- મહિલાઓની સુરક્ષાના પોકળ દાવા અને પાંગળા કાયદા વચ્ચે પણ દર વર્ષે મહિલાઓ સામેની હિંસાના લાખો કેસ આવે છે
- એનસીઆરબીના ડેટા પ્રમાણે 2024ના અહેવાલો મુજબ દેશના મેટ્રો શહેરોમાં દહેજના 1008 કેસ નોંધાયા હતા. તેમાંથી કર્ણાટકની રાજધાની બેંગ્લૂરૂમાં 878 કેસ નોંધાયા હતા. ત્યારબાદ લખનઉમાં દહેજના 48 કેસ નોંધાયા હતા. દેશમાં મહિલાઓ સામેના ગુનામાં પતિ કે સાસરીયા દ્વારા અપાયો ત્રાસ કે શારીરિક હિંસા સૌથી વધારે પ્રમાણમાં છે : ઘરેલુ હિંસામાં દેશમાં 2024માં કુલ 1.2 લાખ કેસ નોંધવામાં આવ્યા હતા. આવા કેસમાં 21,266 કેસ સાથે ઉત્તર પ્રદેશ સમગ્ર દેશમાં મોખરે હતું. બીજી તરફ રાજસ્થાન આ કિસ્સામાં બીજા ક્રમે આવે છે. તેમાં 10,578 કેસ નોંધાયા હતા. ત્રીજા ક્રમે આવતા મહારાષ્ટ્રમાં પણ 10,538 કેસ અને ત્યારબાદ કર્ણાટકમાં પણ 2947 કેસ નોંધાયા હતા : બીજી તરફ સ્થિતિ ત્યારે વણસે છે જ્યારે એ મહિલા પોતાના પિયર જાય છે અને તેના વિશે વાત કરે છે ત્યારે તેને ત્યાંથી પણ મદદ કે સાથ મળતા નથી. મોટાભાગના કિસ્સામાં મહિલાના માતા-પિતા અથવા તો ભાઈઓ દ્વારા સહન કરવાનું, જતું કરવાનું અને એડજસ્ટ કરવાનું જ શિખવવામાં આવે છે અથવા તો સલાહ આપવામાં આવે છે
ભારતમાં દહેજપ્રથા સામે આકરા કાયદા લાવવામાં આવેલા છે અને તેનું કથિત રીતે અમલીકરણ થાય છે તેવી બાંગો અને બુમરાણો આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. લગ્નપ્રથામાં દહેજ આપવું, માગવું કે લેવું બધું જ ગુનો ગણવામાં આવે છે. તેમ છતાં તાજેતરમાં જ નોઈડામાં દહેજની સમસ્યાને પગલે બે મહિલાઓના જીવ ગયાની ઘટના સામે આવી છે. તેમને દહેજ માટે પરેશાન કરતી હોવાના આરોપો મુકાયા છે. પાંગળા કાયદા તેની રીતે તપાસ કરે છે અને વર્ષો પછી કદાચ ન્યાય થશે પણ પરિવારોએ પોતાની દીકરી ગુમાવી છે. ત્વિશા શર્મા નામની ૩૩ વર્ષની યુવતી પોતાના સાસરે ભોપાલમાં મૃત અવસ્થામાં મળી આવી હતી. તેના થોડા દિવસ બાદ ગ્રેટર નોઈડાના ઈકોટેક-૩ વિસ્તારમાં દીપિકા નાગર નામની ૨૦ વર્ષની યુવતીએ પોતાના મકાનની છત ઉપરથી મોતની છલાંગ લગાવી દીધી હતી. આ બંને યુવતીના માતા-પિતા દ્વારા દહેજ માટે હેરાનગતી કરાતી હોવાના આરોપ મુકાયા છે. આ બંને કેસ ફરી એક વખત ભારતના કાયદાની છટકબારીઓ અને સમાજના દંભ ઉપર પ્રકાશ પાડે છે જ્યાં કહેવાતા અત્યાધુનિક સમયમાં અને ડિજિટલ યુગમાં પણ દહેજનું દુષણ ગયું નથી.
