ટ્રેન પરથી મિસાઈલ લોન્ચિંગ : ગમે ત્યારે અને ગમે ત્યાંથી દુશ્મનને પડકારાશે
- ભારત દ્વારા રેલવે કેનિસ્ટર મોબાઈલ સિસ્ટમ દ્વારા અગ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું
- આ એક એવી સ્વદેશી કેનિસ્ટર સિસ્ટમ છે જેમાં મિસાઈલ ગોઠવીને તેને ગમે ત્યાં લઈ જઈને લોન્ચ કરી શકાય છે. તેના કારણે દર વખતે મિસાઈલ લોન્ચ કરવાની કલાકોની મહેનત હવે માત્ર ગણતરીની મિનિટોમાં જ પૂરી થઈ જાય છે : ભારતની આ અગ્નિ પ્રાઈમ મિસાઈલ 2000 કિ.મીની રેન્જ ધરાવે છે. તે મિડિયમ રેન્જની મિસાઈલ છે. તેના કારણે સમગ્ર પાકિસ્તાન તેની રેન્જમાં આવી જાય છે. આ ઉપરાંત ચીનમાં પણ ઘણે અંદર સુધી આ મિસાઈલ દ્વારા હુમલો કરી શકાય તેમ છે : દેશમાં રેલવેનું નેટવર્ક 70,000 કિલોમીટર સુધી ફેલાયેલું છે. આ રેલવે નેટવર્ક દુનિયાનું સૌથી ક્રમનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. દરરોજ હજારો ટ્રેનો વિવિધ જગ્યાઓ માટે આવન-જાવન કરતી હોય છે. તેમાંથી કોઈપણ ટ્રેનના ડબ્બામાં કે માલગાડીના ડબ્બામાં આ મિસાઈલ સિસ્ટમ લઈ જઈ શકાય છે
ભારતે ટ્રેન દ્વારા મિસાઈલ લોન્ચ કરી. ભારતમાં પહેલી વખત ટ્રેન ઉપર મોબાઈલ લોન્ચિંગ પ્લેટફોર્મ દ્વારા મિસાઈલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ અનોખું કેનિસ્ટરાઈઝ લોન્ચ સિસ્ટમ છે જેના દ્વારા અગ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ પરીક્ષણ કરતાની સાથે જ ભારત એવા ગણતરીના દેશોમાં સ્થાન પામ્યો છે જેમાં હવે ટ્રેન દ્વારા પણ મિસાઈલ લોન્ચ કરીને દુશ્મનોને હંફાવી શકાશે. મહત્ત્વની વાત એ છે કે, આ અગ્નિ પ્રાઈમ મિસાઈલ ૨૦૦૦ કિ.મી.ની મારણ ક્ષમતા ધરાવે છે તેથી દુશ્મન દેશોને સરળતાથી ટાર્ગેટ કરી શકાય તેમ છે. આ એક એવી કેનિસ્ટર સિસ્ટમ છે જેમાં મિસાઈલ ગોઠવીને તેને ગમે ત્યાં લઈ જઈને લોન્ચ કરી શકાય છે. પહેલાની જેમ મિસાઈલના અલગ અલગ ભાગને જોડવાની અને એન્જિન સાથે જોડીને લોન્ચ કરવાની જરૂર નથી. તેના કારણે દર વખતે મિસાઈલ લોન્ચ કરવાની કલાકોની મહેનત હવે માત્ર ગણતરીની મિનિટોમાં જ પૂરી થઈ જાય છે.
આ સિસ્ટમ અને મિસાઈલનો સૌથી મોટો ફાયદો એ છે કે, જ્યાં સુધી મિસાઈલને ફાયર કરવામાં ન આવે ત્યાં સુધી દુશ્મનને તેના વિશે કોઈ માહિતી મળતી જ નથી. બીજી વાત એ છે કે, આ કેનિસ્ટર સિસ્ટમને ગમે ત્યાં સરળતાથી લઈ જઈ શકાય છે. તેના કારણે તેને ટ્રેન દ્વારા, જહાજ દ્વારા કન્ટેનરમાં કે પછી ટ્રકમાં પણ મુકીને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ સકાય છે.
