Get The App

1461 દિવસથી દરરોજ હુમલા કરી રહ્યા છે રશિયા અને યુક્રેન

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
1461 દિવસથી દરરોજ હુમલા કરી રહ્યા છે રશિયા અને યુક્રેન 1 - image

- રશિયા-યુક્રેન જંગને ચાર વર્ષ પૂર્ણ, બીજા વિશ્વ યુદ્ધ પછીની સૌથી લાંબો જંગ હજુ સુધી અટક્યો નથી કે સમાધાન થયું નથી

- 24 ફેબ્રુઆરી 2022ના રોજ રશિયાએ ઉત્તરેથી બેલારુર, પૂર્વમાં રશિયા અને દક્ષિણેથી ક્રિમિયા ખાતેથી યુક્રેન ઉપર હુમલો કરી દીધો હતો. તે સમયે યુક્રેન દબાણમાં આવી ગયું હતું. ખાસ કરીને સાઉથ-ઈસ્ટમાં રશિયાની જે આગેકૂચ હતી તેના કારણે કીવ ઉપર દબાણ વધ્યું હતું: ક્રીમિયાનો વિલય કરવામાં આવ્યો જે બંને દેશો વચ્ચે વેરઝેરનું મોટું કારણ બન્યું. તે ઉપરાંત ડોનબાસ વિસ્તારમાં યુક્રેનના સૈનિકો તથા રશિયાનું સમર્થન કરનારા અલગાવવાદીઓ વચ્ચે સતત સંઘર્ષ, નાટો વિસ્તાર માટે મોસ્કો અને પશ્ચિમી દેશો વચ્ચે તણાવ, રશિયા દ્વારા ડીમિલિયરાઈઝન અને ડી-નાઝિફિકેશનનો દાવો કરવો તથા કીવ અને તેના સાથીઓ દ્વારા આ બધું જ ફગાવી દેવા જેવા કારણોએ યુદ્ધ નોતર્યું: ફેબ્રુઆરી 2022થી ફેબ્રુઆરી 2026 સુધીમાં 15,172 યુક્રેની નાગરિકોનાં મોત થયા છે. આ ઉપરાંત 41,378 લોકો ઈજાગ્રસ્ત થયા છે. સંયુક્ત રાષ્ટ્ર જણાવે છે કે, આ આંકડા ખૂબ જ ઓછા છે અને માત્ર જેના અહેવાલ મળ્યા તેટલા જ છે. જે વિસ્તારોમાં યુદ્ધ લડાયું હતું અને જ્યાં લડાઈ રહ્યું છે તેના વાસ્તવિક આંકડા મળ્યા નથી

રશિયા અને યુક્રેન વચ્ચે વર્ચસ્વની લડાઈ સાથે શરૂ થયેલા યુદ્ધને ચાર વર્ષ પૂરા થયા છે. આધુનિક વૈશ્વિક ઈતિહાસના દ્રષ્ટિકોણથી જોઈએ તો બીજા વિશ્વ યુદ્ધ પછી આ બીજી સૌથી મોટી જંગ છે. નવાઈની વાત એ છે કે, છેલ્લાં એક વર્ષથી ટ્રમ્પ દ્વારા બંને દેશો વચ્ચે સમાધાન કરાવવાના ધતિંગ ચાલે છે છતાં આજદિન સુધી સમાધાનના કોઈ સંકેત નથી. યુદ્ધ પૂરું પણ થયું નથી અને સમાધાનની કોઈ શક્યતાઓ જણાતી નથી. ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ રશિયાની સ્પેશિયલ મિલિટરી દ્વારા એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યારથી રશિયા અને યુક્રેન વચ્ચે જંગ શરૂ થયો હતો. ૧૪૬૧ દિવસથી ચાલતા આ ભયાનક સંઘર્ષમાં બંને પક્ષે માત્ર તારાજી જ સર્જાઈ છે. 

ચાર વર્ષોના આ યુદ્ધમાં બંને દેશોમાં લોકોએ માત્ર ભોગવવું જ પડયું છે. લાખોની સંખ્યામાં લોકોનાં મોત થયા છે, લાખો સૈનિકો માર્યા ગયા છે. કરોડોની સંખ્યામાં લોકો વિસ્થાપિત થયા છે અને ઘર વિહોણા બની ગયા છે. રશિયા અને યુક્રેનના લાખો લોકો શરણાર્થી બનીને યુરોપના બીજા દેશોમાં રહેવા મજબૂર બન્યા છે. દરરોજ ગોળીબાર, બોમ્બમારા, મિસાઈલમારા અને હવાઈ હુમલાના કારણે લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. ગમે ત્યારે કોઈપણ દેશના સૈન્ય દ્વારા કોઈપણ વિસ્તારમાં મિસાઈલ હુમલા કે ડ્રોન હુમલા કરી દેવાય છે અને નિર્દોષ લોકો હોમાઈ જાય છે. આ જ વિસ્ફોટો અને હવાઈ હુમલાઓમાં હજારો લોકોના ભોગ લેવાયા છે. આ ચાર વર્ષોનું સરવૈયું કાઢવામાં આવે તો બંનેમાંથી કોઈ દેશને કશું જ પ્રાપ્ત થયું નથી.

