- બાંગ્લાદેશના હિન્દુઓ સ્વયંભુ આંદોલન કરીને રંગપુરમાં ભેગા થઈ અલગ પ્રદેશની માગણી કરી રહ્યા છે જેની ભારતે નોંધ લેવી જોઈએ
- બાંગ્લાદેશનું રંગપુર ડિવિઝન જેને ત્યાંનું ચિકનનેક ગણવામાં આવે છે તેને વિખુટું પાડી દેવામાં આવે તો બાંગ્લાદેશોનો મોટો પ્રદેશ મુક્ત થઈ જાય. મહત્ત્વની વાત એ છે કે, આ ડિવિઝનની લગભગ 90 ટકા સરહદ પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલી છે : બાંગ્લાદેશના સત્તાધિશો અને કટ્ટરવાદીઓ જાણી જોઈને ભારતને ઉશ્કેરવાનું અને કનડવાનું કામ કરી રહ્યા છે. તે ભારત વિરોધી તાકાતો જોડે ભાગીદારીના પ્રયાસ કરી રહ્યું છે. આ સંજોગોમાં જો ભારતને રાષ્ટ્રીય સુરક્ષા જોખમનો અણસાર આવ્યો તો તે સૈન્ય પગલાં ભરી લેશે : રંગપુરની ભૌગોલિક સ્થિતિ એટલી પ્રબળ છે કે, તેને સરળતાથી આઝાદ પણ કરી શકાય છે અને આઝાદ થયેલું હિન્દુ બહુમતી ધરાવતું રંગપુર ઈચ્છે તો ભારત તેની દેખરેખ કરી શકે છે. આ રીતે બાંગ્લાદેશમાં હિન્દુઓ જુદા પડી જશે અને જરૂર પડયે તેમને ભારતની મદદ પણ મળશે.
બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર પડયા બાદ જે કટ્ટરવાદ, હિંસા, રાજકીય ઉથલપાથલ ચાલી રહ્યા છે તેનો અંત આવે તેમ દેખાતું નથી. ખાસ કરીને મોહમ્મદ યુનુસના હાથમાં સત્તા સોંપવામાં આવ્યા બાદ બાંગ્લાદેશની વધારે અધોગતિ થઈ હોય તેમ દેખાઈ રહ્યું છે. બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓએ જાણે કે યુનુસને કઠપુતળી બનાવી દીધા હોય તે રીતે નિવેદનો આવી રહ્યા છે અને કામગીરી થઈ રહી છે. જે બાંગ્લાદેશનું સર્જન જ ભારતે કરાવ્યું છે તેના વિરુદ્ધ હવે ઝેર ઓકવામાં આવી રહ્યું છે. ભારત સામે બાંગ્લાદેશની ક્ષમતા સામાન્યની કક્ષાએ પણ આવે તેવી નથી છતાં બાંગ્લાદેશ અને તેના કટ્ટરવાદીઓ દ્વારા ભારતને ધમકી આપવામાં આવી રહી છે. તેઓ મર્યાદા અને કક્ષાની બહાર જઈને એલફેલ નિવેદનો કરી રહ્યા છે. તાજેતરમાં કેટલાક કટ્ટરવાદીઓએ ભારતને ધમકી આપી છે કે, તેઓ ભારતના સેવન સિસ્ટર્સ ગણાતા પૂર્વોત્તર રાજ્યોને ભારતથી અલગ કરી દેશે. બાંગ્લાદેશી કટ્ટરવાદીઓ ભારતના સિલિગુડી સેક્ટર કે જેને ચિકન નેક પણ કહેવામાં આવે છે તેને સૈન્ય કાર્યવાહી કરીને કાપવાની વાત કરી રહ્યા છે.
અહીંયા સમજવા જેવી વાત એ છે કે, બાંગ્લાદેશ પાસે પણ એવો વિસ્તાર છે જે તેનાથી સરળતાથી અલગ થઈ શકે તેમ છે. જાણકારો માને છે કે, ભારત ખરેખર જો ૭૧ જેવું કોઈ પગલું ભરશે તો બાંગ્લાદેશના ટૂકડા નિશ્ચિત છે. બાંગ્લાદેશનું રંગપુર ડિવિઝન જેને ત્યાંનું ચિકનનેક ગણવામાં આવે છે તેને વિખુટું પાડી દેવામાં આવે તો બાંગ્લાદેશોનો મોટો પ્રદેશ ભારતને આધિન થઈ જાય. મહત્ત્વની વાત એ છે કે, આ ડિવિઝનની લગભગ ૯૦ ટકા સરહદ પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલી છે. તેના કારણે અહીંયાના લોકો બધા જ ભારત સાથે સરળતાથી જોડાઈ શકે તેમ છે. આ વિસ્તારમાં હિન્દુઓની વસતી પણ વધારે હોવાના અહેવાલો છે.
