Get The App

ભારતના સાઈબર ગુનેગારો સૌથી વધુ અમેરિકનોને લૂંટે છે

Updated: Mar 28th, 2026

GS TEAM

Google News
Google News
ભારતના સાઈબર ગુનેગારો સૌથી વધુ અમેરિકનોને લૂંટે છે 1 - image

- શિક્ષિત યુવાનોમાં બેરોજગારીનું વધેલું પ્રમાણ તેમને સાઈબર ગુના તરફ ધકેલી રહ્યું છે : 25,000 પગારમાં આવા કોલ સેન્ટરમાં નોકરીઓ કરવા લોકો તત્પર છે

- અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈની અહેવાલમાં સ્પષ્ટ જણાવાયું છે કે, 16 અબજ ડોલરમાંથી મોટાભાગના ભારતીય ડમી કોલ સેન્ટરો દ્વારા જ લૂંટી લેવાયા છે. માત્ર છત્તીસગઢની રાજધાની રાયપુર ખાતે ચાલતા નકલી કોલ સેન્ટરો દ્વારા અમેરિકનો પાસેથી 1.56 લાખ કરોડ રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા છે : થોડા સમય પહેલાં જ પકડાયેલા ગુનેગારોએ કહ્યું હતું કે, અમારા ગામમાં યુવાનો બેરોજગાર છે. તેમને ટ્રેનિંગ, સ્માર્ટફોન અને 25,000 પગારની ઓફર મળે એટલે તેઓ કોઈપણ કામ કરવા તૈયાર થઈ જાય છે. તેના કારણે આ નેટવર્ક વધ્યું છે. તેમની પાસે અંગ્રેજીના સંવાદો ગોખાવીને, એક સ્માર્ટફોન આપીને કમ્પ્યૂટર પર બેસાડીને સાઈબર ગુનાખોરી શરૂ કરી દેવાય છે : 500 કે 1000 ડોલરની ઠગાઈ થઈ તો તેના માટે કોઈપણ અમેરિકન નાગરિક પોલિસ, કોર્ટ અને આંતરરાષ્ટ્રીય કાયદા અને અદાલતોના ચક્કરમાં પડશે નહીં. આ રીતે નાની રકમના વધારે કેસ પકડવામાં આવે છે. બેન્ક અધિકારી, કસ્ટમર કેર અધિકારી, ટેક સપોર્ટના નામે લોકોને ફસાવવામાં આવે છે

