સશક્ત ગન લોબી સામે યુએસમાં પ્રમુખો પણ ઘુંટણીયે પડયા છે
- જગત જમાદારી કરતા અમેરિકામાં આ વર્ષે જ શાળાઓમાં ગોળીબાર કરવાની 130 ઘટના બની પણ પ્રજા શાંત છે
- અમેરિકામાં હથિયારો બનાવતી મોટી મોટી કંપનીઓનું લોબિઈંગ એટલું મજબૂત અને મોટું છે કે, રાજ્ય સરકારો અને ફેડરલ ગવર્મેન્ટ સુધી બધી જ ગોઠવણ થઈ જાય છે અને તેના કારણે કોઈ પ્રતિબંધ આવતો નથી, એક દાયકામાં 155 મિલિયન ડોલર ગન લોબીએ ખર્ચ્યા, પાંચ વર્ષમાં 2.6 લાખ કરોડના ઓર્ડર લીધા : અમેરિકામાં દર વર્ષે 2 કરોડ જેટલી બંધૂકો અને નાની ગન્સ કે મોટા હથિયારો વેચાય છે. અહીંયા દર 100 લોકોએ 120 હથિયારો છે. સરળ રીતે હથિયારો મળવા, સામાજિક મુશ્કેલીઓ, બુલિંગ, માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ, ઘરેલું હિંસાનો તણાવ, પારિવારિક તણાવ, વ્યક્તિગત તણાવ વગેર કારણોને પગલે આવી ઘટનાઓ વારંવાર બનતી જોવા મળે છે : અહીંયા તેમાંય સુપ્રીમ કોર્ટ દ્વારા હથિયારો મુદ્દે અપાયેલા એક ચુકાદા બાદ તો લોકોને જાહેર સ્થળોએ પણ હથિયારો લઈ જવાનો અને ગન રાખવાનો અધિકાર મળી ગયો છે : યુદ્ધમાં એક જવાનના મોટ માટે શોકાતૂર થનારા અમેરિકનો ઘર આંગણે થતી હત્યાઓ અંગે બેફિકર
મિનિયાપોલિસની એક સ્કૂલમાં માનસિક રીતે સમસ્યાઓનો સામનો કરનારા એક વ્યક્તિએ ગોળીબાર કરી દીધો. આ ગોળીબારમાં હુમલાખોર સહિત ૨ લોકોનાં મોત થયા અને ૧૭થી વધારે લોકોને ઈજા થઈ હતી. હુમલો કર્યા બાદ આ વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી હતી. થોડા સમય પહેલાં આવેલા એક અહેવાલમાં જણાવાયું હતું કે, અમેરિકામાં આ વર્ષે જ સ્કુલોમાં ગોળીબાર થવાની ૧૩૦ જેટલી ઘટનાઓ તો થઈ ગઈ છે. દર વર્ષે ૨૦૦થી વધારે ઘટનાઓ બનતી જ રહે છે. આવી ઘટનાઓનાં નિર્દોષ બાળકોનાં મોત થાય છે, શિક્ષકોના મોત થાય છે કે પછી સામાન્ય લોકોનાં મોત થાય છે. હજારો લોકોને ઈજા પહોંચે છે.
આ બધું જ થાય છે પણ અમેરિકામાં આ ઘટનાઓ રોકવા માટે કશું જ થતું નથી. અત્યાર સુધી અમેરિકાએ આ દિશામાં કોઈ કામ કર્યું નથી. જગતજમાદારી કરવા નીકળતા અમેરિકાના ઘરમાં જ ભડકા થઈ રહ્યા છે તે તરફ તેનું જરાય ધ્યાન નથી. અન્ય એક અહેવાલે જણાવ્યું કે, જે ઘટનાઓમાં વિદ્યાર્થીઓનાં મોત થયા તેવી આ વર્ષે ૮ ઘટનઓ બની છે અને તેમાં ૪ વિદ્યાર્થીઓનાં મોત થયા છે અને ૨૯ને ઈજા પહોંચી હતી.
