ગાઝામાં લાખો લોકો ભૂખમરાથી જીવ ગુમાવવા મજબૂર
- પેલેસ્ટાઈન સામેના સંઘર્ષ અને આતંકવાદને નામે ઈઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટી ઉપર છડેચોક દમન
- ઈઝરાયેલ દ્વારા આતંકવાદીઓને ઠાર કરવા અને લોકોને પાઠ ભણાવવા માટે મોટાપાયે ઓપરેશનો હાથ ધરાયા બાદ હવે માનવ સર્જિત ભૂખમરે અને અછત ફેલાવામાં આવ્યા છે : નક્કી કરેલા સમયે અને નક્કી કરેલી સામગ્રી, દવાઓ અને મદદની વસ્તુઓ જ ચોક્કસ રસ્તાથી ગાઝામાં ઈઝરાયેલની માનીતી સંસ્થા દ્વારા પ્રવેશ મળે છે : માર્ચ મહિનાથી ઈઝરાયેલ દ્વારા નાખાયેલા પ્રતિબંધથી સર્જાયેલા ભૂખમરામાં 70 બાળકોનાં મોત થયા છે : ભુખમરાના કારણે થયેલા મોતનો આંકડો 620 પહોંચી ગયો છે. હાલમાં અહીંયા પાંચ વર્ષથી ઓછી ઉંમરના 6,50,000 બાળકોના જીવને ગંભીર જોખમ છે, તે ઉપરાંત ગર્ભવતિ મહિલાઓ પણ કુપોષણથી પીડાઈ રહી છે
ગાઝાપટ્ટીમાં હાલમાં ભુખમરાનું સંકટ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. અહીંયા સ્થિતિ એવી છે કે, કુપોષણથી મૃત્યુ પામનારા બાળકોની સંખ્યામાં સતત ઉછાળો થઈ રહ્યો છે. પેલેસ્ટાઈનના અન્ય વિસ્તારોમાં હજારો લોકો અપૂરતા ભોજનને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અહીંયા સ્થિતિ એવી પહોંચી છે કે, બાળકોને દિવસો સુધી ખાવાનું મળતું નથી. તેના કારણે તેમની સ્થિતિ એવી થઈ ગઈ છે કે, તેઓ સરખી રીતે ચાલી પણ શકતા નથી. ભુખમરો માત્ર ગાઝાપટ્ટીમાં પ્રવેશ્યો નથી જાણે કે વસી ગયો હોય તેમ લાગી રહ્યું છે. ગાઝાના લોકો હવે માત્ર મૃત્યુની રાહ જોતા જીવતા હોય તેવી સ્થિતિ થવા લાગી છે. વૈશ્વિક સત્તાઓની ચુપકીદી વચ્ચે માનવતાની ગરિમાની કત્લેઆમ કરવામાં આવી છે. ખાન યૂનિસ અને રાફાના ફૂટપાથો ઉપર પેલેસ્ટાઈનીઓ ખાલી પેટ અને ભુખના ભાર તળે દબાઈ રહ્યા છે, કચડાઈ રહ્યા છે. દુનિયા તેમની વાતો કરે છે પણ તેમના વિશે વાત કરવા કોઈ તૈયાર નથી.
થોડા દિવસ પહેલાં એક મહિલાનો વીડિયો ફતો થયો હતો. આધેડ ઉંમરની મહિલા રસ્તા ઉપર જતી હતી અને અચાનક લથડિયું ખાઈને ફૂટપાથ ઉપર ફસડાઈ પડી. લોકોએ તેને ઊભી કરી અને તેના ચહેરા ઉપર પાણી છાંટીને તેને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો. ભાનમાં આવ્યા બાદ તે માત્ર એટલું જ બોલી શકી કે મારા બાળકો માટે એકાદ રોટલીનો ટુકડો હોય તો પણ આપો. આ સ્થિતિમાં હાલ ગાઝાના લોકો જીવન જીવી રહ્યા છે. વાસ્તવિક રીતે આપણે જેને દુષ્કાળ, અછત અને અભાવ કહી શકીએ તેવી સ્થિતિમાં આ લોકો છેલ્લાં ચાર મહિનાથી જીવન પસાર કરી રહ્યા છે.
