Get The App

ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને 'વેરી બિગ એબ્યુઝર' ગણાવ્યું તેમ છતાં મોદી સરકાર-ભાજપ ચૂપ કેમ ?

Updated: Sep 26th, 2024


Google NewsGoogle News
ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને 'વેરી બિગ એબ્યુઝર' ગણાવ્યું તેમ છતાં મોદી સરકાર-ભાજપ ચૂપ કેમ ? 1 - image


- ટ્રમ્પને ભારત વિરોધી ટિપ્પણી પછી પણ મોદી ડોનાલ્ડ ટ્રમ્પને મળશે કે નહીં તે સવાલ પૂછાવા માંડેલો છે પરંતુ મોદી ભારત પાછા આવી જતા સસ્પેન્સનો અંત આવી ગયો

- ટ્રમ્પે ભારતને 'વેરી બિગ એબયુઝર' ગણાવીને ગાળો આપ તેની સામે મોદી સરકાર અને ભાજપની નેતાગીરી બંને ચૂપ છે. રાહુલ ગાંધી વિદેશમાં ભારત વિરોધી નિવેદનો અપનારને મળે તેમાં હોહા કરી નાંખનારા ભાજપના નેતા ટ્રમ્પ સામે એક હરફ નથી ઉચ્ચારી રહ્યા.  ટ્રમ્પ મહાજૂઠો માણસ છે તેથી ભારત દ્વારા લાદવામાં આવતા ટેક્સ અંગે જૂઠાણાં ચલાવે છે તેની સામે પણ કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. અમેરિકા તો ભારતીય માલ પર 193 ટકા સુધી ઈમ્પોર્ટ ડયુટી લગાવે છે. ભારતીય માલ પરની ઈમ્પોર્ટ ડયુટીની ટકાવારી સાંભળો તો હાર્ટ એટેક આવી જાય પણ મૈં કરું તો સાલા કેરેક્ટર ઢીલા હૈ.

નરેન્દ્ર મોદીની અમેરિકાની યાત્રા શરૂ થાય એ પહેલાં ટ્રમ્પે મોદીને ફેન્ટાસ્ટિક મેન ગણાવીને જાહેર કરેલું કે, મારા મિત્ર મોદી મને મળવા માટે આવી રહ્યા છે. ટ્રમ્પે ભારતની ઝાટકણી પણ કાઢીને 'વેરી બિગ એબયુઝર' ગણાવેલું. 'વેરી બિગ એબયુઝર'નો મતલબ સંબંધોનો ભયંકર દુરૂપયોગ કરનારા લોકો એવા થાય. ટ્રમ્પની ભારત વિરોધી ટીપ્પણી પછી પણ મોદી ડોનાલ્ડ ટ્રમ્પને મળશે કે નહીં એ સવાલ પૂછાવા માંડેલો. મોદીના સત્તાવાર કાર્યક્રમમાં ટ્રમ્પ સાથેની મુલાકાતનો ઉલ્લેખ નહોતો પણ મોદી ગમે તે કરી શકે.

મોદી કશું નક્કી કર્યા વિના ભારતના દુશ્મન નવાઝ શરીફને બર્થ ડે વિશ કરવા મળી શકે ને તેમના ઘરે જઈને ખીર ખાઈ શકે તો ટ્રમ્પ તો ભારતના દુશ્મન પણ નથી. આ કારણે ટ્રમ્પ અને મોદીની મુલાકાત અંગે જોરદાર સસ્પેન્સ ઉભું થયેલું. ત્રણ દિવસની અમેરિકાની યાત્રા પતાવીને મોદી મંગળવારે સાંજે ટ્રમ્પને મળ્યા વિના ભારત પાછા આવી ગયા એ સાથે આ સસ્પેન્સનો અંત આવી ગયો.

મોદી તો ટ્રમ્પને મળવા માગતા હતા પણ વિદેશ મંત્રાલયની સલાહના કારણે તેમણે ટ્રમ્પને મળવાનું ટાળ્યું હોવાનું કહેવાય છે. મોદીએ ૨૦૨૦ની પ્રમુખપદની ચૂંટણી વખતે હરખપદૂડા થઈને ટ્રમ્પનો પ્રચાર કરેલો પણ ટ્રમ્પ હારી ગયેલા તેથી મોદીની નાલેશી થઈ હતી. અત્યારે પણ કમલા હેરિસ સામે ટ્રમ્પ હારી જશે એવી હવા જામવા જ માંડી છે તેથી ફરી એવી નાલેશીનો સામનો ના કરવો પડે એટલે વિદેશ મંત્રાલયે મોદીને ટ્રમ્પને ટાળવાની સલાહ આપી હોવાનું કહેવાય છે. 

