Get The App

બાદશાહની ક્લબ-રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ, બિશ્નોઈનો ઉદ્દેશ બોલીવુડમાં ધાક

Updated: Nov 28th, 2024

GS TEAM

Google News
Google News
બાદશાહની ક્લબ-રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ, બિશ્નોઈનો ઉદ્દેશ બોલીવુડમાં ધાક 1 - image


- બાદશાહનું 2019નું ગીત 'યે લડકી પાગલ પાગલ'ને 24 કલાકમાં જ 7.50 કરોડ વ્યૂ મળેલા. આસ્થા ગિલ સાથે ગાયેલા પાની પાની ગીતને 100 કરોડ વ્યૂ મળેલા છે

લોરેન્સ બિશ્નોઈ ગેંગ લાંબા સમયથી બોલીવુડમાં પોતાની ધાક ઉભી કરવા મથે છે. બિશ્નોઈ ગેંગ કાળિયારના શિકારને બહાને સલમાન ખાનને નિશાન બનાવવા મથી રહી છે એ પાછળનું સાચું કારણ બોલીવુડમાં ધાક ઉભી કરીને ખંડણીનું નેટવર્ક જમાવવાનું છે એવું પોલીસ માને જ છે. બાદશાહને પણ આ જ કારણે ટાર્ગેટ કરાયો હોઈ શકે કેમ કે બાદશાહ અત્યારે મનોરંજન જગતમાં ચલણી સિક્કો છે. બાદશાહની ઉંમર ૪૦ વર્ષની આસપાસ છે પણ તેની લોકપ્રિયતા જબરદસ્ત છે. પોતાનીં આગવી સ્ટાઈલ અને રેપ સોંગ્સ દ્વારા બાદશાહે એવી જબરદસ્ત બ્રાન્ડ ઉભી કરી છે કે, મોટા ભાગનાં લોકોને તો બાદશાહનું સાચું નામ શું એ પણ ખબર નથી ને બાદશાહ પંજાબી નથી એ પણ લોકો જાણતાં નથી.

પંજાબ અને હરિયાણાના સંયુક્ત રાજધાની એવા કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પોશ મનાતા પહેલાં સેક્ટર-૨૬માં બે ક્લબ-રેસ્ટોરન્ટની બહાર થયેલા બે બોમ્બ વિસ્ફોટે કારણે ખળભળાટ મચાવ્યો છે. સેવિલે બાર અને લાઉન્જ ક્લબ અને ડી'ઓરા રેસ્ટોરન્ટની બહાર મંગળવારે વહેલી સવારે ૩.૧૫ કલાકથી ૩.૩૦ કલાક એટલે કે ૧૫ મિનિટના ગાળામાં થયેલા બ્લાસ્ટમાં કોઈ જાનહાનિ થઈ નથી કે મોટું નુકસાન પણ થયું નથી. 

સૂતળી બોમ્બમાં ખિલા ભરીને બનાવાયેલા સાવ દેશી બોમ્બના વિસ્ફોટમાં સેવિલે બાર એન્ડ લોન્જ અને ડી'ઓરા ક્લબની બહારના કાચ તૂટી ગયા એ સિવાય બીજું કંઈ થયું નથી છતાં ખળભળાટ મચવાનું એક કારણ એ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩ ડીસેમ્બરે ચંદીગઢ જવાના છે. દેશના વડાપ્રધાનની યાત્રાના દિવસો પહેલાં શહેરમાં સુરક્ષાની વ્યવસ્થા જડબેસલાક થઈ જવી જોઈએ પણ તેના બદલે આ રીતે બોમ્બ બ્લાસ્ટ થાય તેના કારણે ખળભળાટ મચે જ. 

બીજું કારણ એ છે કે, સેવિલે બાર અને લાઉન્જ ક્લબ અને ડી'ઓરા રેસ્ટોરન્ટ બંનેની માલિકી યંગસ્ટર્સમાં ભારે લોકપ્રિયતા ધરાવતા સિંગર અને રેપર બાદશાહની છે. ખળભળાટનું ત્રીજું કારણ બોમ્બ બ્લાસ્ટ પછી ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે મૂકેલી પોસ્ટ છે. સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના સાથી ગોલ્ડી બ્રારે સોશિયલ મીડિયામાં બ્લાસ્ટની જવાબદારી લેતાં લખ્યું છે કે, બાદશાહે ખંડણી એટલે કે પ્રોટેક્શન મની ના આપતાં તેને ચીમકી આપવા બ્લાસ્ટ કરાયા છે. 