ત્વિશા શર્માની વાત કરીએ તો ૧૨મી મેના રોજ ભોપાલ ખાતે કટારા હિલ્સ વિસ્તારમાં તેના પતિ સમર્થ સિંગના ઘરે તેણે ગળાફાંસો ખાઈ લીધો હતો. તેઓ ૨૦૨૪માં ડેટિંગ એપ દ્વારા એકબીજાને મળ્યા હતા અને ડિસેમ્બરમાં જ તેમના લગ્ન થયા હતા. ત્વિશાના બાઈ મેજર હર્ષિત શર્માએ જણાવ્યું કે ઘણા સમયથી તેના સાસરીયા દહેજ માટે તેને પરેશાન કરતા હતા. તેમનો આરોપ છે કે, વારંવાર ત્વિશાના સાસરીયા અને પતિ દ્વારા દહેજની માગણી કરાતી હતી અને તેને હેરાન કરવામાં આવતી હતી. તેના મૃત્યુ બાદ ત્વિશા અને તેની માતાની પ્રાઈવેટ વોટ્સએપ ચેટ બહાર આવી હતી. તેમાં તેણે લખ્યું હતું કે, મમ્મી આ ઘરમાં મને બહું જ ગુંગળામણ થાય છે. ત્વિશાના પતિ અને તેની માતા સામે હાલમાં દહેજથી મૃત્યુની કલમ લાગુ કરી કેસ નોંધવામાં આવ્યો છે.
બીજા કેસી વાત કરીએ તો દીપિકા નાગર માત્ર ૨૦ વર્ષની યુવતી હતી. તેણે ૧૭મી મેએ પોતાના ઘરના છત ઉપરથી મોતની છલાંગ લગાવી હતી. દીપિકાના પરિવારજનોએ પણ આરોપ મુક્યો હતો કે, પતિ અને સાસરિયા દ્વારા દીપિકાને સતત પરેશાન કરવામાં આવતી હતી. આત્મહત્યા પહેલા તેણે પોતાના માતા-પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે, તેના સાસરીયા તેની સાથે મારપીટ કરશે છે. દીપિકાના પિતાનો આરોપ છે કે, તેમની દીકરીએ આત્મહત્યા નથી કરી તેની હત્યા કરી દેવાઈ છે. તેમના મતે દીપિકાના શરીર ઉપર ઈજાના પણ નિશાન હતા. તેવો જ એક કેસ જાન્યુઆરીમાં આવ્યો હતો. તેમાં તો દિલ્હી પોલિસની સ્વાટ ટીમની મહિલા કમાન્ડોની તેના પતિ દ્વારા ભયાનક હત્યા કરવામાં આવી હતી. તેની પાછળ પણ કારણ દહેજ જ હતું. અંકુર દ્વારા તેની ચાર મહિનાની ગર્ભવતી પત્નીની જઘ્યન હત્યા કરાઈ હતી. તેણે તેના માથામાં ડમ્બલ માર્યા હતા અને તેના પગલે તેનું મોત નિપજ્યું હતું. અંકુરે તો કાજલની હત્યા દરમિયાન તેના ભાઈને ફોન કરીને જણાવ્યું હતું કે, તે કાજલની હત્યા કરી રહ્યો છે. આવા જઘન્ય કિસ્સા ભારતમાં થઈ રહ્યા છે છતાં આપણે સુઘડ સમાજ અને મજબૂત કાયદાની પોકળ વાતો કરતા રહીએ છીએ.
ભારતમાં વર્ષે દહેજના અનેક કેસ સામે આવતા હોય છે. બેંગ્લૂરૂમાં ૨૦૨૪માં દહેજના સૌથી વધારે કેસ નોંધાયા હતા. તે દેશના મેટ્રો શહેરના સૌથી વધારે કેસ હતા. એનસીઆરબીના ડેટા પ્રમાણે ૨૦૨૪ના અહેવાલો મુજબ દેશના મેટ્રો શહેરોમાં દેહજના ૧૦૦૮ કેસ નોંધાયા હતા. તેમાંથી કર્ણાટકની રાજધાની બેંગ્લૂરૂમાં ૮૭૮ કેસ નોંધાયા હતા. અહીંયા દહેજના કેસ નોંધાવાનો દર ૮૭ ટકા હતો. ત્યારબાદ લખનઉમાં દહેજના ૪૮ કેસ નોંધાયા હતા. એનસીઆરબીનો જ ૨૦૨૪નો ડેટા જણાવે છે કે, દેશમાં મહિલાઓ સામેના ગુનામાં પતિ કે સાસરીયા દ્વારા અપાયો ત્રાસ કે શારીરિક હિંસા સૌથી વધારે પ્રમાણમાં છે. દેશમાં ૨૦૨૪માં આવા કુલ ૧.૨ લાખ કેસ નોંધવામાં આવ્યા હતા. આવા કેસમાં ૨૧,૨૬૬ કેસ સાથે ઉત્તર પ્રદેશ સમગ્ર દેશમાં મોખરે હતું. અહીંયા પતિ અને સાસરીયા દ્વારા મહિલાઓને ત્રાસ આપવામાં આવે સ્વાભાવિક ઘટના થઈ ગઈ છે. બીજી તરફ રાજસ્થાન આ કિસ્સામાં બીજા ક્રમે આવે છે. તેમાં ૧૦,૫૭૮ કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં પણ ૧૦,૫૩૮ કેસ નોંધાયા હતા. તેના કારણે તે ત્રીજા ક્રમે આવ્યું હતું. કર્ણાટકમાં પણ ૨૯૪૭ કેસ નોંધાયા હતા.
