mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

રૂવા-સમા અચાનક ભારતને વફાદાર કેમ થઈ ગયાં?

Updated: Mar 27th, 2024

રૂવા-સમા અચાનક ભારતને વફાદાર કેમ થઈ ગયાં? 1 - image


- બન્નેનું હૃદય પરિવર્તન થયાનો સોશિયલ મીડિયામાં જોરશોરથી પ્રચાર

- હળાહળ ભારત વિરોધી શબિર અહમદ શાહની દીકરી સમા શબીર અને અલતાફ અહમદ શાહની દીકરી રૂવા અલતાફે જાહેર કર્યું છે કે, પોતે ભારતની વફાદાર નાગરિક છે અને ભારતની એકતા કે અખંડિતતાની વિરૂધ્ધ હોય એવી કોઈ પણ વ્યક્તિ, પક્ષ કે સંગઠન સાથે પોતાને કોઈ લેવાદેવા નથી.  ગુજરાતીમાં કહેવત છે કે, ચમત્કાર વિના નમસ્કાર નહીં. રૂવા-સમા ભારતને નમસ્કાર કરે છે એ ચમત્કાર કેન્દ્રીય એજન્સીઓએ કર્યો છે. ભારતમાં રહીને ભારત સાથે જ ગદ્દારી કરનારા હુર્રિયત કોન્ફરન્સના નેતાઓને કેન્દ્રીય એજન્સીઓએ આંટીમાં લઈને જેલમાં ધકેલી દીધા તેના કારણે તેમના પરિવારો થથરી ગયા છે.

જમ્મુ અને કાશ્મીરમાં હમણાં એક ઘટનાની ભારે ચર્ચા છે. જમ્મુ અને કાશ્મીરને ભારતથી અલગ કરવા માટે વરસો સુધી લડનારા હુર્રિયત કોન્ફરન્સના બે ટોચના નેતાઓની દીકરીઓએ અખબારોમાં જાહેરખબર આપીને ભારત તરફ વફાદારી જાહેર કરી છે. હળાહળ ભારત વિરોધી શબિર અહમદ શાહની દીકરી સમા શબીર અને અલતાફ અહમદ શાહની દીકરી રૂવા અલતાફે જાહેર કર્યું છે કે, પોતે ભારતની વફાદાર નાગરિક છે અને ભારતની એકતા કે અખંડિતતાની વિરૂધ્ધ હોય એવી કોઈ પણ વ્યક્તિ, પક્ષ કે સંગઠન સાથે પોતાને કોઈ લેવાદેવા નથી. કોઈ પણ સંગઠન ભારત વિરોધી પ્રવૃત્તિ માટે નામનો ઉપયોગ ના કરે એવી ચીમકી પણ બંનેએ આપી છે. 

અલતાફ અહમદ શાહ ભારતનું ખાઈને ભારતનું ખોદનારા ગદ્દાર કાશ્મીરી નેતાઓના સરદાર સૈયદ અલી શાહ ગિલાનીના જમાઈ હતા. અલતાફનાં લગ્ન વરસો લગી હુર્રિયત કોન્ફરન્સના ચેરમેન રહેલા ગિલાનીની પુત્રી અનિશાને પરણ્યા હતા એ હિસાબે રૂવા અલતાફ ગિલાનીની દોહિત્રી છે. જમ્મુ અને કાશ્મીરમાં અલતાફ કરતા ગિલાનીનું નામ મોટું છે તેથી ગિલાનીની દોહિત્રીએ ભારત તરફ વફાદારી બતાવી એ વાતનો વધારે પ્રચાર થયો. બાકી અલ્તાફ અહમદ શાહે પણ ભારત વિરોધી ઉધામા ઓછા કર્યા નથી.

