Get The App

ઈથોપિયામાં ફાટેલા જ્વાળામુખીએ પશ્ચિમ ભારતને બાનમાં લીધું !

Updated: Nov 26th, 2025

GS TEAM

Google News
Google News
ઈથોપિયામાં ફાટેલા જ્વાળામુખીએ પશ્ચિમ ભારતને બાનમાં લીધું ! 1 - image


- જ્વાળામુખીની રાખ 24 કલાકમાં 4500 કિ.મીનો પ્રવાસ કરીને ભારત થઈ ચીન સુધી પહોંચી

- દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, યુપી અને અન્ય કેટલાક રાજ્યો તથા હિમાલય સુધી આકાશમાં રાખનું સામ્રાજ્ય છવાયું છે.  પથ્થરો, માટી, રેતી અને અન્ય કચરા ઉપરાંત જ્વાળામુખીમાંથી વિશાળ માત્રામાં રાખ ઉડી છે. તેની સાથે સાથે મોટા જથ્થામાં સલ્ફર ડાયોક્સાઈડ પણ નીકળ્યો છે. સલ્ફર ડાયોક્સાઈડ એક એવો પદાર્થ છે જે સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર ઉપજાવી શકે છે : સબ ટ્રોપિકલ વેસ્ટર્લી જેટ સ્ટ્રીમના કારણે આ બધું થયું છે. આ સિસ્ટમને કારણે જ્વાળામુખીની રાખ પહેલાં તો ૧૫ કિલોમીટર સુધી ઉપર ગઈ અને ત્યારબાદ તેણે લાંબા અંતરનો પ્રવાસ શરૂ કરી દીધો 

ઈથિયોપિયાના ઉત્તરી ભાગમાં આવેલો હાયલી ગુભી જ્વાળામુખી રવિવારે અચાનક ફાટયો હતો. ૧૨,૦૦૦ વર્ષ સુધી નિષ્ક્રિય રહ્યા બાદ આ જ્વાળામુખી અચાનક ફાટયો અને તેમાંથી જે રાખ અને અન્ય કચરો નીકળ્યા તેણે આસપાસના વિસ્તારોને તો ઢાંકી જ દીધા પણ સાથે સાથે તેની રાખ હજારો કિ.મી. પ્રવાસ કરીને ભારત અને પાકિસ્તાન તથા ચીન સુધી પહોંચી ગઈ.

ઉલ્લેખનીય છે કે, સોમવારે મોડી રાત્રે દિલ્હીના આકાશમાં અચાનક રાખનું સામ્રાજ્ય છવાતું હોય તેમ દેખાવા લાગ્યું. ઈન્ડિયા મેટ સ્કાઈ વેધર એલર્ટે જણાવ્યું કે, આ રાખના ગોળા જોધપુર-જૈસલમેર થઈને ભારતમાં એન્ટ્રી કરીને દિલ્હી તરફ આગળ વધ્યા હતા. તેઓ ધીમે ધીમે ઉત્તર-પૂર્વ તરફ ગતિ કરતા હતા. તેના કારણે ભારતમાં આ વિસ્તારોમાં હવાઈ સેવાઓને માઠી અસર પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, જ્વાળામુખીની રાખ ઘણા લાંબા અંતર સુધી આગળ વધી શકે છે તેથી વિવિધ દેશની એજન્સીઓ દ્વારા તેના ઉપર વોચ રાખવામાં આવી રહી હતી. 

જાણકારો એવું પણ માને છે કે, પથ્થરો, માટી, રેતી અને અન્ય કચરા ઉપરતાં જ્વાળામુખીમાંથી વિશાળ માત્રામાં રાખ ઉડી છે. તેની સાથે સાથે મોટા જથ્થામાં સલ્ફર ડાયોક્સાઈડ પણ નીકળ્યો છે. સલ્ફર ડાયોક્સાઈડ એક એવો પદાર્થ છે જે સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર ઉપજાવી શકે છે. બીજી તરફ એવી પણ વાત છે કે, જ્વાળામુખીમાંથી જેટલો સલ્ફર ડાયોક્સાઈડ વધારે નીકળે છે તેટલી જ તે જ્વાળામુખીની આગામી સમયમાં વધારે વિસ્ફોટ કરવાની શક્યતા વધી જાય છે. તેનો સીધો અર્થ થાય છે કે, મેગ્મા હાલી રહ્યો છે અને તે ગમે ત્યારે પ્રચંડ વિસ્ફોટ કરીને બહાર આવી શકે છે. 

