Get The App

ભારતમાં દર વર્ષે 17,000 બાળકોના કેન્સરથી મોત થાય છે

Updated: Apr 29th, 2026

GS TEAM

Google News
Google News
ભારતમાં દર વર્ષે 17,000 બાળકોના કેન્સરથી મોત થાય છે 1 - image

- ગરીબ અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં બાળકોમાં કેન્સરથી થતાં મોત 94 ટકા અને નવા કેસની સંખ્યા 82 ટકા સુધી છે

લાન્સેન્ટનો અહેવાલ જણાવે છે કે, 2023માં જ દુનિયાભરમાં ૩.૭૭ લાખ બાળકોના કેન્સરના કારણે મોત થયા હતા. બીજી તરફ 2023માં જ દુનિયાભરમાં બાળકોના કેન્સરના 1.45 લાખ જેટલા નવા કેસ પણ નોંધાયા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ પ્રમાણે દુનિયામાં દરરોજ 1000થી વધારે બાળકોને કેન્સર થયાનું નિદાન થાય છે : વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા પ્રમાણે 2023માં અંદાજે 46000 બાળકોનાં મોત લ્યુકેમિયાના કારણે થયા હતા. બીજી તરફ મગજ અને ચેતાતંત્રના કેન્સરના કારણે 23,200 બાળકોએ જીવ ગુમાવ્યા હતા. વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં વિચારીએ તો બાળકોમાં આવતા કેસ, તેના કારણે થતાં બાળકોના મોતની સરેરાશ પણ વિરોધાભાસી છે  : સરેરાશ જોઈએ તો 1990 થી 2023 દરમિયાન થતા બાળકોના મોતનાં આંકડામાં 27 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જાણકારો માને છે કે, આ ચાર દાયકા દરમિયાન મેડિકલ સાયન્સ દ્વારા અદ્વિતિય પ્રગતિ સાધવામાં આવી છે. નવી સુવિધાઓ અને ચિકિત્સા પદ્ધતિને કારણે વિકસિત દેશોમાં બાળકોનો કેન્સરથી મૃત્યુદર ઘટયો છે ત્યાં આફ્રિકા અને તેની આસપાસના વિસ્તારોમાં આજે પણ આ મૃત્યુદર 55 ટકાથી વધારે છે 

બાળકો, કિશોરો અને યુવાનો કોઈપણ દેશના ભવિષ્યના નિર્માતા ગણાય છે. તેમને આપવામાં આવતી તમામ સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય કે પછી ઉચ્ચ શિક્ષણ અથવા તો રોજગાર તે દેશના નિર્માણ માટે કરવામાં આવતી કામગીરી કે પછી ઈન્વેસ્ટમેન્ટ જેવા હોય છે. આજનું બાળપણ સાવ વીખરાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વૈશ્વિક પરિસ્થિતિ, ખરાબ ખાનપાન, સ્વાસ્થ્ય સેવાઓમાં વિસંગતતા, અપૂરતી સારવાર અને દવાઓના અભાવ તથા સરકારની નિરસતાના કારણે બાળકો કેન્સર જેવા જીવલેણ રોગના ભરડામાં આવી રહ્યા છે. થોડા સમય પહેલાં ધ લેન્સેટમાં રજૂ થયેલા ગ્લોબલ બર્ડન ઓફ ડિસિઝ નામના અહેવાલમાં જણાવાયું હતું કે, મધ્યમ અને ઓછી આવક ધરાવતા દેશોમાં બાળકોમાં કેન્સરના કેસ સતત વધી રહ્યા છે. તેના કારણે બાળકોના જીવને મોટું જોખમ આવી ગયું છે.

જાણકારો માને છે કે, બદલાયેલી જીવનશૈલી, કુદરતી ફેરફારો, પ્રદુષણ અને આપણી વ્યવસ્થાઓના કારણે બાળકોના સ્વાસ્થ્યને ગંભીર અસર થઈ રહી છે. અહેવાલો જણાવે છે કે, અસમાનતા અને અવ્યવસ્થાના કારણે ગરીબ દેશો, ઓછી આવક ધરાવતા દેશો અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં બાળકોમાં કેન્સરથી થતા મોત ૯૪ ટકા અને નવા કેસની સંખ્યા ૮૫ ટકા સુધી છે. આ દેશોમાં સંસાધન, સારવાર અને સુવિધા તથા જીવનશૈલી અને પૈસાના અભાવના કારણે નિર્દોષ બાળકો મોતને ભેટે છે. ભારત પણ તેમાંથી બચી શકે તેમ નથી. ભારતમાં દર વર્ષે ૧૭,૦૦૦ બાળકોના કેન્સરના કારણે મોત થાય છે. કેન્સર સામેનો આ જંગ માત્ર વ્યક્તિગત નહીં પણ આર્થિક સ્થિતિ અને વ્યવસ્થા સામેનો પણ જંગ છે. ભારતમાં પણ સંસાધન, સુવિધા અને આર્થિક બાબતોમાં વિસંગતતા છે અને તેના કારણે બાળકો આ જીવલેણ રોગનો ભોગ બની રહ્યા છે. 

