Get The App

પર્સનાલિટી રાઈટ્સ : ડીપફેક અને એઆઈના આધુનિક દુષણને ડામવાનો જંગ

Updated: Jan 25th, 2026

GS TEAM

Google News
Google News
પર્સનાલિટી રાઈટ્સ : ડીપફેક અને એઆઈના આધુનિક દુષણને ડામવાનો જંગ 1 - image

- સલમાન ખાન અને ચીની કંપની વચ્ચે અદાલતી જંગ : અમિતાભ, ઐશ્વર્યા, અભિષેક, અરિજિત સિંહ, અક્ષય કુમાર સહિતના અનેક સેલેબ્સ પણ પર્સનાલિટી રાઈટ્સ માટે કોર્ટના શરણે 

- સલમાન ખાને કોર્ટને જણાવ્યું છે કે, તેના નામ, તસવીરો, અવાજ, છબી અને ઓળખનો તેની મંજૂરી વગર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેના દ્વારા તેની બ્રાન્ડિંગને નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ ચીની કપની જણાવે છે કે, સિન્થેટિક અવાજ બનાવવો તે કંપનીની મહત્ત્વની સર્વિસ છે. તે બંધ થશે તો કંપનીનો બિઝનેસ અટકી જશે : કોઈપણ જાહેરાતમાં કે ડિજિટલ સામગ્રીમાં કોઈપણ સેલિબ્રિટીના ચહેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અથવા તો એઆઈની મદદથી તેના અવાજની નકલ કરવામાં આવી છે અને તેના વિશે જે-તે સેલિબ્રિટીને જાણ કરવામાં આવી નથી તો તેને પર્સનાલિટી રાઈટ્સનો ભંગ ગણવામાં આવે છે : ઘણા કિસ્સામાં કોર્ટનો આદેશ છે કે, સેલબ્સની તસવીર, તેમનો અવાજ, તેમના નામ, તેમની બોલવાની સ્ટાઈલ અથવા તો તેમની વ્યક્તિગત કોઈપણ પ્રકારની ઓળખાણ કોઈની પણ નકલ કરી શકાશે નહીં. આ સેલેબ્સની લેખિત મંજૂરી વગર આ તમામ બાબતોનો ઉપયોગ કરવો કાયદેસર ગુનો ગણાશે 

પર્સનાલિટી રાઈટ્સ માટે વધુ એક બોલિવૂડ સેલિબ્રિટીનો કાયદાકિય વિવાદ મોટો થયો છે. સલમાન ખાન અને ચીની એઆઈ કંપની વચ્ચે દિલ્હી હાઈકોર્ટમાં જંગ ચાલી રહ્યો છે. સલમાન ખાને તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટમાં ચીની એઆઈ કંપની સામે કાનુની જંગ માંડયો છે. ઉલ્લેખનીય છે કે, આ જંગ જુનો છે પણ તેમાં ચીની કંપનીએ અરજી કરીને જણાવ્યું છે કે, તેમના વોઈસ જનરેશનના રાઈટ્સને દબાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ સલમાન ખાને કોર્ટને જણાવ્યું છે કે, તેના નામ, તસવીરો, અવાજ, છબી અને ઓળખનો તેની મંજૂરી વગર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેના દ્વારા તેની બ્રાન્ડિંગને નુકસાન થઈ રહ્યું છે. આ ઉપરાંત ડીપફેક દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવા અથવા તો છેતરપીંડી માટે પણ તેનો ઉપયોગ થવાની શક્યતાઓ રહેલી છે. બીજી તરફ ચીની કપની જણાવે છે કે, સિન્થેટિક અવાજ બનાવવો તે કંપનીની મહત્ત્વની સવસ છે. કોર્ટ દ્વારા તેની આ કામગીરી ઉપર સ્ટે મુકવો તે કંપનીના બિઝનેસને મોટી અસર પાડી શકે છે. સલમાન કેસમાં તમામ પ્રતિબંધ દૂર કરવામાં આવે તેવી કંપનીની અરજી છે. બીજી તરફ સલમાન ખાન દ્વારા કંપની ઉપર કાયમી અને સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. 

