Get The App

ઝેલમમાં પૂર : ભારત પાકિસ્તાનનું પાણી રોકવાનું છે કે છોડવાનું છે?

Updated: Apr 29th, 2025

GS TEAM


Google News
Google News
ઝેલમમાં પૂર : ભારત પાકિસ્તાનનું પાણી રોકવાનું છે કે છોડવાનું છે? 1 - image


- સિંધુ જળ સંધિ હેઠળ સતલજ, રાવિ અને બિયાસનાં પાણી પર ભારતનો, સિંધુ, ચિનાબ અને ઝેલમ નદીનાં પાણી પર પાકિસ્તાનનો અધિકાર

- ભારતે સત્તાવાર રીતે ઝેલમ નદીમાં વધારાનું પાણી છોડયું હોવાનું સ્વીકાર્યું જ નથી. પાકિસ્તાન દાવો કરે છે એ પૂરની સ્થિતી પણ એવી ભયાનક નથી કે જેમાં ગામેગામ તબાહ થઈ જાય ને બધું ધોવાઈ જાય. ભારતમાં કેટલાક મીડિયા રીપોર્ટ્સમાં થોડાંક ઢોર તણાઈ ગયાં હોવાના અને પાકને નુકસાનના દાવા કરાયા છે પણ ભારત પર 'વોટર ટેરરિઝમ'નો આક્ષેપ મૂકનારા પાકિસ્તાને સત્તાવાર રીતે કોઈ નુકસાન થયાનું કહ્યું નથી.  પાકિસ્તાનીઓ દ્વારા મૂકાયેલા વીડિયોમાં તો પાણી બ્રિજથી પણ છ ફૂટ નીચે વહી રહેલું દેખાય છે એ જોતાં તેને પૂર જ ના કહી શકાય. બીજા કોઈ એવા વિઝયુઅલ્સ નથી કે જેમાં પાણી છોડવાના કારણે તબાહી થઈ હોય એવું લાગે. ખરેખર તબાહી થઈ હોય તો પાકિસ્તાન આવી તક છોડે ? અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે હોહા કરી મૂકી હોત. 'વોટર ટેરરિઝમ' દ્વારા કાશ્મીરીઓને મારી રહ્યું છે એવો દેકારો મચાવી દીધો હોત.

કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ સ્થગિત કરી નાંખવાની જાહેરાત કરેલી. સિંધુ જળ સંધિ હેઠળ સતલજ, રાવિ અને બિયાસ એ ત્રણ નદીનાં પાણી પર ભારતનો અધિકાર છે જ્યારે સિંધુ, ચિનાબ અને ઝેલમ નદીનાં પાણી પર પાકિસ્તાનનો અધિકાર છે. સિંધુ જળ સંધિ સ્થગિત કરવાનો મતલબ એ થાય કે, ભારત આ તમામ છ નદીનાં પાણી પાકિસ્તાન નહીં જવા દે. 

નરેન્દ્ર મોદી સરકારે સિંધુ જળ સંધિ સ્થગિત કરવાની જાહેરાત કરી ત્યારે એવું જ કહેલું. ભાજપના નેતા પણ સિંધુ સહિતની નદીઓનાં પાણી રોકીને પાકિસ્તાનને પાણીના ટીપા ટીપા માટે તરસાવી દેવાની વાતો કરતા હતા પણ અચાનક ઝેલમ નદીમાં આવેલા પૂરના કારણે કન્ઝયુઝન પેદા થઈ ગયું છે કે, ભારત પાકિસ્તાનમાં જતી નદીઓનાં પાણી રોકવાનું છે કે છોડવાનું છે? 

અત્યારના રીપોર્ટ પ્રમાણે, ભારત સરકારે ઉરી ડેમમાંથી ઝેલમ નદીનું પાણી છોડતાં પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં પૂરની સ્થિતી પેદા થઈ ગઈ છે. આ રીપોર્ટ પણ પાકિસ્તાન સરકારે કરેલા દાવા પર આધારિત છે. પીઓકેની રાજધાની મુઝફ્ફરાબાદના વહીવટી અધિકારીએ સત્તાવાર રીતે બહાર પાડેલા નિવેદનમાં ભારતે પાણી છોડયાનો દાવો કર્યો છે. બાકી ભારતે સત્તાવાર રીતે વધારાનું પાણી છોડયું હોવાનું સ્વીકાર્યું જ નથી.  