બાકીની ઘટનાઓનો તે ડેટા રાખતા નથી. બીજી એજન્સી તમામ હુમલાનો ડેટા રજૂ કરે છે. તેના મતે ૧૩૦થી વધુ ઘટનાઓ આ વર્ષે બની ગઈ છે. અમેરિકાની ગન કલ્ચરની વાત કરીએ તો અહીંયા દર વર્ષે ૨ કરોડ જેટલી બંધૂકો અને નાની ગન્સ કે મોટા હથિયારો વેચાય છે. છેલ્લાં પાંચ વર્ષથી તો ૨ કરોડની આસપાસ જ આંકડો જઈ રહ્યો છે. તેના કારણે સ્થિતિ ખૂબ જ તણાવભરેલી રહે છે.
અમેરિકામાં ગન કલ્ચર વધવા પાછળ અને લોકો બેફામ થવા પાછળ જવાબદાર ગન લોબી છે. ખાનગી કંપનીઓનું આ નેક્સસ એટલું મજબૂત અને પૈસેટકે એટલું બધું ખમતીધર છે કે, અમેરિકી પ્રમુખ પણ તેમની સામે કંઈ બોલી શકતા નથી. અમેરિકન કોંગ્રેસ અને રાજ્યોના પ્રતિનિધિઓ પણ આ ગન લોબી આગળ બોલતા નથી. અહીંયા રાજકીય ગોઠવણો એટલા મોટા પાયે થઈ રહી છે કે, લોકોને તેની કલ્પના પણ આવે તેમ નથી. ચૂંટણી પ્રચાર દરમિયાન જે નેતાઓ, પ્રમુખપદના દાવેદારો ગન કલ્ચર રોકવા અને ડામવા વાતો કરતા હોય છે તે જ આ ગન લોબીની કતારોમાં ગોઠવાઈ જાય છે. કેટલાક પ્રમુખો તેમાં ફસાયા નથી પણ તેમની આસપાસના માણસો વેચાઈ ગયા છે અને અમેરિકામાં ક્યારેય હથિયારો રાખવા વિરોધી પોલિસી બનવા જ નથી દીધી. અહીંયા નેતાઓ અને અધિકારીઓને પૈસાથી એવા ભરપેટ કરી દેવાય છે કે, તેઓ જાતે જ સરકારનો વિરોધ કરવા લાગી જાય છે.
ઉલ્લેખનીય છે કે, ગન લોબીની અસર જાણવી હોય તો બાઈડેનના રાજમાં જ જે ડીલ થઈ તેના આંકડા ચોંકાવનારા છે. અમેરિકન સરકારે હથિયારો માટે કુલ ૪.૪ લાખ કરોડ ડોલરના ઓર્ડર આપ્યા હતા તેમાંથી ૫૪ ટકા ઓર્ડર ખાનગી કંપનીઓને આપવામાં આવ્યા છે. તેનો અર્થ એ છે કે, ૨.૬ અબજ ડોલરથી વધારેના ઓર્ડર તેમને મળ્યા છે. થોડા સમય પહેલાં એક અહેવાલ બહાર આવ્યો હતો કે, ૨૦૧૦થી ૨૦૨૦ દરમિયાન જ આ ગન લોબીઈંગ કરનારા લોકો દ્વારા અમેરિકન સાંસદો અને નેતાઓ પાછળ ૧૫૫ મિલિયન ડોલર ખર્ચ કરવામાં આવ્યા હતા. આ લોકોનું વર્ચસ્વ એટલું બધું છે કે, તેઓ કાયદા બનાવનારા, કાયદા લાગુ કરનારા, કાયદાનો અમલ કરનારા અને તમામ સ્તરના લોકોને પ્રભાવિત કરે છે. અમેરિકન ચૂંટણી, અમેરિકન ઈકોનોમી, અમેરિકન સોસાયટીને પોતાની મુઠ્ઠીમાં રાખીને આ લોકો પોતાના મનસુબા પાર પાડે છે. તેના જ કારણે અમેરિકન સમાજમાંથી ગન કલ્ચર દૂર થઈ શકે તેમ જ નથી. અહીંયા લોકો ગનને પાવરનું અને સત્તાનું પ્રતિક સમજવા લાગ્યા છે. તેના કારણે હિંસા વધી ગઈ છે.
