Get The App

ડિજિટલ લાઈફસ્ટાઈલમાં વૃદ્ધો સ્મૃતિ ભ્રંશનો શિકાર થઈ રહ્યા છે

Updated: Dec 28th, 2025

GS TEAM

Google News
Google News
ડિજિટલ લાઈફસ્ટાઈલમાં વૃદ્ધો સ્મૃતિ ભ્રંશનો શિકાર થઈ રહ્યા છે 1 - image

- દુનિયામાં 3.5 કરોડને માનસિક અસર જાપાનમાં 18,000 વૃદ્ધો ઘરનો રસ્તો ભુલી ગયા અને 500નાં મોત થયા, ભારતમાં પણ સ્થિતિ ચિંતાજનક

- એક ક્લિકમાં માહિતી મેળવવાની ઘેલછાએ મગજને વ્યાપક આડઅસર કરી છે, મગજ તાર્કિક શક્તિ અને યાદશક્તિ ગુમાવી રહ્યું 

છે : દર વર્ષે કરોડો લોકો યાદશક્તિ ગુમાવી દેવાની, ઘરનું એડ્રેસ કે અન્ય સ્થળનું એડ્રેસ ભુલી જાય છે, રસ્તામાં અકસ્માતમાં મૃત્યુ પામે તેવા કિસ્સા બની રહ્યા છે. હાલમાં આ સમસ્યા સૌથી વધારે જાપાનમાં વકરી રહી છે. ત્યારબાદ ભારતમાં પણ સમસ્યા મોટી થઈ રહી હોવાના અહેવાલ છે : બાળકોથી માંડીને વૃદ્ધો સુધી ઘણા અંશે સ્મૃતિભ્રંશના કિસ્સા બની રહ્યા છે જે અત્યંત ચિંતાજનક છે. જાણકારો માને છે કે, હાલમાં સ્મૃતિભ્રંશની સ્થિતિ છે અને જો તેને કાબુ કરવામાં નહીં આવે અથવા તો તેનો તાકીદે ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી સમયમાં આ બિમારી મનોભ્રંશમાં પરિવર્તિત થઈ શકે છે : વિશ્વ આરોગ્ય સંસ્થાનો અહેવાલ જણાવે છે કે, દુનિયાભરમાં સ્મૃતિભ્રંશથી પીડાતા લોકોનો આંકડો ૨૦૫૦ સુધીમાં આંકડો ત્રણ ગણો વધીને ૧૨ કરોડ સુધી પહોંચી જવાની શક્યતાઓ છે

દુનિયામાં ડિજિટલ ક્રાંતિ થઈ ત્યારથી લોકો સતત નવી નવી ટેક્નોલોજી અને સાધનોનો ઉપયોગ કરવા લાગ્યા છે. નાના બાળકોથી શરૂ કરીને વડીલો અને વૃદ્ધો સુધી ઘણા લોકોને સ્માર્ટફોન, સ્માર્ટ ગેજેટ્સ અને નવી ટેક્નોલોજીના સાધાનોના ઉપયોગની આદત પડી ગઈ છે. આ ડિજિટલ સાધનોનો આપણે એટલો બધો ઉપયોગ કરવા લાગ્યા છીએ કે જે કામ મગજ દ્વારા કરવાના હતા તે પણ હવે આપણે સ્માર્ટફોન અને ગેજેટ્સ થકી કરવા લાગ્યા છીએ. આ કામગીરીનું એક વિષમ પરિણામ આવ્યું છે. તાજેતરમાં એક અહેવાલ આવ્યો છે કે, ડિજિટલ સાધનોના અતિશય ઉપયોગની આડઅસર વૃદ્ધોના મગજ ઉપર પડી રહી છે. વૃદ્ધોમાં ડિજિટલ સાધનોના અતિશય ઉપયોગના કારણે સ્મૃતિભ્રંંશની ઘટનાઓ વધી રહી છે. 

