mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

પાકિસ્તાનની નફ્ફટાઈ, લઘુમતીઓને દેશ છોડી જવા સંકેત

Updated: Jun 26th, 2024

પાકિસ્તાનની નફ્ફટાઈ, લઘુમતીઓને દેશ છોડી જવા સંકેત 1 - image


- પાકિસ્તાનમાં હિન્દુ છોકરીઓને બળજબરીથી ઉઠાવી જવાય છે અને બુઢ્ઢા મૌલવી સાથે પરાણે પરણી જવાની ફરજ પડાતી હોવાની અનેક ઘટનાઓ બની છે

- પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજાએ આડકતરી રીતે કહી દીધું છે કે, પાકિસ્તાનમાં સુન્ની મુસ્લિમ સિવાયની  લઘુમતીઓ માટે કોઈ જગા નથી. સરકાર તમારું રક્ષણ કરી શકે તેમ નથી એટલે અહીંથી બિસ્તરાં-પોટલાં બાંધીને રવાના થઈ જાઓ એમાં જ તમારી ભલાઈ છે. બાકી અહીં રહેવું હોય તો મુસ્લિમ કટ્ટરવાદીઓનો માર ખાઈને મરવા તૈયાર રહેવું પડશે. સરકાર તમાશો જોઈ રહેવા સિવાય કંઈ નહીં કરી શકે. પાકિસ્તાનમાં સુન્ની મુસ્લિમ કટ્ટરવાદીઓને રોકવાની સરકારની તાકાત જ નથી.

પાકિસ્તાનમાં હિંદુઓ સહિતની લઘુમતીઓને મુસ્લિમ કટ્ટરવાદીઓ સતત ટાર્ગેટ કરી રહ્યા છે ત્યારે તેમનું રક્ષણ કરવાના બદલે પાકિસ્તાને બેશરમીથી કબૂલાત કરી છે કે, પાકિસ્તાનમાં કોઈ પણ ધાર્મિક લઘુમતી સલામત નથી. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે સંસદ એટલે કે નેશનલ એસેમ્બલીમાં સ્વીકાર્યું કે, ઈસ્લામના નામે હિંસા આચરીને લઘુમતીઓને નિશાન બનાવાઈ રહ્યા છે અને સરકાર તેમનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગઇ છે. લઘુમતીઓ પર રોજ હુમલા થઈ રહ્યા છે, તેમની હત્યાઓ કરાઈ રહી છે અને ધાર્મિક લઘુમતીઓની વાત છોડો પણ ઈસ્લામના નાના નાના ફિરકા પણ પાકિસ્તાનમાં સલામત નથી. ઈસ્લામના નામે તેમનો પણ સફાયો કરાઈ રહ્યો છે. 

ખ્વાજાએ જે કહ્યું એ નક્કર વાસ્તવિકતા છે પણ લઘુમતીઓની તકલીફોથી દુઃખી થઈને ખ્વાજા આ બધું કહી રહ્યા છે એવા ભ્રમમાં રહેવાની પણ જરૂર નથી. પાકિસ્તાનમાં ગયા અઠવાડિયે ૧૭ જૂને ઈદ પર અહમદિયા મુસ્લિમો સામે શરૂ થયેલી હિંસાના કારણે શાહબાઝ સરકાર પર બરાબરનાં માછલાં ધોવાઈ રહ્યાં છે. ઈદના દિવસે અહમદિયાઓની મસ્જિદો પર હુમલા કરીને તેમને ઉજવણી કરતાં રોકવામાં આવ્યા હતા. એ પછી પાકિસ્તાનમાં ઠેર ઠેર અહમદિયાઓ પર હુમલા થયા અને તેમનાં ઘર સળગાવી દેવાયાં છે.  ૨૦થી વધારે અહમદિયાઓ પર કુરાનના અપમાનના ખોટા કેસ કરીને તેમને જેલમાં ધકેલી દેવાયા છે. 

બે અલગ અલગ ઘટનામાં અહમદિયાઓને કુરાનના અપમાન બદલ જાહેરમાં બેફામ ફટકારીને મોતને ઘાટ ઉતારાયા હોવાની ઘટનાઓ પણ બનતાં આખી દુનિયા પાકિસ્તાન પર થૂ થૂ કરી રહી છે. અમેરિકા સહિતના દેશોએ પાકિસ્તાનને ઝાટકીને લઘુમતીઓ પરના હુમલા બંધ કરાવવા કહ્યું છે. 