ભારતમાં એક તરફ બેરોજગારીનો આંક સતત વધતો જાય છે ત્યાં બીજી તરફ બેરોજગાર લોકો ગુનાખોરીમાં ધકેલાઈ રહ્યા હોવાના પણ અહેવાલો ફરતા થયા છે. તાજેતરમાં આવેલા અમેરિકી એજન્સી એફબીઆઈના અહેવાલમાં જણાવાયું છે કે, સાઈબર ગુનાખોરી દ્વારા અમેરિકનો સાથે ગત વર્ષે અંદાજે ૧૬ અબજ ડોલરની છેતરપિંડી કરવામાં આવી હતી. તેમાંથી સૌથી વધારે ગુનાખોરી ભારતમાં ચાલતા કોલ સેન્ટરો દ્વારા કરવામાં આવી છે. આ અહેવાલમાં સૌથી પહેલા નામ છત્તીસગઢની રાજધાની રાયપુરનું આવે છે. જેમ ઘણા વખતથી જામતારા નામનું સેન્ટર ઓનલાઈન છેતરપિંડી અને ફોન દ્વારા કરાતા સ્કેમ માટે જાણીતું છે તેવી જ રીતે છત્તીસગઢની રાજધાની પણ આવા જ કામ માટે ચર્ચામાં આવી છે. આ શહેરમાં ગુનાખોરી વધવાનું કારણ યુવાનોની માનસિકતા નહીં પણ મજબૂરી છે. શિક્ષણ મેળવ્યા બાદ પણ સામાન્ય રોજગાર મળતો ન હોવાથી યુવાનો બેકારી અને લાચારીની પીડામાં ફરતા હોય છે. આ સંજોગોમાં સાઈબર ગુનેગારો તેમનો લાભ લેતા હોય છે. માત્ર રાયપુર ખાતે ચાલતા નકલી કોલ સેન્ટરો દ્વારા અમેરિકનો પાસેથી ૧.૫૬ લાખ કરોડ રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા છે. આ તો માત્ર એક જ શહેરની વાત થઈ છે. નવાઈની વાત એ છે કે, આ ગુનાખોરીમાં દિલ્હી, એનસીઆર, મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લુરુ, પુણે જેવા શહેરોની વાત થતી જ નથી. આ મોટા શહેરોમાં આવું ઓછું બને છે. તેની સામે લખનઉ, કોલકાતા, શ્રીનગર અને પંજાબના કેટલાક શહેરો અને ગામડાઓમાંથી વ્યાપક પ્રમાણમાં સાઈબર ગુનાખોરી કરવામાં આવે છે. અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈની અહેવાલમાં સ્પષ્ટ જણાવાયું છે કે, ૧૬ અબજ ડોલરમાંથી મોટાભાગના ભારતીય ડમી કોલ સેન્ટરો દ્વારા જ લૂંટી લેવાયા છે. એફબીઆઈ દ્વારા પોતાના અહેવાલમાં ભારતમાં ચાલતા આવા કોલ સેન્ટરોને સાઈબર ગુનાખોરીના એપિસેન્ટર ગણાવવામાં આવ્યા છે. તેણે જણાવ્યું કે, આ ગુનેગારો પોતાને અમેરિકી ટેક સ્પોર્ટ, બેન્ક અધિકારી, ફાઈનાન્સિયલ કંપનીના કસ્ટમરકેર સપોર્ટ અધિકારી તરીકે વાત કરીને ફસાવે છે. તેઓ સૌથી વધારે અમેરિકન વૃદ્ધોને ટાર્ગેટ કરીને છેતરપિંડી કરે છે. અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈ અને ભારતીય તપાસ એજન્સી સીબીઆઈ દ્વારા છેલ્લાં બે વર્ષથી સંયુક્ત રીતે આ કેસમાં તપાસ કરવામાં આવી રહી છે. વિવિધ શહેરો અને ગામડાઓમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. અહેવાલો જણાવે છે કે, ૨૦૨૪માં બંને સાથે મળીને ૧૧ જેટલા સર્ચ ઓપરેશન ચલાવયા હતા. તેમાં ૨૧૫ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ૨૦૨૩માં પકડાયેલા લોકો કરતા આ આંકડો ૭૦૦ ગણો વધારે હતો. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ રાયપુર ખાતે ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડીને એક ટોળકી ઝડપી હતી. ફાઈનાન્સ કંપનીના નામે અહીંયા નકલી વિદેશી કોલ સેન્ટર ચલાવાતું હતું. તેમાં ૪૧ ગુનેગારો પડકવા ઉપરાંત ૨૫ કમ્પ્યૂટર, ૧૮ લેપટોપ અને ૫૦થી વધારે સ્માર્ટફોન કબજે લેવાયા હતા. અહેવાલો જણાવે છે કે, કોરોનાકાળ પહેલાં દિલ્હીમાં જ આવા એક હજારથી વધારે સેન્ટરો ચાલતા હતા પણ ધીમે ધીમે તેઓ નાના શહેરોમાં શિફ્ટ થઈ ગયા છે અને અહીંયાની સામાન્ય ભણેલી પ્રજાને ગુનાખોરીમાં ધકેલી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, છેલ્લાં બે વર્ષમાં આવા નકલી કોલ સેન્ટર ઉપર દરોડા પાડવા દરમિયાન જે આરોપીઓ પકડાયા તે ૧૨ ધોરણ પાસ અથવા તો કોલેજનો અભ્યાસ પૂરો કરનારા કે છોડી દેનારા યુવાનો હતા. તેમાંથી કેટલાક અંગ્રેજી જાણતા હતા જ્યારે કેટલાક સામાન્ય અંગ્રેજી જાણતા હતા. તેઓ હિન્દીમાં સ્ક્રીપ્ટ તૈયાર કરીને તેનો અનુવાદ કરીને અમેરિકનો સાથે છેતરપિંડી કરતા હતા. તેઓ બધું જ ગોખી રાખતા અને પ્લોટ તૈયાર કરીને અમેરિકનોને છેતરવા જાતભાતની સ્કીમ આપતા હતા. 

ચિંતાજનક બાબત એ છે કે, છેલ્લાં કેટલાક વર્ષોમાં ભારતમાં ઈન્ટરનેશનલ ઠગાઈના કિસ્સા વધી રહયા છે. આજે ભારતના મોટા અને નાના શહેરોમાં બીપીઓ ઈન્ડસ્ટ્રી ખૂબ જ મોટી થઈ ગઈ છે. અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ગલ્ફ કન્ટ્રી, યુરોપના દેશોની કંપનીઓ માટે અહીંયા કંપનીઓ આઉટસોર્સ સપોર્ટ તરીકે કામ કરે છે. તેઓ કસ્ટમર કેર ભારતમાં ચલાવે છે. ધીમે ધીમે આ ઈન્ડસ્ટ્રીમાં મંદી આવવા લાગતા ગુનેગારોએ આ ઈન્ડસ્ટ્રીને છેતરપિંડીનું હથિયાર બનાવી દીધી. તેનું બિઝનેઝ મોડલ ફેરવી કાઢયું અને લોકોની સાથે સાઈબર ગુનાખોરી આચરવા લાગ્યા.