ગાઝાપટ્ટીમાં સ્થિતિ એવી થઈ છે કે, ઈઝરાયેલ દ્વારા તમામ ક્રોસિંગ બંધ કરી દેવામાં આવ્યા છે. તેના કારણે છેલ્લાં ચાર મહિનાથી ગાઝામાં લોટ, બેબી ફૂડ, મેડિકલ સપ્લાય કશું જ પહોંચ્યું નથી. અહીંયા રોટલીઓ, બ્રેડ, ખાદ્ય પદાર્થોની મોટાપાયે અછત સર્જાઈ છે. રોજિંદા ખોરાકની વસ્તુઓ જે જરૂરિયાત ગણાતી તે હવે જાણે કે સપનું બની રહી છે. લોકો માત્ર સારા ભોજનની કલ્પના કરી રહ્યા છે પણ વાસ્તવિકતામાં તેમને જીવન ટકી રહે તેવું પણ ભોજન મળી રહ્યું નથી. અહીંયા ભોજન અને ખાદ્ય પદાર્થોના કાળા બજાર થઈ રહ્યા છે અને વસ્તુઓ જે કિંમતે વેચાઈ રહી છે તે ખરીદવાની મોટાભાગના લોકોની ક્ષમતા નથી. લોકો પાસે પોતાના પરિવારના જીવનનિર્ર્વાહ માટે પૂરતા પૈસા કે સંસાધનો નથી. ગાઝાની હોસ્પિટલોમાં દવાઓની ભારે તંગી સર્જાયેલી છે. આ ઉપરાંત ભારે થાક, ભૂખ, કુપોષણના કારણે રસ્તા ઉપર દરરોજ બેભાન થનારા લોકોની સંખ્યામાં અદ્વિતિય વધારો થયો છે. હજારો લોકો બેભાન થઈ રહ્યા છે. સ્થાનિક તંત્ર જણાવે છે કે, દરરોજ સેંકડો લોકો મૃત્યુના મુખ તરફ ધકેલાતા જાય છે, કારણ કે તેમની પાસે ખાવા માટે ભોજન નથી અને શરીર ભુખ સહન કરી શકે તેમ નથી.
ઉલ્લેખનીય છે કે, ગાઝાના સરકારી મીડિયા કાર્યાલયે જણાવ્યું હતું કે, ઓક્ટોબરથી અત્યાર સુધીમાં અંદાજે ૬૯ બાળકોના કુપોષણના કારણે મોત થયા છે. આ ઉપરાંત આ ભુખમરાના કારણે થયેલા મોતનો આંકડો ૬૨૦ પહોંચી ગયો છે. હાલમાં અહીંયા પાંચ વર્ષથી ઓછી ઉંમરના ૬,૫૦,૦૦૦ બાળકોના જીવને ગંભીર જોખમ છે. તેવી રીતે હજારોની સંખ્યામાં ગર્ભવતી મહિલાઓ પણ બાળકને જીવાડવા વલખા મારી રહી છે. તેમને ભોજન પણ મળતું નથી અને દવાઓની તો અછત ઘણા સમયતી લાચી જ રહી છે. તાજેતરમાં એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, લોકો માટે ભોજન એક સપનું થઈ ગયું છે. લોકો માટે તે વાસ્તવિકતા જ વધી નથી. અંદાજે ૨૪ લાખ લોકો ઉપર મોત તોળાઈ રહ્યું છે.
થોડા સમય પહેલાં ગાઝા શહેરના એક ડોક્ટરનું નિવેદન આવ્યું હતું જેમણે કહ્યું હતું કે, ગાઝા ઉપર દુકાળે જાણે કે ભયાનક હુમલો કરી દીધો હોય તેવી સ્થિતિ છે. હાલમાં ગાઝાની હોસ્પિટલો કુપોષિત અને નબળાઈ, થાક અને અશક્તિના રોગથી પીડાતા દર્દીઓથી ભરાઈ ગઈ છે. અહીંયા દર્દીઓથી હોસ્પિટલો ઊભરાઈ રહી હોય તેવી સ્થિતિ છે. અહીંયા શનિવારે જ બે બાળકોના કુપોષણથી મોત થયા હતા. દુ:ખ બાબત એ છે કે, તાજેતરના આંકડા પ્રમાણે બે બાળકો સહિત છેલ્લાં ૨૪ કલાકમાં ૧૯ લોકોનાં મોત થયા છે. અહીંયા ઈઝરાયેલ દ્વારા યુદ્ધ શરૂ કરાયા બાદ કુપોષણની સ્થિતિ ભયાનક રીતે વકરી છે. તેમાં અત્યાર સુધીમાં ૭૦ લોકોનો ભોગ લેવાયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા અહીંયા સહાય મોકલવામાં આવી હતી પણ ગાઝા સુધી તેને પહોંચવા ન દેવા માટે ઈઝરાયેલે ચેકપોસ્ટો બનાવી છે. આ ચેકપોસ્ટો બનાવ્યા બાદ અત્યાર સુધીમાં ૫૦ બાળકો કુપોષણના કારણે મૃત્યુ પામ્યા છે. આ સિવાય બિમારીમાં દવાના અભાવે મરેલા લોકોનો આંકડો પણ મોટો છે.
