Get The App

દુનિયાભરના ધનકુબેરોએ દુબઈ તરફ દોટ મુકી છે

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
દુનિયાભરના ધનકુબેરોએ દુબઈ તરફ દોટ મુકી છે 1 - image

- દુબઈ વિશ્વભરના ધનિકો માટે ટેક્સ હેવન સાબિત થઈ રહ્યું છે : 10,000થી વધુ ધનકુબેરોનું માઈગ્રેશન

- બ્રિટનની સરકારે કેપિટલ ગેઈન ટેક્સ એપ્રિલ 2025થી 14 ટકા કરી દીધો હતો. જાણકારોના મતે 2026માં તેમાં વધારો કરીને તેને 18 ટકા સુધી લઈ જવામાં આવે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત જાણકારોના મતે બ્રિટનની સરકાર દ્વારા 20 ટકા સુધીનો એક્ઝિટ ટેક્સ લગાવવાની તૈયારી કરવામાં આવી છે : દુબઈ દુનિયાભરના ધનિકોને એ તમામ સેવાઓ, સગવડો આપી રહ્યું છે જેની તેમને ઝંખના છે. અહીંયા ટેક્સ ફ્રી ઈન્કમ, કેપિટલ ગેઈન્સ ટેક્સમાંથી મુક્તિ અને ઈનહેરિટન્સ ટેક્સથી મુક્તિ જેવા લાભ આપવામાં આવે છે જેની ઝંખના અત્યંત ધનવાન લોકો કરી રહ્યા છે : જે.પી મોર્ગન, એચએસબીસી, બ્લેક રોક અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ જેવી ગ્લોબલ બેન્કો પણ યુએઈમાં પોતાની કામગીરી વધારી છે અને ગ્લોબલ બિઝનેસ સેન્ટરો ત્યાં સ્થાયી કર્યા છે. ધનિકોએ દુબઈ તરફ દોટ મુકી હોવાથી આ સંસ્થાઓ પણ દુબઈ આવી ગઈ છે

દુનિયાના ટોચના ધનકુબેરોમાં સ્થાન ધરાવતા મૂળ ભારતીય ઉદ્યોગપતિ અને ધનિક લક્ષ્મી મિત્તલે તાજેતરમાં લંડન છોડીને દુબઈમાં સ્થાયી થવાનો નિર્ણય કરતા ફરી એક વખત દુબઈ ચર્ચામાં આવી ગયું છે. દુબઈની વિવિધ પોલિસીઓ અને સરકારી તંત્ર તથા ટેક્સના માળખા એવા છે કે, વિદેશીઓ અને ખાસ કરીને અત્યંત ધનિક લોકો અહીંયા રોકાણ કરવા અને સ્થાયી થવા માટે લલચાયા કરે છે. 

જાણકારોના મતે બ્રિટનની સરકાર દ્વારા ૨૦ ટકા સુધીનો એક્ઝિટ ટેક્સ લગાવવાની તૈયારી કરવામાં આવી છે. નવા નાણામંત્રી રચેલ રીવ્સ દ્વારા દેશના અર્થતંત્રને મજબૂત કરવા અને પાટા ઉપર લાવવા માટે લગભગ ૨૦ અબજ પાઉન્ડ ભેગા કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તેના માટે તેઓ ધનકુબેરોના ખિસ્સા ઉપર તરાપ મારે તેમ દેખાઈ રહ્યું છે. રીવ્સ તેમના પહેલા બજેટમાં ધનિકો માટે એક્ઝિટ ટેક્સની જાહેરાત કરી શકે છે. ખાસ વાત એ છે કે, એક્ઝિટ ટેક્સ લાગશે ત્યારે લાગશે પણ તે પહેલાં સરકારે કેપિટલ ગેઈન ટેક્સમાં પણ મોટો ફેરફાર કર્યો હતો. એપ્રિલ ૨૦૨૫થી તેને ૧૦ ટકાથી વધારીને ૧૪ ટકા કરી દીધો હતો. જાણકારોના મતે ૨૦૨૬માં તેમાં વધારો કરીને તેને ૧૮ ટકા સુધી લઈ જવામાં આવે તેવી શક્યતાઓ છે. 

