મિગ-21 : ભારતની રક્ષા માટે સજ્જ 'જટાયુ' હવે વિશ્રામ કરશે
- અદ્વિતિય સાહસનો યુગ સમાપ્ત : ભારતીય વાયુસેનામાં ૬૨ વર્ષ સેવા આપ્યા બાદ મિગ-21ને નિવૃત્ત કરાયું
- 1962 યુદ્ધ બાદ ભારતને વધુ મજબૂત ફાઈટર જેટની જરૂર જણાઈ, તે દરમિયાન અમેરિકાએ પાકિસ્તાનને ભેટમાં એફ-104 આપ્યા. તે સમયે સોવિયેત સંઘે મિત્રતા દાખવીને ભારતને મિગ-21 વિમાનો આપ્યા અને ભારતમાં નવા યુગની શરૂઆત થઈ : 1963 દરમિયાન એપ્રિલમાં પહેલા છ મિગ-21 મુંબઈથી ઈક્વિપમેન્ટ ડેપો આગરા થઈને ચંડીગઢ પહોંચ્યા હતા. શરૂઆતમાં આ વિમાનોનો ઉપયોગ ઈન્ટરસેપ્ટર પ્લેન તરીકે થતો હતો. થોડા સમય બાદ તેનો ઉપયોગ ગ્રાઉન્ડ એટેક સહિતની અન્ય ભૂમિકાઓ માટે થવા લાગ્યો. તેથી તેને જટાયુ નામ અપાયું હતું : 1965, 1971 અને 1999 કારગિલ યુદ્ધમાં મિગ-૨૧ દ્વારા અદ્વિતિય સેવા આપવામાં આવી અને દુશ્મનોને હંફાવવા અને તેમના પ્લેન તથા ટેન્કને નષ્ટ કરવામાં મિગનો મોટો ફાળો રહ્યો. બીજી તરફ તેનો કાળો ઈતિહાસ પણ રહ્યો છે કે, છેલ્લાં છ દાયકામાં 500થી વધારે મિગ-21 ક્રેશ થવાની ઘટના બની છે જેમાં 170થી વધારે પાઈલટ્સ શહીદ થયા છે. તેથી તેને ફ્લાઈંગ કોફિન પણ કહેવામાં આવ્યા છે
ભારતીય વાયુસેનાના ઈતિહાસમાં મિગ-૨૧નો એક મહત્ત્વપૂર્ણ અધ્યાય અને સેવા તથા શૌર્યનો એક સુવર્ણ ઈતિહાસ પૂરો થવા જઈ રહ્યો છે. રશિયામાં બનેલા અને ભારત માટે દાયકાઓ સુધી હવાઈ રક્ષણ પૂરું પાડનારા દેશના પહેલાં સુપરસોનિક ફાઈટર એરક્રાફ્ટ મિગ-૨૧ને નિવૃત્ત કરવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ખેલાયેલા યુદ્ધમાં અદ્વિતિય ભૂમિકા ભજવનારા અને પાકિસ્તાનને ધૂળ ચટાડનારા સુપરસોનિક ફાઈટર જેટને ૨૬ સપ્ટેમ્બરે સેવામુક્ત કરવામાં આવ્યું છે. ચંડીગઢ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં આ સુપરસોનિક વિમાને તેની અંતિમ ઉડાણ ભરી હતી. ૬૨ વર્ષ સુધી ભારતીય હવાઈ સરહદોનું રક્ષણ કરનારા જટાયુને અંતિમ ઉડાણ બાદ કાયમી ગ્રાઉન્ડેડ કરી દેવાયું છે. સાહસ, સમર્પણ અન સેવાના સોનેરી યુગનો અંત આવી ગયો છે. એરફોર્સમાં આવ્યા બાદ અને નિવૃત્ત થવા વચ્ચે મિગ-૨૧એ ઘણા ઉતાર-ચડાવ જોયા છે પણ સતત ભારતનું રક્ષણ કર્યું છે અને સેવા આપી છે.
