વિશેષ ઓળખ જાળવી રાખવા લદ્દાખમાં યુવાક્રાંતિના પડઘમ
- લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અને છઠ્ઠી અનુસુચી વિસ્તારવા માટે લદ્દાખના લોકો સરકાર સામે મેદાને
- 2019માં લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો અને આર્ટિકલ 370 અને 35 એ દૂર થતા લદાખવાસીઓને જમીન અને નોકરીઓમાં મળનારું વિશેષ રક્ષણ બંધ થઈ ગયું હતું. લોકોમાં હવે ભય ફેલાયો છે કે, જો સરકાર દ્વારા લદાખને છઠ્ઠી અનુસુચીમાં જોડવામાં ન આવ્યું તે બહારના લોકો આવીને તેમની જમીનો પડાવી લેશે : આ અનુસુચી બંધારણના અનુચ્છેદ 244(2) અને 275(1) હેઠળ કામ કરે છે. તેના દ્વારા જ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલની રચના થાય છે, જે જમીન, જંગલ, ખેતી, શિક્ષણ, સ્વાસ્થ્ય અને અન્ય સ્થાનિક કરવેરા સાથે જોડાયેલા કાયદા ઘડે છે : 1989માં અહીંયા સૌથી મોટું હિંસક આંદોલન થયું હતું. તે સમયે સ્થાનિકોને લાગતું હતું કે, પ્રદેશના સંસાધનો, યોજનાઓ અને નોકરીઓ ઉપર વધારે અધિકાર જમ્મુ-કાશ્મીરના વિસ્તારોમાં મળી રહ્યો છે
લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગણી સાથે લદ્દાખ એપેક્સ બોડી (એલએબી) યુવા સંગઠનો દ્વારા લેહમાં બુધવારે બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હજારો યુવાનો રસ્તા પર ઉતર્યા હતા અને લેહમાં ભાજપની ઓફિસ પર હુમલો કર્યો હતો, અનેક વાહનોમાં તોડફોડ કરી હતી. આ પહેલા લદ્દાખને પૂર્ણ રાજ્યના દરજ્જા અને છઠ્ઠી યાદીની માગણી સાથે ૧૫ જેટલા યુવાનો ૩૫ દિવસની ભુખહડતાળ પર બેઠા હતા, તેમાંથી કેટલાકનું સ્વાસ્થ્ય કથળતા તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, આ સમાચાર ફેલાતા જ યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સ્થિતિ કાબુ બહાર જતા અનેક વિસ્તારોમાં કરફ્યૂ લાદવામાં આવ્યો છે. જ્યારે ઠેરઠેર સુરક્ષાદળો ખડકી દેવામાં આવ્યા છે. બીજી તરફ પર્યાવરણ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે હિંસાને પગલે પોતાના ઉપવાસ બુધવારે પૂર્ણ કર્યા હતા. કેન્દ્ર સરકારે ભુખહડતાળના ૧૫ દિવસ બાદ વાતચીત માટે તારીખ આપી, જેને કારણે યુવાનો વધુ ભડક્યા. સરકારે યુવાનોને હિંસા પર ઉતરી આવવા મજબુર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે લદ્દાખને ૨૦૧૯માં કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો હતો. હવે લદ્દાખના નાગરિકો પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની તેમજ બંધારણની છઠ્ઠી યાદીમાં લદ્દાખને સામેલ કરવાની માગણી કરી રહ્યા છે. સોનમ વાંગચુક આ મુદ્દે અનેક વખત ભુખહડતાળ કરી ચુક્યા છે. તેઓએ દિલ્હીમાં પણ ધરણા કર્યા હતા. હાલમાં લદ્દાખમાં તેમની સાથે યુવાનો પણ જોડાઇ રહ્યા છે અને આંદોલન હિંસક બની રહ્યું છે. લેહમાં ભાજપના કાર્યાલયને અને પોલીસના વાહનોને ટોળાએ આગને હવાલે કર્યા હતા. વાત એવી છે કે, ક્યાંકને ક્યાંક અન્ય દેશોના આંદોલનો અને યુવાનોના વિદ્રોહને જોઈને કે વિરોધને જોઈને લદ્દાખના યુવાનો પણ ઉશ્કેરાયા હોય અથવા તો ઉશ્કેરવામાં આવ્યા હોય તેવા અહેવાલ છે. આ યુવાનોની અને આંદોલન કરનારાની માગણી એવી છે કે, લદાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. તે ઉપરાંત બંધારણની છઠ્ઠી અનુસુચિનું વિસ્તરણ કરવામાં આવે. તે ઉપરાંત અહીંયા લોકસભાની બેઠક વધારીને બે કરવામાં આવે. તે ઉપરાંત સૌથી મહત્ત્વની બાબત કે, લદાખના સ્થાનિક લદાખી જાતીના લોકોને આદિવાસીનો દરજ્જો આપવામાં આવે.