બાકીના દેશોની વાત કરીએ તો ત્યાં સ્થિતિ સાવ કથળેલી છે. યોગ્ય સારવાર નથી, સુવિધા નથી અને ખાસ કરીને લોકો પાસે એટલા પૈસા જ નથી કે તેઓ સંતાનોની સારવાર કરાવી શકે. તેના કારણે બાળકોનો ભોગ વધારે લેવાય છે. લાન્સેન્ટનો અહેવાલ જણાવે છે કે, ૨૦૨૩માં જ દુનિયાભરમાં ૩.૭૭ લાખ બાળકોના કેન્સરના કારણે મોત થયા હતા. બીજી તરફ ૨૦૨૩માં જ દુનિયાભરમાં બાળકોના કેન્સરના ૧.૪૫ લાખ જેટલા નવા કેસ પણ નોંધાયા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ પ્રમાણે દુનિયામાં દરરોજ ૧૦૦૦થી વધારે બાળકોને કેન્સર થયાનું નિદાન થાય છે. તેમાંથી વધુ આવક ધરાવતા દેશો અને આધુનિક દેશોમાં ૮૦ ટકા બાળકોનો બચાવ થાય છે જ્યારે ઓછી આવક ધરાવતા અથવા તો મધ્યમ આવક ધરાવતા દેશોમાં માત્ર ૨૦ ટકા બાળકો જ બચી શકે છે. આ આંકડા જણાવે છે કે, વૈશ્વિક સ્તરે બાળકોમાં વધી રહેલા કેન્સરના કિસ્સા માત્ર એક મેડિકલ ઈમર્જન્સી નહીં પણ સ્વાસ્થ્ય સેવાઓ અને આર્થિક વ્યવસ્થામાં રહેલી નબળાઈઓ તથા સામાજિક-આર્થિક અસમાનતાઓનું પણ પ્રતિબિંબ છે.

ઉલ્લેખનીય છે કે, ભારત માટે પણ આ સ્થિતિ ખૂબ જ ગંભીર અને જટિલ છે. એક તરફ મેડિકલ સાયન્સ સતત પ્રગતિ કરી રહ્યું છે અને અદ્વિતિય સંશોધનો થઈ રહ્યા છે અને ત્યાં બીજી તરફ આધુનિક ઉપચાર, દવાઓ, સુવિધા કેન્દ્રો કે હોસ્પિટલો લાખો લોકો સુધી પહોંચ્યા જ નથી કે લોકોને પોસાય તેમ પણ નથી. દેશના મોટા મોટા શહેરોમાં આધુનિક હોસ્પિટલો અને કેન્સર સારવાર કેન્દ્રો છે પણ ગ્રામ્ય વિસ્તારોમાં, આંતરિયાળ વિસ્તારોમાં આ સુવિધાઓ પહોંચી જ નથી. જ્યાં આવી સેવાઓ છે તે માત્ર ગણતરીની કહી શકાય તેવી છે. તેનું પરિણામ એ આવે છે કે, આવા વિસ્તારોમાં બાળકો સુધી સારવાર પહોંચી શકતી જ નથી અને બાળકો પણ હોસ્પિલટલો સુધી જઈ શકતા નથી. તેના કારણે તેમની હાલત ખરાબ થાય છે. આ સિવાય ગ્રામ્ય વિસ્તારો અને અંતરિયાળ વિસ્તારોમાં નિદાનની સ્થિતિ પણ નબળી છે તેથી જ્યારે બાળકને કેન્સરનું નિદાન થાય છે ત્યારે તે અંતિમ ચરણે જ હોય છે. તેના કારણે જ વિકસિત દેશોની સરખામણીએ ભારતમાં કેન્સરથી પીડાતા બાળકોના જીવતા રહેવાનો દર ઘણો ઓછો છે. 

