Get The App

પ્લેન ક્રેશ : ખરાબ વાતાવરણ સૌથી મોટો 'ખલનાયક'

Updated: Jan 29th, 2026

GS TEAM

Google News
Google News
પ્લેન ક્રેશ : ખરાબ વાતાવરણ સૌથી મોટો 'ખલનાયક' 1 - image

- ગાઢ ધુમ્મસ, સ્મોગ, ભારે વરસાદ, તોફાની પવન અને ભારે બરફવર્ષા દરમિયાન વિઝિબિલિટી ઘટી જાય છે, જે જીવલેણ બને છે

- ખરાબ હવામાનની સૌથી મોટી અસર પ્લેનના ટેક ઓફ અને લેન્ડિંગ દરમિયાન થતી હોય છે. જાણકારોના મતે કોઈપણ ફ્લાઈટના કુલ ફ્લાઈંગ સમયમાંથી માત્ર પાંચ કે છ ટકા ભાગ જ ટેક ઓફ અને લેન્ડિંગનો હોય છે. તેમ છતાં જેટલી હવાઈ દુર્ઘટનાઓ થાય છે તેમાંથી 70 ટકા દુર્ઘટનાઓ આ દરમિયાન જ થતી હોય છે : હવાની દિશા અથવા તો ગતિ એકાએક બદલાઈ જાય છે અને તેના કારણે પ્લેનનું સંતુલન ખોરવાઈ જાય છે. તેને વિંડ શિયર કહેવાય છે. વિંડ શિયર જો ટેક ઓફ અથવા તો લેન્ડિંગ દરમિયાન થતું હોય તો સંતુલન વધારે ખરાબ થાય છે. ભારતમાં ચોમાસા દરમિયાન તથા પહાડી વિસ્તારોમાં આ સમસ્યા સૌથી વધારે સર્જાતી હોય છે : વિમાનમાં ઓટો પાઈલટ મોડ હોય છે, એડવાન્સ વેધર રડાર હોય છે, ઈન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ હોય છે છતાં વાતાવરણમાં થતો આકસ્મિક ફેરફાર મોટી અસર કરી જાય છે. તે દરમિયાન માણસની નિર્ણયક્ષમતા અને તેની મર્યાદાઓ, એર ટ્રાફિકનું દબાણ અને બીજી ઘણી બાબતો અસર કરે છે. તેના પગલે દુર્ઘટના બને છે

વિશ્વમાં સામાન્ય રીતે હવાઈ પ્રવાસને સૌથી સરળ, સુરક્ષિત અને ઝડપી પરિવહન માધ્યમ ગણાય છે. લોકો સૌથી વધારે તેનો ઉપયોગ કરવા લાગ્યા છે. ઝડપની સુવિધાઓ અને આરામદાયક પ્રવાસની સાથે સાથે તેમાં સૌથી મોટું જોખમ પણ રહેલું છે. તે જોખમ છે જીવનું. હવાઈયાત્રા દરમિયાન વિમાન દુર્ઘટના થાય ત્યારે મોટાભાગે જાનહાની થતી જ હોય છે. તેમાંય ગંભીર અકસ્માતમાં તો સમગ્ર પ્લેનના ચિંથરા ઉડી જતા હોય છે અને ઘણા કિસ્સામાં તો પ્લેનમાં સવાર તમામ લોકોના મોત થયાના પણ ભૂતકાળના અનેક દાખલા છે. પ્લેન અકસ્માતની વાત આવે ત્યારે ટેકનિકલ ખામીઓ અને અન્ય અડચણોની સાથે સાથે એક બાબત એવી છે જેને સૌથી મોટો ખલનાયક માનવામાં આવે છે. આ બાબત છે વાતાવરણ. વાતાવરણ અને હવામાનમાં એકાએક પલટો આવે અને પ્રતિકુળ સ્થિતિ ઊભી થાય ત્યારે પ્લેન અકસ્માતની શક્યતાઓ બેવડાઈ જાય છે.

