Get The App

ટ્રમ્પનું 'સ્વેગ સે સ્વાગત'. ચીને USનો AIનો ફૂગ્ગો ફોડી નાંખ્યો

Updated: Jan 28th, 2025


Google NewsGoogle News
ટ્રમ્પનું 'સ્વેગ સે સ્વાગત'. ચીને USનો AIનો ફૂગ્ગો ફોડી નાંખ્યો 1 - image


- ટેકનોલોજીના નિષ્ણાતોના મતે, એઆઈમાં ડીપસિકની એન્ટ્રીથી અમેરિકાનો એઆઈનો ફુગ્ગો ફૂલે એ પહેલાં જ ફૂટી ગયો છે. મેટા, માઈક્રોસોફ્ટ, ગુગલ, ઓપનએઆઈ સહિતની કંપનીઓ એઆઈનાં સબસ્ક્રીપ્શનથી અબજોની કમાણીનાં સપનાં જોતી હતી. એનવીડિયા સહિતની કંપનીઓ જીપીયુ સહિતનો માલ વેચવા માગતી હતી પણ ડીપસિકે બધી ગણતરીઓ ઉંધી વાળી દીધી.  ડીપસિકનું આરવન અમેરિકાની કંપનીઓની એઆઈ એપ જેટલું જ ફાસ્ટ અને અસરકારક છે તેથી સ્વાભાવિક રીતે જ લોકો ચીનની સસ્તી એપ વાપરશે. બીજું એ કે, ચીને એઆઈ એપ બનાવી તો હવે તેના માટે જીપીયુ પણ બનાવશે જ. એ પણ અમેરિકાની કંપનીઓ કરતાં સસ્તાં હશે તેથી ભવિષ્યમાં નવાં એઆઈ પ્લેટફોર્મ ઉભાં કરવા માગતી કંપનીઓ અમેરિકાનાં નહીં પણ ચીનનાં જીપીયુ જ ખરીદશે.

ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના માલસામાન પર આતરા કરવેરા લાદીને ચીન સહિતના દેશોને પાંસરા કરી દેવાની ધમકીઓ આપવામાં પડયા છે ત્યારે ચીને ટ્રમ્પનું 'સ્વેગ સે સ્વાગત' કર્યું છે. ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા તેના પહેલા જ અઠવાડિયે ચીનની ડીપસીક (DeepSeek) કંપનીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)માં આરવન (R1) એપ્લિકેશન લોંચ કરીને અમેરિકાને હતપ્રભ કરી દીધું છે. 

એઆઈમાં ઓપનએઆઈની ચેટજીપીટી અને ગુગલની જેમિની સહિતની એઆઈ એપની અત્યારે બોલબાલા છે તેથી અમેરિકનોની મોનોપોલી છે. અમેરિકનો એવા ફાંકામાં હતા કે, અમારી  એઆઈ એપ્સને દુનિયામાં કોઈ પડકારી જ ના શકે પણ ચીનાઓએ તેમને એક ધડાકે ધરતી પર લાવીને પટક્યા છે. 

અમેરિકન કંપનીઓએ વરસો લગી મહેનત કરીને અને અબજો ડોલરનું આંધણ કરીને ચેટજીપીટી, જેમિની વગેરે એપ બનાવેલી પણ ડીપસિકે સાવ સસ્તામાં તેમની એઆઈ એપને ઝાંખી પાડી દેતી એપ બનાવીને તેમને વામણા સાબિત કરી દીધા છે.  ઓપનએઆઈમાં માઈક્રોસોફ્ટનો ૪૯ ટકા હિસ્સો છે ને કંપનીએ ૧૩ અબજ ડોલરનું રોકાણ કરેલું. ગુગલ જેમિની બનાવવા પાછળ ૧૬ અબજ ડોલર ખર્ચ કરેલા. તેની સામે ડીપસિકે તો માત્ર ૬૦ લાખ ડોલરમાં એઆઈ બનાવીને બજારમાં મૂકી દીધી છે એ સાંભળીને જ અમેરિકાના ટેક માંધાતાઓનો હોશ ઉડી ગયા છે. 

એઆઈ બનાવવામાં ગ્રાફિકલ પ્રોસેસિંગ યુનિટ્સ (જીપીયુ)નો ઉપયોગ થાય છે. ચેટજીપીટી, જેમિની સહિતની એઆઈ એપ્સમાં ૫૦ હજારથી વધારે જીપીયુનો ઉપયોગ કરાયો છે જ્યારે ડીપસિકે તો ૧૦ હજાર જીપીયુનો ઉપયોગ કરીને એપ બનાવી દીધી છે. ઓપનઆઈએ ચેટજીપીટી વિકસાવવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો ત્યારે એલન મસ્કે તેમાં મોટું રોકાણ કરેલું. ખિસિયાની બિલ્લી ખંબા નોંચે એ હિસાબે મસ્કે ડીપસિકના દાવાને બોગસ ગણાવ્યો છે.

