For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આસામ-મિઝોરમ સરહદ વિવાદ લોહિયાળ બની રહ્યો છે

Updated: Jul 28th, 2021

Article Content Image

- સરહદના વિવાદમાં બે રાજ્યોની પોલીસ આમને સામને આવીને એકબીજા પર હુમલા કરે એવો પહેલો બનાવ

- આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા અને મિઝોરમના મુખ્યમંત્રી ઝોરામથાંગા સમગ્ર વિવાદ માટે એકબીજા ઉપર દોષનો ટોપલો ઢોળી રહ્યાં છે અને ગૃહમંત્રી અમિત શાહને દરમિયાનગીરી કરવા માટે વિનંતી કરી રહ્યાં છે પરંતુ મામલો એટલો જટિલ છે કે ઉકેલ મળવો આસાન નથી

બે દેશો વચ્ચે સરહદ વિવાદ હોય એવું જોવા મળે છે પરંતુ દેશના જ બે રાજ્યો વચ્ચે સરહદનો વિવાદ હોય એ વાત જ અજૂગતી લાગે છે પરંતુ દેશના પૂર્વોત્તરમાં આ જ હાલ છે. પૂર્વોત્તરના રાજ્ય આસામને મેઘાલય મિઝોરમ અને નાગાલેન્ડ સાથે વર્ષોથી સરહદી વિવાદ છે અને આ રાજ્યો વચ્ચે અવારનવાર છમકલાં થયા કરતા હોય છે.

પરંતુ આસામ અને મિઝોરમ વચ્ચેના સરહદી વિવાદને લઇને ચાલી રહેલા વિવાદે હિંસક સ્વરૂપ લઇ લીધું છે જેમાં આસામ પોલીસના પાંચ જવાનોના મૃત્યુ નીપજ્યાં છે. હજુ પણ બંને રાજ્યોની સરહદે ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ છે જેના કારણે સીઆરપીએફ તૈનાત કરવાની નોબત આવી છે. 

ગયા વર્ષે પણ આસામ અને મિઝોરમના લોકો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. એક જ અઠવાડિયામાં બે વખત થયેલી હિંસક અથડામણમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતાં અને ઝૂંપડીઓ અને દુકાનોને આગ લગાડવામાં આવી હતી. એ પછી ગયા રવિવારે બંને રાજ્યોના મુખ્યમંત્રી સોશિયલ મીડિયા પર એકબીજા સામે આવી ગયા.

મિઝોરમના મુખ્યમંત્રી ઝોરામથાંગા અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સરહદને લઇને એકબીજા પર આરોપ-પ્રત્યારોપ મૂક્યાં. ભારતના ઇતિહાસમાં કદાચ પહેલી વખત આ રીતે બે પાડોશી રાજ્યોના મુખ્યમંત્રીઓ વચ્ચે વિવાદ થયો. 

અગાઉ શનિવારે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શિલોંગમાં પૂર્વોત્તરના સાત રાજ્યોના મુખ્યમંત્રીઓને મળ્યા હતાં. આ બેઠકમાં આ રાજ્યો વચ્ચે સીમાવિવાદ પણ એક મુદ્દો હતો. 

સમગ્ર વિવાદ માટે મિઝોરમના મુખ્યમંત્રીએ આસામની પોલીસ પર દોષનો ટોપલો ઢોળતા કહ્યું કે આસામ પોલીસના ૨૦૦થી વધારે જવાનોએ કછાર જિલ્લાની સીઆરપીએફ પોસ્ટ ખાતે મિઝોરમ પોલીસ અને સ્થાનિક લોકો પર બળપ્રયોગ કર્યો.

આસામ પોલીસના બળપ્રયોગનો મિઝોરમના લોકોએ વિરોધ કર્યો તો પોલીસે ટિયર ગેસ છોડયા જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા. વાત આટલેથી ન અટકતા આસામ પોલીસે ગ્રેનેડ ફેંક્યાં અને ફાયરિંગ કર્યું. જવાબમાં મિઝોરમ પોલીસે પણ ફાયરિંગ કર્યું જેમાં આસામ પોલીસના પાંચ જવાનોના મૃત્યુ નીપજ્યાં. 

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ દોષનો ટોપલો મિઝોરમ પોલીસ માથે ઢોળતા કહ્યું કે સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઇ જ્યારે મિઝોરમ સરકારે લૈલાપુર જિલ્લો કે જે આસામમાં આવે છે એમાં માર્ગ બનાવવાનું શરૂ કર્યું.

આ અંગે આસામ પોલીસના આઇજી, ડીઆઇજી અને અન્ય અધિકારીઓ મિઝોરમના પોલીસ અધિકારીઓને યથાસ્થિતિ જાળવી રાખવા માટે સમજાવવા માટે ગયાં હતાં. આસામના મુખ્યમંત્રીના દાવા અનુસાર આસામની પોલીસ પર મિઝોરમના લોકોએ પથ્થરમારો કર્યો અને મિઝોરમની પોલીસે તેમનો સાથ આપ્યો.