મિગ-૨૧ના ઈતિહાસ ઉપર નજર કરીએ તો તે રશિયા સાથે જોડાયેલો છે. ૧૯૫૫માં મિકોયાન-ગુરેવિચ ડિઝાઈન બ્યૂરો દ્વારા આ વિમાનને ડિઝાઈન કરવામાં આવ્યું હતું. સોવિયેત સંઘની આ કંપની દ્વારા સિંગલ એન્જિન, સિંગલ સીટર અને મલ્ટી રોલ એરક્રાફ્ટ વિકસાવવામાં આવ્યું હતું. આ એરક્રાફ્ટ અવાજની ગતિ કરતા બમણી ઝડપે એટલે કે મેક-૨ની ઝડપે ઉડતું હતું. ૧૯૬૦ના દાયકામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદે ખૂબ જ તણાવ વધ્યો હતો. આ દરમિયાન ચીને પણ ભારતને ફસાવવા ૧૯૬૨નું યુદ્ધ છેડી દીધું હતું. ત્યારે પહેલી વખત ભારતને સમજાયું કે વાયુસેનામાં ફાઈટર પ્લેનની વધારે જરૂરીયાત છે. આ જ સમયે અમેરિકાએ ભારતને દબાવવા માટે પાકિસ્તાનને એફ-૧૦૪ પ્લેન ભેટમાં આપ્યા હતા. ભારતે જ્યારે આ પ્લેન ખરીદવાની ઓફર કરી તો અમેરિકાએ આનાકાની કરી હતી. આ દરમિયાન સોવિયત સંઘ તરફ ભારતે મિત્રતાનો હાથ ફેલાવ્યો અને તેમાં સફળ રહ્યું.
૧૯૬૩ દરમિયાન મિગ-૨૧ની ભારતીય વાયુસેનામાં એન્ટ્રી થઈ ગઈ. એપ્રિલમાં પહેલા છ મિગ-૨૧ મુંબઈથી ઈક્વિપમેન્ટ ડેપો આગરા થઈને ચંડીગઢ પહોંચ્યા હતા. ભારતીય વાયુસેનાની ૨૮મી સ્ક્વોડ્રનને ફર્સ્ટ સુપરસોનિક બનવાનો સુવર્ણ અવસર મળ્યો હતો. શરૂઆતમાં આ વિમાનોનો ઉપયોગ ઈન્ટરસેપ્ટર પ્લેન તરીકે થતો હતો. તેઓ દુશ્મનની ફાઈટર પ્લેનને ભગાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતા હતા. થોડા સમય બાદ તેનો ઉપયોગ ગ્રાઉન્ડ એટેક સહિતના અન્ય ભૂમિકાઓ માટે થવા લાગ્યો. થોડા સમયમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા તેનું ભારતમાં જ પ્રોડક્શન શરૂ કરવામાં આવ્યું. કુલ ૮૫૦થી વધારે મિગ-૨૧ ભારતમાં આવ્યા જેમાંથી ૬૦૦ જેટલા મિગ-૨૧નું ઉત્પાદન હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતે પહેલી વખત પશ્ચિમી દેશોને છોડીને સંરક્ષણ સોદો કર્યો હતો અને સોવિયેત સંઘ સાથેના સંબંધોને વધારે મજબૂત કર્યા હતા.
