Get The App

ભારતમાં ભૂગર્ભજળના દોહનથી પૃથ્વી ધરી પર નમી જવાની શક્યતા

Updated: Apr 28th, 2026

GS TEAM

Google News
Google News
ભારતમાં ભૂગર્ભજળના દોહનથી પૃથ્વી ધરી પર નમી જવાની શક્યતા 1 - image

- પૃથ્વી ઉપર દર વર્ષે જેટલું ભૂગર્ભજળ ખેંચવામાં આવે છે તેમાંથી ૨૫ ટકા કરતા વધારે પાણી ભારતમાં ખેંચાય છે

- 1993થી 2010 વચ્ચે જે સ્તરે ભૂગર્ભજળ ખેંચવામાં આવ્યું હતું તેના પગલે પૃથ્વીના ઉત્તર ધ્રુવની દિશામાં ફેરફાર આવ્યો હતો. જાણકારોના મતે આ 17 વર્ષમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીન દ્વારા અંદાજે ૫૪ ટ્રિલિયન લીટર પાણી ભૂગર્ભમાંથી ખેંચવામાં આવ્યું હતું. તેના કારણે પૃથ્વીની ધરી અંદાજે 78 સે.મી. પૂર્વ તરફ ખસી ગઈ છે : ભારત દ્વારા દર વર્ષે 250 થી 260 ક્યૂબિક કિલોમીટર જેટલું ભૂગર્ભજળ ખેંચવામાં આવે છે જે ચીન અને અમેરિકાના સંયુક્ત ઉપયોગ કરતા વધારે છે. જે ભૂગર્ભજળ ખેંચવામાં આવે છે તેમાંથી 90 ટકા પાણી તો ખેતીમાં સિંચાઈ તરીકે કામમાં લેવામાં આવે છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં સૌથી વધારે ભૂગર્ભજળ ખેંચવામાં અને વાપરવામાં આવે છે. આ સિવાય દિલ્હી, બેંગ્લુરૂ, હૈદરાબાદ જેવા શહેરોમાં ભૂગર્ભજળનું સ્તર ઝડપથી ઓછું થઈ રહ્યું છે : હવે જો પૃથ્વી થોડી વધારે નમી જશે તો ઋતુચક્રમાં મોટો ફેરફાર આવશે. ધ્રુવ પ્રદેશો ઉપર સૂર્યની ગરમી વધારે પડશે અને બરફ ઝડપથી ઓગળવા લાગશે. ભારત અને ખાસ કરીને એશિયાના દેશોમાં ઋતુચક્રમાં મોટો ફેરફાર આવશે. તેના કારણે ક્યાંક દુષ્કાળ પડશે તો ક્યાંક અતિશય વરસાદ પડવાની પણ સ્થિતિ ઊભી થશે 

દેશમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. તેના કારણે તળાવો અને નદીઓ સુકાવા લાગ્યા છે. આગામી મહિનામાં તો સ્થિતિ વધારે કફોડી થઈ શકે તેમ છે. આ સમયે એક એવો અહેવાલ સામે આવ્યો છે જેણે સમગ્ર વિશ્વમાં ચિંતા જન્માવી છે. ભારતમાં પાણીના સ્ત્રોત માટે ભૂગર્ભજળનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ભારતમાં જે પ્રમાણમાં ભૂગર્ભજળ ખેંચવામાં આવે છે તેટલું તો વિશ્વમાં કોઈપણ દેશ દ્વારા થઈ રહ્યું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારતમાં જે સ્તરે ભૂગર્ભજળનું દોહન કરવામાં આવ્યું છે તેના કારણે પૃથ્વી પોતાની ધરી ઉપર નમી રહી છે. તેના કારણે તેનું સંતુલન ખરાબ થઈ રહ્યું છે. માત્ર પૃથ્વી ત્રાંસી થવાનો જ નહીં પણ વધારે પડતા ભૂગર્ભજળના ઉપયોગને પગલે ભવિષ્યમાં પાણીની મોટાપાયે તંગી સર્જાવાનો ભય રહેલો છે.