ચિંતાજનક બાબત એ છે કે, ૨૦૧૭થી ૨૦૨૨ સુધી સતત દેશમાં દર વર્ષે ૭,૦૦૦થી વધારે મહિલાઓના મોત દહેજ પ્રથાના કારણે થયા છે. દહેજના કારણે મૃત્યુના કેસમાં ૧૯ મેટ્રો શહેરમાં દિલ્હીમાં સૌથી વધારે કેસ નોંધાયા હતા જે મેટ્રો સિટીમાં સૌથી વધારે છે. આશ્ચર્યની વાત એ છે કે, છેલ્લાં પાંચ વર્ષથી દહેજના લીધે થતા મૃત્યુના કેસમાં દિલ્હી ટોચના સ્થાને જ આવે છે. દિલ્હીમાં ૧૧૧ પારિવારિક આરોપીઓ સામેના કેસની સાથે કુલ ૧૦૯ દહેજના કારણે થયેલા મોતના કેસ નોંધાયા હતા. આ ઉપરાંત કાનપુર આવા કિસ્સામાં બીજા ક્રમે આવે છે. અહીંયા ૨૦૨૪માં દહેજના કારણે થતા ગુના અને મૃત્યુના કુલ ૫૪ કેસ નોંધાયા હતા. તેવી જ રીતે પટનામાં ૩૧ કેસ નોંધાયા હતા. આ સિવાય બેંગ્લૂરૂમાં દહેજના કારણે થયેલા મોતના ૨૪ જ્યારે હૈદરાબાદમાં આવા ૧૪ કેસ નોંધાયા હતા. ચેન્નઈ, કોઝિકોડ, કોચી, કોઈમ્બતુર સહિત બીજા સાઉથ ઈન્ડિયાના શહેરોમાં દહેજના કારણે મોતના કોઈ કેસ આવ્યા નહોતા.
મહત્ત્વની વાત એ છે કે દેશમાં હજી પણ આટલી જડતા સાથે દહેજપ્રથા કેમ અમલમાં છે તે સમજવું પડશે. નવાઈની વાત એ છે કે, ૧૯૬૧માં બીએનસની કલમ ૮૦ હેઠળ તથા આઈપીસીની કલમ ૩૦૪બી હેઠળ દહેજ લેવા કે દહેજના કારણે થતા મોતમાં કેસ દાખલ કરવામાં આવતો હતો. તેમાં પણ લગ્નના સાત વર્ષની અંદર આવી ઘટનાઓ બનતી ત્યારે કેસ વધુ આકરો થતો હતો. તેના મૃત્યુ પહેલાં દહેજ માટે મારપીટ થઈ હોય, માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોય કે અન્ય કોઈ બાબત બની હોય તો તેની ગંભીર નોંધ લેવામાં આવતી હતી. આવા કાયદા હતા છતાં નોર્થઈસ્ટના રાજ્યોમાં તો દહેજપ્રથા વ્યાપક પ્રમાણમાં ચાલતી હતી અને આજે પણ કદાચ ચાલતી જ હશે. તેનું કારણ એવું છે કે, આ સ્થિતિનો સરળતાથી ઉકેલ આવી શકે તેમ છે પણ સામાજિક-આર્થિક પરિસ્થિતિઓ જ આ કુપ્રથાને બંધ થવા દેતી નથી. તેના કારણે સ્થિતિ વકરતી જાય છે.
