- પાંચ દાયકા પહેલા અમેરિકાએ ઈઝરાયેલને સાથ આપવા યુદ્ધ કર્યું હતું અને પહેલી વખત ખાડી દેશોએ ક્રૂડ ઉપર કાપ મૂક્યો હતો તે સ્થિતિ હાલ ફરી સર્જાઈ છે
- 1993માં મિસર-સિરિયા સામે ઈઝરાયેલા યુદ્ધ દરમિયાન સ્થિતિ વણસી હતી. તે વખતે અમેરિકાએ ઈઝરાયેલને મદદ કરવા દરમિયાન ઓપરેશન નિકલ ગ્રાસ હાથ ધર્યું હતું. તેનાથી અકળાયેલા આરબ દેશોએ ક્રૂડનો ઉપયોગ હથિયાર તરીકે કરીને તેનો સપ્લાય રોકી દીધો હતો: 1979માં ઈરાનમાં ક્રાંતિ થઈ. તેના કારણે શાહ રઝા પહલવીનો તખતા પલટ થયો. તેમના સ્થાને આયાતુલ્લાહ ખામેનેઈ સત્તામાં આવ્યા. તેમણે ઈરાનમાં ઈસ્લામિક શાસન લાગુ કરી દીધું. તેની અસર એ થઈ કે, ઈરાનનું ઉત્પાદન ૪૮ લાખ દૈનિક બેરલથી ઘણું નીચે જતું રહ્યું. તેના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ ૧૫ ડોલરથી વધીને સીધો જ 40 ડોલર થઈ ગયો હતો: 1970 અને 1979માં પણ વૈશ્વિક સ્તરે આવી ક્રૂડની અછત સર્જાઈ નહોતી. હાલમાં તેના કરતા પણ વધારે ખરાબ અસર દેખાઈ રહી છે. આ માત્ર ક્રૂડની જ અછત નથી. તેના પગલે પેટ્રોકેમિકલ્સ, ખાતર, સલ્ફ, હીલિયમ અને અન્ય ઔદ્યોગિક પદાર્થોના સપ્લાયમાં પણ વ્યાપક ઘટાડો થયો છે. આ ઉન્માદ અને આક્રમકતાએ જ વૈશ્વિક અર્થતંત્રની કરોડરજ્જુ ભાંગી નાખવાનું કામ કર્યું છે
મધ્યપૂર્વમાં હાલમાં ઈરાન સહિતના તમામ ખાડી દેશો જાણે કે દારૂગોળાના પર્વત ઉપર બેઠા હોય તેવી સ્થિતિ છે. ચારેતરફ બોમ્બમારો, વિસ્ફોટ, અફરાતફરી અને ચિંતાની સ્થિતિ ફેલાયેલી છે. મોટાભાગના દેશોમાં ક્રૂડ અને ગેસની અછતના કારણે સ્થિતિ કફોડી થયેલી છે. તેમાંય ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીની તાજેતરની બેઠક મળી તેમાં જણાવાયું કે, આ યુદ્ધ અને સ્થિતિનો ઉકેલ નહીં આવે તો દુનિયાભરના દેશોમાં હાહાકાર મચી જશે. લોકો પેટ્રો અને ડીઝલ તથા ગેસ માટે રઝળતા થઈ જશે. હાલમાં પણ અનેક દેશોમાં ક્રૂડ અને ગેસનું રેશનિંગ શરૂ કરાયું છે અને આગામી સમયમાં તેનાથી પણ વધારે ખરાબ સ્થિતિ થાય તેમ છે.
વર્તમાન અધિકારીઓએ જણાવ્યું કે, જ્યારે આ એજન્સીની સ્થાપના કરવામાં આવી તે સમયે પણ જે વૈશ્વિક હિતો હતા તેને ધ્યાનમાં રાખવાની તસદી લેવાઈ નહોતી અને તેના કારણે જ ત્યારે જે સ્થિતિ સર્જાઈ હતી તે અત્યારે પણ સર્જાયેલી છે. તેના પગલે વિશ્વ આખું હેરાન થઈ રહ્યું છે.