જાણકારો માને છે કે, ભારતમાં જરૂર કરતા અતિશય વધારે પ્રમાણમાં ભૂગર્ભજળનું દોહન કરવામાં આવી રહ્યું છે. દુનિયામાં જેટલું ભૂગર્ભજળ ખેંચવામાં આવે છે તેમાંથી ૨૫ ટકા કરતા વધારે પાણી માત્ર ભારતમાં ખેંચવામાં આવે છે. તેના કારણે જ પૃથ્વી પોતાની ધરી ઉપરથી ખસી જવાનો અને નમી જવાનો ભય સર્જાયો છે. તે ધીમે ધીમે અસંતુલિત થઈ રહી છે. જો આ જ રીતે પાણી ખેંચવાનું કામ ચાલતું રહ્યું તો ભવિષ્યમાં ઘણી મોટી સમસ્યા સર્જાઈ શકે છે. જાણકારો માને છે કે, ચીન અને અમેરિકા જેવા દેશોમાં પણ ભારતની સરખામણીએ ઓછા પ્રમાણમાં ભૂગર્ભજળ ખેંચવામાં આવે છે અને તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સંજોગોમાં ભવિષ્યમાં મોટું સંકટ આવી શકે તેવા એંધાણ છે. તેનાથી સમગ્ર માનવજાતને સમસ્યા થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, જ્યારે જમીનની અંદરથી પાણી ખેંચવામાં આવે છે ત્યારે જમીનની અંદર રહેલું પ્રવાહીનું સંતુલન બગડે છે. પૃથ્વી ત્યારબાદ કોઈપણ રીતે આ પાણીને ફરીથી ત્યાં સુધી પહોંચાડીને સ્થિતિ સમતલ કરવાનો પ્રયાસ કરે છે. બીજી ગંભીર બાબત એવી છે કે, જમીનમાંથી જે પાણી ખેંચવામાં આવે છે તે કોઈપણ રીતે સમુદ્ર સુધી તો પહોંચી જ જાય છે અને તેના કારણે પૃથ્વી ઉપર રહેલું પ્રવાહીનું સંતુલન ફરીથી ડામડોળ થઈ જાય છે. પૃથ્વી એક ગોળા જેવી છે. તેની અંદર રહેલા પ્રવાહીનું વિતરણ બદલાતું રહે છે અને તેના કારણે તેના પરિભ્રમણની સ્થિતિ, તેના અક્ષ પણ ફરતા રહે છે અને ખસતા રહે છે. તેને પોલર મોશન કહેવામાં આવે છે.

ચિંતાજનક વાત એ છે કે, દુનિયામાં સૌથી વધારે ભૂગર્ભજળનો ઉપયોગ ભારત દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ ચીન અને અમેરિકા ભૂગર્ભજળ ખેંચવામાં બીજા ક્રમે આવે છે. ત્રણ મોટા દેશો દ્વારા અતિશય રીતે પાણી ખેંચવામાં આવતા પૃથ્વી ઉપર આ જોખમ સર્જાયું છે. પૃથ્વીનું સંતુલન સતત ખરાબ થઈ રહ્યું છે. નાસા અને અન્ય સંસ્થાઓ તથા એજન્સીઓના જણાવ્યા પ્રમાણે ૧૯૯૩થી ૨૦૧૦ વચ્ચે જે સ્તરે ભૂગર્ભજળ ખેંચવામાં આવ્યું હતું તેના પગલે પૃથ્વીના ઉત્તર ધરુવનની દિશામાં ફેરફાર આવ્યો હતો. જાણકારોના મતે આ ૧૭ વર્ષમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીન દ્વારા અંદાજે ૫૪ ટ્રિલિયન લીટર પાણી ભૂગર્ભમાંથી ખેંચવામાં આવ્યું હતું. તેના કારણે પૃથ્વીની ધરી અંદાજે ૭૮ સે.મી. પૂર્વ તરફ ખસી ગઈ છે. બીજી ચિંતાજનક બાબત એવી છે કે, અહેવાલોના મતે ભારત દ્વારા સૌથી વધારે ભૂગર્ભજળ ખેંચવામાં આવે છે. દુનિયાભરમાં દર વર્ષે જેટલું ભુગર્ભજળ ખેંચવામાં આવે છે તેમાંથી ૨૫ ટકા કરતા વધારે પાણી તો ભારત દ્વારા ખેંચવામાં આવે છે. દુનિયાના અન્ય તમામ દેશોની સરખામણીએ આ સૌથી વધારે છે. ભારત દ્વારા દર વર્ષે ૨૫૦ થી ૨૬૦ ક્યૂબિક કિલોમીટર જેટલું ભૂગર્ભજળ ખેંચવામાં આવે છે જે ચીન અને અમેરિકાના સંયુક્ત ઉપયોગ કરતા વધારે છે. ભૂગર્ભજળનો ઉપયોગ કરનારા ટોચના દુનિયાના દસ દેશોમાં ભારત પહેલા ક્રમે આવે છે. ત્યારબાદ ચીન ૧૧૨ ક્યૂબિક કિલોમીટર સાથે બીજા ક્રમે અને અમેરિકા ૧૧૧ ક્યૂબિક કિલોમીટર દ્વારા ત્રીજા ક્રમે આવે છે.

