mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ચીન અને તાલિબાનના પડકારને પહોંચી વળવા અમેરિકા-ભારત વચ્ચે સહયોગ જરૂરી

Updated: Jul 29th, 2021

ચીન અને તાલિબાનના પડકારને પહોંચી વળવા અમેરિકા-ભારત વચ્ચે સહયોગ જરૂરી 1 - image


- અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકનની પ્રથમ ભારતયાત્રાએ મહત્ત્વના મુદ્દાઓ પર વાતચીત

- બ્લિંકનની એવા સમયે ભારતની મુલાકાતે આવ્યાં છે જ્યારે ચીન લદ્દાખથી લઇને અરુણાચલ સરહદે લશ્કરી તાકાત વધારી રહ્યું છે અને અફઘાનિસ્તાનમાં અમેરિકાની સેનાની વિદાય બાદ તાલિબાનનું જોર વધી રહ્યું છે અને ભારતના હિતો જોખમમાં છે 

અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકન તેમની પ્રથમ ભારતયાત્રાએ આવ્યાં છે. બ્લિંકનની ભારતયાત્રા ઘણી મહત્ત્વની મનાઇ રહી છે કારણ કે આ યાત્રા એવા સમયે યોજાઇ રહી છે જ્યારે ચીન અને ભારતના સંબંધો વણસેલા છે. તો અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાની વિદાય બાદ ત્યાંની પરિસ્થિતિ ભયાવહ બની રહી છે. 

ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં છેલ્લા બે દાયકા દરમિયાન જે સકારાત્મક ફેરફાર આવ્યો છે એના કારણે ભારતીય ઉપખંડ જ નહીં, સમગ્ર દક્ષિણ એશિયાની રાજનીતિ ઉપર અસર થઇ છે. બરાક ઓબામાના શાસનકાળથી શરૂ થયેલા મધુર સંબંધોને ડોનાલ્ડ ટ્રમ્પે આગળ વધાર્યા, એટલું જ નહીં, વધારે મજબૂત કર્યાં. હવે જો બાઇડેન પણ તેમના પુરોગામી રાષ્ટ્રપતિઓના પગલે ભારત સાથેના સંબંધો વધારે ગાઢ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યાં છે. 

એ તો સ્પષ્ટ છે કે એશિયામાં અમેરિકા નવા દોસ્તને શોધી રહ્યું છે. મનમોહનસિંહના શાસનકાળમાં ભારતે અમેરિકા સાથે પરમાણુ કરાર કર્યો ત્યારથી બંને દેશો વચ્ચે મધુર સંબંધો રચાવાની શરૂઆત થઇ ગઇ હતી. ભારતને પોતાનું વ્યૂહાત્મક ભાગીદાર બનાવવાના અમેરિકાના પ્રયાસો ઓબામાના કાર્યકાળ દરમિયાન જ શરૂ થઇ ગયા હતાં. એ વખતે તત્કાલિન વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટન વારંવાર દાવો કરતા હતાં કે ભારત સાથે થયેલો પરમાણુ કરાર વ્યૂહાત્મક સંધિની દિશામાં મહત્ત્વનું પગલું છે.

વર્ષ ૨૦૧૬માં અમેરિકાએ ભારતને પોતાનું મોટું વ્યૂહાત્મક ભાગીદાર બનાવ્યું હતું. બે વર્ષ પહેલા અમેરિકાએ ભારતને નાટો સમકક્ષ દરજ્જો આપ્યો હતો. નાટો સમકક્ષ દરજ્જો મળ્યા બાદ ભારત પણ ઇઝરાયેલ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ કોરિયા જેમ અમેરિકા પાસેથી શસ્ત્રો ખરીદી શકે છે. ભારતને અમેરિકા પાસેથી અતિસંવેદનશીલ લશ્કરી સામગ્રી ઉપલબ્ધ બની છે. હકીકતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન દુનિયાભરમાં ભારતની શાખ અને વિશ્વસનિયતા વધી છે. છેલ્લા થોડા વર્ષોથી ભારતનો દબદબો સતત વધી રહ્યો છે અને ભારત વૈશ્વિક તાકાત બનીને ઉપસ્યું છે. 

અમેરિકાની નવી સુરક્ષા નીતિમાં ટ્રમ્પે હિન્દ મહાસાગર અને પેસિફિક ક્ષેત્રમાં ભારતના નેતૃત્ત્વની ભૂમિકાનું સમર્થન કર્યું હતું. વર્તમાન સમયમાં ચીન ભારે તેજીથી દુનિયાભરમાં પોતાના પગ જમાવી રહ્યું છે જેના કારણે અમેરિકાના સુપર પાવરના હોદ્દા સામે જોખમ ઊભું થયું છે. ખાસ કરીને એશિયાના જુદાં જુદાં દેશોમાં ચીન જે રીતે રોકાણ કરીને પગપેસારો કરી રહ્યું છે તેના કારણે અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે. એટલા માટે જ ચીનને એશિયામાં ઘેરવા માટે અમેરિકાએ ભારતનો સાથ લેવાનું મુનાસિબ સમજ્યું છે.