મિગ-૨૧ને ભારતીય વાયુસેનામાં સ્થાન આપી દેવાયું. શરૂઆતમાં તો નાના મિશનોમાં તેનો ઉપયોગ થતો હતો પણ પાકિસ્તાન સાથેના યુદ્ધ આ વિમાનો માટે અગ્નિપરીક્ષા બની રહ્યા. ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધમાં આ વિમાનની સાચી ભૂમિકા જોવા મળી. ૧૯૬૫માં ભારત અને પાકિસ્તાનના યુદ્ધમાં તે પહેલી વખત મેદાને પડયું. તે સમયે ભારત પાસે ફાઈટર પ્લેનની સંખ્યા ઓછી હતી તથા ટ્રેઈન થયેલા પાઈલટ્સની સંખ્યા પણ ઓછી હતી છતાં આ વિમાનોએ પાકિસ્તાની વાયુસેનાની ઉંઘ ઉડાડી દીધી. ત્યારપછી ૧૯૭૧માં બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થયું અને મિગ-૨૧માં પાકિસ્તાનને ઘુંટણીયે લાવી દીધું. આ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના સ્ટાર ફાઈટર જેટ્સને ભારતીય મિગ-૨૧એ હંફાવી દીધા. તેને નબળા અને નકામા સાબિત કરી દીધા. ભારતીય વાયુસેનાએ મિગ-૨૧ દ્વારા દુશ્મનોની તમામ ટેન્ક તોડી પાડી અને ૧૧ પાકિસ્તાની ફાઈટર જેટ્સ તોડી પાડયા. તેનાથી પાકિસ્તાનની કમર તૂટી ગઈ. પાકિસ્તાનનો યુદ્ધમાં કારમો પરાજય થયો.
આ યુદ્ધ બાદ મિગ વિમાનને અપગ્રેડ કરવામાં આવ્યા. ૧૯૮૦ના દાયકામાં પ્લેન અપગ્રેડ થયા બાદ ભારત પાસે મિગ-૨૧ મ્ૈજ અને મિગ-૨૧ બાયસન આવ્યા. નવા વેરિયન્ટમાં આધુનિક રડાર, એવિયોનિક્સ, હથિયારો અને બીજી ઘણી સિસ્ટમ લગાવવામાં આવી હતી. ખાસ કરીને ૧૯૮૪માં ઓપરેશન મેઘદૂતમાં સિયાચિન ગ્લેશિયર ખાતે તેમની ભૂમિકા મહત્ત્વની સાબિત થઈ. ત્યારબાદ ૧૯૯૯માં કારગિલ યુદ્ધમાં મિગ-૨૧એ પોતાની કારકિર્દીનો ગૌરવપૂર્ણ અધ્યાય લખ્યો. ઓપરેશન સફેદ સાગરમાં મિરાજ-૨૦૦૦ અને મિગ-૨૯ સાથે જોડાઈને મિગ-૨૧એ દુશ્મનોને રાતા પાણીએ રડાવ્યા. પાકિસ્તાની ઘુસણખોરો આ વિમાનોના બોમ્બમારાથી ત્રાસીને ઉભી પૂંછડીએ ભાગ્યા હતા. આ યુદ્ધ દરમિયાન એક મોટી ગમખ્વાર ઘટના પણ બની હતી જેમાં સ્ક્વોડ્રન લીડર અજય આહુજાનું જેટ દુર્ઘટનાનો ભોગ બન્યું હતું.
ઉલ્લેખનીય છે કે, મિગ-૨૧ કે જેને જટાયુ તરીકે ભારતના આકાશના રક્ષક કહેવાય છે તેની સાથે કાળો ઈતિહાસ પણ જોડાયેલો છે. તેને ફ્લાઈંગ કોફિન પણ નામ આપવામાં આવેલું છે. ૧૯૬૩માં જ મિગ-૨૧ જ્યારે વાયુસેનામાં જોડાયું ત્યારે ૨ પ્લેન ક્રેશ થઈ ગયા હતા. ત્યારથી અત્યાર સુધી મિગ-૨૧ તૂટી પડવાની અનેક ઘટનાઓ બની છે. એક આંકડા પ્રમાણે છેલ્લાં છ દાયકામાં ૫૦૦થી વધારે ઘટનાઓ બની છે જેમાં મિગ-૨૧ વિમાન તૂટી પડયા છે. આ ઘટનાઓમાં ૧૭૦થી વધારે પાઈલટ શહીદ થયા હતા. આ ઉપરાંત અંદાજે ૪૦ જેટલા નાગરિકોના પણ જીવ ગયા હતા. ખાસ વાત એવી છે કે, કારગીલ યુદ્ધ બાદ આ પ્લેન ક્રેશ થવાની ઘટનાઓ વધવા લાગી હતી. તેના કારણે જ ભારતીય વાયુસેનાએ તેને નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો છે. સપ્ટેમ્બર ૨૦૨૫ના અંતિમ દિવસોમાં આ વિમાનને અંતિમ સલામી આપીને કાયમ માટે નિવૃત્ત કરી દેવાશે.