ઉલ્લેખનીય છે કે, દુબઈની વાત આવે એટલે માત્ર બુર્જ ખલિફા અને પામ જુમેરાહ આઈલેન્ડ કે કેટલીક સફાઈ રાઈડ અને તોતિંગ બિલ્ડિંગ જ નજર સામે આવે છે. ટૂરિઝમ માટે સ્વર્ગ ગણાતું દુબઈ ધનકુબેરો માટે પણ સ્વર્ગ ગણાય છે. દુનિયાભરના અલ્ટ્રી રીચ લોકો એટલે ધનિકો માટે દુબઈ ટેક્સ હેવન અને સેફ હેવન તરીકે પણ જાણીતું છે. તાજેતરના એક અહેવાલ પ્રમાણે આ વર્ષે જ ૧૦,૦૦૦ કરોડપતિઓ યુએઈમાં માઈગ્રેશન કરીને આવ્યા છે. તેમાંથી મોટાભાગના તો દુબઈમાં જ સ્થાયી થયા છે. જાણકારોના મતે આ પરિવર્તન કે માઈગ્રેશન સામાન્ય નથી. આ ધનિકો કામચલાઉ ધોરણે આવ્યા નથી, આ માઈગ્રેશન લાંબો સમય ટકી રહેશે. ધનિકોમાં દુબઈ શિફ્ટ થવાનો ટ્રેન્ડ હજી આગામી એક દાયકા સુધી ધમધમતો રહે તો નવાઈ પામવા જેવું નથી.

ઉલ્લેખનીય છે કે, દુબઈ હવે માત્ર ટ્રાન્ઝિટ હબ નથી પણ ગ્લોબલ વેલ્થ માટે સ્થાયી ઠેકાણું બની રહ્યું છે. દુનિયાભરના વેલ્થ મેનેજર્સ અને અલ્ટ્રા રીચ મેનેજર્સ તેને ઈમર્જિંગ કેપિટલ ક્રોસરોડ ઓફ મિલિયોનર્સ કહી રહ્યા છે. તાજેતરમાં આવેલા એક અહેવાલમાં જણાવાયું હતું કે, દુબઈ દુનિયાભરના ધનિકોને એ તમામ સેવાઓ, સગવડો આપી રહ્યું છે જેની તેમને ઝંખના છે. તેના કારણે જ લાંબા સમય સુધી ધનિકોમાં દુબઈ જવાનો ટ્રેન્ડ જોવા મળશે. અહીંયા ટેક્સ ફ્રી ઈન્કમ, કેપિટલ ગેઈન્સ ટેક્સમાંથી મુક્તિ અને ઈનહેરિટન્સ ટેક્સથી મુક્તિ જેવા લાભ આપવામાં આવે છે જેની ઝંખના અત્યંત ધનવાન લોકો કરી રહ્યા છે. દુનિયાના સૌથી સુરક્ષિત શહેરોમાં સ્થાન ધરાવતા દુબઈમાં હાઈ-એન્ડ હેલ્થકેર, મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સરકારની લાંબાગાળાની યોજનાઓ અને સસ્ટેનેબલ પોલિસી તથા પોલિસી સ્ટેબિલિટી જેવા ફાયદા મળી રહ્યા છે.

દુબઈમાં માત્ર મોટી મોટી ઈમારતો જ નહીં તેમાં મળતી સુવિધાઓ અને અલ્ટ્રા લક્ઝુરિયસ મકાનો પણ આકર્ષણ ઊભું કરે છે. દુબઈમાં આવેલી વર્લ્ડ ક્લાસ સ્કૂલ અને કોલેજો પણ ધનિકોના બાળકો માટે પરફેક્ટ છે. અલ્ટ્રા રિચ લોકોમાં લક્ઝરી જ તેમની લાઈફસ્ટાઈલનો ભાગ છે. આ રિયલ એસ્ટેટ લક્ઝરી અને અન્ય લક્ઝુરિયસ સર્વિસિસ અને પ્રોડક્ટ માટે ધનિકો અહીંયા આકર્ષિત થઈ રહ્યા છે. તે ઉપરાંત દુબઈમાં રહેવાથી યુરોપ, આફ્રિકા અને એશિયામાં સરળતાથી ટ્રાવેલ કરી શકાય છે. હાઈનેટવર્થ ધરાવતા લોકોની મોટાભાગની તમામ જરૂરિયાતો દુબઈમાં પૂરી થઈ જાય છે. દુબઈમાં મળતી સેવાઓ અને સુવિધાઓ ધનિકોને સુરક્ષિત હોવાનો અનુભવ કરાવે છે જે દુનિયામાં સૌથી વધારે લાલચ ઊભી કરનાર પરિબળ છે.