જાણકારોના મતે ઈઝરાયેલ દ્વારા ગાઝામાં મદદનું પણ ડ્રિપ ફિડિંગ કરવામાં આવી રહ્યું છે. વાત જાણે એવી છે કે, ૨૦૨૩માં ગાઝા અને ઈઝરાયેલ વચ્ચે સંઘર્ષ વધવાના કારણે આ વિસ્તારમાં માનવીય સહાય અને ભોજન સહાયને સખત નિયંત્રણ હેઠળ લાવી દેવામાં આવ્યા. જે દૈનિક ધોરણે વિતરણ કરવામાં આવતું હતું તે પણ વસતીને ધ્યાનમાં રાખીને ઘણું ઓછું હતું. ઘણી વખત તો રોજિંદા ૫૦૦ ટ્રકની સરખામણીએ માત્ર ૧૦ થી ૨૦ ટ્રક જ પહોંચતા અને સહાય આપીને પરત આવી જતી. વૈશ્વિક સંગઠનો અને યુએન દ્વારા તેને માનવતા ઉપર પ્રહાર ગણવામાં આવે છે અને જાણી જોઈને મુકવામાં આવેલો પ્રતિબંધ માનવામાં આવે છે. બીજી તરફ ગાઝા સાથે જે રાજકીય મતભેદો છે તેના માટે થઈને ઈઝરાયેલ દ્વારા આ સ્થિતિનો રાજકીય ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય તેવું પણ જાણકારોમાં ચર્ચાઈ રહ્યું છે. તેના કારણે સ્થિતિ એવી આવી ગઈ છે કે, લોકો સંઘર્ષ પણ કરી શકતા નથી. લોકો પાસે પૂરતું ભોજન નથી, પાણી નથી અને હવે સ્થિતિ વધારે બદતર થઈ છે. લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવા માટે મરણિયા બન્યા છે. તેઓ કોઈપણ સ્તરે જોખમ ખેડવા તૈયાર થયા છે.
ખાસ વાત એવી છે કે, ઈઝરાયેલે ગાઝામાં જે વસ્તુઓ અને ભોજન સપ્લાય કરવાની મંજૂરી આપી છે તેમાં મોટાભાગનું કામ ગાઝા હ્યુમેનિટેરિયન ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહી છે. અહીંયા સૌથી પહેલાં તો મદદ મેળવવા માગતા લોકોએ ચાલતા અથવા તો વાહન લઈને ડ્રોફ ઓફ પોઈન્ટ સુધી જવું પડે છે. સામાન્ય રીતે વસ્તુનું વિતરણ કરાતું હોય છે ત્યાંથી આ જગ્યા અંદાજે દોઢ-બે કિ.મી દૂર હોય છે. લોકોને અહીંયા વાહનોમાં ઉતારી દેવાય છે. ત્યારબાદ મદદ લેવા માગતા લોકોએ ચાલતા મદદ આપનારા કેન્દ્રો સુધી જવાનું હોય છે. અલ જૌર ઉપર રાહ જોવાની હોય છે. તેઓ અહીંયા સુધી ચાલતા આવે છે. અહીંયા માટીના ઉંચા ઉંચા ટીલા દ્વારા એક જગ્યા બનાવાઈ છે જ્યાં લોકો આવીને રાહ જૂએ છે. અહીંયા ડ્રોન અથવા તો સેના દ્વારા કોઈ રીતે સંકેત આપવામાં આવે છે. ત્યારબાદ લોકો પીકઅપ લોકેશન સુધી જઈ શકે છે. અહીંયા અંદાજે ૧૨-૧૫ કલાક સુધી રાહ જોવી પડે છે. એક વખત રસ્તો સુરક્ષિત હોવાનો સંકેત મળે એટલે લોકોને ઈઝરાયેલી સૈન્ય ચોકીઓ, સ્નાઈપર ચોકીઓ, ડ્રોન અને અન્ય પડકારોનો સામનો કરતા કરતા ૧ થી દોઢ કિ.મી જવું પડે છે. ઘણી વખત અહીંય રાહ જોવા દરમિયાન પણ મુશ્કેલી સર્જાય છે અને લોકોનાં મોત થાય છે.