આ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખાયું છે કે, બંને બ્લાસ્ટની લોરેન્સ ગેંગના ગોલ્ડી બરાર અને રોહિત ગોદારા (લોરેન્સ ગેંગ) જવાબદારી લે છે. આ બંને ક્લબના માલિકોને પ્રોટેક્શન મની મેસેજ કરવામાં આવ્યો હતો પણ તેમને અમારા કોલની રીંગ સંભળાતી નહોતી અમારા મેસેજને ગણકાર્યા નહીં તેથી તેમના કાન ખોલવા માટે આ ધડાકા કરવામાં આવ્યા છે. અમારા કોલ્સને અવગણનારાં બધાંએ સમજી લેવું પડશે કે, દરેક વાર ચીમકી નહીં અપાય ને મોટું કંઈક થઈ શકે છે.

આ પોસ્ટ ખરેખર ગોલ્ડી બ્રાર અને રોહિત ગોદરાએ મૂકી છે કે, કોઈએ તેમનું નામ વટાવી ખાધું એ ખબર નથી પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગ પાસે બાદશાહને નિશાન બનાવવા માટે કારણ છે જ. લોરેન્સ બિશ્નોઈ ગેંગ લાંબા સમયથી બોલીવુડમાં પોતાની ધાક ઉભી કરવા મથે છે. બિશ્નોઈ ગેંગ કાળિયારના શિકારને બહાને સલમાન ખાનને નિશાન બનાવવા મથી રહી છે એ પાછળનું સાચું કારણ બોલીવુડમાં ધાક ઉભી કરીને ખંડણીનું નેટવર્ક જમાવવાનું છે એવું પોલીસ માને જ છે. બાદશાહને પણ આ જ કારણે ટાર્ગેટ કરાયો હોઈ શકે કેમ કે બાદશાહ અત્યારે મનોરંજન જગતમાં ચલણી સિક્કો છે. 

બાદશાહની ઉંમર ૪૦ વર્ષની આસપાસ છે પણ તેની લોકપ્રિયતા જબરદસ્ત છે. પોતાનીં આગવી સ્ટાઈલ અને રેપ સોંગ્સ દ્વારા બાદશાહે એવી જબરદસ્ત બ્રાન્ડ ઉભી કરી છે કે, મોટા ભાગનાં લોકોને તો બાદશાહનું સાચું નામ શું એ પણ ખબર નથી ને બાદશાહ પંજાબી નથી એ પણ લોકો જાણતાં નથી. ૧૯ નવેમ્બર ૧૯૮૫ના રોજ જન્મેલા બાદશાહનું સાચું નામ આદિત્ય પ્રતીક સિંઘ સિસોદિયા છે પણ લોકોમાં બાદશાહ તરીકે જ ઓળખાય છે. 

બાદશાહ મૂળ હરિયાણાનો છે પણ તેનો જન્મ દિલ્હીમાં થયો હતો. તેના પિતા  દિલ્હીમાં સરકારી અધિકારી હતા જ્યારે માતા શિક્ષિકા હતી. બાદશાહની માતા પંજાબી મૂળની છે. બાદશાહને એક નાની બહેન છે જેનું નામ અપરાજિતા સિંહ છે.  દિલ્હીના પિતામપુરાની બાલ ભારતી પબ્લિક સ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ લેનારા બાદશાહે ચંદીગઢમાં પંજાબ યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે. યુનિવર્સિટીમાં બાદશાહ રેપ લખતો ને તેનાં રેપ બીજા કલાકારો ગાતા તેથી એન્જીનિયરિંગમાં કારકિર્દી બનાવવાના બદલે મ્યુઝિકમાં જ આવી ગયો.

