ફેશિયલ રેકગ્નિશન : ગુનાખોરી રોકવા ભારતમાં ટેક્નોલોજીનો નવતર પ્રયોગ
- 100 થી વધુ દેશોમાં લાગુ થયેલી આ ટેક્નોલોજી હવે ભારતના સાત મોટા રેલવે સ્ટેશનો ઉપર ચાલુ કરાશે
- વિશ્વમાં જ્યાં આ ટેક્નોલોજી લાગુ છે તેમાંથી 40 ટકા દેશોમાં કામકાજના સ્થળોએ, 24 ટકા દેશોમાં જાહેર પરિવહનની બસોમાં અને 40 ટકા દેશોમાં ટ્રેનો, મેટ્રો અને તેને સમકક્ષ પરિવહન સુવિધાઓમાં ઉપયોગમાં લેવાઈ રહી છે : ભારતના ઘણા એરપોર્ટ ઉપર આ ટેક્નોલોજી લાગુ થયેલી છે, હવે રેલવે સ્ટેશનો અને ત્યારબાદ તબક્કાવાર અન્ય સ્થળોએ ટેક્નોલોજી લાગુ કરવાનું સરકારનું આયોજન : દુનિયાના મોટા દેશો દ્વારા એરપોર્ટ, ટ્રેનો, જાહેર પરિવહન, પોલિસ મોનિટરિંગ અને હવે તો પ્રાઈવેટ કંપનીઓમાં પણ ખાનગી ઉપયોગ માટે આ ટેક્નોલોજીનો ઉપયોગ કરાઈ રહ્યો છે : લોકોને ભય છે કે, આ સિસ્ટમ દ્વારા તેમની તસવીરો ખેંચાય, વીડિયો લેવાય અને અન્ય વિગતો જોવાય તો તેમની પ્રાઈવસીનો ભંગ થશે અને તે ઉપરાંત આ ડેટા હેકર્સ દ્વારા ચોરીને તેનો દૂરુપયોગ કરાય તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે
દેશમાં નવી દિલ્હી, મુંબઈ સેન્ટ્રલ અને અન્ય મોટા સાત રેલવે સ્ટેશનો ઉપર ફેશિયલ રેકગ્નિશન ટેકનિકને લાગુ કરવામાં આવશે. જાહેર સુરક્ષાને વધારે મજબૂત બનાવવા માટે અને ગુનાખોરી ડામવા તથા ગુનેગારોને ભાગતા રોકવા અથવા ઓળખવા માટે આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. હાલમાં ભારતના ઘણા એરપોર્ટ ઉપર આ ટેક્નોલોજી લાગુ કરવામાં આવેલી જ છે. હવે દેશના સાત રેલવે સ્ટેશનો ઉપર આ ટેક્નોલોજીને શરૂ કરવામાં આવશે. મહત્ત્વની વાત એ છે કે, ભારતના પાડોશી દેશ ચીનમાં દર ચાર રસ્તે આવા કેમેરા લાગુ છે અને ૨૪ કલાક સર્વેલન્સ ચાલુ જ હોય છે. આવી ટેક્નોલોજી ભારતમાં શરૂ થતાં ઘણો સમય લાગશે પણ આ ટેક્નોલોજીની જેટલા ફાયદા છે તેટલા તેના નુકસાન પણ રહેલા છે. તેના કારણે લોકો અને જાણકારોમાં આ મુદ્દે ઘણા તર્ક-વિતર્ક જોવા મળી રહ્યા છે.
