Get The App

ભડકે બળતા જંગલો : પ્રકૃતિ અને પર્યાવરણ સામે મોટું સંકટ!

Updated: May 28th, 2026

GS TEAM

Google News
Google News
ભડકે બળતા જંગલો : પ્રકૃતિ અને પર્યાવરણ સામે મોટું સંકટ! 1 - image

- કસૌલીમાં પર્વતો ઉપર આવેલું જંગલ બળીને ખાખ થઈ ગયું, દર વર્ષે આકરા ઉનાળામાં ભારત સહિત દુનિયાના ઘણા જંગલો ભડકે બળે છે 

- દર વર્ષે દાવાનળના કારણે દેશભરના જંગલો બળીને ખાખ થઈ રહ્યા છે. તેનાથી પ્રાકૃતિક વારસાનો તો નાશ થાય છે પણ સાથે સાથે વન્ય જીવો, પર્યાવરણ અને અર્થતંત્રને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. જંગલોમાં આગ લાગવાની ઘટના છેલ્લાં કેટલાક વર્ષોમાં ચિંતાજનક રીતે વધી છે. ગ્લોબલ વોર્મિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ, માણસોની બેદરકારી, તંત્રની અનિચ્છા જેવા ઘણા પરિબળો આ સ્થિતિને અસર કરી રહ્યા છે : દેશના કુલ ભૌગોલિક વિસ્તારના માત્ર 25.17 ટકા વિસ્તારમાં જ જંગલો અને ગ્રીન કવર છે. સ્ટેટ ઓફ વાઈલ્ડ ફાયર્સના રીપોર્ટમાં જણાવાયું છે કે, જંગલોમાં વર્ષ 2000થી 2019 વચ્ચે આગ લાગવાની ઘટનાઓમાં 10 ગણો વધારો થયો છે. ઉત્તરાખંડ, હિમાચલ અને પંજાબના જંગલોને પણ વ્યાપક નુકસાન થયું છે. હિમાલય વિસ્તારમાં આવેલા જંગલોમાં ચીડના વૃક્ષો ઝડપથી આગ પડકી લે છે. તેમાંય ચીડના અણિદાર લાંબા પાંદડા આગ ફેલાવાનું સૌથી મોટું કારણ હોય છે : નવેમ્બર 2024થી જૂન 2025 સુધીમાં જંગલોમાં આગ લાગવાની ઘટનાઓમાં તોતિંગ વધારો નોંધાયો હતો. સુઓમી નેશનલ પોલર ઓર્બિટિંગ પાર્ટનરશિપ સેટેલાઈટના સેન્સર દ્વારા જે ડેટા આપવામાં આવ્યો તેમાં આ વનવિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા હોવાનું સામે આવ્યું હતું. આ સિવાય ગત વર્ષે જંગલોમાં લાગેલી આગના કારણે 1.50 કરોડ લોકો અસરગ્રસ્ત થયા હતા

દેશમાં એક તરફ ભયાનક ગરમી વધી રહી છે અને બીજી તરફ ગરમીના કારણે એક નવી જ સમસ્યાએ આકાર લીધો છે. ભારતના ઘણા જંગલોમાં દાવાનળ ફાટવાની ઘટનાઓ બની રહી છે. તાજતરમાં કસૌલી ખાતે પર્વતો ઉપર આવેલું જંગલ મોટાપાયે નષ્ટ થઈ ગયું હતું. 

જંગલનો અનેક વિસ્તાર દાવાનળની ઝપેટમાં આવી ગયો હતો. જંગલોમાં લાગેલી આગ ત્યાં આવેલા એરફોર્સ સ્ટેશન સુધી પહોંચી ગઈ હતી. સ્થાનિક તંત્ર અને ફાયરબ્રિગેડ દ્વારા આગ કાબુ કરવા મથામણ કરવામાં આવી રહી હતી પણ સફળતા મળતી નહોતી. એરફોર્સ દ્વારા ત્યારબાદ હેલિકોપ્ટરની મદદથી મોટાપાયે પાણી છાંટીને આગને કાબુ કરવામાં આવી હતી. 