ગિલાનીના જમણા હાથ ગણાતા અલતાફનો પણ કાશ્મીરમાં ભારત વિરોધી માહોલ ઉભો કરવામાં મોટો ફાળો છે. રૂવા અલતાફ કાશ્મીરમાં જાણીતી પત્રકાર છે. ઈન્ડિયન એક્સપ્રેસ અને અલ જઝિરા માટે કામ કરી ચૂકેલી રૂવાએ હુર્રિયત કોન્ફરન્સ સાથે પોતાને નાહવાનિચોવવાનો સંબંધ નથી એવો ખાસ ઉલ્લેખ કર્યો છે.  

રૂવા અને શમાની નોટિસોને જમ્મુ અને કાશ્મીરમાં બદલાયેલા માહોલનું રીફ્લેક્શન ગણાવાઈ રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ની નાબૂદી પછી જમ્મુ અને કાશ્મીરમાં થઈ રહેલાં વિકાસના કારણે ભારત વિરોધી લોકોનું પણ હૃદય પરિવર્તન થઈ રહ્યું છે એવો પ્રચાર પણ સોશિયલ મીડિયામાં ચલાવાઈ રહ્યો છે પણ આ વાતો ખોટી છે. રૂવા અલતાફ કે સમા શબીરનું કોઈ હૃદય પરિવર્તન થયું નથી કે તેમને ભારત તરફ હેત પણ નથી ઉભરાઈ આવ્યું. 

ગુજરાતીમાં કહેવત છે કે, ચમત્કાર વિના નમસ્કાર નહીં. રૂવા અને સમા પણ ચમત્કારને કારણે જ ભારતને નમસ્કાર કરી રહ્યાં છે. આ ચમત્કાર એનઆઈએ, ઈડી સહિતની કેન્દ્રીય એજન્સીઓએ કર્યો છે. ભારતમાં રહીને ભારત સાથે જ ગદ્દારી કરનારા હુર્રિયત કોન્ફરન્સના નેતાઓને કેન્દ્રીય એજન્સીઓએ આંટીમાં લઈને જેલમાં ધકેલી દીધા તેના કારણે તેમના પરિવારો થથરી ગયા છે. આ નેતાઓની જેલમાં શું હાલત થઈ છે તેની તેમના પરિવારોને ખબર છે. કાશ્મીરને આતંકવાદ તરફ ધકેલનારા ગદ્દાર નેતાઓનાં પાપ તો એટલાં વધી ગયેલાં કે છૂટી શકે તેમ નથી પણ તેમના પરિવારો તેમનાં પાપનો બોજ વેંઢારવા તૈયાર નથી.

અલતાફ અહમદ શાહ ફંટૂશ તરીકે જાણીતા હતા પણ ૨૦૧૮માં જેલમાં ધકેલાયા પછી બધી ફંટૂશગીરી નિકળી ગયેલી. તિહાર જેલમાં બંધ અલતાફ રીબાઈ રીબાઈને મર્યા. ભૂતકાળમાં આ નેતા જેલમાં ધકેલાતા ત્યારે બાદશાહી ભોગવતા ને સરકારી હોસ્પિટલમાં ભરતી થઈ જતા પણ તિહારમાં એ બાદશાહી મળી નહીં, રૂવા અને ગિલાનીનો આખો પરિવાર અલતાફને હોસ્પિટલમાં ખસેડવા આજીજી કરતો રહ્યો પણ કોઈએ તેમની વાત ના સાંભળી ને ફંટૂશ પાંચ વર્ષ પછી જેલમાં જ ગુજરી ગયા. 

ગિલાનીના કિલોમીટર પહેલાં જ પતી ગયેલા તેથી તેમને જેલમાં નહોતા ધકેલાયેલા પણ ઘરમાં નજરકેદ કરાયેલા. લાંબા સમયથી બિમાર ગિલાની ૨૦૨૧માં ગુજરી ગયેલા. સમા શબીરના પિતા શબીર અહમદ શાહ ૨૦૧૭થી તિહાર જેલમાં બંધ છે ને કદી જેલમાંથી બહાર આવી શકવાના નથી.