બીજી બાજુ ચીન અને ભારત વચ્ચે ગલવાન ખાતેની અથડામણ બાદ હજુ પણ વિવાદ શમ્યો નથી. ચીન સરહદે સૈન્ય તાકાત વધારી રહ્યું છે. તાજેતરમાં જ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે તિબેટની મુલાકાત લીધી જે ભારત માટે ચિંતાનો વિષય છે. લદ્દાખથી લઇને અરુણાચલ પ્રદેશમાં ચીની સેના પોતાના લશ્કરી મથકો અને એરબેઝ અપગ્રેડ કરી રહી છે. હાલ એવા ઘણાં રિપોર્ટ આવ્યાં છે જેમાં બહાર આવ્યું છે કે ચીને ભારતની સરહદે અનેક ઠેકાણે નવા લશ્કરી બેઝ ઊભા કર્યા છે.

આમ તો હિન્દ મહાસાગરમાં ભારતનો દબદબો રહ્યો છે પરંતુ છેલ્લા થોડા સમયથી ચીન હિન્દ મહાસાગરમાં ભારતને ઘેરવાના પ્રયાસો કરી રહ્યું છે. ભારતના પાડોશી દેશોમાં ચીન બંદરોના વિકાસના નામે પોતાના સૈન્ય મથકો સ્થાપી રહ્યું છે. શ્રીલંકામાં હંબનટોટા બંદર, માલદીવમાં મકાઓ પોર્ટ, બાંગ્લાદેશમાં ચટગાંવ પોર્ટ અને પાકિસ્તાનમાં ગ્વાદર બંદર ઉપર કંટ્રોલ કરીને ચીન ભારતને ઘેરવાની પોતાની રણનીતિમાં ઘણું આગળ વધી ગયું છે. અરબ સાગરમાં ભારતના સામે છેડે આવેલા આફ્રિકાના જિબૂતી નામના દેશમાં પણ તેણે પોતાનું લશ્કરી મથક સ્થાપ્યું છે. ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધી રહેલી હિલચાલના પરિણામે ભારતીય નૌસેનાએ પણ ચોકસાઇ વધારવાની ફરજ પડી છે.

બ્લિંકનની ભારતયાત્રા દરમિયાન ક્વૉડ સમૂહ અંતર્ગત સહયોગ મજબૂત કરવાની ચર્ચા પણ થઇ છે. ઇન્ડો-પેસિફિક ક્ષેત્રનું વ્યૂહાત્મક મહત્ત્વ અને ચીનની આક્રમક નીતિઓને જોતાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા એમ ચાર દેશોએ મળીને એક સમૂહ રચ્યો છે જે ક્વોડ્રિલેટરલ સિક્યોરિટી ડાયલોગ (ક્યૂએસડી) અને ટૂંકમાં ક્વૉડ નામે ઓળખાય છે.

અમેરિકા યુરોપ, એશિયા અને ઓસ્ટ્રેલિયા એમ ત્રણ ખંડો સાથે મળીને ઝઘડાખોર ચીનથી હિન્દ મહાસાગરને સુરક્ષિત કરવા માટે કાર્યવાહી કરી રહ્યું છે. ગયા વર્ષે ચીનને ઘેરવાની રણનીતિ અંતર્ગત અમેરિકા ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાનને સાથે રાખીને સંયુક્ત નેવી ડ્રીલ યોજી હતી. 

અફઘાનિસ્તાન ભારત માટે ઘણું મહત્ત્વનું છે અને ત્યાં તાલિબાન જે રીતે વર્ચસ્વ જમાવી રહ્યા છે એ ભારત માટે જોખમરૂપ છે. અમેરિકાની સેનાની અફઘાનિસ્તાનમાંથી વિદાય બાદ અફઘાનિસ્તાનના પાડોશી દેશો ઉપર પણ અસર થઇ રહી છે. અફઘાનિસ્તાન પર કબજો જમાવવા મથી રહેલા તાલિબાનને પાકિસ્તાનનું સમર્થન મળી રહ્યું છે જે ભારત માટે ચિંતાની બાબત છે. ચીન પણ તાલિબાનને પ્રોત્સાહન આપીને અફઘાનિસ્તાનમાં પગપેસારો કરવાની ફિરાકમાં છે. અફઘાનિસ્તાનમાં ભારતના હિતોને જોતાં બ્લિંકન સાથે એ મુદ્દે પણ ચર્ચા થશે. 

