ટ્રમ્પના પ્રતિબંધો 7000 તેજસ્વી વિદ્યાર્થીઓનાં ભાવિ સાથેની રાજરમત !
- હાર્વર્ડ સામેના અમેરિકી પ્રમુખના પગલાંથી અનેક વિદ્યાર્થીઓની કારકિર્દી ખોરંભે
- ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે સંકળાયેલા લોકો અને આતંકી ગતિવિધિઓ તથા યહુદીઓ ઉપર હુમલા કરનારાને ભીંસમાં લેવાનો પ્રયાસ ઃ હાર્વર્ડને અપાતી ગ્રાન્ટ અને તેની સ્ટુડન્ટ એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામને તાત્કાલિક અસરથી અટકાવી દેવાનો તઘલખી નિર્ણય ઃ વિદેશી વિદ્યાર્થીઓ વગર હાર્વર્ડને ઘણી મુશ્કેલી પડે તેમ છે, વિદેશી વિદ્યાર્થીઓના આગમન અને આવનજાવનથી જ યુનિવર્સિટીને તોતિંગ ફી, અનુદાન અને બીજી સવલતો મળે છે, કોર્ટે કાયદાનો કોરડો વિંઝતા ટ્રમ્પના અવિચારી નિર્ણયને તસતસતો તમાચો પડયો છે
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક પછી એક જે તઘલખી નિર્ણયોે લેવામાં આવી રહ્યા છે તેના કારણે સમગ્ર વિશ્વમાં ચિંતા અને અનિશ્ચિતતાની સ્થિતિ છે. શરૂઆતમાં તોતિંગ ટેક્સ લગાવીને સમગ્ર વિશ્વમાં ટેક્સ ટેરર ઊભો કર્યો અને હવે એજ્યુકેશન સિસ્ટમમાં પણ વિદેશીઓની ઉંઘ હરામ કરવા માટે અમેરિકી પ્રમુખે ઘુસણખોરી કરી છે. તાજેતરમાં અમેરિકી પ્રમુખ દ્વારા વિશ્વ પ્રસિદ્ધ હાર્વર્ડ યુનિવર્સિટીની ગ્રાન્ટ અટકાવી દેવામાં આવી છે. તેની સામે શરતો મૂકી દીધી છે.
ટ્રમ્પે હાર્વર્ડ યુનિવર્સિટીને જણાવી દીધું છે કે, તેઓ વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે નહીં તથા જે વિદ્યાર્થીઓ હાલમાં છે તેમને તાકીદે બીજા જાણીતી ઈન્સ્ટિટયૂટ અને યુનિવર્સિટીમાં ખસેડી દે. જો વિદ્યાર્થીઓ બીજે નહીં જાય તો તેમના વીઝા પણ રદ કરાશે અને તેમને ડિપોર્ટ કરી દેવાશે. હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા અપાતા ખ૧ અને વ૧ વીઝા ઉપર ટ્રમ્પે કાતર ફેરવી દીધી છે. આ સિવાય યુનિવર્સિટીનું ૨.૨ અબજ ડોલરનું ફંડિંગ રોકી દીધું છે અને તેને આપવામાં આવતી તમામ ટેક્સ રાહતો પણ અટકાવી દેવામાં આવી છે.
વાત જાણે એવી છે કે, આંતરિક સુરક્ષા વિભાગના સચિવ દ્વારા હાર્વર્ડ યુનિવર્સિટીને એક પત્ર લખવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, હાર્વર્ડ યુનિવર્સિટીના સ્ટુડન્ટ એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે. તેમાં કોઈને પ્રવેશ મળશે નહીં અને જે આપવામાં આવ્યા છે તેને રદ કરવામાં આવશે. જાણકારોના મતે રાષ્ટ્રપતિ પોતાના એજન્ડા થકી આ યુનિવર્સિટી ચલાવવા માગે છે પણ યુનિવર્સિટી તેને તાબે થઈ નહીં તેથી આ પગલાં લેવામાં આવ્યા છે.