લદાખના યુવાનો અને ખાસ કરીને સોનમ વાંગચુક જે બંધારણની છઠ્ઠી અનુસુચિની વાત કરે છે તે ખૂબ જ મહત્ત્વની છે. આ અનુસુચિ આદિવાસીઓને વિશેષ અધિકાર આપવાની જોગવાઈ કરે છે. આદિવાસી સમુદાયોની સંસ્કૃતિ, જમીનો અને સંસાધનોનું રક્ષણ કરવા માટે જ આ અનુસુચિની રચના કરવામાં આવી હતી. આઝાદી બાદ ભારત સરકાર દ્વારા આ અનુસુચીની જોગવાઈ કરવામાં આવી હતી. આ અનુસુચી દ્વારા જ પૂર્વોત્તરમાં પર્વતીય વિસ્તારોમાં રહેતા આદિવાસીઓને દેશ અને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અનુસુચિ બંધારણના અનુચ્છેદ ૨૪૪(૨) અને ૨૭૫(૧) હેઠળ કામ કરે છે. તેના દ્વારા જ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલની રચના થાય છે. તે સ્થાનિક ધોરણે કાયદાની રચના કરી શકે છે. આ કાયદા જમીન, જંગન, ખેતી, શિક્ષણ, સ્વાસ્થ્ય અને અન્ય સ્થાનિક કરવેરા તથા મુદ્દા સાથે જોડાયેલા હોય છે.
છઠ્ઠી અનુસૂચિ હેઠળ રચાયેલી સ્વાયત્ત જિલ્લા પરિષદમાં મહત્તમ ૩૦ સભ્યો હોય છે. તે પૈકી ચાર સભ્ય રાજ્યપાલ દ્વારા નિયુક્ત થાય છે, જ્યારે બાકીના ૨૬ મતદાન દ્વારા ચૂંટાય છે. આ પરિષદોને વિવિધ સત્તા મળે છે. તેમાં સૌથી પહેલાં તો વહિવટી સત્તા મળે છે જેમાં, જમીનનો વહીવટ, જંગલો, પાણીના સ્ત્રોતો, ખેતી, ગ્રામપંચાયતો, સ્થળાંતર અને સામાજિક રિવાજો પર કાયદા બનાવવાની છૂટ મળે છે. આ ઉપરાંત આર્થિક બાબતોની સત્તા પણ મળે છે જેમાં, જમીન મહેસૂલ અને અન્ય સ્થાનિક કર લગાવવા અને વસૂલ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. સ્થાનિક નાગરિકોના ગુનાખોરી અને અન્ય દાવાઓની સુનાવણી કરવા અને ન્યાય કરવાની સત્તા પણ તેના થકી મળે છે. તેમાં ખાસ કરીને ચોક્કસ પ્રકારના નાગરિક અને ફોજદારી મુદ્દાની સુનાવણી અને નિર્ણય લેવાની સત્તા મળે છે.
ટેકનિકલી જોવા જઈએ તો કેન્દ્ર સરકાર દ્વાર આ વિસ્તારો અને કામગીરી ઉપર નજર રાખવામાં આવે છે તેમ છતાં સ્થાનિક લોકો પોતાના નિર્ણયો જાતે લેતા હોય છે. મૂળ લાગણી એવી છે કે, તેના દ્વારા આદિવાસીઓ પોતાની પરંપરા અને જમીનો તથા જંગલોનું રક્ષણ કરી શકે છે અને બહારના લોકો તેમાં વધારે હસ્તક્ષેપ કરી શકતા નથી. વર્તમાન સમયમાં તે આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ જેવા કેટલાક આદિવાસી બહુમતી ધરાવતા પર્વતીય વિસ્તારોમાં લાગુ કરવામાં આવેલી છે. આ રાજ્યોમાં ૧૦ સ્વતંત્ર જિલ્લા પરિષદો છે જેના દ્વારા તેઓ પોતાની સંસ્કૃતિ, ભાષા, પરંપરા અને જમીન ઉપર પોતાનો જ અધિકાર રાખી શકે. આદિવાસી જાતીઓ માટે આ એક બંધારણિય સુરક્ષા વ્યવસ્થા છે જેના દ્વારા તેમની ઓળખ, જમીન, સંસ્કૃતિ, સંસાધનો જાળવી શકાય અને બહારના લોકો તેના ઉપર કબજો ન કરી શકે.
