- શમીમા બેગમનો કિસ્સો ચર્ચામાં : તેણે ફરી બ્રિટિશ નાગરિકત્વ મેળવવા કરેલી અરજીની યુકેની કોર્ટ ઓફ અપીલમાં સુનાવણી શરૂ થઈ છે
- શમીમાના વકીલોનું કહેવું છે કે, શમીમા ભાગીને સીરિયા ચોક્કસ જતી રહેલી પણ સીરિયામાં તેણે ભયંકર યાતનાઓ વેઠી હતી. ઈસ્લામિક સ્ટેટના આતંકીઓ દ્વારા સેક્સ સ્લેવ તરીકે તેનો ઉપયોગ કરાયો હતો એ જોતાં શમીમા યુકેની સીક્યુરિટી માટે ખતરો નથી પણ શમીમા પોતે એક પીડિતા છે. બીજો વર્ગ માને છે કે, શમીમા આઈએસનું પ્યાદું હોય એવી પૂરી શક્યતા છે. શમીમા આઈએસના અત્યાચારોનો ભોગ બનેલી પીડિતા તરીકે યુકેમાં ઘૂસીને યુકેની સુરક્ષા સામે ખતરો પેદા કરે એવો ભય છે જ. આઈએસ છોકરીઓનો ઉપયોગ આત્મઘાતી બોમ્બર તરીકે કરે છે એ જગજાહેર છે તેથી શમીમાથી ચેતવું જોઈએ.
યુનાઈટેડ કિંગડમ (યુકે)માં અત્યારે શમીમા બેગમનો કિસ્સો ચર્ચામાં છે. શમીમા બેગમે ફરી બ્રિટિશ નાગિરકતા મેળવવા કરેલી અરજીની યુકેની કોર્ટ ઓફ અપીલમાં સુનાવણી શરૂ થઈ છે. યુકેમાં સુપ્રીમ કોર્ટ પછી કોર્ટ ઓફ અપીલ બીજા નંબરની સર્વોચ્ચ કોર્ટ છે. શમીમા કટ્ટરવાદી આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)માં જોડાઈ હતી તેથી તેની નાગરિકતા રદ કરી નાંખેલી.
શમીમાના વકીલોનું કહેવું છે કે, શમીમા ભાગીને સીરિયા ચોક્કસ જતી રહેલી પણ સીરિયામાં તેણે ભયંકર યાતનાઓ વેઠી હતી. ઈસ્લામિક સ્ટેટના આતંકીઓ દ્વારા સેક્સ સ્લેવ તરીકે તેનો ઉપયોગ કરાયો હતો એ જોતાં શમીમા યુકેની સીક્યુરિટી માટે ખતરો નથી પણ પોતે એક પીડિતા છે. આ સંજોગોમાં તેની નાગરિકતા રદ કરવાનો નિર્ણય ગેરકાયદેસર છે. આ નિર્ણય રદ કરીને શમીમાને ફરી બ્રિટનની નાગરિકતા આપવી જોઈએ.
શમીમાની અપીલની સુનાવણી શરૂ થઈ એ સાથે યુકેમાં બે છાવણી પડી ગઈ છે. શમીમાની દર્દભરી દાસ્તાન સાંભળ્યા પછી એ સંજોગોનો શિકાર બની છે એવું માનનારો મોટો વર્ગ છે. આ વર્ગ માને છે કે, શમીમાની બ્રિટિશ નાગરિકતા પાછી નહીં મળે તો એ ક્યાંયની નહીં રહે. શમીમા પાછી આતંકીઓના હાથમાં જઈ પડી શકે છે તેથી તેને બચાવવા માટે નાગરિકતા પાછી આપવી જોઈએ.
