એપસ્ટીનનું ભૂત હજી ધૂણીને ટ્રમ્પને કનડી રહ્યું છે
- એપસ્ટિન જેના કારણે ટ્રમ્પના માથે માછલા ધોવાઈ રહ્યા છે
- એપસ્ટીન ઉપર અમેરિકાના એક પ્રાઈવેટ આઈલેન્ડમાં ધનાઢય લોકોને ભેગા કરીને રંગીન અને પ્રાઈવેટ પાર્ટીઓ રાખવાનો દાવો કરાયો છે. ટ્રમ્પ હવે આ પાર્ટીઓમાં જનારા લોકોની યાદી સંતાડી રહ્યા છે, કારણ કે તેમાં તેમનું પણ નામ રહેલું છે ઃ ૨૦૦૬માં પામ બીચ ગ્રાન જ્યૂરીએ એપસ્ટીન ઉપર વેશ્યાવૃત્તિનો આરોપ મુકીને તેને ૨૦૦૮માં ૧૩ મહિનાની જેલની સજા કરી હતી ઃ ૨૦૧૯માં એપસ્ટીનની ફરીથી સેક્સ ટ્રાફિકિંગમાં ધરપકડ કરવામાં આવી હતી. જુલાઈ ૨૦૧૯માં ન્યૂયોર્કની જેલમાં તેનું મૃત્યુ થયું હતું. તંત્ર તેને આત્મહત્યા ગણાવે છે પણ લોકો માને છે કે, કોઈ ષડયંત્ર કરીને તેની જેલમાં જ હત્યા કરી નાખવામાં આવી હતી. સેક્સ રેકેટમાં મોટા માથાઓને બચાવવા માટે એપસ્ટીનનો ભોગ લઈ લેવાયો હોય તેવું લાગી રહ્યું છે ઃ તાજેતરમાં અખબારી માધ્યમોમાં કેટલીક તસવીરો ફરતી થઈ છે જેમાં સ્પષ્ટ જણાય છે કે, ૧૯૯૩માં ટ્રમ્પે માર્લા મેપલ સાથે લગ્ન કર્યા ત્યારે એપસ્ટીને તેમાં હાજરી આપી હતી
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સમયાંતરે કોઈને કોઈ વિવાદમાં આવતા જ રહે છે. હવે તેમનું નામ જેફ્રી એપસ્ટીન નામની વ્યક્તિ સાથેના ઘનિષ્ઠ સંબંધોને પગલે ચર્ચામાં આવ્યું છે. જેફ્રી એપસ્ટીનનું મોત થયે છ વર્ષ થયા છે છતાં તેના નામનું ભૂત હજી ધુણી રહ્યું છે. એપસ્ટીન અને ટ્રમ્પ લગભગ ૧૫ વર્ષ સુધી એકબીજાના મિત્રો હતા. એપસ્ટીન તો ડોનાલ્ડ ટ્રમ્પના લગ્નમાં પણ હાજર રહ્યા હોવાના પુરાવા તાજેતરમાં સામે આવ્યા છે. તેના કારણે પણ ચર્ચાનું ચકડોળ ચાલી રહ્યું છે. વાત એવી છે કે, એપસ્ટીન ઉપર અમેરિકાના એક પ્રાઈવેટ આઈલેન્ડમાં ધનાઢય લોકોને ભેગા કરીને રંગીન અને પ્રાઈવેટ પાર્ટીઓ રાખવાનો દાવો કરાયો છે. ટ્રમ્પ હવે આ પાર્ટીઓમાં જનારા લોકોની યાદી સંતાડી રહ્યા છે. લોકોનો આરોપ છે કે, આ પાર્ટીઓમાં જનારા લોકોમાં ટ્રમ્પનું પણ નામ હોઈ શકે છે અને તેથી જ તેઓ યાદી સંતાડી રહ્યા છે.
