Get The App

વૈશ્વિક ચિંતા : એઆઈનો દૂરુપયોગ ગુનાખોરી વધારી રહ્યો છે

Updated: Nov 28th, 2025

GS TEAM

Google News
Google News
વૈશ્વિક ચિંતા : એઆઈનો દૂરુપયોગ ગુનાખોરી વધારી રહ્યો છે 1 - image


- 2019 થી અત્યાર સુધીમાં ભારતમાં ડીપફેક સાથે જોડાયેલા ગુનાઓમાં ૫૫૦ ટકાનો વધારો, આ ગુનાખોરીના કારણે 70,000 કરોડ રૂપિયાનું નુકસાન ગયાનો અંદાજ છે

- 2024માં સાઈબર ક્રાઈમના કુલ 19.18 લાખ કેસ નોંધાયા હતા. જે તેના આગળના વર્ષની સરખામણીએ ઘણા વધારે હતા. આ દરમિયાન લોકોએ કુલ 22,812 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. જે 2023ના આંકડા કરતા ત્રણ ગણા વધારે છે : મોટાભાગે બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને ટાર્ગેટ કરતા હોય છે. તે બેન્કોની નકલી લિંક, નકલી એપ અને નકલી ઓનલાઈન વિગત બનાવીને યૂઝરના ફોનમાં વાઈરસ નાખી દે છે અને તેમનો ડેટા ચોરી લે છે : ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિના ડીપફેક વીડિયોનો ઉપયોગ કરી 79 વર્ષની એક મહિલા સાથે 35 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. તેવી જ રીતે મુકેશ અંબાણીના ડીપફેક વીડિયો દ્વારા બે લોકો સાથે 95 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેટલી ઉપયોગી અને આધુનિક ટેક્નોલોજી છે તેટલા જ તેના દૂરુપયોગ અને જોખમો પણ છે. હાલમાં તેના દ્વારા જે ગુનાખોરી વધી છે અને ભયાનક સ્થિતિ ઊભી થઈ છે તેના વૈશ્વિક પડઘા પડી રહ્યા છે. થોડા દિવસ પહેલાં જ જોહાનિસબર્ગ ખાતે જી-૨૦ શિખર સંમેલાનમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના દૂરુપયોગનો મુદ્દો ખાસ્સો ગાજ્યો હતો. તમામ સભ્ય દેશો દ્વારા સંયુક્ત રીતે એઆઈના દુષણોને ડામવા માટે કામગીરી કરવી જોઈએ તેવો સૂર પણ ઉઠયો હતો. ભારતે ખાસ ભાર મુક્યો હતો કે, એઆઈ હોય કે અન્ય કોઈ ટેક્નોલોજી પણ તેનો ઉપયોગ વિશ્વ કલ્યાણ માટે થવો જોઈએ. તેને માત્ર પૈસા કમાવાનું સાધન ન બનાવી શકાય. 

આ તમામ વાતો તેની જગ્યાએ છે પણ વાસ્તવિકતા એ છે કે, ભારતમાં સાઈબર ક્રાઈમના ગુના અને એઆઈ દ્વારા છેતરપિંડી અને ગુનાખોરી ભયાનક સ્તરે વધ્યા છે. સાઈબર ક્રાઈમ કરનારા હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો એ રીતે ઉપયોગ કરતા થઈ ગયા છે કે, લોકો ભોળવાઈ જાય છે અને ફસાઈ જાય છે. તાજેતરમાં ગ્લોબલ ઈનિશિયેટિવ ફોર રીસ્ટ્રક્ચરિંગ એનવાર્યન્મેન્ટ એન્ડ મેનેજમેન્ટ તથા ટેકિયન દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલમાં જણાવાયું હતું કે, આજકાલ ૧૦માંથી ૮ ફિશિંગ હમલામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે. આ રીતે થઈ રહેલા ગુનામાં અકલ્પનીય વધારો થઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે, એઆઈથી થતી ગુનાખોરીમાં જો માત્ર ભારતની જ વાત કરવામાં આવે તો ભારતમાં ૨૦૨૪માં સાઈબર ક્રાઈમના કુલ ૧૯.૧૮ લાખ કેસ નોંધાયા હતા. જે તેના આગળના વર્ષની સરખામણીએ ઘણા વધારે હતા. આ દરમિયાન લોકોએ કુલ ૨૨,૮૧૨ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. જે ૨૦૨૩ના આંકડા કરતા ત્રણ ગણા વધારે છે. ૨૦૨૩માં સાઈબર ક્રાઈમમાં ભારતીયોએ ૭,૪૯૬ કરોડ ગુમાવ્યા હતા પણ ૨૦૨૪નો આંકડો ડરાવી દે તેવો છે. આ સિવાય ભારતમાં ક્રિપ્ટો કરન્સી ઉપર પણ હુમલા વધી ગયા છે અને તેમાં કામ કરનારા અને ઈન્વેસ્ટ કરનારા લોકોના વોલ્ટ ખાલી થઈ રહ્યા છે. તે ઉપરાંત આઈઓટી, રેન્સમવેર જેવા સાઈબર હુમલામાં પણ મોટો વધારો થયો છે જે ખરેખર ચિંતાજનક છે.