ભારતે આ મોબાઈલ કેનિસ્ટર સિસ્ટમને ટ્રેન દ્વારા ચકાસી લીધું છે. તેની સાથે જ રશિયા અને ચીન જેવા ગણતરીના દેશોમાં ભારતની ગણના થવા લાગી છે. ભારતની આ અગ્નિ પ્રાઈમ મિસાઈલ ૨૦૦૦ કિ.મીની રેન્જ ધરાવે છે. તે મિડિયમ રેન્જની મિસાઈલ છે. તેના કારણે સમગ્ર પાકિસ્તાન તેની રેન્જમાં આવી જાય છે. આ ઉપરાંત ચીનમાં પણ ઘણે અંદર સુધી આ મિસાઈલ દ્વારા હુમલો કરી શકાય તેમ છે. ખાસ વાત એ છે કે, આ લોન્ચિંગ સિસ્ટમને કોઈપણ ટ્રેનમાં મુકીને લઈ જઈ શકાય છે. આ મિસાઈલ અને સિસ્ટમની સાઈઝ એટલી વિશેષ છે કે, કોઈ દુશ્મન સેટેલાઈટ પણ તેને પકડી શકે તેમ નથી.
દેશમાં રેલવેનું નેટવર્ક ૭૦,૦૦૦ કિલોમીટર સુધી ફેલાયેલું છે. આ રેલવે નેટવર્ક દુનિયાનું સૌથી ક્રમનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે.
દરરોજ હજારો ટ્રેનો વિવિધ જગ્યાઓ માટે આવન-જાવન કરતી હોય છે. તેમાંથી કોઈપણ ટ્રેનના ડબ્બામાં કે માલગાડીના ડબ્બામાં આ મિસાઈલ સિસ્ટમ લઈ જઈ શકાય છે. બીજી ખાસ વાત એ છે કે, તેના માટે ક્યાંય પણ રોકાવાની પણ જરૂર નથી. આ મિસાઈલ કેનિસ્ટર સિસ્ટમથી ચાલતી હોવાથી તેને કેનિસ્ટરમાં ગોઠવીને ગમે ત્યાંથી લોન્ચ કરી શકાય છે. તે ફાયર રેડી પોઝિનમાં જ હોય છે. સરળ રીતે સમજીએ તો આપણી પાસે આ મિસાઈલ લોન્ચ કરવા માટે હજારોની સંખ્યામાં લોન્ચ પોઈન્ટ છે. ટ્રેન ગમે ત્યાં જતી હોય અને ગમે ત્યાંથી આવતી હોય ત્યારે ચાલતી ટ્રેનમાં પણ તેને લોન્ચ કરી શકાય છે. ટ્રેન ગમે ત્યાંથી પસાર થતી હોય છે તો દુશ્મનો પણ ભારતની ટ્રેનો પણ આખો દિવસ તો નજર રાખીને બેસી શકે તેમ નથી. તેમાંય આ મિસાઈલ લોન્ચ નહીં થાય ત્યાં સુધી દુશ્મનના સેટેલાઈટને ખબર જ નહીં પડે કે આ મિસાઈલ ક્યાંથી આવી છે અને ક્યાં ટાર્ગેટ કરવાની છે.
હાલના સમયમાં જે પ્રકારે યુદ્ધ થઈ રહ્યા છે તે મોટાભાગે એરિયલ યુદ્ધ જ હોય છે. તેમાં ફાઈટર પ્લેન, મિસાઈલ, ડ્રોન, એર ડિફેન્સ સિસ્ટમ અને સેટેલાઈટ સિસ્ટમનો જ ઉપયોગ કરવામાં આવે છે. તેમાં જે પ્રકારે હુમલા કરવામાં આવે છે તેમાં પ્રાથમિક ધોરણે સમજાતું જ નથી કે હુમલો ક્યાંથી થયો. ભારત પણ આ પ્રકારની તાકાત વિકસાવી રહ્યું છે. ભારતે આ મિસાઈલ સિસ્ટમ વિકસાવીને સાબિત કરી દીધું છે કે તે પણ આધુનિક એર ડિફેન્સ સિસ્ટમને છેતરી શકે છે અને ગમે ત્યાંથી અને ગમે ત્યારે હુમલો કરીને દુશ્મનને ઘુંટણીયે પાડી શકે છે. યુદ્ધ દરમિયાન કે યુદ્ધ જેવી સ્થિતિ દરમિયાન દુશ્મનો દ્વારા મોટાભાગે સેનાના ઠેકાણાઓ અને બંકરોને જ ટાર્ગેટ કરવામાં આવે છે.
આ દરમિયાન મોટું નુકસાન થાય છે. ભારતે જે સિસ્ટમ વિકસાવી છે તેને યુદ્ધની સ્થિતિમાં ગમે ત્યારે બંકરમાંથી કાઢીને ટ્રેનમાં બીજે લઈ જઈ શકાય છે, બીજા ઠેકાણા સુધી પહોંચાડી શકાય છે તેથી આ મિસાઈલ કે તેની સિસ્ટમને કોઈ નુકસાન થતું નથી. દુશ્મનને પણ આકરો જવાબ આપી શકાય છે.