બંને રાજ્યોના અધિકારીઓ વચ્ચે વાતચીત ચાલી રહી હતી ત્યારે જ મિઝોરમ પોલીસે ગોળીબાર કર્યો જેમાં આસામ પોલીસના પાંચ જવાનોના મૃત્યુ નીપજ્યાં. 

બંને મુખ્યમંત્રીઓના દાવાઓમાં કોની વાતમાં સચ્ચાઇ છે એ તો સમય આવ્યે ખબર પડશે પરંતુ જાણકારોના મતે બે રાજ્યોના સીમાવિવાદમાં બંને રાજ્યોની પોલીસ સામસામે આવીને ફાયરિંગ કરવા લાગે એવું પહેલા કદી નથી બન્યું. 

એમાંયે ગૃહમંત્રી સાથે મુલાકાત યોજાઇ હોય એ પછી પણ વાત આટલી હદે વણસી જાય એ નવાઇની વાત છે. પરિસ્થિતિ શા માટે આટલી સ્ફોટક બની એની તપાસ થવાની જરૂર છે. એટલું જ નહીં, બંને રાજ્યોની પોલીસની કામગીરી કરવાની રીત ઉપર પણ સવાલ થઇ રહ્યાં છે. 

હકીકતમાં આસામ અને મિઝોરમનો સરહદી વિવાદ સો વર્ષ કરતાયે વધારે પુરાણો છે. દેશને આઝાદી મળી ત્યારે આસામ પૂર્વોત્તરનું સૌથી મહત્ત્વનું રાજ્ય હતું અને મિઝોરમ ત્યારે એઝવાલ જિલ્લાના એક ભાગ તરીકે આસામનો જ હિસ્સો હતું.

એ પછી મિઝોરમને પહેલા કેન્દ્રશાસિત પ્રદેશ અને પછી અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. પરંતુ આસામ અને મિઝોરમ વચ્ચે પ્રદેશોની જે વહેંચણી થઇ એના કારણે વિવાદ સર્જાયો.

વિવાદનું મુખ્ય કારણ એ કે સરહદ સંપૂર્ણ જંગલ પ્રદેશમાં આવેલી છે. આસામના કછાર અને હૈલાકાંડી અને કરીમગંજ જિલ્લાઓની સરહદ મિઝોરમના કોલાસિબ, આઇઝોલ અને મામિત જિલ્લાઓની સરહદને અડે છે. આ વિસ્તારો જંગલપ્રદેશ હોવાના કારણે સરહદી વિવાદ સર્જાય છે અને અવારનવાર હિંસક અથડામણ થાય છે. 

આસામ અને મિઝોરમ વચ્ચેની સરહદ ૧૬૫ કિલોમીટર લાંબી છે. બ્રિટીશ યુગમાં મિઝોરમનું નામ લુશાઇ હિલ્સ હતું અને તે આસામનો જ એક જિલ્લો હતું. સમગ્ર વિવાદના મૂળમાં ૧૪૬ વર્ષ જૂનું એક નોટિફિકેશન છે. 

૧૮૭૩ના બંગાળ ઇસ્ટર્ન ફ્રન્ટિયર રેગ્યુલેશન એક્ટ અંતર્ગત વર્ષ ૧૮૭૫માં એક નોટિફિકેશન જારી થયો જે અનુસાર લુશાઇ હિલ્સને કછારના મેદાનથી અલગ પાડવામાં આવ્યું. એ પછી વર્ષ ૧૯૩૩માં બીજું એક નોટિફિકેશન જારી થયું જેમાં લુશાઇ હિલ્સ અને મણિપુર વચ્ચેની સરહદ આંકવામાં આવી.

પરંતુ બંને નોટિફિકેશન સરહદોને જુદી જુદી આંકે છે. મિઝોરમના લોકોનું કહેવું છે કે સરહદોને ૧૮૭૫ના નોટિફિકેશનના આધારે નક્કી કરવી જોઇએ. મિઝોરમના નેતાઓનો તર્ક છે કે ૧૯૩૩નું નોટિફિકેશન માન્ય નથી કારણ કે એના માટે મિઝો સમુદાય સાથે વિચારવિમર્શ કરવામાં નહોતો આવ્યો. 

બીજી બાજુ આસામ સરકાર ૧૯૩૩નું નોટિફિકેશન માન્ય રાખે છે. આમ બંને રાજ્યો જુદાં જુદાં નોટિફિકેશન માન્ય રાખતા હોવાના કારણે વિવાદ થાય છે. મિઝોરમના અધિકારીઓના જણાવ્યા અનુસાર થોડા વર્ષો પહેલા બંને રાજ્યો વચ્ચે સંયુક્ત ક્ષેત્ર એટલે કે નો મેન્સ લેન્ડ પર યથાસ્થિતિ જાળવી રાખવા માટે સમજૂતિ થઇ હતી. પરંતુ આસામના અધિકારીઓ દાવો કરે છે કે જે વિસ્તારને લઇને વિવાદ ચાલી રહ્યો છે એ આસામની સીમામાં છે. 