ઉલ્લેખનીય છે કે, રશિયા અને યુક્રેન દ્વારા છેલ્લાં ચાર વર્ષથી સામસામે જંગ કરીને વર્ચસ્વના નામે બધું ગુમાવવા સિવાય કશું જ કરવામાં આવ્યું નથી. આ બંનેના યુદ્ધની યુરોપ સહિત સમગ્ર દુનિયાના રાજકારણ અને કરોડો લોકોના જીવનમાં મોટી અસર જોવા મળી છે. 

યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ એક ઈન્ટરવ્યૂમાં સ્વીકાર્યું પણ હતું કે, યુક્રેનવાસીઓ હવે આ યુદ્ધથી થાકી ગયા છે. બીજી તરફ તેમણે એમ પણ કહ્યું હતું કે, કોઈના અહંકારને પોષવા માટે તેઓ પોતાના દેશની કુરબાની ન આપી શકે. અમેરિકા આ યુદ્ધ અટકાવવા અને સમાધાન કરવા સતત પ્રયાસ કરી રહ્યું છે. વાસ્તવિકતા એ છે કે, અમેરિકાના પણ પોતાના હિતો સમાયેલા છે અને તેથી તે આ ગેમ રમી રહ્યું છે. વાસ્તવિકતા એટલી જ છે કે, આ ચાર વર્ષના જંગમાં હજારો લોકોનાં મોત, લાખો સૈનિકોના મોત અને કરોડોનું વિસ્થાપન અને અબજોની સંપત્તીને નુકસાન સિવાય કશું જ મળ્યું નથી.

યુદ્ધ વિશે વાત કરીએ તો, ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ રશિયાએ ઉત્તરેથી બેલારુર, પૂર્વમાં રશિયા અને દક્ષિણેથી ક્રિમિયા ખાતેથી યુક્રેન ઉપર હુમલો કરી દીધો હતો. તે સમયે યુક્રેન દબાણમાં આવી ગયું હતું. ખાસ કરીને સાઉથ-ઈસ્ટમાં રશિયાની જે આગેકૂચ હતી તેના કારણે કીવ ઉપર દબાણ વધ્યું હતું. ત્યારબાદ આ સંઘર્ષ અનેક તબક્કા અને વિસ્તારોમાં વહેંચાઈ ગયો હતો. ખાસ કરીને ડોનબાસા વિસ્તારમાં ટ્રેચ યુદ્ધ ઘણા લાંબા સમય સુધી ચાલ્યું હતું. બીજી તરફ બાખમુત અને અવદીવકા જેવા શહેરોની આસપાસ પણ આમનેસામેને ભયાનક જંગ છેડાયો હતો.

યુક્રેને શરૂઆતાં તો રશિયા સામે ઝિંક ઝીલી હતી. અત્યારે પણ તે સંઘર્ષ કરી રહ્યું છે.શરૂઆતમાં તેણે ખારકીવ અને ખારસોન જેવા હિસ્સા પરત મેળવી લીધા હતા. રશિયા તરફથી પૂર્વ અને દક્ષિણમાં કબજે કરાયેલા વિસ્તારોનો વિલય કરવાની જાહેરાત પણ કરી દેવાઈ હતી. એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પોર્ટ અને શહેરી વિસ્તારો ઉપર મિસાઈલ અને ડ્રોન દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા. બ્લેક સી વિસ્તારમાં નૌસેના વચ્ચે યુદ્ધ ખેલાયું હતું અને અનાજની નિકાસ કરનારા જળમાર્ગો ઉપર પણ હુમલા થયા હતા. એક સમયે માત્ર સૈન્ય ઓપરેશન જેવું લાગતું એક ઓપરેશન જોતજોતામાં અનેક મોરચે લડાતા યુદ્ધમાં પરિણમ્યું હતું. હવે ઘણા મોરચે એક લાંબું, થકવી દેતું અને પ્રજાને પીડા સિવાય કંઈ જ ન આપી શકતું યુદ્ધ ચાલી રહ્યું છે.