ખાસ વાત એ છે કે, આ વિમાનને નિવૃત્ત કરવાનું કામ પણ એર ચીફ માર્શલ દ્વારા જ કરવામાં આવશે. આ વિમાન નિવૃત્તી સમયે નારી શક્તિનો પણ પરિચય થવાનો છે. મિગ-૨૧ની નિવૃત્તિ દરમિયાન સ્ક્વોડ્રન લીડર પ્રિયા શર્મા કે જેઓ ભારતીય એરફોર્સના સાતમા મહિલા પાઈલટ છે તેઓ અંતિમ વખત આ પ્લેનને ઉડાડશે. તેમની સાથે એર ચીફ માર્શલ એ.પી. સિંહ પણ ફ્લાઈટ ફોર્મેશનમાં જોડાવાના છે. મિગ-૨૧ની નિવૃત્તિની સાથે સાથે પ્રિયા શર્મા અને એર ચીફ માર્શલ સિંહનું નામ પણ ઈતિહાસમાં અમર થવાનું છે. એરફોર્સના વડા એ.પી. સિંહે ૧૯૮૫માં પોતાની મહત્ત્વની કામગીરી મિગ-૨૧ ઉડાડવાથી જ શરૂ કરી હતી. હવે આ વિમાનને નિવૃત્ત કરાવવાનું સૌભાગ્ય પણ તેમના હસ્તે જ ગયું છે. તેના નિવૃત્તિના કાર્યક્રમમાં બાદલ ફોર્મેશનમાં અંતિમ ઉડાન ભરવામાં આવશે. એ.પી.સિંહ આ ફોર્મેશનના સભ્ય તરીકે જોડાશે. તેના માટે તેમણે થોડા સમય પહેલાં જ ટ્રેનિંગ લીધી હતી. ૪૦ વર્ષ બાદ તેમણે ફરીથી મિગ ઉડાડીને તાલિમ પૂર્ણ કરી હતી. તેમણે નાલ એરબેઝથી મિગ-૨૧ની સોલો સોર્ટી કરી હતી. હવે અંતિમ દિવસે બાદલ ફોર્મેશન થકી આ ઐતિહાસિક હવાઈ સેવકને અલવિદા કહેવામાં આવશે.