ઉલ્લેખનીય છે કે, આ માત્ર આ વર્ષની કે એક જ ઘટના નથી. દર  વર્ષે ઉનાળા દરમિયાન હિમાચલના જંગલોમાં આગ લાગે છે અને તેના કારણે વૃક્ષો, વન્યજીવો, આસપાસ રહેતા લોકોના જીવ જોખમમાં આવી જાય છે. મોટાભાગે માણસો દ્વારા કરવામાં આવતી એક ભુલને પગલે જંગલ ભડકે બળતું હોય છે. કેટલાક કિસ્સામાં વૃક્ષ એકબીજા સાથે ટકરાય અને ઘર્ષણને પગલે ગરમીથી આગ લાગે તેવું પણ થતું હોય છે. 

કસૌલીમાં પણ કેટલાક લોકો દ્વારા ચીડના પાંદડા સળગાવવામાં આવ્યા હોવાનું મનાય છે. તેના કારણે સમગ્ર જંગલમાં આગ ફેલાઈ ગઈ અને લાખો વૃક્ષોને ખાખ કરી નાખ્યા. એરફોર્સના બે એમઆઈ ૧૭ અને ચિનૂક હેલિકોપ્ટર દ્વારા ચંડીગઢના સુખના સરોવર ખાતેથી વારંવાર પાણી ભરીને કલાકોની મહેનત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો.

ચિંતાજનક વાત એવી છે કે, દર વર્ષે દાવાનળના કારણે દેશભરના જંગલો બળીને ખાખ થઈ રહ્યા છે. તેનાથી પ્રાકૃતિક વારસાનો તો નાશ થાય છે પણ સાથે સાથે વન્ય જીવો, પર્યાવરણ અને અર્થતંત્રને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. 

જંગલોમાં આગ લાગવાની ઘટના છેલ્લાં કેટલાક વર્ષોમાં ચિંતાજનક રીતે વધી છે. ગ્લોબલ વોર્મિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ, માણસોની બેદરકારી, તંત્રની અનિચ્છા જેવા ઘણા પરિબળો આ સ્થિતિને અસર કરી રહ્યા છે. જંગલોની જે હાલની પરિસ્થિતિ છે તે જોતાં લાગી રહ્યું છે કે, હવે જાગ્રત થવાની જરૂર છે અને સભાનતા સાથે જંગલો બચાવવા માટે નક્કર પગલાં લેવા પડશે. 

ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રીપોર્ટ ૨૦૨૩ના આંકડા જણાવે છે કે, દેશના કુલ ભૌગોલિક વિસ્તારના માત્ર ૨૫.૧૭ ટકા વિસ્તારમાં જ જંગલો અને ગ્રીન કવર છે. સ્ટેટ ઓફ વાઈલ્ડ ફાયર્સના રીપોર્ટમાં જણાવાયું છે કે, જંગલોમાં વર્ષ ૨૦૦૦થી ૨૦૧૯ વચ્ચે આગ લાગવાની ઘટનાઓમાં ૧૦ ગણો વધારો થયો છે. વર્ર્ષ ૨૦૨૪-૨૫માં ઉત્તર પ્રદેશના જંગલમાં આગની ઘટના બની હતી. તે સમયે આ જંગલ સૌથી વધારે અસરગ્રસ્ત રહ્યું હતું. ઉત્તરાખંડ, હિમાચલ અને પંજાબના જંગલોને પણ વ્યાપક નુકસાન થયું છે. 

હિમાલય વિસ્તારમાં આવેલા જંગલોમાં ચીડના વૃક્ષો ઝડપથી આગ પડકી લે છે. તેમાંય ચીડના અણિદાર લાંબા પાંદડા આગ ફેલાવાનું સૌથી મોટું કારણ હોય છે. તેના સુકા પાંદડામાં પણ તેલનું પ્રમાણ વધારે હોય છે જે આગમાં ઘી જેવું કામ કરે છે. 

બીજી તરફ મધ્યભારતની વાત કરીએ તો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને મહારાષ્ટ્રમાં સાલ અને વાંસના જંગલો આવેલા છે. માર્ચ મહિનાથી જૂન મહિના દરમિયાન અહીંયા અત્યંત શુષ્ક વાતાવરણ હોય છે. 

આ બંને પ્રકારના વૃક્ષો ઝડપથી આગની ઝપેટમાં આવી જાય છે. દર વર્ષે અહીંયા જંગલોમાં આગ લાગે જ છે. તેમાંય એપ્રિલ અને મે મહિના દરમિયાન સૌથી ભીષણ આગ લાગવાની શક્યતાઓ રહેલી છે. દક્ષિણ બારતની વાત કરીએ તો આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકના જંગલો પણ દાવાનળનો ભોગ બને છે. તેવી જ રીતે અસમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરાના જંગલો પણ દાવાનળ મામલે અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. અહીંયા પણ આગની ઘટનાઓ ઉનાળા દરમિયાન અવારનવાર થતી જ હોય છે. 