ટ્રમ્પે  ભારત વિરોધી નિવેદનો કર્યાં તેના કારણે પણ વિદેશ મંત્રાલયે ટ્રમ્પથી દૂર રહેવાની સલાહ આપી હોવાનું મનાય છે. ટ્રમ્પે મિશિગનના ફ્લિન્ટમાં ભારતને 'વેરી બિગ એબયુઝર' ગણાવીને કહેલું કે, ભારતીયો બહુ લુચ્ચા છે. એ લોકો લાગે છે એવા પછાત નથી પણ દાવપેચ ખેલવામાં બહુ હોંશિયાર છે. આ દાવપેચનો ઉપયોગ એ લોકો આપણી સામે કરે છે. ટ્રમ્પે આ વાત ભારત દ્વારા અમેરિકાની પ્રોડક્ટ્સ પર લદાતા કરવેરાના સંદર્ભમાં કરી હતી પણ તેના કારણે એ ભારત વિશે શું માને છે એ છતું થઈ ગયું. ટ્રમ્પના કહેવા પ્રમાણે, ચીન સાથે પનારો પાડવો સૌથી મુશ્કેલ છે પણ ટ્રમ્પે ચીનના માલ પર કરવેરા લાદીને તેમને સીધા કરી નાંખેલા. ભારત અને બ્રાઝિલ પણ આકરાં છે એવું કહીને ટ્રમ્પે પોતે ભારતના માલ પર એવો જ આકરો ટેક્સ લાદશે એવું પણ કહેલું.

ટ્રમ્પની વાતનો સ્પષ્ટ અર્થ એ થાય કે, ટ્રમ્પ પાછા અમેરિકાના પ્રમુખ બને તો ભારત માટે ખરાબ દિવસો આવે. ટ્રમ્પે પોતાના પહેલા કાર્યકાળ દરમિયાન આપણી નિકાસને મોટો ફટકો મારીને આર્થિક હાલત ખરાબ કરી નાંખી હતી. 

ટ્રમ્પે ભારતને જનરલાઈઝ્ડ પ્રેફરેન્શિયલ સિસ્ટમ (જીપીએસ)માંથી બહાર મૂક્યા તેના કારણે ભારતીય ઉત્પાદનો પર કસ્ટમ્સ ડયુટી લાગવા માંડી અને ભારતનો માલ મોંઘો થઈ જતાં નિકાસ બંધ થઈ ગયેલી. ટ્રમ્પે ભારતને 'વેરી બિગ એબયુઝર' ગણાવીને સ્પષ્ટ કરી દીધેલું કે, પોતે પ્રમુખ બનશે તો આ જ નીતિ ચાલુ રાખશે. 

ટ્રમ્પની આ નીતિ પહેલેથી છે પણ એ વખતે બધા મોદીભક્તિમાં એટલા આંધળા હતા કે, ટ્રમ્પની ભારતવિરોધી માનસિકતા કોઈને દેખાતી નહોતી. 

મોદી દેશનાં હિતોને બાજુ પર મૂકીને ટ્રમ્પ પાસે પોતાની વાહવાહીનો ખેલ રમી રહ્યા છે એ કોઈને સમજાતું નહોતું. ટ્રમ્પે ૨૦૧૯ના એપ્રિલમાં રીપબ્લિકન પાર્ટીના કાર્યક્રમમાં કહેલું કે, ભારત અમેરિકામાં પોતાની સાયકલો મોકલે તેના પર આપણે કોઈ કર નથી લેતા પણ ભારત અમેરિકાનાં ઉત્પાદનો પર ૧૦૦ ટકા ટેક્સ લાદે છે એ ના ચાલે. ટ્રમ્પે હાર્લી ડેવિડસન મોટરબાઈકનું ઉદાહરણ પણ આપેલું.  

