દેશમાં અચાનક માનવસર્જિત કુદરતી આપત્તિઓ વધી ગઈ
- કુદરતી સ્ત્રોતનો વ્યય, જંગલોની બેફામ કાપણી, નદીઓના કિનારે અતિક્રમણ અને પ્રદુષણ બૂમરેંગ થઈ રહ્યા છે
- માનવસર્જિત પ્રવૃત્તિઓને પગલે વધતા પ્રદુષણ, અતિક્રમણ અને અન્ય કામગીરીને કારણે ગ્લોબલ વોર્મિંગ વકરી રહ્યું છે. તેના પગલે ક્લાઈમેટ ચેન્જની ભયાનક અસરો જોવા મળી રહી છે : સમુદ્રના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, તો ક્યાંક ચોમાસાની પેટર્ન બદલાઈ રહી છે, ક્યાંક અતિવૃષ્ટિ થઈ રહી છે તો ક્યાંક દુકાળ પડી રહ્યો છે. ઘણી જગ્યાઓએ સામાન્ય વરસાદમાં લેન્ડ સ્લાઈડ થઈ રહી છે તો ક્યાંક અતિશય ગરમી પડી રહી છે : તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો થાય તેની સાથે હવામાં ભેજનું પ્રમાણ 7 ટકા જેટલું વધી જાય છે. વધતું ભેજનું પ્રમાણ મોટા અને ભારે વાદળોનું સર્જન કરે છે જેના પગલે વાદળ ફાટવાની કે પછી ભારે વરસાદ આવવાની ઘટનાઓ વધતી જાય છે : પહેલાં એવી સ્થિતિ હતી કે, ચોમાસા દરમિયાન દરરોજ થોડો થોડો વરસાદ થતો હતો પણ હવે સ્થિતિ જુદી છે. હવે ચોમાસાનો વરસાદ થોડા જ દિવસોમાં વરસી જાય છે. હવે દિવસો ઓછા અને વરસાદ વધી ગયો છે
ભારતના તમામ રાજ્યોમાં અને જિલ્લાઓમાં કુદરતી આપત્તીઓનું પ્રમાણ વધવા લાગ્યું છે. ખાસ કરીને ચોમાસામાં લોકોને ભયાનક સ્થિતિનો વારંવાર સામનો કરવાનું આવ્યું છે. ગમે ત્યારે ગમે તે સ્થળે અચાનક ધોધમાર વરસાદ વરસી જાય છે અને તેના કારણે એકાએક પૂર આવી જાય છે અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણી જગ્યાએ તો પૂર વિનાશ વેરી જાય છે અને લોકો લાચાર બની જાય છે. પર્વતિય વિસ્તારોમાં તો નદીઓમાં પૂર આવી જાય છે તો ક્યારેક વાદળ ફાટી જાય છે તો ક્યારેક લેન્ડસ્લાઈડ થઈ જાય છે. આ ત્રણ પ્રકારની આપત્તીઓ આવીને બધું જ ઘમરોળી કાઢે છે અને લોકો લાચાર બનીને જોતા રહે છે. કશ્મીરમાં તાજેતરમાં જે ભુસ્ખલન થયું તેમાં ૬૦ લોકોનાં મોત થયા અને ૨૦૦થી વધુ લોકો લાપતા થઈ ગયા છે. આ ઉપરાંત આ મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમચાલમાં સમયાંતરે વાદળ ફાટવાની ઘટનાઓ બનતી રહી છે. તેના કારણે લોકોના જીવ જવાની સાથે સાથે જાનમાલને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. આચાનક આવતી આપત્તી હવે કુદરતી રહેવા કરતા માનવસર્જીત થઈ ગઈ હોય તેમ જાણકારોમાં વધારે ચર્ચાઈ રહ્યું છે. તાજેતરની જ વાત કરીએ તો મંગળવારે જમ્મુ-કાશ્મીરમાં ધોધમાર વરસાદ અને પૂરના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. જમ્મુમાં પડેલા ભારે વરસાદ અને ભયાનક પૂરના કારણે વૈષ્ણોદેવી ધામ પાસે વ્યાપક નુકસાન થયું હતું. માતાના ધામ પાસે અર્ધકુંવારી ખાતે એક મોટો શેડ અને પગથિયાં નીચેની જમીન ધસી ગઈ. આ લેન્ડસ્લાઈડમાં વ્યાપક નુકસાન ગયું હતું. તે ઉપરાંત શેડ નીચે વરસાદથી બચવા ઉભેલા લોકો પણ તેનો ભોગ બન્યા હતા. આ લેન્ડ સ્લાઈડમાં પાંચ લોકોનાં મોત થયા હતા તો ૧૪ લોકોને ઈજા થઈ હતી. આ ઉપરાંત જમ્મુમાં જ અન્ય સ્થળે ભારે વરસાદને કારણે મકાન પડી જતા અને નદીના પાણી મકાનો તાણી જતાં અન્ય ચાર લોકોનાં મોત થયા હતા. વૈષ્ણોદેવી જતી ૧૮ ટ્રેનો રદ કરવામાં આવી છે જ્યારે ૭ ટ્રેનોનો અધવચ્ચે જ રોકી દેવામાં આવી છે. હાલમાં માતા વૈષ્ણોદેવીની યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે.