બીજો વર્ગ માને છે કે, શમીમા આઈએસનું પ્યાદું હોય એવી પૂરી શક્યતા છે. શમીમા આઈએસના અત્યાચરોનો ભોગ બનેલી પીડિતા તરીકે યુકેમાં ઘૂસીને યુકેની સુરક્ષા સામે ખતરો પેદા કરે એવો ભય છે જ. આઈએસ છોકરીઓનો ઉપયોગ આત્મઘાતી બોમ્બર તરીકે કરે છે એ જગજાહેર છે.
શમીમાનો ઉપયોગ પણ આત્મઘાતી બોમ્બર તરીકે કરવા માટેનું કાવતરું ઘડાયું હોય ને તેના ભાગરૂપે સહાનુભૂતિ મેળવવા માટે આઈએસ દ્વારા અત્યાચારોની અને સેક્સ સ્લેવ બનાવાઈ હોવાની વાર્તા ઘડી કઢાયાની શક્યતા નકારી ના શકાય. આ સંજોગોમાં યુકેએ જોખમ ના લેવું જોઈએ અને શમીમાને યુકેથી દૂર રાખવી જોઈએ.
કોર્ટ ઓફ અપીલ શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે પણ શમીમાની સ્ટોરી અત્યંત રસપ્રદ છે તેમાં શંકા નથી. શમીમાનાં માતા-પિતા અસ્મા બેગમ અને અહમદ અલી બાંગ્લાદેશી છે. શમીમા લંડનમાં જન્મી હતી. એ પછી તેના પિતા બાંગ્લાદેશ જતા રહ્યા જ્યારે અસ્મા લંડનમાં જ રહી ગઈ.
શમીમા લંડનની બેથનાલ ગ્રીન એકેડમીમાં ભણતી હતી ત્યારે અક્સા મહમૂદ નામની કટ્ટરવાદી મહિલાના સંપર્કમાં આવી. અક્સાએ ઈસ્લામિક સ્ટેટમાં જોડાવા તેમનું બ્રેઈન વોશ કર્યું. તેના કારણે શમીમા પોતાની બે ફ્રેન્ડ અમીરા અબાસે અને કદિઝા સુલતાના સાથે ૨૦૧૫ના ફેબ્રુઆરીમાં ઘરેથી ભાગી ગઈ. આઈએસની સૂચના પ્રમાણે લગભગ ૫૫૦ જેટલી છોકરીઓ સાથે આ ત્રણેય તુર્કીના ઈસ્તંબુલ પહોંચી. આ ત્રણેય છોકરીઓએ ફ્લાઈટ માટે ઘરમાંથી ઘરેણાં ચોરીને વેચી મારેલાં.
ઈસ્તંબુલથી આઈએસનો માણસ મોહમ્મદ અલ-રશીદ તેમને સીરિયા લઈ ગયો હતો. રશીદ કેનેડાની જાસૂસી એજન્સી સીએસઆઈએસના એજન્ટ તરીકે પણ કામ કરતો હતો. સીરિયામાં શમીમાનાં નિકાહ યાગો રિએદિજ્ક સાથે કરાવી દેવાયાં. રાગો નેધરલેન્ડનો હતો ને ધર્માંતરણ કરીને મુસલમાન બનેલો. સુલતાનાના નિકાહ મૂળ સોમાલિયાના પણ અમેરિકાના નાગરિક એવા જિહાદી સાથે કરાવી દેવાયેલાં જ્યારે અબાસેના નિકાહ ૧૮ વર્ષના ઓસ્ટ્રેલિયન અબ્દુલ્લા એલમીર સાથે કરાવી દેવાયેલાં.
આ પૈકી સુલતાનાનો પતિ રશિયાના હુમલામાં માર્યો ગયેલો. સુલતાના એ પછી પાછી યુકે આવવા માગતી હતી પણ આતંકીઓ તેને આવવા નહોતા દેતા. તેનો ઉપભોગ સેક્સ સ્લેવ તરીકે કરાતો હતો. એક દિવસ તક મળતાં સુલતાના ભાગી પણ એ જ વખતે રશિયાનાં વિમાનોએ કરેલો બોમ્બમારામાં મરી ગઈ.