ભારતની વાત કરીએ તો અહીંયા ડીપફેક દ્વારા ગુનાખોરી વધી છે. અહીંયા એઆઈનો ઉપયોગ કરીને જાણીતા લોકોના, સેલેબ્સના અને અન્ય લોકોના ચહેરા દ્વારા અથવા તો વીડિયો તૈયાર કરીને છેતરપિંડી કરવામાં આવી રહી છે. તે ઉપરાંત મહિલાઓના ડીપફેક બનાવીને તેમને બદનામ કરવાના અને તેમના અશ્લિલ વીડિયો ફેલાવવાના પણ ધંધા કરાય છે. થોડા સમય પહેલાં જ રશ્મિકા મંદાના, આલિયા ભટ્ટ જેવી બોલીવુડની અભિનેત્રીઓના ડીપફેક વીડિયો વાઈરલ થયા હતા. આ સિવાય કેટલાક હીરો અને જાણીતા લોકોના પણ બનાવટી વીડિયો ફરતા કરવામાં આવી રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે ૨૦૧૯થી અત્યાર સુધીમાં ભારતમાં ડીપફેક સાથે જોડાયેલા સાઈબર ગુનાઓમાં ૫૫૦ ટકાનો વધારો થયો છે. ૨૦૨૫ના અંત સુધીમાં ભારતીયોને આ સાઈબર ફ્રોડ, ગુનાખોરીના કારણે ૭૦,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન ગયાનો અંદાજ છે.

જાણકારો માને છે કે, એઆઈનો ઉપયોગ કરીને સાઈબર ગુનાખોરી આચરનારા લોકો પણ સોફ્ટ ટાર્ગેટ શોધે છે. તેઓ મોટાભાગે બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને ટાર્ગેટ કરતા હોય છે. તે બેન્કોની નકલી લિંક, નકલી એપ અને નકલી ઓનલાઈન વિગત બનાવીને યૂઝરના ફોનમાં વાઈરસ નાખી દે છે અને તેમનો ડેટા ચોરી લે છે. આ સિવાય લોકોના એકાઉન્ટમાંથી પૈસા કાઢી લેવા, તેમના ફોટા અને વીડિયોનો દૂરુપયોગ કરવો અને તેના દ્વારા તેમના સંબંધીઓને છેતરવા જેવી પણ કામગીરી કરવામાં આવી રહી છે.

મહત્ત્વનું એ છે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે સાઈબર ગુનાખોરીનું પણ સ્તર વધારી દીધું છે. એક સમય હતો જ્યારે સાઈબર ગુનેગારો ફિશિંગ માટે ઈમેલ અથવા મેસેજનો ઉપયોગ કરતા હતા. હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે સાઈબર હુમલા અને ગુનાખોરીને અત્યંત ભયાનક બનાવી દીધા છે. એઆઈની મદદથી કોઈપણ વ્યક્તિની લખવાની શૈલી, તેની સહી, તેના જેવા હેન્ડરાઈટિંગ, વગેરેનો ઉપયોગ કરીને બીજા લોકોને છેતરવામાં આવે છે. તે ઉપરાંત આવી નકલી માહિતી થતી નકલી મેસેજ, વોટ્સએપ ચેટ, સોશિયલ મીડિયા મેસેજ કે પોસ્ટ ઊભી કરીને છેતરપિંડી કરવામાં આવે છે. આ મેસેજની સાથે લિંક મોકલવામાં આવે છે જેને ઘણા લોકો સાચી સમજી લે છે અને સાઈબર ક્રાઈમનો ભોગ બને છે. એઆઈ આધારિત ડીપફેકની મદદથી હવે લોકોના ચહેરા, અવાજ અને તેમની બોડિલેન્ગવેજ પણ કોપી કરવામાં આવે છે. તેના કારણે અસલી કે નકલી તસવીર અને વીડિયોમાં ભેદ પારખી શકાતો નથી. 