અકારણ ગોળીબાર કરાય છે અને ભૂખ્યા નિર્દોષ લોકોનાં મોત થાય છે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે હજારોની સંખ્યામાં લોકો અલ જૌર ખાતે આવીને રોકાય છે. ગણી વખત તો આખી આખી રાત ઉજાગરા કરીને સિગ્નલ મળે તેની રાહ જોવી પડે છે. લોકોને વિતરણ ચાલુ થવાનું સિગ્નલ મળે એટલે દોડવું પડે છે. તેઓ મદદ અપાવાની બંધ થાય તે પહેલાં પહોંચવા માટે ભાગે છે અને આ નાસભાગમાં પણ ઘણા લોકોને ઈજા થાય છે તો ક્યારેક કેટલાકનાં કચડાવાથી મોત થાય છે. જ્યાં મદદ મળે છે તે સેન્ટર સુધી પહોંચવા માટે ૧૦૦૦ મીટર લાંબી ખુલ્લી જગ્યા છે. આ મેદાની જગ્યા પાર કરવા દરમિયાન ઘણી વખત ઈઝરાયેલના ડ્રોન વોચ રાખતા હોય છે. સૈનિકો આસપાસ ચોકીઓમાં ધ્યાન રાખતા હોય છે. તેના કારણે ઈઝરાયેલા સૈનિકો ઘણી વાર અકારણ ગોળીબાર કરી દે છે અને લોકોનાં મોત થાય છે. ભીડને કાબુ કરવા પગલું ભરાયાના ખોટા દાવા કરવામાં આવે છે. તેવી જ રીતે ઘણી વખત રબરની ગોળીઓ, ડ્રોનથી છોડાયેલા હથિયારો દ્વારા પણ લોકોનાં મોત થાય છે. લોકો બચી જાય તો નાસભાગમાં કચડાવાથી મૃત્યુ પામતા હોય છે. યુએનના સૂત્રો અને કેટલાક અખબારી અહેવાલો જણાવે છે કે, જીએચએફ દ્વારા આ મદદ શરૂ કરવામાં આવી ત્યારબાદ ભીડભાડના કારણે હજારો લોકોનાં મોત થયા છે. ઈઝરાયેલી સૈનિકો અને જીએચએફના કર્મચારીઓ માત્ર ગણતરીના લોકોને જ દરવાજામાં પ્રવેશ કરવા દે છે. બાકીના તમામ લોકોને પાછા મોકલાય છે અને તેમને ફરીથી રાહ જોવી પડે છે. આ કારણે જ લોકો ઝડપથી પહોંચવા અને દરવાજાની અંદર જવા માટે વધારે આક્રમક થઈ જાય છે. તેના પગલે આંતરિંક હિંસા વધે છે. ઘણી વખત મારપીટ દરમિયાન કે આંતરિક હિંસા દરમિયાન લોકોનાં મોત થાય છે તો ઘણી વખત સૈનિકો દ્વારા આ બધું કાબુ કરવા કરાતા ગોળીબારમાં લોકોનાં મોત થતા હોવાના અહેવાલો આવે છે. બાકી બચેલા લોકો પાસે રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ હોતો નથી. ઈઝરાયેલે ગાઝાની જે સ્થિતિ કરી છે તે જોતાં લાગે છે કે, ઈઝરાયેલનો માર સહન કરનારા ગાઝા અને તેના સ્થાનિક લોકોને બેઠા થવા માટે પણ ઘણો સમય રાહ જોવી પડે તેવી સ્થિતિ છે.