સેક્સ બોમ્બથી સંન્યાસિની: મમતાની જીંદગી ફિલ્મી સ્ટોરીથી કમ નથી
- 1991માં તમિલનાડુમાં મમતા એટલી લોકપ્રિય હતી કે તેનું મંદિર બંધાયેલું, એક ફિલ્મી મેગેઝિનમાં તેનો ન્યૂડ ફોટો પણ છપાયો હતો
- મમતાએ ફિલ્મી કરીયરની શરૂઆત 'નનબરગલ' ફિલ્મથી કરેલી. હાલમાં તમિલ ફિલ્મોના સુપરસ્ટાર થલપતિ વિજય તેનો હીરો હતો. 1991માં આવેલી ફિલ્મ સુપરહીટ થતાં તમિલનાડુમાં મમતાનું મંદિર બનાવાયેલું. મમતાને બોલીવુડમાં પણ જોરદાર સફળતા મળેલી. હિન્દી ફિલ્મોના આમીરખાન, સલમાન ખાન, ગોવિંદા, અક્ષય કુમાર, સૈફ અલી ખાન સહિતના મોટા સ્ટાર્સ અને મોટાં બેનરોની સુપરહીટ ફિલ્મોમાં મમતાએ કામ કરેલું છે. મમતાએ સ્ટારડસ્ટ માટે ન્યુડ ફોટો આપીને સનસનાટી મચાવેલી તો કોર્ટમાં બુરખો પહેરીને આવી તેમાં મુસ્લિમ કટ્ટરવાદીઓ ભડકી ગયેલા. મમતા ફિલ્મી કારકિર્દીમાં ટોપ પર હતી ત્યારે અચાનક 2000માં ગાયબ થઈ ગયેલી.
એક જમાનામાં હિન્દી ફિલ્મોની સેક્સ બોમ્બ મનાતી મમતા કુલકર્ણીએ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં કિન્નર અખાડાનાં મહામંડલેશ્વર બનીને ચકચાર જગાવી છે. મમતાએ પહેલાં તો ગંગા નદીમાં ડૂબકી લગાવીને સંગમના કિનારે દીક્ષા લીધી હતી. દીક્ષા પછી તેનું નામ બદલીને શ્રીયામાઈ મમતાનંદ ગિરી થઈ ગયું હોવાની જાહેરાત કરાઈ અને સાંજે કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીના નેતૃત્વમાં તેમનો પટ્ટાભિષેક થયો હતો.
હર હર મહાદેવના જયઘોષ સાથે અખાડામાં ધાર્મિક ધ્વજ નીચે પટ્ટાભિષેક કરવામાં આવ્યો અને શ્રીયામાઈ મમતાનંદ ગિરીને કિન્નર અખાડાનાં મહામંડલેશ્વર જાહેર કરાયાં. મમતા સંન્યાસિનીના રૂપમાં મીડિયા સામે હાજર થયાં ત્યારે પોતે કેમ કિન્નાર અખાડાની દીક્ષા લીધી તેની સ્પષ્ટતા પણ કરી.
મમતાના કહેવા પ્રમાણે, કિન્નર અખાડામાં કોઈ પાબંદી નથી તેથી પોતે કિન્નર અખાડાનાં મહામંડલેશ્લર બન્યાં છે.
દીક્ષા લેવી કે સંન્યાસિની બનવું એ ધાર્મિક આસ્થાનો વિષય છે તેથી એ વિશે કોઈ ટીપ્પણી કરવી યોગ્ય નથી પણ મમતા કુલકર્ણીનો રેકોર્ડ જોતાં નવું સ્વરૂપ ક્યાં સુધી ટકશે એ સવાલ થઈ રહ્યો છે. મમતાએ પોતાની જીંદગીમાં જાત જાતના ખેલ કર્યા છે તેથી સંન્યાસ મમતાનો નવો ખેલ તો નથી ને એવું પણ પૂછાઈ રહ્યું છે.
મમતાની જીંદગી અને ફિલ્મી કરીયર પર નજર નાંખશો તો આ સવાલો યોગ્ય લાગશે.