જાણકારો માને છે કે, ઉન્માદમાં આવીને બંને દેશોની પ્રજા આવું કરવાનું વિચારી રહી છે પણ દેખીતી રીતે તેમ કરવું શક્ય નથી. ખાસ કરીને ભારત એક જવાબદાર દેશ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું વિશેષ સન્માન છે અને ભારત આંતરરાષ્ટ્રીય કાયદાનું માન જાળવે છે. જો કે, મહત્ત્વની વાત એવી છે કે, ભવિષ્યમાં એવી કોઈ પરિસ્થિતિ ઊભી થઈ અને ભારતે વળતો જવાબ આપવાનો આવ્યો અથવા તો સ્વબચાવ કરવાનો આવ્યો તો કંઈપણ થઈ શકે છે. આ સંજોગોમાં બાંગ્લાદેશમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે કોઈ પણ પગલાં લેવા ભારત માટે ફરજિયાત બની જાય છે. જ્યારે એક દેશ આક્રમણ કરે અથવા યુદ્ધની સ્થિતિ ઊભી કરે તો બીજો દેશ સ્વાભાવિક રીતે બેસી રહેવાનો નથી. તે વળતા પગલાં ચોક્કસ લેશે. બાંગ્લાદેશ ભારતને બિલકુલ અડીને આવેલો દેશ છે. બંનેની સરહદો એક જ છે. આ સંજોગોમાં બાંગ્લાદેશમાં કોઈપણ બાબત આડીઅવળી થાય છે અથવા તો તે કોઈ આડોડાઈ કરે છે તો ભારત ઉપર તેની અસર પડવાની જ છે અને ત્યારે ભારતે પગલાં લેવા જ જોઈએ.
ઉલ્લેખનીય છે કે, કેટલાક જાણકારો આ બાબતને સમજાવવા માટે યુક્રેન અને રશિયાના યુદ્ધને પણ ઉદાહરણ તરીકે રજૂ કરી રહ્યા છે. આમ જોવા જઈએ તો યુક્રેન સોવિયેત સંઘનો ભાગ હતું. ઈતિહાસમાં તેના પુરાવા છે. સોવિયેત સંઘનું વિઘટન થયું તેમાંથી યુક્રેનનું સર્જન થયું છે. તે એક સ્વતંત્ર દેશ બન્યો છે. તે સ્વતંત્ર થયા બાદ પશ્ચિમી પ્રભાવમાં આવવા લાગ્યો હતો. રશિયાને આ બાબત ગમતી નહોતી. તેમ છતાં રશિયા શાંત રહ્યું હતું. બીજી તરફ યુક્રેન પણ રશિયાને જાણે ઉશ્કેરવા માગતું હોય તેમ રશિયા વિરોધી દેશો સાથે જોડાણ કરતું રહ્યું. તે રશિયા વિરોધી સૌથી મોટી નાટો સૈન્યનો ભાગ બનવા માટે પણ વલખાં મારતું હતું. તેના પગલે જ રશિયાનું ધૈર્ય તુટી ગયું અને તે આકારપાણીએ થયું. હકિકત એવી હતી કે, રશિયા કોઈપણ ભોગે પોતાની સરહદે નાટો સૈન્ય આવે તેવું પસંદ કરતું નહોતું અને તેના કારણે જ તેણે યુક્રેન ઉપર હુમલો કરી દીધો.
રશિયા પાસે અદ્વિતિય સૈન્ય તાકાત છે અને તે કોઈપણ દેશ ઉપર હુમલો કરવાની હિંમત પણ રાખે છે. આજે સ્થિતિ એવી આવી ગઈ છે કે, અમેરિકા સહિતના પશ્ચિમી દેશો રશિયાને વિનંતી કરવા લાગ્યા છે કે, તે યુદ્ધ વિરામ કરે. તેઓ યુક્રેનને નાટોનું સભ્ય નહીં બનાવવા અને રશિયાએ યુક્રેનના જે વિસ્તારો ઉપર કબજો મેળવ્યો છે તેને માન્યતા આપવા પણ તૈયાર થઈ ગયા છે. સ્થિતિ એવી છે કે, યુક્રેનની આડોડાઈ તેને જ ભારે પડી રહી છે.