મસ્કનું કહેવું છે કે, ડીપસિંક ગપ્પાં મારે છે, બાકી આ એપ બનાવવામાં ૫૦ હજારથી ઓછાં જીપીયુ વપરાયાં હોય એ વાતમાં માલ નથી. મસ્કની વાતમાં અમેરિકાના બીજા કહેવાતા ટેક માંધાતાઓએ પણ હાજીયો પૂરાવ્યો છે પણ દુનિયાનાં લોકોને મસ્ક કે બીજા અમેરિકનોની વાતમાં ભરોસો નથી. તેનો પુરાવો એ કે, અત્યારે ડીપસિકની એઆઈન એપ દુનિયામાં નંબર વન છે અને એપલ ફોનમાં સૌથી વધારે ડીપસિંક એપ જ ડાઉનલોડ થઈ રહી છે. 

ડીપસિકની એઆઈ એપે અમેરિકાનાં શેરબજારોમાં પણ રમખાણ મચાવી દીધું. સોમવારે આ એપ લોંચ કરાઈ પછી અમેરિકાની એનવીડિયા, ગુગલ, મેટા, માઈક્રોસોફ્ટ સહિતની કંપનીઓના શેરોમાં કડાકો બોલી ગયો. ટેક કંપનીઓના ૧ ટ્રિલિયન ડોલરનો સફાયો થઈ ગયો. તેમાં સૌથી વધારે ફટકો એનવીડિયાને પડયો છે. 

એનવીડિયાના માર્કેટ કેપમાં ૬૦૦ અબજ ડોલરનું મસમોટું ગાબડું પડી ગયું.

અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટના સાન્ટા ક્લારામાં હેડક્વાર્ટર ધરાવતી એનવીડિયા જીપીયુના નિર્માણમાં દુનિયાની સૌથી મોટી કંપની છે. એનવીડિયાની ચિપ બિઝનેસમાં જબરદસ્ત મોનોપોલી છે. ગયા લવરસે કંપનીએ ૬૦ અબજ ડોલરની આવક કરેલી ને તેમાંથી ૩૦ અબજ ડોલર નફો કરેલો.  એનવીડિયાની ચિપ્સ વિના કોઈને ચાલતું નથી એટલે તેનું નફાનું પ્રમાણ ઉંચું છે.  

એઆઈની બોલબાલા વધશે તેથી જીપીયુની ડીમાન્ડમાં જબરદસ્ત વધારો થશે ને એનવિડીયાનો નફો હજુ વધશે એ ગણતરીએ એનવીડિયાના શેર કેટલાક સમયથી સતત વધ્યા જ કરે છે પણ ડીપસિકની એપમાં બહુ ઓછા પ્રમાણમાં જીપીયુ વપરાયાં છે તેથી એનવીડિયા ભવિષ્યમાં ધારી ગતિએ પ્રગતિ નહીં કરી શકે એ ફફડાટના કારણે રોકાણકારો ખસવા માંડયા તેમાં એનવીડિયાના શેરના ભુક્કા બોલી ગયા. 

એઆઈ સાથે સંકલાયેલી બીજી કંપનીઓના પણ મોતિયાં મરી ગયાં છે. 

ટેકનોલોજીના નિષ્ણીતોના મતે, એઆઈમાં ડીપસિકની એન્ટ્રીથી અમેરિકાનો એઆઈનો ફુગ્ગો ફૂલે એ પહેલાં જ ફૂટી ગયો છે. અમેરિકાની કંપનીઓ એઆઈના નામે દુનિયાભરમાં પોતાનો માલ ખપાવવા માગતી હતી. મેટા, માઈક્રોસોફ્ટ, ગુગલ, ઓપનએઆઈ સહિતની કંપનીઓ પોતાનાં એઆઈ પ્લેટફોર્મના ઉપયોગ કરે તેના બદલામાં લોકો અબજો રૂપિયાનાં સબસ્ક્રીપ્શન આપશે ને આપણે માલામાલ થઈ જઈશું એવાં સપનાં જોતી હતી. એનવીડિયા સહિતની કંપનીઓ પણ પોતાના જીપીયુ સહિતનો માલ વેચવા માગતી હતી પણ ડીપસિકે બધી ગણતરીઓ ઉંધી વાળી દીધી.