નવાઈની વાત એ છે કે, ઘણા કિસ્સા એવા બન્યા છે જેમાં કંપનીના સીઈઓ અને માલિકના વીડિયો બનાવીને કર્મચારીઓને મોકલાવેલી લિંક ઉપર પેમેન્ટ કરાવડાવ્યું હોય છે. તેમની સાથે વીડિયો કોલ થકી છેતરપિંડી કરાઈ હોય અને ફાઈનાન્સિયલ ફ્રોડ પણ કરવામાં આવ્યું હોય છે. દુનિયાભરમાં આ ગુનાખોરી ખૂબ જ ઝડપથી વધી રહી છે.

ખાસ વાત એવી છે કે, એઆઈ દ્વારા માત્ર ક્લોનિંગ કે અન્ય રીતે છેતરપિંડી કરાય છે તેમ નથી. એઆઈની મદદથી ડેટા ચોરી અને પાસવર્ડ ચોરી પણ મોટાપાયે કરવામાં આવે છે. એઆઈ મોટા જથ્થામાં રહેલા ડેટાને સરળતાથી સમજી શકે છે અને તેના ઉપર પ્રોસેસ કરી શકે છે. તે પાસવર્ડના નંબર, આલ્ફાબેટ્સ અને પાસવર્ડ પેટર્ન પણ સમજી શકે છે અને તેને યાદ રાખી શકે છે. તેના કારણે જ પાસવર્ડ ગેસિંગ ખૂબ જ ઝડપી અને સરળ થઈ જાય છે. સાઈબર ગુનેગારો એઆઈ દ્વારા પાસવર્ડ તોડવા માટે એઆઈનો ઉપયોગ કરવા લાગ્યા છે. તેના કારણે જ પારંપરિક પાસવર્ડ એઆઈ સામે ખૂબ જ નબળા સાબિત થઈ રહ્યા છે.

બીજી તરફ ચિંતાજનક બાબત એવી પણ વધી છે કે, હવે એઆઈની મદદથી વધારે મજબૂત અને આકરા માલવેર બનાવાઈ રહ્યા છે. સાઈબર ગુનેગારો સ્માર્ટ માલવેર બનાવવા લાગ્યા છે જે જાતે જ સ્થિતિ પ્રમાણે શીખીને સિક્યોરિટી સિસ્ટમને તોડી કાઢે છે અથવા તો તેને છેતરીને ડેટા ચોરી લે છે. તે સિક્યોરિટી સિસ્ટમ પ્રમાણે પોતાની રણનીતિ બદલે છે અને સ્થિતિ પ્રમાણે કામ કરે છે. આવા એડવાન્સ માલવેર ઓળખવા અને તેને અટકાવવાનું કામ સામાન્ય એન્ટિવાઈરસ સિસ્ટમ દ્વારા થઈ શકે તેમ નથી. તેના માટે એડવાન્સ લેવલની સિસ્ટમ જરૂરી છે. આ ઉપરાંત એઆઈ દ્વારા ઓપરેટ કરવામાં આવતા બોટ્સ પણ હજારો સિસ્ટમને એકસાથે ટાર્ગેટ કરી શકે છે. 

આવા બોટ્સ દ્વારા ડિજિટલ ટ્રાફિકમાં તોતિંગ વધારો કરી શકાય છે અને તેને અટકાવી પણ શકાય છે આવી ઉથલ પાથલ સર્વર પામી શકતું નથી અને સિસ્ટમ ક્રેશ થઈ જાય છે. આ બધું જ એટલી ઝડપથી થાય છે સિક્યોરિટી સિસ્ટમને પ્રતિક્રિયા આપવાનો સમય જ મળતો નથી. ત્યારબાદ સિસ્ટમ રિસ્ટોર કરવા માટે હેકર્સ મોટાપાયે ખંડણીની માગણી કરતા હોય છે.

