Get The App

મૂઈઝ્ઝુ પર મહિલા મંત્રીનો કાળો જાદુઃ લવ, સેક્સ ઔર ધોખા ?

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
મૂઈઝ્ઝુ પર મહિલા મંત્રીનો કાળો જાદુઃ લવ, સેક્સ ઔર ધોખા ? 1 - image


- દુનિયા 21મી સદીમાં પહોંચી ગઈ ત્યારે કોઈ જાદુ ટોણા કે કાળા જાદુની વાતો કરે ત્યારે તે હાસ્યાસ્પદ લાગે છે, અહીં તો તેને સાબિત કરવાની વાત છે

- ભારત વિરોધી વલણ લઈને પછી ઢીલાઢફ થઈ ગયેલા મૂઈઝ્ઝુ માલદીવ્સની રાજધાની માલેના મેયર હતા ત્યારથી જ ફાતિમા સાથે  ગાઢ સંબંધો હતા. ફાતિમા 30 વર્ષની છે જ્યારે મૂઈઝ્ઝુ 46 વર્ષના છે તેથી બંને વચ્ચે 16 વર્ષનો ફરક છે. ફાતિમાનો પતિ આદમ રમીઝ મૂઈઝ્ઝુની સાથે કામ કરતો તેમાંથી ફાતિમા અને મૂઈઝ્ઝુ વચ્ચે પરિચય થયો. ફાતિમા મહત્વાકાંક્ષી હોવાથી તેણે મૂઈઝ્ઝુ સાથે નિકટતા કેળવીને સંબંધો ગાઢ બનાવ્યા એવું કહેવાય છે. મૂઈઝ્ઝુની મહેરબાનીથી ફાતિમા માલે સિટી કાઉન્સિલની સભ્ય બની હતી. ફાતિમાને ત્રણ સંતાન છે ને તેમાંથી સૌથી નાનો દીકરો દોઢ વર્ષનો છે. ફાતિમાના મૂઈઝ્ઝુ સાથેના સંબંધોથી આ દીકરો પેદા થયો હોવાનું કહેવાય છે.

દુનિયા એકવીસમી સદીમાં પહોંચી ગઈ છે ત્યારે કોઈ જાદુટોણાં કે કાળા જાદુ (બ્લેક મેજિક)ની વાતો કરે ત્યારે હાસ્યાસ્પદ લાગે. આ માહોલમાં માલદીવ્સના પ્રમુખ મોહમ્મદ મૂઈઝ્ઝુ પર કથિત કાળો જાદુ  (બ્લેક મેજિક) કરવા બદલ મૂઈઝ્ઝુ સરકારનાં જ મંત્રી ફાતિમા શમનાઝ અલી સલીમની ધરપકડ કરાતાં સનસનાટી મચી ગઈ છે. ફાતિમા શમનાઝ અલી સલીમ મૂઈઝ્ઝુ સરકારમાં પર્યાવરણ મંત્રી હતાં. 

માલદીવ્સના મીડિયામાં છપાયેલા સમાચાર પ્રમાણે, ફાતિમા મૂઈઝ્ઝુની વધારે નજીક       આવવા માગતાં હતાં. ફાતિમાને પર્યાવરણ મંત્રાલયના રાજ્ય કક્ષાનાં મંત્રીપદથી પણ સંતોષ નહોતો અને પ્રમોશન ઈચ્છતાં હતાં તેથી ફાતિમા શમનાઝ અલી સલીમે એક તાંત્રિકને પકડયો અને તેની મદદથી બ્લેક મેજિક કરતાં હતાં. 

પોલીસે ધરપકડ કરતાં પહેલાં ફાતિમાના ઘરે દરોડા પાડીને બ્લેક મેજિકમાં વપરાતી ઘણી ચીજો જપ્ત કરી હતી. પોલીસે એક ૬૦ વર્ષના તાંત્રિક અને ફાતિમાના ભાઈની ધરપકડ પણ કરી છે. ફાતિમાની ધરપકડ પછી તેના ભૂતપૂર્વ પતિ અને પ્રમુખના કાર્યાલયના મંત્રી આદમ રમીઝને પણ મંત્રીપદેથી દૂર કરી દેવાયો છે.  એક મંત્રી પ્રમુખ પર બ્લેક મેજિક કરે એ ઘટના ચોંકાવનારી છે પણ પોલીસ કહે છે એમ ફાતિમા પોતાની મોટા મંત્રીપદની મહત્વાકાંક્ષા પૂરી કરવા કાળો જાદુ કરતાં હતાં એ વાત ગળે ઉતરે એવી નથી. બલ્કે આખો કેસ લવ, સેક્સ ઔર ધોખાનો હોવાનું કહેવાય છે. પોલીસનું વર્તન અને બીજી વિગતો  જોતાં આ વાત સાચી પણ લાગી રહી છે. મૂઈઝ્ઝુ અને ફાતિમા વચ્ચે વરસોથી અફેર હોવાનું કહેવાય છે. આ સંબંધોમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં ખટાશ આવી તેમાં આ કાંડ સર્જાયો હોવાનું કહેવાય છે. 

