મુસ્લિમ તુષ્ટીકરણ માટે ચર્ચામાં રહેતાં નીતિશ-નાયડુના હિંદુવાદી અવતારથી ભાજપ ટેન્શનમાં
- હિન્દુત્વના જોરે સત્તામાં આવેલા મોદી સહિતના નેતાઓ મુસ્લિમોને રિઝવવા મથ્યા કરતા હતા તેના કારણે હિન્દુવાદી મતદારો ભાજપથી દૂર થયા હતા
- લોકસભાની ચૂંટણી વખતે નરેન્દ્ર મોદીએ પોતાના ઘરે ઈદ ઉજવાતી, પોતે મુસ્લિમોના ઘરે જઈને સેવૈયાં ખાતા એવી વાતો કરેલી. બાંગ્લાદેશમાં હિંદુઓની કત્લેઆમ મુદ્દે મોદી સરકાર બિલકુલ ચૂપ રહી. મોદી મલેશિયા ને બુ્રનેઈ જેવા દેશોમાં ફરીને મસ્જિદોમાં જવા માંડયા છે. કાશ્મીરમાં પણ અમિત શાહે જાહેરાત કરી કે, ભાજપ સત્તામાં આવશે તો ઈદ અને મોહર્રમ પર દરેક પરિવારને બે ગેસ સીલિન્ડર ફ્રી મળશે. હિંદુત્વના નામે સત્તામાં આવેલા મોદી-શાહની મુસ્લિમોની પંપાળવાની આ બધી વાતોથી હિંદુત્વ મતબેંક ભાજપથી દૂર જઈ રહી છે તેનો લાભ લેવા નીતિશ-નાયડુએ હિંદુવાદીઓને પોતાની તરફ વાળવાની વ્યૂહરચના અપનાવી છે.
આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુની ટીડીપીએ તિરુપતિ મંદિરના પ્રસાદમાં ભેળસેળવાળા ઘીનો મુદ્દો ઉઠાવ્યો જ્યારે બિહારના નીતિશ કુમારે અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ માટે મોદીની પ્રસંશા કરીને બિહારના માતા સીતાના જન્મસ્થાન સીતામઢીથી અયોધ્યા સુધીની સ્પેશિયલ વંદે ભારત ટ્રેન શરૂ કરી. નીતિશ-નાયડુ બંને મુસ્લિમ તુષ્ટિકરણના જૂના ખેલાડી મનાય છે પણ બંનેના રૂદિયામાં અચાનક રામ વસતાં ભાજપ ચકરાઈ ગયો છે. બલ્કે ચિંતામાં પડયો છે કેમ કે ભાજપને લાગે છે કે નીતિશ-નાયડુ હિંદુત્વની વાત કરીને બિહાર-આંધ્ર પ્રદેશમાંથી ભાજપનો કાંટો કાઢી નાંખવાની વ્યૂહરચના અપનાવી રહ્યા છે.
લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી તેનું એક કારણ હિંદુત્વના મુદ્દે ભાજપનાં બેવડાં ધોરણો પણ મનાય છે. હિંદુત્વના જોરે સત્તામાં આવેલા મોદી સહિતના નેતા મુસ્લિમોને રીઝવવા મથ્યા કરતા હતા તેના કારણે હિંદુવાદી મતદારો ભાજપથી દૂર થયા. આ હિંદુવાદી મતદારો કોગ્રેસ કે બીજા સેક્યુલર કહેવાતા પક્ષો તરફ વળી શકે તેમ નથી તેથી મૂંઝવણમાં છે. નીતિશ અને નાયડુએ આ મૂંઝવણને પારખી લઈને સમયસર હિંદુત્વનો નાદ છેડીને હિંદુવાદીઓને પોતાની તરફ વાળવાની ક્વાયત શરૂ કરી દીધી છે એવું ભાજપને લાગે છે. આ ક્વાયત સફળ થશે તો બંનેને ભવિષ્યમાં ભાજપની જરૂર જ ના રહે ને બંને લાત મારીને ભાજપને તગેડી મૂકે તેથી ભાજપ ચિંતામાં છે.