દુબઈની આ જ ખાસિયતને કારણે ઘણા ધનકુબેરો અહીંયા આવીને સ્થાયી થયા છે. ભારતીય મૂળના સ્ટિલ કિંગ ગણાતા લક્ષ્મી મિત્તલ હવે દુબઈ શિફ્ટ થવાની તૈયારીમાં છે. તેઓ યુકે છોડીને દુબઈ આવી રહ્યા છે. મહત્ત્વની વાત એ છે કે, માત્ર ધનકુબેરો જ નહીં પણ મોટી મોટી સંસ્થાઓ પણ દુબઈમાં સ્થાયી થઈ રહી છે અને પોતાના ગ્લોબલ હબનું એપિસેન્ટર દુબઈમાં બનાવી રહી છે. જે.પી મોર્ગન, એચએસબીસી, બ્લેક રોક અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ જેવી ગ્લોબલ બેન્કો પણ યુએઈમાં પોતાની કામગીરી વધારી છે અને ગ્લોબલ બિઝનેસ સેન્ટરો ત્યાં સ્થાયી કર્યા છે. ધનિકોએ દુબઈ તરફ દોટ મુકી હોવાથી આ સંસ્થાઓ પણ દુબઈ આવી ગઈ છે. તેના કારણે જ દુબઈ હવે ગ્લોબલ વેલ્થનું પરમેનન્ટ બેઝ બની રહ્યું છે. 

મહત્ત્વની વાત એ છે કે, માત્ર દુબઈ જ નહીં પણ સમગ્ર યુઈએઈમાં પરિવર્તનનો પવન ફુંકાયેલો છે. દુબઈની જેમ અબુધાબી પણ લોકોના આકર્ષણનું મોટું કેન્દ્ર છે. અબુધાબી ઈનોવેશન, એનર્જી અને ફાઈનાન્સનું કેપિટલ બનવા તરફ અગ્રેસર છે. અહીંયા ગ્લોબલ એસેટ મેનેજર્સ સેટઅપ કરી રહ્યા છે. અહીંયા રેગ્યુલેટરી એન્વાયર્નમેન્ટ સ્થિર છે અને ઈન્સેન્ટિવ્સ વધારે સારા છે તેથી જ દુબઈની જેમ અબુધાબી પણ ધનિકોને પસંદ પડી રહ્યું છે. યુએઈ હવે મિલિયોનેર માઈગ્રેશન ડેસ્ટિનેશનમાં ટોચના ૩ સ્થાનોમાં આવતું થઈ ગયું છે. 

બીજી વાત એવી પણ છે કે, ધનિકોને પસંદ આવતું દુબઈ મોંઘુ પણ એટલું જ છે. અહીંયા રહેવું દરેકને પરવડે તેમ નથી. આ દુનિયાનું સાતમા ક્રમનું સૌથી મોંઘુ શહેર પણ છે. યુરોપ, વેસ્ટ એશિયા અને આફ્રિકના શહેરો જોઈએ તો ચોથા ક્રમનું સૌથી મોંઘુ શહેર ગણાય છે. અહીંયા રિયલ એસ્ટેટની કિંમતો આકાશ આંબી રહી છે. લક્ઝરી રેન્ટ વધી ગયા છે. બેસિક સર્વિસ સેક્ટર પણ મોંઘુ થઈ ગયું છે. ટ્રેડર્સ, લોયર્સ અને બેન્કર્સની ભીડના કારણે પ્રોપર્ટી વેલ્યુ અને ભાડા સતત વધી રહ્યા છે. સ્કૂલ એડમિશન મુશ્કેલ થઈ ગયું છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ ઓછું થવા લાગ્યું છે અને તેથી વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. ધનકુબેરોને આ અગવડો છતાં દુબઈમાં રહેવું પરવડે તેમ છે કારણ કે અહીંયા સુરક્ષા પૂરતી મળે છે. તેના માટે તેઓ કોઈપણ કિંમત ચુકવવા તૈયાર છે. દુબઈ હાલ એવું કેન્દ્ર બની ગયું છે જ્યાં ધનિકોના પૈસા, પાવર અને પરિવાર બધું જ સુરક્ષિત છે. 