સંશોધકો જણાવે છે કે, દર વર્ષે કરોડો લોકોના યાદશક્તિ ગુમાવી દેવાની, ઘરનું એડ્રેસ કે અન્ય કામગીરી માટે નિકળ્યા હોય અને બીજે ક્યાંક પહોંચી જાય, અકસ્માતનો ભોગ બને, રસ્તામાં અકસ્માતમાં મૃત્યુ પામે તેવા કિસ્સા બની રહ્યા છે. હાલમાં આ સમસ્યા સૌથી વધારે જાપાનમાં વકરી રહી છે. ત્યારબાદ આ દિશામાં ભારતનો પણ વારો આવે તેવું સંશોધકો જણાવી રહ્યા છે. થોડા સમય પહેલાં સંશોધકોએ જણાવ્યું હતું કે, જાપાનમાં ૧૮,૦૦૦ વૃદ્ધો સ્મૃતિ ભ્રંશનો શિકાર થવાથી પોતાના ઘરનું સરનામું જ ભુલી ગયા હતા. તેઓ બહાર નિકળ્યા બાદ ગમે ત્યાં પહોંચી ગયા હતા. યાદશક્તિ ગુમાવી દેવી, માણસોને કે બાબતોને અથવા તો વસ્તુઓ અથવા ઘટનાઓને ભુલી જવાની સમસ્યા પણ વકરી રહી છે. વૃદ્ધો યાદશક્તિ ગુમાવી રહ્યાની ઘટનાઓ એવી વકરી છે કે તેમાં ૫૦૦થી વધુ વૃદ્ધો તો અકસ્માતનો ભોગ બનીને મૃત્યુ પામ્યાના પણ કિસ્સા નોંધાયા છે. તેમના મૃતદેહો લાવારિસ મળી આવ્યા હોય અથવા તો ક્યાંક ખુણામાં પડી રહ્યા હોય અને બાદમાં નોંધ લેવાય તેવી સ્થિતિ બની રહી છે. 

જાણકારો માને છે કે, વૃદ્ધોમાં આ સમસ્યા વકરી રહી છે તે ખરેખર ગંભીર બાબત છે પણ સાથે સાથે સમાજના અન્ય આયુવર્ગના લોકોને પણ તેની અસર થઈ રહી છે. તેઓ જણાવે છે કે, ડિજિટલ સાધનો ઉપરની સદંતર નિર્ભરતને કારણે દુનિયાભરમાં દરેક આયુવર્ગના લોકોની યાદશક્તિને મોટી અસર પહોંચી છે. બાળકોથી માંડીને વૃદ્ધો સુધી ઘણા અંશે સ્મૃતિભ્રંશના કિસ્સા બની રહ્યા છે જે અત્યંત ચિંતાજનક છે. જાણકારો માને છે કે, હાલમાં સ્મૃતિભ્રંશની સ્થિતિ છે અને જો તેને કાબુ કરવામાં નહીં આવે અથવા તો તેનો તાકીદે ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી સમયમાં આ બિમારી મનોભ્રંશમાં પરિવર્તિત થઈ શકે છે. વૃદ્ધોમાં કદાચ એક સમયે આ સ્થિતિ વકરે તો પણ તેમને કાબુ કરીને ઘરમાં રાખી શકાય છે પણ તેનાથી નીચેના આયુવર્ગમાં આ બિમારી ફેલાય તો તેના કારણે દુનિયામાં મોટી સમસ્યા સર્જાય તેમ છે. 

મહત્ત્વની વાત એ છે કે, એક વખત સ્મૃતિભ્રંશ થાય તો વ્યક્તિની સામાન્ય સારવાર કે દેખરેખ કરી શકાય છે પણ મનોભ્રંશ ખૂબ જ મુશ્કેલ બની જાય છે. તેમાં વ્યક્તિની યાદશક્તિ તો નબળી થઈ જ જાય છે પણ સાથે સાથે ભાષાકીય ક્ષમતા, તાર્કિક ક્ષમતા અને નિર્ણય લેવા જેવી બાબતોમાં પણ નોંધપાત્ર ઘટાડો થવા લાગે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનો એક અહેવાલ જણાવે છે કે જે રીતે લોકો ડિજિટલ સાધનોના ભરડામાં ફસાઈ રહ્યા છે તેની મોટાપાયે આડઅસર થવાની છે. દુનિયામાં કરોડો લોકો માનસિક રોગથી પીડિત બનવાની શક્યતાઓ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનો અહેવાલ જણાવે છે કે, હાલમાં દુનિયાભરમાં ૩.૫૦ કરોડ લોકો સ્મૃતિભ્રંશથી પીડાઈ રહ્યા છે. ૨૦૫૦ સુધીમાં આ આંકડો ત્રણ ગણો વધીને ૧૨ કરોડ સુધી પહોંચી જવાની શક્યતાઓ છે.