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને મહારાષ્ટ્ર રાજકારણના દિગ્ગજ નેતા અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન થયું. તેમના પ્લેન ક્રેશના સમાચારથી સમગ્ર દેશ સ્તબ્ધ થઈ ગયો છે. અજિત પવાર મુંબઈથી બારામતી જતા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. તેમના પ્લેન ક્રેશનું મુખ્ય કારણ વાતાવરણમાં આવેલો આકસ્મિક ફેરફાર જ આવ્યું. ગાઢ ધુમ્મસ અને હવામાનમાં પલટાને પગલે તેમનું પ્લેન ક્રેશ થઈ ગયાનો પ્રાથમિક અહેવાલ આવ્યો છે. જાણકારો માને છે કે, માત્ર એનસીપીના નેતાનું જ પ્લેન નહીં અથવા તો એમ કહીએ કે માત્ર ભારત જ નહીં પણ દુનિયાભરના ઘણા પ્લેન ક્રેશ કે પછી હેલિકોપ્ટર ક્રેશમાં જે કારણો સામે આવે છે તેમાં હવામાનમાં પલટો સૌથી મુખ્ય કારણ હોય છે. ખાસ કરીને પ્લેન ટેક ઓફ કરતું હોય ત્યારે અથવા તો લેન્ડ કરતું હોય ત્યારે હવામાનમાં આવતો આકસ્મિક ફેરફાર સૌથી ઘાતક અસર કરતો હોય છે. નવાઈની વાત એ છે કે, હાલમાં એવિયેશન સેક્ટરમાં અત્યંત આધુનિક ટેક્નોલોજી આવી ગઈ છે, પાઈલટ્સને એડવાન્સ ટ્રેનિંગ આપવામાં આવે છે અને સંશાધનોની દ્રષ્ટિએ પણ વિમાનોમાં એડવાન્સ ટેક્નોલોજી છે છતાં હવામાનમાં થતા આકસ્મિક ફેરફારથી પ્લેન બચી શકતા નથી અને ગંભીર અકસ્માત સર્જાતા હોય છે.

જાણકારો માને છે કે, ખરાબ હવામાન સીધી રીતે પ્લેનના વિઝન, બેલેન્સ, એન્જિનક કેપેસિટી અને પાઈલટની કામગીરીને અસર કરે છે. ખરાબ હવામાન દરમિયાન એક નાનકડી ભુલ પણ મોટી દુર્ઘટના સર્જી શકે છે. ખરાબ હવામાનની સૌથી મોટી અસર પ્લેનના ટેક ઓફ અને લેન્ડિંગ દરમિયાન થતી હોય છે. જાણકારોના મતે કોઈપણ ફ્લાઈટના કુલ ફ્લાઈંગ સમયમાંથી માત્ર પાંચ કે છ ટકા ભાગ જ ટેક ઓફ અને લેન્ડિંગનો હોય છે. તેમ છતાં જેટલી હવાઈ દુર્ઘટનાઓ થાય છે તેમાંથી ૭૦ ટકા દુર્ઘટનાઓ આ દરમિયાન જ થતી હોય છે.

ઉલ્લેખનીય છે કે, માત્ર ફ્લાઈટ જ નહીં હેલિકોપ્ટરને પણ આ બાબત લાગુ પડે છે. પ્લેન હોય કે હેલિકોપ્ટર, વિઝિબિલિટી જ્યારે ઓછી થઈ જાય છે ત્યારે ટેક ઓફ અને લેન્ડિંગ ખૂબ જ જોખમી થઈ જતું હોય છે. બીજી તરફ ગાઢ ધુમ્મસ, સ્મોગ, ભારે વરસાદ, આંધી અને ભારે બરફવર્ષા દરમિયાન પણ વિઝિબિલિટી ખૂબ જ ઓછી થઈ જતી હોય છે. આ દરમિયાન પ્લેન અથવા તો હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનાઓ વધતી હોય છે. આવા કિસ્સાઓમાં રનવે સ્પષ્ટ રીતે જોઈ શકાતો નથી. પાઈલટને પણ પ્લેનની ટેક્નોલોજી અને જીપીએસ ઉપર આધાર રાખવો પડે છે. આ દરમિયાન જો કોઈ સમસ્યા થાય તો અથવા તો ટેકનિકલ ખામી આવે તો દુર્ઘટના થવાની શક્યતાઓ વધી જાય છે. મોટાભાગે આવી ખામીઓ દુર્ઘટનાનું જ સ્વરૂપ લેતી હોય છે.

જાણકારો માને છે કે, જ્યારે હવા વધારે હોય, તેનું જોર વધારે હોય ત્યારે પ્લેનને મુશ્કેલી સર્જાતી હોય છે. તોફાની હવા એટલે કે વિંડ શિયર ખૂબ જ મોટી ભૂમિકા ભજવે છે. હવાની દિશા અથવા તો ગતિ એકાએક બદલાઈ જાય છે અને તેના કારણે પ્લેનનું સંતુલન ખોરવાઈ જાય છે. તેને વિંડ શિયર કહેવાય છે. વિંડ શિયર જો ટેક ઓફ અથવા તો લેન્ડિંગ દરમિયાન થતું હોય તો સંતુલન વધારે ખરાબ થાય છે. ભારતમાં ચોમાસા દરમિયાન તથા પહાડી વિસ્તારોમાં આ સમસ્યા સૌથી વધારે સર્જાતી હોય છે. 