આર્થિક તકલીફોથી ઘેરાયેલા પાકિસ્તાનને અમેરિકા સહિતના દેશોની જરૂર છે એટલે ખ્વાજા લઘુમતીઓની ચિંતા હોય એમ રોદણાં રડવા બેસી ગયા પણ આ મગરનાં આંસુ છે. ખ્વાજાએ શાહબાઝ શરીફ સરકાર વતી ઈસ્લામના અપમાનના બહાને ટોળાં દ્વારા કરાયેલી હત્યાની ટીકા કરતો ઠરાવ સંસદમાં મૂકેલો. ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીએ આ ઠરાવ સામે હોબાળો કરતાં સંસદમાં આ ઠરાવ પસાર ના થઈ શક્યો. શાહબાઝની સરકારી ખરેખર લઘુમતીઓ વિશે ચિંતિત હોત તો ગમે તે ભોગે ઠરાવ પસાર કરાવ્યો હોત પણ તેના બદલે સરકાર વિપક્ષો પર દોષનો ટોપલો ઢોળીને બેસી ગઈ. તેના પરથી જ તેમની ખોરી દાનતની ખબર પડી જાય.  

ખ્વાજાની વાતનું એવું પણ અર્થઘટન કરાઈ રહ્યું છે કે, ખ્વાજાએ આડકતરી રીતે કહી દીધું છે કે, પાકિસ્તાનમાં સુન્ની મુસ્લિમ સિવાયની  લઘુમતીઓ માટે કોઈ જગા નથી. સરકાર તમારું રક્ષણ કરી શકે તેમ નથી એટલે અહીંથી બિસ્તરાં-પોટલાં બાંધીને રવાના થઈ જાઓ એમાં જ તમારી ભલાઈ છે. બાકી અહીં રહેવું હોય તો મુસ્લિમ કટ્ટરવાદીઓનો માર ખાઈને મરવા તૈયાર રહેવું પડશે. સરકાર તમાશો જોઈ રહેવા સિવાય કંઈ નહીં કરી શકે. પાકિસ્તાનમાં સુન્ની મુસ્લિમ કટ્ટરવાદીઓને રોકવાની સરકારની તાકાત જ નથી.  ખ્વાજાએ પોતે કબૂલ્યું છે કે, હિંસાનો ભોગ બનનારાંમાંથી ઘણાંને ઈશનિંદા એટલે કે કુરાન-ઈસ્લામના અપમાન સાથે કંઈ લેવાદેવા નથી પણ અંગત ખુન્નસ કાઢવા તેમને પતાવી દેવાયા છે. પાકિસ્તાનની સરકાર પોતે જાણે છે કે, નિર્દોષોની હત્યા થઈ રહી છે પણ તેને રોકવાના બદલે પોતે લાચાર હોય એવો દેખાવ ઉભો કરી રહી  છે.  કોઈ દેશ સાવ નફફ્ટ બનીને પોતાના જ નાગરિકોનું રક્ષણ કરી શકતી નથી. તેમની હત્યાઓને રોકી શકતી નથી એવું સ્વીકારે એવું પાકિસ્તાનમાં જ બની શકે. 

ખ્વાજાની કબૂલાતે પાકિસ્તાનનો અસલી ચહેરો ફરી એક વાર લોકો સામે છતો કરી દીધો છે. પાકિસ્તાનમાં હિંદુ, સીખ, ખ્રિસ્તી સહિતની ધાર્મિક લઘુમતીઓને ટાર્ગેટ કરાય છે એ નવી વાત નથી. હિંદુઓને બળજબરીથી ધર્માંતરણ કરાવાય, હિંદિ છોકરીઓને ઉઠાવી જઈને તેમના પર બળાત્કાર ગુજરાય કે પરાણે બુઢ્ઢા મૌલવીઓ સાથે પરણવાની ફરજ પડાય એવી સંખ્યાબંધ ઘટનાઓ બન્યા કરે છે. હિંદુઓના મંદિરો નષ્ટ કરી દેવાય કે જમીનો-માલ મિલકત પડાવી લેવા સહિતના અત્યાચારોની ઘટનાઓ પણ સતત બન્યા જ કરે છે. અહમદિયા કે ભારતમાંથી આઝાદી વખતે પાકિસ્તાન જતા રહેલા ઉત્તર પ્રદેશ અને બિહારના મોહાજીર કહેવાતા મુસલમાનોને પણ નિશાન બનાવાય છે. 