જાણવા જેવી બાબત એ છે કે, ઈથિયોપિયાના અફાર ક્ષેત્રમાં આ જગ્યા આવેલી છે. રવિવારે ફાટેલો આ જ્વાળામુખી ઈથિયોપિયાની રાજધાની અદીસ અબાબાથી અંદાજે ૮૦૦ કિ.મી દૂર ઉત્તર-પૂર્વમાં આવેલો છે. આ જ્વાળામુખી ફાટવાથી ઘણા કલાકો સુધી આકાશમાં જ્વાળામુખીની રાખ અને અન્ય પદાર્થો ચકરાવો લેતા ગયા. તેમાંથી મોટો આકાશમાં ઉડીને હજારો કિ.મી દૂર સુધી ફેલાયો જ્યારે નીચેના ભાગે જે રાખ નીકળી તેણે અફદેરા અને આસપાસના ગામડાઓને ઢાંકી દીધા હતા. જાણકારોએ જણાવ્યું કે, આ રાખે ખૂબ જ લાંબો પ્રવાસ કર્યો છે. ફ્રાન્સના ટૂબૂલ વોલ્કેનિક, એશ એડવાઈઝરી સેન્ટરના જણાવ્યા પ્રમાણે રાખની ઉંચાઈ અંદાજે ૧૫ કિ.મીની આસપાસ હશે. તેના કારણે જ તે રાતે આ રાખ સમુદ્ર, આસપાસના ગામડા, યમન, ઓમાન, ભારત અને ઉત્તરી પાકિસ્તાન તથા ચીનના કેટલાક વિસ્તારો સુધી ફેલાઈ છે. 

ઉત્તર કેરોલિના સ્ટેટ યુનિવર્સિટીના વોલ્કેનોલોજિસ્ટ એરિયાના સોલ્ડાતીએ એક સાયન્ટિફિક અમેરિકન મેગેઝીનને જણાવ્યું હતું કે, જ્યાં સુધી મેગ્મા બનવાની તૈયારી ચાલતી હોય ત્યાં સુધી ઘણી વખત ૧૦૦૦થી ૧૦,૦૦૦ વર્ષ પણ પ્રક્રિયા ચાલતી હોય છે. 

આ તમામ વિસ્તાર પૂર્વ આફ્રિકન રિફ્ટ ઝોનમાં આવે છે. અહીંયા આફ્રિકન અને અરેબિયન ટેક્ટોનિક પ્લેટ્સ વર્ષે ૦.૪થી ૦.૬ ઈંચની ઝડપે અલગ થઈ રહી છે. સંશોધકો માને છે કે, આ વિસ્તારમાં રાખનો આટલો મોટો ફુવારો ઉડવો કે આટલું મોટું વાદળ રચાવું ખરેખર આશ્ચર્યજનક છે. આ વિસ્તારનો વિગતે અભ્યાસ કરવા જેવો છે. હેલી ગુબ્બી અફાર રિફ્ટનો ભાગ છે. આ એક એવો વિસ્તાર છે જ્યાં ધરતીની નીચે ટેક્ટોનિક પ્લેટ્સ સતત ખસતી રહે છે. આ વિસ્તારમાં બીજા જ્વાળામુખી, જેવા કે એર્ટા એલેને પણ હાલમાં સતત મોનિટર કરવામાં આવી રહ્યો છે. 

હેલી ગુબ્બીમાંથી નીકળેલી રાખનો આટલો મોટો જથ્થો એ બાબતના સંકેત આપે છે કે, ધરતીની નીચે મેગ્મામાં મોટાપાયે ફરેફાર થઈ રહ્યા છે અને તેનું અધ્યયન જરૂરી છે.

સંશોધકોનું માનવું છે કે, તેમને થોડા સમય પહેલાં પણ સંકેત મળ્યા હતા કે, પૃથ્વીના પેટાળમાં કંઈક મોટી ઉથલપાથલ ચાલી રહી છે. જુલાઈમાં એર્તા એલે જ્વાળામુખી ફાટયો અને તેના કારણે હાયલી ગુબ્બીની નીચેની જમીન હાલી ગઈ. તેના કારણે મેગ્મા ૩૦ કિલોમીટર નીચે ઘુસી આવ્યો. સંશોધકોને આ દરમિયાન જ્વાળીમુખીની તિરાડોમાંથી ગેસ બહાર આવતા દેખાયા અને જમીન પણ થોડી ઉંચી આવી ગઈ હોય તેમ લાગ્યું હતું. સંશોધકોએ હવે ઈથિયોપિયા પહોંચીને મેગ્માના નમુના લેવાનું નક્કી કર્યું છે. તેના દ્વારા જ ખ્યાલ આવશે કે ખરેખર જ્વાળામુખી ૧૨,૦૦૦ વર્ષ સુધી નિષ્ક્રિય હતો અને કયા કારણે એકાએક સક્રિય થઈ ગયો. રાખના નમુના અને મેગ્મા દ્વારા જ સાચી સ્થિતિની માહિતી મેળવી શકાશે.