મમતા સુખી પરિવારમાંથી આવે છે પણ તેની જીંદગી કોઈ ફિલ્મી સ્ટોરીથી કમ નથી. મમતાના પિતા મિલિન્દ કુલકર્ણી મુંબઈના પોલીસ કમિશનર હોવાની વાતો થાય છે પણ વાસ્તવમાં એ બિઝનેસમેન હતા. મમતાની માતા સુધા હિન્દી ફિલ્મોનાં જાણીતાં એક્ટ્રેસ ઉષા કિરણનાં નાનાં બહેન છે. ઉષાના પતિ ડો. મનોહર ખેર મુંબઈની સાયન હોસ્પિટલમાં ડીન હતા. ઉષાનો દીકરો અદ્વેત મોડલ જ્યારે દીકરી તન્વી આઝમી એક્ટ્રેસ છે. અદ્વેતની દીકરી શૈયામી ખેર પણ એક્ટ્રેસ છે.
મમતાની માતાને ૧૯૭૦મા રામાનંદ સાગરે ફિલ્મ ઓફર કરેલી પણ પતિએ ના પાડતાં તેમની ફિલ્મી કારકિર્દી શરૂ ના થઈ. મમતાને મિથિલા અને મૌલિના નામે બે બહેનો છે. બંનેએ એક્ટિંગમાં નસીબ અજમાવ્યું પણ ચાલી નહીં જ્યારે મમતા જબરદસ્ત ચાલી ગયેલી. હિન્દી ફિલ્મોના આમીરખાન, સલમાન ખાન, ગોવિંદા, અક્ષય કુમાર, સૈફ અલી ખાન સહિતના મોટા સ્ટાર્સ અને મોટાં બેનરોની સુપરહીટ ફિલ્મોમાં મમતાએ કામ કરેલું છે.
મમતાએ ફિલ્મી કરીયરની શરૂઆત 'નનબરગલ' ફિલ્મથી કરેલી. હાલમાં તમિલ ફિલ્મોના સુપરસ્ટાર થલપતિ વિજય તેનો હીરો હતો. ૧૯૯૧માં આવેલી ફિલ્મ સુપરહીટ થતાં તમિલનાડુમાં મમતાનું મંદિર બનાવાયેલું. પહેલી ફિલ્મની સફળતાના પગલે મમતાને હિંદી ફિલ્મોની ધડાધડ ઓફરો મળવા માંડી. આ પૈકીની તિરંગા, ક્રાંતિવીર, આશિક આવારા, કરણ અર્જુન, વગેરે ફિલ્મો સુપરહીટ થતાં મમતા હિન્દી ફિલ્મોની સફળ એક્ટ્રેસ તરીકે સ્થાપિત થઈ ગઈ હતી.
મમતાના નામે ફિલ્મોમાં જોરદાર સફળતાની સાથે સાથે મોટા મોટા વિવાદો પણ થયા. છોટા રાજન અને વિકી ગોસ્વામી એ બે મોટા ગેંગસ્ટર સાથે તેને સંબંધો હોવાની વાતો ચાલી હતી. મમતા છોટા રાજનને મળવા નિયમિત દુબઈ અને બેંગકોક જતી એવું કહેવાતું હતું. વિકી જેલમાં હતો ત્યારે પોતે તેને મળવા જતી એવું તો મમતાએ પોતે સ્વીકાર્યું છે. મમતાએ પોતે વિકી સાથે લગ્ન નથી કર્યાં એવી રેકર્ડ હંમેશાં વગાડી પણ પોતે વિકી સાથે રીલેશનશિપમાં હતી એવું પણ સ્વીકાર્યું છે.
મમતાએ સ્ટારડસ્ટ માટે ન્યુડ ફોટો આપીને સનસનાટી મચાવેલી તો કોર્ટમાં બુરખો પહેરીને આવી તેમાં મુસ્લિમ કટ્ટરવાદીઓ ભડકી ગયેલા. મમતા ચાઈના ગેટ ફિલ્મમાં કામ કરતી હતી ત્યારે એક્શન ડિરેક્ટર ટીનુ વર્મા સાથે તેને સંબંધો બંધાયેલા.
ટીનુ વર્માએ તો પોતે મમતા સાથે લગ્ન કરી લીધાં હોવાની જાહેરાત પણ કરી નાંખેલી પણ મમતાએ આ વાતોને બકવાસ ગણાવી હતી.
મમતા ફિલ્મી કારકિર્દીમાં ટોપ પર હતી ત્યારે અચાનક જ ૨૦૦૦માં ફિલ્મો છોડીને ગાયબ થઈ ગયેલી. તેનું કારણ તેના પ્રેમી વિકી ગોસ્વામીનો જેલવાસ હોવાનું કહેવાય છે. મમતાએ વિકીનો ડ્રગ્સ અને હોટલ બિઝનેસ ચલાવવા માંડેલો એવું કહેવાય છે.