જાણકારો માને છે કે, દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ અને ફ્લેશ ફ્લડની સ્થિતિ વધતી જાય છે. તેમાંય પર્વતીય પ્રદેશોમાં તેનું પ્રમાણ છેલ્લાં કેટલાક વર્ષોમાં વધી ગયું છે. અચાનક જ ભારે વરસાદ થાય છે અથવા તો વાદળ ફાટે છે અને મુશળધાર પાણી વહીને આવે છે, નદીઓ છલકાઈ જાય છે અને કિનારાના ગામો અને શહેરોને વ્યાપક નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત ભુસ્ખલનની ઘટનાઓ પણ સતત અને સખત રીતે વધી રહી છે જેના કારણે પણ ખૂબ જ નુકસાન અને જાનહાની થઈ રહી છે. વૈજ્ઞાાનિકોનું સ્પષ્ટ માનવું છે કે, ગ્લોબલ વોર્મિંગના કારણે ક્લાઈમેટ ચેન્જની સ્થિતિ એટલી બધી વણસી રહી છે કે, તેનો અંદાજ માંડવો મુશ્કેલ બની રહ્યો છે. મેદાની વિસ્તારોમાં પૂર અને પર્વતીય વિસ્તારોમાં ક્લાઉડ બર્સ્ટ તથા લેન્ડ સ્લાઈડની ઘટનાઓ સતત વધી રહી છે. જાણકારો માને છે કે, આ ઘટનાઓ હવે માત્ર કુદરતી જ છે તેવું કહી શકાય નહીં. માનવસર્જિત પ્રવૃત્તિઓને પગલે વધતા પ્રદુષણ, અતિક્રમણ અને અન્ય કામગીરીને કારણે ગ્લોબલ વોર્મિંગ વકરી રહ્યું છે. તેના પગલે ક્લાઈમેટ ચેન્જની ભયાનક અસરો જોવા મળી રહી છે. સમુદ્રના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, તો ક્યાંક મોનસુનની પેટર્ન બદલાઈ રહી છે, ક્યાંક અતિવૃષ્ટિ થઈ રહી છે તો ક્યાંક દુકાળ પડી રહ્યો છે. ઘણી જગ્યાઓએ સામાન્ય વરસાદમાં લેન્ડ સ્લાઈડ થઈ રહી છે તો ક્યાંક અતિશય ગરમી પડી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક બરફ પડી રહ્યો છે. આ તમામ બાબતોને કારણે માણસે કરેલા તેને જ ભોગવવાના આવી રહ્યા છે.
કુદરતી આપત્તીઓમાં જે વધારો થઈ રહ્યો છે તેમાં એક કારણ હવામાન અને સિઝનમાં થઈ રહેલો ફેરફાર છે. તેના મુખ્ય કારકો પણ એટલા જ જવાબદાર છે. સંશોધકોના મતે બંગાળની ખાડી અને અરબ સાગરમાં સર્જાતા રહેલા દબાણના વિસ્તારો અને ડિપ્રેશન સિસ્ટમ સામાન્ય રીતે સમુદ્ર અને મહાસાગરોમાંથી ભેજ ખેંચીને વરસાદ લાવે છે. નૈઋત્યના પવનોની વાત કરીએ તો નૈઋત્યનું ચોમાસું તેની વાસ્તવિક સિઝન દરમિયાન ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશના કેટલાક ભાગમાં હિંદ મહાસાગર અને અરબ સાગરમાંથી આવતા ભેજવાળા પવનોને કારણે સક્રિય થતું હોય છે. હવે આ હવાની પેટર્ન બદલાવા લાગી છે અને ગમે ત્યારે વરસાદ અને ગમે ત્યારે દુકાળની સ્થિતિ થવા લાગી છે. ઘણી વખત અઠવાડિયાઓ સુધી વરસાદ પડયા કરે છે તો ક્યારેક મહિનો આખો પૂરો થવા સુધી ગરમી પડવા લાગે છે.