જાણકારોના મતે આ યુદ્ધના બીજા ૨૦૧૪માં રોપાયા હતા. રશિયા દ્વારા ક્રીમિયાનો વિલય કરવામાં આવ્યો જે બંને દેશો વચ્ચે વેરઝેરનું મોટું કારણ બન્યું. તે ઉપરાંત ડોનબાસ વિસ્તારમાં યુક્રેનના સૈનિકો તથા રશિયાનું સમર્થન કરનારા અલગાવવાદીઓ વચ્ચે સતત સંઘર્ષ, નાટો વિસ્તાર માટે મોસ્કો અને પશ્ચિમી દેશો વચ્ચે તણાવ, રશિયા દ્વારા ડીમિલિયરાઈઝન અને ડી-નાઝિફિકેશનનો દાવો કરવો તથા કીવ અને તેના સાથીઓ દ્વારા આ બધું જ ફગાવી દેવું. આવા ઘણા કારણો ભેગા થતાં વેરનો જ્વાળામુખી ફાટયો અને ચારેકોર વિનાશ વેરી રહ્યો છે. આજે ચાર વર્ષે પણ સ્થાયી યુદ્ધ વિરામ અથવા તો શાંતિ સમજૂતીની શક્યતાઓ દેખાતી નથી.

 બંને દેશો વચ્ચે વિવિધ વિસ્તારોના વર્ચસ્વ અને સુરક્ષાની ગેરન્ટી મામલે શરૂ થયેલો વિવાદ યુદ્ધમાં પરિણમ્યો છે જે અટકવાનું નામ લેતો નથી.

ચિંતાજનક બાબત એ છે કે, આ યુદ્ધને કારણે યુક્રેનમાં વધારે ખુવારી થઈ છે. સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર નિરિક્ષણ મિશનના આંકડા જણાવે છે કે, ફેબ્રુઆરી ૨૦૨૨થી ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીમાં ૧૫,૧૭૨ યુક્રેની નાગરિકોનાં મોત થયા છે. આ ઉપરાંત ૪૧,૩૭૮ લોકો ઈજાગ્રસ્ત થયા છે. 

સંયુક્ત રાષ્ટ્ર જણાવે છે કે, આ આંકડા ખૂબ જ ઓછા છે અને માત્ર જેના અહેવાલ મળ્યા તેટલા જ છે. જે વિસ્તારોમાં યુદ્ધ લડાયું હતું અને જ્યાં લડાઈ રહ્યું છે તેના વાસ્તવિક આંકડા મળ્યા નથી. આના કરતા આ આંકડા અનેકગણા વધારે હોવાની શક્યતાઓ છે. બીજી તરફ જાણકારો માને છે કે, લાખોની સંખ્યામાં લોકોનાં મોત થયા છે અને તેમને ઈજા પહોંચી છે. બીજી તરફ સૈન્યની વાત કરવામાં આવે તો જાણકારોના મતે આ યુદ્ધમાં ચાર વર્ષમાં બંને દેશોના ૧૮ લાખ કરતા વધારે સૈનિકોનાં મોત થયા છે, તેમને ઈજા થઈ છે અથવા તો લાપતા થયા છે કે યુદ્ધ કેદી તરીકે પકડાઈ ગયા છે. તેમાં અંદાજે ૬ લાખ સૈનિકો યુક્રેનના અને ૧૨ લાખ જેટલા રશિયાના સૈનિકોનો સમાવેશ થાય છે.

યુએનએચસીઆરના અહેવાલ પ્રમાણે બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપમાં સૌથી મોટું શરણાર્થી સંકટ ઊભું થયું છે. 

આ યુદ્ધના કારણે યુક્રેનના અંદાજે ૬૦ લાખ લોકો વિદેશમાં શરણ લેવા મજબૂર બન્યા છે. બીજી તરફ દેશમાં જ ૪૦ લાખ કરતા વધારે લોકો ઘરબાર વગરના થઈ ગયા છે. તેઓ પોતાના જ દેશમાં વિસ્થાપિત થઈ ગયા છે. અનેક પરિવારો વિખરાઈ ગયા છે. 

સામાજિક માળખું હચમચી ગયું છે. તે ઉપરાંત જે દેશોમાં શરણાર્થીઓ પહોંચ્યા છે ત્યાં પણ સામાજિક, આર્થિક અને રાજકીય અસરો જોવા મળી રહી છે. ત્યાં દબાણ વધ્યું છે. 