જાણકારોના મતે એજન્સીનો સૂર એવો હતો કે, અમેરિકાના પાપે દુનિયાભરના દેશોને આ બધું ભોગવવાનું આવી રહ્યું છે. અમેરિકાની પાસે પણ વિવિધ વસ્તુઓની તંગી શરૂ થઈ હોવાના અહેવાલો છે. તેના કારણે જ તેણે યુદ્ધનીતિ બદલી છે.
બીજી તરફ અમેરિકાની જ પાંચ દાયકા પહેલાની તસવીર ફરતી થઈ છે જેણે વિશ્વમાં ફરી એક વખત ચર્ચા જન્માવી છે. તેમાં એક પેટ્રોલ પંપની બહાર નોટિસ મારવામાં આવી હતી કે, કોઈપણ વ્યક્તિને ૧૦ ગેલનથી વધારે પેટ્રોલ નહીં મળે.
વિશ્વમાં ક્રૂડની તંગી છે. ૫૨ વર્ષ જૂની આ તસવીર ક્રૂડ સંકટ અને ગ્લફ દેશોના આકરાં પગલાની અસરોનો સુચવી જાય છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં ઈરાન સહિતના ગલ્ફના દેશો યુદ્ધની સામનો કરી રહ્યા છે. આ તમામ માટે અમેરિકા જવાબદાર હોવાનું કહેવાય છે. તે સમયે પણ અમેરિકાની આડોડાઈને કારણે જ વિશ્વમાં ક્રૂડ સંકટ ઊભું થયું હતું અને હાલમાં પણ તેની જ હિંસક વૃત્તિ અને નીતિઓએ વિશ્વને અછતના ભરડામાં નાખી દીધું છે. ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીએ તો ચેતવણી આપી છે કે, ૧૯૭૦ના દાયકામાં જે સંકટ ઊભું થયું હતું તેના કરતા અને ચાર વર્ષ પહેલાં થયેલા યુક્રેન-રશિયા યુદ્ધના કારણે સર્જાયેલા ક્રૂડ સંકટ કરતા આ સ્થિતિ અનેકગણી વધારે ખરાબ છે. જાણકારોએ ટાંક્યું હતું કે, અમેરિકાએ જ્યારે જ્યારે ગલ્ફમાં ઘુસવાનો અને ત્યાં યુદ્ધનો પ્રયાસ કર્યો છે ત્યારે વિશ્વમાં ક્રૂડનું સંકટ ઊભું થયું છે. ૧૯૭૦થી શરૂ કરીને ૨૦૨૬ની હાલની ઘટનામાં પણ અમેરિકાની આક્રમકતા અસર કરી ગઈ છે.
ચર્ચામાં આવેલી તસવીર ૧૯૭૦ના દાયકાની છે. તે વખતે અમેરિકાના કનેક્ટિકટમાં આવેલા એક ગેસ ફિલિંગ સ્ટેશન ઉપર સાઈન બોર્ડ મુકવામાં આવ્યું હતું. તેમાં લખ્યું હતું કે, ગેસની અછત છે. ગ્રાહકોને પ્રત્યેકને ૧૦ ગેલન સુધી જ ગેસ મળશે. આજે સ્થિતિ તેવી જ થઈ ગઈ છે.
આઈઈએના પ્રમુખ ફાતિહ બિરોલે તાજેતરમાં કેનબેરા ખાતે નેશનલ પ્રેસ ક્લબ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિએ આધુનિક ઈતિહાસમાં સૌથી ગંભીર ક્રૂડ સમસ્યાને જન્મ આપ્યો છે. પોલિસિ મેકર્સ આ સ્થિતિને સમજવામાં અથવા તો તેની ગણતરી કરવામાં સંપૂર્ણ રીતે થાપ ખાઈ ગયા છે અને તેના પરિણામે વિશ્વ સંકટમાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, વિશ્વને પહેલી વખત ક્રૂડનો ઝાટકો ૧૯૭૩માં લાગ્યો હતો. તે વખતે યોમ કિપ્પૂર યુદ્ધ એટલે કે મિસર-સિરિયા સામે ઈઝરાયેલા યુદ્ધ દરમિયાન સ્થિતિ વણસી હતી. તે વખતે અમેરિકાએ ઈઝરાયેલને મદદ કરવા દરમિયાન ઓપરેશન નિકલ ગ્રાસ હાથ ધર્યું હતું. તેનાથી અકળાયેલા આરબ દેશોએ (ઓપેક દેશોએ) ક્રૂડનો ઉપયોગ હથિયાર તરીકે કરીને તેનો સપ્લાય રોકી દીધો હતો. તેના પરિણામે ક્રૂડનો ભાવ ત્યારે ૩ ડોલર પ્રતિ બેરલથી વધીને ૧૨ ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયો હતો. તે વખતે વિકસિત દેશોને પણ ક્રૂડ આપવા માટે રેશનિંગ પદ્ધતિનો ઉપયોગ કરવો પડયો હતો. અમેરિકા પણ તેમાં જ આવતું હતું.