ભારતની વાત કરીએ તો ભારતમાં પહાડી વિસ્તારોમાં આવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. ખાસ કરીને હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનાઓ સમયાંતરે થતી હોવાના અહેવાલો આવતા રહે છે. હવામાનમાં આકસ્મિક ફેરફારના કારણે પ્લેન અને હેલિકોપ્ટર માટે સંતુલન જાળવવું સૌથી વધારે મુશ્કેલ બને છે. પહાડોમાં ઓછી ઉંચાઈએ ઉડાણ, પહાડોનું પોતાનું ગુરૂત્વાકર્ષણ, દુર્ગમ વિસ્તારો, અચાનક બદલાતું હવામન, વિંડ શિયર, રડાર કવરેજની મર્યાદાઓ વગેરે પણ મોટી ભૂમિકા ભજવે છે. ભારતમાં કેદારનાથ, બદ્રીનાથ, અરુણાચલ અને સિયાચિન વિસ્તારોમાં હેલિકોપ્ટર ક્રેશની ઘણી દુર્ઘટનાઓ બની છે. અહીંયા અચાનક ધુમ્મસ છવાઈ જવું, ભારે વરસાદ પડવો કે પછી વાવાઝોડું આવવું કે હિમવર્ષા થવી જેવી ઘટનાઓ અથવા તો ઘણી વખત વાદળ અથડાવા જેવી ઘટનાઓ પણ બને છે અને હેલિકોપ્ટર ક્રેશ થઈ જાય છે. 

ભારતની જ વાત કરીએ તો કોઝિકોડમાં વર્ષ ૨૦૨૦માં એક મોટી પ્લેન દુર્ઘટના થઈ હતી. એર ઈન્ડિયા એક્સ્પ્રેસનું વિમાન રનવે ઉપરથી સરકીને ખીણમાં પડયું હતું. ભારે વરસાદને કારણે રનવે ખૂબ જ ભીનો થઈ ગયો હતો. ટેબલ-ટોપ એરપોર્ટ ઉપર આ દુર્ઘટના બની હતી. ભારતમાં હવામાન ખરાબ થવાના કારણે થયેલી દુર્ઘટનાઓમાં આ એક મોટી દુર્ઘટના હતી. આ સિવાય મેંગ્લુરુમાં ૨૦૧૦માં પ્લેન દુર્ઘટના થઈ હતી. ભારે વરસાદ અને રનવેની બાઉન્ડ્રી પણ મહત્ત્વની બની જતી હોય છે. ગુવાહાટી અને પટના એરપોર્ટ ઉપર પણ ઘણી વખત ગાઢ ધુમ્મસ અને સ્મોગને કારણે ક્લોઝ કોલની ઘટનાઓ બનતી રહે છે. આ સિવાય ભારતીય સેના અને વાયુસેનાના ઘણા હેલિકોપ્ટર હવામાનમાં આકસ્મિક પલટાના કારણે ક્રેશ થયાની દુર્ઘટનાઓ ભૂતકાળમાં બની છે. 

દુનિયામાં પણ આવા ઘણા અકસ્માતો થયા છે જેમાં ખરાબ હવામાન મુખ્ય કારણભૂત બન્યું છે. વર્ષ ૨૦૦૯માં એર ફ્રાન્સની ફ્લાઈટ ૪૪૭ સાથે મોટી દુર્ઘટના બની હતા. એટલાન્ટિક મહાસાહરમાં તોફાની પવન અને આઈસિંગના કારણે પ્લેનની પિટોટ ટયૂબ ફેલ થઈ ગઈ હતી. તેના કારણે પ્લેનના સ્પીડ ડેટા ખોટા આવતા હતા. તેના પગલે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ ઉપરાંત નેપાળ અને ઈન્ડોનેશિયામાં પણ ઘણા પ્લેન અકસ્માતો થયા છે. પહાડી વિસ્તારોમાં અચાનક વાદળ ટકાઈ જવું કે, વરસાદ પડવો અથવા તો ધુમ્મસ ફેલાઈ જવાથી વિઝિબિલિટી શૂન્ય થઈ જવી જેવા ઘણા કારણો તપાસમાં બહાર આવ્યા હતા.