જેફરી એપસ્ટીન એક મોટો ઉદ્યોગપતિ છે. તેમનું નામ ન્યૂયોર્ક, ફ્લોરિડામાં ભવ્ય મકાનો ધરાવવા મુદ્દે પણ ચર્ચામાં હતું. ૨૦૦૫માં ફ્લોરિડા પોલિસ દ્વારા તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કે, તેણે ઘણી સગીર છોકરીઓનું જાતીય શોષણ કર્યું હતું. તપાસમાં બહાર પણ આવ્યું હતું કે, ૨૦૦૨થી ૨૦૦૫ દરમિયાન એપસ્ટીન દ્વારા ૧૪ વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓને ઘરે બોલાવીને તેમની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને તેના માટે તેમને પૈસા પણ આપ્યા હતા. આ મુદ્દે મોટો વિવાદ થયો હતો અને ૨૦૦૬માં પામ બીચ ગ્રાન જ્યૂરીએ એપસ્ટીન ઉપર વેશ્યાવૃત્તિનો આરોપ મુકીને તેને ૨૦૦૮માં ૧૩ મહિનાની જેલની સજા કરી હતી. તે દરમિયાન પણ તેને વર્ક રિલીઝની સુવિધા આપવામાં આવી હતી. તે જેલમાંથી બહાર આવીને કામ કરી શકતો હતો.
આ મુદ્દો એવો વકર્યો હતો કે સમયાંતરે તેનું ભૂત ધૂણતું જ હતું. ૨૦૧૯માં એપસ્ટીનની ફરીથી ધરપકડ કરવામાં આવી હતી. તે સેક્ટ ટ્રાફિકિંગ કેસમાં ઝડપાયો હતો. જુલાઈ ૨૦૧૯માં ન્યૂયોર્કની જેલમાં તેનું મૃત્યુ થયું હતું. અધિકારિક રીતે તેના મૃત્યુને આત્મહત્યા ગણાવવામાં આવી હતી. બીજી તરફ કેટલાક લોકો માને છે કે, કોઈ ષડયંત્ર કરીને તેની જેલમાં જ હત્યા કરી નાખવામાં આવી હતી. કેટલાક લોકો માને છે કે, એપસ્ટીન સાથે ઘણા પ્રભાવશાળી અને મોટા ગજાના લોકો સંકળાયેલા હતા. એપસ્ટીનના રેકેટમાં તેમને બચાવવા માટે એપસ્ટીનનો ભોગ લઈ લેવાયો હોય તેવું લાગી રહ્યું છે.
એપસ્ટીનના આ વિવાદમાં ટ્રમ્પનું નામ તો છેલ્લાં ચાર દાયકાથી જોડવામાં આવે છે. એવું કહેવાય છે કે, ૧૯૮૦થી ૧૯૯૦ના દાયકામાં ટ્રમ્પ અને એપસ્ટીન સામાજિક રીતે પણ ખૂબ જ નજીક હતા. બંને ન્યૂયોર્ક અને પામ બીચના સોશિયલ સર્કલમાં એકબીજાની સાથે હતા. ટ્રમ્પે ૨૦૦૨માં ન્યૂયોર્ક મેગેઝીનમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં પણ એપસ્ટીનના વખાણ ક૪યા હતા. ટ્રમ્પે તે સમયે કહ્યું હતું કે, એપસ્ટીનને યુવાન મહિલાઓમાં વધારે રસ પડે છે.
જાણવા જેવી વાત એ છે કે, ૨૦૨૫માં એકાએક એપસ્ટીનનો મુદ્દો ચર્ચામાં આવી ગયો છે. ઘણી ઘટનાઓ અને ખુલાસાઓ ચર્ચામાં આવતા એપસ્ટીના નામની ચર્ચા ચાલી હતી. જૂન ૨૦૨૫માં ટેસ્લા અને એક્સના માલિક એલન મસ્કે પોતાના જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પોસ્ટ મુકી હતી કે, એપીસ્ટનની ફાઈલોમાં ડોનાલ્ડ ટ્રમ્પનું નામ સંતાયેલું છે. તેના કારણે જ એપસ્ટીનની ફાઈલો જાહેર કરવામાં આવતી નથી. ટ્રમ્પ દ્વારા તાત્કાલિન મસ્કના દાવાને ફગાવી દેવાયો હતો. તેમણે લખ્યું હતું કે, આવું કોઈ ક્લાયન્ટ લિસ્ટ જ નથી.