અલબત્ત આ પૂરની સ્થિતી પણ એવી ભયાનક નથી કે જેમાં ગામેગામ તબાહ થઈ જાય ને બધું ધોવાઈ જાય. ભારતમાં કેટલાક મીડિયા રીપોર્ટ્સમાં થોડાંક ઢોર તણાઈ ગયાં હોવાના અને પાકને નુકસાન દાવા કરાયા છે પણ ભારત પર 'વોટર ટેરરિઝમ'નો આક્ષેપ મૂકનારા પાકિસ્તાને સત્તાવાર રીતે કોઈ નુકસાન થયાનું કહ્યું નથી. એ સિવાય પૂરના કારણે બીજું કોઈ નુકસાન થયું હોવાના અહેવાલ નથી. 

પાકિસ્તાનીઓ દ્વારા મૂકાયેલા વીડિયોમાં તો પાણી બ્રિજથી પણ છ ફૂટ નીચે વહી રહેલું દેખાય છે એ જોતાં તેને પૂર જ ના કહી શકાય. પીઓકેના બીજા કોઈ એવા વિઝયુઅલ્સ નથી કે જેમાં પાણી છોડવાના કારણે તબાહી થઈ હોય એવું લાગે. ખરેખર તબાહી થઈ હોય તો પાકિસ્તાન આવી તક છોડે ? અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે હોહા કરી મૂકી હોત. 'વોટર ટેરરિઝમ' દ્વારા કાશ્મીરીઓને મારી રહ્યું છે એવો દેકારો મચાવી દીધો હોત.

અત્યારે જે સ્થિતી છે તેના કારણે બે વાતો સ્પષ્ટ છે. પહેલી વાત એ કે, આપણે ગમે તેટલા દાવા કરીએ પણ પાકિસ્તાનમાં જતી નદીઓનાં પાણી સંપૂર્ણપણે રોકવાં શક્ય નથી. બીજી વાત એ કે, પાકિસ્તાન સામે શું કરવું એ મુદ્દે મોદી સરકાર મૂંઝવણમાં છે અને જે પગલાં લેવાઈ રહ્યાં છે તેની પાછળ પણ કોઈ નક્કર વ્યૂહરચના નથી. 

ઝેલમ પર ભારતમાં હાયડ્રોપાવર પ્રોજેક્ટ છે પણ ડેમ નથી. જે ઉરી ડેમમાંથી પાણી છોડયાના દાવા કરાય છે એ જમ્મુ અને કાશ્મીરના બારામુલા જિલ્લામાં ઉરી પાસે છે. ઝેલમ નદી પર ૪૮૦ મેગાવોટનું જળવિદ્યુત મથક ૧૦ કિમી લાંબી ટનલ સાથે એક ટેકરી નીચે બનાવવામાં આવ્યું છે. 

અહીં કોઈ મોટો બંધ નથી પણ નદીના વહેતા પાણી (રન-ઓફ-ધ-વોટર)નો ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરાય છે. આ કારણે ભારતે પાણી રોકી રાખ્યું હોય ને અત્યારે છોડયું હોય એ શક્ય નથી. 

આપણે પાકિસ્તાનને તરસ્યું મારવાની વાત કરીએ છીએ પણ અત્યારે ઉનાળો છે છતાં પાણી નથી રોકી શકતા તો ચોમાસામાં કઈ રીતે પાણી રોકી શકીશું એ પણ વિચારવા જેવું છે. અત્યારે ઉનાળામાં કોઈ પણ નદીમાં પાણી ઓછું જ હોય પણ હિમાલયમાં બરફ પિગળવાના કારણે અચાનક વધારે પાણી આવી ગયું હોય. તેના કારણે ઝેલમમાં પાણીનું સ્તર વધ્યું હોઈ શકે. ચોમાસામાં તો વરસાદનું પાણી બેફામ આવશે ત્યારે પાકિસ્તાન જતું પાણી કઈ રીતે રોકી શકીશું ? 