મિગ-21 નિવૃત્ત થયા છે, તેજસ આવ્યા નથી, એરફોર્સને વધારે જેટ્સની તાકીદે જરૂર
ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેના મિગ-૨૧ને નિવૃત્ત કરવા જઈ રહ્યું છે પણ ભવિષ્યના જોખમોને જોતા અને વર્તમાનની હવાઈ યુદ્ધની સ્થિતિને પામતા તેમણે ઝડપી પગલા લેવા પડે તેમ છે. ભારતીય વાયુસેના મિગ-૨૧ને નિવૃત્ત કરી દેશે ત્યારબાદ તેમની પાસે ખૂબ જ ઓછા વિકલ્પો વધશે. ભારતે પાસે હાલમાં મિગ-૨૧ નિવૃત્ત થયા બાદ ૨૯ સ્ક્વોડ્રન વધશે જેમાં સરેરાશ ૧૬થી ૧૮ વિમાનો છે. ભારત પાસે હાલમાં રાફેલ અને જીે-સ્ણૈં જેવાં એરક્રાફ્ટ છે. ભારતનો આ આંકડો ખૂબ જ ઓછા સ્ક્વોડ્રનનો જતો રહેશે. ભારતની જે પ્રમાણેની ભૌગોલિક સ્થિતિ છે અને આસપાસ જે વાતાવરણ છે તે પ્રમાણે તેની પાસે સરેરાશ ૪૨.૫ સ્ક્વોડ્રન હોવા જોઈએ તેની સામે ખૂબ જ ઓછા બાકી રહેશે. પાકિસ્તાન પાસે જ ૨૫ સ્ક્વોડ્રન છે જેમાં ૩૨૦ની આસપાસ વિમાનો છે. બીજી તરફ પાકિસ્તાની એરફોર્સને ચીન પાસેથી ૪૦ જેટલા જે-૩૫એ પાંચમી પેઢીના જેટ્સ મળવાના છે. તેની સામે ભારતની ક્ષમતા ઓછી દેખાશે. આ ઉપરાંત ચીન પાસે ૧૩૦૦ જેટલા જેટ્સ છે. મોટાભાગના ચોથી પેઢીના અને નવા પાંચમી પેઢીના એરક્રાફ્ટ છે જે બોમ્બર અને મલ્ટિરોલ પ્લેન છે. હાલમાં મોટાભાગના યુદ્ધો હવાઈ યુદ્ધો જ થવા લાગ્યા છે ત્યારે ભારતે પોતાનો કાફલો મોટો કરવો પડશે. ભારતને હજી તો આગામી મહિને માત્ર બે તેજસ વિમાનની પહેલી ડિલિવરી મળશે. ત્યારબાદ બાકીના ૩૦ થી ૪૦ જેટ મળશે જેને આવતા થોડા વર્ષ લાગશે. આ વચ્ચે ભારતની સુરક્ષા અને અન્ય વિકટ સ્થિતિ માટે ભારતે વધારે સજ્જ થવું પડશે. ભારતે જે રીતે આતંકીઓ ઉપર બે વખત એરસ્ટ્રાઈક કરી હતી. તેમાંય થોડા સમય પહેલાં ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું ત્યારબાદ સ્પષ્ટ સંદેશ ગયો છે કે, ભારતે એરફોર્સ ઉપર નિર્ભરતા વધારવી પડશે. આગામી યુદ્ધો આકાશી યુદ્ધો જ રહેવાના છે. તેના કારણે ૪૨.૫ સ્ક્વોડ્રન પણ પૂરતી નથી. ભારતે એરફોર્સ માટે પ્લેનનો કાફલો ખૂબ જ મોટો કરવો પડશે.
ચીન અને પાકિસ્તાન જેવા દુશ્મનો આસપાસ હોય ત્યારે ભારતે હવાઈ સુરક્ષા માટે વધારે નક્કર પગલાં લેવા પડશે. ઉલ્લેખનીય છે કે, વાયુસેનાના વડાએ જ થોડા સમય પહેલાં ચિંતા વ્યક્ત કરી હતી કે, એરફોર્સમાં પ્લેનની સંખ્યા ઓછી છે. તેમના મતે દર વર્ષે ઓછામાં ઓછા ૪૦ પ્લેન નવા જોડાય ત્યારે એરફોર્સના ફાઈટર પ્લેનની સંખ્યાને જાળવી શકાય તેમ છે. ભારત દ્વારા એરફોર્સમાં પ્લેનની સંખ્યા ઝડપથી વધારવામાં નહીં આવે તો ચીન અને પાકિસ્તાન જેવા દેશો આડોડાઈ કરીને ભારતની સમસ્યાઓ ગમે ત્યારે વધારી દેશે તેવી ભીતી રહેશે.