મહત્ત્વની વાત એ છે કે, ફેશિયલ રેકગ્નિશન ટેકનિકનો ઉપયોગ દુનિયાભરમાં સતત વધી રહ્યો છે. એક અહેવાલ પ્રમાણે વર્તમાન સમયમાં દુનિયાના ૧૦૦થી વધુ દેશોમાં આ ટેક્નોલોજીનો જાહેર સ્થળોએ અને ખાનગી સ્થળોએ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
હાલમાં અમેરિકા, ચીન, જાપાન, સિંગાપુર, સાઉથ કોરિયા, બ્રાઝિલ, યુએઈ, રશિયા, યુકે, જર્મની અને ફ્રાન્સ જેવા દેશોમાં એરપોર્ટ ઉપર, પોલીસના મોનિટરિંગ માટે અને ખાનગી ક્ષેત્રોમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એક અભ્યાસમાં જણાવાયું હતું કે, જે દેશોમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે તેમાંથી ૪૦ ટકા દેશોમાં કાર્યસ્થળો ઉપર આ ટેક્નોલોજી લગાવેયાલી છે. તે ઉપરાંત ૨૪ ટકા દેશોમાં બસોમાં અને ૪૦ ટકા દેશોમાં ટ્રેનોમાં, મેટ્રોમાં અને અન્ય જાહેર પરિવહન સેવાઓમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, આ એક બાયોમેટ્રિક ટેક્નોલોજી છે. કોઈપણ વ્યક્તિનો ચહેરો, તેની ખાસિયતોનું વિશ્લેષણ કરીને તેની ઓળખ કરતી ટેક્નોલોજીને ફેશિયલ રેકગ્નિશન ટેકનિક કહેવામાં આવે છે. આ ટેક્નિક થકી તસવીરો અથવા વીડિયો ફ્રેમમાં વ્યક્તિના ચહેરાના આંખ, નાક, મોઢાની ખાસિયકતો, ચહેરાની રચના વગેરે સ્કેન કરીને તેની ચોક્કસ ઓળખ કરે છે. આ ટેક્નોલોજીના ડેટાબેઝમાં પહેલેથી જ ફીડ કરવામાં આવેલી માહિતીના આધારે તે કેમેરામાં ઝડપાયેલી તસવીર અથવા વીડિયો સાથે તેનું મેચિંગ કરીને વ્યક્તિની ઓળખ કરે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશિન લર્નિંગ અલગોરિધમ ઉપર આ ટેક્નોલોજી કામ કરે છે.
ભારત સરકાર દ્વારા આ ટેક્નોલોજી હવે રેલવે સ્ટેશનો ઉપર લાગુ કરાશે. ભારતીય રેલવે દ્વારા નવી દિલ્હી, મુંબઈ સેન્ટ્રલ, ચેન્નઈ સેન્ટ્રલ, હાવડા જેવા સ્ટેશનો સહિત સાત મોટા સ્ટેશનો ઉપર આ ટેક્નોલોજીનો પહેલો ફેઝ શરૂ કરવામાં આવશે. દેશના સૌથી વધુ ભીડભાડ ધરાવતા સ્ટેશનો ઉપર તેને લાગુ કરવાની યોજના છે.
આ એવા સ્ટેશનો છે જ્યાં ગુનાખોરી સરળતાથી થાય છે, ભીડ હોય છે, ચોરીઓ થાય છે, આતંકીઓ હુમલા કરી શકે છે, સંતાઈને નાસી શકે છે અને અન્ય ગુનેગારો પણ સંતાઈ શકે છે. આ તમામ સંજોગોમાં તેમના ચહેરા ઉપરથી તેમની ઓળખ કરવા માટે આ ટેકનિક લાગુ કરવામાં આવશે.
આ ઉપરાંત ફેસિયલ રેકગ્નિશન દ્વારા શંકાસ્પદ લોકોની ઓળખ કરાશે, તેમની ગતિવિધિ ઉપર નજર રાખી શકાશે અને ગુનેગારોને પકડવામાં સરળતા રહેશે. તેના કારણે સ્ટેશનો ઉપર સુરક્ષામાં પણ વધારે થશે.
જાણકારોના મતે ટિકિટ ચેકિંગ, બોડગ વગેરે પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે પણ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. આ ટેક્નોલોજી ટિકિટ ચેકિંગ, વિડ્રો અને બોર્ડિંગ માટે આવી જાય તો લોકોને લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળી જશે.
રેલવે સ્ટેશનોને સ્માર્ટ બનાવવા માટેની જે યોજના ચાલી રહી છે તેમાં સિક્યોરિટી ખૂબ જ મહત્ત્વનો ભાગ છે. તેના પગલે જ ફેસિયલ રેકગ્નિશન ટેક્નોલોજી લાવવામાં આવી છે જે સુરક્ષા, મોનિટરિંગ અને યાત્રીઓની સુવિધામાં વધારો કરશે. સૂત્રોના મતે રેલવે સ્ટેશનો ઉપરાંત દિલ્હી, મુંબઈ, કોલકાતા, અમદાવાદ, ચેન્નઈ, બેંગ્લુરૂ, હૈદરાબાદ અને લખનઉ ખાતે સેફ સિટી પ્રોજેક્ટ લવાયો છે. તેમાં શહેરોના વિવિધ વિસ્તારોમાં એઆઈ કેમેરા, સિસિટીવી, ફેસિયલ રેકગ્નિશન ટેક્નોલોજી, ઓટોમેટિક નંબરપ્લેટ રેકગ્નિશન સિસ્ટમ પણ લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત હાઈ રિસ્ક ઝોનમાં ડ્રોન દ્વારા પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
અહીંયા વાત એ છે કે, ભારતમાં ફેસિયલ રેકગ્નિશન ટેકનિક માટે આધાર ડેટાબેઝનો ઉપયોગ કરવામાં આવશે કે નહીં. આમ જોવા જઈએ તો, આધાર ડેટાબેઝ થકી જે ડેટા મળશે તેને જોડીને ઉપયોગ કવરાની શક્યતાઓને નકારી શકાય નહીં પણ આમ કરવાનું ટેકનિકલી સરળ દેખાતું નથી. તેનું સૌથી મોટું કારણ એ છે કે, આ ડેટા ખૂબ જ સંવેદનશિલ છે. દેશના ૧.૩ અબજ લોકોનો આધાર ડેટા છે જેમાં ફિંગરપ્રિન્ટ, રેટિના, તસવીરો, એડ્રેસ અને બીજી ઘણી વિગતો છે. સામાન્ય સંજોગોમાં એવું માનવામાં આવી રહ્યું છે કે, આ ડેટા જ ફેસિયલ રેકગ્નિશન સિસ્ટમની મદદ કરશે અને તેનાથી કામ સરળ થઈ જશે.