આધુનિક ટેક્નોલોજીના યુગમાં પણ કુદરતના ક્રમને અટકાવી શકાતો નથી

લોકોમાં એક જ ચર્ચા છે કે, હાલમાં એવિયેશન સેક્ટરમાં એડવાન્સ ટેક્નોલોજી આવી ગઈ છે. પ્લેન અને હેલિકોપ્ટર એડવાન્સ સિસ્ટમ અને ટેક્નોલોજીથી સજ્જ હોય છે છતાં આવી દુર્ઘટનાઓ શા માટે રોકી શકાતી નથી. વિમાનમાં ઓટો પાઈલટ મોડ હોય છે, એડવાન્સ વેધર રડાર હોય છે, ઈન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ હોય છે છતાં વાતાવરણમાં થતો આકસ્મિક ફેરફાર મોટી અસર કરી જાય છે. તે દરમિયાન માણસની નિર્ણય ક્ષમતા અને તેની મર્યાદાઓ, એર ટ્રાફિકનું દબાણ અને બીજી ઘણી બાબતો અસર કરે છે. તેના પગલે દુર્ઘટના બને છે. આવા આકસ્મિક સંજોગોમાં દુર્ઘટના રોકવી મોટીભાગે અશક્ય બની જાય છે.

 ભારતની જ વાત કરીએ તો અહીંયા કેટ-3 લેવલની ઈન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ છે. 

આ એક સચોટ રેડિયો નેવિગેશન સિસ્ટમ છે જે વિમાનોને ઓછા અંતરે પણ લેન્ડિંગ માટે ગાઈડન્સ આપે છે. તેના દ્વારા તે ગાઢ અંધરામાં, ગાઢ ધુમ્મસમાં કે પછી ખરાબ હવામાન હોય તો પણ લેન્ડિંગ કરાવી શકે છે. તેમાં ઝીરો વિઝિબિલિટીથી માંડીને ૨૦૦ મીટર સુધીની વિઝિબિલિટીને આધારે કેટેગરી નક્કી કરવામાં આવે છે. ખરાબ હવામાનને આધારે પાઈલટ્સને સિમ્યુલેટર  ટ્રેનિંગ આપવામાં આવે છે. વૈશ્વિક સ્તરે એઆઈ આધારિત વેધર પ્રિડિક્શન સિસ્ટમ શિખવવામાં આવે છે. તે ઉપરાંત એડવાન્સ સેટેલાઈટ ડેટાના આધારે રિયલ ટાઈમ ટર્બ્યુલન્સ મેપિંગ પણ થતું હોય છે. હવામાન ખરાબ થવું જ એકમાત્ર કારણ નથી હોતું પણ મોટાભાગે આ કારણ જ સૌથી મોટું હોય છે.

ટેક ઓફ અને લેન્ડિંગ સમયે સ્પીડ યોગ્ય ન હોય તો પણ દુર્ઘટના થાય છે 

સામાન્ય રીતે વિમાન ટેક ઓફ અને લેન્ડિંગ સમયે પ્લેનની સ્પીડ લિમિટ નક્કી હોય છે. ટેક ઓફ સમયે પ્લેનની ઝડપ ૨૫૦ થી ૩૦૦ કિ.મી પ્રતિ કલાક જેટલી હોય છે. બીજી તરફ લેન્ડિંગ સમયે પ્લેનની ઝડપ ૨૩૦ થી ૨૬૦ કિ.મી પ્રતિ કલાક હોય છે. બીજી તરફ વિમાનનો પ્રકાર, વજન અને હવામાનની સ્થિતિને આધારે પણ તેમાં ફેરફાર કરવામાં આવતો હોય છે. કોમર્શિયલ ફ્લાઈટમાં પ્લેનની લેન્ડિંગ સ્પીડ ૧૩૦ થી ૧૬૦ કિ.મી પ્રતિ કલાકની ઝડપ હોય છે. માત્ર ગણતરીની સેકન્ડોમાં આ ઝડપ ઝીરો સુધી પણ લઈ જવાની હોય છે. નાના પ્લેનનું વજન ઓછું હોય છે તેથી તેની લેન્ડિંગ સ્પીડ ૧૧૦ કિ.મીની આસપાસ રાખવામાં આવે છે. તેના માટે નાના રનવેની જરૂર હોય છે તેથી તે પ્રમાણે ઝડપ તે પ્રમાણે સેટ કરવામાં આવે છે. નાના વિમાન લેન્ડિંગ સમયે થોડા અલગ રહેતા હોય છે. સામાન્ય રીતે પ્લેન નોઝ ડાઉન થાય અને તરત જ ઉંચું થાય છે અને તેના લેન્ડિંગ ગીયર રનવે ઉપર અડતા હોય છે. આ દરમિયાન પાંખોનું ડ્રેગ વધી જાય છે અને વિમાન ધીમે ધીમે રનવે ઉપર ઉતરે છે. આ દરમિયાન જો સ્પીડમાં થોડો પણ વધારો થયો હોય તો પ્લેન લેન્ડ કરી શકતું નથી અને સમસ્યા સર્જાય છે.