Get The App

'ગેટ ઓફ ટિયર્સ' બંધ થશે તો દુનિયા 'રાતા' પાણીએ રડશે!

Updated: Mar 27th, 2026

GS TEAM

Google News
Google News
'ગેટ ઓફ ટિયર્સ' બંધ થશે તો દુનિયા 'રાતા' પાણીએ રડશે! 1 - image

- ખર્ગ આઈલેન્ડને બચાવવા હવે મંદેબની ખાડી બંધ કરવાની ઈરાનની ધમકી, રાતા સુમુદ્રથી આવતો ક્ડનો 12 ટકા સપ્લાય અટકી જવાની ભીતિ

- ખર્ગ આઈલેન્ડ ઈરાન માટે ખૂબ જ મહત્ત્વનું છે. ઈરાનની લાઈફલાઈન અને તેના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન આ ખર્ગ આઈલેન્ડ ઉપર સહેજ પણ ઉથલપાથલ થાય તો ઈરાનને વ્યાપક નુકસાન જાય તેમ છે. ઈરાનની નિકાસનું કુલ 90 ટકા પ્રોડક્શન આ આઈલેન્ડ ઉપર થાય છે. આ સંજોગોમાં તેને ઈરાનનું ક્રાઉન જ્વેલ કહેવામાં આવે છે ઃ ઈરાન અહીંયા પ્રોક્સિ વોર કરી શકે છે. ઈરાને આ વિસ્તારમાં રહેલા હુથી વિદ્રોહીઓ દ્વારા અહીંયા યુદ્ધના મંડાણ કરવાની તૈયારીઓ કરી લીધી છે. આ સ્થિતિ વિશે મહાસત્તાઓને માહિતી છે તેથી તેઓ જિબૂતી ખાતે પોતાના બેઝ દ્વારા તેનો સમાનો કરી શકે છે. જાણકારો માને છે કે, આ વિસ્તારમાં યુદ્ધ શરૂ થશે તો અહીંયા પણ વેપાર અટકી જશે : આ રસ્તો બંધ થાય એટલે રાતા સમુદ્રનો એકમાત્ર સાઉથ તરફનો ગેટ બંધ થઈ જાય. તેના કારણે એશિયાથી યુરોપ જનારા તમામ જહાજો સુએઝ નહેર સુધી પહોંચી શકે નહીં. યુરોપ-એશિયાનો વેપાર અટકી જાય. જો વેપાર કરવો હોય તો આફ્રિકાની દક્ષિણે થઈને ગોળ ફરીને જવું પડે. તેમાં 9000 કિ.મી. જેટલો પ્રવાસ વધી જાય. તેના પગલે જે ખર્ચ વધે તેનાથી મોંઘવારીમાં અધધ વધારો થાય

અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે શરૂ થયેલો સંઘર્ષ મહિનો થવા આવ્યો છતાં અટકવાનું નામ લેતો નથી. દુનિયાભરમાં ક્રૂડ, પેટ્રોલ, ડીઝલ, ગેસ અને પેટ્રોલિયમ પેદાશો તથા અન્ય સામગ્રીઓની અછત સર્જાવા લાગી છે ત્યારે વધુ એક ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા જે રીતે ઈરાનના વિવિધ ઠેકાણાઓ અને ક્રૂડના કેન્દ્રો ઉપર હુમલા કરાયા છે તેના જવાબમાં ઈરાન વધારે આકરું થઈ રહ્યું છે. એક તરફ તેમણે હોર્મુઝની ખાડી બંધ કરીને દુનિયાના ક્રૂડ સપ્લાયનો ૨૦ ટકા જથ્થો અટકાવી દીધો છે ત્યાં બીજો કેટલોક જથ્થો પણ અટકાવવાની ફિરાકમાં હોય તેમ લાગી રહ્યું છે. 

ઈરાને સીધી જ ધમકી ઉચ્ચારી છે કે, અમેરિકા દ્વારા જો ઈરાનના ક્રાઉન જ્વેલ એટલે કે ખર્ગ આઈલેન્ડ ઉપર હુમલો કરવામાં આવશે કે તેને કબજે લેવાનો પ્રયાસ કરવામાં આવશે તો તેનું પરિણામ દુનિયાએ ભોગવવું પડશે. 