સૂત્રોનું માનવું છે કે, સરકાર દ્વારા ગુનેગારોને ઓળખવા, તેમની શંકાસ્પદ એક્ટિવિટી શોધી કાઢવા, તે ઉપરાંત ખોવાયેલા કે માનવ તસ્કરીનો ભોગ બનેલા લોકોને શોધવા માટે અને તેમના મૂળ સ્થાને અથવા પરિવાર સાથે મેળાપ કરાવવા માટે જે ડેટાની જરૂર પડેશે તે આધાર ડેટામાંથી મળી જાય તે યોગ્ય છે. તેના થકી ઓળખ સરળ બની જશે. બીજી તરફ યુઆઈડીએઆઈનું સ્પષ્ટ વલણ છે કે, માત્ર ચોક્કસ પરિસ્થિતિમાં અને કાયદાકિય પરવાનગી સાથે જ આધાર ડેટાની આપલે કરી શકાશે. આ સંજોગોમાં એફઆરટી સિસ્ટમ માટે અલગ ડેટાબેઝ તાર કરવાની કામગીરી કરવી પડશે. જાણકારોના મતે દિલ્હી પોલીસ, મુંબઈ પોલીસ અને અન્ય રાજ્યની પોલિસ દ્વારા વિશેષ ડેટા બનાવીને ખોવાયેલા લોકો, બાળકોની ઓળખ માટે વિશેષ પ્રયાસ કરાયા છે. તેમાં એફઆરટી અને આધાર ડેટાને સાંકળીને કામ કરાયું હતું. તેના પરિણામો વિશે કોઈ નક્કર માહિતી બહાર આવી નથી.
અહીંયા વાત એવી પણ આવે છે કે, આધાર ડેટાનો ઉપયોગ કરવાનો કાયદાકિય અધિકાર એફઆરટી સિસ્ટમને અપાયો છે કે નહીં અથવા અપાશે કે નહીં. સૂત્રોના મતે આધાર અધિનિયમ ૨૦૧૬ હેઠળ આધાર ડેટાનો ઉપયોગ માત્ર ચોક્કસ કામગીરીઓ દરમિયાન જેવી કે સરકારી યોજનાઓની નોંધણી, રજિસ્ટ્રેશન કે અન્ય કામગીરી માટે કરવામાં આવતો હોય છે. એફઆરટી માટે આધાર ડેટાનો ઉપયોગ કરવા માટે વિશેષ પરવાનગીઓ અને કાયદાકીય પ્રક્રિયાનું અનુસરણ કરવું પડે છે. યુઆઈડીએઆઈ સ્પષ્ટ માને છે કે, જ્યાં સુધી ચોક્કસ પ્રક્રિયા પૂર્ણ ન થાય, પૂરતી મંજૂરીઓ ન મળે ત્યાં સુધી કોઈપણ પ્રકારના ડેટાનો ઉપયોગ કરવા દેવાય નહીં. જ્યાં સુધી કોઈ વ્યક્તિની ખરાઈ કરવાની હોય તો ડેટાનો ઉપયોગ કરવા દેવાય બાકી તમામ કિસ્સામાં ડેટા શેરિંગ શક્ય થતું નથી.
જાણકારો માને છે કે, આ ટેક્નોલોજી અને આધાર ડેટાથી કામગીરી સરળ બની જાય તેમ છે. તેમના મતે એફઆરટી ગુનેગારો, શંકાસ્પદ વ્યક્તિઓ, ગુમ થયેલી વ્યક્તિઓ વગેરેને ઓળખવા માટે લાગુ કરાયેલી સિસ્ટમ છે. આ ઉપરાંત ટિકિટ ચેકિંગ, બોર્ડિંગ, ટિકિટની ખરાઈ, વ્યક્તિની ઓળખ વગેરે માટે ઝડપથી અને સચોટ કામ થાય તેમ છે. મેન્યુઅલી કામમાં હાલમાં જે સમય વ્યય થાય છે તેમાં ઘણો બચાવ થઈ શકે તેમ છે. આ ઉપરાંત ગુનેગારોને શોધી કાઢવામાં સરળતા રહે છે. લોકોની અવરજવર, ભીડ અને સ્ટેશનના મેનેજમેન્ટ માટે પણ ઘણી ઉપયોગી ટેક્નોલોજી હોવાનો મત છે.