મમતા દુબઈમાં બેસીને દુનિયાભરના ડ્રગ્સ ડીલર્સ સાથે મીટિંગો કરતી ને વિકીને જેલમાંથી છોડાવવા માટે પણ મથતી હતી એવું કહેવાય છે.
વિકીને દાઉદ ઈબ્રાહીમે જેલમાં પૂરાવ્યો હોવાથી મમતાએ વિકીને છોડાવવા દાઉદના ભાઈ અનિસ સાથે નિકટતા કેળવી હોવાની વાતો પણ ચાલી હતી. મમતાની એ વખતની જીંદગી રહસ્યમય હતી તેથી ખરેખર શું બન્યું એ વિશે કોઈને કંઈ ખબર નથી પણ વચ્ચે વચ્ચે તેના ઈન્ટરવ્યૂ આવતા રહેતા તેના કારણે રહસ્ય ઘેરું બનતું જતું હતું.
દરમિયાનમાં ૨૦૧૬ના એપ્રિલમાં થાણે પોલીસે ૮૦ લાખ રૂપિયાનું એફેડ્રાઈન ડ્રગ્સ પકડેલું. તેના છેડા સોલાપુરમાં આવેલી એવોન લાઈફ સાયન્સીસ નામની કંપની સુધી પહોંચતા હતા. આ કંપની વિકી ગોસ્વામીની હતી. પોલીસની રેડમાં ૨૦૦૦ કરોડ રૂપિયાનું ૧૮ હજાર કિલો ડ્રગ્સ પકડાયું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, આ ડ્રગ્સ દુબઈ પહોંચાડવાનું હતું, મમતાએ મહિના પહેલાં જ બુર્જ ખલિફામાં વિકીની હાજરીમાં મોટા ડ્રગ્સ ડીલર્સ સાથે બેઠક કરીને આ સોદો કરેલો. પોલીસે વિકી ગોસ્વામીને ડ્રગ્સ કેસનો સૂત્રધાર ગણાવીને કેસ કર્યો અને મમતા બેનરજીને પણ તેમાં આરોપી દર્શાવી હતી.
આ કેસના કારણે મમતા ભાગેડુ જાહેર થઈ હતી. મમતાએ ૨૦૧૮માં પોતાની સામેની ફરિયાદ રદ કરાવવા બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરેલી. છ વર્ષ પછી ૨૦૨૪માં બોમ્બે હાઈકોર્ટે મમતા સામેનો કેસ કાઢી નાખતાં મમતા ૨૦૨૪ના ડીસેમ્બરમાં ભારત પાછી ફરેલી.
એ વખતે મમતા ફિલ્મોમાં પાછી ફરશે કે શું એવા સવાલ થયેલા પણ મમતાએ કોઈ જવાબ આપ્યો નહોતો. હવે સંન્યાસિની બનીને મમતાએ કમ સે કમ હાલ પૂરતા તો આ સવાલનો જવાબ આપી દીધો છે.
મમતા ભવિષ્યમાં શું કરશે એ ખબર નથી પણ મમતાનો અપરાધ અને વિવાદો સાથેનો નાતો જોતાં એ ક્યાં સુધી સંન્યાસને ટકાવી શકશે એ સવાલ છે.
મમતાના છોટા રાજન સાથે સંબંધોની વાતો, સંતોષીને ધમકી અપાવી હીરોઈન બની પછી ગંદા આક્ષેપો કર્યા
મમતાએ ડ્રગ માફિયા વિકી ગોસ્વામી લગ્ન કર્યાં પણ ગેંગસ્ટર છોટા રાજન સાથે તેના સંબંધો હતા એવં કહેવાય છે. છોટા રાજન એક સમયે દાઉદ ઈબ્રાહીમનો ખાસ માણસ હતો. દાઉદના ભાઈ નૂરા ઉર્ફે નૂર કાસકરનાં લગ્નમાં હાજરી આપવા રાજન ૧૯૮૯માં દુબઈ ગયો પછી કદી ભારત પાછો ના ફર્યો.મમતા કુલકર્ણીનો છોટા રાજન સાથે પરિચય ૧૯૯૩માં દુબઈમાં શો દરમિયાન થયો હોવાનું કહેવાય છે. એ જ વખતે બંને વચ્ચે સંબંધો બંધાયા હતા. છોટા રાજને મમતાને કરણ અર્જુન અને આંદોલન જેવી મોટા બેનરની ફિલ્મો અપાવતાં મમતાની કારકિર્દી જામી ગઈ હતી. આ દરમિયાન મમતાએ એક મેગેઝિન માટે ટોપલેસ તસવીરો આપીને ખળભળાટ મચાવી દીધો હતો. આ ફોટો શૂટના કારણે મમતા સેક્સ બોમ્બ તરીકે સ્થાપિત થઈ ગઈ હતી.