જાણકારોના મતે અમેરિકામાં આવી ઘટનાઓ સૌથી વધારે થાય છે. અન્ય દેશોની સરખામણીએ અમેરિકામાં જ સ્કુલો ઉપર હુમલાની ઘટનાઓ અતિશય બને છે. અહીંયા મોટાભાગે માનસિક રીતે બિમાર, તણાવમાં રહેતા લોકોના ટાર્ગેટ ઉપર સ્કુલો જ આવતી હોય છે. બીજી ગંભીર બાબત એ છે કે, અમેરિકામાં દરેક વ્યક્તિ પાસે રિવોલ્વોર અથવા પિસ્તોલ જેવા સામાન્ય હથિયારો તો છે જ. આ ઉપરાંત ઘણા લોકો પાસે મોટી રાઈફલ્સ અને અન્ય બંધૂકો પણ છે. અહીંયા દર ૧૦૦ લોકોએ ૧૨૦ હથિયારો છે. આ સરેરાશ દુનિયામાં સૌથી વધારે અને ભયજનક છે. અમેરિકામાં સ્કુલના બાળકો ઉપર થતા ગોળીબારની ઘટનાઓમાં સરળ રીતે હથિયારો મળવા, સામાજિક મુશ્કેલીઓ, બુલિંગ, માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ, ઘરેલું હિંસાનો તણાવ, પારિવારિક તણાવ, વ્યક્તિગત તણાવ વેગેર કારણોને પગલે આવી ઘટનાઓ વારંવાર બનતી જોવા મળે છે.
અમેરિકાની સ્થિતિ એવી છે કે, અહીંયા બંધારણ થકી જ દરેક વ્યક્તિને હથિયાર રાખવાનો અધિકાર આપવામાં આવેલો છે. તેમાંય સુપ્રીમ કોર્ટ દ્વારા હથિયારો મુદ્દે અપાયેલા એક ચુકાદા બાદ તો લોકોને જાહેર સ્થળોએ પણ હથિયારો લઈ જવાનો અને ગન રાખવાનો અધિકાર મળી ગયો છે. સંઘ સરકાર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા આ કાયદા ઉપર અંકુશ લગાવવાનો અને ગન કલ્ચરને રોકવાનો પ્રયાસ કરાયો પણ તેને અદાલતો દ્વારા ગેરબંધારણીય જાહેર કરી દેવાય છે. બીજી ચિંતાજનક બાબત એ છે કે, કેટલાક રાજ્યોમાં ગન રાખવાના કાયદા કડક છે અને ત્યાં સ્થિતિ થોડી કાબુમાં છે. જે રાજ્યોમાં ગન અને હથિયારોના કાયદા ઢીલા છે ત્યાં સ્કૂલોમાં અને જાહેર સ્થળોએ ગોળીબારની અને માસ કિલિંગની ઘટનાઓ વધારે થાય છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં હથિયારો માટે વયમર્યાદા, બેકગ્રાઉન્ડ વગેરે તપાસીને ચોક્કસ પ્રકારના જ હથિયારો અને બંધૂકોના લાઈસન્સ આપવામાં આવે છે. જાણકારોના મતે મોટાભાગના રાજ્યોમાં જ્યારે લોકોને હથિયારો વેચવાની વાત આવે છે ત્યારે આ નિયમોની તરફ આંખ આડા કાન કરવામાં આવે છે. બીજી તરફ ઘણા રાજ્યોમાં એવા પણ કાયદા છે કે જેની મદદથી ત્યાં રહેનારી કોઈપણ વ્યક્તિ કોઈપણ ગન ખરીદી શકે છે. તેના પગલે કાયદાકિય અસમાનતા પણ ઊભી થઈ છે. સંશોધકો માને છે કે, સ્કૂલોમાં બુલિંગ, હેરાન પરેશાન કરવા, મજાક ઉડાવવી, સામાજિક રીતે ટિકાઓ કરવી કે રેસિઝમ જેવી ઘણી ઘટનાઓ રોજિંદા ધોરણે બનતી હોય છે. તેની માનસિક અસર ખૂબ જ ખરાબ થતી હોય છે. ઘણી વખત પીડિત વ્યક્તિ સ્કુલમાં આ બધાનો ભોગ બની હોય પણ ઉંમર વધવા છતાં તેની પીડા ભુલી શકતા નથી. તેના પગલે તેઓ આવેશમાં આવીને ગમે ત્યારે અને ગમે તે સ્કુલમાં જઈને ફાયરિંગ કરી દેતા હોય છે. કેટલાક કિસ્સામાં ઘરેલુ હિંસા, માનસિક દબાણ પણ મોટી ભૂમિકા ભજવતા જોવા મળ્યા છે. મોટાભાગના કિસ્સામાં માનસિક બિમાર કરતા માનસિક દબાણ, તણાવ, આવેશ અને જૂની પીડાનો બદલો લેવાના ઉશ્કેરાટના કિસ્સાઓ વધારે જોવા મળે છે. આ ઉપરાંત હિંસક વીડિયો ગેમ્સ અને ટીવી ઉપર આવાત હિંસક શો અને ફિલ્મો પણ આવી ઘટનાઓને ઉત્તેજન આપે છે.
