- આ ખગોળીયા ઘટનાને વૈજ્ઞાનિકો નકારતા પણ નથી અને બીજી તરફ આ સમયમાં ભયાનક ગરમી પડતી હોવાનું પણ સ્વીકારે છે
- ઉત્તર અને મધ્ય ભારતમાં તેનો વધારે ઉલ્લેખ કરવામાં આવતો હોય છે. નવ અને તાપ એમ બે શબ્દો ભેગા કરીને નૌતપા શબ્દ બનાવવામાં આવ્યો છે. તેનો અર્થ થાય છે કે, નવ દિવસ સુધી ગરમી પડવી. સૂર્ય રોહિણી નક્ષત્રમાં ૧૫ દિવસ સુધી રહે છે. તેમાં શરૂઆતના ૯ દિવસ આકરી ગરમી પડે છે : સાયન્ટિફિકલી જોઈએ તો એવું કહેવાય છે કે, સૂર્ય જ્યારે રોહિણી નક્ષત્રમાં પ્રવેશે ત્યારે તે કર્ક રેખાની વધારે નજીક આવે છે. તેના કારણે સૂર્યના કિરણો સીધા જ ભારત ઉપર પડવા લાગે છે. સૂર્યના કિરણો સીધા જ પડતા હોવાથી ગરમી વધે છે, જમીન ગરમ થવા લાગે છે, વાતાવરણમાં રહેલો ભેજ સુકાવા લાગે છે અને સુકા તથા ગરમ પવનો વહેતા થાય છે. તેને આપણે પારંપરિક રીતે લૂ કહીએ છીએ : પારંપરિક માન્યતા એવી છે કે, નૌતપા જેટલો વધારે તપે એટલી જ વધારે સારા વરસાદની શક્યતાઓ વધતી જાય છે. વધારે પડતી ગરમી દરમિયાન સમુદ્ર અને જમીન વચ્ચે તાપમાનમાં મોટો તફાવત આવે છે. તેના કારણે જ ચોમાસું વધારે મજબૂત થાય છે. ખેડૂતો નૌતપાનો આધાર રાખીને જ ચોમાસાના ખરીફ પાકનું આયોજન કરતા હોય છે
દેશમાં એપ્રિલ મહિનાથી જ ગરમીનો પારો વધવા લાગ્યો હતો તેમાંય મે મહિનામાં તો ગરમી માઝા મુકી છે. ચામડી દઝાડતી ગરમીને કારણે ઉત્તરથી દક્ષિણ ભારત સુધીના લોકો ત્રસ્ત થઈ ગયા છે. તેમાંય સોમવારથી નૌતપાનો પ્રારંભ થયો છે અને તેની સાથે જ દેશમાં ગરમીનો વધુ એક આકરો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. નૌતપાના નવ દિવસ દરમિયાન મધ્ય અને ઉત્તર ભારતમાં અસહ્ય ગરમી પડે છે. મે મહિનાના અંતિમ અઠવાડિયાઓમાં જ્યોતિષ શાસ્ત્રના આધારે નૌતપાની સિઝન આવતી હોય છે. સૂર્યનો રોહિણી નક્ષત્રમાં પ્રવેશ થતાની સાથે જ નૌતપાની શરૂઆત થઈ જાય છે. માન્યતા એવી છે કે, નૈતપા દરમિયાન સૂર્ય જેટલો વધારે આકરો થાય છે તેટલો જ વરસાદ વધારે સારો થાય છે. જો કે આ નૌતપા વિશે વિજ્ઞાન અને જ્યોતિષ શાસ્ત્ર વચ્ચે મતભેદ છે છતાં તેની અસરો સર્વસ્વીકૃત છે.