નીતિશ અને નાયડુએ ઉઠાવેલા મુદ્દા ભાજપને ભીંસમાં મૂકનારા પણ છે. નાયડુએ તિરૂપતિ મંદિરના લાડુમાં ગોમાંસ અને પશુઓની ચરબીનો મુદ્દો ઉઠાવ્યો તેમાં સીધા નિશાન પર જગન મોહન રેડ્ડીની સરકાર છે પણ ભાજપ પણ ટાર્ગેટ પર છે જ. જગન સામેના જંગમાં આજે નહીં તો કાલે ચંદ્રાબાબુ ભાજપ સામે ભિડાવાના જ છે કેમ કે લોકસભાની ચૂંટણી પહેલા સુધી ભાજપ અને જગન મોહન વચ્ચે ઈલુ ઈલુ ચાલતું હતું. ભાજપ પાસે રાજ્યસભામાં સ્પષ્ટ બહુમતી નહોતી તેથી જગન ભાજપના તારણહાર બનતા હતા. બદલામં જગન સામેના ભ્રષ્ટાચારના કેસોમાં ઈડી અને સીબીઆઈની તપાસમાં મોદી સરકારે ઢીલ મૂકી દીધેલી.
નાયડુ અત્યારે જગનને હિંદુવાદીઓની નજરમાં વિલન ચિતર્યા પછી જગન સામેના કેસોનો મુદ્દો પણ ઉઠાવશે એ નક્કી છે. એ વખતે નાયડુ જગન સામેના કેસોમાં કેમ ઢીલ મૂકાઈ એ મુદ્દો ઉઠાવીને મોદી સરકારને પણ આરોપીના પાંજરામાં ઉભી કરી દેશે એવું ભાજપના નેતા માને છે. આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુની સરકાર ભાજપ પર નિર્ભર નથી તેથી ચંદ્રાબાબુ માટે ભાજપ સામે તલવાર તાણવી સરળ છે.
નીતિશ કુમાર ભાજપ પર નિર્ભર છે પણ આ નિર્ભરતા આવતા વરસે નવેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી સુધી જ છે. સીતામઢીના વિકાસનો મુદ્દો ઉઠાવીને નીતિશ ભાજપ પર નિર્ભર ના રહેવું પડે તેનો તખ્તો ઘડી રહ્યા છે. મોદી સરકાર આ વાત માનીને સીતામઢીના વિકાસ માટે ખાસ પેકેજ આપે કે વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરે તો તેનો યશ નીતિશને મળશે અને હિંદુવાદી મતબેંક નીતિશ તરફ વળશે. મોદી સરકાર કઈ ના કરે તો પણ નીતિશ તેનો ઉપયોગ ભાજપ સામે કરી શકે. ભાજપને સીતામઢીના વિકાસમાં રસ નથી એવો મુદ્દો ઉભો કરીને નીતિશ ભાજપની મતબેંકને નુકસાન કરી શકે.બિહારમાં નીતિશ કરતાં ભાજપ વધારે શક્તિશાળી હતો પણ લોકસભાની ચૂંટણીમાં ભાજપનું ધોવાણ થયું છે. ૨૦૧૯માં ૧૭ બેઠકો જીતનારા ભાજપને ૧૨ બેઠકો જ મળી છે જ્યારે નીતિશ કુમારની પાર્ટીને પણ ૧૨ બેઠકો મળી છે. પહેલાં સત્તા ટકાવવા માટે નીતિશ કુમાર ભાજપ પર નિર્ભર હતા. અત્યારે સ્થિતી એ છે કે, નરેન્દ્ર મોદી સત્તા ટકાવવા માટે નીતિશ કુમાર પર નિર્ભર છે. નીતિશ તેનો ભરપૂર લાભ લઈને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જેડીયુને મહત્તમ બેઠકો મળે એ માટેનો તખ્તો ઘડી રહ્યા છે.