મોદી સરકારની પાકિસ્તાન સામેની વ્યૂહરચના પણ સ્પષ્ટ નથી. પહલગામના હુમલાને પગલે લોકોમાં આક્રોશ હતો તેથી તાત્કાલિક પગલાં લેવાં જરૂરી હતાં. આ કારણે સિંધુ જળ સંધિ સ્થગિત કરવાની જાહેરાત તો કરી દેવાઈ પણ તેના કારણે પાકિસ્તાનને ફટકો મારી શકાશે કે નહીં તેનો કોઈ વિચાર જ કરાયો નહીં. સિંધુ સહિતની નદીઓનાં પાણી રોકવા માટે મોટા ડેમ જોઈએ અને વિશાળ સરોવરો જોઈએ. આ સરોવરમાં ભરાયેલા પાણીને ભારતના બીજ ભાગો તરફ વાળવા માટે નહેરોનું નેટવર્ક પણ જોઈએ. ભારત પાસે એવું કશું તૈયાર નથી એ જોતાં તાત્કાલિક તો સિંધુ જળ સંધિ સ્થગિત કરવાના નિર્ણયથી પાકિસ્તાનને મોટો ફરક નહીં પડે. 

બીજા એક મુદ્દા વિશે પણ વિચારવાની જરૂર છે. સિંધુ ભલે ભારતમાંથી પસાર થતી હોય પણ તેનું મૂળ ચીનમાં છે. ભારત માટે મહત્વની બ્રહ્મપુત્રા, સતલજ સહિતની ઘણી નદીઓનાં મૂળ ચીનમાં છે. 

પાકિસ્તાન ભારત સામે વોટર ટેરરિઝમનો આક્ષેપ કરીને દેકારો મચાવે તો આ વિવાદમાં ચીનની એન્ટ્રી પણ થઈ શકે છે. ભારત પાસે ચીનની એન્ટ્રી થાય તો તેને પહોંચી વળવાની વ્યૂહરચના પણ નથી એ જોતાં ભારતે પાકિસ્તાનને પાંસરું કરવા નવી કોઈ વ્યહરચના વિચારવી પડે. 

પાકિસ્તાનના પીઓકેમાં ભારતને વિલન ચિતરવાના ઉધામા

ભારતે ઝેલમ નદીમાંથી પાણી છોડતાં પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં પૂરની સ્થિતી પેદા થઈ ગઈ હોવાનો દાવો પાકિસ્તાને કર્યો છે. ભારતમાં પણ મીડિયા રીપોર્ટ્સમાં ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે પીઓકેમાં પૂર લાવી દીધું હોવાના દાવા કરાયા છે. આ દાવા પ્રમાણે, ભારતે ઝેલમ નદી પરના ઉરી ડેમનું પાણી છોડતાં પીઓકેમાં લોકોની હાલત બગડી ગઈ છે અને પીઓકેની રાજધાની મુઝફ્ફરાબાદમાં પૂર આવી ગયું છે. પીઓકેમાં મસ્જિદોનાં લાઉડસ્પીકરોમાંથી લોકોને પૂરની ચેતવણી આપીને ઘરો ખાલી કરવા કહેવાઈ રહ્યું છે. 

આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાતો આ વાતોને પાકિસ્તાનના કુપ્રચારનો ભાગ ગણાવે છે. ભારત સરકારે સત્તાવાર રીતે ઝેલમમાંથી વધારે પાણી છોડાયું હોવાનું કહ્યું નથી છતાં પાકિસ્તાન જોરશોરથી દાવો કરી રહ્યું છે કે, ભારતે ચેતવણી આપ્યા વિના પાણી છોડીને પીઓકેનાં લોકોના જીવ જોખમમાં મૂકી દીધા છે. આ કુપ્રચાર દ્વારા પાકિસ્તાન પીઓકેમાં સહાનુભૂતિ મેળવી રહ્યું છે અને ભારત વિરોધી માહોલ પેદા કરી રહ્યું છે, ભારત પીઓકેનાં લોકોનું દુશ્મન હોવાની છાપ ઉભી કરી રહ્યું છે. ભારતનું મીડિયા સમજ્યા વિના પાકિસ્તાનના કુપ્રચારનો ભાગ બનીને પીઓકેમાં ઉભા થયેલા ભારતતરફી વાતાવરણને ખરાબ કરી રહ્યું છે. 