ઉલ્લેખનીય છે કે, નૌતપા ભારતીય પંચાગનો અને જ્યોતિષશાસ્ત્રનો એક શબ્દ છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ભારતમાં તેનો વધારે ઉલ્લેખ કરવામાં આવતો હોય છે. નવ અને તાપ એમ બે શબ્દો ભેગા કરીને નૌતપા શબ્દ બનાવવામાં આવ્યો છે. તેનો અર્થ થાય છે કે, નવ દિવસ સુધી ગરમી પડવી. સૂર્ય રોહિણી નક્ષત્રમાં ૧૫ દિવસ સુધી રહે છે. તેમાં શરૂઆતના ૯ દિવસ આકરી ગરમી પડે છે. ખાસ વાત એવી છે કે, વૈજ્ઞાનિકો આ વાતને અધિકારીક રીતે સ્વીકારતા નથી. હવામાન ખાતામાં પણ કે તુચક્રની વહેંચણીમાં પણ આવી કોઈ કેટેગરી આપવામાં આવી નથી. તેમ છતાં વૈજ્ઞાનિકો આ સમયગાળા દરમિયાન પડનારા તાપ અને અસહ્ય ગરમીને નકારી શકતા નથી.
આ વાતને જો સાયન્ટિફિકલી જોઈએ તો એવું કહેવાય છે કે, સૂર્ય જ્યારે રોહિણી નક્ષત્રમાં પ્રવેશે ત્યારે તે કર્ક રેખાની વધારે નજીક આવે છે. તેના કારણે સૂર્યના કિરણો સીધા જ ભારત ઉપર પડવા લાગે છે. સૂર્યના કિરણો સીધા જ પડતા હોવાથી ગરમી વધે છે, જમીન ગરમ થવા લાગે છે, વાતાવરણમાં રહેલો ભેજ સુકાવા લાગે છે અને સુકા તથા ગરમ પવનો વહેતા થાય છે. તેને આપણે પારંપરિક રીતે લૂ કહીએ છીએ. બીજી તરફ આ તબક્કાને પ્રિ મોનસૂન પિરિયડ પણ કહેવામાં આવે છે. જાણકારોના મતે જ્યારે જમીન વધારે ગરમ થાય ત્યારે લો પ્રેશર સિસ્ટમ એક્ટિવિટે થાય છે અને તેનાથી ચોમાસું આવવાની સ્થિતિ સર્જાય છે.
નૌતપા દરમિયાન પૃથ્વીનો ઉત્તરી ગોળાર્ધ સૂર્ય તરફ વધારે નમેલો હોય છે. તેના કારણે સૂર્યનો સીધો પ્રકાશ ઉત્તરી ભાગ ઉપર પડે છે. સરળ ભાષામાં કહીએ તો શિયાળા દરમિયાન સૂર્યના કિરણો પૃથ્વી ઉપર સીધા નહીં પણ ત્રાંસા પડે છે. તેના કારણે ઓછી ગરમી લાગે છે. બીજી તરફ એપ્રિલ અને મે આવતા સુધીમાં આ કિરણો સીધા થઈ જાય છે અને તેના કારણે સૂર્યનો તાપ અને ઊર્જા સીધા અને વધારે પ્રમાણમાં પૃથ્વી સુધી આવે છે. જેમ આપણે ટોર્ચ વાપરીએ છીએ ત્યારે તેને ત્રાંસી રાખીએ તો તેનો પ્રકાશ ફેલાયેલો લાગે છે પણ જ્યારે ટોર્ચ સીધી હોય તો તે એક જ દિશામાં કેન્દ્રિત હોય છે. સૂર્યનું પણ આવું જ થતું હોય છે.
ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન સમજવું પડશે કે હીટવેવ અને નૌતપામાં ઘણો તફાવત છે. સામાન્ય રીતે જ્યારે સરેરાશ કરતા ૪ થી ૫ ડિગ્રી વધારે તાપમાન થઈ જાય ત્યારે તેને હીટવેવ કહેવામાં આવે છે. તેની કોઈ નિશ્ચિત મર્યાદા હોતી નથી. ગરમ હવાનું પ્રેશર, ભેજનો અભાવ અને અલનીનો પ્રભાવને આધારે હીટવેવની અસર રહેતી હોય છે. બીજી તરફ નૌતપા એક ખગોળીય ઘટના છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તે ૯ દિવસની ઘટના છે. સૂર્ય કર્ક રેખાની નજીક આવે અને રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારે ધરતી ઉપર સૂર્યના કિરણો સીધા પડવા લાગે છે. જમીન પહેલા કરતા વધારે સુકી થઈ જાય છે, ભેજ ઓછો થઈ જાય છે અને પવન પણ શુષ્ક અને વધુ ગરમ થઈ જાય છે. તેના કારણે તેને નૌતપા કહેવાય છે. તેની નવ દિવસની જ મર્યાદા હોય છે.
જાણકારોના મતે ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમીમાં અસહ્ય વધારો થયો છે. તેમાંય ગ્લોબલ વોર્મિંગના કારણે હીટવેવનું પ્રમાણ અને તિવ્રતા પણ અસહ્ય રીતે વધ્યા છે. આ ગરમી સતત વધે છે અને તેની સાથે જ્યારે નૌતપાનો સમયગાળો આવે છે ત્યારે ચામડી દઝાડતી ગરમી પડતી હોય તેમ લાગે છે. તેના કારણે નૌતપા ઘાતક બની જાય છે. તેના કારણે માત્ર માણસો ઉપર જ અસર પડે છે તેવું નથી. તેનાથી તમામ જીવજંતુઓ, પશુ-પક્ષીઓને અસર થાય છે. તે ઉપરાંત ઉભા પાકને અને થઈ રહેલા પાકને પણ પ્રભાવ પડે છે, પાણીની ઉપલબ્ધતાને અસર થાય છે. થોડા સમય પહેલાં જ નેચર મેગેઝિનમાં રજૂ થયેલા એક અહેવાલમાં જણાવાયું હતું કે, ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના કારણે ભારતમાં હીટવેવ અને નૌતપાની સ્થિતિ વધારે આકરી થતી જાય છે.
નૌતપાના સમયમાં પાક જલદી સુકાય છે અને જમીન પણ જલદી સુકાય છે તેથી જે ખેડૂતોને લણણી કરવાની છે તેમને રાહત રહે છે. આ ઉપરાંત ગરમી વધારે હોવાથી જીવજંતુઓની સમસ્યા ખાસ રહેતી નથી. બીજી તરફ પારંપરિક માન્યતા એવી છે કે, નૌતપા જેટલો વધારે તપે એટલી જ વધારે સારા વરસાદની શક્યતાઓ વધતી જાય છે. વધારે પડતી ગરમી દરમિયાન સમુદ્ર અને જમીન વચ્ચે તાપમાનમાં મોટો તફાવત આવે છે. તેના કારણે જ ચોમાસું વધારે મજબૂત થાય છે. ખેડૂતો નૌતપાનો આધાર રાખીને જ ચોમાસાના ખરીફ પાકનું આયોજન કરતા હોય છે. પશુધનને અસર થાય છે, ફળો અને શાકભાજી સુકાઈ જાય છે. આ સમયમાં પાકને ગરમીના કારણે નુકસાન જવાની પણ પૂરતી શક્યતાઓ છે.
બીજી તરફ એવું માનવામાં આવે છે કે, નૌતપા દરમિયાન પડતી ગરમીના કારણે લો પ્રેશર એક્ટિવેટ થાય છે જે નૈત્યના ચોમાસાને ખેંચી લાવે છે. ખાસ કરીને રાજસ્થાન, દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, વિદર્ભ માટે તેને સૌથી સારી બાબત માનવામાં આવે છે. વૈજ્ઞાનિકો માને છે કે, માત્ર નૌતપાના આધારે ચોમાસું આવી જશે કે સારું આવી જશે તે નક્કી કરવું થોડું મુશ્કેલ છે. તેના માટે ઘણા પરિબળો કામ કરતા હોય છે. હવામાન ખાતાના મતે મોન્સુન એક ઓનસેટ કોમ્પ્લેક્સ સિસ્ટમ છે. અરબ સાગરમાં ભેજ, બાંગળની ખાડીમાં આકાર લેતી વરસાદી સિસ્ટમ, અલ નીનો અથવા તો લા નીના જેવી સિસ્ટમ ઉપર મોટાપાયે આધાર રાખે છે. ખાસ વાત એ છે કે, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, દિલ્હી, હરિયાણા, પંજાબ અને છત્તીસગઢમાં નૌતપાની અસર સૌથી વધારે જોવા મળે છે.