સાબિર શાહ સામે ભારતમાં આતંકવાદને ભડકાવવા માટે આર્થિક મદદ એટલે કે ટેરર ફંડિંગનો તેમની સામે કેસ છે. ગિલાની અને અલતાફ ભલે ઢબી ગયા પણ તેમની સામેના ટેરર ફંડિંગનો કેસ પૂરો થયો નથી. સાબિર, ગિલાની કે અલતાફ ભારત સામે ઝેર ઓક્યા કરતા એવું પોતે પણ કર્યા કરે તો આ કેસોનો રેલો પોતાના પરિવાર સુધી પણ પહોંચી શકે છે એટલી ખબર ના પડે એટલી નાદાન સમા કે રૂવા બંનેમાંથી કોઈ નથી. 

સમા તો પોતે વકીલ છે ને કાયદા કાનૂન સારી રીતે જાણે છે. સમા યુકેમાં કાયદાનો અભ્યાસ કરતી હતી ત્યારે ૨૦૧૯માં ઈડીએ સમન્સ ફટકારીને તેને પૂછપરછ માટે બોલાવી હતી. સાબિર શાહ સામેનો ટેરર ફંડિગનો કેસ ૨૦૦૫નો છે કે જ્યારે સમા માત્ર પાંચ વર્ષની હતી. પાંચ વર્ષની છોકરીને ટેરર ફંડિંગ સાથે કંઈ લેવાદેવા ના હોય છતાં ઈડી તેને નોટિસ ફટકારી શકે તો અત્યારે તો સમા ૨૩ વર્ષની છે. તેની સામે તો નવો કેસ પણ થઈ શકે ને પિતાને તિહાર જેલમા કંપની આપવા પણ જવું પડી શકે. સમાને આ બધી ખબર પડે જ. પરિવાર સાથે શ્રીનગરમાં રહેતી રૂવા પત્રકાર હતી પણ હવે નવરી થઈ ગઈ છે.  તેને તો કલમ ૩૭૦ની નાબૂદી પછી કેન્દ્ર સરકાર શું શું કરી શકે એ સમજાવવાની જરૂર જ નથી.

આ સંજોગોમાં એ લોકો પાસે બે જ વિકલ્પ રહે છે. કાં ભારત છોડીને રવાના થઈ જાઓ કાં ભારતના થઈને રહો. ભારત છોડીને જવાય તેમ નથી કેમ કે દુનિયાનો કોઈ દેશ તેમને સંઘરે નહીં. ગિલાની-અલતાફ ને સાબિરે આખી જીંદગી પાકિસ્તાન તરફ વફાદારી બતાવી પણ તેમની દીકરીઓ પાકિસ્તાનમાં ના રહી શકે. બલ્કે ભારતના કોઈ મુસલમાનની દીકરી પાકિસ્તાનમાં ના રહી શકે. આ દેશમાં જે આઝાદી મળે એ પાકિસ્તાનમાં થોડી મળવાની ? ભારતમાં રહ્યા પછી ભારત તરફ વફાદારી ના બતાવે તો ભવિષ્યમાં પોતે પણ જેલની હવા ખાઈને જીંદગી કાઢી નાંખવી પડે એ ડરે સમા અને રૂવા ભારતની એકતા અને અખંડિતતાની રક્ષાની દુહાઈ આપી રહ્યાં છે. 

કાશ્મીરના ભાગલાવાદી નેતાઓના પરિવારો પર તવાઈની ઘણા ટીકા કરે છે પણ આ પરિવારો દયાને પાત્ર નથી. ગિલાની સહિતના નેતાઓએ કાશ્મીરને આતંકવાદમાં ધકેલીને નર્ક બનાવી દીધું. હજારો નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, લાખો હિંદુ પરિવારોએ કાશ્મીર છોડીને ભાગવું પડયું અને બેવતન થયા. ગિલાની સહિતના નેતાઓને આ બધું કરવા પાકિસ્તાન તરફથી નાણાં મળતાં ને તેની સુખ-સાહ્યબી તેમના પરિવારોએ ભોગવી. હવે તેની કિંમત આ પરિવારો નહીં ચૂકવે તો કોણ ચૂકવશે ?