સૌથી મોટું પરિબળ બેરોજગારી છે. ઈન્ડિયા એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ ૨૦૨૪ પ્રમાણે ભારતમાં ૧૫ વર્ષથી ૨૯ વર્ષ સુધીના કિશોરો અને યુવાનો પાસે નોકરીનો મોટો અભાવ છે. ૧૮ વર્ષથી ૨૯ વર્ષ સુધીના અંદાજે ૭૦ ટકા યુવાનો બેરોજગાર છે. તેમાંય દર વર્ષે સરેરાશ ૫૦ લાખ યુવાનો ગ્રેજ્યુએટ થાય છે તેમાંથી માત્ર અડધા યુવાનોને જ નોકરી મળે છે જ્યારે બાકીના બેકાર ફરે છે. આ સિવાય ૨૫થી ૩૦ વર્ષના યુવાનોમાં પણ બેરોજગારીનો દર ૨૦ ટકાથી વધારે છે. તેમાંય બાર પાસ લોકોની સંખ્યા તો અધધ છે. આ લોકોને સામાન્ય અંગ્રેજી સમજાતું હોય છે. તેમની પાસે અંગ્રેજીના સંવાદો ગોખાવીને, એક સ્માર્ટફોન આપીને કમ્પ્યૂટર પર બેસાડીને સાઈબર ગુનાખોરી શરૂ કરી દેવાય છે. થોડા સમય પહેલાં જ પકડાયેલા ગુનેગારોએ કહ્યું હતું કે, અમારા ગામમાં યુવાનો બેરોજગાર છે. તેમને ટ્રેનિંગ, સ્માર્ટફોન અને ૨૫,૦૦૦ પગારની ઓફર મળે એટલે તેઓ કોઈપણ કામ કરવા તૈયાર થઈ જાય છે. તેના કારણે આ નેટવર્ક વધ્યું છે. આશ્ચર્યજનક વાત એ છે કે, ભારતમાં અંગ્રેજી બોલનારો વર્ગ પણ વધારે છે. દુનિયામાં ભારત અંગ્રેજી બોલનારો બીજો મોટો દેશ છે. અહીંયા યુવાનો સારું અંગ્રેજી પણ બોલી શકે છે. આવા સ્કીલ્ડ યુવાનોને પણ મોટા ઈન્સેન્ટિવ અને લાભની લાલચ આપીને આવા કોલ સેન્ટરોમાં રાખવામાં આવે છે. 

તેઓ મોટી રકમના તોડ કરી આપે છે. આ સિવાય અહીંયા સસ્તી બ્રોડબેન્ડ અને ઈન્ટરનેટ સેવાઓ છે, વીઓઆઈપબી સેવાઓ તથા ક્લાઉડ કમ્પ્યુટિંગ પણ ખૂબ જ સરળતાથી અને સસ્તામાં મળી જાય છે. તેના કારણે માત્ર ડાર્ક વેબ અને અમેરિકન બ્લેક માર્કેટમાંથી ડેટા ખરીદવાની જ વાર હોય છે. આ કોલ સેન્ટરો ચલાવનારા મોટા ભેજાબાજો આ ડેટા લાવી આપે છે અને બેરોજગાર યુવાનો પૈસાની લાલચમાં આ કામગીરીમાં ફસાઈ જાય છે.

