- રશિયામાં સમગ્ર ટાવર બરફથી થીજી ગયું તો અમેરિકામાં ગરમાગરમ નુડલ્સ પણ ખાતા પહેલાં થીજી ગયા
- પોલર વોર્ટેક્સની અસર અવળી થવાના કારણે રશિયા, યુરોપ, અમેરિકા અને એશિયાના કેટલાક ભાગમાં અસહ્ય ઠંડી પડી રહી છે, ખાસ કરીને હાડ થિજાવતા પવનો ફુંકાઈ રહ્યા છે જેના કારણે કરોડો લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે : જાણકારોના મતે પોલર વોર્ટેક્સની અસર મોટાભાગે ધ્રુવો પાસે જ જોવા મળે છે. ગ્લોબલ વોર્મિંગની ભયાનક અસરના કારણે ધ્રુવોના કેન્દ્રની આસપાસ સર્જાતી આ સ્થિતિ હવે પલટાઈ રહી છે. તેના કારણે આર્કટિક ઉપર વહેતા અત્યંત ઠંડા પવનો પોતાના ક્ષેત્રમાંથી બહાર નીકળીને યુરોપ અને એશિયા તથા રશિયા સુધી ફેલાઈ જતા હોય છે : માઈનસ 40 કે તેનાથી નીચેના તાપમાનમાં જો માણસના શરીરનું કોઈપણ અંગ ખુલ્લું રહે તો સૌથી પહેલાં ચામડીને નુકસાન થાય છે. માણસના શરીરનો ખુલ્લો ભાગ ફ્રોસ્ટબાઈટનો શિકાર બને છે. શરીરમાં વેસોકન્સ્ટ્રિક્શનની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. તેમાં લોહીની નળીયો સંકોચાવા લાગે છે
દુનિયાના ઉત્તર ગોળાર્ધમાં હાલમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. અમેરિકાથી માંડીને યુરોપ અને રશિયા તથા એશિયાના કેટલાક વિસ્તારોમાં ઠંડીમાં લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે. રશિયા તો જાણે કે રીતસરનું ઠુંઠવાઈ ગયું છે. આર્કટિકથી આવતા બરફ જેવા ઠંડા પવનોએ રશિયા અને તેના ઘણા પ્રાંતો અને શહેરોની હાલત કુલ્ફી જેવી કરી નાખી છે. શહેરોમાં વિશાળ મકાનો, દુકાનો અને ઈમારતો બરફથી ઘેરાઈ ગયા છે. તેમાંય રશિયાની રાજધાની મોસ્કોમાં માઈનસ ૩૦થી માઈનસ ૪૦ ડિગ્રી સુધી તાપમાન જતું રહ્યું છે. તાજેતરમાં અહીંયાના એક સ્કાયસ્ક્રેપરની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થયા છે. આ સમગ્ર ટાવર કુલ્ફીની જેમ થીજી ગયું છે. બીજી તરફ અમેરિકાની પણ એક તસવીર ઈન્ટરનેટ માધ્યમોમાં ચર્ચામાં છે.
અમેરિકામાં પણ એટલી ઠંડી છે કે, પ્લેટમાં રહેલી ગરમા ગરમ નુડલ્સ પણ ફોર્કથી ઉચકીને પકડી રાખવામાં આવતા ગણતરીની સેકન્ડમાં થીજી ગઈ હતી. તેના કારણે ફોર્ક હવામાં લટકતી હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું.
ઉલ્લેખનીય છે કે, મોસ્કોનું જાણીતું ઓસ્તાન્કિનો ટાવર કે જે ૫૪૦ મીટરની ઉંચાઈ ધરાવે છે, તેના ઉપર ભયાનક બરફ પડયો હતો. આ ટાવર ઉપર બરફ પડવા ઉપરાંત બરફનું એક મોટું લેયર સર્જાઈ ગયું હતું. સમગ્ર ઈમારત જાણે કે કુલ્ફી જમાવી હોય તે રીતે જામી ગયું હતું.
જાણકારો માને છે કે, આ રીતે બરફ પડવો અને આટલી બધી માત્રામાં બરફ પડવો તે બંને કુદરતી નથી.
ગ્લોબલ વોર્મિંગને પગલે જે ઋતુચક્રમાં ફેરફાર આવ્યો છે તેણે ઠંડીની માત્ર અતિશય વધારી દીધી છે અને આ રીતે બરફ પડી રહ્યો છે. આ પરિવર્તન અસાધારણ અને આશ્ચર્યજનક છે.
