- ગ્લોબલ વોર્મિંગના કારણે અમેરિકામાં ક્રિસમસ ટાણે બરફની જગ્યાએ ભારે વરસાદ પડયો અને યુરોપમાં બરફ પડયો જ નહીં
- ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જને પગલે આ વર્ષે અમેરિકા, યુરોપ અને અન્ય પશ્ચિમી દેશોમાં બરફ વર્ષા થઈ નહીં અને વ્હાઈટ ક્રિસમસ જેવું વાતાવરણ મળ્યું નહીં. યુરોપના ઘણા દેશોમાં બરફ પડયો જ નહીં જ્યારે અમેરિકા જ્યાં બરફ પડવાની લોકો આતુરતાથી રાહ જોતા હતા ત્યાં મુશળધાર વરસાદ, પૂર અને વાવાઝોડાએ કેર વર્તાવી દીધો : અમેરિકાના પશ્ચિમી કિનારે ખાસ કરીને કેલિફોર્નિયામાં ક્રિસમસના દિવસે સ્નોફોલ થવાની જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડયો હતો. લોસ એન્જેલસ અને સેન ડિઆગો જેવા શહેરોમાં પણ તોફાની વરસાદ પડયો હતો. વરસાદ એટલો વ્યાપક હતો કે, શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા : સ્વિટ્ઝર્લેન્ડ, ફ્રાન્સ, ઈટાલી અને ઓસ્ટ્રિયામાં ફેલાયેલી આલ્પ્સની પર્વતમાળામાં સામાન્ય રીતે ક્રિસમસ દરમિયાન ખૂબ જ બરફ પડયો હોય છે પણ 2025 સાવ કોરું રહ્યું હતું. સામાન્ય રીતે 2000 મીટરની ઉંચાઈ સુધી બરફ જોવા મળે છે, તેના સ્થાને આ વર્ષે વરસાદ પડયો હતો. તેના પગલે જે પહેલાં બરફ પડયો હતો તે પણ ઓગળી ગયો
ક્રિસમસ એક એવો તહેવાર છે જેમાં મોટાભાગે પશ્ચિમી દેશો, પશ્ચિમી સંસ્કૃતિ અને ત્યાંના લોકોનું એક ચોક્કસ પ્રકારનું પારંપરિક ઉજવણીનું દ્રશ્ય સદીઓથી લોકોમાનસમાં કંડારાયેલું છે. ખાસ કરીને બરફ પડતો હોય અથવા તો પડી ગયો હોય અને ચારે તરફ બરફની નાની ચાદર ફેલાયેલી હોય, પર્વતો, નદી કિનારી, મેદાનોમાં બરફમાં બાળકો રમતા હોય, મોજમજા કરતા હોય. આ એક એવી તસવીર હતી જે ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતી હતી પણ ધીમે ધીમે તેનું અસ્તિત્વ ભુંસાઈ રહ્યું છે. વ્હાઈટ ક્રિસમસ હકિકતે એક ઉત્સવ ગણાતો હતો પણ આ વર્ષે અમેરિકા, યુરોપ અને અન્ય પશ્ચિમી દેશોમાં વ્હાઈટ ક્રિસમસ જેવું વાતાવરણ મળ્યું નહીં. યુરોપના ઘણા દેશોમાં બરફ પડયો જ નહીં જ્યારે અમેરિકા જ્યાં બરફ પડવાની લોકો આતુરતાથી રાહ જોતા હતા ત્યાં મુશળધાર વરસાદ, પૂર અને વાવાઝોડાએ કેર વર્તાવી દીધો.
ઉલ્લેખનીય છે કે, આ વખતે હવામાન ખાતાએ પણ વ્હાઈટ ક્રિસમસ લગભગ નહીં થાય તેવી જાહેરાત કરી જ દીધી હતી. ખાસ કરીને જો યુરોપની અને અમેરિકાની વાત કરીએ તો ચેતવણી હતી કે, વાતાવરણમાં મોટાપાયે પલટો છે. તેમાંય યુરોપમાં તો માત્ર ઉત્તર-પૂર્વી યુરોપમાં જ બરફ પડવાની શક્યતાઓ જોવાઈ હતી. બાકી સમગ્ર યુરોપમાં ક્યાંય ક્રિસમસ કે તેની આસપાસ બરફ પડે તેવું લાગતું નહોતું. જાણકારોના મતે વાતાવરણ ઠંડુ હતું પણ તેના કારણે સુસવાટા મારતા ઠંડા પવન ચાલતા હતા પણ બરફ પડયો નહીં. બીજી તરફ અમેરિકામાં તો તદ્દન વિપરિત સ્થિતિ જોવા મળી હતી. અમેરિકામાં બરફની જગ્યાએ કેલિફોર્નિયા અને અન્ય કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડયો હતો. એકંદરે જોવા જઈએ તો પશ્ચિમી દુનિયામાં ગ્લોબલ વોર્મિંગની મોટી અસર જોવા મળી હતી અને વ્હાઈટ ક્રિસમસની આશા ઉપર પાણી ફરી વળ્યું હતું.