ત્યારબાદ સ્થિતિ એવી આવી કે જુલાઈ ૨૦૨૫ની શરૂઆતમાં ડોજ અને એફબીઆઈએ જણાવ્યું કે, એપસ્ટીન દ્વારા જેલમાં આત્મહત્યા કરવામાં આવી હતી અને તેની પાસેથી કોઈ ક્લાયન્ટ લિસ્ટ મળ્યા જ નથી. આવી કોઈ યાદી ઉપલબ્ધ જ નથી. એફબીઆઈના આ દાવા બાદ લોકોએ સવાલો કરવાનું શરૂ કર્યું. ટ્રમ્પના સમર્થકો દ્વારા પણ આ મુદ્દે ટ્રમ્પનો વિરોધ કરવાની શરૂઆત કરવામાં આવી. કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે, એપસ્ટીનની ફાઈલમાં મોટા મોટા લોકોના નામ છે. ખાસ કરીને રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ, સેલેબ્સ અને અન્ય ધનકૂબેરોના નામ છે. લોકો દાવો કરે છે કે, એપસ્ટીન દ્વારા પ્રાઈવેટ આઈલેન્ડ ઉપર આ તમામ લોકોને સગીર છોકરીઓની સપ્લાય કરવામાં આવતી હતી.
તાજેતરમાં લોકો દ્વારા જે રીતે એપસ્ટીન મુદ્દે વિરોધ અને વિવાદ ઊભો કરવામાં આવ્યો છે તે ટ્રમ્પ માટે મુશ્કેલીનું કારણ બન્યો છે. આ મુદ્દે રાજકીય રોટલા પણ શેકાવા લાગ્યા છે. ટ્રમ્પ અને એપસ્ટીનની મિત્રતા ઘણી જૂની છે. તે દાયકાની ટ્રમ્પ અને એપસ્ટીનની તસવીરો તથા ૨૦૦૨માં ટ્રમ્પે ઈન્ટરવ્યૂ દરમિયાન એપસ્ટીન માટે કહેલી વાતો ફરતી થયા બાદ ટ્રમ્પની લોકો હાંસી ઉડાવી રહ્યા છે. બીજો વિવાદ ટ્રમ્પની વાતોનો છે. તેણે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મને અને એપસ્ટીનને સુંદર મહિલાઓ ગમે છે. જો કે તેની પાસે નાની ઉંમરની સ્ત્રીઓ વધારે હોય છે. તે ખૂબ જ રસપ્રદ વ્યક્તિ છે.
અહીંયા સમજવા જેવી વાત એ છે કે, તાજેતરમાં જ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા એપસ્ટીનના ફ્લાઈટ લોગ્સ જારી કરવામાં આવ્યા હતા. તેમાં ટ્રમ્પનું નામ સાત વખત આવ્યું હતું. ૧૯૯૩ અને ૧૯૯૪માં તેમની તત્કાલિન પત્ની મેપલ્સ અને પુત્રી ટિફની સાથે એપસ્ટીનની ઉડાણ જોવા મળી હતી. આ લોગ્સ કોઈ ગુનો સાબિત કરતા નથી પણ તેનાથી એપસ્ટીન અને ટ્રમ્પના નજીકના સંબંધો તો સાબિત થાય છે. કેટલાક લોકો દ્વારા એપસ્ટીન મુદ્દે ટ્રમ્પને વાત પણ કરવામાં આવી હતી.
નવાઈની વાત એ છે કે, કેટલાક પીડિતોએ ન્યાય માગ્યો છે પણ ટ્રમ્પ દ્વારા આ મુદ્દે કશું જ કહેવાતું નથી. તેમાંય જેન નામની એક પીડિતે જણાવ્યું કે, ૧૯૯૦ના દાયકામાં એપસ્ટીન દ્વારા માર-એ-લાગો ખાતે ટ્રમ્પ સાથે તેની મુલાકાત કરાવવામાં આવી હતી. ૨૦૧૯માં એપસ્ટીનની ધરપકડ બાદ ટ્રમ્પે કહ્યું હતું કે, તે એપસ્ટીનના ચાહક નથી. ટ્રમ્પ એપસ્ટીનના મુદ્દાને રાજકીય કાવતરું ગણાવી રહ્યા છે.