2024 લોકસભા ચૂંટણીમાં ડીપફેકનો ભયાનક સ્તરે દૂરુપયોગ થયો હતો

બીજી ચિંતાજનક બાબત એવી પણ છે કે, ચૂંટણીઓમાં પણ એઆઈ અને ડીપફેકનો ભયાનક સ્તરે દૂરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં પણ એઆઈનો મોટાપાયે દૂરુપયોગ થયો હતો. તે સમયે કોંગ્રેસના એક નેતાઓ એઆઈ દ્વારા વીડિયો બનાવીને વાઈરલ કરવામાં આવ્યો હતો. આ નેતાને હરિયાણવીમાં ભડકાઉ ભાષણ આપતા બતાવવામાં આવ્યા હતા. આ વીડિયોની તપાસ કરવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો કે તેઓ આ ભાષામાં એક શબ્દ પણ બોલી શકતા નથી. તેવી જ રીતે આમિર ખાન અને રણવીર સિંહ જેવા અભિનેતાઓ પણ રાજકીય પક્ષ માટે વોટ માગતા હોય તેવા વીડિયો બનાવાયા હતા. તે ઉપરાંત તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. એમ કરુણાનિધિનો ડીપફેક વીડિયો બનાવાયો હતો. 

તેઓ સ્ટાલિનના વખાણ કરતા બતાવાયા હતા. આ ઉપરાંત એઆઈની મદદથી સાઈબર ફ્રોડના કિસ્સા પણ સતત વધી રહ્યા છે. થોડા દિવસ પહેલાં જ ૭૯ વર્ષની એક મહિલા સાથે ૩૫ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આ છેતરપિંડી કરનારા લોકો દ્વારા ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિના ડીપફેક વીડિયોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેના થકી તેઓ મહિલાને નકલી ટ્રેડિંગ સાઈટ ઉપર લઈ ગયા અને ત્યાં ફુલેકુ ફેરવી દીધું. તેવી જ રીતે મુકેશ અંબાણીના ડીપફેક વીડિયો દ્વારા બે લોકો સાથે ૯૫ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. તેવી જ રીતે કેરળમાં એક વ્યક્તિને તેના પૂર્વ સાથી કર્મચારીના નકલી વીડિયો દ્વારા વોટ્સએપ કોલ કરીને છેતરપિંડી કરવામાં આવી હતી. 

ભારતમાં ડીપફેક કે એઆઈ દ્વારા થતા ગુના માટે કોઈ નક્કર કાયદા નથી 

ભારતમાં હાલમાં સાઈબર ગુનાખોરી માટે કેટલાક કાયદા છે પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડીપફેક દ્વારા જે ગુનાખોર આચરવામાં આવી રહી છે તેના માટે કોઈ નક્કર કાયદા નથી. હાલના સમયે પણ આઈટી એક્ટ હેઠળ જ ગુના દાખલ કરવામાં આવે છે. તેમાં ૬૬ડી હેઠળ કમ્પ્યૂટરના દૂરુપયોગની કલમ લગાડાય છે. તે ઉપરાંત ૬૭, ૬૭A, ૬૭B હેઠળ અશ્લીલ સામગ્રી ફેલાવવાનો ગુનો દાખલ કરવામાં આવે છે. તે ઉપરાંત આઈપીસીની ૪૯૯-૫૦૧ દ્વારા માનહાનીનો કેસ, કલમ ૫૦૯ હેઠળ મહિલાઓની ગરિમાને ઠેસ પહોંચાડવાનો અને અપમાન કરવાનો કેસ તથા ૪૬૯ હેઠળ છેતરપિંડીના આશયથી ફસાવવાનો ગુનો નોંધાય છે. જાણકારોના મતે ડીપફેક અને એઆઈના સ્પષ્ટ પરિભાષા ન હોવાથી ભારતમાં આ દિશામાં કાયદા હજી જોઈએ તેવા નક્કર નથી. 

હાલમાં સાઈબર ક્રાઈમના પોર્ટલ ઉપર અને નંબર ઉપર ફરિયાદ કરાય છે. ૨૦૨૪ સુધીમાં ૧૪ કરોડ લોકોએ આ સાઈટ ઉપર ફરિયાદ નોંધાવી છે. તેવી જ રીતે ડીપફેકના એનાલિસિસ માટે એક યુનિટ બનાવાયું છે. અહીંયા શંકાસ્પદ વીડિયો અને ઓડિયોની તપાસ કરાય છે. મુળ મુદ્દે વાત એટલી જ છે કે, ભારતમાં જે સ્તરે સાઈબર ગુનાખોરી વધી રહી છે તેની સામે નક્કર કાયદા અને આકરી સજાની કોઈ જોગવાઈ નથી. લોકો આ રીતે જે પૈસા ગુમાવે છે તેના ૧૦ ટકા પણ પરત મેળવી શકતા નથી.  

Tags :