ઉલ્લેખનીય છે કે, ૨૦૧૯માં જમ્મુ-કાશ્મીરથી અલગ કરીને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો. હકિકતે આર્ટિકલ ૩૭૦ અને ૩૫એ દૂર થઈ જવાના કારણે લદાખવાસીઓને જમીન અને નોકરીઓમાં મળનારું વિશેષ રક્ષણ બંધ થઈ ગયું હતું. લદાખની ૯૭ ટકા વસતી આદિવાસી છે જેમાં લેહના બૌદ્ધ અને કારગિલના મુસ્લિમોનો પણ સમાવેશ થાય છે. લોકોમાં હવે ભય ફેલાયો છે કે, જો સરકાર દ્વારા લદાખને છઠ્ઠી અનુસુચિમાં જોડવામાં ન આવ્યું તે બહારના લોકો આવીને તેમની જમીનો પડાવી લેશે. ૨૦૨૩માં આ માગણીએ વધારે જોર પકડયું હતું અને ધીમે ધીમે ડોમિસાઈલ નિયમો અંગે પણ લોકોમાં રોષ વધતો જતો હતો. એક ચર્ચા એવી ચાલી હતી કે, હવે બહારના લોકોને પણ લદાખમાં સ્થાનિક નિવાસી હોવાનો દરજ્જો આપવામાં આવી શકે છે. સ્થાનિકોમાં ભય હતો કે, તેના દ્વારા તેમના અધિકારો છીનવાઈ જશે અને બહારના લોકો ઘુસી જશે. તેના પગલે લદાખમાં છઠ્ઠી અનુસુચિ વિસ્તારવા માટે માગણી વધવા લાગી છે.
લદાખની વાત કરીએ તો ૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે અહીંયાની કુલ વસતી ૨,૭૪,૨૮૯ હતી જે ૨૦૨૧માં વધીને ૨,૯૦,૦૦૦ થઈ ગઈ છે. વર્તમાન સમયમાં અહીંયા જે વસતી છે તેમાંથી ૯૭ ટકા વસતી આદિવાસી છે. આ વસતીમાં લેહમાં વસતા મોટાભાગના બૌદ્ધ અને કારગિલમાં વસતા મુસ્લિમોનો સમાવેશ થાય છે. લદાખની ખાસિયત એ છે કે, અહીંયાની વસતીમાંથી ૨૭ ટકા વસતી યુવાનોની છે. આ લોકોની ઉંમર સરેરાશ ૧૫ થી ૨૯ વર્ષ વચ્ચેની છે. તે ઉપરાંત નાના બાળકોની સંખ્યા પણ ૯ ટકા છે જેઓ ૦ થી ૯ વર્ષની વચ્ચેની ઉંમર ધરાવે છે. તેના કારણે જ અહીંયા યુવાનો અને જેનઝીમાં છઠ્ઠી અનુસુચિ લાગુ કરવાનો ઉત્સાહ અને આક્રોશ વધારે જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, લદાખના ભૂતકાળમાં નજર કરીએ તો અહીંયા પહેલાં પણ આંદોલન થયા અને ઘણા હિંસક પણ આંદોલન થયા છે. અહીંયા ૧૯૮૯માં સૌથી મોટું હિંસક આંદોલન થયું હતું. તે દરમિયાન લેહમાં બોદ્ધ અને કારગિલમાં મુસ્લિમો વચ્ચે તણાવ વધી ગયો હતો અને હિંસા ફેલાવા લાગી હતી. તે સમયે પણ આ હિંસા પાછળનું કારણ સાંસ્કૃતિક અને આર્થિક જ હતું. તે સમયે સ્થાનિકોને લાગતું હતું કે, પ્રદેશના સંસાધનો, યોજનાઓ અને નોકરીઓ ઉપર વધારે અધિકાર જમ્મુ-કાશ્મીરના વિસ્તારોમાં મળી રહ્યો છે. તેના કારણે જમ્મુ-કાશ્મીરના પુંછથી આંદોલન ભડક્યું હતું તે આગળ વધતા વધતા લેહ સુધી ફેલાયું હતું. તે દરમિયાન બૌદ્ધ મઠના ભિક્ષુઓ પણ આ આંદોલન અને વિરોધમાં જોડાઈ ગયા હતા. આ આંદોલન એટલું મોટું હતું કે, અંદાજે ત્રણ મહિના સુધી ચાલ્યું હતું.