બીજી તરફ એટલાન્ટિકની પાર અમેરિકામાં પણ સ્થિતિ આવી જ છે. ત્યાં પણ હાલમાં ઠંડીનો સામનો કરવામાં લોકોના હાંજા ગગડી રહ્યા છે. મિનિયાપોલિસમાં તાપમાન ઘટીને માઈનસ ૩૦ પહોંચી ગયું હતું. તે ઉપરાંત ઠંડીમાં અનુભવાતા ઠંડા પવનોની સ્થિતિ પણ અત્યંત ખરાબ હતી. આ વિંડ ચિલનું તાપમાન માઈનસ ૪૩ ડિગ્રી જેટલું હતું. અમેરિકાના આ વિસ્તારોમાં લોકોને પાસ્તા એક્સ્પિરિમેન્ટ હાલમાં ઈન્ટરનેટ માધ્યમોમાં ખૂબ જ વાઈરલ છે. અહીંયા એટલી બધી ઠંડી હતી કે, હવામાં ઉંચા કરેલા ઉકાળેલા નુડલ્સ ગણતરીની સેકન્ડમાં થીજી જતા હતા. લોકો ફોર્કમાં નુડલ્સ ઉચકીને અખતરા કરતા હતા. થીજી ગયેલા નુડલ્સમાં હવામાં લટકતી ફોર્ક અને ચમચીઓની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ ફરતી થઈ રહી છે.
જાણકારોના મતે આ અસાધારણ અને અસહ્ય ઠંડી પોલર વોર્ટેક્સમાં અવરોઘ ઊભો થવાના કારણે થઈ છે. પોલર વોર્ટેક્સ પૃથ્વીના ધ્રુવો પાસે રહેલું ઠંડી હવાનું અને લો પ્રેશર સિસ્ટમનું એક વિશાળ નેટવર્ક હોય છે. સામાન્ય સ્થિતિમાં એક મજબૂત જેટ સ્ટ્રીમ આ ઠંડી હવાને આર્કટિકમાં જ કેદ રાખે છે પણ જ્યારે આ જેટ સ્ટ્રીમ નબળી પડે છે અથવા તો વધારે લચકદાર બની જાય છે ત્યારે આર્કટિકની ઠંડી હવા દક્ષિણ તરફ ફેલાવા લાગે છે. હાલના સમયે આ જ સ્થિતિનું સર્જન થયેલું છે. તેના કારણે આ વિસ્તારોમાં હાડ થિજાવતી ઠંડી પડી રહી છે.
વિશ્વ હવામાન સંગઠને પણ પોતાના અહેવાલમાં જણાવ્યું કે, હાલમાં આર્કટિક ઓસિલેશનનો નેગેટિવ ફેઝ એક્ટિવ છે. આર્કટિક ઓસિલેશન એક જળવાયુ પેટર્ન છે જે નક્કી કરે છે કે ઠંડી હવા ઉત્તરમાં કેદ થઈ જશે કે પછી અમેરિકા, યુરોપ અને એશિયા તથા રશિયામાં મધ્ય અક્ષાંશ ધરાવતા વિસ્તારોમાં ફેલાઈ ગઈ છે.
સમજવાની બાબત એ છે કે, પોલર વોર્ટેક્સની આ અસર હાલમાં નેગેટિવ ફેઝમાં શા માટે જોવા મળી રહી છે. જાણકારોના મતે પોલર વોર્ટેક્સની અસર મોટાભાગે ધૃવો પાસે જ જોવા મળે છે. હાલમાં ગ્લોબલ વોર્મિંગની અસર ધ્રુવ પ્રદેશો ઉપર ભયાનક રીતે થઈ છે. તેના કારણે ધ્રુવોના કેન્દ્રની આસપાસ સર્જાતી આ સ્થિતિ હવે પલટાઈ રહી છે. સામાન્ય રીતે આર્કટિક વિસ્તારમાં ઉચ્ચ દબાણ સર્જાઈ જતું હોય છે. મધ્ય અક્ષાંશોમાં ઓછા દબાણની સાથે જ જેટ સ્ટ્રીમ ધીમી અને લચીલી થઈ જાય છે. તેના કારણે આર્કટિક ઉપર વહેતા અત્યંત ઠંડા પવનો પોતાના ક્ષેત્રમાંથી બહાર નીકળીને યુરોપ અને એશિયા તથા રશિયા સુધી ફેલાઈ જતા હોય છે. મોસ્કોમાં ઈમારતો થીજી જવી કે અમેરિકામાં નુડલ્સ થીજી જવા જેવી ઘટનાઓ તેનું જ પરિણામ છે.