દુબઈમાં માત્ર ધનિકોને જ જલસા છે, બાકીના લોકો માટે તો જીવન મુશ્કેલ છે

જાણકારોના મતે અલ્ટ્રા રીચ લોકો માટે દુબઈની ટેક્સ ફ્રી સિસ્ટમ ફાયદાકારક છે પણ ગરીબ લોકો માટે તો અહીંયા રહેવું લોઢાના ચણા ચાવવા જેવું છે. થોડા સમય પહેલાં જ સોશિયલ મીડિયામાં તેના વિશે ચર્ચા ચાલી હતી. એક પોસ્ટ આવી હતી જેમાં જણાવાયું હતું કે, યુએઈમાં ટેક્સ લાગુ થતો નથી પણ ગરીબોનું લોહી ચુસી લેવાય છે. તેમના પગારમાંથી જ ટેક્સ વસુલાતો હોય તેમ લાગે છે. અહીંયા મજૂરોને ખાસ પગાર મળતો નથી. તેમના કામના કલાકો વધારે છે. તે ઉપરાંત ઓવરટાઈમ માટે પગાર આપવામાં આવતો નથી. ઘણા સેક્ટરમાં અઠવાડિયામાં છ દિવસ કામ હોય છે અને તેના કારણે વર્ક-લાઈફ બેલેન્સ ખોરવાઈ જાય છે. કેટલાક લોકોના જણાવ્યા પ્રમાણે અહીંયા રિયલ એસ્ટેટ ખૂબ જ મોંઘું છે. અહીંયા ૧બીએચકેનો ફ્લેટ અંદાજે એકથી દોઢ લાખ રૂપિયાના ભાડામાં મળે છે. તે ઉપરાંત મેટ્રોનો મહિનાનો પાસ આઠથી દસ હજાર રૂપિયાનો થાય છે. તે સિવાય ખાવા-પીવાનું, સંતાનોનો અભ્યાસ, અન્ય જરૂરિયાતો ખૂબ જ મોંઘી છે. જેને દુબઈ ડ્રીમ કહેવાય છે તે માત્ર ધનકુબેરો માટે છે. સામાન્ય લોકો માટે તો સ્થિરતા સાથે જીવવું પણ આકરું થઈ જાય તેમ છે. માત્ર દુબઈની જ વાત નથી, દુનિયાના અન્ય ટેક્સ ફ્રી અને ટેક્સ હેવન ગણાતા દેશોમાં પણ સ્થિતિ આવી જ છે. મોનાકોની જ વાત કરીએ તો ક્યાં મકાનોની કિંમત એટલી બધી છે કે, ગણતરીના લોકો જ ત્યાં વસવાટ કરે છે. અબજો રૂપિયા હોવા છતાં લોકો પાસે પોતાના મકાન નથી. 

બ્રિટનના ધનિકોને સૌથી વધારે ચિંતા ઈનહેરિટન્સ ટેક્સની છે

માત્ર લક્ષ્મી મિત્તલ જ નહીં પણ તેમના જેવા ઘણા ધનકુબેરો જે બ્રિટનમાં વસવાટ કરે છે તેમને સૌથી વધારે ચિંતા ઈનહેરિટન્સ ટેક્સની છે. જાણકારોના મતે વિદેશી ધનિકોને એ સમજાતું નથી કે, તેમની દુનિયાભરમાં આવેલી સંપત્તી ઉપર બ્રિટનમાં શા માટે ઈનહેરિટન્સ ટેક્સ લાગુ કરવામાં આવે છે. આ ટેક્સની રકમ નાની નથી. તેનો આંકડો ખૂબ જ તોતિંગ છે. તેના કારણે જ બ્રિટનમાં રહેતા ધનિકો હવે બ્રિટન છોડીને બીજે સ્થાયી થવા માટે મથામણ કરી રહ્યા છે. બ્રિટનમાં ઈનહેરિટન્સ ટેક્સ ૪૦ ટકા જેટલો લાગુ કરવામાં આવે છે. દુબઈ જેવા સ્થાનોમાં આવો કોઈ ટેક્સ લાગુ થતો નથી. બીજી તરફ બ્રિટનની સરકારે આ વર્ષે એપ્રિલમાં નોન ડોમિસાઈલ સ્ટેટસ પણ બંધ કરી દીધું છે.

 બ્રિટનમાં લાગુ થયેલી આ ૨૦૦ વર્ષ જૂની સિસ્ટમને કારણે બ્રિટનના ધનિક લોકોને ત્યાંની કમાણી ઉપર જ ટેક્સ આપવો પડતો હતો તે હવે બંધ થઈ ગયું. આ ફેરફારના કારણે હાઈનેટવર્થ ધરાવતા લોકોને ખૂબ જ ટેક્સ ભરવાનો આવશે. તેના પગલે જ હવે તેઓ બીજા દેશ તરફ મીટ માંડી રહ્યા છે. મોટાભાગે તેઓ દુબઈ અથવા અબુધાબી તરફ દોટ મુકે તો નવાઈ નહીં.