આ ટેક્નોલોજીથી 2019માં 3000 લાપતા બાળકોને શોધી કઢાયા હતા
ભારતમાં હાલમાં સાત રેલવે સ્ટેશનો ઉપર ફેસિયલ રેકગ્નિશન ટેક્નોલોજી લાગુ કરવામાં આવે પણ ઘણા વખતથી દેશમાં આ ટેક્નોલોજીના વિવિધ પાયલટ પ્રોજેક્ટ ચાલુ છે. દેશના ઘણા એરપોર્ટ ઉપર પણ જુલાઈ ૨૦૧૯થી આ ટેક્નોલોજી લાગુ કરવામાં આવેલી છે. દિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદ, મુંબઈ જેવા ઘણા મોટા એરપોર્ટ ઉપર પ્રવાસીઓની ઓળખ માટે, ટિકિટ ચેકિંગ માટે, બોર્ડિંગ માટે ફેસિયલ રેકગ્નિશનનો ઉપયોગ કરવામાં આવે છે. તેના કારણે મુસાફરોને ફિઝિકલ ટિકિટો લઈ જવાની ઝંઝટમાંથી પણ મુક્તિ મળી છે. તેનાથી ટિકિટ અને આઈડી બધાનું ચેકિંગ થઈ જાય છે. બીજી વાત એ છે કે, દિલ્હી પોલિસ દ્વારા લાપતા બાળકોને શોધવા અને ગુનેગારોને પકડવા માટે આ ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો હતો. ૨૦૧૯માં ટ્રાયલ દરમિયાન ૩૦૦૦ લાપતા બાળકોની શોધ આ ટેક્નોલોજી દ્વારા કરવામાં આવી હતી. બીજી તરફ એસીઆરબી જણાવે છેક, ઓટેમેટેડ ફેસિયલ રેકગ્નિશન સિસ્ટમ દ્વારા ગુનેગારોની ઓળખ અને મોનિટરિંગ માટે પણ મજબૂત કામ કરવામાં આવ્યું છે. એફઆરટીના ડેટા અને પોલીસના ડેટાનું મેચિંગ કરીને ઘણા ગુના ઉકેલાયા છે અને ગુનેગારોને શોધી કાઢવામાં આવ્યા છે. દિલ્હી અને ચેન્નઈમાં જાહેર સ્થળોએ ટ્રાફિક સિગ્ન અને મોનિટરિંગ માટે આ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
કેટલીક સ્કૂલો અને કોલેજોમાં પણ આ ટેક્નોલોજી દ્વારા વિદ્યાર્થીની હાજરી ટ્રેક કરવામાં આવે છે. કેટલીક બેન્કોમાં ગ્રાહકોનું કેવાયસી કરવા માટે અને સુરક્ષા માટે આ ટેક્નોલોજી લગાવવામાં આવેલી છે. બીજી તરફ કેટલાક લોકો માને છે કે, આ ટેક્નોલોજી લોકોની આવનજાવનની માહિતી ભેગી કરે છે, ફોટા ખેંચે છે તેના કારણે તેમની પ્રાઈવસીનો ભંગ થઈ રહ્યો છે. બીજી વાત એવી છે કે, ખરાબ લાઈટિંગ, ટેકનિકલ ખામી દરમિયાન જો યોગ્ય તસવીર લેવામાં ન આવી અથવા તો અયોગ્ય તસવીર આવી અને ખોટી વ્યક્તિના ડેટા સાથે તેનું પેરિંગ થઈ ગયું ત્યારે સમસ્યા સર્જાશે. સામાન્ય વ્યક્તિના ડેટાનું વાયોલેશન થશે અથવા તો નિર્દોષ વ્યક્તિને ગુનેગાર સમજીને દંડવામાં આવે તેવું પણ બની શકે છે.
આ ઉપરાંત હેકર્સ દ્વારા લોકોની ફેસિયલ ડિટેલ્સ ચોરી કરવામાં આવે તેનો પણ ભય રહેલો છે. તેના દ્વારા લોકોના બાકીના ડેટાની સરળતાથી ચોરી થવાની શક્યતાઓ રહેલી છે. તેના કારણે જ લોકો આ મુદ્દે મિશ્ર પ્રતિભાવ આપી રહ્યા છે.