ખાસ વાત એવી છે કે, આ જ્વાળામુખી ફાટવાથી જાનમાલનું ખાસ નુકસાન થયું નથી પણ તેની સરખામણીએ દૂર દૂર સુધી રાખનું જે સામ્રાજ્ય ફેલાયું છે તેના કારણે માણસો અને અન્ય સજીવો ઉપર ઘાતક અસર પડે તેમ છે. આ જ્વાળામુખીમાંથી નીકળેલી રાખ ૪૫૦૦થી ૭૦૦૦ કિ.મી સુધીનો પ્રવાસ કરીને રાતાસમુદ્ર ઉપર થઈને યમન, ઓમાન, ભારત, ઉત્તરી પાકિસ્તાન અને ચીન સુધી પહોંચી હતી. 

સંશોધકો તેને ગ્લોબલ એટમેસ્ફિયરિક ડાયનામિક્સનો એક દુર્લભ કિસ્સો ગણાવે છે. સામાન્ય રીતે કોઈપણ જ્વાળામુખી ફાટે તો તેની રાખ સ્થાનિક સ્તરે ફેલાતી હોય છે અને તેના વાતાવરણમાં પ્રસરતી હોય છે પણ આ જ્વાળામુખીની રાખ કંઈક અલગ જ કહેવા માગે છે. 

સંશોધકોના મતે જેટ સ્ટ્રીમ એટલે કે શક્તિશાળી અને ઝડપી હવાની એક એવી લહેર કે જેના કારણે રાખના કણો હજારો કિલોમીટરનો પ્રવાસ ગણતરીના કલાકોમાં પસાર કરીને દૂર દૂર સુધીના દેશો સુધી ફેલાઈ ગયા. સબ ટ્રોપિકલ વેસ્ટર્લી જેટ સ્ટ્રીમના કારણે આ બધું થયું છે. આ સિસ્ટમને કારણે જ્વાળામુખીની રાખ પહેલાં તો ૧૫ કિલોમીટર સુધી ઉપર ગઈ અન ત્યારબાદ તેણે લાંબા અંતરનો પ્રવાસ શરૂ કરી દીધો. આ રાખ અને ધુમાડો હવે ભારતના કેટલાક રાજ્યો, પાકિસ્તાનના કેટલાક પ્રદેશો અને ચીન સુધી ફેલાયા છે. તેના કારણે વાતાવરણ ધુંધળું થઈ ગયું છે અને સલ્ફર ડાયોક્સાઈડ જેવા ઝેર ગેસ શ્વાસ દ્વારા શરીરમાં જોય તો મુશ્કેલી સર્જાય તેમ છે. 

તેનાથી બચવા માટે જ ભારતમાં મોટાપાયે વિમાની સેવાઓ બંધ કરવાની ફજ પડી હતી. બે દિવસ સુધી ભારતમાં આ જ્વાળામુખીના પગલે અનિશ્ચિતતા જોવા મળી હતી. 

ગરમ હવા ઉપર ઉઠી અને તેની સાથે ઝેરી ગેસ અને રાખ દૂર સુધી ફેલાયા

હેલી ગુબ્બી જ્વાળામુખી વિશે જાણકારો માને છે કે, તેની રાખ અને ધુમાડો જોધપુર થઈને ભારતમાં પ્રવેશ્યા અને ધીમે ધીમે ઉત્તરભારત તરફ આગળ વધ્યા. તેના કારણે દિલ્હીમાં સ્થિતિ સૌથી વધારે કફોડી થઈ. તે ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ તેની અસર જોવા મળી હતી. આ જ્વાળામુકી ફાટવાથી લાવા કે મેગ્માની ખાસ અસર જોવા મળી નહોતી પણ તેમાંથી જે ધુમાડો અને રાખ નીકળ્યા તેણે લોકોની ચિંતા વધારી છે. તેમાં કાચ, પથ્થરો અને અન્ય ઘન પદાર્થોની હાજરી હતી જે થોડા ઘણા વિસ્તારમાં ફેલાઈ અને બાકીના ગેસ અને રાખના કણો ઉડીને આગળ જવા લાગ્યા. તેમાં સલ્ફ ડાયોક્સાઈડ, કાર્બન ડાયોક્સાઈડ અને કાર્બન મોનોક્સાઈડ જેવા ઝેરી વાયુઓનો સમાવેશ થાય છે. તે વાયુમંડળથી લગભગ ૪૦ કિ.મી. ઉપર ગયા ત્યાંથી આગળની તરફ ગતિ કરવા લાગ્યા. ૪૦ કિ.મી ઉંચાઈએ હવાની ઝડપ અત્યંત વધારે હોય છે. 