ત્યારબાદ કેન્દ્ર સરકારે તેમાં હસ્તક્ષેપ કરવો પડયો હતો. ત્યારબાદ ૧૯૯૫માં લદાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ સ્થિતિ થોડી થાળે પડી હતી. હવે ૨૦૧૯માં લદાખ ફરીથી કેન્દ્ર શાસિત પ્રદેશ બની જતા સ્થાનિકોમાં અવિશ્વાસ ઊભો થવા લાગ્યો છે. તેના કારણે જ તેઓ પોતાનો પ્રદેશ, ઓળખ, સંસ્કૃતિ અને ભાષા બચાવવા માટે ફરી આંદોલન અને હિંસાના માર્ગે ઉતરી આવ્યા છે.
બંધારણની છઠ્ઠી અનુસુચિનું વિસ્તરણ કરવાથી લદાખને આ ફાયદા થશે
જમીન અને સંસાધનોનું રક્ષણ : જાણકારોના મતે છઠ્ઠી અનુસુચીમાં સ્થાન મળ્યા બાદ અહીંયા સ્થાનિક સ્વતંત્ર પરિષદો બનાવી શકાશે. તેના દ્વારા બહારના લોકો સરળતાથી અહીંયા જમીન ખરીદી શકશે નહીં. હાલમાં લદાખ કેન્દ્ર શાસિત પ્રદેશ છે તેથી તમામ અધિકારો કેન્દ્ર સરકારની પાસે છે. નવા સુધારા બાદ સ્થાનિક પરિષદ પાસે આવી જશે.
પરંપરા અને સાંસ્કૃતિક ઓળખનું રક્ષણ : લદાખમાં વસતી ખૂબ જ ઓછી છે. ખાસ વાત એવી છે કે, અહીંયાની સંસ્કૃતિ, બોલી અને પરંપરાઓ અનોખી છે. છઠ્ઠી અનુસુચિમાં આવ્યા બાદ સ્થાનિક સંસ્કૃતિનો કાયદાકીય રક્ષણ મળશે. આ વિસ્તારની ભાષા, બોલી કે સંસ્કૃતિને નુકસાન થાય તેવો કોઈ નિર્ણય ત્યારબાદ લેવાશે નહીં અને સાંસ્કૃતિક ભય ઊભો થશે નહીં.
યુવાનોને રોજગારી મળશે : છઠ્ઠી અનુસુચી હેઠળ સ્વતંત્ર પરિષદોને શિક્ષણ, રોજગાર અને સ્થાનિક વિકાસની યોજનાઓ સાથે સંકળાયેલા નિર્ણયો લેવાનો અધિકાર મળશે. તેના પગલે સ્થાનિક યુવાનોને રોજગારમાં પ્રાથમિકતા મળશે. તે ઉપરાંત નવી યોજનાઓ પણ સ્થાનિક લોકોની અનુકુળતા અને વિકાસને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવશે.
પોતાના જ સમુદાય ઉપર શાસન થ અહીંયા કાયદાકીય બાબતોનો પણ ખૂબ જ વિવાદ ચાલે છે. હાલના સમયમાં લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાથી મોટાભાગના નિર્ણયો કેન્દ્ર સરકાર કરે છે. તે ઉપરાંત લેહ અને કારગિલની બે પરિષદો પણ કાયદાકીય નિર્ણયો લેતી હોય છે. છઠ્ઠી અનુસુચી બાદ અહીંયા સ્થાનિક પરિષદ જ બનાવી લેવામાં આવશે જે પોતાના લોકો માટે કાયદા અને નિયમો બનાવી શકશે. તેના આધારે સ્થાનિકોને ઝડપી અને યોગ્ય ન્યાય મળી શકશે.
ઓળખ જળવાશે : હાલમાં સ્થાનિકોને ડર છે કે, બહારના લોકો મોટી સંખ્યામાં આવશે તો મૂળ નિવાસીઓની ઓળખ જળવાશે નહીં અને સંસ્કૃતિને હાની થશે. છઠ્ઠી અનુસુચીને પગલે લદાખમાં બહારના લોકોની દખલ ઉપર રોક લાગી જશે અન તેમની મૂળ ઓળખ જળવાશે.
પર્યાવરણનું રક્ષણ : લદાખના લોકો માને છે કે, બહારના લોકો અહીંયા આવતા જશે અને જમીનમાં રોકાણ કરતા જશે તો ઉદ્યોગો વધી જશે, માઈનિંગ વધી જશે અને તેના કારણે પર્યાવરણને ભય ઊભો થશે. તે ઉપરાંત જમીનો પણ સુરક્ષિત રહેશે નહીં. છઠ્ઠી અનુસુચિ વિસ્તારવામાં આવશે તો લદાખની જમીન અને પર્યાવરણનું યોગ્ય રીતે રક્ષણ કરી શકાશે.