સમાજમાં ચર્ચામાં રહેવા માટે સ્કૂલ જેવા સોફ્ટ ટાર્ગેટ પસંદ થાય છે
અમેરિકામાં સ્કુલો ઉપર થતા ફાયરિંગ અને સ્કુલોમાં થતા ફાયરિંગ વિશે ઘણા તર્કવિતર્ક ચાલે છે. અહીંયા મોટાભાગે એવો મત છે કે, અહીંયા સુરક્ષાની સ્થિતિ વધારે નથી હોતી. અહીંયા લોકોનું હથિયાર સુધી પહોંચવું ખૂબ જ સરળ છે. તે ઉપરાંત પીડિત વ્યક્તિ મોટાભાગે સમાજથી દૂર, એકવાયું જીવન જીવનારા, ગુસ્સો, ખાલિપો, આક્રોશ જેવી લાગણીઓથી યુક્ત હોય છે. આ લોકો સમાજમાં ચર્ચામાં રહેવા, મીડિયામાં છવાઈ જવા, એકાએક લાઈમલાઈટમાં આવવા સ્કૂલ ઉપર હુમલા કરે છે. ઘણી વખત ગુનેગારો સમાજમાં ભય ફેલાવવા પણ સ્કુલો પસંદ કરે છે. ૧૯૯૯માં કોલંબાઈન સ્કુલના શુટિંગના આરોપીઓએ કહ્યું હતું કે, તેઓ ઈતિહાસમાં પોતાનું નામ અમર કરવા સ્કુલ ઉપર ફાયરિંગ કરવા આવ્યા હતા. બીજી તરફ એવી પણ માનસિકતા છે કે, સ્કુલમાં ભણના નાના બાળકો સોફ્ટ ટાર્ગેટ છે અને તેમની ઉપર થતા હુમલા સમાજને ધ્રુજાવી દે છે. ઘણી વખત હુમલાખોરો પોતાની ભૂતકાળની ઘટનાનો રોષ કાઢીને તેઓ ક્ષણભર માટે પોતાને શક્તિશાળી માને છે અને પછી આત્મહત્યા પણ કરી લેતા હોય છે. બાળકો ઝડપથી વિરોધ કરી શકતા નથી, બચવાના પ્રયાસ કરી શકતા નથી અને તેથી જ આવા ટાર્ગેટ વધારેને વધારે શોધવામાં આવે છે. સ્કુલોમાં આ ઘટનાઓ વધી રહી છે પણ તેને ડામવાનો નક્કર ઉકેલ આવતો નથી. કેટલાક રાજ્યોમાં કાયદાના નામે લાલીયાવાડી જ ચાલે છે. સ્કુલોમાં સ્થાનિક પોલીસ ચક્કર મારે છે, સીસીટીવી લગાવાયા છે, ગાર્ડ રખાય છે, ટાઈમસર દરવાજા ખોલવા અને બંધ કરવામાં આવે છે, સ્કુલ વિઝિટર્સની તમામ વિગત લેવામાં આવે છે છતાં આવા હુમલા અટકતા નથી. જ્યાં સુધી અમેરિકી સિસ્ટમમાં પણ હથિયાર ઉત્પાદકોએ ફેલાવેલો ભ્રષ્ટાચારનો સડો દૂર નહીં થાય ત્યાં સુધી નક્કર કાયદા આવી શકે તેમ નથી અને આ ઘટનાઓ અટકી શકે તેમ નથી.