તાજેતરમાં સંસદમાં જ આ અંગે અહેવાલ રજૂ કરીને ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી. અહેવાલમાં જણાવાયું હતું કે, ભારતમાં જમીનમાંથી વધારે પાણી ખેંચવાનું સૌથી મોટું કારણ ખેતી છે. જે ભૂગર્ભજળ ખેંચવામાં આવે છે તેમાંથી ૯૦ ટકા પાણી તો ખેતીમાં સિંચાઈ તરીકે કામમાં લેવામાં આવે છે. અનાજ, શેરડી, ઘઉં જેવા પાકને વધારે પાણીની જરૂર પડતી હોય છે. ભારતમાં હજી પણ ખેતી માટે સિંચાઈની વ્યવસ્થાનો અભાવ છે. અનેક અંતરિયાળ ગામડામાં પાણીની વ્યવસ્થા પહોંચી નથી ત્યાં આ રીતે બોર દ્વારા અને ટયૂબવેલ દ્વારા પાણી ખેંચવામાં આવે છે. આ સિવાય ખેડૂતોને મફત અને સસ્તી વીજળી મળતી હોવાથી તેઓ ટયૂબવેલ વધારે પ્રમાણમાં ચલાવીને પાણી ખેંચે છે. તેના કારણે જ પાણીની જરૂર કરતા વધારે પાણી ખેંચાઈ જાય છે.

ભારતમાં જ નજર કરવામાં આવે તો પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં સૌથી વધારે ભૂગર્ભજળ ખેંચવામાં અને વાપરવામાં આવે છે. આ સિવાય દિલ્હી, બેંગ્લુરૂ, હૈદરાબાદ જેવા શહેરોમાં ભૂગર્ભજળનું સ્તર ઝડપથી ઓછું થઈ રહ્યું છે. પંજાબ અને હરિયાણામાં પણ ભૂગર્ભજળના અતિશય ઉપયોગના કારણે પાણીના સ્તરમાં પ્રતિવર્ષ ૦.૫-૧ મીટર જેટલો ઘટાડો થઈ રહ્યો છે. ૨૧ જેટલા શહેરોમાં આગામી વર્ષમાં પાણીનું સ્તર અતિશય નીચે જવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

ખાસ વાત એવી છે કે, દેશમાં પંજાબ અને હરિયાણામાં સૌથી વધારે ભૂગર્ભજળનો ઉપયોગ થાય છે. અહીંયા અનાજ અને તેને સંલગ્ન પાક લેવાના હોવાથી પાણીનો અતિશય ઉપયોગ થાય છે. તેના કારણે તેઓ મોટાભાગે ભૂગર્ભજળ ઉપર જ આધાર રાખે છે. ૧૯૬૦ના દાયકામાં શરૂ થયેલી હરિતક્રાંતિને પગલે પંજાબ અને હરિયાણામાં ઘઉં અને ચોખા જેવા પાક સૌથી વધુ પ્રમાણમાં લેવાય છે. અહીંયા પાણીની જરૂર વધારે પડે છે, તે ઉપરાંત વીજળી મફત અથવા સસ્તા ભાવે મળે છે. તેના કારણે ખેડૂતો દ્વારા સિંચાઈ માટે સતત ભૂગર્ભજળનો ઉપયોગ કરવામાં આવ છે. ઘઉં, મકાઈ અને અન્ય અનાજ એવા પાક છે જેમાં પાણીનું પ્રમાણ વધારે જોઈએ છે અને તેના કારણે તેઓ સતત પાણીનો ઉપયોગ કરતા રહે છે અને જળસ્તર ઘટતું રહે છે. આ વિસ્તારોમાં જરૂર કરતા અતિશય ઓછી માત્રામાં જળસ્તર આવી ગયું છે. જાણકારો માને છે કે, આપણે ત્યાં પાણીનો જે પૂરવઠો પૂરો પાડવામાં આવે છે તેના વ્યવસ્થાપનમાં સૌથી મોટી ખામી રહેલી છે. 