ઈરાને હવે બાબ અલ મંદેબ ખાડી ઉપર હુમલો કરીને તેને પણ બંધ કરી દેવાની ધમકી આપી છે. ઈરાન જાણે છે કે, આ રસ્તો બંધ કરવામાં આવશે વૈશ્વિક ક્રૂડનો અંદાજે બીજો ૧૦ થી ૧૨ ટકા જથ્થો અટવાઈ જશે. ચિંતાજનક બાબત એ છે કે, યમનમાં રહેલા હુથી વિદ્રોહીઓની મદદથી ઈરાન આ પગલું ભરવા તૈયાર થયું છે. તે ૧૨૦૦ માઈલ દૂર રહીને પણ આ હુથી લડવૈયાઓની મદદથી આ ખાડી બંધ કરવાનું વિચારી રહી છે. તેના કારણે સમગ્ર એશિયા અને યુરોપના ક્રૂડના સપ્લાયને માઠી અસર પડશે. 

જાણકારોના મતે ઈઝરાયેલ અને અમેરિકાએ ભલે ઈરાન ઉપર હુમલા કરીને તેના સુપ્રીમ કમાન્ડર અને અન્ય નેતાઓને ઠાર કરી દીધા હોય પણ ઈરાન શાંત થયું નથી. તેણે સતત અમેરિકા સામે યુદ્ધ જારી રાખ્યું છે. 

અમેરિકાએ દુનિયાને બચાવવાના નામે પાંચ દિવસ યુદ્ધ વિરામની જાહેરાત કરી હતી. બીજી તરફ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાનના વિવિધ ઠેકાણા ઉપર હુમલા પણ કરવામાં આવ્યા છે. ઈરાને હવે જણાવ્યું છે કે, અમારી શરતે પીસ ટોક કરવી હશે તો થશે બાકી અમેરિકાની આ આડોડાઈ ચલાવી લેવાશે નહીં. તેણે હોર્મુઝની ખાડી બંધ કર્યા બાદ હવે મંદેબની ખાડી બંધ કરવાનો ઈરાદો વ્યક્ત કરી દીધો છે.

ઉલ્લેખનીય છે કે, ખર્ગ આઈલેન્ડ ઈરાન માટે ખૂબ જ મહત્ત્વનું છે. ઈરાનની લાઈફલાઈન અને તેના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન આ ખર્ગ આઈલેન્ડ ઉપર સહેજ પણ ઉથલપાથલ થાય તો ઈરાનને વ્યાપક નુકસાન જાય તેમ છે. ઈરાનની નિકાસનું કુલ ૯૦ ટકા પ્રોડક્શન આ આઈલેન્ડ ઉપર થાય છે. 

આ સંજોગોમાં તેને ઈરાનનું ક્રાઉન જ્વેલ કહેવામાં આવે છે. અમેરિકા અને ઈઝરાયેલા દ્વારા આ આઈલેન્ડ ઉપર હુમલા કરવામાં આવ્યાના અહેવાલો છે. બીજી તરફ અમેરિકા આ ખર્ગ આઈલેન્ડને કબજે કરવા મથી રહ્યું છે. અમેરિકાની આ જિદ સામે ઈરાને હવે બાબ-અલ-મંદેબ બંધ કરવાનું શસ્ત્ર ઉગામવાની ધમકી આપી દીધી છે. 

ઈરાન સ્પષ્ટ રીતે જાણે છે કે, હોર્મુઝની ખાડી બંધ થવાથી દુનિયાના ક્રૂડનો ૨૦ ટકા સપ્લાય બંધ થઈ ગયો છે. તેના કારણે વૈશ્વિક સ્તરે વ્યાપક નુકસાન થઈ રહ્યું છે અને અનેક દેશોના અર્થતંત્ર હાલકડોલક થવા માંડયા છે. હવે તેની નજર રાતા સમુદ્ર ઉપર છે. બાબ-અલ-મંદેબની ખાડી પણ ભૌગોલિક રીતે ખૂબ જ મહત્ત્વની છે. રાતા સમુદ્રમાં પ્રવેશ કરવા માટે આ ખાડીમાંથી પસાર થવું પડે છે. રાતા સમુદ્રના પ્રવેશ દ્વારા જેવી છે આ ખાડી. તેના કારણે તેને ગેટ ઓફ ટીયર્સ પણ કહેવાય છે. આ રસ્તેથી દુનિયાનું ૧૨ ટકા ક્રૂડ સપ્લાય થાય છે. જો આ રસ્તો બંધ થઈ જાય તો સમગ્ર એશિયા અને યુરોપમાં ક્રૂડની વ્યાપક તંગી ફેલાય તેમ છે.