રાજકુમાર સંતોષીએ મમતાને 'ઘાતક'માં આઈટમ ગર્લ તરીકે લીધી હતી. મમતાના ગીત 'કોઈ જાયે તો લે આયે'એ જબરદસ્ત ધૂમ મચાવી દીધી પછી સંતોષીએ 'ચાઈના ગેટ'માં મમતાને હીરોઈન તરીકે લીધી હતી. મમતા રાજન સાથેના સંબંધોના કારણે પોતાને સુપરસ્ટાર સમજતી તેથી સેટ પર બહુ નખરાં કરતી એટલે સંતોષીએ તેને કાઢી મૂકતાં મમતા છોટા રાજન પાસે સંતોષીને ધમકી અપાવીને પાછી હીરોઈન બની હતી.
'ચાઈના ગેટ' સુપર ફ્લોપ સાબિત થઈ પછી મમતાએ આક્ષેપ કરેલો કે, સંતોષી તેની સાથે સેક્સ સંબંધો બાંધવા ઈચ્છતા હતા ને પોતાનું શારીરિક શોષણ પણ કર્યું હતું. આ આક્ષેપોએ ખળભળાટ મચાવેલો પણ પછી બધું શમી ગયેલું.
અમદાવાદી ડ્રગ માફિયા વિકી સાથે મમતાએ મુસ્લિમ બની નિકાહ કર્યા
મમતા કુલકર્ણીએ ડ્રગ્સ માફિયા વિકી ગોસ્વામીના પ્રેમમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી હોવાનું મનાય છે. મૂળ અમદાવાદના પાલડીના વિકીના પિતા આનંદગીરિ ગોસ્વામી ડીવાયએસપી હતા પણ ગેરકાયદેસર દારૂના કેસમાં સસ્પેન્ડ થયા હતા. વિકીનો પરિવાર અમદાવાદમાં જ રહે છે પણ વિકી સાથેના તમામ સંબંધો તોડી નાંખ્યા હોવાનો તેમનો દાવો છે.
અપરાધની દુનિયામાં વિકીનો ગુરૂ બુટલેગર બિપિન પંચાલ મનાય છે. પંચાલ સાથે વિકી પહેલાં ગેરકાયદેસર દારૂનો ધંધો કરતો હતો. પંચાલ વિકીને મેન્ડ્રેક્સના ધંધામાં લાવીને ડ્રગ્સની દુનિયામાં લઈ આવ્યો પછી વિકી મુંબઈ જતો રહ્યો હતો. મુંબઈમાં વિકીનો ડ્રગ્સનો કારોબાર ધમધોકાર ચાલવા લાગ્યો તેથી ફિલ્મી પાર્ટીઓમાં જવા લાગ્યો તેમાં જ મમતા સાથે તેનો પરિચય થયો હોવાનું મનાય છે. વિકીએ ડ્રગ્સની કમાણીમાંથી હોટલ બિઝનેસ શરૂ કરેલો.
મુંબઈમાં ધોંસ વધતાં વિકી દુબઈ ભાગી ગયેલો પણ ૧૯૯૭માં ઝડપાઈ જતાં ૨૫ વર્ષની કેદ થયેલી. વિકી જેલમાં હતો ત્યારે મમતા જ તેનો હોટલ બિઝનેસ જોતી હતી એવું કહેવાય છે. યુએઈની જેલમાંથી છૂટવા વિકી મુસ્લિમ બની જતાં પાંચ વર્ષમાં છૂટી ગયેલો. દુબઈની જેલમાંથી છૂટયા પછી મમતા અને વિકી કેન્યા જતાં રહેલાં અને ત્યાંથી બંને ડ્રગ્સનો કારોબાર કરતાં તેથી ૨૦૧૩માં બંનેને ભાગેડું જાહેર કરાયેલાં. ૨૦૧૩માં વિકી સાઉદીમાં પકડાયેલો ત્યારે તેને છોડાવવા મમતા પણ મુસ્લિમ બનેલી અને વિકીને જેલમાં જ પરણી ગયેલી એવું કહેવાય છે. મમતા થોડા સમય પહેલાં નિર્દોષ છૂટી પછી ભારત પાછી ફરી જ્યારે વિકી કેન્યામાં જ હોવાનું કહેવાય છે.