ભારત વિરોધી વલણ લઈને પછી ઢીલાઢફ થઈ ગયેલા મૂઈઝ્ઝુ માલદીવ્સની રાજધાની માલેના મેયર હતા ત્યારથી જ ફાતિમા સાથે તેમને ગાઢ સંબંધો હતા. ફાતિમા ૩૦ વર્ષની છે જ્યારે મૂઈઝ્ઝુ ૪૬ વર્ષના છે તેથી બંને વચ્ચે ૧૬ વર્ષનો ફરક છે. ફાતિમાનો પતિ આદમ રમીઝ મૂઈઝ્ઝુની સાથે કામ કરતો તેમાંથી ફાતિમા અને મૂઈઝ્ઝુ વચ્ચે પરિચય થયો. ફાતિમા મહત્વાકાંક્ષી હોવાથી તેણે મૂઈઝ્ઝુ સાથે નિકટતા કેળવીને સંબંધો ગાઢ બનાવ્યા એવું કહેવાય છે. મૂઈઝ્ઝુની મહેરબાનીથી ફાતિમા માલે સિટી કાઉન્સિલની સભ્ય બની હતી. 

ફાતિમાને ત્રણ સંતાન છે ને તેમાંથી સૌથી નાનો દીકરો દોઢ વર્ષનો છે. ફાતિમાના મૂઈઝ્ઝુ સાથેના સંબંધોથી આ દીકરો પેદા થયો હોવાનું કહેવાય છે. મૂઈઝ્ઝુ માલદીવ્સના પ્રમુખ બન્યા ત્યારે દીકરો નવ જ મહિનાનો હોવાથી ફાતિમા સક્રિય રાજકારણથી દૂર હતી છતાં મૂઈઝ્ઝુએ ફાતિમાને પોતાની સરકારમાં મિનિસ્ટર બનાવી દીધી હતી. માલદીવ્સમાં પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાનને મૂલિઆગે કહેવાય છે. સામાન્ય રીતે મૂલિઆગેનો ચાર્જ ટોચના અધિકારી પાસે હોય છે કે જેથી રાજદ્વારી બેઠકો વગેરે સરળતાથી થઈ શકે. મૂઈઝ્ઝુએ એ પરંપરા તોડીને ફાતિમાને પહેલાં મૂલિયાગેનો ચાર્જ આપીને મિનિસ્ટર બનાવી હતી કે જેથી તેને બેરોકટોક મળી શકાય. 

મૂલિયાગેમાં મૂઈઝ્ઝુ અને ફાતિમાનાં રંગરેલિયાંની વાતો બહુ જલદી બહાર આવી ગઈ, મૂઈઝ્ઝુનાં પત્ની સાજિદાને કાને આ વાત આવતાં થયેલી બબાલના કારણે મૂઈઝ્ઝુએ ફાતિમાને મૂલિયાગેમાંથી ખસેડીને પર્યાવરણ મંત્રાલયમાં મૂકવી પડી. ફાતિમાએ એ વખતે સાજિદા એક પબમાં ગાતાં હોય એવો વીડિયો વાયરલ કરેલો. ઈસ્લામમાં આ પ્રકારની હરકતો નિંદનિય ગણાય છે તેથી સાજિદાની બદનામી થશે એવી ફાતિમાની ગણતરી હતી પણ આ ગણતરી ફળી નહીં. બીજી તરફ મૂઈઝ્ઝુ સાથેના ગાઢ સંબંધોની ખબર પડી જતાં ફાતિમાને તેના પતિએ પણ ડિવોર્સ આપી દીધા. 