પર્સનાલિટી રાઈટ્સ માટે બોલિવૂડના ઘણે સેલેબ્સ કોર્ટના દ્વારે પહોંચી ગયા છે. અક્ષય કુમારનો કેસ બોમ્બે હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે તો બીજી તરફ રિતિક રોશન પર્સનાલિટી રાઈટ્સ માટે દિલ્હી હાઈકોર્ટના શરણે ગયેલો છે. આ ઉપરાંત સુનિલ શેટ્ટી, ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન, અમિતાભ બચ્ચન, અરિજિત સિંહ જેવા ઘણા સ્ટાર્સ છે જેમના પર્સનાલિટી રાઈટ્સ માટે ડખા ચાલી રહ્યા હતા. આ તમામ સ્ટાર્સ કોર્ટ પાસે ગયા અને કાયદેસર રીતે તેમણે પર્સનાલિટી રાઈટ્સ મેળવી લીધા હતા. આ તમામ સેલેબ્સને તેમના દેખાવ, ચહેરા, અવાજ, તેમની પર્સનાલિટી અને અન્ય બાબતો માટે ઘણી વખત મુશ્કેલ સ્થિતિનો સામનો કરવાનો આવ્યો હતો. તેના કારણે જ તેઓ કોર્ટમાં ગયા હતા અને ત્યાંથી તેમને રાહત મળી હતી. હવે આ તમામ સ્ટાર્સ કે જેમને કોર્ટે તેમના પર્સનાલિટીના અધિકાર આપ્યા છે તેમની લેખિત મંજૂરી વગર કોઈ તેમના અવાજ, દેખાવ કે અન્ય કોઈ બાબતનો ઉપયોગ કરી શકતા નથી. 

અક્ષય કુમાર હોય કે, રિતિક રોશન કે પછી સુનિલ શેટ્ટી અથવા તો ઐશ્વર્યા રાય આ તમામ લોકોએ કોર્ટમાં અરજી કરી હતી કે, તેમની તસવીર, તેમનો અવાજ, તેમના નામ, તેમની બોલવાની સ્ટાઈલ અથવા તો તેમની વ્યક્તિગત કોઈપણ પ્રકારની ઓળખાણ કોઈની પણ નકલ કરી શકાશે નહીં. આ સેલેબ્સની લેખિત મંજૂરી વગર આ તમામ બાબતોનો ઉપયોગ કરવો કાયદેસર ગુનો ગણાશે. અક્ષય કુમાર અને રિતિક રોશને કોર્ટમાં અરજી કરતા જણાવ્યું હતું કે, તેમના નામ અને તસવીરોનો ઉપયોગ કરીને તથા તેમના વીડિયોનો ઉપયોગ કરીને બનાવટી બ્રાન્ડ પ્રમોશન કરાય છે, સોશિયલ મીડિયા એકાઉન્ટ ચલાવાય છે ને જાહેરાતો પણ કરવામાં આવે છે. આ તમામ બાબતો ઉપર કાયદેસર રોક લાગવી જોઈએ. ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન, આશા ભોંસલે, સુનિલ શેટ્ટી અને કરન જૌહર જેવા સેલિબ્રિટીઓએ પણ કોર્ટની મદદ લઈને પોતાના પર્સનાલિટી રાઈટ્સ લઈ લીધા છે. તેમાંય સુનિલ શેટ્ટીના કિસ્સામાં તો અદાલતે કડક શબ્દોમાં કહેવું પડયું હતું કે, આ રીતે સેલેબ્સના નામ, ચહેરા, અને અવાજનો ઉપયોગ કરવો તે જે-તે સેલેબ્સના જીવન જીવવાના અધિકાર ઉપર તરાપ છે. આ દૂરુપયોગ કરનારા લોકો સેલેબ્સના સન્માનપૂર્વક જીવવાના અધિકારનો ભંગ કરી રહ્યા છે. બીજી તરફ અનિલ કપૂરે પણ તેમના જેવી અવાજ અને સ્ટાઈલનો એઆઈ દ્વારા દૂરુપયોગ થયાની ફરિયાદ કરી હતી. દિલ્હી હાઈકોર્ટે ત્યારબાદ તેમની અરજીને આધારે તેમની નકલ ઉપર પ્રતિબંધ મુકીને કહ્યું કે, આવી કામગીરી એક્ટરની કેરિયર માટે જોખમી છે. આ સિવાય જેકી શ્રોફે પણ તેમના નામ અને ઈમેજનો મોબાઈલ એપ્સ તથા મર્ચેન્ડાઈઝ દ્વારા ઘણો ઉપયોગ કરાયો હોવાની ફરિયાદ કરાઈ હતી. તેના કારણે દિલ્હી હાઈકોર્ટે તેમને ટ્રેડમાર્ક સુરક્ષા પણ આપી હતી.