અબાસેનો પતિ પણ મરાયોલો. એ પછી અબાસેનું શું થયું એ કોઈને ખબર નથી પણ શમીમા વિશેની માહિતી ૨૦૧૯ના ફેબ્રુઆરીમાં મળી. ધ ટાઈમ્સનો પત્રકાર એન્થની લોયડ સીરિયન રીફ્યુજી કેમ્પની સ્ટોરી કરવા ગયેલો ત્યારે તેને શમીમા મળી. શમીમાએ તેને પોતાની દાસ્તાન સંભળાવી. શમીમાએ એ વખતે પોતાને ઈસ્લામિક સ્ટેટમાં જોડાવાનો કોઈ અફસોસ નહીં હોવાનું કહેલું. તેના આધારે જ બ્રિટનની સરકારે તેની નાગરિકતા રદ કરી નાંખેલી. શમીમા લોયડને મળી ત્યારે પ્રેગનન્ટ હતી ને તેમાં બે બાળકો પહેલાં જ ગુજરી ગયેલાં એ માહિતી પણ આપી હતી. શમીમાએ એમ પણ કહેલું કે, તેના પતિને સીરિયાની સરકારે કેદમાં રાખ્યો છે.
શમીમા હજુય સીરિયામાં જ છે પણ તેની માતાએ તેને પાછી લાવવા માટે કાનૂની જંગ છેડયો છે. શમીમાનું સીરિયામાં કોઈ ભાવિ નથી તેથી એ પણ બ્રિટન પાછી આવવા માગે છે. શમીમાની માતા અસ્માને માનવાધિકારવાદી વકીલો મદદ કરી રહ્યા છે. આ વકીલોએ તો એક છોકરી કોઈને ખબર ના પડે એ રીતે બ્રિટનમાંથી ભાગી ગઈ એ મુદ્દે બ્રિટનની સુરક્ષા એજન્સીઓ સામે પણ સવાલો ઉઠાવ્યા છે.
શમીમાનાં માતા-પિતા બાંગ્લાદેશી હોવાથી શમીમા પણ બાંગ્લાદેશી જઈ શકે છે એવી દલીલ બ્રિટનની સરકારે કરી છે પણ શમીમા પાસે બાંગ્લાદેશની નાગરિકતા નથી તેથી તેને બાંગ્લાદેશ સ્વીકારવા તૈયાર નથી. બ્રિટનની સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે, ઈસ્લામિક સ્ટેટ દ્વારા શમીમાને ભોળવીને તેના માનસમાં કટ્ટરવાદનું ઝેર ભરાયું હતું અને તેને સીરિયામાં જવા માટે ફસાવાઈ હતી. આ સ્વીકારના કારણે શમીનાનો કેસ મજબૂત બન્યો છે.
શમીમાનું શું થશે એ ખબર નથી પણ આ ઘટનાએ ઈસ્લામિક સ્ટેટ જેવાં કટ્ટરવાદી સંગઠનોની મોડસ ઓપરેન્ડીને ફરી ખુલ્લી પાડી છે. ધર્માંધતાના કારણે ભોળવાઈ જતી હજારો છોકરીઓની હાલત શમીમા જેવી થાય છે. એ છોકરીઓનો ઉપયોગ આતંકીઓની હવસ સંતોષવા થાય છે અને તેમાંથી છૂટી શકાતું નથી. છૂટવા મથે તો મારી જાય છે કાં શમીનાની જેમ ના ઘરની ના ઘાટની થઈને રહી જાય છે.