ચિંતાજનક બાબત એવી પણ છે કે, બાળકોમાં આવા રોગથી મોતનું પ્રમાણ ઘણું ઉંચું જઈ રહ્યું છે. લાન્સેટનો અહેવાલ જણાવે છે કે, ૨૦૨૩માં બાળકોના જે મોત થયા તેમાં કેન્સર આઠમું મોટું કારણ હતું. બિમારીની દ્રષ્ટીએ વિચારીએ તો આ કારણ સૌથી મોટું હતું. ડિસેબિલિટી-એડજસ્ટેડ લાઈફ ઈયર્સના સંદર્ભે પણ જોઈએ તો તે દસમું મોટું કાણ હતું. આ અહેવાલ જણાવે છે કે, દર વર્ષે બાળકની જિંદગીનું એક સામાન્ય વર્ષ છિનવાઈ જાય છે. તેના કારમે બાળકના સ્વસ્થ, સક્રિય અને ઉપયોગી સમયનો વ્યય થાય છે. આ એવી બાબત છે જેની લાંબાગાળાની સામાજિક અને આર્થિક અસરો ગંભીર રીતે જોવા મળે છે. ભારતની વાત કરીએ તો બાળકોમાં વધી રહેલા કેન્સરના કિસ્સા અથવા તો તેની સારવારનો અભાવ માત્ર ચિકિત્સા સાથે જોડાયેલા છે તેવું નથી. ભારતમાં બીજી સમસ્યા એ છે કે, કેન્સરની સારવાર અત્યંત ખર્ચાળ છે અને તેની સામે મોટાભાગના પરિવારો પાસે વીમો હોતો નથી કે આર્થિક સગવડો પણ હોતી નથી. તેના કારણે ઘણા કિસ્સામાં સારવાર અધુરી રહી જાય છે કે છોડી દેવી પડે છે કે પછી સારવાર મળી શકતી જ નથી અને બાળક મોતના મુખમાં ધકેલાઈ જાય છે. ઘણા કિસ્સામાં પ્રારંભિક લક્ષણોની સામાન્ય બિમારી સમજીને અવગણના કરવામાં આવે છે તેના કારણે ચોક્કસ નિદાનમાં મોડું થાય છે અને સારવારની શક્યતાઓ ઘટતી જાય છે. બીજી તરફ સ્વાસ્થ્ય વ્યવસ્થાનું માળખું પણ ડોહળાયેલું અને વિખરાયેલું છે. આજે પણ ભારતમાં ઘણા ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોમાં યોગ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો જ નથી. જ્યાં આવા કેન્દ્રો છે ત્યાં જાણકારો ડોક્ટરો અને અન્ય શારીરિક તપાસની વ્યવસ્થાનો અભાવ છે. તે ઉપરાંત જાણકારોની અછત, હોસ્પિટલોની અછત અને હોસ્પિટલ મોકલવા સુધીની કામગીરીમાં પણ બેદરકારી અને અયોગ્ય વ્યવસ્થાના કારણે બાળકોને સારવાર મળતી નથી. અપૂરતી અને અયોગ્ય સુવિધાઓના કારણે બાળકો મોટી હોસ્પિટલો સુધી પહોંચી શકતા જ નથી. 

જાણકારો માને છે કે, માત્ર સ્વાસ્થ્ય સેવાઓ આપી દેવાથી આ જીવલેણ રોગથી બચી જવાશે કે બાચવી શકાશે તેવું નથી. તેના માટે મલ્ટિપલ લેવલે કામ કરવું પડશે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા આ દિશામાં મહત્ત્વની કામગીરી કરવા માટે થઈને એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગ્લોબલ ચાઈલ્ડહુડ કેન્સર ઈનિશિયેટિવ દ્વારા આ દિશામાં એક મહત્ત્વની કામગીરી કરવામાં આવી રહી છે. તેનો ઉદ્દેશ ૨૦૩૦ સુધીમાં કેન્સરથી પીડિતા બાળકોની બચવાની શક્યતાઓ ૬૦ ટકા સુધી લઈ જવાનો ટાર્ગેટ કરવામાં આવ્યો છે. સમયસર નિદાન, સસ્તી દવાઓ, દવાઓની ઉપલબ્ધતા, તાલિમબદ્ધ સ્વાસ્થ્યકર્મીઓની સંખ્યામાં વધારો, જાણકાર ડોક્ટરોની સંખ્યામાં વધારો અને અન્ય સુવિધાઓ વધારીને સમગ્ર સ્વાસ્થ્ય તંત્રને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દે સૌથી પહેલાં જનજાગૃતિ લાવવાની પણ તાકીદે જરૂર છે. 