જેટલો ભણેલો યુવક તેટલું વધારે અને ઉંચું દહેજ માગતો હોય છે
દહેજ અંગે બીજા ચિંતાજનક સ્થિતિ એવી છે કે, જ્યારે એ મહિલા પોતાના પિયર જાય છે અને તેના વિશે વાત કરે છે ત્યારે તેને ત્યાંથી પણ મદદ કે સાથ મળતા નથી. મોટાભાગના કિસ્સામાં મહિલાના માતા-પિતા અથવા તો ભાઈઓ દ્વારા સહન કરવાનું, જતું કરવાનું અને એડજસ્ટ કરવાનું જ શિખવવામાં આવે છે અથવા તો સલાહ આપવામાં આવે છે. આ સિવાય મહિલા અને પુરુષમાં ગિફ્ટના નામે સતત દહેજ આપતા રહેવાની પ્રથા પણ ચાલતી આવી છે. આ મૂક પ્રથા સામે પણ કોઈને વાંધો નથી અને તેથી તેનો વિરોધ કોઈ કરતું નથી. ૨૦૨૩માં કરવામાં આવેલા એક અભ્યાસે તો જણાવ્યું કે જેમ જેમ ભારતમાં શિક્ષણનું સ્તર વધતું ગયું અને લોકોને સારી નોકરીઓ મળતી ગઈ તેમ તેમ દહેજની ડિમાન્ડ અને તેનું સ્તર પણ વધતું ગયું. તેમાંય વધારે ભણેલા કે વધારે સારી નોકરી કરતા છોકરાઓ દ્વારા છોકરીઓ પાસેથી વધારે દહેજ માગવામાં આવે છે. આર્થિક પાસું એવું છે કે જેના તળે સમાજ દબાયેલો છે. યુવતીના પિતાઓ દ્વારા જો દહેજ આપવાની મનાઈ કરવામાં આવે કે ઓછું દહેજ આપવામાં આવે તો તેમને ઓછું ભણેલા અને સામાન્ય નોકરી કરતા યુવકો મળે છે. છોકરાના માતા-પિતાઓ દ્વારા ઘણી વખત સીધે સીધું છોકરાને ઉછેરવાના, સારો અભ્યાસ કરાવવાના અને સારી નોકરી અપવવાના ખર્ચ પેટે તોતિંગ દહેજ લેવામાં આવે છે. તેઓ જાણે કે બધું રોકાણ પરત લેતા હોય તેમ દેખાય છે.
તપાસમાં જ વર્ષો જતા હોવાથી ન્યાય મળતા નથી અને કેસ વધે છે
જાણકારોના મતે કાયદામાં રહેલી ખામીઓ, ભ્રષ્ટાચાર અને તંત્રની નબળી કામગીરીને પગલે તપાસ વર્ષો સુધી ચાલે છે. આ વધારે મોટા આંકડા જોઈને આપણને એમ લાગે છે કે, દેશમાં દહેજના કેસ વધ્યા છે તો તેવું નથી. આ જેટલા કેસ નોંધાયા છે તે વાસ્તવિક કેસ કરતા ઘણા ઓછા છે.
છેલ્લે જોઈએ તો ૨૦૧૭થી ૨૦૨૨ દરમિયાન દર વર્ષે દહેજના કારણે ૭૦૦૦થી વધારે મહિલાઓના મોતના આંકડા આવ્યા છે. એનસીઆરબી દ્વારા જ આ ડેટા અપાયો છે છતાં તેમાં તપાસના નામે બહુ સમય જાય છે અને ખૂબ જ ઓછા લોકોને સજા થાય છે. અહેવાલો પ્રમાણે આ ૭૦૦૦ કેસમાંથી દર વર્ષે પરાણે ૪૫૦૦ લોકો સામે ચાર્જશિટ ફાઈલ થાય છે. મોટાભાગના કેસમાં તો છ-બાર મહિના સુધી માત્ર તપાસ જ ચાલતી હોય છે તેથી કેસ આગળ વધતો જ નથી. ગણતરીના કેસમાં ચુકાદા આવે છે જ્યારે મોટાભાગના કેસમાં તારીખો પડતી રહે છે અને સમય પસાર થતો રહે છે. ઘણા કેસમાં પુરાવા મળતા જ નથી અને આરોપીઓ છુટી જાય છે.