ડીપસિકનું આરવન અમેરિકાની કંપનીઓએ બનાવેલી એઆઈ એપ જેટલું જ ફાસ્ટ અને અસરકારક છે તેથી તેના માટે લોકોએ બહુ ખર્ચ નહી કરવો પડે. આ સંજોગોમાં  સ્વાભાવિક રીતે જ લોકો ચીનની સસ્તી એપ જ વાપરશે. બીજું એ કે, ચીને એઆઈ એપ બનાવી તો હવે તેના માટે જીપીયુ પણ બનાવશે જ. એ પણ અમેરિકાની કંપનીઓ કરતાં સસ્તાં હશે તેથી ભવિષ્યમાં નવાં એઆઈ પ્લેટફોર્મ ઉભાં કરવા માગતી કંપનીઓ અમેરિકાનાં નહીં પણ ચીનનાં જીપીયુ જ ખરીદશે.  

જો કે કેટલાક અમેરિકનો આ ઘટનાને હકારાત્મક રીતે પણ લઈ રહ્યા છે. અમેરિકામાં ટેક બિઝનેસમાં માર્ક લોવેલ એન્ડ્રીસેન મોટું નામ છે. ઉદ્યોગપતિ અને ભૂતપૂર્વ સોફ્ટવેર એન્જિનિયર માર્ક દુનિયાના સૌથી લોકપ્રિય ગ્રાફિકલ યુઝર ઈન્ટરફેસ મોઝેકનો કો-રાઈટર છે.  મોઝેક ગ્રાફિકલ યુઝર ઈન્ટરફેસ માટે મોટા પ્રમાણમાં વપરાતું વેબ બ્રાઉઝર છે. માર્કે નેટસ્કે અને એન્ડ્રીસેન હોરોવિટ્ઝ કંપનીઓ સ્થાપી છે. 

માર્કના મતે, અમેરિકા માટે ડીપસિકની એપ સ્પુતનિક મોમેન્ટ છે.  સોવિયેત યુનિયને ૧૯૫૭માં સ્પુતનિક સેટેલાઈટ તરતો મૂકીને અમેરિકાને હતપ્રભ કરી નાંખેલું. સ્પુતનિક પહેલાં સુધી અમેરિકા દુનિયામાં ટેકનોલોજીમાં સુપીરિયર મનાતું હતું પણ સ્પેસમાં પહેલો સેટેલાઈટ મોકલીને રશિયાએ અમેરિકાની સર્વોપરિતાને પડકારી હતી. અમેરિકાને લાગી આવેલું ને અહેસાસ થયો કે, દુનિયાના દાદા તરીકેની આબરૂ સાચવવા ખર્ચ કરવો પડશે. અમેરિકાએ એ પછી સાયન્સ અને ટેકનોલોજીમાં રીસર્ચ પાછળ ધૂમ ખર્ચ કર્યો અને અત્યારે સાયન્સ-ટેકનોલોજીના બજાર પર અમેરિકાનું વર્ચસ્વ છે. 

ચીને અમેરિકાના વર્ચસ્વ સામે પડકાર ફેંક્યો છે એટલે અમેરિકાએ પણ કંઈક તો કરવું જ પડશે તેથી અમેરિકા વર્સીસ ચીનની જોરદાર હરીફાઈ શરૂ થશે. તેમાં કોણ જીતશે એ ખબર નથી પણ અમેરિકા ચીન જેટલો સસ્તો માલ આપી શકશે કે કેમ તેમાં સૌને શંકા છે. 

- 40 વર્ષના લિયાંગે અમેરિકાના ટેક માંધાતાઓને ફીણ પડાવી દીધું

ડીપસીક એક સ્ટાર્ટઅપ જ છે કે જેની સ્થાપના ૨૦૨૩માં જ થઈ છે. ચીનના ઝેજીઆંગમાં આવેલા હેંગઝોઉમા તેનું હેડક્વાર્ટર છે.  

લિયાંગ વેનફેંગે કંપનીની સ્થાપના કરી હતી અને અત્યારે તેના સીઈઓ તરીકે કામ કરે છે. ડીપસીકની માલિકી ચાઇનીઝ હેજ ફંડ હાઇ-ફ્લાયરની છે. હાઈ-ફ્યાયર દ્વારા ડીપસીકને પ્રમોટ કરાઈ છે અને ફાઈ-ફ્લાયર જ કંપનીને સંપૂર્ણ આર્થિક સહાય આપે છે. 