આ વર્ષે પણ ભારતમાં અસહ્ય ગરમી પડી છે અને હાલમાં પણ પડી રહી છે. તેના કારણે જંગલોને વ્યાપક અસર થઈ છે. થોડા સમય પહેલાં જ આવેલા સેટેલાઈટ ઈમેજિસ અને અહેવાલો જણાવે છે કે, દેશના એક ડઝનથી વધારે રાજ્યોના જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ બની છે. તાજેતરમાં ઉત્તરાખંડની વિગતો સામે આવી તેના પહેલાં મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢના જંગલોમાં આગની ઘણી ઘટનાઓ બની છે. તે ઉપરાંત તમિલનાડુના જંગલોમાં પણ ભીષણ આગ લાગ્યાના બનાવો છે. 

તમિલનાડુના નિલગિરિ જિલ્લાના મુદુમલઈ, કોયંબતુર અને ઈરોડના જંગલોમાં ભયાનક આગ લાગવાની ઘટનાઓ બની છે. અહીંયા પણ વાયુસેનાની મદદથી આગ ઠારવાનું કામ કરવામાં આવ્યું છે. તેવી જ રીતે અસમ અને મણિપુરના જંગલોમાં પણ વ્યાપક દાવાનળ ફાટી નીકળ્યો છે. 

ગત વર્ષે પણ ઘણા અહેવાલો સામે આવ્યા હતા જેમાં જણવાયું હતું કે, ભારતના જંગલોમાં દાવાનળ ફાટવાની ઘટનાઓ અને તેની અસરો ખૂબ જ મોટાપાયે વધી રહી છે. નવેમ્બર ૨૦૨૪થી જૂન ૨૦૨૫ સુધીમાં જંગલોમાં આગ લાગવાની ઘટનાઓમાં તોતિંગ વધારો નોંધાયો હતો.

 સુઓમી નેશનલ પોલર ઓર્બિટિંગ પાર્ટનરશિપ સેટેલાઈટના સેન્સર દ્વારા જે ડેટા આપવામાં આવ્યો તેમાં આ વનવિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા હોવાનું સામે આવ્યું હતું. આ સિવાય ગત વર્ષે જંગલોમાં લાગેલી આગના કારણે ૧.૫૦ કરોડ લોકો અસરગ્રસ્ત થયા હતા. 

આ માત્ર ભારતમાં જ થાય છે તેવું નથી. વૈશ્વિક સ્તરે ગત વર્ષે કેનેડા અને અમેરિકાના લાખો વર્ગકિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા જંગલો પણ બળીને ખાખ થઈ ગયા હતા.

ખાસ વાત એવી છે કે, માત્ર ભારતમાં જ જંગલોમાં ભીષણ આગ લાગે છે તેવું નથી. અમેઝોનના જંગલોમાં આવી ઘટનાઓ બને છે. 

બ્રાઝિલ સહિત અનેક દેશોમાં ફેલાયેલા આ વર્ષાવનને વિશ્વના ફેફસાં કહેવાય છે. તેમાં કરોડોની સંખ્યામાં વૃક્ષો આવેલા છે. અહીંયા પણ ગમે ત્યારે દાવાનળ ફેલાય છે. તેના દ્વારા માત્ર વૃક્ષોને નુકસાન થાય છે તેવું નથી. તેના દ્વારા જાનવરો, છોડ, પક્ષીઓ અને દુર્લભ જીવજંતુઓને પણ અસર થાય છે. અહીંયા રહેનારા આદિવાસી સમુદાયો પોતાની રોજીરોટી અને જમીન પણ ગુમાવે છે. તે ઉપરાંત કાર્બનડાયોક્સાઈડ અને કાર્બન મોનોક્સાઈડ જેવા ઝેરી ગેસ હવામાં ભળે છે જે વધારે નુકસાન કરે છે. 