પાકિસ્તાન આ સ્થિતી માટે પાકિસ્તાનના શાસકો જ જવાબદાર છે. પાકિસ્તાન તહરીક-એ-તાલિબાન ધાર્મિક લઘુમતીઓ અને શિયા, અહમદિયા સહિતના મુસ્લિમોના જ સંપ્રદાયો સામે સૌથી આક્રમક છે. અફઘાનિસ્તાનના શાસક તાલિબાનના બગલબચ્ચા જેવું આ સંગઠન પાકિસ્તાન આર્મી અને આઈએસઆઈનું પાપ છે. પાકિસ્તાને અમેરિકાને દબાણમાં રાખવા માટે બનાવેલું આ સંગઠન હવે પાકિસ્તાનને જ પરેશાન કરી રહ્યું છે. 

પાકિસ્તાને કટ્ટરવાદીઓને રાજી કરવા બનાવેલા બ્લાસફેમી એટલે કે ઈશનિંદાના કાયદા પણ લઘુમતીઓની ખરાબ નિદા માટે જવાબદાર છે કેમ કે આ કાયદાઓનો બેફામ દુરૂપયોગ થઈ રહ્યો છે. આ કાયદા હેઠળ ઈસ્લામનું અપમાન, મોહમ્મદ પયગંબર સાહેબનું અપમાન કે કુરાનનું અપમાન કરવા સહિતના અપરાધ બદલ ફાંસી સહિતની આકરી સજા થાય છે. 

કોઈ પણ ધર્મનું અપમાન કરનારને સજા થાય તેમાં ખોટું નથી પણ પાકિસ્તાનમાં આ કાયદાનો દુરૂપયોગ અંગત હિસાબો સરભર કરવા થઈ રહ્યો છે, પોલીસ અને આર્મી ઈશનિંદાનો કેસ ઠોકીને ગમે તેને ઉઠાવીને જેલમાં નાંખી દે છે. કોઈના પણ ઘરમાં ઘૂસીમે કુરાનનાં ફાટેલા કે બાળેલાં પેજ મળ્યો છે એવો દાવો કરીને કેસ ઠોકી દેવાય છે.

 લઘુમતીઓની જમીનો પડાવી લેવા માટે દબાણ લાવવા પણ આ કાયદોનો ભરપૂર દુરૂપયોગ થાય છે અને સરકાર તેને રોકી નથી રહી. 

ઉલટાનું બેશરમ બનીને હાથ અધ્ધર કરી દીધા છે. 

અહમદિયાઓને પાકિસ્તાનનું બંધારણ મુસલમાન નથી ગણતું

પાકિસ્તાનમાં અહમદિયા મુસલમાનોની વસતી ૨૦૨૩ની વસતી ગણતરી પ્રમાણે સત્તાવાર રીતે અઢી લાખની આસપાસ છે પણ અહમદિયા જમાતનો દાવો છે કે, પાકિસ્તાનમાં ૧ કરોડની આસપાસ અહમદિયા મુસલમાનો છે. અહમદિયા મુસ્લિમોનો જ એક સંપ્રદાય છે કે જેની સ્થાપના મિર્ઝા ગુલામ અહમદે ૧૮૮૯માં કરી હતી. મિર્ઝા ગુલામે મોહમ્મદ પયગંબર સાહેબને ઈસ્લામના છેલ્લા પયગંબર માનવાનો ઈન્કાર કર્યો તેથી કટ્ટરવાદી મુસ્લિમો અહમદિયાઓને મુસલમાન તરીકે સ્વીકારતા નથી એટલે બંને વચ્ચે ટકરાવ ચાલ્યા કરે છે.  