જ્વાળીમુખીમાંથી નીકળેલી રાખ અને ઝેરી ધુમાડા હવાની દિશામાં જ આગળ વધવા લાગ્યા. આ ઝેરી ગેસ અને ધુમાડો અરબસાગર પસાર કરીને ગુજરાત અને રાજસ્થાન થઈને ભારતમાં ઘુસ્યા હતા. જેટ સ્ટ્રીમ કે જે એખ સાઈક્લોનિક પ્રવાહ હોય છે તેણે આ કણો અને ઝેરી વાયુઓને ઝડપથી પ્રવાસ કરવામાં સાથ આપ્યો. તેના કારણે જ તેઓ ૨૪ કલાકમાં હજારો કિ.મીનું અંતર કાપીને ભારત સુધી પહોંચી ગયા. આ રીતે વિચારીએ તો જેટ સ્ટ્રીમના કારણે આ ઝેરી ગેસ અને રાખના કણો ચીન સુધી અને તેનાથી પણ કદાચ આગળ સુધી ફેલાઈ શકે છે.

વિમાનોને આ રાખ અને ધુમાડાથી વ્યાપક નુકસાન થવાની શક્યતા

ઉલ્લેખનીય છે કે, આ રાખ અને ધુમાડાના કારણે માણસોના શરીર ઉપર તો અસર થાય જ છે પણ સાથે સાથે તેનાથી વાહનોને વ્યાપક નુકસાન થવાની શક્યતા રહેલી છે. 

જાણકારોના મતે વિમાનો કે જે આકાશમાં ઉંચા અંતરે ઉડે છે તેમને આ રાખ અને ધુમાડો વધારે અસર કરે છે. આ તમામ વિમાનો લાંબા અંતરના પ્રવાસ માટે પૃથ્વીથી ૧૦-૧૪ કિ.મી ઉપર ઉડતા હોય છે. આ પ્રકારે જ્વાળામુખી ફાટે તો આ વિમાનોને નુકસાન થવાની વ્યાપક શક્યતા છે. જ્વાળામુખીના ધુમાડાથી પ્લેનની બાહ્ય સપાટીને અસર થાય છે અને ઘણી વખત તેની દિશા અને ગતિને પણ અસર થતી હોય છે. તે ઉપરાંત રાખ અને ધુમાડામાં રહેલા ઝીણા ઝીણા કણો પ્લેનના એન્જિન અને પંખામાં જતા રહે છે જે ત્યાં જઈને ઓગળે છે અને પ્લેનના એન્જિનને નુકસાન કરે છે. પ્લેનનું એર ફિલ્ટરેશન સારું હોય છે તેથી પ્રવાસીઓના શ્વાસમાં આ વાયુ જતા નથી પણ લાંબાગાળે આવા વિસ્તારોમાંથી જવાના કારણે પ્લેનનું એર ફિલ્ટર ખરાબ થવાની શક્યતા રહેલી છે. પ્લેનના એન્જિન, મશીનરી અને બાહ્ય સપાટીને લાંબાગાળે આ ધુમાડો અને રાખ નુકસાન કરી શકે છે. બીજી વાત એવી પણ છે કે, આ એક જ્વાળામુખીય પ્લમ એટલે કે કામચલાઉ અને થોડા દિવસ ચાલે તેવી નાનકડી ઘટના છે. થોડા દિવસમાં આ રાખ અને ધુમાડા શાંત પડી જશે અને જમીન ઉપર પથરાઈ જશે. વાદળ અને વરસાદ આવા જોખમોને શાંત કરવામાં સફળ નથી ગયા. હવામાનની સરખામણીએ સલ્ફર ડાયોક્સાઈડ, કાર્બન ડાયોક્સાઈડ જેવા ઝેરી ગેસની અસર વધારે થાય છે તેથી સાચવવું જોઈએ. કાર્બન ડાયોક્સાઈડ કે કાર્બન મોનોક્સાઈડ જેવા ધુમાડા અને ગેસને અટકાવે તેવી કોઈ નક્કર અને વૈકલ્પિક વ્યવસ્થા વિકસાવાઈ નથી.

Tags :