ટ્રમ્પના કેટલાક સમર્થકો માને છે કે, ટ્રમ્પ આ મુદ્દે જાણી જોઈને જુઠ્ઠાણું ચલાવી રહ્યા છે અને યાદી સંતાડી રહ્યા છે. ૨૦૨૫માં જ તેમની એટર્ની જનરલ પામ બોન્ડીએ કેટલાક દસ્તાવેજો જારી કર્યા હતા. આ દસ્તાવેજો જૂના જ દસ્તાવેજોને મેળ ખાતા હતા. લોકો સ્પષ્ટપણે માને છે કે, ટ્રમ્પ દ્વારા અથવા તો તેના ઈશારે તેના તંત્ર દ્વારા એપસ્ટીનની ફાઈલો દબાવી રાખવામાં આવી છે. કેટલાક મોટા માથાઓને બચાવવા માટે આ યાદી જાહેર કરવામાં આવી રહી નથી. થોડા સમય પહેલાં મસ્કે કરેલા દાવા બાદ વિવાદ વધ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે, એપીસ્ટનનો મુદ્દે લાંબું ચાલે છે કે પછી તેના ઉપર ઠંડું પાણી રેડી દેવાય છે.
- 90ના દાયકમાં ટ્રમ્પ અને એપીસ્ટન સાથે જ ફરતા જોવા મળતા હતા
જાણકારોના મતે ૮૦ના દાયકાના ઉત્તરાર્ધમાં અને ૯૦ના દાયકામાં ટ્રમ્પ અને એપસ્ટીન વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા હતા. ૧૯૯૨માં ટ્રમ્પ પોતાના ફ્લોરિડા ખાતેના માર-એ-લાગો એસ્ટેટમાં એનએફએલ ચીયરલીડર્સ સાથે એક રંગીન પાર્ટીનું આયોજન કર્યું હતું.
આ પાર્ટીના જ ફૂટેજ સામે આવ્યા છે તેમાં ટ્રમ્પ અને એપસ્ટીનની મોજમસ્તી કરતા જોવામાં આવ્યા છે. આ સિવાય ૧૯૯૭માં ટ્રમ્પ અને એપસ્ટીન ન્યૂયોર્કમાં વિક્ટોરિયા સીક્રેટ એંજલ્સ પાર્ટીમાં પણ સાથે જ જોવા મળ્યા હતા.
વોલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલ પ્રમાણે ૨૦૦૩માં ટ્રમ્પે એપસ્ટીનના જન્મદિવસે શુભેચ્છા આપતો એક પત્ર લખ્યો હતો. તેમાં એક નગ્ન મહિલાનો સ્કેચ અને બંને વચ્ચે રહેલા રહસ્યોની વાત કરવામાં આવી હતી. ૧૯૯૩થી ૧૯૯૭ સુધી ટ્રમ્પે એપસ્ટીનના ખાનગી વિમાનમાં સાત વખત ઉડાણ ભરી હતી. તેઓ ખૂબ જ સારા મિત્રો હતા. ટ્રમ્પનો દાવો છે કે, તેઓ માત્ર મિત્ર હતા.
એપસ્ટીન ક્યારેય કોઈ ખાટી કામગીરીમાં સંડોવાયેલો નહોતો. બીજી તરફ ઇલોન મસ્કે એક્સ ઉપર એખ ગુગલી નાખી અને ટ્રમ્પ તેમાં અટવાઈ ગયા તેવું પણ બન્યું છે. સૂત્રોનું માનવું છે કે, આ એક એવો મુદ્દો છે જે અત્યારે તો ચર્ચામાં છે પણ આવનારા સમયમાં પણ ચર્ચામાં આવતો રહેશે.
આ મુદ્દે સમયાંતરે કોઈને કોઈ સવાલો કરતું જ રહેવાનું છે. તેમાંય તાજેતરમાં અખબારી માધ્યમોમાં કેટલીક તસવીરો ફરતી થઈ છે જેમાં સ્પષ્ટ જણાય છે કે, ૧૯૯૩માં ટ્રમ્પે માર્લા મેપલ સાથે લગ્ન કર્યા ત્યારે એપસ્ટીને તેમાં હાજરી આપી હતી. હવે આ તસવીરોના કારણે વિવાદ વધારે મોટું સ્વરૂપ ધારણ કરે તો નવાઈ નહીં.