પાકિસ્તાન ૧૯૪૭માં અસ્તિત્વમાં આવ્યું ત્યારથી અહમદિયાઓને નિશાન બનાવાય છે. ૧૯૫૩માં આઝાદીનાં ૬ વર્ષ પછી જ લાહોરમાં અહમદિયા વિરોધી તોફાનો થયેલાં કે જેમાં હજારો અહમદિયાઓની હત્યા કરાયેલી. ૧૯૭૪માં થયેલાં તોફાનોમાં પણ હજારો અહમદિયાઓની હત્યા થઈ હતી. ૧૯૭૪માં પાકિસ્તાનની સંસદે ઠરાવ પસાર કરીને  અહમદિયાઓને બિન-મુસ્લિમ જાહેર કરી દીધા હતા. અહમંદિયા મુસલમાન નથી એવું કાનૂની જોગવાઈ કરનારો પાકિસ્તાન એક માત્ર દેશ છે. 

જનરલ ઝિયા ઉલ હકે ૧૯૮૪માં વટહુકમ બહાર પાડીને અહમદિયા સંપ્રદાયની ધાર્મિક માન્યતાઓના પ્રચાર પર પ્રતિબંધ મૂકી દીધો હતો. અહમદિયાઓ દ્વારા કરાતી ધાર્મિક પ્રવૃત્તિઓને ઈસ્લામ વિરોધી જાહેર કરી હતી. આ વટહુકમના કારણે સરકારી તંત્રને અહમદિયાઓ પર અત્યાચારનો પરવાનો મળી ગયો. અહમદિયાઓ પર ઈસ્લામ વિરોધી પ્રવૃત્તિઓના બહાને અત્યાચારો થયા કરે છે. 

પાકિસ્તાનમાં આંતરવિગ્રહ ફાટી નિકળશેઃ સીરિયા, ઈરાક જેવી સ્થિતી 

પાકિસ્તાનમાં શાહબાઝ સરકારની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી છે. કટ્ટરવાદીઓને બહારનું કોઈ જોઈતું નથી તેથી ચીનને નિશાન બનાવીને હુમલા કરી રહ્યા છે. અકળાયેલા ચીને પાકિસ્તાનને આતંકવાદીઓનો સફાયો કરવા અસ્ટિમેટમ આપ્યું છે. પાકિસ્તાનને ચીનની ગરજ છે તેથી ચીનને નારાજ કરી શકે તેમ નથી એટલે શહબાઝ શરીફની સરકારે આતંકવાદીઓના સફાયા માટે અઝ્મ-એ-ઈશ્તેહકામ (સ્થિરતાનો સંકલ્પ) નામે અભિયાન શરૂ તો કર્યું પણ કટ્ટરવાદીઓની વળતો એ જ ભાષામાં જવાબ આપવાની ધમકીના કારણે શાહબાઝ ઢીલા પડી ગયા છે. પાકિસ્તાનના આર્મીએ આતંકવાદીઓને પોષ્યા પણ આતંકવાદીઓ બેફામ બની રહ્યા છે તેથી આર્મી પણ તેમની વિરૂધ્ધ છે. આર્મી આતંકવાદીઓ પોતાના ઈશારે નાચે  અને પોતાના ઈશારે વર્તે એવું ઈચ્છે છે પણ આતંકવાદીઓની મહત્વાકાંક્ષા પોતે જ પાકિસ્તાનના શાસક બની જવાની છે. આતંકવાદીઓ પાવરફુલ થાય તો આર્મીનો પ્રભાવ ઘટે. બીજી તરફ આતંકવાદીઓ સામે આકરા થવા જાય તો આતંકવાદ ભડકે તેમાં બહારથી આવતું રોકાણ બંધ થઈ જાય તેથી શાહબાઝ બરાબરના સલવાયા છે. 

રાજકીય વિષ્લેષકોના મતે, પાકિસ્તાનમાં અત્યારે જે સ્થિતી છે એ જોતાં બહુ જલદી આંતરવિગ્રહ ફાટી નિકળશે. અફઘાનિસ્તાન, સીરિયા, ઈરાક વગેરે દેશોમાં સત્તા કબજે કરવા માટે આંતરિક વિગ્રહ ચાલે છે એવી જ સ્થિતી પાકિસ્તાનમાં પણ સર્જાશે.

Gujarat