 દુનિયાનો ક્રૂડનો ૩૦ થી ૩૨ ટકા સપ્લાય બંધ થઈ જાય તેમ છે. ચિંતાજનક બાબત એ છે કે, ઈરાનના રિવોલ્યશનરી ગાર્ડ કોપ્સના એક ઉપરી અધિકારીએ સ્પષ્ટ ધમકી આપી છે કે, જો દુશ્મન દ્વારા અમારી જમીન કે આઈલેન્ડ તરફ ખરાબ નજર કરવામાં આવી તો અમે કોઈપણ હદે સુધી જતા રહીશું. તેમના દ્વારા થતા હુમલાનો કોઈ લાભ થવાનો નથી પણ અમે જે પગલાં લઈશું તેના કારણે રાતોરાત દુનિયામાં ક્રૂડની કિંમત બમણી થઈ જશે. રાતા સમુદ્રનો આ દ્વાર દુનિયાને રાતા પાણીએ રડાવી શકે તેમ છે.

રસપ્રદ બાબત એ છે કે, ઈરાનની કોઈ સરહદ બાબ-અલ-મંદેબ સાથે જોડાયેલી નથી. હોર્મુઝની ખાડીથી આ ખાડી અંદાજે ૧૨૦૦ માઈલ દૂર આવેલી છે. ઈરાન અહીંયા પ્રોક્સિ વોર કરી શકે છે. 

ઈરાને આ વિસ્તારમાં રહેલા હુથી વિદ્રોહીઓ દ્વારા અહીંયા યુદ્ધના મંડાણ કરવાની તૈયારીઓ કરી લીધી છે. ઈરાનના ઈશારે તેઓ મિસાઈલ અને ડ્રોન દ્વારા અહીંયા હુમલા કરી શકે છે. તેઓ માત્ર ૨૦ માઈલ પહોળી આ ખાડીને બંધ કરી શકે છે. આ સ્થિતિ વિશે મહાસત્તાઓને માહિતી છે તેથી તેઓ જિબૂતી ખાતે પોતાના બેઝ દ્વારા તેનો સમાનો કરી શકે છે. જાણકારો માને છે કે, આ વિસ્તારમાં યુદ્ધ શરૂ થશે તો અહીંયા પણ વેપાર અટકી જશે.

બાબ-અલ-મંદેબ ખાડી અથવા જો સામુદ્રધુની જો બ્લોક થઈ જાય તો દુનિયા ઉપર તેની ઘણી વિપરિત અસર પડે તેમ છે. સૌથી પહેલાં તો આ રસ્તેથી પસાર થતા ક્રૂડના તમામ ટેન્કરોને આફ્રિકાનું ચક્કર મારીને જવું પડે. તેના કારણે સપ્લાયમાં ૧૦ થી ૧૪ દિવસનો વધારો થઈ જાય. તેના કારણે ક્રૂડના કિંમતમાં મોટો વધારો થઈ જાય. 

હાલમાં પણ ક્રૂડની કિંમત ૪૦ ટકા વધી ગઈ છે તો આ ખાડી બંધ થયા બાદ કિંમતોમાં આગ ઝરતી તેજી આવે તેમ છે. 

બીજી તરફ શિપિંગ કંપનીઓની શિપિંગ કોસ્ટ, ઈંધણ, વીમો બધામાં વધારો થઈ જાય જેના પરિણામે વસ્તુઓમાં સ્વાભાવિક ભાવ વધારો આવે. આ એક એવો શોર્ટ-કટ છે જે વૈશ્વિક બજારમાં વસ્તુઓની કિંમત ઘટાડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ રસ્તો બંધ થઈ જાય તો એશિયા અને યુરોપમાં મોંઘવારી આસમાને પહોંચી જાય.સૌથી મોટી બાબત એ છે કે આ રસ્તો બંધ થાય એટલે રાતા સમુદ્રનો એકમાત્ર સાઉથ તરફનો ગેટ બંધ થઈ જાય. તેના કારણે એશિયાથી યુરોપ જનારા તમામ જહાજો સુએઝ નહેર સુધી પહોંચી શકે નહીં. તેવી જ રીતે યુરોપથી આવતા જહાજો પણ અટકી જાય. સુએઝ નહેર પહોંચવા માટે આ ખાડીમાંથી પસાર થવું જ પડે છે. આ રસ્તો બંધ થાય તો મોટાભાગનો યુરોપ-એશિયાનો વેપાર અટકી જાય. જો વેપાર કરવો હોય તો આફ્રિકાની દક્ષિણે થઈને ગોળ ફરીને જવું પડે. તેમાં ૯૦૦૦ કિ.મી. જેટલો પ્રવાસ વધી જાય. તેમાં અંદાજે ૧૦ થી ૧૪ દિવસનો વધારો સમય લાગી શકે.

