યારે ઈરાનના લોકોને ચોક્કસ ખ્યાલ આવશે કે તેમના નેતા ખામેનેઈ દ્વારા જે ઉન્માદ બતાવવામાં આવ્યો હતો તેના કારણે દેશને કેટલું નુકસાન ભોગવવું પડયું અને તેના પગલે લોકોમાં રોષ ફાટી નીકળશે. ત્યાં સુધી ઈઝરાયેલ અને અન્ય આરબા સાથી દેશો અમેરિકાને સાથે રાખીને આ ક્ષેત્રમાં શાંતિ જાળવી રાખશે. અહીંયા અમરિકાને ઓપરેશન મિડનાઈટ હેમને પણ જોડવું જ રહ્યું. તેનણે પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે છતાં સામાન્ય અમેરિકનો અને ટ્રમ્પના જ તંત્રના ઘણા લોકોનું માનવું છે કે, અમેરિકાએ જગતજમાદારી છોડી દેવી જોઈએ. દુનિયાના દરેક દેશોની બાબતોમાં કૂદીને યુદ્ધ લડવા, વિવાદો કરવા જેવી બાબતોથી દૂર રહીને પેસિફિક ક્ષેત્રમાં ચીન ઉપર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. લોકોનું માનવું છે કે, ઈરાન કેવી રીતે ચાલશે અથવા તો તેની સત્તા કેવી હોવી જોઈએ તે ઈરાનના લોકોને જ નક્કી કરવા દો. હા એક વાત છે કે, ઈરાન જો ન્યૂક્લિયર વેપન તરફ આગળ વધે તો તેને અમેરિકાની તાકાતનો પરિચય આપવો પડે. હાલમાં આ તમામ બાબતો ઉપરથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે, મધ્યપૂર્વમાં જે સ્થિતિ છે, ઈરાનમાં કે ઈઝરાયેલમાં જે થયું છે અને અમેરિકા જે કરી રહ્યું છે તે બધું જ કામચલાઉ છે. આ ક્ષેત્રમાં સાચી શાંતિ હજી સ્થપાઈ નથી અને કદાચ સ્થપાય તેવું હાલ દેખાતું પણ નથી.