2015માં નૌતપાની સ્થિતિ વકરી હતી, તાપમાન 48 ડિગ્રી સુધી પહોંચ્યું હતું
જાણકારોના મતે દેશના ટૂંકા ઈતિહાસ ઉપર નજર કરીએ તો એક દાયકા પહેલાં ૨૦૧૫માં નૌતપાની જે સ્થિતિ સર્જાઈ હતી તે વધારે ગંભીર હતી. તે વખતે આકરો તાપ પડયો હતો. બપોર પડતા સુધીમાં તો રસ્તા સુમસામ થઈ જતા હતા.
પાણી અને વીજળીની પણ સમસ્યા સર્જાતી હતી. ખાસ કરીને એવું કહેવાય છે કે, જ્યારે નૌતપા વધારે આક્રમક હોય ત્યારે ચોમાસુ પણ સારું આવે છે. તે વર્ષે ચોમાસું પણ સારું આવ્યું નહોતું. આ વર્ષે પણ નૌતપાની શરૂઆત ભીષણ ગરમી સાથે થઈ છે. વૈજ્ઞાનિક રીતે કર્ક રેખાની આસપાસ રહેતા લોકોને નૌતપાની અનુભુતી વધારે થતી હોય છે. ૨૦૧૫માં જ્યારે મે મહિનાના અંતમાં નૈતપાની શરૂઆત થઈ હતી ત્યારે મધ્ય ભારત સહિત દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ અને તેલંગણામાં ભયાનક લૂ વરસવા લાગી હતી. દેશના ઘણા ભાગમાં તાપમાનનો પારો ૪૮ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. ભારતના ઈતિહાસમાં સૌથી વધારે ગરમી આ દરમિયાન પડી હતી.
અત્યંત જીવલેણ લૂ વરસતી હતી. તેના કારણે દેશભરમાં ૨૫૦૦ લોકોનાં મોત થઈ ગયા હતા. આ ઉપરાંત હીટ સ્ટ્રોક અને ડિહાઈડ્રેશનના દર્દીઓ પણ હોસ્પિટલોમાં ઊભરાયા હતા. હૈદરાબાદમાં તાપમાન ૪૭ ડિગ્રી પહોંચી ગયું હતું. તેલંગણાના ખમ્મમમાં તાપમાન ૪૮ ડિગ્રી નોંધાયું હતું. આ સિવાય અલ્હાબાદમાં ૪૭.૭ જ્યારે દિલ્હીમાં ૪૬ ડિગ્રી તાપમાન પહોંચી ગયું હતું. તે સમયે ભારતમાં સરેરાશ તાપમાનમાં ૬ ડિગ્રી સુધીનો વધારો જોવા મળ્યો હતો.
આ દરમિયાન જે ૨૫૦૦ મોત થયા હતા તેમાં આંધ્રમાં સૌથી વધારે ૧૭૦૦ જ્યારે તેલંગણામાં ૬૦૦ મોત થયા હતા. તે વખતે દુનિયાભરના માધ્યમોમાં ભારતમાં પડેલી ગરમીની નોંધ લેવાઈ હતી. તે વખતે ઘણા લોકોના ઘરમાંથી બહાર નીકળતા કે પછી બહાર ફરતા પહેલાં ચેતવણી આપવામાં આવતી હતી. તે વખતે ઘણા કિસ્સામાં લોકો ઘરેથી બહાર નીકળવા દરમિયાન તે તાપમાં જવા દરમિયાન મોતને ભેટયા હતા.