એક મોટું માનવ સંકટ ઊભું થયું છે. યુએન જણાવે છે કે, હાલની તારીખો પણ યુક્રેનમાં ૧.૩૦ કરોડ કરતા વધારે લોકોને તાત્કાલિક માનવીય સહાયની જરૂર છે. અહીંયા યુદ્ધના પગલે લાખો મકાનો ધ્વસ્ત થઈ ગયા છે. વીજળીની સેવાઓ નાશ પામી છે. અનેક વિસ્તારોમાં હોસ્પિટલો, શાળાઓ, ઈમારતો અને વિશાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નાશ પામ્યા છે. લોકોને ભોજનની, પાણીની, વીજળીની, જીવન જરૂરિયાતની વસ્તુઓની મોટાપાયે અછત વર્તાઈ રહી છે. શિયાળા દરમિયાન વીજળીની અછતને પગલે સ્થિતિ વધારે કફોડી બની ગઈ છે.

ચાર વર્ષના આ યુદ્ધમાં રશિયાને પણ વ્યાપક નુકસાન ભોગવવું જ પડયું છે 

મહત્ત્વની વાત એ છે કે, યુદ્ધના કારણે યુક્રેનમાં જ નુકસાન થયું છે તેવું નથી. રશિયાને પણ વ્યાપક નુકસાન ભોગવવું પડયું છે. અમેરિકન અને યુરોપિયન એજન્સીઓના મતે રશિયામાં પણ ૧૨ લાખની આસપાસ સૈનિકોના મોત થયા છે અને તેમને ઈજા પહોંચી છે. તેમાંથી ૩ લાખ જેટલા સૈનિકોના મોત થયાની અધિકારિક પુષ્ટી મળે છે. બીજી તરફ જાણકારો માને છે કે, બંને દેશોમાં માનવ ખુવારીનો આંકડો ઘણો મોટો છે જે કદાચ સામે આવ્યો નથી અને કદાચ આવશે પણ નહીં. બીજા વિશ્વ યુદ્ધ પછી રશિયાનો આ સૌથી મોટો ઘાતક સૈન્ય સંઘર્ષ છે. બીજી તરફ એવું પણ છે કે, યુક્રેનની સરખામણીએ રશિયામાં નાગરિકોની જાનહાની ઓછી થઈ છે. બેલગોરોદ અને કુર્સ્ક જેવા સરહદી વિસ્તારોમાં ડ્રોન હુમલા અને હવાઈ હુમલાના કારણે નાગરિકોનાં મોત વધારે થયા હોવાના અહેવાલ છે. રશિયામાં હજારો લોકો યુદ્ધનો વિરોધ કરવા માટે દેખાવો કરતા હતા જેના કારણે તેમન ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે સૈન્યને બદનામ કરવાનો અને સેન્સરશિપ કાયદાનો ઉપયોગ કરીને બધાને જેલમાં ધકેલી દેવાયા છે. બીજી તરફ એક અંદાજ એવો છે કે, ૨૦૨૨થી અત્યાર સુધીમાં ૧૦ લાખની આસપાસ રશિયાન નાગરિકો દેશ છોડીને બીજે જતા રહ્યા છે. ખાસ કરીને સપ્ટેમ્બર ૨૦૨૨માં પુતિને પાર્શિયલ મોબિલાઈઝેશનની જાહેરાત કરી હતી ત્યારે વ્યાપક માઈગ્રેશન થયું હતું. જ્યોર્જિયા, કઝાખસ્તાન, આર્મેનિયા અને યુરોપીયન યૂનિયનમાં મોટી સંખ્યામાં પ્રોફેશનલ્સ, શિક્ષકો અને બીજા સેક્ટરના જાણકારો પલાયન કરી ગયા છે. જાણકારો માને છે કે, રશિયામાં પહેલેથી જ વસતી ઓછી છે અને યુદ્ધના કારણે મોટું માનવ સંકટ અને શ્રમ સંકટ ઊભું થયું છે. આગામી સમયમાં સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. ચાર વર્ષનું આ યુદ્ધ માત્ર બે દેશો વચ્ચેનું જ નહોતું પણ તેના કારણે સમગ્ર વિશ્વમાં અસર જોવા મળી છે. તેની ગ્લોબલ જિયોપોલિટિકલ અસર જોવા મળી છે. હજારો લોકોનાં મોત, લાખો સૈનિકોના મોત, કોરોડ લોકોનું સ્થળાંતર, લાખો લોકોનું વિસ્થાપન. વાસ્તવિક આંકડા નાના છે પણ બંને દેશોમાં તેની અસર ખૂબ જ વ્યાપક છે. આધુનિક યુરોપના ઈતિહાસમાં આ યુદ્ધ સૌથી ભયાનક અને માનવીય સંકટ ઊભું કરનારું રહ્યું છે.