વિશ્લેષકો માને છે કે, ડિજિટલ દુનિયામાં લાંબા સમય સુધી જીવનારા લોકોની મનો-મસ્તિષ્કની કાર્યપદ્ધતિ બદલાઈ જાય છે. તેના કારણે તેનામાં ગુસ્સો, ચિડીયાપણું, ઉંઘ ઓછી આવવી, યાદશક્તિ ગુમાવતા જવું જેવી સમસ્યાઓ ઝડપથી વકરતી જાય છે. બીજી તરફ દુનિયામાં સતત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ઈન્ટરનેટ માધ્યમો, વેબસાઈટ્સ અને બીજી સુવિધાઓ વધી રહી છે. તેમાંય આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માધ્યમોએ તો માઝા મુકી છે. તેના કારણે લોકો વધારે પડતા જ ડિજિટલ સાધનોને આધારિત થઈ રહ્યા છે. નાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધી કરોડો લોકો દરરોજ કલાકોનો સમય આ માધ્યમો પાછળ આપે છે. આ સાધનો પાછળ કલાકો ખર્ચ કરવાના કારણે આંખો, મગજ, ચેતનાઓ અને કામગીરી ઉપર અત્યંત ખરાબ અસર પડી રહી છે. તેની સૌથી મોટી આડઅસર સ્મરણ શક્તિ ઉપર થઈ છે. 

દેખિતી રીતે, ટેક્નોલોજીથી ઘેરાયેલા માણસો ધીમે ધીમે શારીરિક જ નહીં પણ માનસિક રીતે પણ નિષ્ક્રિય થઈ રહ્યા છે. વિચાવાની, સમજવાની, સમજાવવાની અને તાર્કિક રીતે કામ કરવાની મગજની કાર્યપદ્ધતિ શિથિલ થઈ રહી છે. આ વર્ચ્યુઅલ વિશ્વમાં સતત કંઈ નવું ને નવું આવતું રહે છે તેના કારણે માણસો તેના તરફ વધારે દોરાય છે. આ બધાની આદતને પગલે એકલતા, અવસાદ, ચિંતા, માનસિક થાક, સુષ્તિ અને બીજી ઘણી સમસ્યાઓ આવી રહી છે. માણસોની તાર્કિક અને ભાવનાત્મક વિચારવાની પદ્ધતિ બદલાઈ છે અને તેના કારણે તેઓ નિર્ણય ક્ષમતા ગુમાવી રહ્યા છે. 

મહત્ત્વની વાત સામે આવી છે કે, માણસોના હાથમાં જ્યારથી સ્માર્ટફોન આવી ગયા ત્યારથી તેઓ ફોન નંબર, એડ્રેસ, તારીખો, સમય, મહત્ત્વની કામગીરી અને બીજી ઘણી બાબતો યાદ કરવાનું જ ભુલી ગયા છે. એક ક્લિકમાં તમામ સામગ્રી મળી જતી હોવાથી માણસો ધીમે ધીમે તેના વ્યસની થઈ ગયા છે. તેના પગલે માણસનું મગજ સુસ્ત થવા લાગ્યું છે. દરેક સુચના અને વિચારને કાર્યાન્વિત કરીને તેને યાદશક્તિ સાથે જોડવાનું કામ જ લગભગ બંધ થઈ ગયું છે. સામાજિકતાનું અંતર ઘટી ગયું છે. શારીરિક, માનસિક અને સામાજિક કામગીરીઓ ઘટી જતા લોકોની સ્મૃતિ ઘટવા લાગી છે અને માનસિક જોખમો વધવા લાગ્યા છે.

ધીમે ધીમે સ્થિતિ એવી થવા લાગી છે કે, માણસો પાસે યાદ રાખવા માટે સ્મૃતિઓ વધી જ નથી અથવા વધતી જ નથી. મોટાભાગે રોજિંદા જીવનમાં કંઈ ખાસ બનતું નથી અને બને છે તો તેને સેલ્ફિઓમાં કેદ કરવાની પરંપરા થઈ ગઈ છે. તેનું પરિણામ એ આવ્યું છે કે, જે પહેલાં બધું જ મગજમાં સ્ટોર થતું હતું તે ફોનમાં થવા લાગ્યું છે. મગજની મેમરી ખાલી થવા લાગી છે અને ફોનની મેમરી ફુલ થવા લાગી છે. રોજિંદા કામ માટે મગજને ઘણું બધું કસવું પડે છે પણ મોટાભાગે આપણે કમ્પ્યૂટર અને મોબાઈલને આધિન થઈ ગયા છીએ તેથી મગજ ચલાવતા નથી અને સ્મૃતિ શક્તિનો પણ ઉપયોગ કરતા નથી. તેના કારણે મગજ સરખું કામ કરતું નથી. લોકોના સંવાદ ઘટી ગયા છે. વાદ અને પ્રતિવાદમાં પણ ઘટાડો થઈ ગયો છે. 