ઉલ્લેખનીય છે કે, તાપમાનમાં આવતા આ અદ્વિતિય ફેરફારની અસર શરીર ઉપર પણ જોવા મળે છે. જાણકારો કહે છે કે, માઈનસ ૪૦ કે તેનાથી નીચેના તાપમાનમાં જો માણસના શરીરનું કોઈપણ અંગ ખુલ્લું રહે તો સૌથી પહેલાં ચામડીને નુકસાન થાય છે. માણસના શરીરનો ખુલ્લો ભાગ ફ્રોસ્ટબાઈટનો શિકાર બને છે. શરીરમાં વેસોકન્સ્ટ્રિક્શનની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. તેમાં લોહીની નળીયો સંકોચાવા લાગે છે જેથી શરીરના મુખ્ય અંગો ગરમ રહે પણ હાથ અને પગ ઉપર જોખમ વધવા લાગે છે.
સરેરાશ વ્યક્તિનું સ્વાસ્થ્ય જોખમાવા લાગે છે. વિપરિત સ્થિતિની અસર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર પણ દબાણ સર્જે છે. સ્ટીલના માળખાને વધારે નુકસાન થાય છે. તે ઉપરાંત ઈમારતોમાં રહેલો ભેજ પણ થીજવા લાગે છે તેના કારણે બાહ્ય માળખા ઉપર ભયાનક નુકસાન અને આડઅસરો સજાવાલ ગે છે. આ ઘટનાઓ દ્વારા સમજાય છે કે, પૃથ્વીનું વાયુમંડળ ખૂબ જ શક્તિશાળી અને અસ્થિર છે. કેટલાક જાણકારોએ ચેતવણી ઉચ્ચારી હતી કે, ૨૦૨૬નો આ આર્કટિક બ્લાસ્ટ અનેક ચેતવણીઓ અને જોખમો લઈને આવ્યો છે.
મહત્ત્વની વાત એવી છે કે, આ અતિશય ઠંડીના કારણે અમેરિકાની સ્થિતિ અત્યંત કફોડી છે. લોકોને આ વખતે આર્કટિક ઠંડા પવનોને પગલે મિડવેસ્ટ અને ઉત્તરી મેદાનમાં સામાન્ય રીતે સ્થિતિ કપરી છે અને જનજીવન ખોરવાઈ ગયું છે. અહીંયા પણ એવી સ્થિતિ આવી છે કે, અનેક વિસ્તારોમાં વૃક્ષોમાં વિસ્ફોટ થઈ રહ્યો હોય તેમ તે ફાટી રહ્યા છે. લોકો દાવો કરી રહ્યા છે કે, અતિશય ઠંડીના કારણે એક્સપ્લોડિંગ ટ્રી એટલે કે વૃક્ષોમાં વિસ્ફોટ થવાની ઘટનાઓ વધી રહી છે.
લોકો દાવો કરી રહ્યા છે કે, વૃક્ષો કોઈ બોમ્બ હોય તે રીતે ફાટી રહ્યા છે. લોકો દાવો કરી રહ્યા છે કે, આ વાસ્તવિક ઘટનાઓ છે. બીજી તરફ કેટલાક લોકો દ્વારા એવું કહેવાઈ રહ્યું છે કે , આ માત્ર ઈન્ટરનેટ ઉપર ફેલાવાતી અફવાઓ જેવું છે. કેટલાક સંશોધકો જણાવે છે કે, આ ઈન્ટરનેટ ઉપર ચાલતી અફવા નથી. અસહ્ય ઠંડી દરમિયાન આવું થતું હોય છે.