હાઈ-ફ્લાયર પણ બહુ જૂની કંપની નથી કે મોટી કંપની પણ નથી. હાઈ-ફ્લાયર ૨૦૧૫માં એટલે કે ૧૦ વર્ષ પહેલાં સ્થપાયેલું હેજ ફંડ છે. ડીપસીકના સીઈઓ લિયાંગ વેનફેંગે જ આ હેજ ફંડ શરૂ કરેલું. હાઈ-ફ્લાયર લગભગ ૭ અબજ ડોલરની એસેટ્સનનું મેનેજમેન્ટ કરે છે. ઓપનએઆઈ સાથે વિશ્વની સૌથી ધનિક એલન મસ્ક જોડાયેલા છે જ્યારે જેમિની ગુગલનું છે. આ બધી કંપનીઓ પાસે અબજો ડોલર છે. તેની સરખામણીમાં હાઈ-ફ્લાયર તો એકદમ ગરીબ લાગે. 

લિઆંગ વેનફેંગ ૪૦ વર્ષનો છે  અને સાવ નાના શહેર ગુઆંગડોન્ગમાં મોટો થયો છે.  પ્રાઇમરી સ્કૂલમાં ટીચરનો દીકરો લિયાંગ ચીનની સૌથી જૂની ઝેજિયાંગ યુનિવસટીમાં ભણ્યો છે, અમેરિકા કે બીજા કોઈ દેશની યુનિવર્સિટીમાં કદી ભણવા ગયો નથી. ૨૦૧૫માં લિઆંગ વેન્ગફેન્ગે તેના બે મિત્રો સાથે મળીને ક્વોન્ટિટેટિવ હેજ ફંડ હાઇ-ફ્લાયર શરૂ કરેલું. એ વખતે કોઈએ  આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે સાંભળ્યું જ નહોતું પણ ૨૦૨૨માં એઆઈની ચર્ચા શરૂ થઈ પછી લિયાંગે એઆઈ તરફ વળવાનું નક્કી કર્યું. ૨૦૨૩માં નવી કંપની બનાવી અને ૨૦૨૫માં તો અમેરીકાના ટેક માંધાતાઓને હચમચાવી દીધા.

- ભારતમાં દોઢ લાખ સ્ટાર્ટ અપ્સ છતાં ડીપસિક જેવી કમાલ કોઈ નથી કરી શકયું

ડીપસિકનું એઆઈ મોડલ ચીન સામે ભારત કંઈ જ નથી તેનો અહેસાસ કરાવે છે. ભારતમાં અત્યારે સ્ટાર્ટ-અપ્સની બહુ હોહા ચાલે છે. ભારતીય યુવાનો નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સ્ટાર્ટ અપ્સ શરૂ કરીને હવે નોકરી કરતા નથી પણ નોકરીઓ આપે છે એવી ફિશિયારીઓ મરાય છે. ભારતમાં દોઢ લાખ સ્ટાર્ટ અપ્સ શરૂ થયાં છે અને હવે ભારત દુનિયામાં સ્ટાર્ટ અપ્સનું હબ ગણાય છે એવી ફિશીયારીઓ પણ બહુ સાંભળીએ છીએ. 

ભારતમાં સ્ટાર્ટ અપ્સની સંખ્યા વધારે હશે પણ તેમાંથી એક પણ સ્ટાર્ટ એપ ડીપસિક જેવી કમાલ નથી કરી બતાવી શક્યું એ વાસ્તવિકતા છે. ચીને અમેરિકાની ટેકનોલોજીમાં ખાં ગણાતી કંપનીઓને પગ તળેથી ધરતી ખસી જાય એવી પ્રોડક્ટ બનાવી દીધી ત્યારે ભારતીય સ્ટાર્ટ અપ્સ આવી પ્રોડક્ટ કેમ નથી બનાવી શકતા એ વિચારવા જેવું છે. 

ભારતમાં કોઈ પણ શબ્દ પકડાઈ જાય એટલે હઈસો હઈસો ચાલે છે. પહેલાં મેઈક ઈન ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયા, આત્મનિર્ભર ભારત વગેરે શબ્દો પકડાઈ ગયેલા એટલે તેનું હઈસો હઈસો ચાલ્યું પણ વાસ્તવિક રીતે નક્કર કશું થતું નથી. ભારતમાંથી ટેલેન્ટેડ લોકો વિદેશ ભાગી જાય છે જ્યારે  મોટા ભાગના સ્ટાર્ટ અપ શરૂ કરનારા એવા છે કે જેમને ઈનોવેશન કરવાના બદલે સરકારની સબસિડી લેવામાં વધારે રસ છે. આ માનસિકતા બદલાય તો ભારતનાં સ્ટાર્ટ અપ્સ પણ ડીપસિકની જેમ દુનિયાને હલબલાવી શકે.


News-Focus

Google NewsGoogle News