આ એક ઘટના જણાવે છે કે, જ્યારે દેશની સંપ્રભુતા સામે ખતરો ઊભો થાય છે અને સુરક્ષા જોખવાની વાત આવે છે ત્યારે કોઈપણ દેશ મજબૂર થઈને પણ તર્કના આધારે પગલા ભરતો હોય છે કે સૈન્ય કાર્યવાહી કરતો હોય છે. બાંગ્લાદેશ હાલના સમયમાં આવી જ કંઈક કામગીરી કરી રહ્યો છે.
બાંગ્લાદેશના સત્તાધિશો અને કટ્ટરવાદીઓ જાણી જોઈને ભારતને ઉશ્કેરવાનું અને કનડવાનું કામ કરી રહ્યા છે. તે સતત ભારત વિરોધી કામગીરી કરી રહ્યું છે અને ભારત વિરોધી તાકાતો જોડે ભાગીદારીના પ્રયાસ કરી રહ્યું છે. આ સંજોગોમાં જો ભારતને રાષ્ટ્રીય સુરક્ષા જોખમનો અણસાર આવ્યો તો તે સૈન્ય પગલાં ભરી લેશે. એક વાત સ્પષ્ટ છે કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જો યુદ્ધ શરૂ થયું તો તે પણ રશિયા અને યુક્રેનની જેમ લાંબુ ચાલનારું અને મોટું આર્થિક નુકસાન લાવનાર બનશે.
ઉલ્લેખનીય છે કે, ૧૯૭૧માં બાંગ્લાદેશના નિર્માણ સમયે ભારત પાસે એક સુવર્ણ અવસર હતો કે, તે પોતાના સિલિગુડી કોરિડોરને પહોળો કરી નાખે અને બાંગ્લાદેશના આ રંગપુર ડિવિઝનને પોતાનામાં ભેળવી દે અથવા તો આઝાદ પ્રદેશ જાહેર કરીને પોતાને હસ્તક કરી લે. તે સમયે ભારતે જ બાંગ્લાદેશની આઝાદી માટે જંગ લડયો હતો તેથી ભારતે તેમ કરી લીધું હોત તો પણ કોઈ કહેનાર નહોતું. તે સમયે ભારતે સમગ્ર દુનિયા સામે ઝિંક ઝીલીને પણ બાંગ્લાદેશને મુક્ત કરાવ્યું હતું. તે સમયે જગતજમાદાર અમેરિકા પણ ભારત વિરોધી હતું છતાં તત્કાલિન પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીએ પોતાના દ્રઢ મનોબળ અને મજબૂત નેતૃત્વનો પરિચય આપીને બાંગ્લાદેશનું નિર્માણ કરાવ્યું હતું.
રંગપુર ડિવિઝન એક એવો વિસ્તાર છે જે સંપૂર્ણ રીતે પશ્ચિમ બંગાળને અડીને આવેલો છે. આ એક એવો વિસ્તાર છે જેનું કુલ ક્ષેત્રફળ ૧૬,૧૮૫ વર્ગ કિ.મી. છે. અહીંયાની કુલ વસતી ૧.૯ કરોડ છે. તેમાં અંદાજે પ્રતિ કિ.મી ૧૨૦૦ લોકો રહે છે. અહીંયા એક વિસ્તાર એવો છે જ્યાં ૨૩ લાખ હિન્દુઓની વસતી છે. આ પ્રદેશની કુલ વસતીના ૨૩ ટકા લોકો હિન્દુ સમુદાયના છે. જો આ ડિવિઝનની વાત કરીએ તો વસતીની સરેરાશ પ્રમાણે રંગપુર ડિવિઝન બાંગ્લાદેશનો બીજા ક્રમનો સૌથી વધુ વસતી ધરાવતો વિસ્તાર છે. બાંગ્લાદેશના સિલહટ ડિવિઝન બાદ રંગપુર ડિવિઝનમાં સૌથી વધારે વસતી છે. સિલહટ ડિવિઝનમાં ૧૩.૫૧ ટકા હિન્દુઓ છે. સંખ્યાના આધારે હિન્દુઓની સૌથી વધારે વસતી ઢાકા ડિવિઝનમાં છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ૨૮ લાખ હિન્દુઓ રહે છે. ઢાકાની કુલ વસતી ૪.૪૨ કરોડ છે અને તેમાં હિન્દુઓની વસતી ૬.૨૬ ટકા જ છે. આમ સરેરાશ હિન્દુ વસતીની સૌથી વધારે સરેરાશ રંગપુરમાં છે. તેના કારણે જ જો રંગપુર ડિવિઝનને ભારત સાથે જોડી દેવામાં આવે તો હિન્દુઓની મોટી વસતી ભારતમાં આવી જાય તેમ છે.