આ ભયસ્થિતિને જોતા જ ૧૯૭૪માં યુદ્ધ બાદ ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીની સ્થાપના કરવામાં આવી હતી.
ત્યારબાદ પાંચ વર્ષ રહીને ઈરાનની ક્રાંતિ થઈ અને દુનિયા ફરી મુશ્કેલીમાં મુકાઈ. ૧૯૭૯માં ઈરાનમાં ક્રાંતિ થઈ. તેના કારણે શાહ રઝા પહલવીનો તખતા પલટ થયો. તેમના સ્થાને આયાતુલ્લાહ ખામેનેઈ સત્તામાં આવ્યા.
તેમણે ઈરાનમાં ઈસ્લામિક શાસન લાગુ કરી દીધું. તેની અસર એ થઈ કે, ઈરાનનું ઉત્પાદન ૪૮ લાખ દૈનિક બેરલથી ઘણું નીચે જતું રહ્યું. તેના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ ૧૫ ડોલરથી વધીને સીધો જ ૪૦ ડોલર થઈ ગયો હતો. અમેરિકાને પણ ઈરાન સામે ત્યારથી જ વાંધા પડયા હતા અને બંને દેશો વચ્ચેની સ્થિતિ વધારે તણાવયુક્ત થઈ હતી. તેના પગલે પહેલી વખત દુનિયાના દેશો ન્યૂક્લિયર એનર્જી અને રિન્યૂએબલ એનર્જીના વિકલ્પો તરફ વિચારવા લાગ્યા અને તેના ઉપયોગ અંગે વિકલ્પો વિકસાવવાની દિશામાં આગળ વધ્યા.
હાલમાં પણ જોઈએ તો ઈરાન અને તેની સામે અમેરિકા અને ઈઝરાયેલ દરરોજ કંઈક નવા મુદ્દા અને તુક્કા લઈને આવે છે. આ યુદ્ધમાં દરરોજ નવો વળાંક આવે છે.
અમેરિકાએ પોતાના તરફથી અસ્થાયી યુદ્ધ વિરામના સંકેત આપ્યા છે. તેણે આગામી પાંચ દિવસ અમેરિકાના કોઈપણ પાવર પ્લાન્ટ ઉપર હુમલા નહીં કરવાની જાહેરાત કરી છે. બીજી તરફ ઈરાને જણાવ્યું છે કે, અમેરિકા સાથે આવી કોઈ વાતચીત થઈ નથી. બીજી તરફ આવી વાતો વચ્ચે ઈરાને આરોપ મુક્યો છે કે, તેના બે ગેસ પ્લાન્ટ અને એક પાઈપલાઈન માળખા ઉપર હુમલો કરાયો છે. સરેરાશ એવું દેખાઈ રહ્યું છે કે, આ યુદ્ધ સીધી રીતે અટકે તેમ નથી અને સંકટ લાંબું ચાલે તેમ છે.
ઉલ્લેખનીય છે કે, આ સમસ્યાનો ઉકેલ લાવવા આઈઈએ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
તેમણે તમામ સભ્ય દેશોને જણાવ્યું છે કે, કટોકટી માટે રાખવામાં આવેલા ભંડારમાંથી ૨૦ ટકા ભંડાર જારી કરવામાં આવે. બિરોલે જણાવ્યું કે, આ સ્ટોક રિલીઝ કરવાથી બજારમાં સ્થિતિ થોડીઘણી સામાન્ય થશે પણ સમસ્યાનો આ કાયમી ઉકેલ નથી. તેનાથી દુનિયાના કેટલાક દેશોને મદદ મળશે અને વૈશ્વિક અર્થતંત્રની પીડાને થોડી ઓછી કરી શકાશે પણ પીડા દૂર નહીં કરી શકાય.