ટ્રમ્પ મહાજૂઠો માણસ છે તેથી ભારત દ્વારા લાદવામાં આવતા ટેક્સ અંગે જૂઠાણાં ચલાવે છે. જાપાન અમેરિકા અને યુરોપીયન યુનિયનથી આવતા માલ પર ૩ ટકાથી ૫ ટકા કસ્ટમ્સ ડયુટી લગાવે છે પણ તેના સિવાય બાકીના બધા વિકાસશીલ દેશો ૧૫ ટકાની આસપાસ ઈમ્પોર્ટ ડયુટી લગાવે છે. ભારતમાં સરેરાશ ઈમ્પોર્ટ ડયુટી ૧૭ ટકા છે જ્યાકે બ્રાઝિલમાં ૧૩ ટકા અને દક્ષિણ કોરીયામાં ૧૩.૪૦ ટકા છે. ભારત પાસે વધારે ડયુટી લગાવવા માટે કારણ પણ છે. ભારતનું માર્કેટ દુનિયાના કોઈ પણ દેશ કરતાં મોટું હોવાથી અમેરિકા કે બીજા કોઈ પણ દેશનો માલ ભારતમાં ખપે એટલો બીજા કોઈ દેશમાં નથી ખપતો એ જોતાં ૨-૩ ટકા વધારે ઈમ્પોર્ટ ડયુટી નગણ્ય કહેવાય. 

બીજું એ કે, દુનિયાભરના દેશો સ્થાનિક ઉદ્યોગોને રક્ષણ આપવા માટે વિદેશી માલ પર ઈમ્પોર્ટ ડયુટી લગાવે છે. અમેરિકા તો ભારતીય માલ પર જે ઈમ્પોર્ટ ડયુટી લગાવે છે તેની ટકાવારી સાંભળો તો હાર્ટ એટેક આવી જાય પણ પણ મૈં કરું તો સાલા કેરેક્ટર ઢીલા હૈ. અમેરિકા ડેરી પ્રોડક્ટ્સ પર ૧૮૮ ટકા, ફળ-શાકભાજી પર ૧૩૨ ટકા, કોફી, ચા, કોકો, મસાલા પર ૫૩ ટકા, કઠોળ અને ફૂડ પ્રીપેરેશન્સ પર ૧૯૩ ટકા, તેલીબિયાં, ફેટ અને તેલ પર ૧૬૪ ટકા, બેવરેજીસ અને ટોબેકો પર ૧૫૦ ટકા, ફિશ અને ફિશ પ્રોડક્ટ્સ પર ૩૫ ટકા, મિનરલ્સ અને મેટલ પર ૧૮૭ ટકા, કેમિકલ્સ પર ૫૬ ટકા ઈમ્પોર્ટ ડયુટી લગાવે છે. આ આંકડા ડબલ્યુટીઓ દ્વારા સત્તાવાર અપાયેલા આંકડા છે.   અમેરિકા પોતે કરે એ લીલા ને બીજાં કરે એ છિનાળુમાં માને છે તેથી તેને પોતે કરે એ ખોટું લાગતું નથી ને ભારત 'વેરી બિગ એબયુઝર' લાગે છે. 

કમનસીબે મોદી સરકાર અને ભાજપની નેતાગીરી બંને આ મુદ્દે ચૂપ છે. રાહુલ ગાંધી વિદેશમાં ભારત વિરોધી નિવેદનો અપનારને મળે તેમાં હોહા કરી નાંખનારા ભાજપના નેતા ટ્રમ્પ સામે એક હરફ નથી ઉચ્ચારી રહ્યા. તેમના માટે દેશનાં હિતો કરતાં મોદીની મિત્રતા વધારે મહત્વની છે. 

મોદીએ 'અબ કી બાર, ટ્રમ્પ સરકાર'ના નારા લગાવ્યા છતાં ટ્રમ્પ હારી ગયેલા

નરેન્દ્ર મોદીએ ૨૦૨૦ની અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને ફરી જીતાડવા ખુલ્લેઆમ પ્રચાર કરેલો. ૨૦૧૯માં મોદીની અમેરિકા યાત્રા વખતે હ્યુસ્ટનમાં ભારતીય અમેરિકનોએ મોદીના અભિવાદન માટે યોજેલા  'હાઉડી મોદી' કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ હાજર રહ્યા હતા. 

ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી સભા જેવા આ કાર્યક્રમમાં ટ્રમ્પે બે કલાક મોડા પધરામણી કરીને મોદીને રાહ જોવડાવીને અપમાનજનક સ્થિતીમાં મૂકી દીધા હતા. ટ્રમ્પ આવ્યા પછી તેમણે મોદીને માંડ દસેક મિનિટ બોલવા દીધા હતા અને પોતાનો ચૂંટણી પ્રચાર કરતા હોય એ રીતે ભાષણબાજી કરીને કાર્યક્રમને હાઈજેક કરી લીધો હતો. 