અમેરિકાની જ વાત કરીએ તો ત્યાં એટમોસ્ફિયરિક રિવર અને વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળી હતી. તેના કારણે બરફવર્ષા થઈ જ નહીં. અમેરિકાના પશ્ચિમી કિનારે ખાસ કરીને કેલિફોર્નિયામાં ક્રિસમસના દિવસે સ્નોફોલ થવાની જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડયો હતો. હવામાન ખાતાના જાણાકારો દ્વારા તેને એટમોસ્ફિયરિક રિવર તરીકે પણ ઓળખમાં આવે છે. તેઓ જણાવે છે કે, આકાશમાં ભેજની સ્થિતિ એક વિશાળ નદી જેવી થઈ જાય છે જે ભારે વરસાદ બનીને જમીન ઉપર વરસે છે. કેલિફોર્નિયાને આ એટમોસ્ફિયરિક રિવરે ઘમરોળી કાઢયું હતું.
બીજી તરફ લોસ એન્જેલસ અને સેન ડિઆગો જેવા શહેરોમાં પણ તોફાની વરસાદ પડયો હતો. ડિસેમ્બરમાં પડતા વરસાદના તમામ રેકોર્ડ આ વરસાદે તોડી કાઢયા હતા. વરસાદ એટલો વ્યાપક હતો કે, શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘણા વિસ્તારોમાં લેન્ડ સ્લાઈડનું જોખમ વધી ગયું હતું અને કેટલાક વિસ્તારના લોકોને ઘરબાર છોડીને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. બીજી તરફ પેસેફિક મહાસાગરમાં બોમ્બ સાઈક્લોનની સ્થિતિ ઊભી થઈ હતી. તેના કારણે કિનારાના શહેરો અને વિસ્તારોમાં ચક્રવાતની સ્થિતિ સર્જાઈ હતી. તોફાની પવનને કારણે અનેક જગ્યાએ વીજ પોલ્સ તુડી પડયા હતા અને લોકોને અંધારપટનો ભોગ બનવું પડયું હતું. સરેરાશ જોવા જઈએ તો લોકોએ ક્રિસમસની ઉજવણીના બદલે વાતાવરણના કેરનો સામનો કરવો પડયો હતો.
આ ઉપરાંત ન્યૂયોર્ક અને પૂર્વ કિનારાઓમાં પણ વ્હાઈટ ક્રિસમસની સ્થિતિ આવી નહીં. સામાન્ય રીતે ન્યૂયોર્ક અને પૂર્વના વિસ્તારોમાં ક્રિસમસ આવતા સુધીમાં ફ્રીઝિંગ પોઈન્ટ સુધી તાપમાન જતું રહે છે. આ વર્ષે સ્થિતિ કંઈક જુદી જોવા મળી હતી. ગ્લોબલ વોર્મિંગની અસરને પગલે આ વખતે ડિસેમ્બરનો અંત આવ્યો છતાં અહીંયા પણ બરફ પડયો નહીં. આ વિસ્તારોમાં બરફ પડવાનું તો દૂર રહ્યું પણ સરેરાશ તાપમાન પણ અન્ય વર્ષો કરતા ઉંચું જોવા મળ્યું હતું. ન્યૂયોર્ક શહેરમાં ક્રિસમસના દિવસે બરફનો એક કણ પણ પડયો નહોતો.
બીજી તરફ કેટલાક વિસ્તારોમાં કાળા વાદળા ઉમટી પડયા હતા અને ક્યાંક ક્યાંક સામાન્ય વરસાદ પડયો હતો. જાણકારો માને છે કે, હવે ક્રિસમસ પૂરું થયા પછી આ વિસ્તારોમાં શિયાળો જામશે. વાત એવી છે કે, ક્રિસમસ પૂરી થયા પછી હવે ઢગલાબંધ બરફ પડે તો પણ તેનાથી કોઈ ફેર પડવાનો નથી.