તમામ દેશોને ક્રૂડનો ઉપયોગ ઘટાડવા અને તેના માટે શક્ય હોય તેટલા પગલાં લેવાની અપીલ કરી છે. વર્ક ફ્રોમ હોમ વધારવાની, હાઈવે સ્પીડ લિમિટ વધારવાની તથા બીન જરૂરી હવાઈ યાત્રાઓ અટકાવવાની પણ અપીલ કરી છે.
વર્તમાન સ્થિતિ પાંચ દાયકા કરતા પણ ભયાનક છે - આઈઈએની ચેતવણી
ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીએ ચેતવણી આપી છે કે, હાલમાં જે ક્રૂડની સ્થિતિ ઊભી થઈ છે તે પાંચ દાયકા પહેલાની સ્થિતિ કરતા પણ ખરાબ સ્થિતિ છે. દરરોજ ૧૧ મિલિયન બેરલ ક્રૂડની અછત સર્જાઈ રહી છે જે ગત બંને સ્થિતિને ભેગી કરીએ તો પણ તેનાથી વધારે થાય છે. પહેલાના સમયમાં કૂટનીતિક પ્રતિબંધ મુકાયેલા હતા પણ હાલમાં તો હોર્મુઝની ખાડી જ બંધ કરી દેવાઈ છે. તેના કારણે સમગ્ર વિસ્તારમાં જ ફિઝિકલ બ્લોક આવી ગયો છે. હવે ત્યાંથી ક્ડ કે ગેસ આવી શકતા નથી અને અન્ય વસ્તુઓ જઈ શકતી નથી. બંને તરફ પોલિસી પેરાલિસિસની સ્થિતિ સર્જાયેલી છે. બીજી ચિંતાજનક બાબત એ છે કે હાલની ગ્લોબલ સપ્લાય ચેઈન જસ્ટ ઈન ટાઈમ મોડલ ઉપર કામ કરે છે. જ્યાં સ્ટોક રાખવાનો કોઈ અવકાશ જ નથી. અહીંયા ક્રૂડનો સ્ટોક કરવામાં આવે તો પણ એટલો બધો થઈ શકે તેમ નથી. આ બધા વચ્ચે આ વખતે નાટો સંગઠનમાં પણ તડા પડયા છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે આ યુદ્ધમાં મદદ નહીં કરવા માટે જાપાન, સાઉથ કોરિયા અને ઓસ્ટ્રેલિયાની ઝાટકણી કાઢી છે. જાપાને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, જો યુદ્ધ વિરામની સ્થિતિ આવતી હોય તો તે મદદ કરવા તૈયાર છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધ વિરામ થાય તો તે નેવલ માઈન્સ દૂર કરવા માટે વિચાર કરી શકે છે. અમેરિકા અને ઈઝરાયેલે જે આક્રમક્રતા સાથે ઈરાન ઉપર હુમલા કરી દીધા તેનો જવાબ હોર્મુઝની ખાડી બંધ કરવાથી આપવામાં આવશે અને આટલી આકરી રીતે આપવામાં આવશે તેની બંને દેશોનો કલ્પના નહોતી. તેના કારણે ક્રૂડના સપ્લાયમાં અકલ્પનિય ઘટાડો થયો છે. ૧૯૭૦ અને ૧૯૭૯માં પણ વૈશ્વિક સ્તરે આવી ક્રૂડની અછત સર્જાઈ નહોતી. હાલમાં તેના કરતા પણ વધારે ખરાબ અસર દેખાઈ રહી છે. આઈઈએના વડા બિરોલે ચેતવણી આપી છે કે, આ માત્ર ક્ડની જ અછત નથી. તેના પગલે પેટ્રોકેમિકલ્સ, ખાતર, સલ્ફ, હીલિયમ અને અન્ય ઔદ્યોગિક પદાર્થોના સપ્લાયમાં પણ વ્યાપક ઘટાડો થયો છે. અમેરિકા હજી વધુ આક્રમક પગલાં લેવાની ધમકી આપી રહ્યું છે. હકિકતે આ ઉન્માદ અને આક્રમકતાએ જ વૈશ્વિક અર્થતંત્રની કરોડરજ્જુ ભાંગી નાખવાનું કામ કર્યું છે.