એનઆરજી સ્ટેડિયમમાં ૫૦ હજાર ઈન્ડિયન-અમેરિકનની હાજરીમાં ૨૨ સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ થયેલા કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પે મોદીને પોતાના મિત્ર ગણાવ્યા હતા.

 સામે મોદીએ ટ્રમ્પને જીતાડવાની અપીલ કરતાં 'અબ કી બાર, ટ્રમ્પ સરકાર'ના નારા લગાવ્યા હતા. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીને એક વર્ષની વાર હતી પણ ટ્રમ્પે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ આ રેલીથી કર્યા હતા. આ કાર્યક્રમના ચાર મહિના પછી ૨૪ ફેબ્રુઆરીના રોજ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ કરીને ફરી ટ્રમ્પનો પ્રચાર કર્યો હતો. મોટેરા સ્ટેડિયમના કાર્યક્રમમાં લગભગ સવા લાખ લોકો હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં પણ મોદીએ 'અબ કી બાર, ટ્રમ્પ સરકાર'ના નારા લગાવીને ખુલ્લેઆમ ટ્રમ્પનો પ્રચાર કર્યો હતો. 

અમેરિકાની ચૂંટણીમાં ૧૦ લાખ ભારતીયો ટ્રમ્પને મત આપે એ માટે આ બંને કાર્યક્રમો યોજાયેલા છતાં ૨૦૨૦ની ચૂંટણીમાં ટ્રમ્પ હારી ગયેલા.

મોદીએ ભારત વિરોધી ટ્રમ્પનો પ્રચાર કર્યો, 'ભારત કી બેટી' કમલાને મળ્યા સુધ્ધાં નહીં

અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની સામે ભારતીય મૂળનાં કમલા હેરિસ છે. ૨૦૨૦ની ચૂંટણી વખતે ટ્રમ્પનો પ્રચાર કરનારા મોદીએ અમેરિકાની યાત્રા દરમિયાન 'ભારત કી બેટી' કમલા હેરિસને મળવાનું પણ પસંદ ના કર્યું તેની આકરી ટીકા થઈ રહી છે. કમલા હેરિસ અમેરિકાનાં વાઈસ પ્રેસિડેન્ટ છે એ જોતાં મોદી સત્તાવાર રીતે પણ તેમને મળી શક્યા હોત પણ મોદીએ કમલાને મળવાનું ટાળ્યું. તેના કારણે એવી ટીકા થઈ રહી છે કે મોદી દેશનાં હિતોને બદલે પોતાના વ્યક્તિગત સંબંધોને વધારે મહત્વ આપે છે. 

ટ્રમ્પ હળાહળ ભારત વિરોધી હતા અને અમેરિકાના પ્રમુખ તરીકે ભારતીયોને નુકસાન થાય એવી નીતિઓ અપનાવી હતી, ટ્રમ્પે જનરલ પ્રેફરેન્શિયલ સિસ્ટમ (જીપીએસ)માંથી ભારતની બાદબાકી કરી નાંખી ભારતની અમેરિકામાં નિકાસને જંગી ફટકો માર્યો હતો. ઈમિગ્રેશન પોલિસીમાં પણ ફેરફારો કરીને ભારતીયો માટે અમેરિકાના દરવાજા સાવ બંધ કરી દેવાના ભરપૂર પ્રયત્નો કરેલા. એ છતાં મોદી ટ્રમ્પને જીતાડવા કૂદાકૂદ કરતા હતા કેમ કે ટ્રમ્પ તેમને પોતાના ફ્રેન્ડ ગણાવ્યા કરતા હતા. 

કમલા હેરિસની ડેમોક્રેટિક પાર્ટી પહેલેથી ભારતતરફી વલણ ધરાવે છે. ભારતીયોને વધારે પ્રમાણમાં વિઝા અને ભારત સાથે મોટા પ્રમાણમાં આર્થિક સંબંધો ડેમોક્રેટિક પાર્ટીની સત્તાવાર નીતિ છે. આ કારણે ભારતીયો પરંપરાગત રીતે ડેમોક્રેટિક પાર્ટીના સમર્થક છે. આ સંજોગોમાં કમલા હેરિસ પ્રમુખપદે ચૂંટાય એ ભારતના ફાયદામાં છે પણ મોદીને કદાચ એ પસંદ નથી.

News-Focus

Google NewsGoogle News