બાંગ્લાદેશી હિન્દુઓ હિંમત કરે તો રંગપુર આઝાદ પ્રાન્ત બની શકે તેમ છે
બાંગ્લાદેશ સામે સીધી રીતે હાલમાં કોઈ પગલાં લઈ શકાય તેમ નથી. તે ઉપરાંત બાંગ્લાદેશ સાથે યુદ્ધ કરવાનું પણ હાલ કોઈ નક્કર કારણ નથી. માત્ર ઉશ્કેરણીજનક નિવેદનો અને બેજવાબદાર નિવેદનોને પગલે બાંગ્લાદેશ સામે સૈન્ય પગલાં ભરી શકાય નહીં. તેવી જ રીતે સૈન્ય પગલા ભરીને રંગપુર ડિવિઝનને બાંગ્લાદેશથી અલગ પણ કરી શકાય તેમ નથી. સીધી રીતે આ કામ ઘણું કપરું છે. જાણકારો માને છે કે, રંગપુરને અલગ પાડવું હોય તો તેને સ્થાનિક લોકો દ્વારા જ અલગ પાડવું પડે. હાલમાં હિન્દુઓ તે કામ કરવા માટે નથી રહ્યા છે. બાંગ્લાદેશમાં ઈસ્લામિક કટ્ટરવાદ એટલો વકરી રહ્યો છે કે, હિન્દુઓને ભયાકન ત્રાસનો સામનો કરવો પડી રહ્યો છે. તેના કારણે બાંગ્લાદેશમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ગમે ત્યારે કોમી હિંસા અને અન્યાયનો આ જ્વાળામુખી ફાટે તેવી સ્થિતિ છે. જાણકારોના મતે બાંગ્લાદેશમાં રહેતા તમામ હિન્દુઓ ધીમે ધીમે એકજૂથ થઈને રંગપુર આવીને વસવાટ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. અહીંયાની ડેમોગ્રાફીમાં જ મોટાપાયે પરિવર્તન આણી શકાય તેમ છે. એક વખત હિન્દુઓ આ વિસ્તારમાં એકજૂથ થઈને મજબૂત થઈને રહેવા લાગે તો તેમના માટે આંતરિક ભય ઓછો થઈ જાય. ખાસ કરીને જો હિંસા થાય અને બાહ્ય સમર્થન કે મદદની જરૂર પડે તો ભારત પરોક્ષ રીતે કોઈપણ મદદ આપી શકે અને હિન્દુઓને ભારતની મદદ મળે તો હુંફ બની રહે. બીજી બાબત એવી છે કે, આ વિસ્તારમાં હિન્દુઓ આવીને વસવાટ કરવા લાગે અને ત્યારબાદ તેમની સામે અન્ય થાય, હિંસા થાય કે તેમનું શોષણ કરવાની વાતો આવે તો તેઓ અલગ પ્રદેશની માગણી કરી શકે છે.
એક વખત અલગ હિન્દુ પ્રદેશની માગણી ઉગ્ર બને તો આ મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી જાય. ત્યારબાદ જરૂર પડે તો ભારત આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવીને સૈન્ય કામગીરી કરીને રંગપુરને આઝાદ કરાવી શકે છે. રંગપુરની ભૌગોલિક સ્થિતિ એટલી પ્રબળ છે કે, તેને સરળતાથી આઝાદ પણ કરી શકાય છે અને જરૂર પડયે ભારતમાં તેનો વિલય પણ કરી શકાય તેમ છે. આ રીતે બાંગ્લાદેશમાં હિન્દુઓ જુદા પડી જશે અને જરૂર પડયે તેમને ભારતમાં પણ ભેળવી શકાશે. હાલમાં એકજબાબત મહત્ત્વની છે કે, બાંગ્લાદેશમાં પીડાઈ રહેલા હિન્દુઓને ભારતે કોઈપણ રીતે હુંફ મળે અને હિંમત મળે તેવી કામગીરી કરવી જોઈએ.