2016માં થાણેના કોલ સેન્ટરે 30,000 કરોડની છેતરપિંડી કરી હતી

ભારતમાં અત્યાર સુધીમાં સાઈબર ક્રાઈમના અનેક નેટવર્ક પકડવામાં આવે છે. ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ લેવલે છેતરપિંડી કરનારા અનેક નેટવર્ક પકડાયા છે. તેમાં ૨૦૧૬માં મહારાષ્ટ્રના થાણેમાંથી મોટું નેટવર્ક ઝબ્બે થયું હતું. તેમાં એક કોલ સેન્ટર ઓફિસ ઉપર દરોડો મારવામાં આવ્યો જ્યાં ૭૦૦ કર્મચારીઓ કામ કરતા હતા. તેઓ આઈઆરએસ એજન્ટ બનીને અમેરિકી લોકોને છેતરતા હતા. આ દરોડા બાદ જ્યારે તપાસ કરવામાં આવી તો ખબર પડી કે આ કોલ સેન્ટર દ્વારા અમેરિકનો પાસેથી ૩૦,૦૦૦ કરોડ રૂપિયાની ઠગાઈ કરાઈ હતી. તેવી જ રીતે સપ્ટેમ્બર ૨૦૨૪માં પુણે, હૈદરાબાદ અને વિશાખાપટ્ટમન ખાતેથી ચાર બનાવટી કોલ સેન્ટર ઝડપાયા હતા. અહીંયા વિસી ઈન્ફોમેટ્રિક્સ નામની કંપની બનાવીને અમેરિકનોની સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી. ગત વર્ષે આ ઠગાઈનો મુખ્ય આરોપી ઝડપાયો હતો. તેવી જ રીતે ૨૦૨૪ની શરૂઆતમાં એફબીઆઈ દ્વારા જ એક કેસની તપાસ માટે ભારતમાં દરોડા પાડવામાં આવ્યા હતા. સીબીઆઈ અને એફબીઆઈએ એક કોલ સેન્ટર પકડયું. તેઓ માઈક્રોસોફ્ટના ટેકનિશિયન બનીને લોકોના કમ્પ્યૂટર હેક કરીને તેમને લૂંટતા હતા. તેમણે ૧૦૦ જેટલા બ્રિટિશ નાગરિકોની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી. ત્યારબાદ તેઓ અમેરિકનોને શિકાર બનાવવા લાગ્યા. એફબીઆઈને તેની જાણ થતા ભારતની મદદ લઈ આ નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું. તે પહેલાં ૨૦૨૨માં એફબીઆઈ અને સીબીઆઈએ એક કૌભાંડ પકડયું હતું. તાજેતરમાં ફેબ્રુઆરીમાં જ એક નકલી કોલ સેન્ટર પકડયું છે જેમાં ૬ ભારતીયોની ધરપકડ કરાઈ છે. તે ઉપરાંત મેરિલેન્ડના ૮ લોકોની પણ મની રનર તરીકે કામ કરવા બદલ ધરપકડ કરાઈ છે. ગત વર્ષે સીબીઆઈએ નાસિક ખાતે દરોડા પાડીને બે નકલી કોલ સેન્ટરો પકડયા હતા. તેઓ ટેક્સ ઓફિસર, ટેકનિકલ સપોર્ટ ઓફિસર, બેન્ક ઓફિસર બનીને અમેરિકન લોકોની સાથે વસુલીનું કામ કરતા હતા.

ઓછી રકમની છેતરપિંડી અને મોટી રકમના સેટલમેન્ટના નામે લૂંટવાનો કારસો

જાણકારોના મતે ભારતમાંથી ઓપરેટ થતા આ નકલી કોલસેન્ટરોમાં અમેરિકી વ્યક્તિ પાસે ૫૦૦થી ૧૦૦૦ ડોલર કે વધુમાં વધુ ૫૦૦૦ ડોલરની છેતરપિંડી કરવામાં આવે છે. મોટી રકમની છેતરપિંડી માટે વૃદ્ધોને ટાર્ગેટ કરાય છે. આ સિવાય મોટી લોન લેનારા કે બિઝનેસમાં અટવાયેલા લોકોને બેન્ક અધિકારીઓ અને રિકવરી ઓફિસર્સના નામે ધરપકડ કરવાની ધમકી આપીને સેટલમેન્ટ કરીને લૂંટવામાં આવે છે. નાની રકમની છેતરપિંડી કરવામાં આવે તો લોકો ખાસ ધ્યાન આપતા નથી. જેમ કે ૫૦૦ કે ૧૦૦૦ ડોલરની ઠગાઈ થઈ તો તેના માટે કોઈપણ અમેરિકન નાગરિક પોલિસ, કોર્ટ અને આંતરરાષ્ટ્રીય કાયદા અને અદાલતોના ચક્કરમાં પડશે નહીં. 

આ રીતે નાની રકમના વધારે કેસ પકડવામાં આવે છે. બેન્ક અધિકારી, કસ્ટમર કેર અધિકારી, ટેક સપોર્ટના નામે લોકોને ફસાવવામાં આવે છે. પહેલાં તો વ્યક્તિને તેના વિશેની તમામ માહિતી જણાવીને વિશ્વાસમાં લેવાય છે. ત્યારબાદ તેનું કમ્પ્યૂટર કે ફોન હેક કરવાની કે બેન્ક એકાઉન્ટ ખાલી કરવાની ધમકી આપી દબાવાય છે. લોન લેનારાને ધરપકડની ધમકી અપાય છે. ત્યારબાદ તેમની પાસેથી પૈસા ઉઘરાવાય છે. આ પૈસા મ્યૂલ ખાતાઓમાં, નકલી કંપનીઓમાં અને આંતરરાષ્ટ્રીય હવાલા નેટવર્ક કે પછી ક્રિપ્ટો કરન્સી દ્વારા ભારતમાં લાવવવામાં આવે છે. આ રીતે સાઈબર ક્રાઈમની સમગ્ર સિસ્ટમ કામ કરે છે.