હવે અમેરિકામાં આવી ઘટનાઓ વધવા લાગી છે. હવામાન ખાતાના જાણકારોના મતે જ્યારે તપામાન ૨૦ ડિગ્રી ફેરનહિટથી નીચે જવા લાગે ત્યારે આવું બની શકે છે. તેઓ જણાવે છે કે, વૃક્ષોની અંદર રહેલા પ્રવાહી પદાર્થો અસહ્ય ઠંડીના કારણે થીજી જાય છે. તેઓ બહાર નીકળવા માટે વૃક્ષોની કોશિકાઓ ઉપર દબાણ કરે છે. તેના કારણે વૃક્ષની ડાળીઓ અને થડ ઉપર અસહ્ય દબાણ વધવા લાગે છે. જે વૃક્ષ, છોડ આ દબાણ સહન નથી કરી શકતા તેમાં વિસ્ફોટ થાય છે. ઘણી વખત માત્ર બંધૂકની ગોળી છુટી હોય અને તેના વાગવાથી થતો અવાજ હોય તેવો પણ અવાજ આવે છે.
વૃક્ષોની અંદર રહેલા તરલ પદાર્થો થીજીને વિસ્તરે છે અને થડમાં વિસ્ફોટ થાય છે
મહત્ત્વની વાત એ છે કે, વૃક્ષોમાં વિસ્ફોટ થવાની ઘટનાઓ અમેરિકામાં વધવા લાગી છે. તેના કારણે લોકોમાં અને સંશોધકોમાં પણ ચિંતા વધવા લાગી છે. જાણકારોના મતે વૃક્ષોની અંદર સૈપ નામનું એક પ્રવાહી હોય છે. આ એવો પદાર્થ છે જે પ્રકાશસંશ્લેષણ દ્વારા તૈયાર થયેલા પોષક તત્ત્વોને વૃક્ષના વિવિધ ભાગમાં પહોંચાડે છે. મોટાભાગે આ પ્રવાહી સામાન્ય ઠંડીમાં પણ પ્રવાહી તરીકે જ રહે છે. જેમ જેમ તાપમાન વધે છે તેમ તેમ તેને અસર થાય છે. તેમાંય તાપમાન માઈનસ ૨૯ ડિગ્રી અને તેનાથી નીચે જવા લાગે છે ત્યારબાદ તેમાં મુશ્કેલી શરૂ થાય છે. સામાન્ય રીતે માઈનસ ૨૯ ડિગ્રી તાપમાનમાં તે થીજી જવાથી સમસ્યા સર્જાય છે. આ પદાર્થો જેમ જેમ થીજી જવા લાગે છે તેમ તેમ વિસ્તરવા લાગે છે.
આવા તમામ પ્રવાહી પદાર્થો થીજવા લાગે છે અને અંદરથી દબાણ ઊભું કરવા લાગે છે. જે સમયે ઝાડની ડાળીઓ, થડ કે અન્ય ભાગ આ દબાણ સહન કરી શકતા નથી ત્યારે તે અચાનક ફાટી જાય છે. એક વિસ્ફોટ થયો હોય તેવી ઘટના બને છે અને વૃક્ષ તુટી જાય છે કે તેની ડાળીઓ તુટી જાય છે કે થડ ચીરાઈ જાય છે.
ઘણા કિસ્સામાં છોડ ધ્વસ્ત પણ થઈ જાય છે. બોટની સેક્ટર સાથે સંકળાયેલા જાણકારો તેને ફ્રોસ્ટ ક્રેકિંગ કહે છે. તેઓ જણાવે છે કે, સેપ જ્યારે થીજીને ફેલાય છે ત્યારે થડની અંદર રહેલા રેશા ચિરાવા લાગે છે. તેમાંથી એટલી ઊર્જા નીકળે છે કે, જોરદાર બ્લાસ્ટ થાય છે.
ઘણા વખત સમગ્ર વિસ્તાર ખૂબ જ શાંત હોય અથવા તો રાત્રે બધું જ શાંત હોય ત્યારે ફ્રોસ્ટ ક્રેકિંગ થાય ત્યારે વિસ્ફોટ અથવા તો ગોળી છુટીને વાગી હોય તેવો અવાજ આવતો હોય છે અને લોકો તેના કારણે વધારે ગભરાતા હોય છે. ડાળીઓ તુટવાથી માંડીને, થડ ચિરાવું, થડ તુટી જવું કે સમગ્ર વૃક્ષ તુટી જવા જેવી ઘટનાઓ બનવા લાગે છે. જાણકારોના મતે હાલમાં અમેરિકાના નોર્થ ડેકોટા, મિનિયેસોટા, વિસ્કોન્સિન જેવા રાજ્યોમાં ભયાનક ઠંડી પડી રહી છે અને ત્યાં વૃક્ષોમાં વિસ્ફોટ થવાની ઘટનાઓ વધી રહી છે.