બીજી તે બાબત છે તે પર્વતીય વિસ્તારોની અસરની છે. વાદળ ફાટવાની અને ભુસ્ખલનની મોટાભાગની ઘટનાઓ પર્વતીય વિસ્તારોમાં જ થતી હોય છે. ભેજવાળા ગરમ પવનો જ્યારે પર્વતો સાથે ટકરાય છે ત્યારે તે ઉપર ચડવા લાગે છે. ઉપર ઠંડી હવા સાથે આ નીચેથી આવતી ગરમ હવાનું મિલન થાય છે અને પર્વતો ઉપર મોટા વાદળા રચાય છે. ઘણી વખત એવું થાય છે કે, વાદળમાં પાણીનો ભાર વધી જાય છે અને પવન તેને આગળ ગતી કરાવી શકતો નથી. આ સંજોગોમાં તે પવર્તના કોઈ એક વિસ્તાર સાથે ટકરાઈને કે કુદરતી રીતે જ વરસી જાય છે. તેને ક્લાઉડ બર્સ્ટ પણ કહેવામાં આવે છે. હવામાન ખાતાના જાણકારોના મતે જ્યારે વાદળ ફાટે છે ત્યારે કલાકમાં ૪ ઈંચની ઝડપે વરસાદ પડે છે. હિમલાય, કારાકોરમ અને હિંદુકુષ પર્વતમાળાઓની પોતાની ધારદાર ટેકરીઓ, ઉંચા શિખરો, નીચેના ભાગ નબળી પડી રહેલી જમીન, અવ્યવસ્થિત ઢોળાવોના કારણે તોફાની વરસાદમાં વિનાશકારી ઘટનાઓ વધતી જાય છે. વરસાદ પડવાની અને તેની અસરની સ્થિતિ પણ એકાએક બદલાઈ જાય છે.
આંધળું શહેરીકરણ અને અતિક્રમણ માણસને હવે મોટાપાયે નડી રહ્યા છે
સંશોધકો માને છે કે, માણસો જે કરી રહ્યા છે તેનું જ પરિણામ તેમને ભોગવવાનું આવી રહ્યું છે. વિકાસના નામે શહેરીકરણ પાછળ જે આંધળી દોટ મુકવામાં આવી છે તેના કારણે કોંક્રિટના જંગલો વધી રહ્યા છે.
ખેતરો, જમીન, જંગલ, માટી અને વૃક્ષોના સ્થાને કોંક્રિટના મકાનો, ટાવરો, દીવાલો, ઈમારતો જ જોવા મળે છે. તેના કારણે જમીન નબળી પડી રહી છે, તે પૂરતા પ્રમાણમાં પાણી શોષી શકતી નથી. બીજી તરફ ડ્રેનેજ સિસ્ટમ અને નાળાઓની સ્થિતિ એટલી ખરાબ છે કે, સામાન્યથી થોડા વધુ વરસાદમાં શહેરોમાં પાણી ભરાઈ જાય છે. આ પ્રમાણ પણ છેલ્લાં એક દાયકામાં અનેકગણું વધી ગયું છે. શહેરો વિસ્તરતા જાય છે અને આયોજન થતા નથી તેના પગલે જમીનને તો નુકસાન થાય જ છે પણ સાથે સાથે માનવવસાહતોને પણ વ્યાપક નુકસાન થાય છે. વિકાસના આંધળુકિયામાં જંગલોનું અને વૃક્ષોનું જે રીતે નિકંદન કાઢવામાં આવ્યું છે તેણે જમીન પોચી કરી નાખી છે. તેના પગલે પહાડી વિસ્તારોમાં ભુસ્ખલનનું જોખમ વધી ગયું છે. વૃક્ષો કપાતા જમીન પોચી પડે છે અને તેમાંય ભારે વરસાદથી પૂર આવે એટલે આ ઢીલી પડેલી અને નબળી પડેલી જમીન ધસવા લાગે છે. પર્વતીય વિસ્તારોમાં જંગલો કાપવાથી વાદળ ફાટવાની ઘટનાઓ વધી છે તો શહેરી અને મેદાની વિસ્તારોમાં અનાવૃષ્ટીની સમસ્યા વધવા લાગી છે. અહીંયા ગરમી વધારે પડી રહી છે. આ ઉપરાંત નદીઓને પણ લોકોએ છોડી નથી.