ઉલ્લેખનીય છે કે, રિતિક રોશન દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં જે અરજી કરવામાં આવી હતી તેમાં તેણે પોતાના ફેન પેજ સોશિયલ મીડિયામાંથી દૂર કરવાની વાત કરી હતી. તેનું કહેવું હતું કે, ફેન પેજ દ્વારા તેનું નામ, કન્ટેન્ટ અને અન્ય સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે જેના ઉપર ખરેખર તો માત્ર તેનો પોતાનો અધિકાર છે. તેને જ પર્સનાલિટી રાઈટ કહેવાય છે. આ કાયદા હેઠળ પર્સનાલિટી રાઈટ્સ મેળવનાર વ્યક્તિ જ નક્કી કરી શકે છે કે, તેની તસવીરે, તેના વીડિયો, તેનો અવાજ, તેનો દેખાવ અથવા તો તેની બોલવાની છટા કે પછી તેની સ્ટાઈલનો ઉપયોગ કોણ કરી શકશે અને કોણ નહીં. 

સરળ ભાષામાં કહીએ તો કોઈપણ જાહેરાતમાં કે ડિજિટલ સામગ્રીમાં કોઈપણ સેલિબ્રિટીના ચહેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અથવા તો એઆઈની મદદથી તેના અવાજની નકલ કરવામાં આવી છે અને તેના વિશે જે-તે સેલિબ્રિટીને જાણ કરવામાં આવી નથી તો તેને પર્સનાલિટી રાઈટ્સનો ભંગ ગણવામાં આવે છે. માત્ર ચહેરો કે અવાજ નહીં પણ સાથે સાથે તેમની સિગ્નેચર, સ્ટાઈલ, અથવા તો તેમની કોઈ એવી ખાસિયત હોય જેને પણ પર્સનાલિટી રાઈટ્સ હેઠળ આવરી લેવામાં આવે છે. 

ભારતમાં આ અધિકાર કોઈ ચોક્કસ કાયદા હેઠળ આવતો નથી છતાં અદાલતો દ્વારા તેને રાઈટ ટુ પ્રાઈવસી અને રાઈટ ટુ પબ્લિસિટી એમ કહીને તેને પર્સનાલિટી રાઈટ્સ માનવામાં આવે છે. એકંદરે જોઈએ તો, આ રાઈટ્સના પબ્લિસિટી અને પ્રાઈવસી બે પ્રકારના ભાગ હોય છે. રાઈટ ટુ પબ્લિસિટી એક્ટની વાત આવે તો આ કાયદો કોઈપણ એક્ટર, ક્રિકેટર અથવા તો પબ્લિક પર્સનાલિટીને તેમની ઓળખનો કોમર્શિયલ ઉપયોગ થવાથી રક્ષણ આપે છે. તેનો સીધો અર્થ છે કે, કોઈપણ વ્યક્તિએ સેલિબ્રિટીની તસવીરનો કોઈપણ પ્રોડક્ટ, બેનર, પોસ્ટર કે ક્યાંય પણ ઉપયોગ કરવો હોય તો પહેલાં તેમની પરવાનગી લેવી પડે છે. જો તેમ કરવામાં આવતું નથી તો રાઈટ ટુ પબ્લિસિટીનો ભંગ ગણાય છે. બીજી બાબત આવે છે, રાઈટ ટુ પ્રાઈવસીની. આ ગુપ્તતાનો અધિકાર છે. તેમાં કોઈપણ પબ્લિક પર્સનાલિટીની ઓળખનો ખોટો ઉપયોગ કરવામાં આવે અથવા તો એઆઈ દ્વારા તેમની નકલી તસવીરો બનાવાય કે પછી ડીપફેકની મદદથી તેમનો વીડિયો બનાવવામાં આવે અને તેનો ઉપયોગ કરવામાં આવે તો તેને રાઈટ ટુ પ્રાઈવસીનો ભંગ ગણાય છે. આ બંને બાબતોને પર્સનાલિટી રાઈટ્સ હેઠળ આવરી લેવામાં આવે છે.

જાણકારોના મતે વર્તમાન સમયમાં ટેક્નોલોજીનો જે રીતે વિકાસ થયો છે અને તે આગળ વધી રહી છે તેના કારણે ફાયદા થવાની સાથે સાથે જોખમો પણ એટલા જ ઝડપથી વધી રહ્યા છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એક નવી ટેક્નોલોજી જે કેટલાક મુદ્દે ઘાતક સાબિત થઈ રહી છે. તેના દ્વારા કોઈપણ વ્યક્તિના અવાજ અને ચહેરાની સરળતાથી નકલ કરી શકાય છે. 