આ એક બેલેસ્ટિક મિસાઈલ છે. તેની ખાસિયત એ છે કે, આ મિસાઈલ પહેલાં લોન્ચ થાય છે અને અવકાશમાં જાય છે. કેનિસ્ટર ખુલતાની સાથે જ આ મિસાઈલ રોકેટની જેમ ઉપરની તરફ જાય છે. તે વાયુમંડળમાંથી પણ બહાર ૧૦૦ કિ.મી ઉપર જતી રહે છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી બહાર તે વાયુમંડળમાંથી બહાર આવી જાય છે. અહીંયા તેની સ્પીડ ખૂબ જ વધારે થઈ જાય છે કારણ કે તેને હવાનું દબાણ કે ગુરુત્વાકર્ષણ નડતા નથી. તેના કારણે મિસાઈલ અહીંયા અત્યંત વધારે ઝડપ પ્રાપ્ત કરી લે છે.
એક વખત તે સર્વોચ્ચ ઝડપે પહોંચી જાય છે પછી તે પાછી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે. ખાસ વાત એ છે કે, આ મિસાઈલમાં જીપીએસ સિસ્ટમ લગાવેલી હોય છે તેથી તેને ટાર્ગેટ પહેલેથી ખબર હોય છે. તે ઝડપ પકડીને ટાર્ગેટ લોકેશન તરફ આગળ વધે છે. તે જ્યારે પૃથ્વી ઉપર પરત ફરે છે ત્યારે તેની ઝડપ એટલી બધી હોય છે કે, આપણે કલ્પના પણ કરી શકીએ તેમ નથી. એક તરફ તેની અંતરિક્ષમાં પ્રાપ્ત કરેલી પોતાની ઝડપ અને બીજી તરફ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ તેથી મિસાઈલ ખૂબ જ ઝડપી થઈ જાય છે. ત્યારબાદ તેને કન્ટ્રોલ કરવી મુશ્કેલ થઈ જાય છે.
બેલાસ્ટિક મિસાઈલ મુદ્દે ભારતે ખૂબ જ એડવાન્સ ટેક્નોલોજી વિકસાવી છે. ભારત પાસે જે મિસાઈલ્સ છે તે દુનિયાના મોટા મોટા દેશો પાસે નથી. ભારત પાસે સ્ચઇફ, એટલે કે મનુવરેબલ રી એન્ટ્રી વેહિકલ છે. આ મિસાઈલમાં એવી ટેક્નોલોજી છે કે, તેને અંતરીક્ષમાંથી પાછા આવ્યા બાદ પણ કન્ટ્રોલ કરી શકાય છે અને તેની દિશા બદલી શકાય છે. તેને ટાર્ગેટ સુધી સચોટ રીતે લઈ જઈ શકાય છે. પહેલાં જે બેલાસ્ટિક મિસાઈલ્સ બનતી હતી તે હજારો કિલોમીટર દૂર ટાર્ગેટ કરી શકતી હતી પણ તેનો ટાર્ગેટ રેન્જ ખૂબ જ મોટો હતો.
તે ૧૦૦થી ૨૦૦ મીટર આમતેમ થઈને ગમે ત્યાં એટેક કરતી હતી. તેના કારણે ટાર્ગેટ એરિયામાં મિસાઈલ એટેક થતો હતો પણ ચોક્કસ જગ્યાએ જ થાય તેવું નક્કી નહોતું. અગ્નિ પ્રાઈમની ખાસિયત એ છે કે, તેમાં થ્રસ્ટર લગાવવામાં આવેલા છે. તેના કારણે આ મિસાઈલને અંતરિક્ષમાંથી આવ્યા પછી પણ ગાઈડ કરી શકાય છે. તે પોતાના ટાર્ગેટથી માત્ર ૧૦ કે ૨૦ મીટર જેટલો જ તફાવત રાખે છે. સરળ રીતે સમજીએ કે તે ૨૦૦૦ કિમી દૂર જઈને પણ પોતાના ટાર્ગેટને ભેદવામાં સક્ષમ છે.
જાણકારો માને છે કે, ભારતે જે આ તાકાત પ્રાપ્ત કરી છે તે દુનિયાના ગણતરીના દેશો પાસે જ છે.