નદીઓના પટ બદલી કાઢયા છે અને તેના પ્રવાહ સાથે ચેડાં કરીને વિકાસ હાથ ધર્યો છે. નદીઓના કિનારે વિશાળ ઈમારતો બનાવાઈ રહી છે. મોટાભાગે ગેરકાયદો રીતે થતું આ કામ નદીઓને વધારે નુકસાન કરે છે અને ચોમાસામાં તેમાં એકાએક પૂર આવતા શહેરોમાં પણ વિનાશ વેરાય છે. પર્વતીય વિસ્તારોમાં અને મેદાનોમાં ઘણી વસતી નદી કિનારે રહેતી હોય છે જેને જાનમાલથી હાથ ધોવાનો વારો આવે છે. જાણકારોના મતે એકંદરે માણસો દ્વારા કરાતી કામગીરી જ હવે તેમના માટે વિનાશનું કારણ બની રહી છે.
હવામાન મુદ્દે ગ્લોબલ વોર્મિંગે સ્થિતિ વધારે વિકટ કરી નાખી છે
સંશોધકો સ્પષ્ટપણે માને છે કે, માણસો દ્વારા છેલ્લી એક સદીમાં જે કામગીરી કરવામાં આવી તેના પગલે વાતાવરણની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે. લોકો દ્વારા વિવિધ રીતે ફેલાવવામાં આવેલું પ્રદુષણ હવે લોકો માટે જ જીવલણે બની રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગની સ્થિતિ એટલી વકરવા માંડી છે કે, સમુદ્રની સપાટીનું તાપમાન વધવા લાગ્યું છે અને તેના કારણે પવનોમાં ભેજનું પ્રમાણ વધવા લાગ્યું છે. સંશોધકો માને છે કે, તાપમાનમાં ૧ ડિગ્રીનો વધારો થાય તેની સાથે હવામાં ભેજનું પ્રમાણ ૭ ટકા જેટલું વધી જાય છે. આ રીતે હવામાં વધતું ભેજનું પ્રમાણ મોટા અને ભારે વાદળોનું સર્જન કરે છે જેના પગલે વાદળ ફાટવાની કે પછી ભારે વરસાદ આવવાની ઘટનાઓ વધતી જાય છે.
હિમાયલની વિશાળ પર્વતમાળાઓમાં હજારો ગ્લેશિયર છે જે દુનિયાના અન્ય ગ્લેશિયર્સની જેમ વધતા જતા તપામાનને કારણે ઝડપથી પીગળી રહ્યા છે અને પોતાનો કુદરતી આકાર ગુમાવી રહ્યા છે. બરફ પીગળવાના કારણે હિમનદીઓનો પ્રવાહ વધી જાય છે અને તે પર્વતોમાં બનેલા કુદરતી તળાવ અને સરોવરોની સપાટી વધારીને તેને અસ્થિર અને નબળા બનાવી દે છે. તેના પગલે જ ભારે વરસાદ અથવા ભુસ્ખલનમાં આ સરોવરની સપાટીઓ તૂટી જાય છે અને ભયાનક પૂર આવે છે. આ ઉપરાંત ગ્લોબલ વોર્મિંગ એક અસર એવી પણ થઈ છે કે, ચોમાસાની પેટર્ન બદલાઈ ગઈ છે. પહેલાં એવી સ્થિતિ હતી કે, ચોમાસા દરમિયાન દરરોજ થોડો થોડો વરસાદ થતો હતો પણ હવે સ્થિતિ જુદી છે. હવે ચોમાસાનો વરસાદ થોડા જ દિવસોમાં વરસી જાય છે. હવે દિવસો ઓછા અને વરસાદ વધી ગયો છે. તેના કારણે જ અચાનક ભારે વરસાદ અનેક વિસ્તારોમાં પૂર અને જળપ્રલય લઈને આવે છે. છેલ્લાં એક દાયકાની વાત કરીએ તો ભારતમાં આવી ઘટનાઓમાં અંદાજે ત્રણ ગણો વધારો થઈ ગયો છે.