ફારસની ખાડીમાંથી જે પણ ક્રૂડ અને ગેસ આવે છે તે અમેરિકા અને યુરોપ જવા માટે આ રસ્તે થઈને જ પસાર થાય છે. દરરોજ અહીંયાથી અંદાજે ૮૫ લાખ બેરલ ક્રૂડ અને ગેસ સપ્લાય થાય છે. દર વર્ષે આ સાંકડી ખાડીમાંથી અંદાજે ૧ ટ્રિલિયન ડોલરના માલસામાનનો વેપાર થાય છે. આ રસ્તે મોટા પ્રમાણમાં ગ્લોબલ સપ્લાય પસાર થાય છે. આ રસ્તે ચીન, ભારત, જાપાનથી યુરોપ જનારા વાહનો અને તેના ગેજેટ્સ તથા પાર્ટ્સ સપ્લાય થાય છે. તે ઉપરાંત સાઉથ-ઈસ્ટ એશિયામાંથી ઘઉં, ચોખા, ખાંડ પણ યુરોપ અને આફ્રિકાના દેશો સુધી મોકલવામાં આવે છે. તેવી જ રીતે ફેક્ટરીઓ માટે જરૂરી પાર્ટ્સ, પણ દુનિયાભરમાં અહીંયાથી જ પસાર થાય છે. આ રસ્તો બંધ થાય તો વૈશ્વિક વેપારનો મોટી ખાટ પડે તેમ છે.

બાબ-અલ-મંદેબ દુનિયાનો ચોથો સૌથી મોટો વ્યાપારિક દરિયાઈ માર્ગ છે 

બાબ-અલ-મંદેબ હકિકતે રાતા સમુદ્ર અને અદનની ખાડીને જોડનારો એક સાંકડો સામુદ્રિક માર્ગ છે. તે બીજી તરફ સુએઝ નહેર તરફ જાય છે. 

દુનિયાભરમાં મોકલાતા માલ-સામાનનો ૧૨ ટકા જથ્થો અને ક્ડનો ૧૨ ટકા જથ્થો આ રસ્તે પસાર થાય છે. તે દુનિયાનો ચોથો સૌથી મોટો વ્યાપારિક દરિયાઈ માર્ગ છે. તેના કારણે જ તેનું રણનીતિક મહત્ત્વ વધારે છે. યમનના દક્ષિણ-પશ્ચિમમાં આફ્રિકાના જિબુતી અને ઈરિટ્રિયા દેશોને આ ખાડી અલગ કરે છે. તે એશિયા અને આફ્રિકાના દેશોને જોડતી એક સાંકડી સામુદ્રધુનિ છે. તેને ગેટ ઓફ ટિયર્સ એટલે કે આંસુઓનું દ્વાર કહેવામાં આવે છે. કહેવાય છે કે, અહીંયા ઘણા જહાજો ડુબ્યા હોવાથી તેને દુઃખ કે પીડા અથવા તો આંસુઓનું દ્વાર કહવામાં આવે છે. 

અરબી ભાષામાં બાબનો અર્થ દ્વાર અને મંદેબનો અર્થ વિલાપ થાય છે. આરબ લોકકથાઓ પ્રમાણે એક વખત જે ભયાનક ભૂકંપ આવ્યો તેના કારણે એશિયા અને આફ્રિકા ખંડ લગ થઈ ગયા. તે સમયે મોટી સંખ્યામાં લોકો આ જગ્યામાં ડૂબી ગયા હતા. તે ઉપરાંત અહીંયા રસ્તો સાંકડો, ક્યાંક છીછરું તો ક્યાંક ઉંડું પાણી છે અને તેના કારણે જૂના જમાનામાં વહાણો ખૂબ જ ડૂબી જતા હતા. તેથી તેના કારણે લોકો વિલાપ કરતા હતા. તેના પગલે તેને આંસુઓનું દ્વાર કહેવાય છે. 

હાલમાં પણ અહીંયા જિયોપોલિટિક્સનું ધમાસાણ ચાલે છે. આ વિસ્તાર હુથી વિદ્રોહીઓના નિશાના ઉપર છે. તેઓ અહીંયા જતા-આવતા જહાજો ઉપર વારંવાર હુમલા કરતા હોય છે. યુદ્ધમાં જો ઈરાન તેનો ઉપયોગ કરે તો ૨૯ કિ.મી પહોળાઈની આ ખાડી દુનિયાને રાતા પાણીએ રડાવી શકે તેવી ક્ષમતા ધરાવે છે.