વાસ્તવમાં પીઓકેમાં લોકો પાકિસ્તાન શાસનનાં વિરોધી છે. પીઓકેનાં પાકિસ્તાન સામે લડી રહેલાં સંગઠનોએ ભારતને પાકિસ્તાનના અત્યાચારથી મુક્ત કરાવવા માટે દરમિયાનગીરી કરવા વિનંતી પણ કરી છે. બીજું એ કે, ભારત પીઓકેને પોતાનો પ્રદેશ ગણાવે છે ત્યારે પોતાના જ પ્રદેશમાં પૂરની સ્થિતી ઉભી કરવાની વ્યૂહરચના કઈ સરકાર અપનાવે ?

સિંધુનું પાણી ભારતમાં રોકવાની કોઈ વ્યવસ્થા નહીં, ઝેલમ-ચિનાબ પર હાયડ્રોપાવર પ્રોજેક્ટ

ભારતે ૧૯૬૦ની સિંધુ જળ સંધિ (IWT) ને સ્થગિત કરવાની જાહેરાત કરી પછી ભાજપના નેતાઓએ ફિશિયારીઓ મારી છે કે, પાકિસ્તાન પાની કી બૂંદ બુંદ કે લિયે તરસ જાયેગા. મોદી સમર્થકો આ વાતનો જોરશોરથી પ્રચાર કરીને એવી છાપ ઉભી કરી રહ્યા છે કે, કેન્દ્ર સરકારે સિંધુ જળ સંધિ સ્થગિત કરી તેમાં તો પાકિસ્તાનને સતલજ, રાવિ, બિયાસ, સિંધુ, ઝેલમ અને ચિનાબ એ છ નદીનું પાણી સાવ બંધ થઈ જશે. 

આ વાતો લોકોને ગેરમાર્ગે દોરનારી છે કેમ કે ભારત કોઈ રીતે નદીઓનાં પાણી રોકવાની સ્થિતીમાં જ નથી. પાકિસ્તાનના ભાગમાં આવેલી સિંધુ, ઝેલમ અને ચિનાબની વાત છોડો પણ ભારતનો જેના પર અધિકાર છે એ સતલજ, રાવિ અને બિયાસનાં પાણીને પણ સંપૂર્ણપણે પાકિસ્તાન જતાં રોકી શકાય તેમ નથી. શાહપુર કાંડી બેરેજ પછી રાવિ નદીનું ૯૦ ટકા પાણી ભારત વાપરે છે અને માત્ર ૧૦ ટકા પાણી જ પાકિસ્તાન જાય છે પણ બીજી નદીઓનાં પાણી તો વધારે પ્રમાણમાં પાકિસ્તાન જાય છે. 

પાકિસ્તાનના ભાગે આવેલી સિંધુ, ઝેલમ અને ચિનાબમાંથી સિંધુ નદી પર ભારતમાં કોઈ જ બંધ નથી તેથી સિંધુનું પાણી ભારત કોઈ રીતે રોકી ના શકે. ઝેલમ પર કિશનગંગા અને ચિનાબ પર રેતલ હાયડ્રોપાવર પ્રોજેક્ટ છે તેથી વીજળી પેદા કરી શકાય છે પણ પાણી સંગ્રહી શકાય તેમ નથી. 

ચિનાબ નદી પર પાકલ દુલ અને સાવલકોટ બે હાયડ્રોપાવર પ્રોજેક્ટ બની રહ્યા છે. તેની ડીઝાઈનમાં ફેરફાર કરીને પાણીનો સંગ્રહ કરી શકાય પણ તેમા વરસો નિકળી જાય.

Tags :