જાણકારોના મતે સમગ્ર વિવાદ જમીનને લઇને છે. અગાઉ આ વિસ્તાર જંગલોથી ભરપૂર હતો અને નો મેન્સ લેન્ડ કહેવાતો હતો જેમાં માનવવસતી નહોતી પરંતુ હવે ત્યાં વસતી વધી રહી છે જેના કારણે લોકોને મકાન, સ્કૂલ, હોસ્પિટલ  માટે જમીન જોઇએ છે એટલા માટે બંને રાજ્યના લોકો એકબીજા પર જમીનના અતિક્રમણનો આરોપ લગાવે છે.

આસામનો મિઝોરમ ઉપરાંત મેઘાલય, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ સાથે જ આવા જ વિવાદ છે. થોડા દિવસ પહેલા જ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યું હતું કે મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ સાથેના સરહદી વિવાદ ઉકેલાઇ જશે પરંતુ મિઝોરમ સાથેનો સીમાવિવાદ એટલો જટિલ છે કે તેનો ઉકેલ મળવો મુશ્કેલ છે.

આમ તો આસામ અને મિઝોરમ વચ્ચેના વિવાદને ઉકેલવા માટે ૧૯૫૫થી પ્રયાસો થતા રહ્યાં છે પરંતુ જાણકારોના મતે આ પ્રયાસો સાવ ઉપરછલ્લા થયા છે. સરહદી વિવાદ ઉકેલવા માટે બંને પક્ષોની દેખરેખ હેઠળ સર્વે કરવો પડે પરંતુ એ દિશામાં કદી પ્રયાસ નથી થયા.

છેલ્લા થોડા વર્ષથી વિવાદ વધી રહ્યાં છે કારણ કે આ વિસ્તારોમાં લોકોની વસતી વધી રહી છે. જાણકારોનું કહેવું છે કે સરહદી વિવાદના મુદ્દે રાજકારણ થવા લાગ્યું છે જેના કારણે પણ સમસ્યા વધી છે. લોકો રાષ્ટ્રીયતાના ભાવે છોડીને પ્રાદેશિક અસ્મિતાને મહત્ત્વ આપે છે. 

આસામ અને મિઝોરમ વચ્ચેના સરહદી વિવાદના પડઘાં બીજા પ્રદેશોની સીમા ઉપર પણ પડયાં છે. આસામ અને મેઘાલયની સરહદ ઉપર પણ તણાવ વધવા લાગ્યો છે. 

થોડા દિવસ પહેલા જ સરહદી વિસ્તારોમાં મેઘાલયના વીજળી વિભાગે થાંભલા લગાવ્યા પરંતુ આસામની પોલીસે એ હટાવી દીધાં. આસામ અને મેઘાલય વચ્ચેનો સરહદી વિવાદ પણ વર્ષોજૂનો છે જે ખતમ થવાનું નામ નથી લેતો.

વર્ષ ૧૯૭૨માં મેઘાલય રાજ્યની રચના થઇ ત્યારથી વિવાદ ચાલ્યો આવે છે. બંને રાજ્યો વચ્ચે ૧૨ વિસ્તારોની માલિકી અંગે વિવાદ છે. બંને રાજ્યો આ વિસ્તારોમાં એકબીજાની સંમતિ વગર કોઇ વિકાસ યોજના શરૂ નથી કરી શકતા. 

કેટલાંક રાજકીય પંડિતો સમગ્ર વિવાદ પાછળ આગામી સમયમાં આવી રહેલી ચૂંટણીને નિહાળે છે. આસામમાં તો ભાજપની જ સરકાર છે તો મિઝોરમની ઝોરામથાંગા સરકાર પણ એનડીએનો જ હિસ્સો છે. મિઝોરમમાં બે વર્ષ બાદ ચૂંટણી યોજાવાની છે પરંતુ ઝોરામથાંગાની પાર્ટી મિઝો નેશનલ ફ્રન્ટ એનડીએ સાથે રહે એ અંગે સંદેહ છે. એટલા માટે મિઝોરમમાં સત્તા મેળવવા માટે ભાજપ અત્યારથી સક્રિય બન્યો છે.

હાલ તો બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ સોશિયલ મીડિયા પર દલીલબાજી કરી રહ્યાં છે અને ગૃહમંત્રી અમિત શાહને દરમિયાનગીરી કરવા માટે વિનંતી કરી રહ્યાં છે. જોકે આસામ અને મિઝોરમના વર્ષોજૂના સરહદી વિવાદને ઉકેલવો કેન્દ્ર સરકાર માટે પણ સરળ નથી.

Gujarat