ફાતિમા સાથેના સંબધોની વાતો બહાર વહેતી થતાં મૂઈઝ્ઝુ પોતાની ઈમેજ વિશે સતર્ક થઈ ગયા હતા તેથી તેમમે ફાતિમા સાથેના સંબંધો કાપી નાંખ્યા હોવાનું કહેવાય છે. પતિએ છોડી દેતાં ફાતિમા પણ એકલી પડી ગઈ છે તેથી એ મૂઈઝ્ઝુને પોતાની તરફ ખેંચવા માટે કાળા જાદુના શરણે ગઈ હોવાનું કહેવાય છે. 

ફાતિમાને મૂઈઝ્ઝુ સાથેના વરસોના સંબધોના કારણે તેમની સાથે લગ્ન કરવાની ઈચ્છા હોય એ પણ શક્ય છે પણ મૂઈઝ્ઝુ કોઈ સ્કેન્ડલ ના ઈચ્છતા હોય તેથી તૈયાર ના થતા હોય એ શક્ય છે. કાળો જાદુ કરીને તેમને પિગળાવવાની કોશિશ ફાતિમા કરી રહી હોય એવું બને. બીજી તરફ ફાતિમાને પોતાના સત્તાવાર નિવાસસ્થાનેથી દૂર કર્યા પછી મૂઈઝ્ઝુ કોઈ નવા લફરામાં પડવા ના માગતા હોય તેથી તેમણે ફાતિમાને જેલભેગી કરીને આ ટંટાનો કાયમી નિવેડો લાવવાનું નક્કી કરી નાંખ્યું હોય એ શક્ય છે.  

આ કેસમાં પોલીસનું વર્તન જોતાં આ વાતો ખોટી પણ લાગતી નથી. પોલીસે ફાતિમા બ્લેક મેજિક કરતી હોવાનો દાવો કર્યો પણ ફાતિમા પોતાના ઘરમાં બ્લેક મેજિક કરે છે તેની ખબર પોલીસને કઈ રીતે પડી તેનો કોઈ જવાબ મળતો નથી. ફાતિમાના બ્લેક મેજિકનું ટાર્ગેટ મૂઈઝ્ઝુ જ છે તેની ખબર પોલીસને કઈ રીતે પડી એ સવાલ પણ ઉભો જ છે. પોલીસે ફાતિમાના ઘરે દરોડો પાડયો પછી જે ચીજો બ્લેક મેજિક માટે વપરાતી હોવાનો દાવો કર્યો એ કોઈ પણ ઘરમાંથી મળી આવે એવી ચીજો છે. પોલીસે ફાતિમાના ભૂતપૂર્વ પતિ રમીઝની આ બધામાં કોઈ સંડોવણી નથી એવું કહ્યું છે છતાં રમીઝને મંત્રીપદેથી તગેડી મૂકાયો તેના કારણે પણ શંકા ઘેરી બને છે.  આ બધું જોતાં કાળા જાદુના બદલે બીજું કંઈક કાળું હોવાની આશંકા સાચી લાગી રહી છે. અલબત્ત આ પ્રકારની વાતોના કોઈ પુરાવા હોતા નથી. રાજકારણીઓના પોતાની સાથે કામ કરતી મહિલાઓ સાથે ગાઢ નિકટના સંબંધો રાખીને બદલામાં તેને ફાયદો કરાવે એવું દુનિયામાં બધે બને છે. આ સંબંધોમાં કડવાશ આવે પછી અણધાર્યા ટ્વિસ્ટ આવે એ પણ નવી વાત નથી. ફાતિમા અને મૂઈઝ્ઝુના સંબધોમાં પણ એવો ટ્વિસ્ટ આવ્યો હોઈ શકે છે. 

આ ટ્વિસ્ટનું કારણ શું એ વિશે મૂઈઝ્ઝુ પોતે કદી બોલવાના નથી ને ફાતિમા અત્યારે જેલમાં છે. ફાતિમા જેલમાંથી બહાર આવશે કે નહીં એ ખબર નથી પણ ફાતિમા પોતે મોં ખોલે નહીં ત્યાં સુધી ફાતિમા અને મૂઈઝ્ઝુના સંબંધોનું સત્ય શું છે એ કદી બહાર નહીં આવે એ બધાંને ખબર છે.