નીતિશ ભાજપને તેની જ દવાનો ડોઝ પણ આપી રહ્યા છે. વરસોથી બિહારમાં ભાજપની મુખ્ય તાકાત હિંદુવાદી સવર્ણ મતબેંક હતી જ્યારે નીતિશ કુમાર ઓબીસી મતબેંકના જોરે ટકેલા છે. ભાજપ માત્ર સવર્ણ મતબેંકના જોરે બિહારમાં એકલા હાથે સરકાર રચી શકે તેમ નથી તેથી ઓબીસી મતબેંકને પોતાની તરફ વાળવાની મથામણ શરૂ કરી. ઓબીસી મતદારોમાં યાદવો લાલુ પ્રસાદ યાદવ સાથે હોવાથી ભાજપ તરફ ના વળે તેથી ભાજપ નીતિશની મતબેંક એવા કુર્મી સહિતના ઓબીસી મતદારોને પોતાની તરફ વાળવા મથી રહ્યો છે. નીતિશ રાજકારણના ખેલંદા છે તેથી સમજી ગયા કે, ભાજપની વ્યૂહરચના જેડીયુને સાફ કરી નાંખશે. એવું થાય એ પહેલાં નીતિશ જાગી ગયા અને તેમણે ભાજપની હિંદુવાદી મતબેંક પર ધાપ મારવાનો દાવ ખેલી નાંખ્યો છે.
નીતિશ-નાયડુએ આ નવી વ્યૂહરચના કેમ અપનાવી એ પણ સમજવા જેવું છે. લોકસભાની ચૂંટણી વખતે નરેન્દ્ર મોદીએ પોતાના ઘરે ઈદ ઉજવાતી ને પોતે મુસ્લિમોના ઘરે જઈને સેવૈયાં ખાતા એવી વાતો કરેલી. બાંગ્લાદેશમાં હિંદુઓની કત્લેઆમ મુદ્દે મોદી સરકાર બિલકુલ ચૂપ રહી ને મોદી મલેશિયા ને બુ્રનેઈ જેવા દેશોમાં ફરીને મસ્જિદોમાં જવા માંડયા છે. કાશ્મીરની ચૂંટણીમાં પણ અમિત શાહે જાહેરાત કરી કે, ભાજપ સત્તામાં આવશે તો ઈદ અને મોહર્રમ પર દરેક પરિવારને બે ગેસ સીલિન્ડર ફ્રી મળશે.
હિંદુત્વના નામે સત્તામાં આવેલા મોદી-શાહની મુસ્લિમોની પંપાળવાની આ બધી વાતોથી હિંદુત્વ મતબેંક ભાજપથી દૂર જઈ રહી છે તેનો લાભ લેવા નીતિશ-નાયડુએ હિંદુવાદીઓને પોતાની તરફ વાળવાની વ્યૂહરચના અપનાવી છે. રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ જેવા નેતા પણ સોફ્ટ હિંદુત્વ અપનાવી રહ્યા છે તેથી ભાજપે હિંદુવાદી ઈમેજ અને મતબેંક બંનેને જાળવવા બહુ મહેનત કરવી પડશે.
બિહારમાં ચિરાગ ભાજપને છોડીને નીતિશના ગુણગાન ગાવા લાગ્યો
બિહારમાં ચિરાગ પાસવાન નીતિશ કુમાર તરફ ઢળી રહ્યા હોવાથી ભાજપ ચિંતામાં છે. ચિરાગ પાસવાને ૨૦૨૦ની વિધાનસભા ચૂંટણીમાં નીતિશ કુમારના કારણે એનડીએ છોડી દીધી હતી અને એકલા હાથે ચૂંટણી લડીને નીતિશ કુમારની જેડીયુને ભારે નુકસાન પહોંચાડયું હતું પણ પોતે પણ સાફ થઈ ગયા હતા.
પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ૧૩૪ બેઠકો પર લડી હતી પણ એક પણ બેઠક પર જીતી શકી નહોતી. નીતિશ કુમારને મુખ્યમંત્રી બનતા રોકવા અને પોતે સરકાર રચી શકે એ માટે ભાજપે જ ચિરાગ પાસવાનને નીતિશ કુમાર સામે મેદાનમાં ઉતારેલા એવું કહેવાતું હતું પણ ચિરાગ નીતિશ કુમારને મુખ્યમંત્રી બનતાં રોકી નહોતા શક્યા. જેડીયુ માત્ર ૪૩ બેઠકો જીતી હોવા છતાં ભાજપે નીતિશને જ મુખ્યમંત્રી બનાવવા પડેલા કેમ કે ભાજપ પોતે ૭૪ બેઠકો જીતીને બહુમતીથી લગભગ ૫૦ બેઠકો દૂર રહ્યો હતો.