સ્થિતિ એવી થઈ છે કે, ટ્રમ્પ તંત્ર દ્વારા આ નિયમ તાત્કાલિક ધોરણે લાગુ કરવામાં આવ્યો હતો. તેના કારણે વિશ્વ પ્રસિદ્ધ યુનિવર્સિટીના ૭૦૦૦ જેટલા વિદેશી વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ થઈ ગયું છે. મહત્ત્વની વાત એ છે કે, ડીએચએસ દ્વારા તાત્કાલિક અસરથી વિદેશી વિદ્યાર્થીઓને અન્ય કાયદાકીય માન્યતા પ્રાપ્ત સંસ્થાઓમાં ખસેડવાનું પણ શરૂ કરી દેવાયું હતું જેના ઉપર કાયદાનો કોરડો વિંઝાયો છે. કોર્ટ દ્વારા ટ્રમ્પના આ તઘલખી નિર્ણય ઉપર સ્ટે મુકવામાં આવ્યો છે. હાર્વર્ડ યુનિવસટીની વાત કરીએ તો તે તે અમેરિકાના મેસાચુસેટ શહેરના કેમ્બ્રિજમાં આવેલી એક ખાનગી યુનિવર્સિટી છે. તે ઈવી લીગની મેમ્બર છે.
૧૬૩૬માં શરૂ કરવામાં આવેલી આ યુનિવર્સિટી ગ્રાન્ટ દ્વારા ચાલતી સંસ્થા છે. અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ માટે આવતા વિદેશી વિદ્યાર્થીઓમાં વૈશ્વિક સ્તરે આ યુનિવર્સિટી ખૂબ જ પ્રખ્યાત છે. સદીઓથી દુનિયાભરના બુદ્ધિજીવીઓ આ યુનિવર્સિટીમાં જવા માટે તલપાપડ હોય છે. હાયર એજ્યુકેશન સેક્ટરમાં આ યુનિવર્સિટી અંદાજે પોણા ચાર સદી જેટલી જૂની સંસ્થા છે. હવે ટ્રમ્પે અચાનક આ સંસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખ૧ અને વ૧ વીઝા આપવાની મનાઈ કરી દીધી છે. તેનાથી યુનિવર્સિટીમાં આવતા ૬૮૦૦ વિદેશી વિદ્યાર્થીઓનો પ્રવેશ અટકી ગયો છે.
ટ્રમ્પ સરકાર દ્વારા હાર્વર્ડ યુનિવર્સિટી ઉપર ચીન અને તેની ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાણ કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે. ટ્રમ્પ તંત્ર દ્વારા આરોપ મુકાયો છે કે, ૨૦૨૪માં હાર્વર્ડ ચીનના એક અર્ધસૈનિક સંગઠનના સભ્યોનું હોસ્ટિંગ કર્યું હતું અને તેમના માટે ટ્રેનિંગ કોેર્સ પણ રાખ્યો હતો.
આ બધું જ ચીની સરકાર અને ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી સાથેના જોડાણ હેઠળ જ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા આતંકવાદી વિચારો ધરાવતા અને અમેરિકા વિરોધી માનસકિતા ધરાવતા વિદ્યાર્થીઓને શરણું અને પ્રોત્સાહન આપવામાં આવે છે. તેઓ યહુદી વિદ્યાર્થીઓ ઉપર આક્રમણ કરે છે, હમલા કરે છે તેને પણ મૂક સમર્થન આપવામાં આવે છે. સુરક્ષામાં આટલી મોટી બેદરકારીથી સમગ્ર દેશની પ્રતિષ્ઠા દાવ ઉપર લાગે છે. તેના કારણે જ ટ્રમ્પ દ્વારા યુનિવર્સિટી ઉપર પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે.
જાણકારોના મતે વર્તમાન સમયમાં મોટી સંખ્યામાં ચીની વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ટ્રમ્પ સરકાર દ્વારા લેવામાં આવેલા આ પગલાના કારણે મોટી સંખ્યામાં ચીની વિદ્યાર્થીઓને અસર થાય તેમ છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટું જૂથ કહેવાય છે.