તેના કારણે હવે રોજિંદા કામ પૂરા કરવામાં પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેના કારણે જ સામાન્ય જીવન સાથે જોડાયેલી સાહજિક કામગીરીઓ, સામાન અને કામની યાદી અને બીજી ઘણી બાબતો ભુલી જવાનું મોટું જોખમ ઊભું થયું છે.

- ઘરમાં મુકેલી વસ્તુઓ પણ ભુલી જવાની ઘટનાઓ વધી રહી છે 

દેશમાં એક તરફ વૃદ્ધોની વસતીમાં સતત વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ લોકોની યાદશક્તિને પણ વિપરિત અસર પડી રહી છે. આ અંગે તાજેતરમાં એક ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી આપતી એપ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં બહાર આવ્યું હતું કે, મુંબઈના લોકોની યાદશક્તિ સૌથી વધારે નબળી છે. તેઓ ઘણી વસ્તુઓ ભુલી રહ્યા છે. આ સર્વેમાં જણાવાયું હતું કે, નબળી પડી રહેલી યાદશક્તિ દુર્ઘટનાઓને આમંત્રિત કરવાનું માધ્યમ બની રહી છે. બાળકો હોય કે મોટા વ્યક્તિઓ કે પછી વૃદ્ધો તેઓ ધીમે ધીમે ઘણી બાબતો વિસરી જવા લાગ્યા છે. ઘણી વખત તેમને પોતાની સાથે ભૂતકાળમાં કામ કરતા કે ભણતા વ્યક્તિનું નામ પણ યાદ આવતું નથી. તેઓ રસ્તો, ફોન નંબર, એડ્રેસ પણ ભુલવા લાગ્યા છે. ઘરની અંદર જ વસ્તુઓ મુકીને ભુલી જવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તે ઉપરાંત ઘરમાં કોઈ કહેલી કોઈ વાત કે આપેલી સુચનાઓ પણ ભુલી જવાય છે. ધીમે ધીમે જીવનના દરેક પડાવ ઉપર આ સમસ્યા વધી રહી છે. હવે આ સમસ્યા માત્ર વૃદ્ધો સુધી સિમિત રહી હોય તેવું નથી. હા એક વાત ચોક્કસ છે કે, તેનાથી વૃદ્ધોને સૌથી વધારે મુશ્કેલી પડી રહી છે. આપણા દેશમાં નાની ઉંમરના લોકો પણ યાદશક્તિ ઘટવાની બિમારીના ભોગ બની રહ્યા છે. તેમાંય ન્યૂક્લિયર પરિવારોમાં આવી સ્થિતિ વધારે જોખમી બની રહી છે. ટેક્નોલોજી દ્વારા કદાચ સમય બચાવી શકાય, કામ વધારે યોગ્ય રીતે કરી શકાય પણ તેની આડઅસર મગજ ઉપર પડવા લાગે તે અયોગ્ય છે. તેના દ્વારા સ્મૃતિઓ ધુંધળી થતી જાય, મગજ વિચાર કરવાની ક્ષમતા ગુમાવવા લાગે અને તાર્કિક શક્તિ ગુમાવવા લાગે તે વધારે જોખમી છે. જાપાનમાં તો સ્મૃતિભ્રંશ વિશે ઝડપી પગલા લેવા અને યોગ્ય સારવાર કરવા માટે જાપાની સરકારી કામગીરી હાથ ધરી લીધી છે. આ સમસ્યા માત્ર જાપાન કે ભારતને લાગુ પડતી નથી. દુનિયાભરના દેશોમાં આ સ્થિતિ છે. ભારતમાં સામાજિક અને પારિવારિક મેળાવડા અને અન્ય કામગીરીઓ વધે તો ફરીથી વ્યક્તિની સ્મરણશક્તિને વેગ મળી શકે છે અને સુધારો આવી શકે છે. સતત નવું શિખવાની ઈચ્છા, વાંચન, નવી નવી બાબતોની ચર્ચા અને સ્વસ્થ જીવનશૈલી હશે તો જ મગજ વધારે કાર્યરત રહેશે નહીંતર ડેમેંશિયા જેવા ગંભીર રોગના દર્દીઓ વધશે તેમાં કોઈ નવાઈ નથી.