માત્ર ગણતરીની સેકન્ડમાં વ્યક્તિના ચહેરા જેવો ચહેરો બની જાય છે, તેના ચહેરાની મદદથી વીડિયોમાં મર્જ કરીને ડીપફેક વીડિયો તૈયાર કરી દેવાય છે. આ વીડિયો જોનાર વ્યક્તિને બિલકુલ સાચો લાગતો હોય છે પણ હકિકતે તે બનાવટી રીતે તૈયાર કરાયો હોય છે. ડીપફેક દ્વારા તો નકલી જાહેરાતો, સ્ટોક માર્કેટના પ્રમોશન, અશ્લિલ અને આપત્તીજનક વીડિયો વગેરે બનાવીને કોઈપણ વ્યક્તિની છબીને ખરાબ કરી શકાય છે. ખાસ કરીને જાહેર જીવન સાથે સંકળાયેલી વ્યક્તિ અથવા તો રાજકારણમાં રહેલી વ્યક્તિની કામગીરીને મોટાપાયે હાની પહોંચાડી શકાય છે. 

ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલાં રશ્મિકા મંદાનાનો ડીપફેક વીડિયો વાઈરલ થયો હતો અને ત્યારબાદ તેના ખૂબ જ મોટા પ્રત્યાઘાત પડયા હતા. આ ડીપફેક દ્વારા જ તેનો અશ્લિલ વીડિયો બનાવવામાં આવ્યો હતો.

- ભારતમાં પર્સનાલિટી રાઈટ્સ કે ડીપફેક કન્ટેન્ટ અટકાવવા અલગ કે નક્કર કાયદા નથી 

મહત્ત્વની વાત એ છે કે, ભારતમાં અત્યાર સુધી પર્સનાલિટી રાઈટ્સ અથવા તો ડીપફેક કન્ટેન્ટ અંગે કોઈ અલગ કાયદા બનાવાયા નથી. આ સંજોગોમાં સેલિબ્રિટી અદાલતો પાસે જઈને ન્યાયની માગણી કરે છે જેથી તેમના અધિકારો સુરક્ષિત રહે. દિલ્હી હાઈકોર્ટે આ મુદ્દે સૌથી વધારે કડક વલણ રાખ્યું છે. આવા ઘણા કેસમાં હાઈકોર્ટે મજબૂત ચુકાદા આપ્યા છે. દિલ્હી હાઈકોર્ટે ઘણી વખત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને આદેશ આપ્યા હતા કે, તેઓ ડીપફેક વીડિયો અને નકલી એકાઉન્ટ્સ ડિલિટ કરી દે. ભારતમાં આ દિશામાં નક્કર કાયદા ન હોવાના કારણે સેલેબ્સ દ્વારા કોર્ટની મદદ લેવામાં આવે છે અને પોતાની ઓળખ અને પર્સનાલિટીને કાયદા દ્વારા સંરક્ષિત કરીને તા કોમર્શિયલ ઉપયોગ ઉપર નિયંત્રણ મુકવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આપણા દેશમાં આઈટી એક્ટ(આઈટી એક્ટ-૨૦૦૦) હેઠળ કેટલીક કલમો દ્વારા ડીપફેક અને નકલી કન્ટેન્ટ સામે ગુનો દાખલ કરી શકાય છે. આ એક્ટની કલમ ૬૬સી હેટળ ઓળખની ચોરી એટલે કે આઈડેન્ટિટિ થેફ્ટનો ગુનો દાખલ થાય છે. તેવી જ રીતે કલમ ૬૬ડી હેઠળ ઈમ્પર્સોનેશન, કલમ ૬૬ઈ હેઠળ પ્રાઈવસી વાયોલેશન, કલમ ૬૭,૬૭એ અને ૬૭બી હેઠળ અશ્લિલતા અથવા તો જાતીય રીતે આપત્તીજનક કન્ટેન્ટ પ્રકાશિત કરવું કે ફરતું કરવું, વગેરે હેઠળ ગુના દાખલ કરી શકાય છે. તે ઉપરાંત ઈન્ટરમીડિયરી ગાઈડલાઈન્સ ૨૦૨૧ હેઠળ સોશિયલ મીડિયા કંપનીઓને નકલી અથવા તો ભ્રામક જાણકારી મળે ત્યારે તેને ઝડપથી દૂર કરવાની પણ તાકીદ કરવામાં આવી છે. તાજેતરમાં ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ ૨૦૨૩ લાગુ કરાયો જેમાં કોઈપણ વ્યક્તિના ડિજિટલ ડેટાનો ઉપયોગ તેની પરવાનગી વગર કરવામાં આવે તો તેને કાયદાનો ભંગ ગણાય છે. આવા ગુનામાં પણ સજાની જોગવાઈ છે.