લોકોને, શિક્ષકોને, માતા-પિતાને આવા રોગના પ્રારંભિક લક્ષણો જાણવા અને તેને સમજવાનું શિક્ષણ આપવાની જરૂર છે. આ ઉપરાંત પ્રાથમિક સારવાર કેન્દ્રો વધારે સક્ષમ, સુવિધાસભર અને લોકોપયોગી બનાવવા જોઈએ. તેનાથી પણ વધારે સામાજિક અને આર્થિક અસમાનતાને દૂર કરવાના પ્રયાસ કરવા જોઈએ જેથી લોકોને યોગ્ય રીતે સારવાર અને સુવિધાઓ મળી રહે. 

લાઈફસ્ટાઈલ કરતા જિનેટિકલ ડિફેક્ટ અને વારસાગત બાબતો વધારે અસર કરે છે 

જાણકારો માને છે કે, જેમ યુવાનો અને તેનાથી વધારે ઉંમરના લોકોમાં જે રીતે જીવનશૈલી અને ખાનપાનની ખોટી આદતોના કારણે કેન્સર થતું હોય છે તેવું બાળકોમાં વધારે જોવા મળતું નથી. બાળકોમાં કેન્સરના કેસ વધવાનું કારણ જીવનશૈલા કરતા જિનેટિકલ ખામીઓ અને વારસાગત બાબતો વધારે ગંભીર છે. 

બાળકોમાં સૌથી વધારે લ્યુકેમિયાના કેસ જોવા મળે છે. બ્લડ કેન્સરના કેસમાં સૌથી વધારે બાળકોએ જીવ ગુમાવ્યાના દાખલા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા પ્રમાણે ૨૦૨૩માં અંદાજે ૪૬૦૦૦ બાળકોનાં મોત લ્યુકેમિયાના કારણે થયા હતા. બીજી તરફ મગજ અને ચેતાતંત્રના કેન્સરના કારણે ૨૩,૨૦૦ બાળકોએ જીવ ગુમાવ્યા હતા. વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં વિચારીએ તો બાળકોમાં આવતા કેસ, તેના કારણે થતાં બાળકોના મોતની સરેરાશ પણ વિરોધાભાસી છે. 

અહેવાલો જણાવે છે કે, વર્ષ ૧૯૯૦ની સરખામણીએ ૨૦૨૩માં કેન્સરના કારણે થતા બાળકોના મોતના કેસ ઘટયા છે. સરેરાશ જોઈએ તો ૧૯૯૦થી ૨૦૨૩ દરમિયાન થતા બાળકોના મોતનાં આંકડામાં ૨૭ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જાણકારો માને છે કે, આ ચાર દાયકા દરમિયાન મેડિકલ સાયન્સ દ્વારા અદ્વિતિય પ્રગતિ સાધવામાં આવી છે. નિદાન અને સારવારની અત્યાધુનિક પદ્ધતિઓના વિકાસના કારણે બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે અને તેના મૃત્યુ આંકમાં વ્યાપક ઘટાડો થયો છે. 

બીજી તરફ નજર કરીએ તો ખ્યાલ આવશે કે આ જે સુધારો થયો છે અને હકારાત્મક ફેરફાર દેખાઈ રહ્યા છે તે માત્ર વિકસિત દેશોમાં કે પછી ઉંચી આવક ધરાવતા દેશોમાં જ જોવા મળી રહ્યા છે. 

ગરીબ દેશો, ઓછી આવક ધરાવતા દેશો કે પછી મધ્યમ આવક ધરાવતા દેશોની સ્થિતિમાં તો આજે પણ ખાસ સુધારો થયો નથી. નવી સુવિધાઓ અને ચિકિત્સા પદ્ધતિને કારણે વિકસિત દેશોમાં બાળકોનો કેન્સરથી મૃત્યુદર ઘટયો છે ત્યાં આફ્રિકા અને તેની આસપાસના વિસ્તારોમાં આજે પણ આ મૃત્યુદર ૫૫ ટકાથી વધારે છે. આ અસમાનતા અને વિડંબણા વૈશ્વિક સ્વાસ્થ્ય સુવિધા અને તેની વહેંચણીની મોટી નિષ્ફળતા રજૂ કરે છે.