આ સિવાય ૮૦૦ જેટલા ભારતીય વિદ્યાર્થીઓને પણ અસર થવાની છે. સરકારનો દાવો છે કે, રાષ્ટ્રીય સુરક્ષાના કારણે આ પગલાં લેવામાં આવ્યા છે. બીજી તરફ યુનિવર્સિટીના અધ્યક્ષનું કહેવું છે કે, યહુદી વિરોધી ઘટનાઓનું નિવરાણ લાવવા માટે મોટાપાયે પગલાં લેવામાં આવ્યા છે અને બંધારણમાં આપેલા અધિકારોના રક્ષણ માટે પણ કામગીરી કરવામાં આવી છે છતાં સરકાર દ્વારા અતિક્રમણ કરવામાં આવી રહ્યું છે.
આ કેસમાં બીજો વળાંક ત્યારે આવ્યો જ્યારે હાર્વર્ડ દ્વારા ટ્રમ્પ સરકારના આ નિર્ણય સામે કોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા હતા. યુનિવર્સિટી દ્વારા સરકારના આ નિર્ણયને ગેરબંધારણીય પગલું ગણાવાયું હતું.
આ કેસમાં કોર્ટ દ્વારા હાર્વર્ર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશની પ્રક્રિયા ઉપર ટ્રમ્પ સરકારે લગાવેલા પ્રતિબંધો ઉપર સ્ટે મુકવામાં આવ્યો હતો.
શુક્રવારે યુનિવર્સિટી દ્વારા કેસ કરાયો હતો અને કોર્ટે તાકીદે સુનાવણી કરીને યુનિવસટીની સ્વાયત્તાને યથાવત્ રાખી હતી.
આ કેસમાં સમજવા જેવી વાત એ છે કે, ભારતીય વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં ત્યાં અભ્યાસ કરે છે. એક તરફ ટ્રમ્પે ભારતીયોને વીઝાના નામે ભારત તગેડવાના તૂત શરૂ કર્યા છે અને હવે યુનિવર્સિટીઓને ટાર્ગેટ કરીને વિદેશી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત કરી રહ્યા છે. હાલમાં ટ્રમ્પે જે કર્યું તેના કારણે ૭૮૮ ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ અટવાયેલું છે. તેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન પ્રોગ્રામમાં એનરોલ થયેલા છે.
માત્ર ભારતીય વિદ્યાર્થીઓ જ નહીં અહીંયા ૧૪૦ દેશોમાંથી આવેલા અંદાજે ૭૦૦૦ વિદ્યાર્થીઓ છે જે વિવિધ કોર્સિસ કરી રહ્યા છે. હવે તેમની પાસે લિમિટેડ વિકલ્પ વધ્યા છે. આ વિદ્યાર્થીઓએ અન્ય યુનિવર્સિટીમાં ટ્રાન્સફર લેવી પડશે. ઓછા સમયમાં આ કામ કરવાનું હોવાથી પડકાર મોટો છે. તે ઉપરાંત વિદ્યાર્થીઓના વીઝાનું સ્ટેટસ પણ બદલાશે જેને માન્ય કરાવવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ અને પડકારજનક છે. સૌથી મોટું જોખમ એ છે કે, આ કેસમાં યોગ્ય ચુકાદો ન આવ્યો અને ત્યાં સુધીમાં વિદ્યાર્થીઓ અન્ય યુનિવર્સિટીમાં ન ગયા કે પછી તેમના વીઝા સ્ટેટસ ન બદલાયા તો તેમના ઉપર ડિપોર્ટેશનનું જોખમ તોળાયેલું રહેશે.
- યુનિવસટી પાસે ભંડોળ મોટું છે પણ બધું જ વાપરી શકાય તેમ નથી
હાર્વર્ડ યુનિવર્સિટી પાસે ભંડોળ અને એસેટમાં રોકાણ મોટું છે પણ બધું જ ઉપયોગમાં લઈ શકાય તેમ નથી.