બાદશાહે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં પોતાના કરિયરની શરૂઆત 'કૂલ ઈક્વલ' નામથી કરી હતી પણ પછી તેનું નામ બદલીને બાદશાહ કરી લીધું. બાદશાહે નવેમ્બર ૨૦૦૬માં પહેલું ગીત 'સોડા વ્હિસ્કી'નું નિર્માણ કરેલું પણ આ ગીત સુપર ફ્લોપ થયેલું. બાદશાહે એ પછી યો યો હની સિંહ, રફ્તાર, અલ્ફાઝ અને જે સ્ટાર સાથે ૨૦૧૧માં 'પાંચ બેગમ' ગીત બનાવેલું. આ ગીત ચાલ્યું ને બાદશાહનું નામ થયું. એ જ વખતે યો યો હનીસિંહ સાથે મતભેદ થતાં બાદશાહ અલગ થયો. લગભગ બે વર્ષના સંઘર્ષ પછી બાદશાહના હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયામાં  સેટરડે સેટરડે ગીત માટે ચાન્સ મળ્યો. આ ગીત સુપરહીટ થતાં બાદશાહના દિવસો બદલાઈ ગયા. ૨૦૧૪માં જ ખૂબસૂરતનું આસ્થા ગિલ સાથેનું અભી તો પાર્ટી શુરૂ હુઈ હૈ ગીત સુપરહીટ થયું ને બાદશાહે એ પછી પાછા વળીને જોયું નથી.  બાદશાહે પોતે કમ્પોઝ કરેલાં ગીતો યુટયુબ પર રીલીઝ કરવા માંડયાં અને તેને પણ જબરદસ્ત સફળતા મળી છે. બાદશાહનું ૨૦૧૯નું ગીત 'યે લડકી પાગલ પાગલ'ને ૨૪ કલાકમાં જ ૭.૫૦ કરોડ વ્યૂ મળેલા. આસ્થા ગિલ સાથે ગાયેલા પાની પાની ગીતને ૧૦૦ કરોડ વ્યૂ મળેલા છે.

બાદશાહની કરીયરમાં આવા તો ઘણા માઈલસ્ટોન છે ને એ બધાંની વાત કરવા બેસીશું તો પાર નહીં આવે પણ વાતનો સાર એ છે કે, બાદશાહ અત્યારે મનોરંજન જગતમાં સૌથી લોકપ્રિય કલાકારોમાં એક છે. તેનાં ગીતોના કરોડોમાં વ્યૂ હોય છે, ટીવી પરના તેના શોની ટીઆરપી પણ સારી છે ને આ બધાં કારણોસર બાદશાહ નોટો પર નોટો છાપી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ સતત ચર્ચામાં રહે છે. સલમાનને નમાવવામાં નિષ્ફળ બિશ્નોઈને બાદશાહ સોફ્ટ ટાર્ગેટ લાગ્યો હોય તેથી બ્લાસ્ટ કરાયા હોય એ શક્ય છે. બાદશાહ બોમ્બ બ્લાસ્ટથી ફફડી જાય ને ખંડણી આપી દે તો મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં બીજા તો એમ જ ફફડી જાય. બિશ્નોઈ સામે બાદશાહનું કંઈ નથી ચાલતું તો આપણે કઈ વાડીના મૂળા એમ સમજીને બિશ્નોઈ ગેંગ સામે આખી મ્યુઝિક ઈન્ડસ્ટ્રી ઘૂંટણ ટેકવી દે એ શક્ય છે.

પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા સાથેના સંબધોના કારણે ચર્ચામાં, મૃણાલ ઠાકુર સાથે પણ અફેર

બાદશાહ છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાની એક્ટર હાનિયા આમિર સાથેના સંબંધોને કારણે પણ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર હાનિયા આમિરની પોસ્ટ્સ અને દુબઈમાં બાદશાહના કોન્સર્ટમાં હાનિયાની હાજરીના કારણે બંનેને સંબંધો ચર્ચામાં છે. આ સિવાય એક્ટ્રેસ ઈશા રીખિ અને મૃણાલ ઠાકુર સાથે પણ બાદશાહનું અફેર હતું. આ પૈકી ઈશ સાથેના અફેરનો તો બાદશાહે સ્વીકાર પણ કર્યો છે. 