ચિરાગ ભાજપનું જ પ્યાદુ હોવાથી પાછો એનડીએમાં આવી ગયો. લોકસભાની ચૂંટણીમાં તેની પાર્ટીને મળેલી પાંચેય બેઠકો જીતી ને ફરી રાજકીય પ્રભુત્વ પણ જમાવી દીધું પણ ચિરાગને અહેસાસ થઈ ગયો છે કે, બિહારમાં નીતિશ વિના આરો નથી. આ કારણે ચિરાગ ભાજપના બદલે નીતિશને વધારે મહત્વ આપી રહ્યો છે.
જ્ઞાાતિ આધારિત વસતી ગણતરી અને અનામતના મુદ્દે ચિરાગે મોદી સરકારની વિરૂધ્ધ ખુલ્લેઆમ બોલીને નીતિશની વાતમાં સૂર પુરાવ્યો છે. ચિરાગના બદલાયેલા તેવરના કારણે ભવિષ્યમાં એ ભાજપને છોડીને નીતિશને સાથ આપશે એવું ભાજપને લાગવા માંડયું છે.
પવન કલ્યાણના ઉગ્ર હિંદુવાદથી પણ ભાજપને ખતરો
ભાજપ તો ચંદ્રાબાબુ નાયડુના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણને પણ ખતરો માને છે. એક્ટરમાંથી રાજકારણી બનેલા પવન કલ્યાણ પોતાને હનમાનજીના પરમ ભક્ત ગણાવે છે અને સનાતન ધર્મના સંરક્ષક તરીકે પોતાને પ્રોજેક્ટ કરી રહ્યા છે.
તિરૂપતિ મંદિરના પ્રસાદ લડ્ડુમાં પશુઓની ચરબીના વિવાદ પછી પવન કલ્યાણે ૧૧ દિવસની પ્રાયશ્ચિત દિક્ષા લઈને એકદમ સાધુ જેવું જીવન ગાળવાની જાહેરાત કરી છે. જનસેના પાર્ટીના નેતાઓ સમગ્ર રાજ્યમાં હોમ કરી રહ્યા છે. પવન કલ્યાણે તિરૂપતિ મંદિરમાં શુધ્ધિકરણનો કાર્યક્રમ પણ રાખ્યો હતો. આ બધાં પગલાં દ્વ્રારા પવન કલ્યાણ ઉગ્ર હિંદુવાદી તરીકેની ઈમેજ બનાવી રહ્યા છે.
ભાજપને લાગે છે કે, પવન કલ્યાણ ચંદ્રાબાબુ નાયડુના ઈશારે આંધ્ર પ્રદેશમાં હિંદુત્વનો એજન્ડા અમલમાં મૂકીને ભીંસ વધારી રહ્યા છે. ચંદ્રાબાબુ પોતાની પણ હિંદુવાદી ઈમેજ ઉભી કરી રહ્યા છે અને પવન કલ્યાણના માધ્યમથી ભાજપની હિંદુવાદી મતબેંકને જનસેના તરફ વાળી રહ્યા છે. મુસ્લિમ મતબેંક તો નાયડુ સાથે છે જ તેથી બંને મતબેંક પર નાયડુનો કબજો થઈ જાય.
આંધ્ર પ્રદેશમાં એનડીઓમાં ભાજપ સૌથી નબળી પાર્ટી છે કેમ કે ભાજપનો બહુ જનાધાર નથી. લોકસભાની ચૂંટણીમાં ચંદ્રાબાબુ નાયડુની ટીડીપીએ ૧૭માંથી ૧૬ બેઠકો જીતી હતી જ્યારે પવન કલ્યાણની જનસેના પાર્ટીએ તેના ભાગે આવેલી બંને બેઠકો જીતી હતી. ભાજપ ૬માંથી ૩ બેઠકો જ જીતી શક્યો હતો. પવન કલ્યાણ ભાજપની મતબેંકને પોતાની તરફ વાળે તો તેને વધારે હિસ્સો મળે તેથી પવન કલ્યાણ પણ નાયડુના ઈશારે ચાલી રહ્યા છે.