શીત યુદ્ધના સમયમાં અમેરિકા અને ભારત વચ્ચે વ્યાપેલી કડવાશને પાછળ છોડીને છેલ્લા બે દાયકામાં બંને દેશો એકબીજાની ઘણાં નિકટ આવ્યાં છે. ખાસ કરીને એશિયામાં અને દુનિયામાં ચીનના વર્ચસ્વ પર લગામ કસવા માટે અમેરિકાને ભારત જેવા લોકશાહી દેશની જરૂર છે. એટલું જ નહીં, ભારતની સવા અબજ વસતીના રૂપમાં અમેરિકાને એક વિશાળ બજાર પણ દેખાય છે.

તો ભારતને અમેરિકાના ટેકનિકલ જ્ઞાાન અને વ્યૂહાત્મક સંશોધન ક્ષમતા અને મોટા બજારનો ફાયદો મળ્યો છે. જોકે અમેરિકા માટે મિત્રો બનાવવાનો અર્થ જ પોતાનો સ્વાર્થ સાધવો રહ્યો છે. અમેરિકાની નીતિ રહી છે કે તેના સાથી દેશોનો તે પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરે છે. ભૂતકાળ સાક્ષી છે કે અમેરિકા તેના સાથીદાર રાષ્ટ્રો ઉપર દબાણ સર્જતું રહ્યું છે. 

હકીકતમાં ભારત અને અમરિકા વચ્ચેના સંબંધોની આ ગુંચવણ નવી નથી. છેક ૧૯૫૦ના દશકથી અમેરિકા ભારતને પોતાના કેમ્પમાં લેવાના પ્રયાસો કરતું આવ્યું છે. શીત યુદ્ધ દરમિયાન અમેરિકા ભારતને પોતાનું સૈન્ય સહયોગી બનાવવા માંગતું હતું પરંતુ ભારતે પોતાની સૈન્ય જરૂરિયાતોને સંતોષવા સોવિયેત સંઘની નિકટ રહેવાનું પસંદ કર્યું. એ વાત નિર્વિવાદ છે કે અમેરિકા દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ છે અને એ કારણે જ તેની તમામ ગતિવિધિઓ પર દુનિયાની નજર રહેતી હોય છે. સોવિયેત સંઘના પતન અને શીત યુદ્ધની સમાપ્તિ બાદ વૈશ્વિક સમીકરણો બદલાયા છે.

પોતાને ટક્કર આપે તેવા શત્રુની ગેરહાજરીમાં અમેરિકાએ વૈશ્વિક શક્તિ સંતુલનને મનફાવે એમ અસર કરી છે. શીત યુદ્ધની સમાપ્તિ બાદ નવેસરથી સહયોગીઓ બનાવ્યા અને તાબે ન થનાર કે સામે પડનાર દેશોને તબાહ કર્યા. અમેરિકાની કાયમની કોશિશ રહી છે કે દુનિયા તેના ઇશારે ચાલે.

જોકે અમેરિકા સાથે સહયોગ વધાર્યા બાદ પણ ભારતે પોતાની આગવી નીતિઓ જાળવી રાખી છે. ભારતને હથિયારો અને સંરક્ષણ ટેકનોલોજી પૂરી પાડતા મુખ્ય દેશોમાં રશિયા સામેલ છે. ભારતની અનેક સુરક્ષા સિસ્ટમ રશિયા પાસેથી ખરીદવામાં આવી છે. હાલ અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ વ્યાપી રહ્યો છે ત્યારે પણ ભારતે પોતાની રક્ષાસંબધી જરૂરિયાતોને પૂરી કરવા રશિયાનો સહારો લેવો પડે છે. અમેરિકાએ ભારતને રશિયા પાસેથી એસ-૪૦૦ મિસાઇલ સિસ્ટમ ખરીદતા અટકાવવાના પ્રયાસ કર્યાં હતાં પરંતુ ભારતે અમેરિકાને સ્પષ્ટ કહી દીધું કે તેના માટે પોતાના હિતો સર્વોપરી રહેશે.

એક સમય હતો કે એશિયામાં પાકિસ્તાન અમેરિકાનું સૌથી મહત્ત્વનું સાથીદાર હતું. પાકિસ્તાને અમેરિકાની નિકટતાનો ભરપૂર લાભ પણ ઉઠાવ્યો હતો. પરંતુ વર્તમાન સમયમાં પાકિસ્તાનનો આતંકવાદને પોષતો ચહેરો દુનિયા સમક્ષ ઉઘાડો પડી ગયો છે જેના કારણે અમેરિકાએ તેને પડતું મૂક્યું છે.

એ જ રીતે એશિયામાં દાદાગીરી કરતું રહેલું ચીન પણ સમજી ગયું છે કે ભારત પણ મોટી શક્તિ બની ગયું છે અને તેની સાથે શિંગડા ભરાવવા હવે નહીં ચાલે. ભારતે સુરક્ષાના ક્ષેત્રમાં પોતાની શક્તિ વધારવાને પ્રાથમિકતા આપવાની સાથે સાથે પોતાના રાષ્ટ્રીય હિતો પણ સર્વોપરિ જાળવી રાખવા પડશે.

Gujarat