તાજેતરમાં જાણકારોએ ચેતવણી ઉચ્ચારી હતી કે, જો જંગલોની આગને ધ્યાનમાં રાખીને કામ નહીં કરવામાં આવે તો આગળ જતાં વિશ્વના ફેફસાંને વ્યાપક નુકસાન થશે. તેવી જ રીતે ઓસ્ટ્રેેલિયામાં પણ દર વર્ષે વ્યાપક રીતે જંગલોમાં આગ લાગે છે. અહીંયા ૨૦૧૯-૨૦માં ભયાનક દાવાનળ ફાટયો હતો. આ આગમાં આસપાસા હજારો મકાનો પણ સગળી ગયા હતા. 

અનેક શહેરોમાં નારંગી રંગની આગ અને કાળો ધુમાડો આકાશમાં દેખાતો હતો. તેમાંય કોઆલા જેવા પ્રાણીના જંગલને ખૂબ જ નુકસાન ગયું ગતું. તેવી જ રીતે ૨૦૨૩માં કેનેડામાં ભયાનક આગ લાગી હતી. આ આગ એટલી વિશાળ હતી કે, તે અમેરિકાના કેટલાક શહેરો સુધી પહોંચી હતી અને લોકો માટે કફોડી સ્થિતિનું સર્જન થયું હતું.

જંગલોમાં આગ લાગવાની 90 ટકા ઘટનાઓ માનવસર્જિત જ હોય છે : જાણકારો 

થોડા સમય પહેલાં જ એક અહેવાલ આવ્યો હતો જેમાં જણાવાયું હતું કે, ભારતમાં જંગલોમાં આગ લાગવાની ઘટનાઓમાં ૯૦ ટકા ઘટનાઓ માનવ સર્જિત હોય છે. તેમાં સીધી કે આડકતરી રીતે માણસો જ જવાબદાર હોય છે. 

ખેતરોમાં પરાળી સળગાવવા દરમિયાન ઘણી વખત જંગલો નજીક હોય તો આગ ત્યાં ફેલાઈ જાય છે. બીજી તરફ જંગલોમાંથી આયુર્વેદિક વનસ્પતીઓ, છોડ અને વસ્તુઓની દાણચોરી કર્યા બાદ, ગેરકાયદે કાપણી અને ખનન કર્યા બાદ પુરાવા ન મળે તે માટે આગ લગાડવામાં આવે છે અને આગ જંગલમાં ફેલાઈ જાય છે. બીજી તરફ પ્રવાસીઓ, સ્થાનિકો દ્વારા જંગલમાં ફરવા દરમિયાન બીડી અને સિગારેટ તથા ઘણી વખત માચીસની સળગતી સળી નાખી દેવામાં આવે છે અને આગ ફેલાવા લાગે છે. તે સિવાય શિકારીઓ અને મેલીવિદ્યા કરનારા જંગલોમાં આગ લગાડે છે અને સ્થિતિ કાબુ બહાર જતી રહે છે. 

જંગલોમાં લાગતી આગ ગ્લોબલ વોર્મિંગનું પણ પરિણામ છે. ક્લાઈમેટ ચેન્જના કારણે ગરમીનો સમયગાળો વધી ગયો છે. તેમાંય શુષ્ક વાતાવરણ, ઝડપી પવન અને અત્યંત વધારે તાપમાનને કારણે ચીડ અને યુકેલિપ્ટરના વૃક્ષોમાં આગ લાગતી હોય છે અને તેના જ પાંદડા દ્વારા આગ વધારવામાં મોટી ભૂમિકા ભજવવામાં આવે છે. જાણકારોના મતે જંગલમાં ફેલાતા દાવાનળમાં લાખો જીવજંતુઓ અને પશુ-પક્ષીઓનાં મોત થતા હોય છે. વૃક્ષો સળગી જાય છે. તેના કારણે કાર્બન ઉત્સર્જન પણ વધે છે. દર વર્ષે વૈશ્વિક સ્તરે જંગલોમાં જે આગ લાગે છે તેના કારણે ૧૪.૩ કરોડ ટન ઝેરી પ્રદુષકો હવામાં ભળતા હોય છે. તેના કારણે લોકો ગંભીર બિમારીઓનો ભોગ બને છે. વિદેશોમાં આગ ફેલાતી અટકાવવા માટે ટેક્નોલોજી, જનભાગીદારી અને નીતિગત પ્રયાસો કરવામાં આવે છે. તેના માટે વિવિધ સરકારી રણનીતિઓ અને પોલિસી બનાવાય છે. ભારતમાં પણ આવી દુર્ઘટનાઓ અટકાવવી હશે તો વ્યાપક રીતે વિચારવું પડશે અને પગલાં લેવા પડશે.