જાણકારોના મતે અને ખાસ કરીને યુનિવર્સિટીના સંચાલન સાથે સંકળાયેલા જાણકારોના મતે યુનિવર્સિટી તેની પાસે આવતી તમામ ભંડોળની રકમ અને આવક ખર્ચી શકે તેમ નથી. હાર્વર્ડનો ખર્ચ વધારે છે. ૨૦૨૪માં તેને ઓપરેટિંગ ખર્ચ ૬.૪ અબજ ડોલર હતો. તેમાંથી ૧૬ ટકા રકમ અમેરિકી સરકાર દ્વારા અપાતા ભંડોળમાંથી આવે છે. આ રકમ એવી બાબતો પાછળ ખર્ચ કરવી પડે છે જેનાથી યુનિવર્સિટીની સાથે સાથે સમગ્ર દેશની પ્રતિષ્ઠામાં પણ વધારો થાય છે.
જાણકારો માને છે કે, સંસ્થાને જો અમેરિકી સરકારના ૨.૨ અબજ ડોલર દર વર્ષ ન મળે તો તેની ભરપાઈ કરવી પડે. કારણ કે ભંડોળમાંથી દર વર્ષે પાંચ ટકાથી વધારે રકમ ખર્ચ કરવી જોઈએ અને તેનાથી વધારે રકમ ખર્ચાય તો આર્થિક સંકટ આવે તેમ છે. તે ઉપરાંત યુનિવર્સિટીએ તેને મળતું બાહ્ય ભંડોળ ૪૦ અબજ ડોલરથી વધારવું જોઈએ ત્યારે જ આ આર્થિક સંકડામણને પહોંચી વળવા માટે સક્ષમ થઈ શકાય. બીજી બાબત એવી છે કે, યુનિવર્સિટીને ટેક્સમાંથી પણ મોટી રાહત મળે છે.
હવે જો સરકાર તેના ઉપર પણ કાતર ફેરવી દેશે તો યુનિવર્સિટીને મોટું આર્થિક નુકસાન થાય તેમ છે. ગત વર્ષે યુનિવસટીના ૧૨ જેટલા કોર્સમાં કુલ ૨૪,૫૯૬ વિદ્યાર્થીઓ દ્વારા એડમિશન લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત હાર્વર્ડ કોલેજમાં ગ્રેજ્યુએશન સ્તરે ૭,૦૬૩ વિદ્યાર્થીઓ દ્વારા એડમિશન લેવામાં આવ્યું હતું. તેનાથી કુલ ૧.૪ અબજ ડોલરની ફીની આવક થઈ હતી.
- હાર્વર્ડ યુનિવર્સિટી પાસે અબજો ડોલરનું ભંડોળ અને સંપત્તિ છે
હાર્વર્ડ યુનિવર્સિટીનું હાલમાં ૨.૨ અબજ ડોલરનું ભંડોળ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવાયું છે. આમ તો આ રકમ ઘણી મોટી છે તેમ છતાં યુનિવર્સિટી પાસે જે રકમ પડી છે, જે ફી તેની પાસે આવે છે, તેને અન્ય દેશો અને સંસ્થોઓમાંથી દાન મળે છે અને તેની પાસે જે એસેટ છે તેની કિંમત અબજો ડોલરની થાય છે. તેની સામે આ રકમ નાની છે છતાં ખૂબ જ મહત્ત્વની છે. માત્ર ગત વર્ષના આંકડા ઉપર નજર કરીએ તો હાર્વર્ડ પાસે અબજો ડોલરનું ભંડોળ અને સંપત્તી છે. હાર્વર્ડ યુનિવર્સિટીને ૧૪,૦૦૦ લોકો અને સંસ્થાઓ પાસેથી દાન અને ભંડોળ મળે છે. યુનિવર્સિટીને મળેલા કુલ દાનની રકમ ૫૩.૨ અબજ ડોલર છે. યુનિવર્સિટીના માટે બોન્ડ અને અન્ય બાબતનું કુલ દેવું ૬.૨ અબજ ડોલરનું છે. અચલ સંપત્તીની વાત કરીએ તો યુનિવર્સિટીનું કુલ ૬૪ કરોડ ડોલરનું રોકાણ છે. વિદ્યાર્ર્થીઓ પાસેથી આવતી ફીની રકમ અને અન્ય રકમની આવક ૧.૪ અબજ ડોલર છે.