આપણી પાસે પાણી ભેગું કરવાની, તેનો યોગ્ય ઉપયોગ કરવાની વ્યવસ્થા અયોગ્ય છે. આ ઉપરાંત ભૂગર્ભજળ રિચાર્જ થાય તેવા કુવા પણ બનાવવામાં આવતા નથી.  આ સિવાય જે પાણી ભૂગર્ભજળ સ્વરૂપે ખેંચવામાં આવે છે તેનો પણ યોગ્ય ઉપયોગ થતો નથી. બીજી તરફ પાણીના સતત દોહનને કારણે હવે જમીન ધસી પડવાનું જોખમ વધવા લાગ્યું છે. દિલ્હી, કોલકાતા અને મુંબઈ જેવા શહેરોમાં જમીન ધસવાના કિસ્સા વારંવાર બની રહ્યા છે. બીજી તરફ યમુના અને ગોદાવરી જેવી નદીઓના પટ પણ નાના થઈ રહ્યા છે. આ સિવાય ઘણી નાની નદીઓ તો સાવ સુકાવાની સ્થિતિમાં આવી ગઈ છે. 

પૃથ્વીની ધરીમાં ફેરફાર થયો તો ઋતુચક્રમાં મોટો ફેરફાર આવશે 

જાણકારો માને છે કે, પૃથ્વી ઉપર પાણીના અસંતુલનના કારણે તેની ધરી સતત ખસી રહી છે. તેમાં જો મોટો ફેરફાર થયો તો પૃથ્વી ઉપર ભયાનક કુદરતી આપત્તીઓ આવશે. સમગ્ર માનવ સંસ્કૃતિ ઉપર તેની અશર જોવા મળશે. જે કુદરતી આપત્તી આવશે અને પરિવર્તન થશે તે ભયાનક પરિણામ લાવનારા હશે. હાલમાં પૃથ્વીની ધરી ૨૩.૫ ડિગ્રીએ નમેલી છે. તેના કારણે આબોહવા અને ઋતુચક્ર કાબુમાં છે. ગ્લોબલ વોર્મિંગને પગલે તેમાં ફેરફાર આવ્યા છે છતાં પૃથ્વીએ પોતાની કુદરતી ગતિ અને ક્રમ જાળવી રાખ્યા છે. હવે જો પૃથ્વી થોડી વધારે નમી જશે તો ઋતુચક્રમાં મોટો ફેરફાર આવશે. ધ્રુવ પ્રદેશો ઉપર સૂર્યની ગરમી વધારે પડશે અને બરફ ઝડપથી ઓગળવા લાગશે. ભારત અને ખાસ કરીને એશિયાના દેશોમાં ઋતુચક્રમાં મોટો ફેરફાર આવશે. તેના કારણે ક્યાંક દુષ્કાળ પડશે તો ક્યાંક અતિશય વરસાદ પડવાની પણ સ્થિતિ ઊભી થશે. ધ્રુવ પ્રદેશમાં તાપમાન વધશે તો ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકા જેવા પ્રદેશોનો બરફ ઝડપથી ઓગળવા લાગશે. સમુદ્રના સ્તરમાં વધારો થવા લાગશે. મુંબઈ, કોલકાતા, બાંગ્લાદેશના કિનારાના શહેરો ડૂબી જાય તેવી પણ સ્થિતિ આવી શકે છે. એટલાન્ટિકમાં ગલ્ફ સ્ટ્રીમ જેવા પ્રવાહ અસર કરશે જેના કારણે યૂરોપમાં ગમે ત્યારે તાપમાન અચાનક ઠંડુ થઈ જશે. આ ઉપરાંત પૃથ્વી ધુરી ઉપર નમવાથી અને ખસવાથી બીજી ઘણી બાબતોને અસર થશે. ખાસ કરીને દિવસ અને રાતની લંબાઈમાં પણ સામાન્ય ફેરફાર આવી શકે છે. પૃથ્વીની ધુરી વધુ નમી ગઈ તો ધ્રુવ પ્રદેશોમાં છ મહિના ઉપરાંત કેટલાક સમય સુધી રાત લંબાઈ શકે છે. ઘઉં, ચોખા અને અન્ય અનાજના ઉત્પાદનમાં વ્યાપક ઘટાડો થઈ શકે છે. જમીનની નીચે ટેક્ટોનિક પ્લેટ્સ જો સક્રિય થવા લાગી તો પેસેફિક રિજનમાં વધુ ભૂકંપ આવી શકે છે. તે ઉપરાંત વાવાઝોડા અને ચક્રવાતના પ્રમાણમાં અને તેની અસરરકારકતામાં પણ વધારો થઈ શકે છે. 

આમ જોવા જઈએ તો આ સ્થિતિ આવવામાં ઘણા વર્ષો લાગી શકે તેમ છે. તેમ છતાં ગ્લોબલ વોર્મિંગ, ધ્રુવ પ્રદેશોનો બરફ ઓગળવો અને હવે ભૂગર્ભજળનું સ્તર ઘટવાનું પ્રમાણ વધ્યું તો પૃથ્વી માટે મોટું જોખમ સર્જાશે.