શમીમાનો ઉપયોગ આઈએસના આતંકી હવસ સંતોષવા કરતા
શમીમા બ્રિટનના ઈસ્ટ લંડનના બેથનાલ ગ્રીન વિસ્તારમાં રહેતી હતી. ૨૦૧૫માં શમીમા માત્ર ૧૫ વર્ષની હતી ત્યારે બ્રિટનથી ભાગીને સીરિયા પહોંચી હતી. તેની સાથે સ્કૂલની બીજી બે મુસ્લિમ ફ્રેન્ડ પણ ભાગીને સીરિયા ગઈ હતી. સીરિયામાં ઈસ્લામિક સ્ટેટના શાસનમાં ઈસ્લામના નિયમો પ્રમાણે રહેવા મળશે એવી આશામાં શમીમા જતી રહી હતી અને આઈએસઆઈએસના એક આતંકવાદીને પરણી ગઈ હતી. શમીમાએ એ વખતે સીરિયામાં રહીને જે ઈન્ટરવ્યૂ આપ્યા તેમાં કહેલું કે, પોતાનાથી નિર્ણયથી બહુ ખુશ છે અને બ્રિટન છોડયાનો કોઈ અફસોસ થતો નથી.
શમીમાના વકીલોના કહેવા પ્રમાણે, ૨૦૧૯માં શમીમાનો પતિ પકડાયો પછી શમીમાની તકલીફોની શરૂઆત થઈ ગઈ. શમીમા રીફ્યુજી કેમ્પમાં રહેતી અને ત્યાં તેને બીજા આતંકીઓ સાથે શરીર સંબંધ બાંધવાની ફરજ પડાવા માંડી. નોર્થ-ઈસ્ટ સીરિયામાં કુર્દીશ આતંકીઓના વિસ્તારમાં શમીમા પર રોજ બળાત્કાર કરાતો હતો એવો વકીલોનો દાવો છે.
શમીમા અત્યારે સીરિયાથી આવેલા રીફ્યુજીઓના કેમ્પમાં રહેતી હોવાનું મનાય છે. શમીમાની માતા અસ્મા બેગમે માનવાધિકારવાદીઓની મદદથી નાગરિકતા પાછી મેળવીને પોતાની પાસે પાછી લાવવાની ઝુંબેશ શરૂ કરી છે.
પૂણેની 16 વર્ષની છોકરી આઈએસની બોમ્બર બનવા ભાગેલી
શમીમા જેવી જ ઘટના ભારતમાં ૨૦૧૫માં બની હતી જ્યારે પૂણેની એક ૧૬ વર્ષની મુસ્લિમ છોકરી આઈએસમાં જોડાવા માટે ઘરેથી ભાગી ગઈ હતી. આ છોકરી છોકરી આઈએસથી એ હદે પ્રભાવિત થઈ ગઈ હતી કે, આત્મઘાતી બોમ્બર બનવા માગતી હતી. સદનસીબે આ છોકરી પૂણેથી બહાર જાય એ પહેલાં તેનાં ઈરાદાની માતા-પિતાને જાણ થઈ જતાં તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી. પોલીસે છોકરીને પકડીને તેને શાંતિથી સમજાવી તેથી છોકરી ચેતીને પાછી ફરી ગઈ હતી. બાકી આ છોકરી પણ બીજી શમીમા બનીને રહી ગઈ હતી. શમીમાની જેમ શારીરિક શોષણ અને આતંકીઓની હવસનો શિકાર બની ગઈ હોત.
ગુજરાતમાંથી ૨૦૧૭માં ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના રવાડે ચડેલા બે યુવકો પકડાયા હતા. સારા પરિવારના યુવકોમાંથી એક એમસીએમાં ભણતો હતો ને નાનો ભાઈ બીસીએ થયેલો હતો. તેમના પિતા પણ સારી સરકારી નોકરી કરતા હતા ને પ્રતિષ્ઠા ધરાવતા હતા. કોમ્પ્યુટરના ફિલ્ડમાં આગળ વધી શકે એવા બંને ભાઈઓને મોટા ભાઈની પત્નીએ ઈસ્લામિક સ્ટેટ તરફ વાળ્યા હતા. આ ઘટનાઓ આઈએસ મહિલાઓને નિશાન બનાવીને તેમનું બ્રેઈન વોશ કરવાની વ્યૂહરચના અપનાવે છે તેનો પુરાવો છે.