બાદશાહે ૨૦૧૨માં જાસ્મીન મસીહ સાથે લગ્ન કર્યા હતા. જાન્યુઆરી ૨૦૧૭માં જાસ્મિને દીકરીને જન્મ આપ્યો કે જેનું નામ જેસેમી ગ્રેસ મસીહ સિંઘે છે.  ૨૦૨૦માં બંનેએ છૂટાછેડા લીધા પછી બાદશાહના પંજાબી એક્ટ્રેસ ઈશા રીખી સાથે સંબંધો હતા. રિખી પંજાબી ફિલ્મો 'દો દૂની પંજ', 'હેપ્પી ગો લકી', 'અરદાસ' અને 'જટ્ટ બોય્ઝ પુટ્ટ જટ્ટન દે'માં અભિનય કરી ચૂકી છે. આ પૈકી 'દો દૂની પંજ'નું નિર્માણ તો બાદશાહે પોતે જ કર્યું હતું. ૨૦૨૨માં બંને પરણવાનાં હોવાની વાચો પણ ઉડી હતી પણ બાદશાહે આ વાતોનો ઈન્કાર કર્યો હતો. એ જ અરસામાં મૃણાલ ઠાકુર સાથે તેનું અફેર ચાલી રહ્યું હોવાની વાતો પણ ચાલી હતી. 

પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર સાથે છેલ્લાં બે વર્ષથી તેનું અફેર હોવાનું કહેવાય છે. ૨૭ વર્ષની હાનિયા પંજાબી, ઉર્દૂ ટેલિવિઝન અને ફિલ્મોમાં કામ કરે છે. કોમેડી ફિલ્મ જનાન (૨૦૧૬)થી એક્ટિંગ શરૂ કરનારી હાનિયા જાણીતી ગાયિકા પણ છે. હાનિયા અને બાદશાહ દુબઈમાં લિવ ઈન રીલેશનમાં રહેતાં હોવાની વાતો પણ ચાલી રહી છે.

બાદશાહ ડ્રગ્સ-ગેંગસ્ટરથી અલિપ્ત, મોટા વિવાદો વિનાની સ્વચ્છ ઈમેજ

પંજાબી ગીતો ગાનારા મોટા ભાગના સિંગર્સ ડ્રગ્સ અને ગેંગસ્ટર સાથે સંબંધોના દૂષણમાં ફસાય છે પણ બાદશાહ એ બધાથી અલિપ્ત છે. બીજા સિંગર્સની જેમ બાદશાહ ડ્રગ્સ લે છે કે ગેંગસ્ટર્સ સાથે સંબધો ધરાવે છે એવા આક્ષેપો પણ કદી થયા નથી. યો યો હનીસિંહ સહિતના ગાયકો ડ્રગ્સના રવાડે ચડીને બરબાદ થયા એવું બાદશાહના કિસ્સામાં નથી બન્યું. બાદશાહની ઈમેજ એકદમ પ્રોફેશનલ અને પોતાની મ્યુઝિક કરીયરને વળગી રહેનારા ગાયકની છે.  

બાદશાહની કારકિર્દીમાં વિવાદો ઉભા થયા છે પણ બાદશાહે માફી માગીને કે બીજી રીતે એ વિવાદો ઉકેલી દીધા છે. ગયા વરસે સનક ગીતમાં ભગવાન મહાદેવના ઉલ્લેખને કારણે વિવાદ થયો પછી બાદશાહે તરત માફી માગી લીધી હતી. એ પહેલાં બાદશાહે યે લડકી પાગલ હૈ ગીતના પ્રમોશન માટે ૭૨ લાખ રૂપિયા ખર્ચીને વ્યૂ મેળવ્યા હોવાનો વિવાદ થયેલો પણ બાદશાહે પોલીસ સામે તેની પણ કબૂલાત કરી લીધી હતી. 

બાદશાહનો હનીસિંહ સાથેનો વિવાદ પણ બહુ ચાલ્યો છે. હની અને બાદશાહ બંને માફિયા મુંડેર નામના પ્લેટફોર્મ પર સાથ કામ કરતા. બાદશાહના આક્ષેપ પ્રમાણે, હનીસિંહને પોતાની કારકિર્દી બનાવવામાં જ રસ હોવાથી પોતે લખેલાં ગીતોની પણ ક્રેડિટ ના આપી તેથી પોતે તેનાથી અલગ થયેલો. હનીસિંહે પોતાને રોલ્સ રોયસ કાર અને બાદશાહને તાતા નેનો કાર સાથે સરખાવીને તથા તેની વિરૂધ્ધ ગીતો બનાવીને અપમાનિત કરેલો. બાદશાહે પણ એ બધું કરેલું પણ થોડા સમય પહેલાં હનીસિંહની માફી માગીને આ વિવાદ પર પણ પડદો પાડવા પ્રયત્ન કરેલો.

Tags :