મૂઈઝ્ઝુનાં પતિ સાજિદા ભારતમાં ભણ્યાં, પિતા ઈસ્લામના સ્કોલર

માલદીવ્સના બ્લેક મેજિક કાંડમાં એક મહત્વનું પાત્ર સાજિદા મોહમ્મદ છે. મોહમ્મદ મૂઈઝુનાં પત્ની સાજિદા માલદીવ્સ સરકારમાં સિવિલ સર્વન્ટ પણ છે. સાજિદા માલદીવ્સના ઈસ્લામના જાણીતા વિદ્વાન શેખ મોહમ્મદ ઈબ્રાહીમનાં દીકરી છે. સાજિદા ભારતમા બેંગલોરમાં ભણેલાં છે. સાજિદા બેંગલોરમાં જ રહેતાં હતાં અને નોકરી કરતાં હતાં પણ પછી માલદીવ્સ સિવિલ સર્વિસીસમાં જોડાયાં હતાં. 

 ૨૦૦૩માં સાજિદા બેંગલોરથી આવતાં હતાં ત્યારે તેમની મુલાકાત માલેના એરપોર્ટ પર મુઈઝ્ઝુ સાથે થઈ હતી. બંને પહેલી નજરે જ પ્રેમમાં પડી ગયાં હોવાનું કહેવાય છે. મૂઈઝ્ઝાના પિતા હાઈકોર્ટના જજ હતા તેથી સાજિદાના પરિવારને લગ્નમાં કોઈ વાંધો નહોતો તેથી બે મહિનામાં તો બંનેનાં લગ્ન થઈ ગયાં. 

મૂઈઝ્ઝુને ૨૦૦૫માં બ્રિટિશ સરકારની સિવિલ એન્જિનિયરિંગમાં પીએચ.ડી. માટેની સ્કોલરશિપ મળતાં મૂઈઝ્ઝુ યુનિવર્સિટી ઓફ લીડ્સમાં પીએચ.ડી કરવા ગયા ત્યારે સાજિદા પણ તેમની સાથે ગયાં હતાં. સાજિદાએ પણ યુનિવર્સિટી ઓફ લીડ્સમાં એડમિશન લઈને પોતાની માસ્ટર્સ ડીગ્રી પૂરી કરી હતી. યુકેથી પાછા આવ્યા પછી સાજિદા ફર માલદીવ્સ સરકારમાં જોડાઈ ગયાં. સાજિદા અને મૂઈઝ્ઝૂને યાસ્મિન નામે દીકરી અને ઉમૈર તથા ઝૈદ નામે બે દીકરા મળીને કુલ ત્રણ સંતાનો છે. 

મૂઈઝ્ઝુની રાજકીય કારકિર્દીમાં સાજિદાનું મોટું યોગદાન છે. સાજિદાના પિતાના કારણે મૂઈઝ્ઝુને ચુસ્ત મુસ્લિમોનો ટેકો મળ્યો તેથી મૂઈઝ્ઝુ પ્રમુખપદની ચૂંટણીમાં જીતી ગયા. આ કારણે ફાતિમાના કહેવાથી મૂઈઝ્ઝુ સાજિદાથી અલગ થવાના નથી. 

ફાતિમાએ દબાણ લાવવા ભ્રષ્ટાચારનો રીપોર્ટ લીક કર્યો

બે મહિના પહેલાં મૂઈઝ્ઝુના પરિવારના કહેવાતા ભ્રષ્ટાચાર અંગેનો એક રીપોર્ટ લીક થયો હતો. 

આ રીપોર્ટમાં દાવો કરાયો હતો કે, મૂઈઝ્ઝુનાં અંગત બેંક ખાતાંમાં કરોડોની શંકાસ્પદ એન્ટ્રીઓ થયેલી છે. વિદેશથી અને કોર્પોરેટ કંપનીઓ દ્વારા મળેલાં આ નાણાં ભ્રષ્ટાચારના ભાગરૂપે મૂઈઝ્ઝુના પરિવારને અપાયાં હોવાનો દાવો 'હસ્સન કુરૂસીદ નામની અજાણી વ્યક્તિના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી કરાયો હતો. મૂઈઝ્ઝુએ માલેના વિકાસ માટે રાસ માલે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. તેમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપો કરાયા હતા.

માલદીવ્સ પોલીસના ફાયનાન્સિયલ ઈન્ટેલિજન્સ યુનિટનો આ રીપોર્ટ મૂઈઝ્ઝુ પર દબાણ લાવવા માટે ફાતિમા અને આદમ રમીઝે લીક કર્યો હોવાની શંકાથી તેમના પર બે મહિનાથી નજર રખાઈ રહી હતી. છેવટે બ્લેક મેજિકના નામે તેને અંદર કરી દેવાઈ છે.

News-Focus

Google NewsGoogle News