તેના કારણે જ યુદ્ધ જેવા સમયે આવી મિસાઈલ્સ ગમે ત્યાંથી ઓપરેટ કરી શકાશે. આ મિસાઈલને ટ્રેન દ્વારા દેશના ગમે તે છેડે મોકલી શકાશે, પહોંચાડી શકાશે અને ઘણી વખત સુરંગમાં ટ્રેન રાખીને ત્યાંથી પણ ફાયર કરાવી શકાશે. આ મિસાઈલ જ્યારે દુશ્મનોના ઠેકાણા ઉપર પડશે ત્યારે કોઈને અંદાજ પણ નહીં આવે કે હુમલો ખરેખર ક્યાંથી કરવામાં આવ્યો હતો. તે ૧૦ મીટરની આસપાસ ટાર્ગેટ હિટ કરે છે તેથી તેની મારણ ક્ષમતા પણ સચોટ છે. દુનિયાની મહાસત્તાઓના હથિયારોની સરખામણીએ ભારત પાસે ઘણી એડવાન્સ ટેક્નોલોજી ધરાવતી મિસાઈલ્સ અને અન્ય હથિયારો છે.
આત્મનિર્ભર ભારતનું ઉત્તમ ઉદાહરણ છે અગ્નિ પ્રાઈમ મિસાઈલ
મિસાઈલ અંગે જાણકારો માને કે, ભારત દ્વારા સમયાંતરે વિકસાવવામાં આવી રહેલી અગ્નિ શ્રેણીની વિવિધ મિસાઈલ્સમાં અગ્નિ પ્રાઈમ પણ ખૂબ જ મહત્ત્વની છે. રેલવે દ્વારા મિસાઈલ લોન્ચ કરવી તે ભારત માટે મહત્ત્વની સિદ્ધિ છે. ભારત પાસે રહેલા વિશાળ રેલવે નેટવર્ક દ્વારા હવે ગમે ત્યારે અને ગમે ત્યાંથી મિસાઈલ લોન્ચ કરી દેવી તે ખૂબ જ મોટી ઘટના છે. તેના કારણ ભારતનું સ્ટ્રેટેજિક સરપ્રાઈઝ એલિમેન્ટ વધી જશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તમામ ક્ષેત્રોમાં આત્મનિર્ભર ભારતની જે હાકલ કરવામાં આવી છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. આ મિસાઈલ સંપૂર્ણ રીતે સ્વદેશી સિસ્ટમ ધરાવતી અને દેશમાં જ નિર્માણ પામેલી છે. ચીન અને પાકિસ્તાન જેવા દેશો જે વારંવાર ભારતને કનડે છે તેમના માટે આ મિસાઈલ લાલ બત્તી સમાન છે. રેલવે આધારિત નેટવર્ક દ્વારા ન્યૂક્લિયર ડિટરેન્સ મિસાઈલ ખરેખર ફ્યૂચર વોર માટે ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે તેમ છે. ટ્રેનમાંથી મિસાઈલ છોડવામાં આવશે અને પછી ટ્રેન આગળ વધી જશે તો દુશ્મનોના રડારને સમજાસે જ નહીં કે મિસાઈલ ક્યાંથી છોડવામાં આવી હતી. આ અગ્નિ પ્રાઈમ મિસાઈલ એડવાન્સ ટેક્નોલોજી ધરાવતી મિસાઈલ છે. તે નવી જનરેશનની મિસાઈલ છે. તેમાં એક્યુરેસી, કેનિસ્ટરાઈઝ્ડ કન્ફિગરેશન અને ફાસ્ટ ઓપરેશનલ રેડીનેસ જેવી ખાસિયતો છે જે તેને અગ્નિ-૧ અને અગ્નિ-૨ જેવી મિસાઈલ્સ કરતા વધારે એડવાન્સ બનાવે છે. તેના કારણે તે આ મિસાઈલ્સને રિપ્લેસ પણ કરી શકે છે. બીજી વાત એ છે કે, કેનિસ્ટરાઈઝ મિસાઈલને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે તેથી તેના ખરાબ થવાની શક્યતાઓ નહીવત છે. તેને રોડ મોબાઈલ, શિપ મોબાઈલ, સબમરીન મોબાઈલ તથા રેલવે મોબાઈલ પ્લેટફોર્મ દ્વારા ગમે ત્યારે અને ગમે ત્યાંથી લોન્ચ કરી શકાય છે. તેની હાઈ મોબિલિટી તેને લો વિઝિબિલિટીમાં પણ દુશ્મનના ટાર્ગેટ ઉપર સચોટ રીતે મારણ કરવાની ખાસિયત આપે છે. તેના કારણે જ ભારતની આ મિસાઈલ ફ્યુચર વોરમાં ગેમ ચેન્જર સાબિત થવાની છે.