પાકિસ્તાનના પીઠ્ઠુ ગિલાનીએ સંતાનોને ભારતમાં સેટ કર્યાં

સૈયદ અલી શાહ ગિલાનીની  મહત્વાકાંક્ષા જમ્મુ અને કાશ્મીરમાં સત્તા ભોગવવાની હતી તેથી પહેલેથી ભારત વિરોધી નહોતા. બલ્કે જમ્મુ અને કશ્મીર વિધાનસભાની ચૂંટણી લડીને ત્રણ વાર ધારાસભ્ય પણ બનેલા. જો કે અબ્દુલ્લા અને મુફતી પરિવારના વર્ચસ્વના કારણે પોતે કદી સત્તા નહીં ભોગવી શકે એવું લાગતાં પાકિસ્તાનના પીઠ્ઠુ થઈ ગયા. કાશ્મીર ફાઈલ્સમાં કાશ્મીર ખીણમાંથી હિંદુઓને ભગાડવા માટેની જે ઝુંબેશનો ઉલ્લેખ છે તેના પ્રણેતા ગિલાની અને યાસીન મલિક હતા. 

ગિલાનીએ બે લગ્ન કર્યાં ને કુલ છ સંતાનો થયાં. રસપ્રદ વાત એ છે કે, પાકિસ્તાનની દલાલી કરતા ગિલાનીએ બધા સંતાનોને ભારતમાં જ થાળે પાડયાં છે. બીજી મજાની વાત એ છે કે, કાશ્મીરી યુવકોના હાથમા મશીનગનો પકડાવીને આતંકવાદી બનાવનારા ગિલાનીએ પોતાના કોઈ સંતાનને એ રસ્તા તરફ ન વાળ્યાં, બલ્કે ભારતમાં સરકારી નોકરીઓ કરાવી છે. 

ગિલાનીનો મોટો દીકરો નઈમ અને પુત્રવધૂ બંને ડોક્ટર છે. ગિલાનીએ તેમને પાકિસ્તાનના રાવલપિંડીમાં સેટ કરેલાં પણ ૨૦૧૦માં બંને કંટાળીને ભારત પાછાં આવી ગયાં. ગિલાનીનો બીજો દીકરો નસીમ શ્રીનગરની એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાં હતો. ગિલાનીનો પૌત્ર ઈઝહાર ભારતમાં પ્રાઈવેટ એરલાઈનમાં પાયલોટ છે. ગિલાનીનાં બીજાં પૌત્ર-પૌત્રી પણ ભારતમાં જ ભણ્યાં છે.

સમા સીબીઈએસઈ બોર્ડની પરીક્ષામાં આખા દેશમાં ટોપર હતી

સાબિર શાહની દીકરી સમા સીબીએસઈની બારમા ધોરણની બોર્ડની પરીક્ષામાં ૯૮.૭ ટકા માર્ક્સ સાથે આખા દેશમાં પહેલા નંબરે આવેલી. જમ્મુ અને કાશ્મીરમાંથી સીબીએસઈની બોર્ડની પરીક્ષામાં ટોપર બનનારી પહેલી છોકરી સમા યુકેની યુનિવર્સિટી ઓફ માંચેસ્ટરમાં ભણી છે. 

અલતાફની પત્ની બિલકિસ ડોક્ટર છે અને શ્રીનગરમાં દીકરીઓ સમા અને સહેર સાથે રહે છે. સમાની નાની બહેન સહેર હજુ પોસ્ટ ગ્રેજ્યુએશન કરે છે પણ ડીપ્રેશનમાં રહે છે તેથી સતત દવાઓ લેવી પડે છે. બિલકિસના પિતા મોહમ્મદ ઈકબાલ ડોડા જિલ્લામાં ડીવાયએસપી હતા. તેમણે પણ બિલકિસને દીકરીઓને આ ઝંઝટથી દૂર રાખવાની સલાહ આપી હોવાનું કહેવાય છે.

Gujarat