યુરોપની સ્થિતિ પણ આવી જ છે. યુરોપમાં પણ વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. છેલ્લાં ઘણા વખતથી ગ્લોબલ વોર્મિંગની અસર યુરોપના ઘણા દેશોને નડી રહી છે. ખાસ કરીને યુરોપ શિયાળા દરમિયાન તેના પર્યટન માટે સૌથી વધારે જાણીતું છે તેમાં જ મોટો ફટકો પડયો છે. યુરોપમાં ધીમે ધીમે બરફ પડવાનું ઓછું થઈ રહ્યું છે. આ વખતે ક્રિસમસ ઉપર પણ ખાસ કોઈ જગ્યાઓએ બરફ પડયો નથી. સ્કીઈંગ માટે લાખો લોકો યુરોપના વિવિધ હિલ સ્ટેશનો આવે છે તેમને પણ નિરાશા સાંપડી છે.
જાણકારોના મતે આ વખતે વ્હાઈટ ક્રિસમસ નહીં પણ ગ્રીન ક્રિસમસ અને ગ્રીન વિન્ટર જેવી સ્થિતિ આવી ગઈ છે. સ્વિટ્ઝર્લેન્ડ, ફ્રાન્સ, ઈટાલી અને ઓસ્ટ્રિયામાં ફેલાયેલી આલ્પ્સની પર્વતમાળામાં સામાન્ય રીતે ક્રિસમસ દરમિયાન ખૂબ જ બરફ પડયો હોય છે પણ ૨૦૨૫ સાવ કોરું રહ્યું હતું. અહીંયા શિયાળાની વહેલી શરૂઆત થઈ હતી. શરૂઆતમાં બરફ પડયો અને ક્રિસમસ વખતે બરફ પડયો જ નહીં. પર્વતો અને મેદાની વિસ્તારો ખાલી અને હરિયાળા દેખાયા હતા. સામાન્ય રીતે ૨૦૦૦ મીટરની ઉંચાઈ સુધી બરફ જોવા મળ છે, તેના સ્થાને આ વર્ષે વરસાદ પડયો હતો. તેના પગલે જે પહેલાં બરફ પડયો હતો તે પણ ઓગળી ગયો. ફ્રાન્સ અને ઈટાલીના જાણીતા સ્કી રિસોર્ટ પણ બરફના અભાવે બંધ પડયા છે. કેટલાક સ્કી રિસોર્ટ દ્વારા કૃત્રિમ બરફનો આધાર લેવાઈ રહ્યો છે પણ તેનાથી લોકોને ખાસ આકર્ષણ થતું નથી.
હવામાન ખાતાએ માત્ર સ્કેંડિનેવિયા અને ફિનલેન્ડ અને આસપાસના ઉત્તર-પૂવ યુરોપના પ્રદેશોમાં બરફ પડવાની શક્યતા દર્શાવી હતી. અહીંયા મોટાભાગે શિયાળો સ્થિર હોય છે છતાં આ વખતે જોઈએ તેવી અસર જોવા મળી નહીં. મધ્ય યુરોપમાં બરફ પડવાની શક્યતાઓ ઓછી હતી અને મોટાભાગે વાદળીયું વાતાવરણ રહ્યું હતું. પશ્ચિમ અને દક્ષિણ યુરોપમાં ભુમધ્યસાગર તથા સામુદ્રિક જલવાયુને કારણે આ વિસ્તારોમાં પણ બરફવર્ષા થઈ નહીં. સ્થિતિ એવી થઈ ગઈ હતી કે ક્રિસમસની આગલી સાંજે ઘણા યુરોપિયન દેશોમાં વરસાદ પડયો હતો. તે ઉપરાંત તોફાની પવન ફુંકાયા હતા. ક્રિસમસના દિવસે પણ ઘણા વિસ્તારોમાં ઠંડક હતી પણ બરફ પડયો નહીં અને ગાઢ ધુમ્મસ છવાયું હતું. બીજી તરફ યુરોપમાં ઘણા વિસ્તારોમાં ડિસેમ્બરમાં તાપમાન વધારે રહેવા લાગ્યું છે. સ્પેન અને સાઉથ ફ્રાન્સમાં તાપમાન ૨૦ ડિગ્રીની ઉપર જતું રહ્યું છે. જે શિયાળાને ધ્યાનમાં રાખીએ તો ખુબ જ અસાધારણ બાબત છે.
પ્રદુષણ, જંગલો કાપવા, અવિચારી વિકાસકાર્યો અને નિર્માણકાર્યો ગ્લોબલ વોમગ માટે જવાબદાર
જાણકારો માને છે કે, અમેરિકા હોય કે યુરોપના દેશો કે બ્રિટન કે પછી અન્ય પશ્ચિમી દેશો ત્યાં વાતાવરણમાં સતત પલટો આવવાનું કારણ ગ્લોબલ વોર્મિંગ છે. પ્રદુષણને કાણે સ્થિતિ એટલી બધી ખરાબ થઈ રહી છે કે તેના ઉપર કાબુ લાવવો મુશ્કેલ થઈ રહ્યો છે.
સામાન્ય વિજ્ઞાાન કહે છે કે, ઠંડી હવાની સરખામણીએ ગરમ હવા વધારે ભેજ ખેંચી શકે છે. ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વીનું સરેરાશ તાપમાન વધી રહ્યું છે. તેનો અર્થ એ છે કે, જ્યારે વાદળા બંધાય છે ત્યારે તેમાં વધારે પ્રમાણમાં પાણી ભેગું થાય છે. હવે જો તાપમાન પાણીના ઠાર બિંદુથી વધારે હશે તો સ્વાભાવિક છે કે બરફ બનાવાનો જ નથી અને તે પાણી જ રહેશે. તેના કારણે જ બરફ નહીં પણ વરસાદ પડશે. અમેરિકામાં તાજેતરમાં બનેલી ઘટનાઓ તેનું જ ઉદાહરણ છે. આ સિવાય એવું જોવામાં આવ્યું છે કે, આર્કટિક (ઉત્તર ધ્રુવ) જે થોડા સમયથી વધારે ઝડપથી ગરમ થઈ રહ્યો છે અને તેના પગલે જેટ સ્ટ્રીમમાં અસ્થિરતા આવી છે. ઝડપી હવાની એક એવી પટ્ટી જે વાતાવરણ અને સિઝનને કન્ટ્રોલ કરે છે તે નબળી પડી રહી છે. તેમાં અસ્થિરતા આવી રહી છે. તેના કારણે પણ ઋતુઓની પેટર્ન બદલાઈ રહી છે. ઘણી વખત ઋતુઓ એક જ સ્થાને અટકી જાય છે. તેથી જ લાંબો સમય ઉનાળો, શિયાળો કે ચોમાસાની અસર જોવા મળી રહી છે.
વારંવાર વાવાઝોડા અને ચક્રવાત પણ આવે છે. અમેરિકા અને યુરોપના વાતાવરણમાં જે પલટો આવ્યો છે તેની દૂરોગામી અને ગંભીર અસરો પડવાની છે. સૌથી મોટી બાબત તો એ છે કે, આ વખતે યુરોપ અને અમેરિકામાં શિયાળામાં પર્યટન ઉદ્યોગને અબજો ડોલરનો ફટકો પડવાનો છે.
બરફ નહીં હોવાના કારણે પ્રવાસીઓની સંખ્યા ઘટી જશે. તેનાથી આગળ વાત કરીએ તો પહાડો ઉપર જમા થતો બરફ ખરેખર તો ઉનાળા માટે વોટર બેન્ક તરીકેનું કામ કરે છે. વસંત ઋતુમાં જ્યારે આ બરફ ઓગળવાની શરૂઆત થાય છે ત્યારે નદીઓમાં પાણી આવે. હવે આ વખતે શિયાળો અડધો થઈ ગયો છતાં બરફ જ પડયો નથી. બરફ પડયો જ નથી તો ભેગો ક્યાંથી થશે અને ઉનાળામાં પાણી ક્યાંથી મળશે.
તેના કારણે આગામી ઉનાળામાં પણ ચોખ્ખા પાણીની તંગી ઊભી થવાની પૂરતી શક્યતાઓ રહેલી છે. જાણકારો માને છે કે, વ્હાઈટ ક્રિસમસ ન હોવી તે કુદરતનો વધુ એક સંકેત છે. હાલમાં એક્સ્ટ્રીમ વેધવ મોટાભાગે ન્યૂ નોર્મલ થઈ રહ્યું છે અને ક્લાઈમેટ ચેન્જનું આનાથી વધારે ગંભીર પરિણામ કોઈ ન હોઈ શકે.


